Saturday, June 24, 2017

દિવ્યા ભારતી (૨)




દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (2)


દિવ્યા ભારતી વિશે શાહરૂખ ખાનના જીવન ચરિત્ર ‘કિંગ ઓફ બોલીવુડ એન્ડ ધી સિડક્ટિવ વર્લ્ડ ઓફ ઇન્ડિયન સિનેમા’ માં નામજોગ કોઇ ઉલ્લેખ નથી! આ અજુગતું નથી લાગતું? એ પુસ્તકનાં લેખિકા અનુપમા ચોપ્રાએ તેના અંતભાગમાં કયું નામ કયા પાના ઉપર છે તેની યાદી આપેલી છે અને તે જુઓ તો તેમાં દિવ્યાનું નામ કોઇ પેજ પર હોય એવું દર્શાવાયું નથી. જે બુકના ટાઇટલ કવર પર ખુદ શાહરૂખે એમ લખ્યું હોય કે “જે કોઇ આ પુસ્તક વાંચશે તે બોલીવુડ વિશે સ્પષ્ટ અને ઊંડી સમજ મેળવશે અને અલબત્ત, મારા વિશે પણ.” એવી લગભગ ઓથેન્ટિક કહી શકાય એવી જીવનકથાના આલેખનમાં પોતાની પ્રથમ અને સુપર હિટ ફિલ્મની હીરોઇનનું નામ પણ ના હોય? બીજી રીતે, એટલે  કે પ્રથમ સાઇન કરેલા પ્રોજેક્ટની રીતે, જુઓ તો પણ દિવ્યાનું નામ હોવું જ જોઇતું હતું. 


દિવ્યા સાથે શાહરૂખની પ્રથમ રિલીઝ ફિલ્મ ભલે ‘દીવાના’ હતી, પણ તેની સાઇન કરેલી પહેલી ફિલ્મ તો હેમા માલિનીની ‘દિલ આશના હૈ’ હતી અને તેમાં પણ સાથે દિવ્યા ભારતી જ હતી. તો શું કારણ હશે કે અનુપમા ચોપ્રાએ શરૂઆતનાં આઠ પાનાં ભરીને પુસ્તકમાં આવતાં અગત્યનાં પાત્રોનો ટૂંક પરિચય આપ્યો છે, તેમાં ‘દિવ્યા ભારતી’ નામનું કોઇ કેરેક્ટર નથી દર્શાવાયું. હાલાંકિ, તેમાં અબુ સાલેમ જેવા અંડરવર્લ્ડ ડોનનો પરિચય જરૂર છે. એ પુસ્તકનાં છેલ્લાં દસ પાનાંમાં આવતી ઇન્ડેક્સમાં પણ (એટલે કે રેસમાં પાછળ રહેતા ઘોડાને મળે એવા ‘ઓનરેબલ મેન્શન’માં પણ!) શાહરૂખની આ પ્રથમ હીરોઇનનું નામનિશાન ન હોય એ કારણ વગર તો ન જ બને. તે પુસ્તકનાં લેખિકા અનુપમાજી પણ મશહૂર નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપ્રાનાં પત્ની હોવા ઉપરાંત નવી રિલીઝ થતી ફિલ્મોના નિયમિત રિવ્યૂ કરનાર સિધ્ધહસ્ત પત્રકાર છે. તો એમ થવા દેવાનું શાહરૂખ માટે કોઇ કારણ હશે?


અનુપમા (ચંદ્રા) ચોપ્રા
એ પુસ્તક આવ્યું ૨૦૦૭માં, ત્યારે આ મુદ્દાની દબી દબી ચર્ચા મીડિયામાં થઈને શમી ગઈ હતી. એટલે શાહરૂખને અન્યાય ના કરી બેસીએ તે માટે દિવ્યા ભારતી વિશેનો તેનો પોતાનો અભિપ્રાય પણ જાણવો જરૂરી બને. શાહરૂખે તે પછી, ૨૦૧૧ના એક ટીવી ઇન્ટરવ્યૂમાં દિવ્યા માટે કહ્યું છે કે ‘શી વોઝ સ્ટનિંગ, એઝ એન એક્ટ્રેસ!’ આમ, એ પ્રશંસા માત્ર દિવ્યાના રૂપની નહોતી; એક ચપટી વગાડતામાં સીનને સમજીને કરી દે એવો પણ ‘એસઆરકે’નો એ અભિપ્રાય છે. દિવ્યા જે રીતે કેમેરા ચાલુ થતાં, ડાયરેક્ટરે જેવાં કહ્યાં હોય એવાં એક્સપ્રેશન્સ સાથે એક્ટિંગ કરવા માંડે, તેનાથી શાહરૂખ જેવા નાટકોમાંથી આવેલા અને લાંબો સમય કેરેક્ટરમાં રહેવા ટેવાયેલા અભિનેતા(ઓ)ને રિહર્સલમાં તાલમેલના પ્રશ્નો થયા હોય તો નવાઇ નહીં. દિવ્યા સાચા અર્થમાં ‘સ્વિચ ઑન’ અભિનેત્રી હતી, તેનો વધુ એક પુરાવો ‘શોલા ઔર શબનમ’ના એક ગાયનમાં ડેવિડ ધવનને પણ થઈ ગયો હતો.


‘શોલા ઔર શબનમ’ના એક ગીત “તુ પ્રેમી પાગલ આવારા...”નું આઉટડોર  શૂટિંગ ચાલતું હતું. તેની તૈયારી માટે કેમેરા, રિફ્લેક્ટર્સ વગેરે બધું ગોઠવાતું હતું, ત્યારે દિવ્યા ફ્રી બેઠેલા યુનિટના છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. પણ જેવા ડાન્સ ડિરેક્ટર સ્ટેપ્સ બતાવવા બોલાવે, તરત દિવ્યા જઈને એક જ વખતમાં તેનું અનુકરણ કરી બતાવે અને ફટાફટ શૉટ ઓકે થાય. રમત-ગમતનો એ મૂડ શરૂઆતના મસ્તીવાળા અંતરાઓ માટે બરાબર હતો. પરંતુ, ત્રીજા અંતરામાં નાચવાનું નહોતું. તેના શબ્દો આવા ગંભીર હતા, “તુ રૂઠા તો રૂઠ કે ઇતની દૂર ચલી જાઉંગી, સારી ઉમ્ર પુકારે ફિર ભી લૌટ કે ના આઉંગી...” . હવે એવા સીનનું શૂટિંગ કરાય તે પહેલાં ગેલ-ગમ્મતવાળા મૂડમાં રહેવાનું હીરોઇન માટે જોખમી થઈ શકે. ડેવિડ ધવને ખેલ-કૂદ બંધ કરવાનું કહ્યું. પણ માને કોણ? ઉલટાનું દિવ્યાએ તો ચેલેન્જ કરી.





“જો આ સીનમાં એક્સપ્રેશન્સ બરાબર ના આવે તો આ પિક્ચર જ શું કામ? હું ફિલ્મ લાઇન જ છોડી દઈશ”. એ પડકાર સાથે પોતાની મસ્તી-મજાક ચાલુ જ રાખી. જેવો શૉટ માટે કૉલ થયો અને કેમેરા રોલ થયો એટલે ડેવિડ ‘એક્શન’ બોલ્યા. તેની સાથે જ દિવ્યાની સિરિયસ એક્ટિંગ શરૂ થઈ. ફટાફટ શૉટ્સ ઓકે થતા ગયા. આજે પણ એ ગાયન ‘યુ ટ્યુબ’ પર ઉપલબ્ધ છે અને નેવું લાખથી વધુ લોકોએ તે જોયું છે. તેમાં ત્રીજા અંતરાના એ શબ્દોનો અભિનય જોજો અને શાહરૂખ, ગોવિન્દા અને ડેવિડ ધવન જેવા સૌ તેને ‘સ્પોન્ટેનિયસ એક્ટ્રેસ’ (સ્વયંસ્ફૂર્ત અભિનેત્રી) કેમ કહે છે એ સમજાઇ જશે. પરંતુ, કદાચ એ અભિનયને ‘સ્વિચ ઓન’ કરી શકવાની પોતાની તાકાત પર વધારે પડતો વિશ્વાસ જ દિવ્યા માટે શરૂઆતમાં માઇનસ પોઇન્ટ બન્યો હશે. દિવ્યા વિશે જગજાહેર છે એમ, તે એક ચુલબુલી અભિનેત્રી હતી, જેની કરિયર સાવ નાની એટલે કે સગીર વયે શરૂ થઈ ગઈ હતી.

તેથી શરૂઆતમાં સ્વાભાવિક રીતે જ, દુનિયાદારીની ગંભીરતા હજી આવી નહોતી. વળી, તે ઇન્શ્યુરન્સ ઓફિસર ઓમપ્રકાશ ભારતીના એક સુખી પરિવારની દીકરી હતી. ભારતી સાહેબ મિત્રોમાં ‘ઓપી’ના નામે ઓળખાતા અને દિવ્યા તેમના બીજા લગ્નનું પ્રથમ સંતાન હતી. તેમના પહેલા મેરેજથી પૂનમ નામની દીકરી હતી. દિવ્યાની એ અર્ધભગિની પૂનમ ક્યાં છે? શું કરે છે? અથવા ‘ઓપી’એ શાથી બીજી વાર લગ્ન કરવાં પડ્યાં એ અંગે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. (ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે ‘ઓપી’ને પ્રથમ લગ્નથી બે બાળકો થયાં હતાં.) પણ, આપણી નિસબત દિવ્યા સાથે છે, જેને નાનપણથી ભણવાનું કે હોમવર્ક કરવાનું અને ખાસ તો પરીક્ષાઓ આપવાનું ગમતું નહોતું. ઇવન વાંચવાનો એટલો તો કંટાળો આવતો કે મમ્મી મીતા ભારતીને તેમાં પણ મદદ કરવી પડતી!

મીતાજીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું છે કે ‘સ્કૂલના અભ્યાસનું વાંચવા માટે તે મારા પર આધાર રાખતી.’ મતલબ કે કોઇ નિરસ વિષય હોય તો મમ્મીએ તે પાઠ કે ગાઇડમાંથી સવાલોના જવાબ મોટેથી વાંચવાના અને ‘પ્રિન્સેસ’ દિવ્યા સાંભળીને પરીક્ષાની તૈયારી કરે. પાઠના સમગ્ર પઠન દરમિયાન ‘શ્રોતા’ ઘણીવાર ‘સોતા’ બની જાય! જાગતા રહેવાની કોઇ ગેરંટી નહીં. ક્યારેક એવું પણ બને કે મીતાજી પાઠ વાંચતાં હોય અને ફિલ્મો જોવાની શોખીન દીકરી આયના સામે પોતાનું રૂપ નિહારતી વિવિધ પોઝ આપતી હોય કે કોઇ ગીતના ડાન્સ સ્ટેપ પણ કરતી હોય. તે સિવાયનો મોટાભાગનો સમય દિવ્યા પોતાના એક માત્ર નાના ભાઇ કુણાલ સાથે રમવામાં અને ધીંગા-મસ્તીમાં જ વિતાવે. એવામાં એક પિક્ચરની વીડિયો કેસેટ લેવા એ સ્થાનિક કેસેટ લાયબ્રેરીમાં ગઈ. એ દિવસો હતા ૮૦ના દાયકાનાં છેલ્લાં વર્ષોના, જ્યારે ઘરમાં વીડિયો પ્લેયર પર પિક્ચર જોવાતાં. તેને માટે ભાડાની કેસેટ લાવવી પડતી. દિવ્યાને ત્યાં વાત કરતી જોઇને ત્યાં હાજર એક વ્યક્તિને તે હીરોઇન મટિરિયલ લાગી. તે હતા ગોવિંદાના ભાઇ કીર્તિકુમાર. તેમણે ઓફર મૂકી. તેમની અગાઉ નંદુ તોલાનીએ પણ પેશકશ કરી જોઇ હતી. તે તો નજીકના બિલ્ડિંગમાં રહે અને સિનેમાના ધંધામાં વ્યસ્ત પણ નિર્માતા થવા આતૂર એવા પાડોશી.

નંદુ તોલાનીએ પછી તો રાજેશ ખન્ના અને જુહી ચાવલા સાથે ‘સ્વર્ગ’, ગોવિન્દા જોડે ‘બનારસી બાબુ’ અને અનિલ કપૂર તથા શ્રીદેવીની જોડીવાળી ‘મિસ્ટર બેચારા’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેમણે શરૂઆતમાં ‘યાદ રખેગી દુનિયા’ બનાવી ત્યારે તેમાં રૂખસાર નામની અભિનેત્રીને ઇન્ટ્રોડ્યુસ કરી હતી. શું તે પોતાના એ પ્રોજેક્ટ માટે દિવ્યાને ઓફર કરતા હતા? તેનો અંદાજ જ મૂકવાનો રહે. કેમ કે ૧૯૭૪ની ૨૫મી ફેબ્રુઆરીએ જન્મેલી દિવ્યા, ત્યારે ૧૯૮૮માં તો હજી ૧૪ વરસની કિશોરી જ હતી. પરંતુ, આકર્ષક ચહેરો અને તંદુરસ્ત કદ-કાઠીને લીધે એ ધ્યાન તરત ખેંચતી. વળી, કેટલાક એંગલથી એ ત્યારની સુપરસ્ટાર હીરોઇન શ્રીદેવીની  નાની આવૃત્તિ જેવી દેખાતી હોઇ મુંબઈમાં ઓફર્સ આવવી તો સ્વાભાવિક હતી.

ઓફર્સ વધવા માંડી ત્યારે પિક્ચરો કરશે તો તેના ભણવાનું શું થશે; તેની ઘરમાં ચિંતા થવી સ્વાભાવિક હતી. જ્યાં દિવ્યા ભણતી હતી તે માણેકજી કૂપર સ્કૂલ ભારે પ્રતિષ્ઠિત શાળા. તેમાં તે ભણતી તે અરસામાં   તેની સાથે ફરહાન અખ્તર  અને રાની મુકરજી જેવાં ફિલ્મી પરિવારોનાં બાળકો ભણતાં હતાં. એ સ્કૂલ છોડ્યા પછી પરત ત્યાં દાખલ થવું મુશ્કેલ હતું. એક વાર દિવ્યાને ખબર પડી કે એક્ટ્રેસ બનશે તો પછી સ્કૂલ જવાનું બંધ થઈ જશે, તો તેને માટે એ આકર્ષણ સૌથી મોટું થયું! (અહીં હાસ્યલેખક અને મિત્ર અશોક દવેએ એકવાર ક્રિકેટર્સ અમરનાથ બ્રધર્સ વિશે લખતાં તેમના પિતા લાલા અમરનાથના ટાંકેલા શબ્દો યાદ આવી જાય છે. દાદુએ લખ્યું હતું કે લાલા પોતાના દીકરાઓ મોહિન્દર અને સુરિન્દરને નાનપણમાં કહેતા, “રમો, સરખું ક્રિકેટ રમો... નહીં રમો તો ભણવું પડશે”!!) દિવ્યાની કોઇ મોટી મહત્વાકાંક્ષા નહોતી. તેને માટે તો એકાદ-બે ફિલ્મો કરવાથી સ્કૂલે જવાનું બંધ થઈ જાય એ જ પૂરતું  આકર્ષણ હતું!

એટલે દિલીપ શંકરની ‘ગુનાહોં કા દેવતા’ માટે જ્યારે માતા-પિતાએ સંમતિ આપી, ત્યારે આનંદ માતો નહતો. પરંતુ, જ્યારે કીર્તિકુમારે ઓફર કરી, ત્યારે એ પ્રોડક્શનનું બેનર અને સ્કેલ અલગ લેવલનાં હતાં. કીર્તિને જ્યારે ખબર પડી કે દિવ્યા અન્ય નિર્દેશક દિલીપ શંકર સાથે કરારથી જોડાયેલી છે, ત્યારે તેના ઉપર એક્સક્લૂસિવ અધિકાર માટે પપ્પા ઓ.પી. ભારતીને વિનંતિ કરી. કેમ કે દિવ્યા સગીર વયની હોવાથી માતાપિતાએ જ નિર્ણય લેવાનો હતો. તેમણે કીર્તિને કહ્યું કે જો દિલીપ શંકર મુક્ત કરવા તૈયાર હોય તો તેમની સાથે કોન્ટ્રાક્ટ કરી શકાય. કીર્તિકુમાર જાતે ગયા અને દિલીપ શંકરને ગમે તેમ કરીને સમજાવ્યા. છેવટે દિવ્યા એ કોન્ટ્રાક્ટમાંથી રિલિઝ થઇ અને ‘રાધા કા સંગમ’ માટે સાઇન થઈ. એટલે સ્કૂલમાં ભણવા કરતાં એ અલગ અને મઝાની જિંદગી હતી. માબાપને પણ લાગ્યું કે ચાલો કોઇક રીતે તો છોકરી માત્ર ખેલ-કૂદને બદલે જિંદગીમાં કશુંક નક્કર કરવાની દિશામાં આગળ વધી રહી છે. ત્યાં એક દિવસ સમાચાર આવ્યા કે કીર્તિ કુમારે ‘રાધા કા સંગમ’માંથી દિવ્યા ભારતીને કાઢીને જુહી ચાવલાને લીધી છે! ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી થઈ ગઈ. દિવ્યાના ઘરમાં ઘોર નિરાશા થઈ. પણ, કીર્તિકુમાર પાસે ચોક્કસ કારણો હતાં. (વધુ આવતા અંકે)    

    








   




Saturday, June 17, 2017

દિવ્યા ભારતી (૧)








આજે ૧૮મી જૂન. ફિલમની ચિલમકોલમ અમારા પારિવારિક સાપ્તાહિક આનંદ એક્સપ્રેસમાંથી સંદેશમાં શરૂ થઈ ૧૮મી જૂન ૧૯૭૮ના દિવસે અને તે જ દિવસે હસમુખ ઠક્કરે લેખન માટે પોતાનું નવું નામ પાડ્યું સલિલ દલાલ’. એ રીતે આજે સલિલભાઇની ૪૦મી વર્ષગાંઠ છે. પંચાંગના સંજોગો એવા છે કે ૩૯ વરસ પછી પણ રવિવાર છે. એ જ ફિલમની ચિલમને દિવ્ય ભાસ્કરની અત્યંત લોકપ્રિય ઓનલાઇન એડિશનમાં મિત્ર અને સંપાદક મનીષ મહેતા તથા તેમની ટીમ શરૂ કરી રહ્યા હોય ત્યારે હેપ્પી બર્થડેની આનાથી સારી ભેટ બીજી કઈ હોઇ શકે? મનીષે તો જાન્યુઆરીની મારી ભારત મુલાકાત વખતે આ દરખાસ્ત કરી જ હતી. અમે નવભારત સાહિત્ય મંદિરના જયેશભાઇના દીકરા વિરાંગના લગ્નના રિસેપ્શનમાં ભેગા થયા અને ત્યારે ચર્ચા કરી હતી કે સ્મિતા પાટીલ, મીનાકુમારી વગેરેની લેખશ્રેણી જેવું કશુંક કરી શકાય?

છેવટે એક જૂના પિક્ચરમાં કોમેડિયન આગા કહે છે એમ, “જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈએ ન્યાયે વર્ષની શરૂઆતનો એ તણખો આજે જન્મદિને ચિલમને પેટાવી ગયો. જો કે મનીષભાઇનો વધારે આભાર એટલા માટે કે તેમની દિવ્યઅંજલિને લીધે માત્ર કોલમ જ નહીં, હવે મારો બ્લોગ પણ પુનર્જીવન પામી રહ્યો છે. પરમ મિત્ર ઉર્વીશ કોઠારીના માર્ગદર્શન હેઠળ અને મારા દીકરાઓ સ્વપ્નિલ અને સનીની મદદથી ૨૦૧૨ના મે માસમાં સલિલ કી મેહફિલનામે બ્લોગ શરૂ કર્યો હતો. તે ત્રણેક વરસ નિયમિત લખ્યો. પણ દરેક લેખ સાજ-સજાવટ વગર નહીં મૂકવાની મારી અંગત જીદ. કેમ કે ‘‘લોટ પાણીને લાકડાંવાળાં ઉતાવળિયાં ભજીયાં અમારી દુકાને કદી બનાવ્યાં નહોતાં, તો આ તો લાખો વાચકોને પહોંચવાની સામગ્રી! એવી મહેનતનો પોતાનામાં અભાવ વર્તાતાં ૨૦૧૫ના અંતભાગમાં મેં બ્લોગને વિરામ આપ્યો. (મેં એક કરતાં વધુ વખત કહ્યું જ છે કે હું Show must go onમાં નથી માનતો. હું Show should go onમાં માનું છું!)

એટલે હવે ફરીથી બ્લોગને પણ કાર્યાન્વિત કરી રહ્યો છું, ત્યારે ફેસબુકની જેમ અહીંથી પણ વિશ્વભરના વાચકો સાથે પુનઃ જોડાવાનું શક્ય બની રહ્યું છે. પણ તેનો આનંદ લાખો ગણો વધે છે દિવ્યભાસ્કર.કોમ સાથે જોડાવાથી. કેમ કે દિવ્ય ભાસ્કરની આ ઓનલાઇન એડિશનને ફેસબુક પર અત્યારે 2,697,422 (અંકે છવ્વીસ લાખ સત્તાણુ હજાર ચારસો બાવીસ!) ફોલો કરી કહ્યા છે અને રોજે રોજ એ આંકડો વધતો જ જાય છે. તેથી આજે ઇન્ટરનેટ અને વેબ દ્વારા આટલા વિશાળ ફલક પર દુનિયાભરના ગુજરાતી વાચક મિત્રો સાથે પાછા મળવાની ખુશી એવી જ છે, જેવી ૧૮મી જૂન ૧૯૭૮ના રવિવારે પહેલી વખત ફિલમની ચિલમઆણંદથી નીકળીને ગુજરાત કક્ષાએ પ્રગટી ત્યારે હતી. હવેની ચિલમમાં વર્તમાન ફિલ્મી દુનિયા વિશે લખવા કરતાં સિનેમા મારફત આપણા સૌનું મનોરંજન કરાવનાર કલાકારોને યાદ કરવાનું વધુ રહેવાનું છે, બે-ત્રણ કારણસર.

એક તો આજે ઇન્ટરનેટ, ટીવી વગેરેને કારણે સિનેમાની ઘટનાઓ તો ઠીક ગોસીપ પણ ઇસી મિનિટે દરેકને મળી શકે છે. બીજું અને મહત્વનું કારણ એ પણ ખરું કે ગુજરાતીમાં ફિલ્મો વિશે લખનારા દોસ્તો પછી એ દિવ્ય ભાસ્કરમાં શૈલેન્દ્ર વાઘેલા હોય કે સંદેશમાં શિશિર રામાવત કે પછી ગુજરાત સમાચારમાં મિત્ર પ્રણવ અધ્યારુ અને ખબરછેડોટકોમમાં આગવી પ્રતિભા દેખાડનાર અંકિત દેસાઇ એ સૌ પોતપોતાની આગવી રીતે તેજસ્વી કલમકારો છે. એટલું જ નહીં, ફેસબુક પર નવી ફિલ્મોના રિવ્યુ એટલા તરત અને સરસ સરસ આવતા હોય છે કે ઘણીવાર અહીં મોંઘા ડોલરની ટિકિટોના ખર્ચા બચી જાય છે. જય વસાવડાના ફિલ્મો વિશેના લેખો વિસ્તૃત જાણકારીથી ભરપૂર હોય છે. જયેશ અધ્યારુના હ્યુમરસ રિવ્યૂનો તો હું રીતસરનો બંધાણી છું. એ બધું વાંચતાં મને વર્ષો સુધી ચિલમમાં જગ્યાના અભાવે કરવા પડેલા ચાર-પાંચ લીટીના ઉપલક રિવ્યુ લખતી વખતે આવેલા આનંદથી પણ વધુ મોજ આવે છે. ટૂંકમાં, સિનેમા વિશેનાં પ્રવર્તમાન લખાણોની સૌથી મોટી વાત એવી આશાસ્પદ છે કે કેટલાક યંગસ્ટર્સના ભાષાકર્મને જોતાં ગુજરાતી ભાષાના ભાવિની એટલી બધી ચિંતા કરવાનું મેં તો ક્યારનું છોડી દીધું છે!

ત્રીજું કારણ એ પણ ખરું કે અત્યારે ફિલ્મ જેવા માધ્યમ પર કલમ ચલાવતા સૌએ હવે દર વર્ષે વટ કે સાથ આવતા સંખ્યાબંધ ટેલેન્ટેડ કલાકારોનો ટ્રેક રાખવાનું અઘરું કામ કરવાનું હોય છે. દાખલા તરીકે નામ શલ્મલિ ખોડઘડે આવે અને માથું ખંજવાળવું ન પડે એટલા ખબરદાર રહેવું પડે. એ નામ તો, બાય ધી વે, એક લોકપ્રિય સિંગરનું છે જે બલમ પિચકારી...અને બેબી કો બેસ પસંદ હૈજેવાં ગાયનોનાં સહગાયિકાનું છે. આવી વિગતો ખણખોદ કરીએ ત્યારે જ ખબર પડતી હોય, ત્યારે સમજુ સિનિયર NRI કોલમિસ્ટે સ્મૃતિઓની સહેલગાહે નીકળવાનો આનંદ લેવો અને વહેંચવો જોઇએ. (આમેય સિનેમાનું લખતાં એટલી સમજણ તો આવવી જ જોઇએ કે ઉંમરના એક પડાવ પછી બાગબાનનો રોલ કરાય... ડૉનનો નહીં!) એ સ્મૃતિઓની એ દાસ્તાનો વહેંચવામાં સંદેશ’, ‘ગુજરાત સમાચારઅને દિવ્ય ભાસ્કરજેવાં ગુજરાતનાં સૌથી માતબર દૈનિકોમાં અને મુંબઈનાં અખબારો મુંબઈ સમાચારઅને મીડડેમાં લખવાને કારણે વાચકો સાથે એક અનોખું બંધન થયું છે તે કામ લાગશે.

દિવ્ય ભાસ્કરના તો પ્રથમ અંકથી જોડાવાનું બનેલું. તેની એડવાન્સ પબ્લિસિટીનાં બોર્ડ અમદાવાદનાં અગત્યનાં સ્થળોએ લાગ્યાં ત્યારે ચંદ્રકાન્ત બક્ષી, કાન્તિ ભટ્ટની સાથે સલિલ દલાલનું નામ પણ એ બોર્ડમાં સ્ટાર રાઇટર તરીકે હતું. એવા દૌરમાંથી ગુજર્યા પછી ૨૦૦૮માં કેનેડા શિફ્ટ થતાં ગુજરાતના વાચકો સાથે એટલા વિશાળ પાયે સંપર્કમાં રહી શકાયું નહોતું. આજે ફરી એકવાર વેબની દુનિયા મારફત ગુજરાત કે ભારતના જ નહીં, divyabhaskar.comના દુનિયાભરમાં ફેલાયેલા લાખો 
વાચક મિત્રો સાથે જોડાતી વખતે એક નર્વસ નવોદિતની લાગણીથી છલોછલ છું.

યાદોની આ સહેલગાહમાં હંમેશની માફક એક સારા ટુરિસ્ટ ગાઇડની ભૂમિકા  મારા મનમાં છે, જે તાજમહાલ જોવા જતી વખતે રસ્તામાં આવતી બીજી ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ બતાવતા જાય. બીજી રીતે કહું તો સીધે સીધી ચાર કે છ શેરની ગઝલ ગાઇ નાખતા સિંગર નહીં પણ મારા અતિપ્રિય ગઝલ-ગાયક જગજીતસિંગની લાઇવ કોન્સર્ટની મારી વર્ષોની શૈલી છે. તેમાં આલાપ કરવો, વચમાં હળવી વાત પણ કરવી, તક મળે તો તરાનાની વેરાયટી કરવી એ બધું પણ હોય. હવે તેમાં બદલાવની કોઇ ગુંજાયેશ પણ નથી અને આ ઉંમરે એ શક્ય નથી. પેલા શાયરના શબ્દોનો સહારો લઈને આટલું જ કહીશ,

તુ કહે તો ઉન્વાન (શિર્ષક) બદલ દું, લેકિન,
ઇક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે

એટલે આપણી મહેફિલમાં કલાકારો કે ફિલ્મો અને તેમની આસપાસની વિગતો તમે જાણતા હો તો પણ તેને યાદ કરવાનો આનંદ સહિયારો કરીશું. એક જ માહિતીને અલગ દ્દષ્ટિકોણથી બતાવાય તો એનું મૂલ્ય પણ જુદું હોય. નિયમિત વાચકો જાણે છે એમ, આટલાં વર્ષોના લેખનમાં જે એક વાત મેં નજર સમક્ષ રાખી છે તે એ કે મારા વાચકોમાં મારાથી ઘણું વધારે જાણનારા લોકો પણ હોય છે જ. એટલે વ્યાસપીઠ પરથી જ્ઞાન પીરસતા કોઇ મહાજ્ઞાનીને બદલે એકત્ર કરેલી વિગતોને કોલેજ કેન્ટિનમાં કે પોળના નાકે (મારા મંતવ્ય/મારી દ્દષ્ટિના ઉમેરા સાથે) મિત્રોમાં વહેંચવાનો જે અભિગમ ૪૦ વરસથી રાખ્યો છે તે જ હજી પણ યથાવત છે અને રહેશે. એ કરવામાં લોટ પાણી ને લાકડાંવાળો ઘાણ ન ઉતરી જાય એ જોવાની ગેરંટી સાથે..... ચાલો નીકળીએ સ્મરણોની સહેલગાહે!      

દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (૧)



૧૯૯૨ને આમ તો ૨૫ વરસ થયાં છે. છતાં હજી જાણે ગઈકાલની કે બહુ તો ગઈ સાલની જ વાત લાગે છે! એ રવિવારે ૨૬મી જાન્યુઆરીની રજા હતી અને પહેલા વીકમાં પિક્ચર જોઇ કાઢવાની ટેવને લીધે એ સપ્તાહે જ આવેલું
વિશ્વાત્મા જોવા ગયા હતા. નવી આવેલી અભિનેત્રી દિવ્યા ભારતી વિશ્વાત્માથી શરૂઆત કરવાની હતી. પણ એક બીક હતી. તેમાં મલ્ટી સ્ટારની ભીડ હતી અને તેને લીધે એ પોતાની નોંધ લેવડાવી શકશે કે કેમ એ ચિંતા હતી. આમ પણ જ્યાં સની દેઓલ, નસીરુદ્દીન શાહ, ચંકી પાન્ડે, અમરીશ પુરી જેવા અભિનેતાઓ હાજર હોય ત્યાં હીરોઇનને શોભામાં અભિવૃધ્ધિ કરવા સિવાય શું કરવાનું હોય. વળી, અહીં તો બીજી હીરોઇન સોનમ ડાયરેક્ટર રાજીવ રાયની માનીતી જ નહીં પત્ની હતી. સોનમ અને રાજીવ રાય ૧૯૯૧માં પરણી ગયાં હતાં. પણ રાજીવ રાયે કમાલ કરી. તેમણે જો સોનમને ત્રિદેવમાં ઓયે ઓયે.... તિરછી ટોપીવાલે, બાબુ ભોલે ભાલે... જેવું હીટ ગીત આપ્યું હતું; તો દિવ્યાને પણ ડાન્સનું એવું જ સુપરહીટ ગાયન સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ.... આપ્યું.

સાત સમુંદર પાર... જેવું શરૂ થયું અને હાઉસફુલ થિયેટરમાં જે તાળીઓ અને સીટીઓ વાગી તે સાંભળીને તમને થાય કે એક સ્ટારનો જન્મ થઈ રહ્યો છે! કારણ કે તેની શરૂઆતમાં આપણા વિજુ શાહનું કમ્પોઝ કરેલું મ્યુઝિક તો જબ્બર મઝા કરાવી જ રહ્યું હતું; પણ દિવ્યા ભારતીની સેક્સી અદાઓને પણ એટલી જ ચિચિયારીઓ મળી રહી હતી. દિવ્યાની એન્ટ્રી એ રીતે ધમાકેદાર રહી. મલ્ટિસ્ટાર ભીડમાં પણ એ બધાની પાછળ પાછળ ચમકી ઉઠી. એ ઓછું હોય એમ તે પછીના શુક્રવારે ૩૧મી જાન્યુઆરીએ દિવ્યાની બીજી ફિલ્મ દિલ કા ક્યા કસૂર રિલીઝ થઈ. તેમાં પૃથ્વી નામનો હીરો ઇન્ટ્રોડ્યુસ થતો હતો.  એ પછી લગભગ દર મહિને એક ની સરેરાશ સાથે પહેલા જ વર્ષે દિવ્યાની ૧૦ હિન્દી ફિલ્મો આવી; જે માત્ર હિન્દી સિનેમાનો જ નહીં વિશ્વની કોઇપણ ભાષાનો વિક્રમ છે. વિશ્વાસ ના પડતો હોય તો લિસ્ટ જ જોઇ લો... ફેબ્રુઆરીમાં શોલા ઔર શબનમ, તે પછીના મહિનાઓમાં જાન સે પ્યારા, જૂનમાં ૨૬મીએ દીવાના, સપ્ટેમ્બરમાં ૧૧મીએ બલવાન અને ૧૭મીએ દિલ હી તો હૈ, બીજી ઓક્ટોબરે દુશ્મન ઝમાના તથા ૨૩મીએ દિલ આશના હૈ  અને વીસમી નવેંબરે ગીત! જાણે તેના આગમનનાં એ વર્ષોમાં ધૂંઆધાર બેટિંગ કરતો સચિન તેન્દુલકર હોય એમ, એ વર્ષે ૧૯૯૨માં દિવ્યાનો ટિકિટબારીનો પરફોર્મન્સ પણ રેકોર્ડ કરવાની શક્યતાવાળો હતો. તે સાલની સૌથી વધુ કમાણી કરાવનારી ટોપ ટેન ફિલ્મોમાંની ત્રણમાં દિવ્યા ભારતી હોવાથી કોઇપણ નવોદિત હીરોઇન માટે પુનરાવર્તન કરવું  અઘરું પડે એવી એ સિધ્ધિ હતી.

તે સાલ દિવ્યાની સૌથી વધુ વકરો લાવનારી
દીવાના હતી. મઝા એ હતી કે ટોપ સ્ટારની રેસમાં માધુરી અને શ્રીદેવી વચ્ચે સાવ નવી દિવ્યા ભારતી ત્રિરંગી બરફીનો વચલો કલર હતી. કારણ, ધંધાની રીતે નંબર વન સાબિત થયેલી માધુરીની બેટા પછીના નંબરે દીવાના હતી અને ત્રીજા સ્થાને શ્રીદેવીની ખુદા ગવાહ હતી. આમ ક્વોન્ટિટી અને ક્વોલિટી બન્ને રીતે દિવ્યા લગભગ અવ્વલ હતી. હકીકતમાં તો બોક્સ ઓફિસ છલકાવી દેનારી દીવાના માટે એવી જ ઇન્તજારી હતી, જેવી વિશ્વાત્મા માટે હતી. કેમ કે દિવ્યાના જૂનમાં આવનારા એ પિક્ચરમાં તેની અને રીશી કપૂરની સામે આવતા નવા છોકરા શાહરૂખ ખાનનો એસિડ ટેસ્ટ હતો. એ પિચ્ચરમાં અમારો વિશેષ રસ એક અંગત કારણસર પણ હતો.

૯૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષો હતાં. હજી એક વરસ પહેલાં જૂન ૯૧માં જ મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવાયા હતા. તેમણે આર્થિક નીતિમાં આમૂલ પરિવર્તન લાવીને બજાર ખુલ્લું કરવા માંડ્યું હતું. તેથી મનોરંજન ક્ષેત્રે પણ  ઝી ટીવી જેવી ખાનગી ચેનલના ભણકારા વાગી રહ્યા હતા. દૂરદર્શનની મોનોપોલીના એ છેલ્લા દિવસો હતા. દૂરદર્શન પર ચિત્રહાર હોય કે વાગલે કી દુનિયા કે પછી ક્રિકેટ મેચનું પ્રસારણ અને તેની કોમેન્ટ્રી કે ટેનિસ ટુર્નામેન્ટમાં સ્ટેફી ગ્રાફ તથા મોનિકા સેલેસ જેવી ખૂબસુરત ખેલાડીઓની રમત હોય, મારી ટીવીની કોલમમાં દર અઠવાડિયે તેના રિવ્યૂ કરવાની મઝા અનેરી હતી. તે દિવસોમાં દૂરદર્શનનું નામ કોલમમાં ડીડીને બદલે દીદી પાડ્યું હતું.

દીદીની સારી શ્રેણીઓમાં એક ફૌજી પણ હતી. તેમાં બડી તરીકે લોકપ્રિય થયેલા એક્ટર શાહરૂખ ખાનનાં મેં કોલમમાં વારંવાર વખાણ કર્યાં હતાં. દીવાના તેનું એ પહેલું પિક્ચર હતું. જો ટીવીનો એ એક્ટર અરુણ ગોવિલની જેમ સિનેમાના મોટા પડદે રીશી કપૂર જેવા અભિનેતા સામે નહીં જામે, તો ભોંઠા તો નહીં પડાયને? પણ શાહરૂખની એન્ટ્રી ફિલ્મમાં ઇન્ટરવલ પછી થતી હોવા છતાં એ જોરદાર એન્ટ્રી હતી! કોઇ નિરાશ ન થયું. બલ્કે કોઇપણ એમ ન કહી શકે કે આ કોઇ નવોદિતનું પહેલું પિક્ચર હતું. ત્યાં સુધીમાં બહુ ઓછા, બલ્કે નહીંવત, એક્ટરોએ પોતાના પ્રથમ ચલચિત્રમાં એટલો આત્મવિશ્વાસ બતાવ્યો હતો, જેટલો શાહરૂખે દીવાનામાં બતાવ્યો હતો. શાહરૂખને કોઇ ન કોઇ ચાહિયે, પ્યાર કરને વાલા.... એ ગીત મોટર સાયકલ પર ગાતો જુઓ અને અંદાઝમાં જિંદગી ઇક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના... ગાતા રાજેશ ખન્ના કે પછી મુકદ્દર કા સિકંદરમાં રોતે હુએ આતે હૈં સબ, હંસતા હુઆ જો જાએગા, વો મુકદ્દર કા સિકંદર જાને મન કહલાયેગા... ગાતા અમિતાભ બચ્ચનની યાદ તાજી થઈ જાય એવું ડાયરેક્ટર રાજ કંવરનું એ પ્રેઝન્ટેશન હતું.

શાહરૂખની જેમ જ રાજ કંવરની પણ દીવાના પ્રથમ ફિલ્મ હતી. તે અગાઉ તેમણે સની દેઓલને એક વિશિષ્ટ ઇમેજ આપનારા સુપરહીટ ઘાયલમાં રાજકુમાર સંતોષીના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને તેમાં પડદા ઉપર એ પોતે દેખાયા પણ હતા.  દીવાના માટે રાજ કંવરે શરૂઆતથી મ્યુઝિકનું અલાયદું બજેટ રાખ્યું હતું. વળી, એક સફળ સ્ટાર રીશી કપૂરને પણ તેમની બજાર કિંમત આપવાની હોઇ તેમને પોતાની પ્રથમ રચના માટે ઓછા ખર્ચે મળે એવા કલાકારો લેવાના હતા અને તેથી શાહરૂખ તથા દિવ્યા બન્ને તેમાં ફીટ બેસતા હતા. રાજ કંવરે દીવાનામાં સંગીતકાર નદીમ-શ્રવણને લઈને અડધો જંગ જીતી લીધો હતો. એ સમય હતો નદીમ-શ્રવણનો સુવર્ણકાળ. માય ગોડ, કેવાં કેવાં આલબમ અને કેવાં કેવાં ગીતો! તે પણ કુમાર શાનુ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ વગેરે જેવા ફ્રેશ ગાયકોના અવાજ સાથે? નદીમ શ્રવણને પોતાની ધૂનો સહેજ ફેરફાર સાથે રિપિટ કરવાનો આક્ષેપ મૂકનારા પણ કાનને રસતરબોળ કરનારી તેમની તર્જોની સર્વોપરિતાને માને છે. દીવાનામાં દિવ્યા ભારતીને ભાગે આવેલાં ગાયનો હોય કે રીશી કપૂરને ફાળે આવેલાં અથવા શાહરૂખને મળેલાં ગીતો હોય, ક્યાંય મેલડીનો અભાવ નહીં.

દિવ્યા ભારતી સાથેનું રીશી કપૂરનું ગીત પાયલિયા.... તેરી પાયલિયા શોર મચાયે, નીંદ ચુરાયે, હોશ ઉડાયે, મુઝ કો પાસ બુલાએ રબ્બા હો... તે સમયે લોકપ્રિયતામાં ખાસ્સું આગળ રહ્યું હોય તો તેમાં એ બન્ને એક્ટર્સની ડાન્સની આવડતનો મોટો ફાળો હતો. એ જ રીતે શાહરૂખ જોડેના ગાયન ઐસી દીવાનગી દેખી નહીં કહીં... શરૂ થતામાં દિવ્યા કમરના ઠુમકે આખા થિયેટરમાંના સૌને રાજી રાજી કરી દે છે, તેમાં પણ નદીમ-શ્રવણને ફુલ માર્ક્સ આપવા જ પડે. એ ગાયન આજે યુ ટ્યુબ પર જોઇએ તો સમજાય કે શાહરૂખની બે હાથ પહોળા કરવાની સ્ટાઇલ પહેલી ફિલ્મથી જ પોતાની હતી.  એ જ રીતે ગીતકાર સમીરનો ફાળો પણ એટલો જ વિશિષ્ટ હતો. તેમને તે સાલ એ પિક્ચરના ગીત તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈં, અય સનમ હમ તો સિર્ફ તુમ સે પ્યાર કરતે હૈં... માટે સમીરને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મફેર પુરસ્કારોમાં તે વર્ષે દીવાના છવાઇ ગયું હતું. તેમાં નદીમ-શ્રવણ જ બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર ઠર્યા.

મઝાની વાત એ હતી કે દિવ્યાની એ બ્લોક-બસ્ટર ફિલ્મ નદીમ
શ્રવણ માટે તો હેટ્રિક સાબિત થઈ. કેમ કે તે અગાઉનાં બે વર્ષોમાં તેમને આશિકી અને સાજન માટે સળંગ બે વાર અડોઅડ (બેક ટુ બેક) શ્રેષ્ઠ સંગીતના ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દીવાના માટે જ દિવ્યા ભારતીને લક્સ ન્યૂ ફેસ ઓફ ધી યરનો પુરસ્કાર મળ્યો અને શાહરૂખને બેસ્ટ ડેબ્યુ (શ્રેષ્ઠ પ્રારંભ)નો! તે વર્ષે શાહરૂખ સાથેની બીજી એક ફિલ્મ દિલ આશના હૈ પણ હતી જેમાં હેમા માલિની પ્રથમ વખત દિગ્દર્શક બન્યાં હતાં. એ રીતે જુઓ તો એ બન્ને નવા કલાકારોની દોસ્તીને મજબૂત કરવી જોઇતી હતી. પરંતુ,, શું એવું થયું ખરું? કદાચ ના! કારણ કે શાહરૂખની જીવનકથાનું પુસ્તક કશુંક જુદું જ સૂચવી જાય છે. (વધુ આવતા અંકે)