કૌંસમાં
બબડે છે!!
“નમસ્કાર….
આદાબ…. સત શ્રી અકાલ….” એમ અમિતાભ બચ્ચને ‘કેબીસી’થી આપેલા નવતર અખિલ ભારતીય ગ્રીટીંગ
સાથે પ્રારંભ કરવો કે પછી આપણા ગુજરાતની પ્રચલિત રીતે “જય શ્રી કૃષ્ણ…. જય સ્વામિનારાયણ… ઓમ સાંઇરામ….જય
જિનેન્દ્ર…. કે પછી અસ્સલામ વાલેકુમ….” જેવું બધું ભેગું કરીને સર્વ ધર્મ સમભાવવાળું
મિશ્રણ કહેવું કે પછી સાવ સિમ્પલ “Hi Friends…’’ અથવા તો “કેમ છો, મિત્રો?” કહીને શરૂઆત
કરવી? એવી ફોર્માલિટિ પાછળ વધુ સમય બગાડવાને બદલે છેવટે બે વરસની ઓફિશ્યલ આળસ પછી આજે
૨૦૧૨ના મે માસના ત્રીજા રવિવારે આ બ્લોગનું ‘શ્રી ગણેશાય નમ:’ થઇ જ રહ્યું છે, ત્યારે
મે મહિનાનું મારા જીવનમાં અનાયાસ વધતું જતું મહત્વ પણ સમજાઇ રહ્યું છે.
કેમ
કે મે મહિનાના મધ્યભાગમાં જ ૧૯૭૮ની સાલમાં આણંદના અમારા પારિવારિક સાપ્તાહિક ‘આનંદ
એક્સપ્રેસ’માં સફળતાપૂર્વક ચાલતી કોલમ ‘ફિલમની ચિલમ’ મુરબ્બી વડીલ અને ગુરૂજન એવા વિનોદ ભટ્ટ્ની ભલામણથી
‘સંદેશ’માં લઇ જવાની અને તેને પગલે માત્ર ખેડા જિલ્લાને બદલે સમગ્ર ગુજરાત અને મુંબઇ
સુધીના વાચકો સુધી પહોંચવાની (હવે તો જાણીતી!) તક મળી હતી. તે રીતે જોઇએ તો ‘સલિલ દલાલ’નો
જન્મ ૧૯૭૮ના મે મહિનામાં ગણાય. (નહીં તો ‘હસમુખ ઠક્કર’ મોટેભાગે વિદ્યાર્થીકાળના ટૂંકાક્ષરી
નામ ‘એચ. બી.’ તરીકે જ ઓળખાત!)
તેના
બીજા વરસે ૧૯૭૯માં ફરી મે માસમાં જ ૧૮મીએ મારા જીવન માટે અને અમારા કુટુંબમાં આધારની અત્યંત
મજબુત ધરી બનનાર - જીવનસંગિનિ - હર્ષા સાથે લગ્ન થયાં. વળી, ૨૦૦૮માં કેનેડા આવવાનું
ફાઇનલ થયું અને ત્યારે તે સમયે, ‘સંદેશ’માં ચાલતી કોલમ પણ મે મહિનામાં જ બંધ થઇ હતી.
ટૂંકમાં, મે મહિનામાં ઉથલ પાથલ ઘણી રહે છે! ૨૦૦૮માં કેનેડા આવી ગયા પછી તે દિવસોમાં
નવા નવા શરૂ થયેલા બ્લોગ્સ, ખાસ તો અમિતાભ બચ્ચન અને પરમ મિત્ર ઉર્વીશ કોઠારીના બ્લોગ
વાંચતાં પોતાનો બ્લોગ શરૂ કરવાની ચળ ઉપડતી ખરી.
પણ
ટેકનીકલી ચેલેન્જ્ડ વ્યક્તિ તરીકે બીક લાગ્યા કરતી. (જો કે તે વખતે ખબર નહતી કે “ડર
કે આગે જીત હૈ!” નહીંતર તે દિવસોમાં જ ઝંપલાવ્યું હોત.) એવામાં જય
વસાવડા જેવા ડીયર ફ્રેન્ડ ઓરકૂટ ઉપર અને પછી ફેસબુક ઉપર રહીને વાચકો સાથે સંપર્કમાં
રહી શકે છે એ જાણ્યું. ત્યારે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા પાછળ “હું આળસી
શકીશ” એ આકર્ષણ સૌથી મોટું હતું. કારણ કે તેમાં રોજ કે નિયમિત કોઇ એક દિવસે લખીને મૂકવાની
કશી ડેડલાઇન નહીં. કશું ફરજિયાત નહીં. જો પસંદ પડે તો ખાલી એક ક્લીક કરીને ‘લાઇક’ પણ
કરી શકાય. ટાઇપ પણ કરવાનું નહીં!

એવા આળસવર્ધક ‘એ ક્લાસ’ ફંડા ઉપલબ્ધ હોય પછી ‘બી લોગ’
કા ઝમેલા કાયકુ? ઉપરાંત ફેસબુકની મઝા એ કે કોઇને ફેસ ટુ ફેસ મળવાનું નહીં કે દેખાડવા
પણ બુક કાઢવાની નહીં. (ફેસબુક પર જોયું કે ત્યાં તો મારા સ્વ. સસરા આર. સી. ઠકકર કહેતા એમ, “કિસી કા બેલ, કિસી કા ગાડા, બંદે કા ડચકારા…”
ચાલતા હતા. કોની કવિતા અને કોણ દાદ લઇ જાય! એવા ‘ડચ.. કવિ’ઓનો પણ રાફડો ફાટ્યો હતો. તેથી તેમને ડચકારવા પણ જવું; એ ય ચળ જવાબદાર ખરી.)
ફેસબુકની બીજી મઝા એ ય ખરી કે કોમ્પ્યુટરના સ્ક્રીન પર મિત્રોની વર્ચ્યુઅલ મહેફિલ હોય,
તેમાં જઇને બેસવાનું. ફાવે એટલો સમય બેસો. અમારા બોરસદ તાલુકાના કાંઠાગાળાની ભાષામાં
કહું તો “વર્તી ના ફાવે તો હેંડતા થઇ જવાનું.”
ટૂંકમાં,
‘બસંતી’ની સંતવાણી “બૈઠે બૈઠે, નહીં બૈઠે નહીં બૈઠે….. ” અહીં સાકાર થતી હતી. એટલે
‘ફેસબુક’માં એન્ટ્રી પાડી. થોડોક સમય લાઇકમ લાઇકા કર્યું. પણ બ્લોગનો કીડો સળવળાટ ના
મૂકે. એવા દિવસોમાં કેલીફોર્નિયાથી શિવાની દેસાઇ ફેસબુક ઉપર મિત્ર બની અને તેણે શીખવ્યું
કે ફેસબુકમાં ‘નોટ’ કેવી રીતે મૂકાય. (યે પોઇન્ટ નોટ કિયા જાય, યોર ઓનર!) સદરહુ શિવાની
સાથે પહેલી (હકીકતમાં તો એક માત્ર!) રૂબરૂ મુલાકાત મુરબ્બી ગુણવંત શાહના વિચારશિબિર
વખતે વરસો પહેલાં થઇ હતી.
એ જ શિબિર દરમિયાન અવ્વલ દરજ્જાના ફોટોગ્રાફર સંજય વૈદ્યે
પાડેલો ફોટો અત્યારે બ્લોગ ઉપર મૂક્યો છે, જેથી મારા વાળના જથ્થા વિશેની મારી ગેરસમજણ
ટકી રહે! શિવાની દેસાઇ પણ આટલાં વરસ પછી અન્ય મિત્રોની માફક મારા ડીસ્ટન્સ લર્નીંગની
ટીચર બની. (શિવાની નામ મને તો આમે ય લેણે જ છે. મારા ઘરમાં દીકરી જેવી પુત્રવધુ પણ શિવાની છે…
‘વધુ’ તો શું કહું?)
ફેસબુક
દ્વારા જ રાજકોટના મુકુલ જાની પણ ગુરૂ બન્યા અને તેમણે ગુજરાતી ટાઇપીંગની મારી ઓછી
આવડતને દૂર રહે રહે દૂર કરી. તેમની જેમ જ રૂચિર પંડ્યા અને સમીર જગોત પણ ફેસબુકથી વિસ્તરેલા પરિવારના સભ્યો થયા. કદી ના મળ્યા હોય એવા સેજ શાહથી માંડીને ધૃતિ અમીન અને વિરાજ ભટ્ટ અને મયૂરિકા માયા સુધીના સૌ સામેલ થતા ગયા.
ઉપરાંત ‘અધિર’ અને ‘બધિર’ અમદાવાદી ભાઇઓ અને તેમની હળવી શૈલીનો પરિચય પણ થતો ગયો. બન્નેએ પ્રોફાઇલ પિક્ચરમાં પ્રાણીઓનાં બનાવટી ચિત્રો મૂક્યાં તે અગાઉની તેમના અસલ નામ સાથે ઓળખાણ થઇ હતી. ‘ફ્રેન્ડ્સ ઓફ અધિર એન્ડ બધિર’માં એવા ગૃપ પહેલાંનો સમાવેશ! તો આશિષ કક્કડ, જ્યોતિ ચૌહાણ, ઋતુલ જોશી કે વિદ્યાનગરમાં મેઘા જોશી અને નેહલ મેહતા, જામનગરના નરેશ ડોડિયા અને તેમની કવિતાઓ.... અહાહા... શું દિવસો હતા એ ફેસબુકના!
તે સમયે અમેરિકાના ‘ગુજરાત ટાઇમ્સ’માં રમેશ તન્નાએ રીતસર
પઠાણી ઉઘરાણી કરીને ફિલ્મી દુનિયાના કુમારોની સિરીઝ ‘કુમાર એન્ડ કુમાર’ લખાવી હતી.
તેમાં છેલ્લે મારા સૌથી પ્રિય કુમાર દિલીપકુમાર વિશેના ૮ હપ્તા થયા પછી અટક્યા છીએ.
ખરેખર તો લટક્યા જ કહેવાઇએ. કેમ કે હજી બીજા ૮-૧૦ હપ્તાની શક્યતા છે.
પણ જેમ ગુલઝાર
વિશેની એક પ્રલંબ શ્રેણી પ્રણવ અધ્યારૂ જેવા કોઇ પઠાણ સંપાદકની રાહ જુએ છે, એમ જ યુસુફખાન
પઠાણની લેખમાળા માટે પણ મારી પેન કોઇ દંડાધારી પઠાણનો ઇન્તજાર કરી રહી છે. (એક ખાત્રી
એડવાન્સમાં: હું કદી મારા કોઇ સંપાદકને “મેરી પેન કો ધક્કા ક્યૂં મારા?”
એમ નથી કહેતો. પછી એ ‘આરપાર’માં ગીતકારોની શ્રેણી ‘બાયોસ્કોપ’ શરૂ કરાવનાર ઉર્વીશ કોઠારી
હોય કે ‘વિચારધારા’માં એક એક ગીત પર ચાર ચાર
પાનાંના લેખવાળી ‘આંખોં કી ગુસ્તાખીયાં’ કરાવનાર
સૌરભ શાહ હોય!)
‘કુમાર
એન્ડ કુમાર’માં આવતા મારા રાજકુમાર, સંજીવકુમાર, અશોકકુમાર, રાજેન્દ્રકુમાર અને કિશોર
કુમારના જીવન આલેખ લેખો શિવાનીના માર્ગદર્શન મુજબ ‘નોટ્સ’ વિભાગમાં ફેસબુક પર મૂકવા માંડ્યા. તેને જે રીતનો રિસ્પોન્સ મળતો હતો
તેને લીધે બ્લોગની આળસ વધતી જ જતી હતી. (મોડો બ્લોગ શરૂ થવા બદલ એક જ વ્યક્તિને દોષ
દેવાનો હોય તો તે શિવાની દેસાઇ સિવાય કોને દેવાય, યોર ઓનર?!)
પછી
સમય જતાં ફેસબુકમાં મિત્રોની મર્યાદા પણ ખબર પડતી ગઇ…. અહીં પાંચ હજારથી વધારે દોસ્તોની
દોસ્તી મંજુર થતી નથી. હવે? મિત્રો વિનંતિ મોકલે રાખે અને આપણે ફેસબુકના લીમીટેશનને
લીધે ટેન્શનમાં કે એ બધાને કેવું લાગશે કે “આમને ભૈ ભૈ કરીએ છીએ, ત્યારે ભૈ તો મોભારે
ચઢે છે!!”
એટલે
ત્યાં ફેસબુક પર પોતાનું પેઇજ શરૂ કરવાનો છંદ પણ કરી જોયો. પરંતુ, ફેસબુક પણ અંતે તો ગ્લોબલ વિલેજનો
એક સમાજ જ છે. જે મિનિટે તમે સહેજ એક્ટીવીટી કરો, એટલે ગામ આખું જાણે કે તમે કોને ત્યાં
ઢાંકો ઢૂબો કે ઇવન ટહૂકો પણ કરી આવ્યા. પછી શરૂ થાય વર્ચ્યુઅલ રિસામણાં! એકાદ બે જણના
વાટકી વહેવાર કટ થવાથી થતી શરૂઆત છેવટે તમને નાત બહાર પણ મૂકી શકે, એ નરસિંહ મહેતાના
સમયથી લાગી શકતી બીક છે. પણ મેં અગાઉ કહ્યું
એમ, “ડર કે આગે જીત હૈ…”!
કેમ કે ‘નોટ્સ’ની ફાવટ આવી ગઇ હતી. (થેંકસ શિવાની, સિરીયસ્લી.) હવે બ્લોગ માટે તૈયાર હતો. વળી, જય વસાવડાથી મિત્ર કિન્નર આચાર્ય અને બિનીત મોદી સહિતના દોસ્તારો પોતપોતાના બ્લોગમાં ગોઠવાઇ રહ્યા હતા. એટલે થયું કે સાવ ડરી જવા જેવું તો નહીં જ હોય. નવી સોસાયટીમાં બે ચાર હિંમતવાનના બંગલા બને પછી બીજાઓ પણ આવે એમસ્તો!
છેવટે પાછા બ્લોગના બાંધકામના રસ્તે… શિલારોપણ તો થયેલું જ હતું.
હવે આઇટીના જાણકાર
અને અનુભવી પ્રોફેશનલ્સ એવા મારા બે દીકરાઓ સ્વપ્નિલ અને સનીનું કામ શરૂ થતું હતું. (બાય
ધે વે, અહીં આ બ્લોગમાં બે ચાર વાક્યે એકાદ મિત્રનું કે કુટુંબીજનનું નામ છોડતા રહેવાનું
પણ પ્લાનીંગ છે જ. જેમનું પણ નામ આજે નહીં લઇ શકાયું હોય તેમનું ભવિષ્યમાં આવશે જ. આફટર
ઓલ, આ તો ‘મારો’ બ્લોગ છે, કાંઇ છાપાની કોલમ થોડી છે કે લેખમાં ટેલેન્ટેડ દીકરાઓ કે
સુદામાના કૃષ્ણ હતા એવા મારા મિત્રોનાં અદભૂત કામો વિશે લખી ના શકાય?)
પણ
હવે જ પરીક્ષા શરૂ થઇ. કેમ કે ઉર્વીશ જેવો મિત્ર ઇન્ડીયા રહે રહે માત્ર ગાઇડ જ કરી
શકે અને એ બાપડો કંટાળે એ હદે મોડી રાતે તેની ઉંઘરાણીને હું વિલંબમાં નાખતો અને સોનલ
રાણીને પણ કંટાળો આવે એવા સમયે મારી ઉઘરાણી ચાલતી. મે મહિનામાં ‘મધર્સ ડે’ ના રવિવારે
મારી પૂજ્ય બાના સ્મરણ સાથે બ્લોગનું વાસ્તુ કરી દેવું એવી તારીખ નક્કી કરી દીધી. પરંતુ,
ઉર્વીશ જેને ‘ઓરીજીનલ મોદી નંબર વન’ કહે છે તે બિનીત મોદીએ આપેલી રત્નકણિકા યાદ ના રહી
અને ફળ ભોગવ્યું. બિનીતે ઠેઠ ઇ.સ. ૨૦૦૫માં મારા પ્રથમ અને એક્માત્ર (હા, ભૈ હા…. હજી સુધી પ્રગટ
થયેલા એક જ!) પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ ના લોકાર્પણ સમારંભ પહેલાં થયેલી મારી દયનીય
સ્થિતિ જોઇને અનાયાસ જ કહ્યું હતું કે “મા કોઇની મરશો નહીં અને હોલ કોઇ બુક કરાવશો નહીં!”
અહીં હોલ બુક નહતો. પણ ‘મધર્સ ડે’ની તારીખ તો ગ્રીટીંગ કાર્ડની કંપનીઓએ એક વરસ અગાઉથી
નક્કી કરી દીધેલી. પરદેશમાં બિનીત મોદી, પ્રણવ અધ્યારૂ અને ઉર્વીશ કોઠારી જેવા વક્ત
કે પાબંદ અને દયાળુ મિત્રો ક્યાંથી લાવવા? કેનેડામાં તો સુપુત્રો સ્વપ્નિલ અને સની
હતા. હમણાં જ સ્વપ્નિલના એક ફોટાને ફેસબુક ઉપર મારે ત્યાં શેર કર્યો, ત્યારે બસ્સો
ઉપરાંત મિત્રોએ લાઇક કર્યો હતો અને કોમેન્ટ કરનારાઓએ એક અવાજે કહ્યું હતું કે ‘મોરનાં
ઇંડાંને ચિતરવાં ના પડે!’
હવે
જો હું ૩૦ વરસ કોલમ લખીને એક જ પુસ્તક પ્રકાશિત કરી શકતો હોઉં, (તેમજ તેનાં ૭ વરસ થયા પછી બીજા માટે સળવળાટ પણ ના કરતો હોઉં!) તો દીકરાઓ? એ “પપ્પા, નેક્સ્ટ
વીકએન્ડમાં બેસી જઇએ..” એમ કહીને મુદત પાડે જાય, તો ‘મોર’ને નવાઇ ના લાગવી જોઇએ અને
લાગતી પણ નથી કે more ટાઇમ કેમ લાગે છે? (એમ તો મારા અંગત ગણાય એવા કેટલાય મિત્રોએ કદ્દી
મારું લખેલું કશું જ વાંચ્યું નથી. ‘કદી’ એટલે? ‘બાગબાન’માં અમિતાભ બચ્ચન કહે છે એમ
હું પણ ડોકી -અલબત્ત મારી જ- ડાબેથી જમણે લઇ જઇને ભારપૂર્વક કહી શકું એમ છું કે “કુછ્છ
ભી નહીં!”)
વળી ઘર કાંઇ ફિલ્મી અદાલત તો હોતી નથી કે સની દેવલની જેમ આપણાથી ઘાંટા પાડીને ઢાઇ કિલોના અવાજમાં
“તારીખ પે તારીખ, તારીખ પે તારીખ” એમ કહેવાય?(ખાસ કરીને જ્યારે સામે પણ સની જ હોય.... ભલેને ઠક્કર પ્રકારનો!)
વાંક
તો મારો જ હતોને? બ્લોગનું સત્તાવાર ખાત મહુરત તો ૨૦૧૦થી થયેલું હતું અને આપણે જ બે
વરસે હરુજ્યા હતા! ખેર, ટૂંકમાં કહું તો (આમ પણ સંત બસંતીના ચેલા તરીકે હું પણ કહું
જ છું કે “હમેં જ્યાદા બાત કરને કી આદત તો હૈ નહીં..” કો’કવાર કૌંસમાં બબડી લેવાનું
બસ.) મિત્રો અને પરિવાર જનો ખાસ તો બન્ને દીકરાઓના મળેલા સક્રીય ટેકનિકલ સાથ અને સહકારથી ‘મધર્સ ડે’ નિમિત્તે શરૂ કરવા ધારેલો
બ્લોગ, આજે શરૂ થઇ રહ્યો છે, તેનો અનહદ આનંદ અને સંતોષ છે. તેના સાજ શણગાર અને ખુબસુરતી બધું મારા લાડલાઓની મહેનતનું જ પરિણામ છે. હું જાતે કરવા જાત તો જુનમાં ફાધર્સ ડે વખતે પણ કદાચ આજના જેટલો જ બઘવાયેલો હોત! (આજેય સનીએ તૈયાર કરેલું આખું પાનું બે વાર મારાથી ઉડી ગયું હતું. છતાં દરેક વખતે એ જરાય અકળાયા વગર ‘પુનશ્ચ હરિ ઓમ’ કરતો! થેન્ક યુ, ડીયર સની એન્ડ સ્વપ્નિલ!)
જો બ્લોગ ગયા રવિવારે ‘મધર્સ ડે’ નિમિત્તે આરંભ થાત તો પૂજ્ય કમુબા વિશે એક સ્મૃતિલેખ કરવો હતો. હવે એ ફરી ક્યારેક. મારી બાએ આખી જિંદગી એટલો સંઘર્ષ કર્યો હતો
કે તેનું સ્મરણ માત્ર આંખ ભીની કરાવી જાય છે. એક વાર બા અને મોટાભાઇ (મારા પિતાશ્રીને
અમે મોટાભાઇ કહેતા તે) વાતોના મુડમાં હતાં. મેં તેમને જાણ ના થાય એમ તેમની વાતો
ટેપ કરી લીધી હતી. તેમાંનો એક અંશ આજે મહુરતમાં મૂકીને પ્રારંભ કરવો છે. આ શબ્દો મારે
‘ગાતા રહે મેરા દિલ’ના લોકાર્પણ વખતે ટાગોર હોલમાંથી વગાડવા હતા.
છેલ્લી ઘડીએ મારી
જ ગેરવ્યવસ્થાને લીધે એ શક્ય ના બન્યું. (મારાં કાયદામાં ‘મધર’ એવાં સાસુમા વિદ્યાબા
તો આજે ય કહેતાં જ હોય છે, “હસમુખલાલ થોડુંક ‘વેવસ્થી’ કામ કરીએ, તો છેલ્લી ઘડીએ ઓભામણ
ના થાય!”) પછી વિચાર આવે છે કે તે દિવસે ‘ટાગોર’માં તો માંડ હજાર – બારસો જ લોકો એ સાંભળી
શક્યા હોત. આજે ભલું થજો આંતરજાળનું (ઇન્ટર્નેટનું, ભૈ સા’બ!) કે ઠેઠ અંતરિયાળ દુનિયા આખી સાંભળશે, બાના વિશીષ્ટ આશીર્વાદ!
જય
હો માડી… તારા ચરણોમાં માથું મૂકીને આજે આ નવું ડગલું માંડી રહ્યો છું. બસ... તું માથે હાથ પસરાવતી
રહેજે, બા’લી!
(પ્લે બટન ઉપર ક્લીક કરવાથી ૨૦ સેકન્ડની આ ઓડિયોમાં, મારી બાની જિંદગીના નિચોડ જેવા ચરોતરના તળપદા શબ્દો સાંભળી શકાશે... “બહુએય માથે પડ્યું છે, ભૈ… કશું હંભારે પાર
નથી.. અને ચોપડી લખવા બેહે તો આખી લખાઇ જાય… આ જિંદગીની… એટલે હવે… ભગવાનને બે હાથ
જોડીને પગે લાગીએ…. છોકરાંને સુખી રાખજે…. અમારું જે થયું તે થયું….”)