Wednesday, June 27, 2012

ફિલમની ચિલમ... ૧૯૮૦ (ભાગ -૨)


ક્યા ૧૯૮૦ મેં ‘પ્યારા દુશ્મન’ કે હાથોં હો રહી થી ‘કુરબાની’? યા ફિર ‘અપને પરાયે’ મિલકર દે રહે થે, ‘ખુબસુરત’ સંગીત કી ‘આશા’? 


૧૯૮૦માં બોક્સ ઓફીસ ઉપર સૌથી હીટ સાબિત થયેલી ‘કુરબાની’નું સંગીત આપતાં કલ્યાણજી આણંદજીએ એ વાતે કદી અસુરક્ષિતતા ના મહેસુસ કરી કે તેમની ફિલ્મમાં સુપર હીટ થવાની શક્યતાવાળું એક ગાયન “આપ જૈસા કોઇ મેરી જિન્દગી મેં આયે, તો બાત બન જાયે…” કોઇ અન્ય મ્યુઝિક ડાયરેક્ટરના નિર્દેશનમાં નિર્માતા ફિરોઝખાન લઇ રહ્યા છે. પોતાની આવડત ઉપર વિશ્વાસ ધરાવનાર કોઇ પણ આર્ટીસ્ટ એવી અસલામતી ના અનુભવે. ‘કુરબાની’માં કલ્યાણજી આણંદજીએ વર્ષની ‘નંબર વન ફિલ્મ’ને શોભે એવાં ગાયનો તો આપ્યાં અને તે પણ ગાયકોની વિવિધતા સાથે!


તેમણે “ક્યા દેખતે હો? સુરત તુમ્હારી…”માં રફી – આશાના યુગલ સ્વર લીધા, તો “તુઝ પે કુર્બાં મેરી જાં…”માં કિશોરકુમાર અને અનવરની જોડી પાસે ગવડાવ્યું. અન્ય એક ગીત “લૈલા ઓ લૈલા, કૈસી તુ લૈલા…” માટે કિશોરદાના પુત્ર અમિતકુમાર અને કંચનને પસંદ કર્યાં. જ્યારે કંચન જોડે મનહર ઉધાસ અને આનંદકુમારને લઇને એ કવિતાને કંઠ અપાવ્યો, જેમાં પ્રેમની ઉત્કંઠાને એક નવી જ પરાકાષ્ટા સાથે કવિ ઇન્દીવરે પ્રસ્તુત કરી હતી. યાદ છે ને એ શબ્દો?... “હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે, મરનેવાલા કોઇ જિંદગી ચાહતા હો જૈસે…”! એટલાં બધાં હીટ ગાયનો વચ્ચે પણ આ ગાયને પોતાની એક આગવી જગ્યા બનાવી અને તે આજે પણ એટલું લોકપ્રિય છે, કે મનહર ઉધાસને તેમના સ્ટેજ કાર્યક્રમોમાં પણ તેની ફરમાઇશ નિયમિત મળતી રહે છે.

કલ્યાણજી આણંદજીની એ વિશેષતા રહી હતી, કે એ પ્રસ્થાપિત ગાયકોના મોહતાજ નહતા રહેતા. જો કે એ રફી, લતા, આશા, કિશોર અને મુકેશના ‘પંચ તત્વ’નું પુરેપુરું સન્માન જરૂર કરતા હતા. છતાં જ્યારે પણ તક મળી, તેમણે નવા અથવા તો ઓછા જાણીતા, ઓછા વ્યસ્ત કલાકારોને તક આપી હતી. 
તો તેમના એક સમયના સહાયક એવા લક્ષ્મીકાન્ત પ્યારેલાલે પણ ૧૯૮૦માં ‘આશા’ના ગીત “શીશા હો યા દિલ હો, આખિર ટૂટ જાતા હૈ…”થી લોકપ્રિયતાની દોડમાં જબરી છલાંગ લગાવી હતી. એ ગીત ‘એલ.પી.’ માટે જ નહીં પણ હીરોઇન રીનારોયની કરિયર માટે પણ એક માઇલસ્ટોન સાબિત થયું. ‘આશા’નું જ એક ભક્તિગાન “તુને મુઝે બુલાયા શેરાવાલીયે….” માતા વૈષ્નોદેવીના દર્શનાર્થીઓ આજે પણ એટલા જ ભાવથી ગાતા હોય છે. રફી સાહેબે ગાયેલા એ ગીતમાં નરેન્દ્ર ચંચલના અવાજમાં કરાતા માતાના જયજયકાર “પ્રેમ સે બોલો…જય માતા દી…. સારે બોલો જય માતા દી….” ઊંચા પહાડ ચઢતા ભક્તોને અનેરું જોશ પુરું પાડે છે.  

આમ જુઓ તો લક્ષ્મી-પ્યારેનું ‘જુદાઇ’નું શિર્ષક ગીત “માર ગઇ મુઝે તેરી જુદાઇ…” પણ લોકપ્રિય થયું હતું અને આશ્ચર્યની વાત એ હતી કે ‘જુદાઇ’ તે સાલનાં ટોપ ટેનમાં પણ નહતું! એ સમય જ એલ.પી. અને આર.ડી.નો હતો. ૧૯૮૦ની સૌથી વધુ કમાણી કરાવનારી દસ ફિલ્મોમાં પાંચ એટલે કે ‘કર્ઝ’, ‘દોસ્તાના’, ‘રામ બલરામ’, ‘માંગ ભરો સજના’ અને ‘આશા’માં લક્ષ્મી-પ્યારેનું સંગીત હતું. (આને જ કહેવાયને ‘અડધામાં રામ અને અડધામાં ગામ’?!) બાકી રહેલાં ટોપ પાંચ પિક્ચરોમાં પંચમ દાનાં ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ અને ‘આંચલ’ને પણ ઉમેરો તો એ સ્પષ્ટ થઇ જાય કે ૭૦ ટકા હીટ ફિલ્મોમાં એ બે સંગીતકારોનું સંગીત હતું.

અન્ય સંગીતકારોમાં રાજેશ રોશને દેવ આનંદની ‘લૂટમાર’માં ‘આર. ડી.’ની સ્ટાઇલમાં આપેલું “જબ છાયે મેરા જાદુ, કોઇ બચ ન પાયે…” અને ભપ્પી લહેરીએ બાસુ ચેટરજીના ‘અપને પરાયે’માં યેસુદાસના મધમીઠા સ્વરમાં ગવાતું “શ્યામ રંગ રંગા રે…” યાદ આવી જાય. અમોલ પાલેકર ઉપર ફિલ્માવાયેલા એ ગીતમાં અમોલની સાદગી કરતાં પણ મૃદંગના તાલે ગવાતા એ ભજનમાંની યેસુદાસના સ્વરની મીઠાશ વધારે સ્પર્શી જાય. કોઇ માને કે તે જ વરસે ‘પ્યારા દુશ્મન’માં “હરિ ઓમ હરિ…”  પાશ્ચાત્ય સંગીતની વન વે ટિકિટ કપાવનારા ડીસ્કો કીંગ ભપ્પી દા આવી ધૂન પણ બનાવી શકે? 



એવું જ રાહૂલદેવ બર્મને કર્યું હતું. ‘શાન’માં “જીતે હૈં શાન સે...”’ની વેસ્ટર્ન ધૂન વગાડનાર પંચમે તે સાલની ‘ખુબસુરત’માં એ જ આશાજી પાસે “પિયા બાવરી…” જેવું સંપૂર્ણ ભારતીય ગાયન કરાવ્યું હતું. (હિન્દીમાં પૂછી શકાય કે,“ક્યા ઉસ બરસ ‘પ્યારા દુશ્મન’ કે હાથોં ‘કુરબાની’ હુઇ? યા ‘અપને પરાયે’ મિલકર દે રહે થે, ‘ખુબસુરત’ ‘આશા’?”) એટલે ૧૯૮૦ના વરસના સંગીતની ચર્ચાના સમાપનમાં ફરી એકવાર એ જ વાત કહેવાનું મન થાય કે મોટાભાગના સંગીતકારો બધા પ્રકારનું સંગીત આપવા સક્ષમ હોય જ છે. પરંતુ, એક યા બીજી મજબુરીને કારણે વેસ્ટર્ન મ્યુઝિક તરફ વધારે ઝુકાવ રહેતો હશે. ઋષિકેશ મુકરજીની ‘ગુડ્ડી’ના એક ડાયલોગમાં કહેવાય છે એમ કહીએ તો, “ઐસી કૌન સી તવાયફ હૈ, જો ઐયાશી કે લિયે બાઝાર મેં આતી હૈ?!’’ સોચો ઠાકુર!

તિખારો!

૧૯૮૦માં જ મળ્યો એક ઓર લોકપ્રિય થયેલો આ તિખારો...
‘આપ તો ઐસે ના થે’ને સ્પેલીંગ પ્રમાણે આમ પણ વંચાય.... “આપ તો ઐસે નાઠે!!”

Sunday, June 24, 2012

ફિલમની ચિલમ.... ૧૯૮૦ એટલે ‘ડીસ્કો’ની લોકપ્રિયતાનું વર્ષ!





આમ તો હિન્દી ફિલ્મ સંગીતના રસિયાઓ માટે ૧૯૮૦નું વર્ષ એ ધરતીકંપનું વરસ પણ કહેવાય છે; કારણ કે તે સાલ ૩૧મી જુલાઇએ પુરૂષ પાર્શ્વ ગાયકોમાં અનિવાર્ય અવાજ જેવા મહંમદ રફીનું નિધન થયું હતું. તેનાં ચાર જ વરસ પહેલાં ૧૯૭૬માં દર્દીલાં ગીતોના મધુર ગાયક અને રાજકપૂર જેમને પોતાનો ‘આત્મા’ કહેતા હતા તે મુકેશનો પણ અચાનક દેહાંત થયો હતો. સંગીતની દુનિયામાં એક ગજબનો સુનકાર છવાઇ ગયો હતો. એટલા માટે જ નહીં કે એ બન્ને દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા ટોપ સ્ટાર્સના અવાજ હતા. પણ એ બેઉ તેમના જીવનના છઠ્ઠા દસકમાં વિદાય થઇ ગયા હતા. મૃત્યુ સમયે મુકેશ ૫૩ વર્ષના હતા અને રફી ૫૬ના! તે પછી ૧૯૮૭માં કિશોર કુમાર પણ ૫૮ વરસે ગુજરી જતાં આગળ ઉપર એ સવાલ પણ થવા લાગ્યો કે આપણા ટોપ પ્લેબેક સિંગર્સ ‘વન’ પસાર નથી કરી શકતા કે શું? 


ગમે તેમ પણ ૧૯૮૦માં આવડા મોટા ભૂકંપ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તૈયાર નહતી. ખાસ કરીને એટલા માટે કે ‘આરાધના’ની અપ્રતિમ સફળતાને પગલે જે રીતે કિશોરકુમાર પાર્શ્વ ગાયનમાં છવાઇ ગયા હોવા છતાં રફી સાહેબે પોતાનો ગઢ સાચવી રાખ્યો હતો. કિશોર કુમારને વધારે મહત્વ આપનારા આર. ડી. બર્મનના સંગીતમાં જ ૧૯૮૦માં ‘ધી બર્નીંગ ટ્રેઇન’ની કવ્વાલી “પલ દો પલ કા સાથ હમારા…”, ‘અબ્દુલ્લા’ નું “મૈંને પૂછા ચાંદ સે કિ દેખા હૈ કહીં…” અને ‘શાન’ માં “યમ્મા યમ્મા…” તથા “જાનું મરી જાન, મૈં તેરે કુરબાન…” જેવાં ગાયનો મહંમદ રફીએ ગાયાં હતાં.

એ જ રીતે ૧૯૮૦નું આખું વરસ રેડિયો ઉપર ખુબ વાગેલું ‘આપ તો ઐસે ન થે’નું ઉષા ખન્નાએ કમ્પોઝ કરેલું ગીત “તુ ઇસ તરહ સે મેરી ઝિન્દગી મેં શામિલ હૈ…” મનહર અને હેમલતા ઉપરાંત રફીના અવાજમાં પણ હતું.  જ્યારે ખય્યામના સંગીતમાં ‘ચંબલ કી કસમ’માં સાહિરની કલમે નીકળેલું આ નાજુક યુગલ કાવ્ય “સિમટી હુઇ યે ઘડીયાં, ફિર સે ન બિખર જાયેં…” અને એ જ ગાયકો રફી – લતાના સંયુક્ત સ્વરમાં મળેલું ‘સ્વયંવર’નું ડ્યુએટ “મુઝે છુ રહી હૈ, તેરી ગર્મ સાંસેં, મેરે રાત ઔર દિન મહકને લગે હૈં…” પણ ૧૯૮૦માં જ મહેંકેલું! તે સાલ લક્ષ્મીકાન્ત પ્યારેલાલે પણ ‘દોસ્તાના’ (“મેરે દોસ્ત કિસ્સા યે ક્યા હો ગયા હૈ…”) અને ‘કર્ઝ’ (દર્દે દિલ દર્દે જિગર, દિલ મેં જગાયા આપને…) જેવાં હીટ આલ્બમ આપ્યાં હતાં.

ટૂંકમાં, જ્યારે તેમનો ઇન્તકાલ થયો ત્યારે પણ રફી સાહેબ મ્યુઝિકની દુનિયામાં પોતાની રીતે અડગ અને મજબુત ઉભા હતા. પરંતુ, સામે પક્ષે કિશોર કુમારનો સિક્કો તો ’૮૦માં પણ એવો જ રણકતો હતો. એક તરફ ‘કર્ઝ’નું ડીસ્કો સોંગ “ઓમ શાંતિ ઓમ…” યુવાનોમાં ક્રેઝ બન્યું હતું. તો બીજી બાજુ ‘થોડી સી બેવફાઇ’નું ગંભીર શિર્ષક ગીત “હઝાર રાહેં મુડ કે દેખીં, કહીં સે કોઇ સદા ન આઇ…” પણ એટલું જ લોકપ્રિય થયું હતું. હકીકતમાં તો તે વરસના ફિલ્મફેર એવોર્ડમાં એ ગીત બે પુરસ્કાર જીતી ગયું હતુ. તે યુગલ ગીત ગાવા બદલ કિશોર કુમારને ગાયકનો અને એ અદભૂત કવિતા લખવા બદલ ગુલઝારને ‘શ્રેષ્ઠ ગીતકાર’નો એવોર્ડ મળ્યા હતા. ગુલઝારે કદાચ પોતાના અંગત જીવનમાંથી પ્રેરણા લઇને લખી હોય એવી અદભૂત આ પંક્તિઓ, તો અલગ થયેલાં કેટકેટલાં કપલના દિલની લાગણીઓને વ્યક્ત કરે છે... આજે પણ! 

“તુમ્હેં યે ઝીદ થી કિ હમ બુલાયેં, હમેં યે ઉમ્મીદ વો પુકારેં
હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન, આવાઝ મેં પડ ગઇં દરારેં....”

શું કવિતા છે, આ! ગમતી વ્યક્તિને બોલાવવાની ઇચ્છા છતાં એક વાર કોઇ વાતે ખાંચો પડી જાય પછી તેને બોલાવો તો પણ એક ખટકો તો રહી જ ગયો હોય એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ, તેને અવાજમાં પડેલી તિરાડ કહેવી એ ગુલઝાર જ કરી શકે. જેમ ફ્લ્યુટ એટલે કે બંસરીમાં તિરાડ પડી જાય પછી પણ તેમાંથી સૂર તો નીકળે જ. પણ તે અવાજ બોદો હોય. એ ઉપમા સાથે સંબંધમાં પડતી તિરાડને અવાજમાં પડતી દરાર કહેવાનો કસબ તો ગુલઝાર જ કરી બતાવે. 

એ ગીતની એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે તેમાં લતા મંગેશકરનો અવાજ અદ્દલ શબાના આઝમી જાતે ગાતાં હોય એવો લાગે છે.... ખાસ કરીને “હમારી થોડી સી બેવફાઇ...” એ શબ્દો. (વિડીયો ધ્યાનથી સાંભળવા વિનંતિ છે. સામાન્ય રીતે મ્યુઝિકની વાત કરતાં ફિલ્મની ક્લીપ જરૂર ના હોય તો મૂકવાનું હું ટાળતો હોઉં છું. પણ આ અઠવાડિયે રાજેશ ખન્નાની તબિયતના સમાચાર આવ્યા હોઇ, બાબુ મોશાય....એક ક્લીપ તો રખના હૈ, રે!) 


જો કે તે સાલ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ ‘કુરબાની’ના ગાયન “આપ જૈસા કોઇ મેરી ઝિન્દગી મેં આયે…” ગાવા બદલ નાઝિયા હસનને મળશે એ વિશે કોઇને શંકા નહતી. ડીસ્કોના એ વર્ષમાં ‘એલ.પી.’એ “ઓમ શાન્તિ ઓમ…”ની ધૂન ગવડાવીને યુવાનોને નચાવ્યા હતા, તો ભપ્પી લહેરીએ ‘પ્યારા દુશ્મન’માં ઉષા ઉથ્થુપ પાસે “હરિ ઓમ હરિ…”ના નામ સ્મરણ કરાવીને કલ્પના ઐયર પાસે ડાન્સ કરાવ્યો હતો. જ્યારે પંચમદાએ ‘શાન’માં આશા ભોંસલે પાસે ‘શાન’નું ટાઇટલ ગીત ગવડાવીને ડાન્સનું જ નહીં પણ ખુદ આશાજી માટે પણ આઇડેન્ટીટી કાર્ડ આપ્યું. આજે ૩૦ વરસ પછી પણ આશા ભોંસલે કોઇ જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય, ત્યારે ‘આર. ડી.’ની ધૂન પર “પ્યાર કરનેવાલે, પ્યાર કરતે હૈં શાન સે…” એમ ગાતાં ગાતાં જ એન્ટ્રી પાડે છે.

આમ એક કરતાં વધુ ડીસ્કો ગાયનો તે સાલ ઉપલબ્ધ થયાં હતાં અને છતાં ‘કુરબાની’ના “આપ જૈસા કોઇ….”ની પોપ્યુલારિટીની તોલે કોઇ નહીં! તેમાં દિગ્દર્શક ફિરોઝખાને ઝિન્નત અમાનને જે ઉત્તેજક રીતે પ્રસ્તુત કરી હતી, તેનું પણ યોગદાન ખરું જ.  તેમ છતાંય એ ક્રેડીટ કલ્યાણજી આનંદજીને જ કે નાઝિયાએ ગાયેલી બિડ્ડુની એ ધૂન લોકપ્રિય થવા છતાં ‘કુરબાની’નાં અન્ય ગીતો પણ કેવાં જોરદાર ચાલ્યાં હતાં તેની અને ૧૯૮૦ની અન્ય વાતો આવતા વખતે.

તિખારો!
 
“આપ જૈસા કોઇ મેરી જિન્દગી મેં આયે તો બાપ બન જાયેં...!”




(આ તિખારો ‘સંદેશ’માં છપાયા પછીના
દિવસોમાં તે ટ્વીસ્ટ કરાયેલી ધ્રુવ પંક્તિ ઉપર આપણા એક પ્રસિધ્ધ હાસ્યલેખકે આખો હાસ્યલેખ  લખ્યો હતો અને મિમિક્રીમાં પણ જુદી જુદી રીતે સાંભળવા મળતો!)

Friday, June 22, 2012

ઔસમ કા મૌસમ!


 
આ  બે વિડીયો જોયા પછી Awesome કે Amazing ઉપરાંત  હિમેશ રેશમીયાની માફક કહી શકો... 

સુપર્બ... ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઇંગ...!!


તમને નથી લાગતું કે ‘Awesome' અને 'Amazing' જેવા અતિ આનંદના શબ્દો આડેધડ વપરાવાને લીધે  આજકાલ  લપટા પડી ગયા છે?

“ટ્રેઇન ના મળી ’ને,  હું તો બસમાં માંડ માંડ આવી...” એમ કોઇ કોલેજ કન્યા કહે, તો પણ તેના ફ્રેન્ડ્ઝો “અમેઝીંગ” એમ બોલી ઉઠે!
 
તો  કોઇ યુવાન બીજા દોસ્તને આમ પણ કહેતો સંભળાય “યાર, તેં પિન્ટુનું ગ્રીન ફુલોની ડિઝાઇનવાળું શર્ટ જોયું? જસ્ટ ઔસમ!” 
 
પ|ણ ખરેખર Awsome કે Amazing જેવા શબ્દો વાપરી શકાય એવો  આ ચાર જ મિનીટનો વિડીયો આખો જોવા વિનંતિ છે. શરૂઆત જોઇને “દેખેલા હૈ..” એમ ના કહી દેશો. છેવટ સુધી જો જો.
 
આમ તો એ કશો નવાઇનો વિડીયો નથી.... પણ દુનિયાના ૯૦ લાખ લોકોએ આ ખેલ ‘યુ ટ્યુબ’ પર જોયો હોય તો એ જ તેની અપ્રતિમ લોકપ્રિયતા બતાવે  છે.  આપણી મહેફિલનો આ પણ એક રંગ છે.

(આ લિન્ક મને મારા મિત્ર બંસીએ લંડનથી મોકલી છે. એટલે “લંડન સે લાયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો...” એમ મારે ગાવું પડે.)  


ENJOY THIS CLIP....



16 Girls + 1 Bicycle = Awesome
!


જ્યારે આ બીજા વિડીયોમાં તો અમારાથી કેટલી વાર “વાહ...” બોલી ઉઠાયું છે, એ પણ યાદ નથી રહ્યું. દરેક એક્ટ પછી એમ થાય કે એક પૈડાની આટલી ઊંચી સાયકલ ઉપર હવે આનાથી અઘરું આ ચાઇનીઝ છોકરીઓ શું કરી શકશે?  પણ જેમ જેમ ખેલ આગળ વધતો જાય તેમ તેમ આંખો વધારે જ ફાટે અને મોં ખુલ્લું ને ખુલ્લું રહી જાય...  

No more description .... just watch this.... really amazing and awesome video....





હિમેશ રેશમીયાની માફક અહીં કહી શકો...
સુપર્બ... ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઇંગ...!!






Wednesday, June 20, 2012

શું આપણી ભારતીય પાર્લામેન્ટ અને પોલીટિશ્યનો આવી ગમ્મત સહન કરી શકે?




આપણે ભારતીયો ખરેખર લાગણી પ્રધાન પ્રજા છીએ. કેવી કેવી વાતે પ્રજાની લાગણી દુભાઇ શકે એનો કોઇ અંદાજ મૂકી ના શકાય. 

નાનપણમાં કોઇ વાતે અમે બાળકો પૈકીનું કોઇ રિસાય ત્યારે મારાં મધર કમુબાનો એક કાયમી ડાયલોગ “આ તો પાછું મિયાંની ભેંસને ડોબું ય ના કહેવાય!”  બા આજે હોત તો  બિચારીને ખબર ના પડત કે આમાં મુસ્લિમ બિરાદરો તો બરાબર પણ મેનકા ગાંધી સહિતના કોઇ એનીમલ લવરની પણ લાગણી દુભાઇ શકે.
 

પણ આજે એ તળપદી ટકોર યાદ આવી અહીં ટોરન્ટોમાં લાગેલા એક પોસ્ટરને જોઇને. આ ફોટામાંનું પોસ્ટર કેનેડા દેશના પાટનગર ઓટાવાના ટુરિઝમ ડીપાર્ટમેન્ટનું છે. તસ્વીરમાં જે બિલ્ડીંગ દેખાય છે તે દેશની સંસદની છે. ઓટાવામાં સમર દરમિયાન ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ પ્રકારના જે વિવિધ રાત્રી કાર્યક્રમો થાય છે, તે જોવા સહેલાણીઓને આકર્ષવા માટેની આ એડની ટેગ લાઇન શું છે?
 

Even more entertaining after the politicians have gone home! 


તેનો સીધો સાદો અર્થ શું?  એ જને કે સંસદમાં પોલીટીશ્યનો પ્રજાને મનોરંજન કરાવીને ઘેર જાય, પછી પાટનગર ઇવન વધારે મનોરંજક બને છે !
 

દિલ્હીની કોઇ જાહેરાતમાં પાર્લામેન્ટના ફોટા સાથે રાજકારણીઓની આવી મજાક ત્યાંના ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા મૂકાઇ હોય તો?

સંસદના કેટલા કલાક તેની બૂમાબૂમમાં અને ટીવીની ચેનલોમાં કેટલા દિવસ ચર્ચા થાય? સોચો ઠાકુર!!   




 


Monday, June 18, 2012

ફાધર્સ ડેએ ‘સન’ સનીની સનસની.... યાનિ? યાની!


 




આ પોસ્ટ વાંચવી શરૂ કરો તે પહેલાં મહેરબાની કરીને નીચે મૂકેલો વિડીયો જુઓ જેમાં  જગવિખ્યાત સંગીતકાર યાનીના એક લાઇવ શોમાં તેમનું સૌથી લોકપ્રિય થયેલું કમ્પોઝીશન ‘સેન્તોરીની’ જોવા-સાંભળવા મળશે. એ ૧૯૯૪માં, ગ્રીસના એથેન્સ ખાતે આવેલાં એક્રોપોલીસનાં ખંડેરોના બેકગ્રાઉન્ડમાં,  થયેલા અત્યંત જાણીતા પરફોર્મન્સનો ભાગ છે. કદાચ આ શો પછી જ યાની દુનિયાભરમાં જાણીતા થયા.




પહેલીવાર આ ક્લીપ જ્યારે વરસો પહેલાં ટીવી ઉપર બતાવાઇ, ત્યારે એ આખું કમ્પોઝીશન અત્યંત ગમી ગયું. એ લાઇવ પર્ફોર્મન્સમાં પોતાની જ રચનાને માણતા યાની ખુદ એટલા ચાર્મીંગ લાગ્યા કે આણંદમાંના અમારા કેસેટ સ્ટોરવાળા મિત્ર પાસે અમદાવાદ શોધખોળ કરાવીને તેની ઓડિયો તો શોધી જ કાઢી. પછી થોડો સમય તો ઘરમાં, જગજીતસિંગની માફક, લગભગ રોજ ‘સેન્તોરીની’ સાંભળવાનો જાણે કે નિત્યક્રમ થઇ ગયો હતો. એટલે જ્યારે ગઇ કાલે ‘ફાધર્સ ડે’ની રાત્રે દીકરો સની ‘યાનિ લાઇવ’ જોવા-સાંભળવા અહીં ટોરન્ટોના વિશાળ હોલ ‘સોની પર્ફોર્મીંગ આર્ટ’ ખાતે લઇ ગયો, ત્યારે એક અદભૂત રોમાંચ હતો. વરસો પહેલાં જે કલાકારને માત્ર ટીવીના પડદે જોઇને અમે સૌ રોમાંચિત થઇ ગયા હતા; તેમને રૂબરૂ પરફોર્મ કરતા જોવાનો લાઇફ ટાઇમનો દુર્લભ લહાવો મળવાનો હતો. થિયેટરની બહાર પ્રવેશ માટેની વિશાળ લાઇનમાં અહીંની કોલેજમાં મને કોમ્પ્યુટર શીખવનારા રશિયન ટીચર યુરી પણ સહકુટુંબ આવ્યા હતા. તેમણે બૂમ પાડી અને અમે મળ્યા. તેમનાં પત્નીને અને દીકરીને મેં કહ્યું કે મારાથી ફેસબુક અને બ્લોગ જેવાં માધ્યમો ઉપર વધારે પ્રવૃત્ત રહી શકાતું હોય તો ખાસ્સો યશ યુરીને પણ આપવાનો થાય.

એક નાના બાળકની જેમ હું તો સોની થિયેટરને અને તેના માહૌલને આંખોમાં (અને મારા વફાદાર નોકિયાના N72 સેલફોનના કેમેરામાં) ભરતો અંદર દાખલ થયો અને સરપ્રાઇઝ... સરપ્રાઇઝ!!


 


કાર્યક્રમની શરૂઆત અને ખુદ યાનીની એન્ટ્રી જ ‘સેન્તોરીની’ સાથે થઇ અને મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. અમે છેલ્લેથી આઠમી લાઇનમાં હતા. (યુરી પરિવાર અમારી બિલકુલ પાછળની સીટ પર હતું,) એટલે બધે દૂરથી N72માં યાની તો ઠીક સ્ટેજનો પણ ફોટો બરાબર આવે એમ નહતો. હોલના ફોયરમાંથી પાંચ ડોલરનું ભાડું આપીને લીધેલું બાયનોક્યૂલર પણ કશા કામનું નહતું. જે થાય તે આંખની કીકી અને કાનના પડદાની મદદથી ઝીલી લેવાનું હતું. આપણું પોતાનું કહેવાય એવું અંગત ડોક્યુમેન્ટેશન નહીં થાય એ નાનકડો અફસોસ જરૂર હતો. પરંતુ, આનંદનો જે ઓચ્છવ મનમાં થતો હતો તેની સામે એ કશું જ ના કહેવાય. કેમ કે ‘સેન્તોરીની’ની ધૂન શરૂ થઇ કે આખું થિયેટર ચિક્કાર તાળીઓના ગડગડાટથી ગૂંજતું હતું. મેં સનીનો હાથ મજબુતીથી પકડીને દબાવ્યો અને કહ્યું “મારા તો પૈસા વસુલ થઇ ગયા.... હવે પછી જે સાંભળીએ તે બધું બોનસ જ હશે!”  અને બોનસ પણ કેવું?
 
એક પછી એક રચનાઓ રજૂ થતી ગઇ અને લગભગ દરેકમાં તેમના સાથી સાજીંદાઓ પૈકીના એકાદ બે કલાકાર હાઇલાઇટ થતા ગયા. પ્રત્યેક કલાકારને મળતી મિનીટો સુધીની તાળીઓની દાદ સાંભળીએ અને ટોરન્ટોના કદરદાન ઓડિયન્સને પણ નતમસ્તકે દાદ દેવાનું મન થઇ જાય. તેમાં પણ ડ્રમ વગાડનાર કલાકારને કેટલીય વાર સુધીનો મળેલો પ્રલંબ અને અવિરત તાળીઓનો ગુંજારવ તો હજી જાણે કે કાનમાં ગૂંજ્યા કરે છે. જે પ્રકારની દાદ માટે કોઇપણ આર્ટીસ્ટ જીવનભર તરસી શકે એવી દાદ આપવાનો અમારો પોતાનો અને તે  આપતા અન્ય સૌને માણવાનો આનંદ પણ અકલ્પનીય હતો. (બાકી અમારે તો ઘણા કાર્યક્રમોમાં એવું પણ બન્યું છે કે કલાકારોની નાનીશી પણ હરકતથી ખુશ થઇને આપણે તો તાળીઓ પાડી ઉઠીએ.... પણ અન્ય સૌ અદબ ના છોડે તે ના જ છોડે! આપણને ભોંઠા પાડીને જ છોડે!) પણ એ રાતનું ક્લાઇમેક્સ તો હજી બાકી હતું.

છેલ્લે કાર્યક્રમ પૂરો થયો હોય એમ યાની, સૌ પ્રેક્ષકોને ‘ગુડનાઇટ... બાય.. બાય...” કહીને દોડતા, નેપથ્યમાં જતા રહ્યા. સ્ટેન્ડીંગ ઓવેશન તરીકે લોકો ઉભા થઇને સતત તાળીઓ પાડતા જ રહ્યા... પાડતા જ રહ્યા.... પાડતા રહ્યા અને આશ્ચર્ય! યાની પાછા સ્ટેજ ઉપર આવ્યા. વધુ એક રચના સંભળાવી. વળી અંદર ગયા અને વળી એ જ તાળીઓનો અનરાધાર વરસાદ... પાછા એ પરત આવ્યા. હવે લાગ્યું કે આ તો એક આયોજનબધ્ધ થતી કાર્યવાહી છે, પોતાના ચાહકોને તલસાવવાની અને પાછા આવતી વખતે મહદ અંશે સમગ્ર પ્રેક્ષકગણનો તથા દર્શકોના પ્રતિનિધિ સમા સ્ટેજ નજીક ઉભેલા સૌનો અંગત આભાર માનવાની! (પ્રોગ્રામ પછી સનીએ સમજાવ્યું કે તેને ‘ઓન્કોર’ Encore કહેવાય... આપણને તો એટલી સમજ પડી કે એવું થાય ત્યારે સ્ટેજની એક કોર પહોંચી જવું!) મેં નક્કી કર્યું કે જો આ વખતે એ મંચ છોડીને જાય તો સાહસ કરીને શરૂઆતની લાઇનોમાં દોડી જવું. તૈયારી રૂપે મેં બેઠકોની બે લાઇન વચ્ચેની ખુલ્લી જગ્યામાં મંચ તરફ ચાલવા માંડ્યું.  જેવા એ સ્ટેજ છોડીને અંદર ગયા મેં રીતસરનું વોકેથોન જ કર્યું.


લાંબી ફલાંગે પહેલી લાઇનમાં ઠેઠ સ્ટેજની ધારે મારા પહોંચતા સુઘીમાં તો યાની મંચ ઉપર પરત આવી ગયા હતા. મેં  કેમેરા ઓન રાખ્યો હતો. ફટાફટ સ્વીચ દબાવતો ગયો. ફોટાની ક્વોલીટી ચકાસવાનો સમય નહતો. યાની મંચના પેલા ખૂણેથી આ છેડે આવતા ગયા અને સ્ટેજની ધારે ઉભેલા સૌ પ્રશંસકોના હાથને ઉતાવળે અડવાનો તે પ્રયત્ન કરતા હતા. મારી નજીક આવ્યા અને મારા હાથને પણ એ અડ્યા!




 

 એ પછી તે પોતાની ખુરશીમાં બેઠા અને હાંફતા હાંફતા ’ને હસતા હસતા સૌનું આભાર દર્શન તેમની સ્ટાઇલમાં કરતા રહ્યા. 








જ્યારે પણ એ સ્ટેજના અમારા ખુણે જોતા ત્યારે મને તો એમ લાગતું કે એ મારા N 72ના ખૂણાને (એંગલને!) જ પોઝ આપી રહ્યા હતા. (કદાચ આપતા પણ હોય.... કોને ખબર?!)

હું તો જ્યાં સુધી સિક્યુરિટિએ આવીને બધાને પાછા પોતાની સીટ ઉપર ના મોકલ્યા,
ત્યાં સુધી ક્લીક કરતો રહ્યો. પાછો ઘૂમ્યો અને જોયું તો મારી પત્ની હર્ષા પણ અમારા ટોળાની ઠેઠ નજીક આવી પહોંચી હતી. અમે બન્ને રાજીના રેડ જ નહીં રાજીના  ગ્રીન, યલો, બ્લ્યુ.... બલ્કે રાજીના મેઘધનુષ હતાં!

યાનીના પરફોર્મન્સના સાક્ષી બનવા ઉપરાંત  તેમને આટલા નજીકથી જોવાનો લહાવો મળ્યો હતો. તે બદલ ફાધર્સ ડેનો આભાર માનવો કે સનીનો? એ ગુંચવાડો અમારા મનમાં હતો જ નહીં. કેમ કે અમને તો ખબર જ હતી કે ‘ફાધર્સ ડે’ તો એક ઇત્તફાક જ હતો. બાકી
મહિનાઓ પહેલાં, જ્યારે યાનીની કોન્સર્ટ ટોરન્ટોમાં થવાની જાહેરાત આવી, ત્યારથી સનીએ તો ઓન લાઇન ટિકીટ્સ બુક કરાવી જ દીધી હતી. એને ખબર હતી કે મને યાનીનું મ્યુઝિક ખાસ કરીને ‘સેન્તોરીની’ કેટલું ગમે છે. 

મા-બાપના શોખનું આટલા વહાલથી જતન કરતા દીકરા હોય, પછી કોઇ એક દિવસને વિશીષ્ટ નામ હોય કે ના હોય શું ફરક પડે? Everyday is a Father's Day, Mother's Day and Children Day. What say? 
                              

થેંક્યુ, સન સની!




Saturday, June 16, 2012




આંખોં કો વિઝા નહીં લગતા
સપનોં કી સરહદ નહીં હોતી!


જગજીતસિંગની અકલ્પનીય વિદાયને હજી વરસ પણ પુરું નથી થયું અને મેહદી હસન પણ ચાલ્યા ગયા. એ ખરું કે મેહદી હસન છેલ્લાં કેટલાંક વરસોથી લાચાર સ્થિતિમાં જીવતા હતા અને તેમની ઉંમર પણ ૮૪ વરસની હતી. તેથી રોજબરોજની ભાષામાં એ ખર્યું પાન હતા અને કેન્સરના ત્રાસમાંથી છુટ્યા એમ પણ કહી શકાય. પરંતુ, ગઝલના ચાહકોની બે ત્રણ પેઢીઓને તેમના અવાજથી ન્યાલ કરી દેનાર કલાકાર જાય ત્યારે એક આખો યુગ સમાપ્ત થયાનો એહસાસ થતાં આંખ તો ભીની થાય જ ને? 
મેહદી હસનના અવાજ સાથેનો પરિચય મારા જેવા ઘણાને તો લતા મંગશકરે કરાવેલો એમ કહી શકાય!  વરસો  પહેલાં (કદાચ ૨૫-૩૦ વરસ અગાઉ) જ્યારે શ્રોતાઓ માટે સંગીતના સંપર્કમાં રહેવા માટે રેડિયો સિવાય કોઇ સાધન નહતું , ત્યારે (મોટેભાગે)  ઓલ ઇન્ડીયા રેડિયોની ઉર્દુ સર્વિસ ઉપરથી લતાજીએ મેહદી હસનની એટલી ભારે પ્રશંસા કરી કે ચોંકી જવાયું.  તેમના જેવાં ગાયિકા એમ કહે કે “મેહદી હસન સાહબ કી ગઝલ સુન કર મૈં સોતી હું ઔર ઉન્હેં સુનતે હુએ મૈં જાગતી હું...” તો તો હદ જ થઇ જાયને?  એક તો એ મુસ્લિમ અને પાછા પાકિસ્તાનના  પછી કયો દેશભક્ત સહન કરી શકે? એક વાર તો લતાજી માટેનું માન ઉતરી જાય એવો આઘાત લાગ્યો હતો. પણ જ્યારે “રંઝીશ હી સહી, દિલ હી દુખાને કે લિયે આ...” સાંભળી તે દિવસ હતો અને આજનો દિવસ છે.... મેહદી હસનની ગેર ફિલ્મી ગઝલ સાંભળવાનો રસ ઓછો થતો જ નથી. પેશ હૈ વહી ગઝલ વહી પુરકશિશ આવાઝ મેં....


‘‘રંઝીશ હી સહી...”નો અમારા માટે રેખાનો પણ રેફરન્સ છે. મેહદી હસન ૧૯૭૮માં પહેલીવાર મુંબઈ આવ્યા, ત્યારે એક ખાનગી મહેફિલમાં સ્વાભાવિક રીતે જ તેમણે એ ગઝલ પણ ગાઇ હતી. “રંઝીશ હી સહી.....” રેખાને ખુબ પસંદ છે એમ બહાર આવ્યા પછી ક્લાસિકલ મ્યુઝિક કે પછી ઉર્દુ એકેયમાં સમજ ના પડતી હોય એવા સૌએ પણ મેહદી હસનની કેસેટ રાખવા માંડી હતી. એ કેસેટ એક સ્ટેટસ સિમ્બોલ થઇ ગઇ હતી. મેહદી હસનની એ મહેફિલમાં અમિતાભ અને રેખા પણ આવ્યાં હતાં. તેનો અહેવાલ ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’માં તે પછીના દિવસોમાં આવ્યો, ત્યારે દેવીયાનિ ચૌબલે એ બે સ્ટાર વચ્ચે કંઇક રંધાય છે એવું પહેલી વાર લખ્યું. પરંતુ, ત્યારે એ કોઇ માનતું નહતું.  એ કોઇ પિક્ચરનો પબ્લીસીટી સ્ટંટ હોવાની શક્યતા વધારે લાગી હતી. પણ દેવીનું લોજિક એકદમ નિરાળું હતું. તેમણે લખેલું  કે જ્યારે સાથે કામ કરતાં  હીરો - હીરોઇન જાહેરમાં અલગ થલગ રહે કે ઔપચારિક રીતે મળે, ત્યારે મને દાળમાં કાળું લાગે! તે દિવસથી શરૂ થયેલી એ ગોસીપનો સિલસિલો હજી ક્યાં અટક્યો છે?

અમારે માટે તો મહેદી હસનને સાંભળવા એટલે ગઝલની કોલેજમાં એડમિશન લેવા જેવું હતું. ફિલ્મી ગીતો અને ખાસ કરીને મદન મોહનના સંગીતમાં બનતી ગઝલો તેમાંના શાબ્દિક ‘પંચ’ને લીધે આકર્ષતી જ હતી. પણ અહીં મામલો જુદો હતો. મેહદી હસન તો શેરની પહેલી પંક્તિને જુદા જુદા આરોહ અવરોહ સાથે ગાઇને બીજી પંચલાઇન માટેની ઇન્તેજારી એટલી વધારતા હતા કે થતું કે આ તો અલગ જ પ્રકાર છે. વળી ઉર્દુ શાયરી પણ અસલ સ્વરૂપમાં જ રહેતી. એટલે પ્રાથમિક શાળા કે હાઇસ્કુલ જેવી રચનાઓ સમજતા માણતા થયા વગર સીધા મહેદી હસનને સાંભળવા જનારને જે મુશ્કેલી પડી શકે, એવી તકલીફ આરંભમાં પડી હતી. પણ ભલું થજો સંપાદક કવિ પ્રકાશ પંડિતનું કે રેલ્વે સ્ટેશનો ઉપર એ. એચ. વ્હીલરના સ્ટોલ ઉપર મળતી તેમના સંપાદનની ચોપડીઓના સહારે ઉર્દૂના અઘરા શબ્દોની સમજ ઉઘડતી હતી.  તેમાં જગજીત-ચિત્રાની ગઝલો પણ મદદરૂપ થઇ.

જગજીતસિંગની શરૂઆતની ગઝલો સાંભળો તો  સમજાય કે શા માટે તે કોઇ જમાનામાં ‘મેહદી હસન ઓફ ઇન્ડીયા’ ગણાતા હતા. જો કે મેહંદી હસનને અન્ય ગાયકોથી  અલગ પાડનારી બે બાબતો. એક તો ગાતી વખતે તેમનો ઠરડાતો હોય એવો લાગતો ‘હસ્કી’ અવાજ અને બીજું તેમનું હાર્મોનિયમ. તેમના જેટલી પાતળા સૂરવાળી વાજાપેટી કેટલા ગાયકો રાખતા હશે? અને તે પણ ક્યારેક આટલું ખરજમાં સરી જતા ગાયક! 

એ ખરજની સ્વરપેટી અને તીણા સુરની વાજાપેટીનું કોમ્બીનેશન એક બીજાનાં પૂરક બનીને જુદો જ માહૌલ ઉભો કરે. તેમાં ઉર્દૂના અઘરા શબ્દો અને શાસ્ત્રીય સંગીતની બારીકીઓ ઉમેરો તો એ સ્પષ્ટ થઇ જાય કે ‘ખાં સાહેબ’ને સાંભળવા એક વિશીષ્ટ મુડ અને નિરાંત જોઇએ. એમને પોપકોર્ન ખાતા ખાતા અને લેટેસ્ટ ગોસીપની ચર્ચા કરતા કરતા ના સાંભળી શકાય! (હકીકતમાં તો કોઇ પણ ગઝલ ગાયકને એ રીતે સાંભળવા એ તે કલાકારનું અપમાન કહેવાય. ગુલામ અલીએ વડોદરામાં એકવાર પોતાનું ગઝલ ગાયન અટકાવી દીધું હતું, કારણ કે પહેલી લાઇનમાં બેઠેલા કલેક્ટર અને કમિશ્નર જેવા ‘વીઆઇપી’ઓ માટે ચા-નાસ્તો પિરસાતાં હતાં. ગુલામ અલીએ કહ્યું કે તમે સૌ એ બધું પતાવો પછી આપણે કાર્યક્રમ આગળ ચલાવીશું!)

તેથી મને હમેશાં એવું લાગ્યું છે કે જગજીતસિંગે મહેદી હસનની જ ગાયકીને વધારે લોકભોગ્ય રીતે અને શ્રોતાઓને સહેલાઇથી સમજાય એવી રીતે પ્રસ્તુત કરી. જેમ કેટલાક લેખકોના લેખક હોય છે, એમ મહેદી હસન ગઝલ ગાયકોના ગાયક હતા! આપણા હરિહરન કે અનુપ જલોટા અને પંકજ ઉધાસ જેવા સૌ ગઝલ સિંગર્સે તેમને આપેલી શ્રધ્ધાંજલિ અને તેમાંના ઉસ્તાદજી સાથેના તેમના સંબંધો વિશે વાંચવાથી પણ એ વધારે સ્પષ્ટ થશે. હકીકતમાં તો જગજીતસિંગ પણ શરૂઆતમાં મેહંદી હસન જેવું જ ગાવા પ્રયત્ન કરતા લાગતા હતા. અહીં જગજીતસિંગે ગાયેલી પાકિસ્તાની શાયર કતિલ શિફાઇની એક રચના પ્રસ્તુત છે. 

આ પણ આમ તો એ ‘જગ-જીત’ થયા પછીના શરૂઆતના દિવસોની છે, જ્યારે ગિટાર અને વાયોલિન જેવાં પાશ્ચાત્ય વાદ્યો તેમના ઓર્કેસ્ટ્રામાં શામેલ થઇ ચૂક્યાં હતાં. છતાં અવાજમાં મહેદીની છાંટ વર્તાશે. તેમને ખરેખર ‘છોટે મેહદી’ તરીકે સાંભળવા હોય તો ૧૯૭૩નું  આલ્બમ ‘મેજીક’ સાંભળવું અને તેમાં પણ “દાસ્તાને ગમે દિલ ઉન કો સુનાઇ ન ગઇ, બાત કુછ  બિગડી ઐસી કિ બનાઇ ન ગઇ!” સાંભળવી. અભી તો “વો દિલ હી ક્યા તેરે મિલને કી જો દુઆ ન કરે....” પર ગૌર ફરમાઇયે!

 
જગજીતસિંગે ખાં સાહેબનું ઋણ તેમની પોતાની હયાતિમાં ઉતારવાનો પ્રયાસ તેમની રીતે કર્યો હતો. એ દિવસોમાં બિમારીને કારણે મહેદી હસનનું ગાવાનું બંધ  થયાના સમાચાર આવ્યા હતા. સિમ્ફનીના રચનાકાર બિથોવન (કે પછી અભિજીત વ્યાસ સૂચવે છે એમ, બિટોવન)ના કાન સાંભળતા બંધ થઇ ગયા તે પછીની સંગીત જગતની કદાચ એ સૌથી કરૂણ ઘટના હશે. શરૂઆતમાં સ્ટ્રોકને કારણે એમનું એક તરફનું  અંગ કામ કરતું બંધ થઇ જતાં હાર્મોનિયમ ઉપર પાણીના રેલાની માફક ફરતી આંગળીઓ હાલતી બંધ થઇ ગઇ. એક જમાનામાં- નાનપણમાં- પોતાના વતન જયપુરમાં હજાર દંડ પીલનારા તેમના અખાડીયન શરીરને એક એક કોળિયો ભરવા કોઇનું મોહતાજ રહેવું પડતું. વધારામાં આઘાતજનક વાત એ પણ હતી કે ખાસા સમય સુધી પાકિસ્તાનની  ફિલ્મોના લોકપ્રિય પ્લેબેક સિંગર રહી ચૂક્યા છતાં કેન્સરના રાજરોગ સામે લડી શકાય એવી મજબુત નાણાંકીય વ્યવસ્થા તેમની પાસે નહતી. કારણ બહુ સ્પષ્ટ હતું.

પાકિસ્તાનમાં કે ઇવન ભારતમાં ગાવા એકલાથી તે દિવસોમાં કોઇ કલાકારનું ઘર ચાલી શકે એ શક્ય નહતું.  હવે ગાયકોની તો સ્થિતિ એવી રહી નથી. પણ અમને લેખકોને તો આજે પણ લોકો પૂછતા જ હોય છે (અને વાજબી  રીતે જ પૂછતા હોય છે) કે “તમારી એ એક્ટીવીટી તો બરાબર. પણ આમ બીજું શું કરો છો?”  મતલબ કે ગાવા - વગાડવા - પેઇન્ટીંગ દોરવા - કવિતા કરવા કે લેખો લખવાથી એવી આવક ના થાય જે ઘર ચલાવી શકે. તેની સાથે સાથે નિયમિત આવક માટે બીજો રોજગાર પણ હોવો જ જોઇએ!  મેહદી હસને પણ ભાગલા પછી પાકિસ્તાન જઇને ગાવા ઉપરાંત ફર્ગ્યુસન ટ્રેક્ટર અને ડીઝલ એન્જીનના મિકેનિક બનવાની બાકાયદા તાલીમ લીધી હતી.

એટલું જ નહી ‘બેસ્ટ મિકેનિક’નું સર્ટિફિકેટ પણ મેળવ્યું હતું! (અબ્બાજાન કહેતા, “જો ભી કરો અવ્વલ દરજ્જે કા કરો.” અને મેહદી હસને એ કરી બતાવ્યું હતું.) ખુદ મેહદી હસને એક ઇન્ટર્વ્યુમાં ગર્વપૂર્વક એ કહેલું છે કે પાકિસ્તાનના ભાવલપુર જિલ્લાનાં ખેતરોમાં તેમણે ફીટ કરેલાં ડીઝલ એન્જીન ત્રણસો જેટલાં હશે. એવા મજબુત વ્યક્તિને છેલ્લાં વરસોમાં ભારે મજબુરીઓનો સામનો કરવો પડ્યો. બે એક વરસથી તો એ કોઇને ઓળખી પણ નહતા શકતા. શારીરિક અને આર્થિક રીતે નિ:સહાય અને લાચાર મેહદી હસનના સમાચાર વહેતા થયા અને જગજીતસિંગ પોતાના એ સિનીયરનું ઋણ ઉતારવા પાકિસ્તાન ગયા. ત્યાં જગજીતસિંગે મેહદી હસન સા’બના ઇલાજ માટે કોન્સર્ટ કરી. તેમાં ટહેલ નાખીને લગભગ ૧ કરોડ રૂપિયા તાત્કાલિક એકત્ર કરી આપ્યા હતા; જે પાકિસ્તાનના જરૂરતમંદ કલાકારોને મદદરૂપ થવાનું એક કાયમી ફંડ થયું.

મેહદી હસન પહેલીવાર ભારત આવ્યા ત્યારની એક કોન્સર્ટમાં સંગીતકાર નૌશાદે તેમનો પરિચય આપતાં જે કહ્યું હતું, તે અત્યારે યાદ આવે છે, “રેહતી દુનિયા તક ઉન કી આવાઝ કા નૂર ઝગમગાતા રહેગા..”  તો મેહદી હસનના ગળાની તારીફ કરતાં લતા મંગેશકરે એમ કહ્યું છે કે, ‘તેમના ગળામાં ભગવાન બોલતા હતા’! એ બધું કેટલું સાચું છે! ખાં સાહેબ ખુબ બિમાર હતા ત્યારે ગુલઝારે મેહદી હસનને પોતે કેવા મિસ કરે છે એ વાત તેમના ગુલઝારીય અંદાજમાં માત્ર ૩૭ સેકંડમાં કહી બતાવી હતી! અમારા જેવાને જે કહેવા કોલમોની કોલમો ભરવી પડે એ જ વાત કવિ બે જ પંક્તિમાં કેટલી સચોટ રીતે કહી જાય છે... સાંભળો.. પ્લીઝ!


મેહદી હસનની ગાયકીને જગજીતસિંગ ‘ડીસિપ્લીન્ડ સિંગીંગ’ કહેતા. એવા મેહદી હસન તો આજે નથી રહ્યા. પણ તેમની એ શિસ્તબધ્ધ ગાયકી આપણી પાસે ટેપમાં, સીડીમાં કે યુટ્યુબ ઉપર સચવાયેલી છે, એ શું નાનીસુની વાત છે? કેમ કે મેહદી હસનની ગાયેલી કેટલીક ગઝલો તો ગમે એટલી વાર સાભળો ધરવ થાય જ નહીં. એ પૈકીની મને ગમતી  એક રચના અહીં મૂકું છું. સાથે શાયર એહમદ ‘ફરાઝ’ના શબ્દો પણ મૂક્યા છે, જેથી સાંભળવા અને સમજવામાં સરળતા રહે.  

 
અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે,
            જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબોં મેં મિલે...!"       
 તુ ખુદા હૈ મેરા ઇશ્ક ફરિશ્તોં જૈસા
                દોનોં ઇન્સાં હૈ તો ક્યૂં ઇતને હિજાબોં મેં રહે
ગમ - - દુનિયા ભી ગમ- - યારમેં શામિલ કર લો
                 નશા બઢતા હૈ શરાબેં જો શરાબોં મેં મિલે
અબ વો મૈં  હૂં, તુ હૈ, વો માઝી હૈફરાઝ
                 જૈસે દો સાયે તમન્નાઓં કે સરાબોં મેં મિલે   
ઢૂંઢ ઉજડે હુએ લોગોં મેં વફા કે મોતી,
                 યે ખઝાને તુઝે મુમકિન હૈ ખરાબોં મેં મિલે
     
 
અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે,
               જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબોં મેં મિલે...!"

   
મેહદી હસનની અંતિમ ક્રિયા વખતે નમાઝ અદા કરતા તેમના ચાહકો