Saturday, July 14, 2012

દારાસીંગ.... મહાબીર બિક્રમ બજરંગી!


Before Salman Khan there was Dara Singh.... Before Amitabh Bachchan there was Dara Singh.... Before WWF/WWE on Indian TV; there was Dara Singh in news paper ads!

દેવ આનંદ અને શમ્મીકપૂર પછી હવે દારાસીંગ પણ ગયા! જાણે કે નાનપણના ‘હીરો’ની વિદાયનો જ સમય ચાલી રહ્યો છે.“તને સાંભરે રે? મને કેમ વિસરે રે...” ની કૃષ્ણ - સુદામાની જેમ સ્કૂલના દિવસો યાદ કરતાં થાય કે બિછડે સભી બારી બારી...!

સ્કૂલમાં ભણતી વખતે દારાસીંગ વિશેની કેવી કેવી દંતકથાઓ સાંભળતા? એ રોજનું કેટલું દૂધ પીએ છે કે નાસ્તામાં કેટલા ડઝન ઇંડાં ખાય છે એ બધું છાપામાં પણ આવતું. તે દિવસોમાં યોજાતી તેમની કુસ્તીની જાહેરાતોની ભાષા પણ એટલું જ મનોરંજન કરાવતી. ખાસ કરીને મુંબઇમાં થનારાં એ દંગલમાં એક બાજુ કીંગકોંગ જેવા મહાકાય પહેલવાનનો ફોટો હોય અને એ “આ રવિવારે તારી છેલ્લી કુસ્તી હશે, દારા.... પછી તું કુસ્તીને લાયક નહીં રહે!” અને સામે દારાસિંગ પણ એ પડકાર ઝીલતા હોય એવી ભાષામાં જવાબ આપતા બતાવાયા હોય. 

પહેલો પ્રેમ...! ફેમસ સિને એક્ટર બન્યા પછી પણ કુસ્તી તો લડતા જ
આજે WWE કે તે અગાઉ WWF માં ‘ટ્રીપલ એચ’ અથવા ‘અન્ડર ટેકર’ જેવા રેસ્લર્સ એક બીજાને હોંકારા-પડકારા કરતા ટીવી પર દેખાતા હોય છે, તેની એ પ્રિન્ટ આવૃત્તિ કહી શકાય. દારાસીંગ ‘એક્ટર’(?) બન્યા પછી પણ ઠેઠ ૧૯૮૩ સુધી કુસ્તી કરતા જ રહ્યા હતા. એ દરેક ઇન્ટર્વ્યુમાં કહેતા કે કુસ્તી તેમનો પહેલો પ્રેમ છે. એટલે  તે દિવસોમાં વડોદરાના માણેકરાવના અખાડામાં કસરત કરતા હોઇએ, ત્યારે ત્યાંના જેટલા પણ સ્નાયુબધ્ધ અખાડિયનને જોઇએ, એ દરેકને દારાસીંગના ત્રાજવામાં તોલવાનો પ્રયાસ કરીએ. પરંતુ, કોઇ આપણા ‘રૂસ્તમ-એ-હિન્દ’ની છબીની નજીક પણ ના લાગે. છોકરાંમાં જ્યારે કોઇ બે-ચાર જણને ઝગડો થાય, તે વખતે પણ દારાસીંગ અદ્રશ્ય સ્વરૂપે ઉપસ્થિત હોય. કેમ કે તેમાંથી એકાદ જણ તો બીજાને આ ડાયલોગ  કહે જ કે “તુ વળી કયો મોટો દારાસીંગ છું?”   

અમને મઝા તો એ વાતની આવતી કે અમારા એ હીરો દુનિયાભરના દેશોમાં જાય, ત્યાંના સૌથી જાણીતા મલ્લ સાથે તે ‘મેચ લે’ અને દરેકને તેમને ઘેર, તેમના ઓડિયન્સની હાજરીમાં રીતસર ધૂળ ચાટતા કરીને પાછા આવે! દારાસીંગ એક માત્ર એવા કુસ્તીબાજ હતા કે જે કદી કોઇ ફાઇટ હાર્યા નહતા. હી વોઝ રીયલી એ વર્લ્ડ ચેમ્પિયન! અ રીયલ હીરો. આજનાં બાળકોને જેટલું WWEની ફાઇટ જોવાનું વ્યસન છે, એટલી જ એક જમાનામાં દારાસીંગની કુસ્તીના સમાચાર અને જાહેરાતો વાંચવાની ઇન્તેજારી બાળકોને રહેતી.  તેથી જ્યારે એ હિન્દી ફિલ્મોમાં આવ્યા, ત્યારે બાળકોનું એક તૈયાર ઓડિયન્સ તેમની ફિલ્મો માટે ઉપલબ્ધ જ હતું.

ગામા પહેલવાન
દારાસીંગની અગાઉના ગામા પહેલવાન વિશેની પણ કેટલીય વાતો ત્યારે પ્રચલિત હતી. પણ તેમને સદેહે કેટલાએ જોયા હશે? જ્યારે ફિલ્મોમાં આવીને દારાસીંગે પહેલવાનીને અમર કરી દીધી. નાનાં છોકરાંને ‘ઝગમગ’, ‘બાલસંદેશ’ કે ‘રમકડું’ જેવાં બાળ સામયિકોમાં આવતી ચિત્રકથાઓની મારામારી હવે પડદે જોવા મળતી હતી. ચિલ્લરપાર્ટીને તો સુટ બુટ કે ધોતી ઝભ્ભામાં સજ્જ હીરોનાં સામાજિક પિક્ચરોના રોના ધોના કે ઇવન લવસ્ટોરી કરતાં પણ ઉઘાડા ડીલે રૂપેરી પડદે આવતા દારાસીંગ વધારે ગમતા.

કીંગકોંગ
દારાસીંગનું  પિક્ચર છૂટે, ત્યારે ડોરકિપર હોલમાં ખાસ ઉભા રહે. કેમ કે ઓડિયન્સ એટલું ઉત્તેજીત થયેલું હોય કે થિયેટરમાંથી નીકળતાં નીકળતાં લોકો કશા કારણ વગર ખુરશીઓને મુક્કા મારતા નીકળે! એ તેમના વિરોધીઓની જે રીતે ધોલાઇ કરતા તેમાં ધોબી પછાડ પણ હોય અને સામા જુથના એકાદને ઉંચકીને હવામાં ગોળ ગોળ ફેરવીને વિરોધીઓના ટોળા ઉપર ફેંકવાના કસરતી દાવ પણ હોય. તેમની એક અસલી ફાઇટમાં ૧૩૦ કીલોના દારાસીંગે ૨૦૦ કિલો વજનના કીંગકોંગને ઊંચકીને પોતાના માથા ઉપર ગોળ ગોળ ઘુમાવીને રીંગની બહાર ફેંકી દીધાના રિપોર્ટ પણ છાપામાં ત્યારે આવી ચૂક્યા હતા. તેથી ફિલમના નાના-મોટા ૭૦- ૮૦ કે ૧૦૦ કિલોના કોઇ સ્ટંટ આર્ટીસ્ટને ઉઠાવવા એમને માટે કોઇ મોટી વાત નહતી.

એ રીતે જોઇએ તો, દારાસીંગે અમિતાભ બચ્ચન માટેનું મેદાન તૈયાર કર્યું હતું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કેમ કે અગાઉની ફિલ્મોમાં પણ હીરો અને વિલનની ફાઇટ, લગભગ છેલ્લી રીલમાં, નિયમિત આવતી. પણ તે ‘વન ઓન વન’ પ્રકારની. વિલનના ગ્રુપના લોકોને પણ હીરો કદીક મારતા ખરા. પણ તે સામસામા ફેંટમબાજીમા જ.... સામૂહિક લગભગ નહીં. પણ દારાસીંગની બોડી અને તેમની સાઇઝને લીધે જ્યારે તેમણે એકલે હાથે દસ-બારને મારવા શરૂ કર્યા, ત્યારે તે શક્ય (બિલીવેબલ) લાગવું શરૂ થયું. તેથી જ્યારે અમિતાભે એકલે હાથે વિલનના જુથના આઠ-દસને મારવાની શરૂઆત કરી, ત્યારે દારાસીંગના ચાહકો જથ્થાબંધ પ્રમાણમાં બચ્ચન તરફ ટ્રાન્સફર થઇ ગયા હતા, એ બાબત કેટલાએ નોંધી હશે? 
દસ દસ કો એકને મારા.... રિયલી?

ફરક એટલો જ હતો કે દારાસીંગની મારામારીમાં લોહી નહતું નીકળતું. એ વિલનને ડોકી મચડીને કે ગળા ઉપર કૂદીને પૂરો કરી નાખતા. અમિતાભ અને તેમના આજ દિન સુધીના અનુસંગીઓ પડદા ઉપર ટોમેટો કેચઅપની એટલી રેલમછેલ કરે છે કે તે બાળકોને જોવા દેવાય કે કેમ એ પણ સવાલ હોય છે. છતાં ગમ્મતની વાત એ કે દારાસીંગની ફિલ્મો ‘સી’ કે ‘ડી’ ગ્રેડની કહેવાતી અને બચ્ચન એન્ડ કંપનીનાં પિક્ચર્સ ‘એ’ ગ્રેડ ગણાયાં! જો કે એક્શન ફિલ્મોની સારામાં સારી વાત એ છે કે હવેના એક્ટર્સ બધા ખરેખર મજબુત થયા અને તેમનાં કસરતી બદન એક વેલકમ ફેશન છે.  એવી કોઇ એકશન ફિલમમાંનો અમરીશ પુરીનો તકિયાકલામ યાદ આવે છે.... “જમાના બદલ ગયા હૈ, તોલારામ!” 

થેંક ગોડ.... કસરતી બદન કા જમાના આયા!


શરત સક્સેના
હા, સાચ્ચેજ જમાના બદલ ગયા હૈ, તોલારામ! જેમ આજકાલ કરિના, કટરિના અને વિદ્યાબાલન જેવી હીરોઇનો ‘આઇટમ નંબર’ના રૂપાળા નામ સાથે એક ડાન્સ કરીને જતી રહીને હેલન, મધુમતી, લક્ષ્મી છાયા, બેલા બોઝ વગેરે જેવી નૃત્યાંગનાઓની કોઇ વારસદાર ના થવા દીધી એમ જ અમિતાભથી માંડીને આજના હીરો સુધીના સૌએ મારામારી કરવાનું મુખ્ય કામ ઉપાડી લઇને દારાસીંગ, કામરાન અને આઝાદ જેવા બિચારા ‘સ્ટંટ એક્ટરો’ને વિદાય કરી દીધા. સોરી, આજે એ જ કામ કરનારા ‘એક્શન હીરો’ કહેવાય છે! (આમીર ખાન જેવા પણ ‘ગુલામ’માં શરત સક્સેના સરખા ઊંચા અને  અત્યંત સ્ટ્રોંગ બોડીદાર  કલાકારને - અને તે પણ બોક્સીંગ ટાઇપની સ્ટ્રીટ ફાઇટમાં- હરાવે!!)
 
જમાના બદલ ગયા હૈ, તોલારામ... હવેની ફિલ્મો જોતાં એમ જ લાગે કે ભારતમાં માર-કાપ અને પિસ્તોલબાજી સિવાય સમાજમાં કશું થતું જ નહીં હોય! અગાઉ દારાસીંગ પ્રકારની ફિલ્મો અપવાદ રૂપ આવતી અને તે પણ મુખ્યત્વે બાળકોના મનોરંજન માટે ટારગેટ થતી અને આજે નકરી હિંસાથી ભરપૂર ફિલ્મો મેઇન સ્ટ્રીમ કહેવાય છે! (શું મોટી ઉંમરનાં બાળકોની સંખ્યા વધી ગઇ છે? કે પુખ્ત પ્રેક્ષકો ઘટી ગયા છે?)

એ હિસાબે ‘એક્શન’ ફિલ્મોનો ’૬૦ના દાયકાનો એ શરૂઆતનો દૌર કેવો હશે કે દારાસીંગની હીરોઇન મુમતાઝ દિલીપ કુમાર કે રાજેશ ખન્નાના પિક્ચરમાં આવી, ત્યારે તેને જાણે પ્રમોશન મળ્યું હોય એવું ગણાયું હતું. પછી તો દારાસીંગ અને મુમતાઝની જોડીનું નામ પડતાં ટિકીટ બારી છલકાવાની ગેરન્ટી ગણાતી. એ બન્નેએ વિકીપિડીયાના કહેવા મુજબ ૧૬ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, (રાજ-નરગીસની જોડીનાં ૧૪ પિક્ચર છે!) તે બેઉની ‘ફૌલાદ’, ‘બોક્સર’ અને ‘ડાકુ મંગલસિંગ’ જેવી ફિલ્મોનાં ગાયનો પણ લોકપ્રિય થયાં હતાં. મુમતાઝ અને દારાસીંગ પછી તો સગાં પણ થયાં. દારાસીંગના ભાઇ રંધાવા અને મુમતાઝની બહેન મલ્લિકા પરણ્યાં હતાં.
મુમતાઝ સાથે હીટ જોડી
પરંતુ, પહેલીવાર દારાસીંગને હીરો લઇને ફિલ્મ બનાવનારા પ્રોડ્યુસરે તેમની સામે હીરોઇન તરીકે લેવા તે સમયની ટોપ સ્ટાર્સનો સંપર્ક કર્યો, ત્યારે એ તમામે એક ‘પહેલવાન’ સામે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તે દિવસોમાં બી ગ્રેડ કે સી ગ્રેડની ગણાતી નાયિકાઓએ પણ નન્નો ભણી દીધો હતો! ત્યારે નિર્માતાએ મુમતાઝને રજૂ કરી અને બન્નેની જોડી જામી. આજે બધા ટોપ સ્ટાર ‘પહેલવાન’ છે અને બધી ટોપની હીરોઇનો એ ‘પહેલવાનો’ સામે કામ કરવા પડાપડી કરતી હોય છે! કહ્યુંને જમાના બદલ ગયા હૈ, તોલારામ!


હીરોઇનોએ કરેલા ઇનકારને લીધે પહેલવાન દારાસીંગ એક્ટ્રેસથી કેટલું સાચવતા એ સમજવા આ એક ગાયન ‘ફૌલાદ’નું જોવા જેવું છે. તેમાં સંગીતકાર જી.એસ. કોહલીની તર્જ ઉપર તેમના ગુરૂ ઓ.પી.નૈયરની છાપ સ્પષ્ટ સંભળાશે. પણ આશા ભોંસલેનું આ ગાયન ગાતી હીરોઇન મુમતાઝ એક કરતાં વધુ વખત હીરો સામે પ્રેમથી જુએ છે અને છતાં અડવાનું તો દૂર સામું જોવાનું પણ નહીં.... દારાસીંગ બિચારા એટલા ભડકી ગયા હતા, નાયિકાઓની એલર્જીથી! ગાયન દરમિયાન એક વાર બાપડાએ અડવાનું છે. પણ તે ય ચાલુ બગીએ મુમતાઝ પડી ના જાય તે માટેના ફાયર બ્રિગેડ પ્રકારના બચાવ કાર્યની રીતે જ. રાજ-નરગીસના ‘બરસાત’ના ફેમસ સીન જેવું હીરોની બાહોંમાં ઝુલતી હીરોઇનનું એ પ્રણય દ્રશ્ય નથી!   

૧૦૦ કરતાં વધુ પિક્ચરોમાં કામ કરનાર દારાસીંગ પછીનાં વરસોમાં ‘રામાયણ’ સિરીયલમાં હનુમાન બન્યા અને ‘વીર ભીમસેન’ કે ‘હરક્યુલીસ’ જેવાં પાત્રો ભજવવા કરતાં અલગ કક્ષામાં તે મૂકાયા. હવે હનુમાનજીની જગ્યાએ તેમની તસ્વીર ભક્તોના મનમાં પ્રસ્થાપિત થઇ. 
પવનસૂત હનુમાન કી જય!
તેમના તરફ એક પૂજનીય ભાવ આવ્યો. તેનો લાભ ચૂંટણી પ્રચારમાં લેવાયો અને બદલામાં તેમને રાજ્યસભાનું સભ્યપદ મળ્યું. તે વખતે ૭૦ વરસ કરતાં વધુ ઉમર થઇ હોવા છતાં એ એવા જ પ્રવૃત્ત હતા. એ કરિના અને શાહીદની ‘જબ વી મેટ’માં ‘અમને સિનીયરોને બધી ખબર પડે છે’ એવી ભ્રમણામાં રહેતા ‘દાદાજી’ની ભૂમિકામાં સરસ શોભતા હતા. સબૂત? વિડીયો હાજર હૈ.. 


અખાડીયન હોવાથી તેમનું જીવન અત્યંત શિસ્તબધ્ધ હતું. ૮૪ વર્ષની વયે અવસાન પામ્યા, ત્યારે પણ માંડ અઠવાડિયું દવાખાનામાં રહ્યા હતા. દારાસીંગને સાચી શ્રધ્ધાંજલિ એ જ હોય કે બાળકો તથા યુવાનો વધુને વધુ રમતા અને કસરત કરતા થાય.... તેમાં મોબાઇલ ફોન પર રમી શકાતી વિડીયો ગેમ્સ દરમિયાન આંગળીના ટેરવે થતી દોડાદોડીને ગણત્રીમાં નહીં લેવાની, હોં!



''મેરી ઉમર મેં એક ઝલકે મેં પતા ચલ જાતા હૈ કિ લડકા જિમ મેં જાકર સચ મેં વર્જીશ કરતા હૈ યા મોબાઇલ ફોન પર ગેમ ખેલને કો હી એક્સરસાઇઝ સમઝ લેતા હૈ!”

Monday, July 9, 2012

૧૯૯૦: સંગીતમાં નવી પ્રતિભાઓનો ‘સૈલાબ’!

૧૯૯૦ની ‘નંબર વન’ હીરોઇન: માધુરી દીક્ષિત

૧૯૯૦! ક્રિકેટમાં બેટ્સમેન ૯૦નો સ્કોર પાર કરે અને ‘નર્વસ નાઇન્ટીસ’માં આવ્યા એમ કહેવાતું હોય છે. આપણું ફિલ્મ સંગીત પણ તે સાલ એવા જ નર્વસ સમયમાં આવી પહોંચ્યું હતું. દરેક દાયકાના પ્રારંભમાં નવી નવી ટેલેન્ટ આવતી જ રહેતી હોય છે. તેથી ૧૯૯૦નું વર્ષ અપવાદ પણ નહતું. હીરો તરીકે સની દેવલ, આમિર ખાન, સંજય દત્ત અને પાછલા જ વરસમાં ૧૯૮૯માં આવેલા સલમાન ખાન સહિતના હીરો પોતાની જગ્યા બનાવી રહ્યા હતા. તો હીરોઇનોમાં પણ માધુરી, શ્રીદેવી, જુહી, ભાગ્યશ્રી ઇત્યાદિ વ્યસ્ત થઇ રહી હતી. હકીકતમાં તો આગલા વરસે ‘રામ લખન’, ‘ત્રિદેવ’ અને ‘પરીન્દા’ જેવી ફિલ્મો પછી ૧૯૯૦ના વર્ષમાં પણ ‘કિશન કન્હૈયા’, ‘થાનેદાર’, ‘સૈલાબ’ વગેરે લોકપ્રિય મ્યુઝિકવાળી ફિલ્મો માધુરી દીક્ષિતની જ હતી. 

પરંતુ, આ શૃંખલા મ્યુઝિકની છે, એટલે તે જોઇએ તો ૧૯૯૦માં સંગીતની દુનિયામાં પણ નદીમ શ્રવણ અને આનંદ મિલિન્દ ટોપ પોઝીશનમાં ડંકે કી ચોટ પર આવી પહોંચ્યા હતા. તેમની સાથે ગીતકાર તરીકે સમીર અને ગાયકો કુમાર સાનુ, ઉદિત નારાયણ અને અનુરાધા પૌડવાલ સરખા ગાયકો પણ ‘સ્ટાર્સ’ની માફક ચમકવા માંડ્યા હતા.



જો કે બોક્સ ઓફિસ ઉપર સૌથી સફળ થનારી ફિલ્મો તો સની દેવલ તથા મીનાક્ષી શેષાદ્રીની ઘાયલતેમજ આમિરખાન અને માધુરી દીક્ષિતની ‘દિલ’ હતી. પરંતુ, મ્યુઝિકને લાગેવળગે છે, ત્યાં સુધી તો ૧૯૯૦નું વર્ષ આશિકીનું હતું.ઘાયલઅને ‘દિલ’ તે સાલ દિવાળીના દિવસોમાં સાથે જોડે રજૂ થઇ અને પેલી માન્યતા ચકનાચુર કરી દીધી કે બે મોટી સ્ટાર કાસ્ટ વાળી ફિલ્મો એક સાથે રિલીઝ થાય તો બેઉના બિઝનેસ ઉપર અસર પડે. પરંતુ, આશિકીને કોઇ પણ રીતે મોટા પિક્ચરની ગણત્રીમાં ક્યાં મૂકાય એમ હતું? તેનાં હીરો-હીરોઇન રાહૂલ રોય અને અનુ અગ્રવાલ હતાં, જે એ ફિલ્મ પહેલાં (અને પછી પણ!) સ્ટાર તરીકે એવાં લોકપ્રિય ના થઇ શક્યાં. હકીકતમાં તો નદીમ શ્રવણનું સંગીત જ ‘હીરો’ હતું!

નદીમ - શ્રવણ
 ‘આશિકી’નાં આ બધાં ગીતો તો આજે પણ ક્યાં ભૂલાયાં છે?... “નજર કે સામને, જિગર કે પાસ, કોઇ રહતા હૈ…”, “ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના…”, “મૈં દુનિયા ભૂલા દુંગા, તેરી ચાહત મેં…”, “તુ મેરી જિંદગી હૈ…”, “અબ તેરે બિન જી લેંગે હમ…”, “સાંસોં કી જરૂરત હૈ જૈસે, જિન્દગી કે લિયે…” માય ગોડ! શું ચલણ હતું મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મનાં ગીતોનું તે દિવસોમાં. કોઇ આશ્ચર્ય નહતું કે તે સાલ ફિલ્મફેર એવોર્ડમાં ‘આશિકી’એ એક દુર્લભ વિક્રમ સર્જ્યો!

ગીતકાર સમીર
તે વરસના ફિલ્મફેર એવોર્ડ્સમાં સંગીતની તમામ કેટેગરીમાં પુરસ્કાર જીતીને ‘આશિકી’એ રેકોર્ડ કર્યો હતો. અર્થાત “અબ તેરે બિન જી લેંગે હમ…” માટે કુમાર સાનુ બેસ્ટ પ્લેબેક સિંગર બન્યા, તો “નજર કે સામને, જિગર કે પાસ, કોઇ રહતા હૈ…” એ બે એવોર્ડ અપાવ્યા. શ્રેષ્ઠ ગીતકાર તરીકે સમીરને અને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે અનુરાધા પૌડવાલને! એ બધા ઉપર સોને પે સુહાગા નદીમ શ્રવણ બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરની ટ્રોફી પણ જીતી ગયા. ચૂંટણીની ભાષામાં કહીએ તો આશિકી’ની એ ક્લીન સ્વીપ હતી, જે ‘ફિલ્મફેર એવોર્ડ્સ’માં તે અગાઉ કે તે બાદ કોઇ ફિલ્મે રિપીટ નથી કરી.

અનુરાધા પૌડવાલ
તે વરસ ૧૯૯૦ની બીજી મ્યુઝિકલ હીટ ‘દિલ’નાં ગાયનોએ પણ જબરી ધુમ મચાવી હતી. તેમાં પણ અનુરાધા પૌડવાલના જ અવાજની જ ક્માલ હતી. ફરક માત્ર એટલો હતો કે ‘દિલમાં “ઓ પ્રિયા ભૂલા દિયા…”માં સુરેશ વાડકરને બાદ કરો તો પુરૂષ અવાજ તેમાં ઉદિત નારાયણનો હતો. તેમાં પણ “મુઝે નીંદ ન આયે મુઝે ચૈન ન આયે…” સૌથી વધુ લોકપ્રિય બન્યું હતું. આમ કિશોર કુમાર અને મહંમદ રફી જેવા બબ્બે મુખ્ય પુરૂષ ગાયકોના અકાળ અવસાનથી ઉભા થયેલા ખાલીપામાં કુમાર સાનુ અને ઉદિત નારાયણ પોતાનાં સ્થાન મજબુત કરી શક્યા હોય તો તે ગુલશનકુમારના નેતૃત્વમાં ટી સિરીઝે જે હલ્લો સ્થાપિત મ્યુઝિક કંપનીઓ સામે કર્યો, તેને કારણે જ.  
કુમાર સાનુ
ગુલશન કુમારે જે રીતે આક્રમક માર્કેટીંગથી ‘આશિકી’ અને ‘દિલ’ની કેસેટ્સનો બિઝનેસ ૧૯૯૦માં કરી બતાવ્યો એ, સાવ સસ્તામાં કેસેટ્સ વેચવાથી શરૂઆત કરીને ઇન્ડસ્ટ્રીની ટીકાઓ અને કોપી રાઇટના કેસોનો સામનો કરનાર સાહસિકની સફળતાનું ચરમ બિન્દુ હતું. કેમ કે આગલે વરસે ૧૯૮૯માં લાલ દુપટ્ટા મલમલ કા’ જેવી વિડીયો ફિલ્મ બનાવી હતી, જેને થિયેટર્સમાં નહીં પણ વિડીયો માર્કેટમાં જ મૂકીને કમાણી કરી હતી. જ્યારે ‘આશિકી’ તો ગુલશન કુમાર અને ટી સિરીઝનું પોતાનું પ્રથમ પ્રોડક્શન હતું. 

ગુલશનકુમાર
હવે કોપી રાઇટની કોઇ બીક નહતી! પોતાના ગાયકો અને સંગીતકારો ટોપ પોઝીશનમાં પહોંચ્યા હતા. ૧૯૯૦નું વરસ સાચ્ચે જ ‘નર્વસ નાઇન્ટી’ જરૂર સાબિત થયું… પણ તે સંગીતની દુનિયાના જૂના મહારથીઓ માટે. ‘એલ. પી.’ અને ‘આર. ડી.’, નૌશાદ અને કલ્યાણજી આણંદજી એ સૌની હાલત કેવી હતી અને તેમનો પર્ફોર્મન્સ કેવો હતો ’૯૦ની સાલમાં, એ જોઇશું આવતા સપ્તાહે. દરમિયાન ગુગલ કર્યા વગર કે આઠ મિનીટ લાંબા ગાયનના વિડીયોની માહિતી જોયા વગર, ઇમાનદારીથી માત્ર યાદ કરીને, ૧૯૯૦માં ભપ્પી લહેરીએ આપેલું અને માધુરીએ કરેલા જોરદાર અને યાદગાર ડાન્સવાળું ‘સૈલાબ’નું આ ગીત “હમ કો આજકલ હૈ ઇન્તઝાર, કોઇ આયે લે કે પ્યાર…” ગાનાર ગાયિકાનું નામ કહી શકો? આપ કે પાસ હૈ ૮ મિનટ.... (સિર્ફ) સોચો ઠાકુર!



Sunday, July 8, 2012

કહો હરિફોને હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ...!

રવિવારે વિમ્બલડનની ફાઇનલ રમવા આવ્યા, ત્યારે રોજર ફેડરર અને એન્ડી મરે બન્ને આંસુ વહાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા હતા! 

જેમ ઓસ્કાર કે ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેટ થયેલા કલાકારો પોતાની વીનર્સ સ્પીચ એડવાન્સમાં તૈયાર કરીને આવતા હોય છે, એમ જ વિમ્બલડન માટે પણ પ્રેક્ટીસ થતી હોય છે. તેનું એક કારણ કોચીંગનું પણ ખરું. રમત ઉપરાંત માનસિક રીતે પણ  ખેલાડીને તૈયાર કરતા આધુનિક પ્રશિક્ષકો (સાદી ગુજરાતીમાં કહીએ તો, ‘કોચ’!) પોતાના પ્લેયરને એ જે તે ટુર્નામેન્ટ જીતવાના જ છે એવો આત્મવિશ્વાસ જગાવવા તેમને, છેલ્લે ટ્રોફી મેળવ્યા પછી તે શું કહેશે તેનું રિહર્સલ પણ કરાવતા હોય છે. 

પણ ફેડરર અને મરેને જુદાં જુદાં કારણે અશ્રુ વહાવવાનાં હતાં.  ફેડરર માટે આ સાતમું વિમ્બલડન ટાઇટલ થવાનું હતું અને તે પીટ સેમ્પ્રાસ જેવા ‘ઓલ ટાઇમ ગ્રેટ’ ખેલાડીના રેકોર્ડની બરાબરી કરવાનો હતો. એટલું જ નહીં વર્લ્ડ રેન્કીંગમાં એ પાછો ‘નંબર વન’ થવાનો હતો. (જે આજ સોમવારથી થઇ પણ ગયો.) જો કે એક ફરક બહુ મોટો હતો.... સેમ્પ્રાસે ૭ વખત ટ્રોફી જીતી તે ૧૯૯૩થી ૨૦૦૦ સુધીનાં ૮ જ વરસમાં! મતલબ કે ૧૯૯૩ થી ’૯૫ની હેટ્રીક પછી એક માત્ર ’૯૬ના વર્ષને બાદ કરો તો ફરી ૧૯૯૭થી ૨૦૦૦નાં ચાર વરસ સેમ્પ્રાસ જ ચેમ્પિયન! 

 જ્યારે ફેડરરને  સાત વખત ચેમ્પિયન બનવામાં ૨૦૦૩થી ૨૦૧૨ એટલે કે દસ વર્ષ લાગ્યાં. તેમાં પણ ૨૦૦૯ પછી સળંગ બે વર્ષ તો એ ફાઇનલમાં પણ નહતો પહોંચી શક્યો. તેથી ૩૦ વરસ કરતાં મોટી ઉંમરે હવે એ જીતી શકે એવી ફીટનેસ ધરાવતો હશે કે કેમ એ શંકા હતી. વળી, આ વખતે તો એન્ડી મરે જેવા ઇંગ્લેન્ડના સ્થાનિક હીરો સામે રમવાનું હતું. વિમ્બલડન લંડનમાં રમાતી હોવા છતાં ઠેઠ ૧૯૩૬ પછી બ્રિટનનો કોઇ ખેલાડી આ ટાઇટલ જીતી શક્યો નથી. તેથી સેન્ટ્રલ કોર્ટ ઉપરનું ઓડિયન્સ પણ નેચરલી મરે સાથે જ હોય. 

પણ રોજર ફેડરર હોય કે સચિન તેન્દુલકર કે પછી અમિતાભ બચ્ચન જેવા અદાકારો હોય, એ સૌ ચેમ્પિયન્સ જુદી માટીના બનેલા હોય છે. એ તેમના ટીકાકારોને પોતાના પર્ફોર્મન્સથી જવાબ આપવા ટેવાયેલા હોય છે. ફેડરરને પહેલા સેટમાં પરાજય મળ્યા પછી તો એ જાણે હિન્દી પડદે વિલનનો પહેલો મુક્કો ખાઇને હોઠ પાસેનું લોહી લૂછીને વિફરતો અમિતાભ! ફેડરરે તે પછીના ત્રણે ત્રણ સેટ જીતીને પાંચ સેટ ચાલી શકે એવી મેચનું ચાર જ સેટમાં પીલ્લું વાળી દીધું! (પેલા પ્રિય શેરમાં જરીક છુટ લઇને કહીએ તો, “કહો હરિફોને હું દરિયા જેમ પાછો જરૂર આવીશ , એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે...!”) હાથમાં આવેલી બાજી ગુમાવતા એન્ડી મરેને ઉપરવાળાને ફરિયાદ કરવા સિવાય કોઇ આરો નહતો. 

એન્ડી મરે: યે ક્યા કિયા રે દુનિયાવાલે!


ફેડરર પોતાની રમતથી વિરોધીઓને કેવા હતપ્રભ કરી નાખે તેનો એક ફક્ત ૫૯ સેકન્ડનો વિડીયો અહીં છેલ્લે મૂક્યો છે. તે કોઇ ઓછી જાણીતી સ્પર્ધાનો વિડીયો છે અને તેથી રેકોર્ડીંગની ક્વોલીટી એટલી સારી નથી. પરંતુ, ફેડરરની રમતની ક્વોલીટી જો જો. સામે અમેરિકાનો એન્ડી રોડીક છે, જે અમ્પાયરો સાથે દલીલો કરવા જેટલો જ તેની સરસ રમત માટે જાણીતો છે. આ સાથે રોડીક કેવા શોટ મારી શકે છે એ કર્તબના નમૂના જેવો એક ફોટો ૨૦૧૨ની જ વિમ્બલડનનો પણ મૂકું છું.
એન્ડી રોડીકના કર્તબ નિરાળા અને છતાં ફેડરર સામે?

વિડીયોમાં રોડીક નેટ નજીક આવીને શોટ મારે છે અને દરેક વખતે એમ લાગે કે તેનો જ પોઇન્ટ થશે. પણ મારી ના શકાય એવા દરેક શોટને ફેડરર ફટકારે છે. છેલ્લો શોટ તેનું ક્લાઇમેક્સ છે અને ત્યારે? પત્તાં રમતા હોવ અને પહેલેથી લગભગ તૈયાર બાજી હાથમાં હોય ત્યારે અન્ય ખેલી એ રમી બનાવી જાય તે વખતે પાનાં પછાડવાનું મન થઇ જાય કે નહીં? (ઇન્ડીયામાં હતો ત્યાં સુધી તો હું પણ અમારા મિત્રોમાં એ રીતે પત્તાં પછાડવા અળખામણો થયેલો હતો!)  તેનો હાથમાં આવેલો પોઇન્ટ જતો રહેતાં એન્ડી રોડીક પોતાનું રેકેટ સામેના, ફેડરરના, કોર્ટમાં ફેંકે છે. રેકેટ ફેડરરના પગ નજીક પડે છે. એમાં રોડીકનો પોતાની જાત ઉપરનો કે ઓછા કિસ્મત માટેનો  ગુસ્સો તો છે જ. પણ મને તો એ રોડીકે ફેડરરને કરેલા સાષ્ટાંગ દંડવત છે! 
માત્ર એકાદ મિનીટનો આ વિડીયો જુઓ અને તેનું બીજું કોઇ અર્થઘટન થઇ શકતું હોય તો કહો...

Friday, July 6, 2012

સ્ટેફી.... માર્ટિના...... સેરેના..... સાનિયા...!





‘લવ’ ઓલ!

સ્ટેફી ગ્રાફ (હવા મેં ઉડતા જાયે મેરા...):  નામ લખવાની જરૂર હતી ખરી?

ટીવી લોકશિક્ષણનું કામ કરી શકે એમ જે માનતું ન હોય એવા તમામને લેડીઝ ટેનીસ મેચ જોવા બેસાડી દો. પછી અમારી જેમ એ પણ પોઇન્ટ કેવી રીતે ગણાય, કયા સ્કોરને ‘લવ’ કહેવાય અથવા બ્રેક પોઇન્ટ અને મેચ પોઇન્ટનો તફાવત શું? એ બધું ઉડતા સ્કર્ટના અજવાળામાં શીખી જશે! સ્ટેફી ગ્રાફ, માર્ટિના હીંગીસ, મોનિકા સેલેસ, મારિયા શેરાપોવા, વિનસ અને સેરેના વિલીયમ્સ એમ કેવી કેવી મહિલાઓએ ટેનીસને લોકપ્રિય બનાવવામાં પોતાના સૌંદર્ય અને તે કરતાં પણ વધુ તો શરીર સૌષ્ઠવથી યોગદાન દીધું છે!
મોનિકા સેલેસ
જો કોઇને એમ લાગતું હોય કે આમાં મોટાભાગનાં તો અગાઉનાં નામો છે અને આજની વિક્ટોરિયા અઝારેન્કા કે પેત્રા ક્વિતોવા અને કેરોલિન વોઝ્નિયાક જેવી છોકરીઓનો પણ ઉલ્લેખ કેમ નથી? તો એનો જવાબ પણ સિમ્પલ છે. અમે તો અમારા ‘ટીચર’ને જ વધારે ઓળખીએને? નવા શિક્ષકોનાં તો નામ અને અટક પણ કેવાં છે? (યાદ રહે, વિક્ટોરિયા, પેત્રા અને કેરોલિન ત્રણેય વિમ્બલડન અગાઉના રેન્કીંગમાં વિશ્વની ‘ટોપ ટેન’ ટેનિસ પ્લેયર્સ છે.) પણ સિરીયસ્લી યાદ કરીએ તો ભારતમાં ટીવીના આગમન પછી જો કોઇ નવી રમતને અનુસરવાનો (સાદી ગુજરાતીમાં કહું તો,‘ફોલો કરવાનો’!) નિત્યક્રમ રાખ્યો હોય તો તે ટેનિસને અને તે માટે  જેટલો પણ આભાર દૂરદર્શનનો માનીએ એટલો ઓછો છે.

દૂરદર્શનનું પ્રસારણ તે દિવસોમાં કદાચ એટલું સ્વચ્છ ના પણ હોય, ચાલુ મેચે જ ‘સમાચાર’ આવે (તેમાં પણ કોઇ વેરાયટી નહીં…. દરેક બુલેટિનની શરૂઆત ‘શ્રી ગણેશાય નમ:’ની જેમ “પ્રધાનમંત્રીને કહા હૈ કિ….”  થી જ થાય. એટલું ઓછું હોય એમ રાજીવ ગાંધી પણ “હમેં દેખના હૈ…”ની ધ્રુવ પંક્તિ અવશ્ય બોલે જ!) અને ‘રૂકાવટ કે લિયે ખેદ હૈ’નું પાટિયું ગમે તે ઘડીએ આવી જતું હોય (જેને અમારા ઘરમાં હિન્દીમાં કાયમ ‘રૂકાવટ કે લિયે રવેદ હૈ’ એમ જ વંચાય!) તો પણ આજે એ દિવસો સંભારીએ, ત્યારે કોઇ જુદી જ દુનિયામાં પહોંચી જવાય છે. વળી એ બધું જાણે હમણાં જ બન્યું છે એમ લાગે અને વિચારીએ ત્યારે સમજાય કે ‘ઓહોહોહો…. એ બધું ’૮૦ અને ’૯૦ના દાયકામાં બન્યું હતુ?’ કેટલાં બધાં વરસ થઇ ગયાં?

દૂરદર્શનનો વિશેષ આભાર એ કારણસર પણ કે તે ટેનિસની ચારેય ગ્રાન્ડ સ્લેમ મેચો  દેખાડતું. એ જોઇને મોટી થનારી પેઢીને ટેનિસના પ્રેક્ષકોની શિસ્ત જ પહેલી તો ગમી જાય. હજારો પ્રેક્ષકો બેઠા હોય અને છતાં સંપૂર્ણ શાંતિ હોય. ક્રિકેટના સ્ટેડીયમના કોલાહલ અને કોમેન્ટ્રી બોક્સના નોન સ્ટોપ ઘોંઘાટની સરખામણીએ એ કેવો અદભૂત ફરક હતો! એક વાર ઊંચી ખુરશીમાં બેઠેલા ચેર અમ્પાયર ‘ક્વાએટ’ કે ‘સાયલેન્સ’ એમ કહે એટલે હજ્જારો જીભ એક સાથે સિવાઇ જાય. તેની પાછળનો આશય ખેલાડીઓ એકાગ્રતા રાખી શકે અને પ્રેક્ષકો પૈકીનું કોઇ ‘નો’ એમ બૂમ પાડી દે તો એ લાઇન અમ્પાયરનો કોલ સમજીને કોઇ ખેલાડી બોલને ફટકારવાનું છોડી ના દે એ હોય છે. પરંતુ, રમતની શિસ્ત કેવી ચેપી હોય છે કે સાઉન્ડ પ્રુફ કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા પણ પીન ડ્રોપ સાયલન્સ રાખે અને સૌથી વધારે તો ઘેર ટીવી ઉપર પ્રસારણ જોતા સૌ દર્શકો પણ શાંત થઇ જાય! 

ચેર અમ્પાયર અને તેમની સાથે કોઇ પોઇન્ટ અંગે પોતાનો મત પોતાની રીતે વ્યક્ત કરતો નદાલ

બોલની પ્રત્યેક હિલચાલ ઉપર નજર રાખતા ‘લાઇન્સ મેન’ જેમને હવે ‘લાઇન અમ્પાયર’ કહે છે, એ સૌ પણ સર્વિસ શરૂ થવાની સાથે જ કમરેથી નમેલા રહે. (ટેનિસને હજી પણ ના સમજતા મિત્રો માટે સ્પષ્ટતા: આ ‘સર્વિસ’ એટલે ‘નોકરી’ એવો અર્થ ના કરવો…. બોલને પ્રથમ ફટકારવાની ક્રિયાને ‘સર્વિસ’ કહેવાય અને કોઇ એક ખેલાડીની તરફેણમાં અમ્પાયર પોઇન્ટ નક્કી કરી દે પછી એ સૌ કમરેથી જરૂર સીધા થઇ શકે. બલ્કે થાય જ!) બોલ કોર્ટની જે દિશામાં ગયો હોય તેને નાના નાના ચાર છોકરા- છોકરીઓ  લઇ લેતા હોય તે સૌ પણ એક વિશીષ્ટ મુદ્રામાં ઉભડક બેઠા હોય. 

બોલ ગર્લ્સ
એ ‘બોલ બોય’ કે ‘ગર્લ’ને બોલની મુવમેન્ટને સૌથી નજીકથી જોવાનો લ્હાવો મળે. એવાં નિરીક્ષણોને પરિણામે મળ્યો બોરીસ બેકર જેવો ઝંઝાવાતી ખેલાડી! બેકર નાનો હતો ત્યારે ‘બોલ બોય’ જ હતો. તેની એન્ટ્ર્રી થઇ ૧૯૮૫માં. ત્યારે માત્ર ૧૭ વરસની ઉંમરનો એ છોકરડો અને છતાં તેની તે દિવસોની સર્વિસ ભલભલાને છક્કડ ખવડાવી દેતી. કોર્ટ ઉપર એ જે ચપળતાથી દોડતો, સરકતો, લસરતો…. એ બધું જોતાં એ તે સાલ વિમ્બલડન ચેમ્પિયન ના થયો હોત તો જ નવાઇ હોત. બેકરને તે વરસે ટ્રોફી ઉંચકતો જોયા પછી તો ટેનિસનું વ્યસન થઇ ગયું.

હવામેં ઉડતા જાયે મેરા સુપરમેન... બોરીસ બેકર!!! 

 હવે સ્ટેફી કે ગેબ્રીયેલા સબાતીનીના ઉડતા સ્કર્ટવાળા ત્રણ સેટની રમતને બદલે પાંચ સેટના મર્દાના ખેલમાં મઝા પડવા લાગી. તે સમયના પુરૂષ ખેલાડીઓની રમતનું આકર્ષણ એવું કે કોઇની સાઇડ લેવાનું મન ના થાય. જે દિવસે જે વધારે સારૂં રમે તે જીતે (મે ધ બેસ્ટ પ્લેયર વીન)ની ખેલદિલી ઉભી થઇ…. પછી ભલેને આપણા પેસ કે ભૂપતિ અથવા તો સાનિયા હારતાં હોય! એ નિષ્પક્ષતા  ક્રિકેટના ઝનૂનમાં કદી ઉભી ના થઇ શકી. અજાણતાં પણ એ સ્પોર્ટ્સમેન સ્પીરીટ અમારા પણ સ્વભાવનો હિસ્સો બની છે. મેચ પત્યા પછી બેઉ હરીફ ખેલાડીઓ નેટની સામ સામે ઉભા રહીને ભેટે. મેચ પછીની સ્પીચમાં પણ ઘણીવાર એક બીજાનાં વખાણ કરે. યાદ છે ને રફાયેલ નદાલે ફેડરરને હરાવ્યા પછી શું કહ્યું હતું? “ભલે હું જીત્યો. પણ આજે ય નંબર વન તો ફેડરર જ છે!” 
આજેય અજેય ફેડરર

નદાલે એ માત્ર કરવા ખાતર કરેલાં વખાણ નહતાં; એ આજે સાબિત થઇ જ ચૂક્યું છેને? કાલે રવિવારે ફરી એક વાર ફાઇનલમાં ફેડરર જ છે.... લંડનના લોકલ હીરો એન્ડી મરે સામે. ત્યારે એ નિમિત્તે આજે કોને કોને યાદ કરવા? બોરીસ બેકર, ઇવાન લેન્ડલ, સ્ટીફન એડબર્ગ, જીમ કુરિયર અને એ બધા કરતાં વધારે તો મારો અને દીકરા સનીનો ફેવરીટ પીટ સેમ્પ્રાસ (એટલી આક્રમક રમત અને છતાં ચહેરા ઉપર ભગવાન બુધ્ધની શાંતિ!) માય ગોડ… આ લખતાં જ રૂંવાડાં ખડાં થઇ જાય છે અને આંખો ભીની! મારી બુધવારની ‘ટાઇમ પ્લીઝ’ કોલમમાં નિયમિત રીતે કરેલું ટેનિસનું કવરેજ યાદ આવે છે. ‘સંદેશ’માં થોડોક સમય સ્પોર્ટ્સની કોલમ ખાલી પડી, ત્યારે ‘સની સહાય’ એવા નામે એ કોલમ લખી તો તેમાં પણ ટેનિસના ખેલાડીઓ વિશે લખ્યું. 

પીટ સેમ્પ્રાસ: શાંત ચહેરો આક્રમક રમત
પણ મને હમેશાં ખેલાડીઓ (કે ફોર ધેટ મેટર કલાકારોના) અંગત સંઘર્ષમાં અને વધારે તો તેમનાં માનવીય પાસાંમાં વધારે રસ પડે અને તે રવિવારની સ્પોર્ટ્સની કોલમમાં બહુ ના ચાલે. મને તો બેકરના કાંડાને ઇજા થાય કે આન્દ્રે અગાસી લાંબા વાળને બદલે લોટ્ટી કરાવી દે કે સ્ટેફી સાથે તેનો સંબંધ થાય અને તેમના અગાઉના સમયમાં, ’૭૦ના દાયકામાં, જીમી કોનર્સ અને ક્રીસ એવર્ટનું પણ ગોલ્ડન કપલ કહેવાતું એવી બધી વાતોમાં વધારે રસ પડે. 

સેરેના વિલીયમ્સ: બ્લેક પાવર!

મને એ લખવાનું પણ ગમતું કે વિનસ અને સેરેના વિલીયમ્સ કેવી તકલીફો પછી ‘બ્લેક પાવર’નું સિમ્બોલ બન્યાં અને મોનિકા સેલેસ દરેક શોટ મારતી વખતે તેમાં પોતાનો જુસ્સો (પાવર) ઉમેરવા કેવી નિયમિત બૂમ પાડતી. મને માર્ટિના હીંગીસના ચહેરામાં મહિમા ચૌધરી દેખાય અને માઇકલ ચેંગમાં હું નાનકડો જેકી ચેન શોધું! વાતે વાતે મગજ ગુમાવતા જહોન મેકેન્રોમાં તો સ્વાભાવિક રસ પડે જ અને માથે ચોકડાવાળી પટ્ટી બાંધતા ઓસ્ટ્રેલિયન પ્લેયર પેટ કેશમાં પણ!

 
માર્ટિના ચૌધરી કે મહિમા હીંગીસ?
એ પેટ કેશે (Pat Cash) ૧૯૮૭ની વિમ્બલડન ફાઇનલમાં ઇવાન લેન્ડલને હરાવીને ટાઇટલ જીત્યું, ત્યારે કેવી સનસનાટી થઇ હતી? બધા પ્રોટોકલ છોડીને એ પ્રેક્ષક ગેલેરીઓ કૂદતો કૂદતો પ્લેયર્સ બોક્સમાં પહોંચી ગયો હતો અને તે જીતની ક્ષણને પ્રથમ પોતાના પરિવાર સાથે ઉજવી! એ પ્રસંગને પણ મારી કોલમમાં હાઇલાઇટ કરવાનો ઉમંગ જુદો જ હતો. કોમ્પ્યુટર, ઇન્ટર્નેટ કે ગુગલ સિવાયના દિવસોમાં વાચકો સાથે એ બધું શેર કરવાની મઝા પણ અલગ હતી. આજે એવો જ આનંદ બ્લોગ ઉપર મળી રહ્યો છે, એ શું ઓછું છે? ટેનીસ અને તેના ખેલાડીઓ વિશે ખુબ ખુબ લખવું છે. કેમ કે આટ્લો લાંબો લેખ અને આટલા બધા ફોટા મૂક્યા છતાં સાહિરના શબ્દોમાં કહું તો, “દિલ અભી ભરા નહીં...”!

સાનિયા મિરઝા

Thursday, July 5, 2012

હેપ્પી બર્થ ડે... રજનીકુમાર પંડ્યા!

આજે રજનીકુમાર પંડ્યાનો જન્મદિન અને તે ૧૯૩૮માં જન્મયા હોઇ ૭૫મા વર્ષમાં પ્રવેશે છે! (કોઇએ એવું નોધ્યું કે ૧૯૩૮ના જે વર્ષમાં એમ જે. લાયબ્રેરીની સ્થાપના થ ઇ હતી તે જ વરસમાં આપણા કેટલા સાહિત્યકારોનો જન્મ થયો હતો? રજનીકુમાર ઉપરાંત વિનોદ ભટ્ટ, નિરંજન ત્રિવેદી અને યશવંત મહેતા પણ આ સાલ ૭૫ના થયા!)

 આમ તો ભાઇ બિનીત મોદી અને બીરેન કોઠારીના તથા ખુદ રજનીભાઇના બ્લોગ ઉપરનાં લખાણોને લીધે બ્લોગ જાહેર વાત છે. મારે તેમાં મારો રાજીપો ઉમેરવા સિવાય કશું ખાસ કરવાનું નથી. એ સૌ કરતાં મોડો છું. છતાં પણ મારે ‘બીલેટેડ હેપી બર્થ ડે’ નથી કહેવાની. કેમ કે આ લખું છું, ત્યારે અહીં કેનેડામાં હજી પાંચમીની રાત્રી છે! હકીકતમાં તો ‘ગુરૂપૂર્ણિમા’ ઉપર વિનોદ ભટ્ટની સાથે આ ‘ગુરૂ’ને પણ વંદન કરવાના હતા. વિનોદભાઇ અને રજનીભાઇ બન્ને સાથે હોય એવા ફોટા પણ વિચારી રાખ્યા હતા. પરંતુ, એ લેખ આમ પણ ધાર્યા કરતાં લાંબો થઇ જવાથી રજનીકુમાર બાકી રહ્યા હતા. મારે તેમને વિશે એકાદ લીટીમાં નહતું લખવું.
તેમને ‘ગુરૂ’ એ નામે જ ઉલ્લેખતા ઉર્વીશને કારણે રજનીકુમારને ત્યાં મારો પણ આવરો જાવરો સારો એવો રહેતો. ઉર્વીશના જ શબ્દોમાં કહું તો, થોડોક આભાર વેસ્ટર્ન રેલ્વેનો પણ ખરો. ટ્રેઇનમાં હું આણંદથી અને ઉર્વીશ મહેમદાવાદથી બેસે. 

બન્ને મણીનગર ઉતરીએ. ત્યાંથી ઉર્વીશના સ્કૂટર પર રાજદીપ ફ્લેટ જવાનું અને ગુરૂ સાથે બેઠક કરવાનું નિયમિત બને. કો’કવાર અમે વિનોદ ભટ્ટને ત્યાં કે વળી ક્યારેક અશ્વિની ભટ્ટ્ને ત્યાં પણ સાથે જઇએ. જો કે એવા સંજોગોમાં પણ  મોટેભાગે રજનીકુમારને ત્યાં થઇને જ જવાનું થાય. અમારે ત્રણેયને માટે લખવા વાંચવા ઉપરાંતનો કોમન ઇન્ટરેસ્ટ તે ફિલ્મ સંગીતનો! એવી ચર્ચાઓ અને વાતચીતોને પગલે ઉર્વીશ અને પ્રણવ  અધ્યારૂના કુશળ નિર્દેશનમાં‘આરપાર’ સાપ્તાહિકમાં  કરી શકાઇ ફિલ્મી શાયરો વિશેની મારી સિરીઝ ‘બાયોસ્કોપ’ અને તેનું જ પુસ્તક સ્વરૂપ ‘ગાતા રહે મેરા દિલ’ શક્ય બન્યું.

‘ગાતા રહે મેરા દિલ’ ના બેક કવર પેઇજ ઉપર રજનીકુમારે મારો પરિચય તો ઉદાર દિલે લખી જ આપ્યો. પણ પુસ્તક વિમોચન જેમના હાથે કરાવવાનું હતું એ ગઝલ ગાયક મનહર ઉધાસને તે માટે સંમત કરવાનું કામ પણ તેમણે જ કર્યું હતું. મનહરભાઇ સાથે તેમનો નાનપણનો પરિચય. વિમોચનના દિવસોમાં મનહર ઉધાસનો કાર્યક્રમ આણંદમાં હતો. તેમને મળવા રજનીભાઇ અમદાવાદથી આવ્યા અને રેસ્ટ ઇઝ હીસ્ટ્રી! કેમ કે મનહરભાઇએ વિમોચન પછી પુસ્તકમાં આલેખાયેલા નવે નવ શાયરોનાં ત્રણ ત્રણ એમ ૨૭ હિન્દી ફિલ્મી ગીતોના અંશો ગાઇને ઓડિયન્સને ન્યાલ કરી દીધું હતું. 

છતાં રજનીકુમારની વાતચીતમાં પણ કોઇ દિવસ એ કોઇ વાતનો ઉલ્લેખ સરખો નહીં.  કેમ કે  ‘મદદ કરવી’  એ રજનીકુમારના સ્વભાવનું ‘ડીએનએ’ છે. વરસો પહેલાં મારા ફાધરને આંખની તકલીફને લીધે નવસારી આંખના દવાખાને લઇ જવાના હતા. ત્યારે તેમને મળવા વિજયા બેંકમાં ગયેલો અને વાત વાતમાં હોસ્પીટલની વાત નીકળી. તેમણે તરત ચિઠ્ઠી લખી દીધી અને ત્યાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળી. એવું જ એક વાર મુનિ આશ્રમ, ગોરજના દવાખાનાનું કામ પડ્યું અને ગુરૂના ફોને કામ પતી ગયું હતું. ફોન કરીએ એટલે “પંડ્યા બોલું છું...” એમ કહે. ક્યારેય “રજનીકુમાર બોલું છું” એમ સાંભળ્યાનું યાદ નથી. અત્યારે હેપી બર્થ ડે કહેવા ફોન કર્યો તો પણ એ જ રણકો... “પંડ્યા બોલું છું...


રજનીકુમાર સંગીતકાર આણંદજીભાઇ સાથે

રજનીકુમાર લેખક જેટલા જ સરસ વાચક! વાંચીને રાજી થાય તો લેખમાંની અગત્યની વાતો યાદ કરીને કહે જ. તેમનાં નિરીક્ષણ સચોટ જ હોય. પોતાનો મુદ્દો તેમની માફક ઓછા શબ્દોમાં કહી શકે એવા લેખકો કેટલા હશે? મને તો ઘણીવાર થાય કે રજનીકુમાર વિવેચન, સોરી સમીક્ષા, ખુબ સરસ કરી શકે.  ફિલ્મી વિગતોની જાણકારી પણ એટલી જ. એ કલાકારો સંગીતકારોના ઇન્ટર્વ્યુ પણ કરતા. તેથી મારા જેવા ઉતાવળીયાથી ક્યાંક સરતચૂક થઇ હોય તો ધ્યાન દોરવાનું પણ ના ચૂકે. 

ફિલ્મી દુનિયા અને કલાકારો વિશેનું તેમનું પુસ્તક ‘આપકી પરછાંઇયાં’ હોય કે ‘કુન્તિ’ અને ‘ચંદ્રદાહ’ જેવી સત્યકથા કે નવલકથા હોય તેમના લખાણમાં ઝબકારા સતત આવતા જ રહે..... તળપદા શબ્દોના ઉપયોગથી માંડીને વાર્તાની માંડણી અને અંતની ચમત્કૃતિ એ બધા ટ્રેડમાર્ક ઝબકાર રજનીકુમારને માસ્ટર સ્ટોરી ટેલર તરીકે એક જુદા જ સ્તર પર મૂકે છે. પણ તે કરતાં પણ વધુ  ‘સહાય કરવા સદા તત્પર’ એવા વ્યક્તિ તરીકેનું તેમનું લેવલ ખુબ ઊંચું છે. આજે ૭૫મા વર્ષના પ્રવેશ નિમિત્તે તેમના અસંખ્ય ચાહકોની સાથે આ બ્લોગના માધ્યમથી આપણે પણ તેમને હિન્દી ફિલ્મ ગીતની પંક્તિ જ કહીએ “તુમ જીયો હજારો સાલ..... સાલ કે દિન હો પચાસ હજાર!!”  

Wednesday, July 4, 2012

ટીવીના ન્યુઝ એન્કર્સ વિશે વક્ર વ્યુઝ!



બગાસું ખાતાં પતાસું પડ્યું! ટીવીની ગમતી એન્કર નીધી રાઝદાનને શોધવા જતાં મિડીયાની ફિરકી લેતો બ્લોગ મળ્યો. જો કે આમ તો ૨૦૦૮માં અહીં આવી ગયા પછી, છેલ્લાં ચાર વરસથી, ઇન્ડીયન ટીવી ચેનલો સાથેનો સંપર્ક લગભગ છુટી ગયો છે. એકાદ વરસથી તો ઘરમાં ટીવી પણ નથી, એટલે  ટેલીવિઝન સાથેનો જે કાંઇ સંપર્ક છે તે માત્ર ઓન લાઇન ટીવીનો છે. અન્ના હઝારેના ઉપવાસ વખતે થોડો સમય NDTV, Times Now અને CNN IBN એ ત્રણેય ભારતીય ચેનલો જોવાનું નિયમિત રાખ્યું હતું. પરંતુ, ચર્ચામાં ભાગ લેનારા પેનલીસ્ટ્સ કરતાં પણ એન્કર્સ જે  પ્રમાણમાં બૂમાબૂમ કરતા હતા, તેને લીધે જ્યાં સૌથી ઓછો ઘોંઘાટ લાગ્યો તે NDTV જ જોવાનું ચાલુ રાખ્યું. 

દરેક છાપાની જેમ પ્રત્યેક ચેનલ પણ પોતાને ત્યાં વ્યક્ત થતા વિચારો પૈકી તેમણે પ્રમોટ કરવાની લાઇનને હાઇલાઇટ કરવાની નીતિ રાખતી જ હોય છે. એક જાગૃત દર્શક એ લાઇનની મધ્યમાં ‘બીટ્વીન ધી લાઇન્સ’ જોઇ જ શકતા હોય છે. તેથી NDTV સામે બાયસ રિપોર્ટીંગના આત્યંતિક આક્ષેપો છતાં મને એની ચર્ચાઓ ગમતી હોય છે. ખાસ કરીને નીધી રાઝદાનનો પ્રોગ્રામ ‘Left Right & Center’ અને બરખા દત્ત દ્વારા હેન્ડલ થતા કાર્યક્રમો. 

બરખાને સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હોઇ કોંગ્રેસની તરફેણ કરશે એવા જોખમ સાથે અને ‘રાડિયા ટેપ’ દ્વારા દિલ્હીના સત્તા વર્તુળોમાં બરખાની નિકટતા જાણ્યા પછી પત્રકારત્વ કેટલું હશે અને લોબીંગ કેટલું હશે તેની મુંઝવણ છતાં; એ જે લેવલના ઇન્ટર્વ્યુ કે પેનલીસ્ટ્સને લઇ આવે છે, તેને લીધે એ પ્રોગ્રામ્સને એક અલગ કક્ષામાં મૂકી શકાય.

આમ તો બરખા દત્તની વિરુધ્ધની એક કરતાં વધુ આખે આખી વેબસાઇટ્સ ઇન્ટર્નેટ ઉપર ઉપલબ્ધ છે. મને એ પણ ખબર છે કે બરખાનું નામ આવતાં કેવાં અંતિમવાદી રિએક્શન્સ આવતાં હોય છે. એવા મિત્રોને મઝા પડે એવી એક રસપ્રદ આઇટમ ધ્યાનમાં આવી. એક બ્લોગ ‘મિડીયા ક્રુક્સ’ ઉપર ભારતના સૌથી ‘ખરાબ ટીવી એન્કર્સ’નું ‘ટોપ ટેન’ લીસ્ટ બનાવ્યું છે. અને ‘નંબર વન’ કોણ થયું? તમારું અનુમાન સાચું છે…. બરખા દત્ત! એપ્રિલ મહિનાથી એ યાદી માર્કેટમાં હોઇ અમુક મિત્રોએ જોઇ જ હશે. મને તેમાં સમાવિષ્ટ દસે દસ વિશે જે ટૂંકી નોંધ આવી છે, તેની ભાષાની મઝા માણવા જેવી લાગી છે. 

એ યાદીમાં કે તેના ક્રમમાં કે ઇવન કોણ તેમાં છે અને કોણ રહી ગયું એમાં મને કોઇ રસ નથી. ભાષાના વિદ્યાર્થી તરીકે મને તેમાં દરેક એન્કર માટે જે શાર્પ કોમેન્ટ કરાઇ છે તે ઇન્ટરેસ્ટીંગ લાગી છે. તેના અમુક અંશો જ શેર કરવા છે. બાકી આખું લીસ્ટ અને દરેકના વિસ્તૃત પરિચય માટે તો ‘મિડીયા ક્રુક્સ’ Media Crooks બ્લોગની જ વિઝીટ કરવી રહી. કેટલાંક નિરીક્ષણો સાથે સંમત થવાનું ન પણ ગમે.. (જેમ કે નીધી વિશેની કોમેન્ટ!) પણ આપણે તો ભાષાનો આનંદ લેવાનો છે અને તે રીતે અર્નબ ગોસ્વામી વિશેની કોમેન્ટ શ્રેષ્ઠ લાગી છે. (બેસ્ટ એમોન્ગ વર્સ્ટ?) Okay folks, let us take a ride….




Nidhi Razdan, NDTV : .She has come to prominence more for many reasons other than journalistic skills. ‘Left, right, centre’ is her signature programme and happens to be one of those mindless debates on every topic under the sun. She is proof that you can be an expert on everything with specialisation in nothing.....

Barkha Dutt : ....She is probably the only news celeb on TV that has a ‘wardrobe sponsor’...




Arnab Goswami: ....There can be no denying that Arnab is one of the rare patriots among journalists. Almost every one wishes our judiciary could be as quick and decisive as Arnab is. Which is the reason I conferred him the title ‘Justice Arnab’. His performance on TimesNow has definitely battered ratings of NDTV and CNN-IBN. Pick up any scam, any scandal Arnab can throw the documents at you. IB, RAW, GOI have no escape – all documents and papers have to pass through Arnab. Sometime back I remarked: Most of us wake up in the morning and want Coffee or Tea! Not Arnab, he just wants ‘answers’....

Vir Sanghvi : ....I honestly don’t have any idea whatsoever what Sanghvi currently does. I don’t even see him on any Cookery or Foodie show.. 

Kumar Ketkar ....He is also reported to be a former speech writer during elections for Congress members. Isn’t that an accomplishment any journalist would be proud of?... 
Karan Thapar :... Readers must remember that every journo looks tall in the studio but not in actual life. KT is not blessed with stature and the same goes for his journalism...

Vinod Sharma : ...For those who don’t know, Vinod Sharma is the political editor of Hindustan Times. That’s right, ‘Political’ is the key word – less of an editor and more of a politician....

Shekhar Gupta: ...His senseless programme ‘Walk the talk’ , the equivalent of ‘Koffee with Karan’ or ‘On the couch with Koel’, continues on NDTV…

Sagarika Ghose: ....Journalism gives her a bad name....

Rajdeep Sardesai : ...Death of decent journalism owes a small debt to him....

Tuesday, July 3, 2012

ઓસમ કા મૌસમ!


માત્ર પાંચ જ મિનીટનો આ જાદુનો  વિડીયો શિકાગોથી હિન્દી ફિલ્મ સંગીતના એક જબરદસ્ત ચાહક એવા સુમન્તભાઇ વશીએ ત્રણ ચાર મહિના પહેલાં મને મોકલ્યો, ત્યારથી કેટલાય મિત્રોને તે બતાવ્યો છે. જોનાર દરેકના મુખેથી ‘Awesome' એવા જ ઉદગાર સાંભળ્યા છે. 

જાદુ માટે જો કે એક પ્રસિધ્ધ ઉક્તિ છે... “ઉકલ્યો કોયડો કોડીનો!”
અર્થાત જાદુ કહો કે હાથ ચાલાકી એ બધા ખેલનુ રહસ્ય ઉકલી જાય અને એક વાર ખબર પડી જાય કે એ કેવી રીતે કરાય છે, પછી તેનું આશ્ચર્ય નથી રહેતું. 


‘યુ ટ્યુબ’ ઉપર જાદુગરોના પરંપરાગત શોનાં લગભગ તમામ રહસ્યો ખુલી ગયેલાં છે.  વિદેશી ટીવી સિરીઝ `મેજીક્સ બીગેસ્ટ સિક્રેટ્સ ફાઇનલી રિવીલ્ડ’ માં કોઇ ટ્રીક ઉઘાડી પાડ્યા વગરની છોડી નથી. પરંતુ, એવા કોઇમાં પણ પક્ષીઓને સામેલ કરીને કરાતી આ ટ્રીકનો ખુલાસો હજી સુધી જોયો નથી.

 
કશું નહીં તો આ  સાઉથ કોરિયન મેજીશ્યનના પ્રેઝન્ટેશન માટે પણ આ વિડીયો જરૂર જો જો. મ્યુઝિક સાથેનું સંયોજન (સિન્ક્રોનાઇઝેશન) પણ માણજો .  રૂમાલથી નીકળતા કબુતર તો હજીયે  સમજ્યા (એ પણ કેવી રીતે સમજાય, જો કે!) પણ છેલ્લે કબુતરના રૂમાલ? ખરેખર‘Amazing’!!

 
Just Enjoy this video!





Monday, July 2, 2012

વિનોદ ભટ્ટ આજે ૪૬ વરસના થયા!




   IIગુરૂ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમ:II

ગુરૂપૂર્ણિમાના દિવસો આવ્યા અને તે નિમિત્તે દર સાલની માફક કેટલા ગુરૂઓને પ્રેમ અને આદરપૂર્વક યાદ કરવાના થાય છે? ઠેઠ બાળપણમાં અક્ષરો મરોડદાર કરતાં શીખવનાર તથા સ્વચ્છ અને સુઘડ ખાદીનાં વસ્ત્રો પહેરી આદર્શ શિક્ષક કેવા દેખાય તેની આજીવન છબી મનમાં ઉભી કરનાર, અમારા બોરસદ તાલુકાના સાવ નાનકડા પરા જેવા કઠાણા સ્ટેશનના પહેલાથી ત્રીજા ધોરણના શિક્ષક ઉદેસિંગ સાહેબથી શરૂ કરીને અહીં કેનેડામાં કાયદાનું ભણતર શીખવનાર મારી પોર્ટુગલ ટીચર એશ્લી સહિતના સૌને દિલથી યાદ કરું છું. મને આ સાધન કોમ્પ્યુટર ઉપર કામ કરતો કરનાર મારા ‘સ્પીપા’ (વડોદરા)ના સાથી પરમજીત યાદવ તથા અહીં આવ્યા પછી ટોરન્ટોમાં કોમ્પ્યુટર ઉપર વધારે કાબુ મેળવતાં શીખવનાર મારા યુક્રેનિયન શિક્ષક યુરીનું સ્વાભાવિક સ્મરણ થાય. તે ઉપરાંત દૂર રહીને મને તાલીમબધ્ધ કરનાર ડીસ્ટન્સ લર્નીંગના આ સૌ ટીચર્સને પણ આજે ભાવથી યાદ કરું છું…. ફેસબુકના મામલે ગુરૂજન શિવાની દેસાઇ, ગુજરાતી ટાઇપ કરવામાં આગળ વધારનાર મુકુલ જાની તેમજ આ બ્લોગના સર્જનમાં માત્ર પા પા પગલી જ નહીં ધીમે ધીમે ચાલતા કરનાર ઉર્વીશ કોઠારી. મારા હિન્દી લેખનના માર્ગદર્શક અને કેનેડાના સાપ્તાહિક ‘હિન્દી ટાઇમ્સ’ના સંપાદક સુમનજી (સુમન ઘઇ)

મારા એક પારિવારિક ફંકશનમાં ઉર્વીશ કોઠારી, બિનીત મોદી અને ગુરૂ વિનોદ ભટ્ટ
એ ઉપરાંત વડોદરાની જયશ્રી મોડલ સ્કૂલમાં ભાષાઓ શીખવનાર સરસ શિક્ષકો ગુજરાતીના શાસ્ત્રી સાહેબ, ઇંગ્લીશના તેલંગ સર, સંસ્કૃતના અગ્નિહોત્રી સર અને હિન્દીના આર. પી. શાહ સાહેબ…. અહાહા એ તમામનું નિષ્ઠાપૂર્વકનું શીખવવાનું! એ ઋણ કેવી રીતે ઉતરશે? ભાષા શુધ્ધ જ હોવી જોઇએ એ અંગે તે સૌ કેટલા બધા આગ્રહી! ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેયમાં આજે જે કાંઇ નાની મોટી મહારત થઇ છે, તે એ ગુરૂજનોના પૂણ્ય પ્રતાપે. (એ સ્કૂલમાં એક બેન્ચ પર વરસો જોડે બેસનાર સાથી અને વડોદરાના નાટ્યકર્મી રાજેશ દાણીએ આજે ખબર આપ્યા કે અમારી એ શાળા બંધ થઇ રહી છે! શું ત્યાં કોઇ બિલ્ડીંગ પ્રોજેક્ટ આવશે?) તો જે બોર્ડીંગમાં રહીને જીવનના પ્રાથમિક પાઠ માતાપિતાથી દૂર રહીને શીખ્યા એ મહિરેવા લોહાણા બોર્ડીંગના અમારા ગૃહપતિ ભવાનીશંકર ગિરિજાશંકર શાસ્ત્રી તો ગીતાના બારમા અને પંદરમા અધ્યાયના પઠનથી લઇને પ્રાર્થનાની દરેક પળે અવશ્ય હ્રદય મંદિરમાં બિરાજમાન હોય જ! તેમની જ શિસ્તબધ્ધ તાલીમનું પરિણામ કે આજે પણ શારીરિક રીતે જીવન નિર્વ્યસની છે અને જિંદગીને સદા સકારાત્મક દ્રષ્ટિથી જોવાની આદત પડી છે.  

‘ગુરૂ પૂર્ણિમા’એ સંગીતના ગુરૂ (અને મને સિતાર શીખવવાનો ‘પ્રયાસ કરનાર’) આણંદના બંસીલાલ પુરાણી અને ગઝલ તથા ઉર્દૂના ઊંડા પરિચયમાં ઉતારનાર વડીલ વડોદરા મ્યુનિ.ના મારા સિનીયર સાથી ઉસ્તાદ કાઝી એમ યાદ કરતાં કરતાં કેટકેટલા ગુરૂજનો નજર સમક્ષથી પસાર થઇ રહ્યા છે. એ સૌ આ દિવસે દર સાલ વિચારોમાં તો આવે જ. આજે બ્લોગની સવલત ઉપલબ્ધ છે, તો અહીં એ સ્મરણ શેર કરી શકાય છે. પરંતુ, એ બધા ઉપરાંત વરસોથી જેમને દર સાલ ગુરૂપૂર્ણિમાના દિવસે રૂબરૂ મળીને કે કમ સે કમ ફોન કરીને પણ આશીર્વાદ લેવાનું નથી ચૂકતો એ આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટ મારી ગુરૂજનોની યાદીમાં સૌથી ટોચે છે.

વિનોદ ભટ્ટની સુક્ષ્મ હ્યુમરના વસંત કાળમાં એકલવ્યની માફક દૂરથી મારી કલમને લેખનના અને વિશેષ તો હ્યુમરના ક્ષેત્રમાં પણ કસવાની કોશીશ કરતાં કરતાં થયેલો પરિચય અને છેવટે તેમની આંગળી પકડીને અમારા પારિવારિક સાપ્તાહિક અખબાર ‘આનંદ એક્સપ્રેસ’થી પ્રમોશન મેળવીને ‘ફિલમની ચિલમ’નો દૈનિક અખબાર ‘સંદેશ’માં પ્રવેશ એ કથા જાણીતી છે. વિનોદ ભટ્ટ વગર ‘સલિલ દલાલ’નું અસ્તિત્વ જ થયું હોત કે કેમ? એ સવાલ કાયમી છે. તેથી વિનોદભાઇને માટે કાયમ રાજેશ ખન્નાની ફિલ્મનું ટાઇટલ જ કહેવાનું હોય છે…. ‘અગર તુમ ન હોતે’!

વિનોદભાઇને આજે પણ કેનેડાથી ફોન કર્યો અને વિનોદ બાબુ કહે, “સલિલ, તને ખબર છે? આવતી કાલે ત્રીજી જુલાઇએ મારી કોલમની વર્ષગાંઠ છે?” અમારે થોડી વિગતે વાત થઇ. તેમણે કહ્યું કે ૧૯૬૬ની ત્રીજી જુલાઇના દિવસે ‘સંદેશ’માં ‘ઇદમ તૃતિયમ’ પહેલીવાર પ્રગટ થઇ હતી. એ હિસાબે આજે ૪૬ વરસ થયાં!” સળંગ આટલાં વરસ એક પણ અઠવાડિયે ખાડો પાડ્યા વગર માતબર દૈનિકો માટે લખતા રહેવું અને તે પણ વિનોદભાઇની સ્ટાઇલમાં એ નાની સુની વાત નથી. એક માત્ર ૧૯૯૫માં તેમને ગંભીર બિમારીને કારણે દવાખાનામાં દાખલ કર્યા, ત્યારે ૭ વીક તેમની કોલમ નહતી આવી તે માફ! તે વખતે તેમની ખબર કાઢવાના નિયમિત ઉપક્રમ વખતનું એક દ્ર્શ્ય કાયમ માટે દિમાગમાં ચોંટી ગયું છે. કાલે વાત કરતાં મેં એ યાદ કરાવ્યું અને તેમણે પણ પ્રેમપૂર્વક એ સીન રિવાઇન્ડ કર્યો.  હું તેમની સાથે બેઠો હતો અને સંગીતકાર બેલડી ક્ષેમુ દીવેટિયા અને સુધાબેન આવ્યાં. વિનોદભાઇએ કહ્યું કંઇક ગાવ અને એ બન્નેએ “એવા રે મળેલા મન ના મેળ…” ગાયું. એ આંખો મીચીને શાંતિથી સાંભળતા હતા. આંખ ખુલી અને વિનોદભાઇની આંખ ભીની હતી. મારા માટે એ એક સંવેદનશીલ ગુરૂનું દર્શન હતું.

તેમની કારકિર્દીના મધ્યાન્હે દર રવિવારે વિનોદ ભટ્ટ કોની ફિરકી લે છે એ વાંચવાની આતૂરતા જેમણે જોઇ છે એ સૌ કબુલ કરશે કે ‘સંસ્કાર પૂર્તિ’ના એ એન્જીન જેવા હતા. તેમની પાછળ પાછળ અમારા જેવા બાકીના ‘ડબ્બાઓ’ પણ ચાલી જાય! ‘કુમાર’માં સાહિત્યકારો વિશેની તેમની શ્રેણી ‘વિનોદની નજરે’ એ પ્રકારની પ્રથમ સિરીઝ હતી. (પછી કોઇએ એ રીતે હળવે હૈયે આપણા સર્જકોને ‘લીધા હશે’ ખરા?) મારા માટે એ માત્ર લખવામાં જ ગુરૂ નહીં અખબારી આલમ સાથેના સંબંધોના પણ ટીચર! આણંદ જેવા નાનકડા શહેરમાંથી આવનાર મારા માટે તો અજનબી એવી છાપાંની દુનિયામાં એ સદાના પ્રોટેક્ટીવ વડીલ રહ્યા છે. તેમના ગુરૂમંત્ર જડબેસલાક જ હોય. લખવામાં એક લેવલ રાખવા સતત સતર્ક રાખે. લોકપ્રિયતા માટે છીછરા લખાણ તરફ ના ઢળી જવાય તેની સતત કાળજી લેવડાવે. “આ વખતે મઝા ના આવી.” એમ સ્પષ્ટ કહી દે. એક વાર એકાદી ફિલ્મના સંદર્ભે ભૂત-પ્રેતની કોઇ વાત મારી કોલમમાં આવી અને મને કહે “આ અંધશ્રધ્ધાની વાત છે. એ ટાળવી. લોકો છાપાંને સિરીયસલી વાંચતા હોય છે.” અખબારોની અંદરુની હિલચાલોની તેમની ધારણાઓ મોટેભાગે સાચી જ પડે.  પરંતુ, એમની સલાહ માનવી ફરજિયાત નહીં. એ કાયમ કહે, “મને આમ લાગે છે. તારે જે કરવું હોય તે તું કરજે.”

છાપાં બદલવાના મામલે મેં લગભગ દર વખતે એ ગુરૂજીની ચેતવણીઓની ઉપરવટ જઇને જ કામ કર્યું. એ મામલે મારા ગુરૂ ચન્દ્રકાન્ત બક્ષી! એ કહેતા કે જેમ દરેક છાપાના એક વિશીષ્ટ ટેસ્ટવાળા વાચકો હોય એમ દરેક લેખકના પણ વફાદાર ચાહકો હોય જ છે. એ સચોટ ધારણાને પગલે મેં ‘સંદેશ’થી ‘ગુજરાત સમાચાર’, પાછા ‘સંદેશ’ વળી ‘ગુજરાત સમાચાર’ ત્યાંથી ‘દિવ્ય ભાસ્કર’ અને છેલ્લે પાછા ‘સંદેશ’ એમ ગુજરાતના ત્રણેય અત્યંત લોકપ્રિય દૈનિકોનો બહોળો અનુભવ ૧૯૭૮થી ૨૦૦૮ સુધીનાં ૩૦ વરસમાં લીધો હતો. મારે કોઇ છાપા સાથે આર્થિક સિવાયના કોઇ મતભેદ કદી થયા જ નથી. (‘ગાઇડ’માં દેવ આનંદ કહે છે કે “ઔર મઝા દેખો…. અબ કોઇ ઇચ્છા હી નહીં રહી!” એમ હવે એ બધાથી પર થવાયું છે, ત્યારે ગુજરાતના કોઇ છાપામાં કોલમ નથી!)

વિનોદભાઇએ માત્ર પૈસાને મામલે અખબારો છોડવાના દરેક પ્રસંગે એમ ન કરવા સલાહ આપી હતી. તે ટકોરની ધરાર અવગણના કરવા છતાં તેમના પ્રેમભાવમાં કોઇ ફરક નહીં. મને મારાં કારણોસર છાપાં બદલવાનું મારું સ્ટેન્ડ વધારે વાજબી ત્યારે લાગ્યું, જ્યારે પાછલાં વર્ષોમાં તેમણે પણ, તેમનાં કારણોને પગલે, ‘સંદેશ’થી ‘ગુજરાત સમાચાર’ અને પછી ‘દિવ્ય ભાસ્કર’ એમ ત્રણેય છાપાંના અનુભવ મેળવ્યા! પહેલાં અખબારના પાનાં પર અમે ‘સેઇમ પેજ’ પર હતા. (હું તો મારી જાતને કાયમ તેમના ‘કોલમ પાડોશી’ તરીકે જ ઓળખાવતો!) હવે અખબારી દુનિયાના અનુભવોની રીતે પણ અમે ‘સેઇમ પેજ’ પર છીએ.

‘સંસ્કાર પૂર્તિ’ના સેઇમ (છેલ્લા) પેજ ઉપર પાડોશની કોલમ ‘ઇદમ તૃતિયમ’ દરમિયાન અને તે ઉપરાંત પણ તેમણે કરેલા કયા કયા પ્રયોગો યાદ કરવા? વિવિધ વ્યવસાયીઓના ‘પ્રેમપત્રો’ની સિરીઝ હોય કે ‘વિક્રમ વૈતાળ’ની શ્રેણી હોય એ દરેક સુપર હીટ! તેમની બારીક હ્યુમરનો એક દાખલો મેં કંઇ કેટલીય વાર કેટલીય જગ્યાએ કહ્યો હશે. તેમણે લખ્યું હતું કે “૧૯૭૫ની કટોકટી માટે રાજા રામમોહન રાય જવાબદાર હતા!” આ એક ટ્યુબ લાઇટ વનલાઇનર હતું. તેની મઝા માણવા માટે સતિનો રિવાજ બંધ કરાવનાર રાજા રામમોહન રાય હતા અને ઇન્દીરા ગાંધી વિધવા હતાં; એ બન્ને ઐતિહાસિક ઘટનાઓ યાદ હોવી જોઇએ. એ જ રીતે ગોસીપની મહારાણી અને મારી ‘ચિલમ’માં જેમનાં કાયમ વખાણ આવતાં એ ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’ની કોલમિસ્ટ દેવીયાનિ ચૌબલને મળીને એ આવ્યા; પછી તે મુલાકાતનો અહેવાલ ‘ઇદમ…’માં મૂક્યો અને તેમાં એક સરસ મઝા કરાવી. દેવીએ કહ્યું કે “રાજેશ ખન્ના મારા પ્રેમમાં છે” ત્યારે વિનોદભાઇએ પોતાની કટ મૂકી “શું રાજેશ ખન્નાને તેની જાણ હશે?!!”

એવી તીવ્ર બુધ્ધિમતાના માલિક ગુરૂ વિનોદ ભટ્ટને, અન્ય સૌ ઉલ્લેખિત અને કદાચ રહી ગયા હોય એવા તમામ ગુરૂજનો સાથે, આજે સાદર વંદન!!

Sunday, July 1, 2012

આજે પહેલી જુલાઇએ એક શુભ સંકલ્પ!


‘નવા વરસના શુભ સંકલ્પો’ એવો એક પાઠ ભણતી વખતે આવતો. આજે  એક એવો જ સંકલ્પ કરવાનું સાહસ કરી રહ્યો છું. આમ તો વિક્રમ સંવતના કે ઇસુના બેઉ કેલેન્ડરમાં વરસ નવું થવાને હજી ઘણા મહિના વાર છે. પરંતુ, આજે પહેલી જુલાઇ એ ‘કેનેડા ડે’ છે અને તે આપણા ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી જેવો અહીંનો રાષ્ટ્રીય તહેવાર છે. તેથી શુભ સંકલ્પ માટે શુભ દિન જ ગણી શકાય. વળી, પરદેશમાં દુર્લભ એવી સળંગ ત્રણ રજાના મેળવાળું લોંગ વીકએન્ડ હોઇ શરૂઆત કરવાનું સરળ રહેશે એ લાલચ પણ આ સંક્લ્પ માટે જવાબદાર કહી શકાય. તો શું છે એ શુભ સંકલ્પ?

આજથી આ બ્લોગ ઉપર દરરોજ કશુંક ને કશુંક લખવું એમ નક્કી કરું છું!

“પણ પછી પહોંચી વળશોને? જો રોજ માથાં પછાડવાના હોવ અને તમારા રેફરન્સનું કશું ના જડે તો અમારા બધા ઉપર અકળાવાના હો તો જેમ ચાલે છે એમ તમારી ફુરસદે લખતા રહો એ જ બરાબર છે.” આવું કોણે કહ્યું હશે એ જાહેર કરવાની અને ગૃહ મોરચો બિનજરૂરી અશાંત કરવાની જરૂર ક્યાં છે? મારી દલીલ (અલબત્ત મારા મન સાથેની!) એક જ છે. “જો અમિતાભ બચ્ચન રોજે રોજ પોતાનો બ્લોગ લખી શકતા હોય, તો આપણે તેમના કરતાં તો વધારે વ્યસ્ત નથીને?” 


ઉપરાંત ગયા અઠવાડિયે  બરખા દત્ત સાથેના ઇન્ટર્વ્યુમાં પ્રણવ મુકરજીએ કહ્યું તે યાદ કરીએ તો પણ ઉત્સાહ વધે છે. તેમણે કહ્યું કે તેઓ રોજ રાત્રે  ડાયરી લખીને જ સૂઇ જાય છે. હવે તેમના જેવા કોંગ્રેસના સૌથી બીઝી રાજકારણી જો પોતાની ડાયરી રોજ લખતા હોય, તો આપણે પણ એવો ટાઇમ કેમ ના કાઢી શકીએ? જો કે એ રાષ્ટ્રપતિ થશે પછી તો ટાઇમ જ ટાઇમ હશે.  એ ત્યારની વાત છે અને કદાચ ત્યારે એ ડાયરી નહીં લખી શકે. કેમ કે અમારું તો કાયમી તારણ છે કે દસ કામ કરનારને અગિયારમું કામ સોંપીએ તો એ પોતાના બીઝી શેડ્યુઅલમાં એડજ્સ્ટ કરીને પણ તે કામ કરી આપે. બાકી નવરા માણસ પાસે તો ટાઇમ જ ક્યાં હોય છે? ટૂંકમાં, રાષ્ટ્રપતિની ભાવિ ચૂંટણીમાં મમતા કે મુલાયમ જેવા કોઇ આપણું નામ સૂચવે નહીં, ત્યાં સુધી રોજ બ્લોગ માટે સમય નીકળી જ શકશે.

એટલે આજે ‘કેનેડા ડે’ નિમિત્તે શરૂઆત, અહીંના શિષ્ટાચાર મુજબ, હવામાનથી કરીએ.  અહીં પ્રારંભિક ગ્રીટીંગ્સ પતે એટલે વેધર વિશે વાત કરવાથી બરફ તરત તૂટે... સાદી ગુજરાતીમાં કહું તો આઇસ બ્રેક થાય! આપણે સામી વ્યક્તિને માત્ર એટલું જ કહેવાનું, “ઇટ્સ વેરી કોલ્ડ, એહ?” 

હવે આ ‘એહ’ માંનો ‘હ’ બોલવાનો અને છતાંય સામી વ્યક્તિને સંભળાય ના એમ બોલવાનો. આ ટીપ વાંચવામાં અઘરી લાગે. પણ આપણે વાતે વાતે ‘એં?’ એમ બોલવા ટેવાયેલા ગુજરાતીઓએ તો ‘એં’  બોલવામાં સહેજ જ એડજ્સ્ટ થવાનું રહે. 

પછી વાર્તાલાપ શરૂ થવાના ચાન્સીસ વધે. મોટેભાગે લોકો “હવે તો પહેલાં જેવી ટાઢોય ક્યાં પડે છે?” એમ શરૂ કરીને  વિજય મર્ચન્ટની અદામાં કહેશે, “ઇન ધી યર નાઇન્ટીન એઇટી ટુ ધી સ્નો વોઝ હોરીબલ....” તરત આપણને લાઇટ થાય કે એ ભાઇ ત્રીસ વરસથી અહીં વસેલા છે અને પછી તો ગમે તે વિષય ખુલી શકે.... સ્કાય ઇઝ ધી લિમીટ. (ખરેખર તો સ્કાય ઇઝ ધી બિગીનીંગ!)

‘સ્કાય’ એટલે કે આકાશ તરફ જોઇને માત્ર વેધર માટે જ ચિંતા કરવાની હોય એવું નહીં. અહીં  મજાકમાં કહેવાતું હોય છે કે ત્રણ ડબલ્યુનો ભરોસો નહીં.....Work, Woman અને Weather! ત્રણેમાં ગમે ત્યારે ગમે તે બની શકે. ત્રણેયની અનિશ્ચિતતાથી બચવા જ લોકો આસ્તિક રહે છે. બાકી લાઇટ ના જાય કે પાણી સમયસર આવે અને આવે તો ત્રીજે માળ ચઢે એવા ફોર્સમાં આવે કે પછી ટ્રેઇન - બસ ટાઇમસર આવે એવાં રોજીંદાં કામો માટે ભગવાનને ડીસ્ટર્બ કરવાનો વારો જ નથી આવતો. પણ એ બધી વાતો ફરી ક્યારેક. આજે તો વેધરથી જ શરૂ કરીએ.

 અહીં કેનેડામાં હમણાં ૨૦ જુનથી સત્તાવાર ઉનાળો શરૂ થયો. (ઇન્ડીયામાં જે તારીખોમાં “ઉનાળો તો ગયો... વરસાદ કેમ નથી થતો? પાંચમી જુને મુંબઇ આવે અને ૧૫મી જુને તો આપણે માગીએને?” એવી ચર્ચા થતી હોય!) ગયા સપ્તાહે એક દિવસ અહીંના ‘નેશનલ પોસ્ટ’ અખબારની આ સંકલિત ન્યુઝ આઇટમ વાંચો.

Summer officially begins on June 20 at 7:09 p.m. ET, but for many residents sweltering in a heat wave baking southern areas of Ontario and Quebec, it already feels like mid-season.

Toronto issued an extreme heat alert Wednesday, as temperatures are expected to soar to 35C by the afternoon. If the temperature does reach 35C, it will break a new record for June 20.

The highest recorded temperature for today’s date in Toronto is 34.4C in 1949. Last year the high for this date was 25C although the temperature did hit 37.9C in July 2011. The coldest recorded temperature for June 20 was 3.3C in 1940.

The city has opened cooling centres around the city for those in need of a chill. A map is available on their website showing locations around Toronto.
  
 ન્યુઝ રિપોર્ટમાં જણાવ્યાં છે તે  ‘કુલીંગ સેન્ટર્સ’ સરકાર તરફથી હોય. ત્યાં એ.સી. ફુલ ચાલતું હોય. સ્વીમીંગ પુલ હોય અને ફુવારા પણ હોય. કોઇપણ વ્યક્તિ ત્યાં જઇને ઠંડક મેળવી શકે. ગરમી ખુબ પડે તો તેનો ઇલાજ કરવામાં સરકારી તંત્ર પણ કામે લાગે.... કલ્યાણરાજના કોઇ પ્રચાર કે હોર્ડીંગ લગાવ્યા વગર! જેમ બાકીનું બધું સમયસર થાય એમ કુલીંગ સેન્ટર પણ ટાઇમે કાર્યરત થાય, પ્રજા ઉપર કોઇ એહસાન ચઢાવ્યા વગર.



એક ડીસ્કલેઇમર... અહીંની ગરમીના આંકડા જોઇને કેનેડાની ફાઇલ તૈયાર કરવા ના દોડવું. અહીં સૂર્યનાં કિરણો સીધાં આવતાં હોઇ  તાપમાનને પણ ડોલરની જેમ કન્વર્ટ કરવાનું થાય. અહીંની ૩૨ ડીગ્રી એટલે આપણી ૪૦ સમજવાની. છ મહિના માઇનસ ૨૦-૨૫ સહિતની ઠંડીમાં રહ્યા પછીનો એ સામો છેડો હોય. તેથી ચાર ચાર મહિનાની ઋતુ હોય એ દેશની મઝા જ જુદી છે.  

ટૂંકમાં, અહીં આવેલા નવા નવા ભારતીયો, પાકિસ્તાનીઓ, બાંગલાદેશીઓ એમ જેમની પણ સાથે વાત કરીએ, એ સૌનો  એક જ મત હોય છે: અપને મુલુક જૈસા કુછ ભી નહીં. એટલે જેમને પણ દેશમાં સારાં નોકરી- ધંધો હોય એ સૌ માટે સાદી ગુજરાતીમાં એટલું જ કહી શકાય કે ધેર આર નો લકુમ્બાસ, here!’