Saturday, July 21, 2012

રાજેશ ખન્ના (૩): પર્સનલી સ્પીકીંગ!



  

    कहीं तो ये दिल कभी मिल नहीं पाते
     कहीं पे निकल आये जन्मों के नाते!


આજે તો રાજેશ ખન્નાની ‘ચૌથા’ની વિધી પણ પતી ગઇ. એક ‘હીરો’ રાખ થઇ ગયો! એક સાથે કેટકેટલી યાદો પિક્ચરના ફ્લેશબેકની માફક રિવાઇન્ડ થઇ ગઇ? મારી અંગત જિંદગીમાં રાજેશ ખન્ના માટેની જ નહીં ફિલ્મોની પણ ઘેલછા લગાડવાનું વડોદરાનું બહુ મોટું ઋણ છે!

તે સાલ ૧૯૬૭માં હું મેટ્રીકમાં અને સિનેમાનો ચસ્કો જબ્બર લાગેલો. ત્રણ જ  ધોરણની પ્રાથમિક શાળાની સગવડવાળા કઠાણા સ્ટેશનના પરા જેવા સાવ નાનકડા ગામથી ચોથું ધોરણ મોસાળ અને તાલુકા મથક એવા બોરસદમાં ભણ્યા પછી ૧૯૬૦થી વડોદરા જેવા મોટા શહેરમાં આવી ગયો. બોરસદમાં તે વખતે એક જ ટોકીઝ, નટરાજ અને તેમાં ‘મધર ઇન્ડીયા’ જોયાનું અને તે દરમિયાન સતત રડ્યાનું યાદ. રોજ રાત્રે નવનો શો શરૂ થતાં પહેલાં નટરાજના લાઉડ સ્પીકરમાંથી વાગતાં ગાયનોથી પણ કાન ટેવાયેલા.

તેથી સિનેમાનું આકર્ષણ શરૂ થયેલું જરૂર. પણ ગાંડપણ કે ઘેલછા તો વડોદરાની સંસ્કાર નગરીએ જ આપ્યાં. કેમ કે બોરસદની એક ટોકીઝ સામે અહીં નવ નવ સિનેમાગૃહો! તેમાંય મોહન ટોકીઝ (જે પછી નવા રૂપરંગ સાથે ‘નવરંગ’ બની અને હવે તો જ્યાં પણ શોપીંગ સેન્ટર બન્યું છે તે) અને ‘સાગર’ એ બેઉ સિનેમાની વચ્ચે રહેવાનું થયું. તેમાં પણ નવરંગ ટોકીઝની બરાબર બાજુમાં અમારી મોડેલ સ્કૂલ અને ‘સાગર’માંથી વાગતાં ગાયન મોડી રાત્રે અગાશીમાંથી સંભળાય! (એક બાજુ એસ.એસ.સી.ની તૈયારીનું રાત્રે વાંચતા હોવ ત્યારે જ ‘સાગર’માંથી ગાયન સંભળાય, “અકેલે હૈં ચલે આઓ, જહાં હો, કહાં આવાઝ દે તુમ કો, કહાં હો?” શું હાલત થાય? ચોપડીઓ-નોટો બધુંય બાજુ પર થઇ જાય કે નહીં?!)

એટલે સાગર ટોકીઝમાં ‘રાઝ’નાં પોસ્ટર લાગ્યાં અને નવા હીરો રાજેશ ખન્નાનો સાઇડ પોઝ જોતાં લાગ્યું કે આ તો રાજેન્દ્ર કુમારની હેર સ્ટાઇલની કોપી કરી ધ્યાન ખેંચવા માગતો નવોદિત છે. પછી તો ફોટા પણ લાગ્યા. એ દિવસોમાં દરેક ટોકીઝમાં આવનારા ‘પિચ્ચર’ના ફોટા જોવાનો અમારા જેવાં છોકરાંનો નિત્યક્રમ. સમજોને કે આજે ટીવી કે ‘યુ ટ્યુબ’ ઉપર આવતા પ્રમો જેવી એ એડવાન્સ પબ્લીસીટી. ખરેખરા હાલતા ચાલતા ‘પ્રમો’, એટલે કે તે સમયે ‘ટ્રેઇલર’ કહેવાતી ટૂંકી ફિલ્મ, અન્ય પિક્ચર દરમિયાન જોવા મળે અને તે માટે પૈસા ખર્ચવા પડે. એટલે ફોટા જોઇને સંતોષ માનવાનો. તેમાં રાજેશ ખન્ના સાથે આવનારી હીરોઇન બબિતાના ફોટા જોતાં એ ત્યારની લોકપ્રિય અભિનેત્રી સાધના જેવી દેખાતી હતી. (બન્ને પિતરાઇ બહેનો હોઇ એ સ્વાભાવિક જ હતું) આ ‘કોપી કેટ’ કલાકારો હશે કે શું? એ ડર સાથે ઇન્તજાર હતો. પણ પછી એ જ એક્ટરે દેશ આખાને ગાંડો કર્યો!

ખરેખર તો રાજેશ ખન્નાનો સમય સમજવા માટે રિવાઇન્ડ કરીને તે વર્ષોમાં જવું પડે. એ સુપર સ્ટાર માટેની ઘેલછાની વાતો આજના પ્રેક્ષકોને કે ચાહકોને કદાચ અતિશયોક્તિભરી લાગે. પરંતુ, રાજકપૂર, દિલીપકુમાર, દેવઆનંદ અને રાજેન્દ્રકુમાર જેવા પ્રથમ હરોળના  મહારથીઓ કે રાજકુમાર, સુનિલદત્ત અને ધર્મેન્દ્ર સરખા સેકન્ડ લાઇનના સ્ટાર્સ તેમજ જોય મુકરજી અને બિશ્વજીત જેવી ચોકલેટી કેટેગરી સહિતના તમામ પ્રકારના હીરોની વચ્ચે એક સાવ સામાન્ય દેખાવવાળા એક્ટર માટે પોતાની ટેલેન્ટ સિવાય આગળ વધવાનો બીજો કોઇ વિકલ્પ નહતો. પણ એ હકીકત જ કદાચ ‘કાકા’ માટે એક ચોક્કસ ઓડિયન્સના પ્રેમ અને ટેકા માટે જવાબદાર હતી. એ પહેલા દિવસથી જ ‘ડાર્ક હોર્સ’ હતા. રેસમાં એ જીતે તેમાં સામાન્ય દર્શકને પોતાની જીત લાગી હશે. 

ખન્નાને મળેલી શરૂઆતની ભૂમિકાઓ યાદ કરીએ તો એ મધ્યમવર્ગને સીધી સ્પર્શે  એવી હતી. જેમ કે અમને ખુબ જ ગમતી ફિલ્મ ‘બહારોં કે સપને’માં એ એક બેરોજગાર યુવાન બને છે. આશા પારેખ સાથે બેસીને ચણા ફાકતો હીરો કે માબાપની આશાઓને પૂરી ના કરી શકતો ગ્રેજુએટ દીકરો! (પિક્ચરમાં નાના પલશીકર, સુલોચના અને પ્રેમનાથ તથા અનવર જેવા સાથી કલાકારોનો પણ અભિનય એટલો જ મજબૂત અને આર.ડી.બર્મનનું સોલ્લીડ મ્યુઝિક!), ‘આનંદ’નો વગર ઓળખાણે કોઇને મમ્મી (લલિતા પવાર) તો કોઇને બહેન (સીમા દેવ) તો કોઇને મિત્ર (અમિતાભ બચ્ચન) બનાવી લેતો સાફ દિલ ઇન્સાન,  હીરોના જ અભિનયથી છવાયેલી ‘ઇત્તેફાક’ જેવી ગાયનો વિનાની ફિલ્મ પોતાના ખભા ઉપર ખેંચી જતો નાયક (જે આપણા એક ગુજરાતી નાટક ઉપરથી બન્યું હતું અને તે પ્રવીણ જોશીના દિગ્દર્શન અને અભિનય બન્નેને કારણે સુપર હીટ હતું.) ‘દો રાસ્તે’માં કુટુંબને જ સદા પ્રાથમિકતા આપતો દીકરો, ‘આરાધના’નો મસ્તીભર્યો પ્રેમી એમ દરેક ભૂમિકાએ સફળતામાં આગળને આગળ વધતા ખન્નાએ જૂની આખી બ્રીગેડને ક્યાંય પાછળ છોડી દીધી હતી. 

એ સંજોગોમાં, તેમની પાછળની ઘેલછા ઉભી ના થઇ હોત તો જ આશ્ચર્ય હોત. એ જે કરે તેની જુવાનિયાઓ કોપી કરે જ. ‘દો રાસ્તે’ના ગીત “યે રેશ્મી ઝુલ્ફેં, યે શરબતી આંખેં....” ના શુટીંગના દિવસોમાં ચહેરા ઉપર ખીલ થતાં રાજેશ ખન્નાએ મજબુરીમાં દાઢી વધારી અને અમારા જેવાએ તેની નકલ કરી!

‘અંદાઝ’માં “ઝિન્દગી ઇક સફર હૈ સુહાના...”ના શુટીંગ વખતે મુંબઇમાં મોટા પાયે કન્જક્ટિવાઇટીસ ફેલાયેલો હતો. તેમાં ‘કાકા’ પણ ઝડપાયા હતા. તેમણે મોટાં ગોગ્લ્સ ચઢાવીને ગાયન ગાયું અને એ ‘અંદાઝ ગોગ્લ્સ’નો પણ એક જમાનો આવી ગયો.... સાજી સમી આંખોવાળાઓએ પણ એ ચશ્માં ચઢાવીને ફોટા પડાવ્યા. શરીરની કસરત માટે કદી મહેનત નહીં કરનારા એ શેહજાદાના પેટનો ઘેરાવો વધતાં પડદા ઉપર બેડોળ દેખાવાનો ભય ઉભો થયો અને બાપુએ પેન્ટ ઉપર ખુલતો ઝભ્ભો ચઢાવ્યો. ફરક એટલો રાખ્યો કે દિલીપ કુમાર કે રાજેન્દ્રકુમાર પહેરતા એવા પરંપરાગત પહેરણને બદલે સ્ટેન્ડપટ્ટીના કોલર મૂકાવ્યા અને નામ આપ્યું ‘ગુરૂ શર્ટ’! 

પછી જોવાનું શું રહે? એ ગુરૂ શર્ટની પણ ફેશન ચાલી. આજે પણ અમારા જેવા મોટી ઉંમરના પોતાનું પેટ છુપાવવા હોંશે હોશે એ ઝભ્ભા પેન્ટ ઉપર ચઢાવે છે. રાજેશ ખન્નાની સરખામણી પેલા ફેરિયા સાથે થઇ શકે, જેણે નકલ કરાવીને વાંદરાઓ પાસેથી પોતાની ટોપીઓ પાછી મેળવી હતી. એ નવા જમાનાના ફેશન આઇકોન બનતા ગયા અને દેવ આનંદની ટેરીટરીમાં ભાગ પડાવતા ગયા. એ પ્રારંભિક દૌરમાં સામાજિક અને કૌટુંબિક પાત્રો ભજવીને રાજેન્દ્રકુમારના ગઢમાં ગાબડું પાડ્યું અને લોકપ્રિય મ્યુઝિક સાથે શમ્મીકપૂરના ચાહકોને પણ પોતાના કર્યા. 



તેમના ‘સુપર સ્ટાર’ તરીકેના ૧૯૬૭થી ’૭૩ના એ સમયને તકદીર કહો કે બીજું કોઇ પણ નામ આપો એ સંપૂર્ણપણે રાજેશ ખન્નાનો સમય હતો અને મારા માટે જીવનનો સૌથી નિર્ણાયક સમય! કેમ કે ’૬૭માં મેટ્રીકનું વરસ અને તે પછી કોમર્સ ગ્રેજ્યુએટ થવાનાં કોલેજનાં પાંચ વરસ હતાં. (વરસોની ગણત્રીમાં ગુંચવાવાની જરૂર નથી.... પિક્ચરોની લ્હાયમાં કોલેજના પહેલા વર્ષે નપાસ થવાયું હતું!)

એ જ દિવસોમાં
‘દો રાસ્તે’ના રાજેશ ખન્નાની અસરમાં જ માતા-પિતાને મદદરૂપ થવા કોલેજનું રજીસ્ટ્રેશન ચાલુ રાખીને વડોદરા છોડીને ગામડે દુકાને બેસી જવાનો નિર્ણય પણ  લીધો હતો. એક આખું વરસ મારા વતીનું મિત્રો ભણતા અને હું માત્ર ટેસ્ટ અને પરીક્ષા આપવા બરોડા જતો! (એ બધા દોસ્તારોનું ઋણ કયા ભવે ચુકવાશે?) રાજેશ ખન્નાની ઝીણામાં ઝીણી અને લેટેસ્ટ વિગતો તમારી પાસે હોય તો મિત્રોમાં માન વધી શકતું. આજે પણ જીગરજાન દોસ્ત એવા મુકેશ દલાલ અને બંસી સાથે મળીને એ બધાં વરસોમાં કરેલી ફિલ્મોની ચર્ચાઓની તો વાત જ શું કરવી?

રાજેશ ખન્નાની ‘દો રાસ્તે’ની ભૂમિકાએ જ ૧૯૭૩માં નોકરીના બે ઓર્ડર ભેગા થયા પછી એક એવો નિર્ણય લેવડાવ્યો, જેણે જિંદગીને એક જુદો જ મોડ આપ્યો. તે દિવસોમાં આણંદની ‘અમૂલ’માં જોબ શરૂ જ કરી હતી અને એર ઇન્ડીયાની (તેના એડમિનીસ્ટ્ર્રેશન વિભાગની) નોકરીનો પત્ર આવ્યો. મનમાં “દો રંગ જીવન કે ઔર દો રાસ્તે...” એમ કલ્પવાની સાથે જ બે રસ્તા પૈકીના એકમાં મારી કરિઅર અને અંગત રીતે ગમતી ફિલ્મોની નગરી મુંબઇમાં રહેવાનું એ બન્ને થતાં હતાં. પણ બીજા રાહમાં ઘર આંગણે માતાપિતાની સાથે રહેવાનું અને પરિવારને ઉપયોગી થવાતું હતું. કુટુંબ સાથે રહેવાનો નિર્ણય ઝડપથી લઇ શકાયો હોય તો તે રાજેશ ખન્નાની ‘ફેમિલી બોય’ની ઇમેજમાં ફીટ થવાના અંગત પ્રયાસને લીધે જ. 

રાજેશ ખન્નાનો પ્રભાવ જે પ્રમાણમાં અમારી તે સમયની પેઢી ઉપર હતો તે જોતાં આમ કરનાર હું એકલો નહીં જ હોઉં. હસતા - ગાતા - કુટુંબ માટે ત્યાગ બલિદાન કરતા ગુણિયલ દીકરા અને આંખોથી હસીને પ્રણય કરી શકતા પ્રેમી એવા રાજેશ ખન્નાની સ્ક્રીન ઇમેજને તે સમયના જુવાનિયાઓએ જીવનમાં પણ ગંભીર રીતે લીધી હતી. એ બધા માત્ર ‘ગુરૂ શર્ટ’ કે ગોગલ્સ પહેરીને નહતા અટકી ગયા. પડદાના રાજેશ ખન્નાને અંગત જીવનમાં પણ ઉતાર્યા હતા.



ગુરૂશર્ટમાં.... ગુરૂ!


તેમણે ‘આરાધના’માં ઇન્ટરવલ પછી પુત્રની ભૂમિકામાં અલગ દેખાવા ડાબાને બદલે જમણી બાજુ પાંથી પાડી અને મેં પણ એ નકલ કરી. આખી જિંદગી એ જ હેર સ્ટાઇલ રહી! આપણા મુકુલ જાનીએ પણ એ કબુલાત હમણાં થોડા દિવસ પહેલાં તેમના બ્લોગ ઉપર કરી જ છે. (અમારા ગ્રુપના એક મિત્ર મુકેશ ઠકકરનો રાજેશ ખન્ના માટેનો અહોભાવ અને તેની સ્ટાઇલને લીધે આજે પણ અમે તેને ‘મુકેશ ખન્ના’ કહીએ છીએ અને ‘કાકા’ના અવસાનના કલાકોમાં જ, મારો નંબર એક અન્ય મિત્ર અશોક પાસેથી લઇને તેણે કેનેડા ફોન કર્યો.... અને અમે બન્નેએ જૂની વાતો યાદ કરીને ખરખરો કર્યો હતો.)

તેથી જ પહેલા દિવસે અહીં લખ્યું હતું કે રાજેશ ખન્નાની મારા એક સમયના અંગત જીવન ઉપર ખુબ અસર છે. તેનો ઉલ્લેખ ૨૦૦૭માં કવિ મિત્ર અંકિત ત્રિવેદી અને મુરબ્બી કવિ હર્ષ બ્રહ્મભટ્ટે સંયુક્ત રીતે સંપાદન કરેલા પુસ્તક ‘મારું સત્ય’ (પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર)ના મારા લેખ ‘ભ્રમ સત્ય... જગત મિઠ્ઠા’માં પણ આ રીતે કરેલો છે:


‘આનંદ’ ફિલ્મની વાર્તાએ અને રાજેશ ખન્નાના સંવેદનશીલ અભિનયે ઉભી કરેલી કાલ્પનિક છબીઓ દ્વારા મને એ સત્ય લાધ્યું કે ગમે એવી શારીરિક તકલીફોમાં પણ આનંદથી જીવી શકાય છે. ‘જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ:’ એ પૌરાણિક સુત્ર અનુસાર જન્મ પામનાર દરેક વ્યક્તિ માટે મૃત્યુ સુનિશ્ચિત જ છે. તો પછી મળેલી પ્રત્યેક ક્ષણનો આનંદપૂર્વક કસ કેમ ના કાઢી લેવો? ‘જબ તક જિન્દા હૂં, મરા નહી. ઔર મર ગયા તો સાલા મૈં હી નહીં!’ પછી ચિંતા શાની? દુ:ખ શાનું?

એ જ લેખમાં એમ પણ લખ્યું હતું કે...

“એ રીતે થિમેટિકલી - વાર્તાવસ્તુની રીતે - રાજેશ ખન્નાની એક ચોક્કસ સમયગાળાની ફિલ્મો મારાં જીવનનાં સત્યોને ઉજાગર કરવામાં કદાચ વધારે મદદરૂપ થઇ છે.... અમિતાભ બચ્ચન મારા પ્રિય અભિનેતા હોવા છતાં! ‘આરાધના’ હોય કે ‘કટી પતંગ’, ‘અમર પ્રેમ’ હોય કે ‘અવતાર’, રાજેશ ખન્નાની લગભગ દરેક સામાજિક ફિલ્મે વિધવા વિવાહથી માંડીને સંતાનોની માતાપિતા પ્રત્યેની ફરજ જેવાં
જીવનનાં સત્યો દેખાડનારા માધ્યમ તરીકે વધારે કામ કર્યું છે.... મનોરંજન કરવા ઉપરાંત!

‘કાકા’એ એક સંવેદનશીલ પ્રેમી, પુત્ર કે પિતા તરીકે ઇમ્પ્રેશનેબલ કહી શકાય એવી અમારી ઉંમરે જીવનનાં સત્યો દેખાડનાર હીરો તરીકે બહુ અગત્યનો રોલ ભજવ્યો છે. હિંસક હીરોનાં સત્ય કદાચ સાચાં હશે, છતાં અપીલ કરી શક્યાં નથી. વિલનને કે ઇવન નેગેટિવ રોલ કરનાર ‘એક્સ્ટ્રા’ને  ફેંટ પકડીને તેનું માથું ભીંતમાં પછાડતા નાયકનું સત્ય ક્યારેય અપીલ ના કરી શક્યું હોય તો તેનું કારણ રાજેશ ખન્નાએ બાંધેલી સૌમ્ય (સોફ્ટ) માનસિક ભૂમિકા.

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જે ફિલ્મમાં સાથે હતા એ ઋષિદાની ‘નમક હરામ’માં પણ જે પાત્ર ‘કાકા’એ કર્યું હતું, તેણે જે સચ્ચાઇનાં દર્શન કરાવ્યાં અને સત્ય દર્શનને જે પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યું એ ખરેખર આંખ ઉઘાડનારું હતું. ‘You can not live on an island of luxury...' ચારે તરફ ગરીબીનો મહાસાગર હોય ત્યારે તમે સમૃધ્ધિના ટાપુ ઉપર ના રહી શકો. આ સત્ય ‘નમક હરામ’માં જાણ્યા પછી સમાજ પ્રત્યેની આખી દ્રષ્ટિ (સુખદ રીતે) બદલાઇ ગઇ.... કાર્લ માર્ક્સ કે માઓ-ત્સે-તુંગને વિગતવાર વાંચ્યા વગર!”  

રાજેશ ખન્નાની અંગત જીવન પરની એ અસરો હકીકતમાં તો તેમણે ભજવેલાં પાત્રોની હતી. પણ એવી સમજ ત્યારે ક્યાં હોય? અને હવે આ ઉંમરે એ સમજ બદલવી પણ શું કામ? શું કહો છો?

Friday, July 20, 2012

અગર તુમ ન હોતે ! (૨)


પૈસાની વાત કરીએ તો  બી. આર. ચોપરાનું ઇત્તફાક દોઢ-બે મહિનામાં જ પૂરું થયું હતું. એ ભૂમિકા માટે રાજેશ ખન્નાને એવોર્ડ-ક્રેડિટ જરૂર મળ્યાં, પરંતુ કેશ? , માસિક બે હજાર રૂપિયાના (કે ક્યાંક કહેવાયું છે એવા મહિને ઇવન પાંચ હજારના!) પગારમાં કેટલાક રૂપિયા મળ્યા હોય? જો કે રાજેશને માટે પૈસા કરતાં ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવો વધારે જરૂરી હતો. એક વેપારીના દીકરા તરીકે કદાચ તેમણે એવાં માસિક બે-પાંચ હજાર રૂપિયા આપતાં એ બધાં ચિત્રોને ઇન્વેસ્ટમેન્ટ ગણ્યાં હશે. કેમ કે એ ૧૬ પ્રોયુસર્સ આપણા ટોપ મોસ્ટ સર્જકો હતા. અગાઉ એ બધાની ફિલ્મો હીટ અને સુપર હીટ થયેલી હતી. તેથી ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સ’ના એક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીના ખેરખાંઓનો સપોર્ટ અને ‘ફિલ્મફેર’ તથા ‘માધુરી’ જેવાં દેશનાં ઇંગ્લીશ અને હિન્દી ભાષાનાં બબ્બે મુખ્ય ફિલ્મ મેગેઝીન્સનો પ્રચારમાં સહારો મળ્યો. 
વળી એ બન્નેને ન્યાયી ઠેરવે એવાં શરૂઆતમાં ગણાવ્યાં એવાં એકસામટાં એટલાં બધાં ચિત્રો સુપરહિટ થયાં કે દેશ આખેઆખો આ સુપરસ્ટાર રાજેશ ખન્ના પાછળ ઘેલો થયો. જેની શરૂઆતમાં ‘ગુરખા’ કહીને ગમ્મત કરાતી હતી એ જ હવે ‘ખન્ના સાબ’ કે ‘કાકાજી’ હતા! બધા પડછંદ એક્ટરોની દુનિયામાં આ ‘બોય નેક્સ્ટ ડોર’ (પાડોશીનો છોકરો) સફળતાની રીતે કદાવર થતો ગયો.

એકાદ સુપરહિટ ફિલ્મ આપતાં જ સાતમા આસમાને ડવા લાગતા કળાકારોની દુનિયામાં સુપરહિટ પાછળ સુપરહિટ ફિલ્મો આપતા રાજેશ ખન્નાનું વર્તન ના બદલાયું હોત તો જ નવાઇ લાગત! એ સમયની રાજેશ ખન્નાની દેશવ્યાપી ઘેલછાનો ખ્યાલ લાવવા માટે તે દિવસોમાં પાછા જવું પડે. તેમને ત્યાં રૂપિયાની બેગ ભરીને નિર્માતાઓ સવારના પહોરમાં પહોંચી જતા. ‘હાથી મેરે સાથી’ના પ્રોડ્યુસરે એક પણ સીન શુટ કર્યા વગર કાકાજીને સાઇન કરવાના દિવસે મદ્રાસથી આવીને સાત આંકડાની એક મોટી રકમ ચૂકવી હોવાના અહેવાલ તે દિવસોમાં આવ્યા જ હતા. એ ‘હાથી મેરે સાથી’ની સ્ક્રીપ્ટને મઠારવાનું કામ તે વખતના નવા લેખકો સલીમ - જાવેદને ખન્નાએ કામ સોંપ્યું.

સલીમ જાવેદે હાથી મેરે સાથીપર અદભૂત કામ કર્યું અને એ એવી હિટ ફિલ્મ સાબિત થઇ કે એક રેકોર્ડ થઇ ગયો. સલીમ જાવેદે તે પછી ભોલાભાલાની પણ સ્ક્રીપ્ટ કરી આપી. પરંતુ, સ્ક્રીપ્ટમાં થતી દખલથી અકળાઈ ઠેલા સલીમ-જાવેદે એ વિવાદ પછી ભોલાભાલાના લેખકની ક્રેડિટમાંથી પોતાનું નામ કાઢી નંખાવ્યું. પછી એ પિક્ચર ઠેઠ ૧૯૭૮માં આવ્યું અને ફ્લોપ પણ ગયું! પણ એ તબક્કે કોણે કોની કરિઅર બનાવી?’ એવી કોઇ ટસલ કદાચ થઇ હોય. કેમ કે વાત એટલેથી  પતી નહીં. સલીમ-જાવેદે રાજેશ ખન્નાના વિકલ્પની શોધ કરવા માંડી. તેમણે બોમ્બે ટુ ગોવાના એક ફાઇટસીનમાં અમિતાભ જે રીતે ચ્યુઇંગમ ચાવતાં ચાવતાં લડે છે એ સ્ટાઇલ જોઈને પસંદગીનો કળશ તેના પર ઢોળ્યો. તેને પગલે અમિતાભની ગાડી ફ્લોપ ફિલ્મોના રસ્તેથી સુપરહિટ ચિત્રોના રોડ પર સડસડાટ દોડવા લાગી; એ હિન્દી ફિલ્મઉદ્યોગના ઇતિહાસની વધુ જાણીતી અને નજીકના ભૂતકાળની હકીકત છે.

બાકી કેટલા લોકોને ખબર હશે કે દીવારફિલ્મ માટે યશ ચોપરાએ રાજેશ ખન્નાને સાઇન કર્યો હતો. પરંતુ સલીમ-જાવેદે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો કે જો વિજયની ભૂમિકા રાજેશ ખન્ના કરવાના હોય તો તે સ્ક્રીપ્ટ યશજીને નહિ મળી શકે. છેવટે લેખકોની જીદ સામે નિર્માતા-દિગ્દર્શકને ઝૂકવું પડ્યું અને અમિતાભ બચ્ચન દીવારમાં વિજય બન્યા.  એ જ રીતે રોટીના સર્જન દરમિયાન રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનાં લગ્ન થયાં. ત્યાર પછી મનમોહન દેસાઈએ તેમનાં ચિત્રોમાં નવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લેવાનું પસંદ કર્યું અને અમર અકબર એન્થનીજેવી સુપરહિટ ફિલ્મ મળી. અમિતાભ બચ્ચનને શીખવાનું હતું અને એ બરાબર શીખ્યા. જેમ કે શૂટિંગ માટે સેટ પર સમયસર હાજર રહેવું (પ્રાણ એ દિવસોમાં કહેતા કે સવારે આઠ વાગ્યે અમિતાભ એટલો નિયમિત રીતે મારા ઘર પાસેથી સ્ટુડિયો જવા નીકળતો હોય છે કે હું મારી ઘડિયાળનો ટાઇમ મેળવી શકું).

સમય પાલન માટે આગ્રહ રાખતા પ્રોડ્યુસર્સ માટેની રાજેશ ખન્નાની એક ફેમસ લાઇન હતી અને એ ડાયલોગ જ કદાચ તેમની ઘટતી ગયેલી વ્ય્સ્તતાના મૂળમાં હતો. એ કહેતા કે ‘હું કલાકાર છું.... ક્લાર્ક નથી!’ પરિણામ એ આવ્યું કે મોટા મોટા દિગ્દર્શકોએ રાજેશ ખન્નાને છોડીને અમિતાભ બચ્ચનને લેવા માંડ્યા તા. પછી એ દાગવાળા યશ ચોપરા (દીવાર’, ‘ત્રિશૂલ’, ‘કભી કભી’) હોય કે રોટીવાળા મનમોહન દેસાઈ (અમર અકબર એન્થોની’, ‘પરવરિશ’)માં ક્લાર્ક જેવા નિયમિત અમિતાભને લીધા અને જે થયું તે ઇતિહાસ છે. રાજેશ ખન્નાએ 1976માં જંગબાઝ’, ‘જિની ઔર જોની’, ‘મહાચોરઅને 1977માં ટિન્કુ’, ‘ચલતા પુર્જા,’ ‘કર્મઅને છૈલાબાબુજેવાં નિષ્ફળ ચિત્રો આપ્યાં. 1978માં પ્રેમબંધનઅને ભોલાભાલાબે જ ફિલ્મો આવી. તો 1979માં ચક્રવ્યૂહ’, ‘જનતા હવાલદારતથા અમરદીપએમ આંગળીના વેઢે ગણાય એટલી જ ફિલ્મો આવી. 1980માં રેડ રોઝઅને થોડી સી બેવફાઈએ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ.

હવે રાજેશ ન્ના પેલો પારસમણિ નહોતો રહ્યા, જેના સ્પર્શથી ફિલ્મો હિટ થતી. એટલે જ્યારે 1983માં અવતારસફળ થઈ ત્યારે વળી સુપરસ્ટાર જીવંત થયાની ચર્ચા શરૂ થઈ હતી. રંતુ, જૂના દિવસો પાછા ન આવ્યા તે ન જ આવ્યા. પત્ની ડિમ્પલ સાથેનો અણબનાવ, દીકરીઓ ટ્વિન્કલ અને રિન્કુને લઈને ડિમ્પલે કરેલો ગૃહત્યાગ વગેરે કારણે મિડિયામાં રાજેશ ખન્નાની અંગત ઇમેજનું પણ સતત ધોવાણ થતું રહ્યું મિત્રો ભાગવા માંડ્યા, બલકે તેના જીવનમાં તે સમયે આવેલી ગર્લફ્રેન્ડ ટીના મુનીમે રાજેશની આસપાસ સતત રહેતા દોસ્તારોની ભીડને વિદાય કરી દીધી.  પણ બધું ‘જબ ચુડિયા ચુગ ગઇ ખેત’ જેવું હતું. ગાડી તો ક્યારનીય ઉપડી ચૂકી હતી!

હવે તો  હૃષીકેશ મુખરજી જેવા સાલસ સર્જક પણ અકળાઇ ઉઠ્યા. તેમણે જ રાજેશ ખન્નાને લઇને આનંદ’, ‘નમકહરામઅને બાવર્ચીજેવી ફિલ્મો કરી હતી. તેમની ફિલ્મ નૌકરીદરમિયાન સેટ પર સતત મોડા આવતા રાજેશ ખન્નાથી હ્ર્ષિદા એટલા બધા હેરાન થયા કે એક દિવસ તેમણે ખન્નાને પૂછ્યું, “તેં સૂરજને ગતો છેલ્લે ક્યારે જોયો હતોઆજનું શૂટિંગ કેન્સલ, આવતી કાલે સૂર્યોદયનાં દર્શન કર અને પછી આવ!”  સૂર્યોદય જોવાની સલાહ હૃષીદાએ જ્યારે આપી, ત્યારે ખન્નાનો સૂરજ અસ્તાચળ તરફ જવોરૂ થઈ ચૂક્યો હતો.
સમય કેવો બદલાઈ ચૂક્યો હતો? ‘આનંદની વાર્તા સાંભળ્યા પછી એ ફિલ્મ માટે પોતાને સમય ફાળવવા સદા આતુર રાજેશ ખન્નાથી હૃષીદા ભાગતા હતા. રાજેશને જુએ અને તેઓ કહેતા, “ભાગો કાકા આ રહા હૈ, અભી ડેટ દે દેગા”  આજે તેઓ જ સૂર્યોદય જોવાની સલાહ આપતા હતા. સ્કૂલમાં સાઇકલ અને કોલેજમાં સ્કૂટરની સગવડની જેમ ફિલ્મઇન્ડસ્ટ્રીમા રાજેશ ખન્નાનું આગમન ઇમ્પાલા કાર સાથે થયું હોવાથી તેનામાં ગુરૂર સ્વભાવિક જ હતો (પહેલી ફિલ્મ રાઝના પ્રીમિયરમાં પિતા પાસે હકપૂર્વક ગાડી માગી અને મળી ઇમ્પાલા કાર). શબાના કાયમ કહેતાં કે રાજેશ ખન્નામાં ઘમંડ દેખાડા માટેનો ભો કરેલો નહતો. એ  સ્વાભાવિક હતો.

પણ એવા ઘમંડ સફળતા ચાલે ત્યાં સુધી સહન થાય. જ્યાં ફિલ્મો નિષ્ફળ જવા માંડી ત્યાં એ જ એરોગન્સ મશીનગન બનીને સામે આવી. 1975માં આવી સલીમ જાવેદની દીવાર’, એ પહેલાં ઝંઝીરઅને પછીની શોલેના પગલે અમિતાભ બચ્ચનનો નવા સુપરસ્ટાર તરીકે જન્મ કરવામાં એ લેખકબેલડી સફળ રહી. રાજેશ ખન્ના પાસેથી અમિતાભ બચ્ચનને સુપરસ્ટારપદ મળ્યા પછી તેમણે શું ન કરવું એ બચ્ચન (અને ભવિષ્યના તમામ સ્ટાર્સ પણ) કદાચ વધારે શીખ્યા! એ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શિસ્ત માટે રાજેશ ખન્નાનો કરિઅર ગ્રાફ જવાબદાર કહી શકાય.

ફિલ્મો ઉપરાંત રાજકારણમાં પણ એ ગયા. લાલ કૃષ્ણ અડવાની સામે ચૂંટણી લડ્યા
, જેમા નજીવા મતોથી તેમની હાર થઈ. રાજેશ ખન્નાનો ગર્વ જોકે એ પરાજયથી પણ ઓછો નહોતો થયો. એ શિકસ્તમાંથી પણ તેમણે પોતાના ગૌરવનો મુદ્દો શોધી કાઢ્યો. હાર્યા પછી એક ઇન્ટર્વ્યુમાં કહ્યું, ચૂંટણી પરિણામના સમાચારનું હેડિંગ અડવાનીની જીત એમ નહિ, પણ રાજેશ ખન્નાનો પરાજય એમ હતું. પછી દિલ્હીથી જ કાકા પાર્લમેન્ટમાં ગયા એ રાજકારણની જાણીતી ઘટનાઓ કહી શકાય. ફિલ્મોના સુપરસ્ટાર ટીવીમાં આવ્યા અને ત્યાં પણ કમનસીબી કેવી કે સરખામણી અમિતાભની જ સફળતા સાથે થઇ! ટેલીવિઝન પર પણ કૌન બનેગા કરોડપતિજેવો કોઈ ચમત્કાર ન થયો.

ભલે આજે ખન્ના નથી રહ્યા, પણ આપણે માટે તો  કેટલાં બધાં  પાત્રોની યાદોનો સહારો મૂકીને એ ગયા  છે! બહારો કે સપનેમાં બેરોજગાર યુવાનની ભૂમિકામાં ચહેરા પર નિરાશા વ્યક્ત કરતા નવોદિત રાજેશ ખન્ના, ‘પ્રેમનગરમાં ધનિક શરાબી તરીકે પણ એટલા જ શોભી તા. ‘કટી પતંગમાં વિધવા સ્ત્રીના પ્રેમમાં પડતો યુવાન, ‘અવતારમાં અહેસાનફરામોશ સંતાનો સામે ઝનૂનથી જંગે ચઢતા પ્રૌઢ, ‘દાગમાં બે સ્ત્રીઓ વચ્ચે પ્રણયના ત્રિકોણના ત્રીજા ખૂણા મા પ્રેમી, ‘નમકહરામમાં મિત્ર મિલમાલિક સામે લડત કરતા યુનિયન લીડર, ‘ઇત્તફાકમાં ખૂનના રહસ્યના જાળામાં ગૂંચવાયેલો યુવાન, રાજેશ ખન્નાએ આવા જુદા જુદા અનેક રોલમાં સિનેમાના રૂપેરી પડદે માનવીય સંવેદનાઓની અભિવ્યક્તિ સુપેરે અને સતત કરી બતાવી હતી. એ તમામ થકી તે સદાય આપણા સ્મૃતિ પટમાં બિરાજમાન રહેશે જ. ‘આનંદ’ ફિલ્મના અંતે ગુલઝારે લખેલા શબ્દો યાદ કરીને આપણે પણ કહીએ કે “આનંદ મરા નહીં.... આનંદ મરતે નહીં!”   

Thursday, July 19, 2012

રાજેશ ખન્ના: અગર તુમ ન હોતે....!


ઋણ સ્વીકાર: આ લેખ  ‘અગર તુમ ન હોતે’  દસ વરસ જૂનો છે. મુંબઇના ‘મિડ ડે’ (ગુજરાતી)ની સેટરડે સ્પેશ્યલ પૂર્તિ માટે ૨૦૦૨ના ડીસેમ્બરની ૨૮મી તારીખના અંક માટે મારી પાસે ખાસ  લખાવ્યો હતો. કેમ કે  તે દિવસે ‘કાકા’૬૦ વર્ષ પૂર્ણ કરી રહ્યા હતા. અગાઉ એક સામયિક સાથેની વાતચીતમાં રાજેશ ખન્નાએ પહેલો પુરૂષ એક વચનમાં કહેલી પોતાના જીવનની  વાતો પર  મોટેભાગે આધારિત  એવા આ લેખની સ્કેન કોપી  પણ અન્ય  સ્કેન-સાહિત્યની સાથે હું અહીં કેનેડા  લાવ્યો છું.  આ લાંબો લેખ ‘ગુજરાત ટાઇમ્સ’ના  સંપાદક અને  મિત્ર રમેશ તન્નાની ટીમે  તાત્કાલિક રાતોરાત કરીને કેનેડા મોકલ્યો હોઇ તેને  મઠારીને તૈયાર  કરવાની  પ્રક્રિયા ખાસી  સહેલી થઇ શકી છે. તેથી  ‘ખન્ના’ માટેનું  આ લેખનું  ટાઇટલ ‘તન્ના’ને કહેવાનું છે, “અગર તુમ ન હોતે”!! 



ફિલ્મોની દુનિયામાં તમારું કોઈ ભવિષ્ય નથી, હા લોખંડના ધંધામાં પડશો તો જરૂર ધન અને નામ બન્ને કમાશો.
આ શબ્દો જતીન ખન્ના નામના નાટકપ્રેમી એક્ટરને એક જ્યોતિષીએ કહેલા. કુંડળી બતાવવાનું કારણ એ હતું કે ભૂલાભાઈ દેસાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાની કોલેજના નાટકનું રિહર્સલ કરતા એ જુવાનિયાની એક્ટિંગ જોઈને ત્યાં હાજર ગીતા બાલીએ પોતાની એક પંજાબી ફિલ્મમાં તેને હીરો તરીકે લેવાની દરખાસ્ત કરી હતી.

ગીતાજી એટલે શમ્મી કપૂર જેવા એ સમયના સર્વાધિક લોકપ્રિય સ્ટારનાં પત્ની અને એક બેમિસાલ અભિનેત્રી. તેઓ ઓફર કરે ત્યારે એ ગંભીર જ કહેવાય અને કરીઅરનો મોટો નિર્ણય કરતાં પહેલાં હાથ કે કુંડળી બતાવી દેવાથી પોતાના નિર્ણયને જ્યોતિષનો સહારો મળે એવું ઘણા લોકો માનતા હોય છે. પરંતુ, અહીં તો ઉંધું બન્યું. મહારાજે એક્ટિંગમાં નહિ, સ્ટીલના બિઝનેસમાં પડવાનું કહ્યું. 

જતીન કુંડળી અને હસ્તરેખાની વિદ્યાની સલાહ અવગણીને અભિનયમાં જ ગયો અને બન્યો રાજેશ ખન્ના. હિન્દી ફિલ્મોનો સાચા અર્થનો પ્રથમ સુપરસ્ટાર (અને બોક્સ ઓફિસ આજકાલ જે રીતે વર્તી રહી છે એ જોતાં છેલ્લો સુપરસ્ટાર પણ એ જ રહેશે). યાદ તો કરો 1969, 70 અને 71નાં ત્રણ જ વરસમાં રાજેશ ખન્નાએ કઈ કઈ ફિલ્મો આપી હતી? આરાધના’, ‘દો રાસ્તે’, ‘ઇત્તફાક’, ‘ખામોશી’, ‘સફર’, ‘સચ્ચા-જુઠા’, ‘ધ ટ્રેન’, ‘આન મિલો સજના’, ‘આનંદ’, ‘કટી પતંગ’, ‘હાથી મેરે સાથી’, ‘મર્યાદા’, ‘અમર પ્રેમઅને દુશ્મન’!

બાપ રે, જાણે એક વાવાઝોડું આવ્યું. ત્યારે મુંબઈમાં કોઈ પણ સમયે તેની ત્રણ-ચાર સુપરહિટ ફિલ્મો તો ચાલતી જ હોય. આરાધનામાં ઇન્ટરવલ પછી પુત્રની ભૂમિકામાં અલગ દેખાવા માટે સામાન્ય રીતે પુરુષોમાં પાડવામાં આવતી ડાબા ખૂણાની પાંથીને બદલે રાજેશ ખન્નાએ જમણી બાજુની પાંથી પાડી અને એ ફેશન બની ગઈ. સાધનાના કપાળ ઢાંકતા વાળ અને દેવ આનંદના ગુચ્છા પછીની આ સૌથી અનુકરણીય ફેશન હતી (જેને આ લખનાર જેવા કેટલાય લોકોએ આજીવન પકડી રાખી).

અંદાઝના શુટીંગ વખતે આંખ આવવાનો રોગ મુંબઈમાં મોટા પાયે ફેલાયો હતો. એ કંજક્ટિવાઇટિસને લીધે રાજેશ ખન્નાએ ફિલ્મમાં મોટી સાઇઝનાં ગોગલ્સ પહેર્યાં. માત્ર એક ગીત ગાવા તે મહેમાન કલાકાર તરીકે અંદાઝમાં આવ્યો અને એ ગીત ઝિંદગી ઇક સફર હૈ સુહાના તથા પેલાં ગોગલ્સ બન્ને યુવા પેઢીમાં ફેશનનું નવું સ્ટેટમેન્ટ બની ગયાં (અંદાઝમાં હીરો શમ્મી કપૂર હતા, પણ પછી પોસ્ટરોમાં નાકની દાંડી પર ટેકવેલાં ગોગલ્સવાળો રાજેશ ખન્ના જ ભીંતો પર ચમકતો જોવા મળતો).

સ્ટીલના બિઝનેસને બદલે એક્ટિંગના વ્યવસાયમાં જ આવવાના પોતાના નિર્ણયને તેણે સાચો સાબિત કરી બતાવ્યો, પણ ખરેખર જો જતીન ધંધામાં ગયો હોત તો તેના શ્રીમંત પિતાને વધારે ગમ્યું હોત. રેલવેના કોન્ટ્રેક્ટર એવા ચુનીલાલ ખન્નાનો આ પુત્ર 1942ની 29મી ડિસેમ્બરે જન્મ્યો ત્યારે મા-બાપની 18 વરસની આતુરતા પછી જન્મેલો દીકરો હોવાથી નકરાં લાડકોડમાં છર્યો. તેથી તેની હઠ પિતાજીએ માની. બાકી તેને ધંધામાં જ પલોટવાનો હતો. ત્રણ-ત્રણ દીકરીઓ પછી લાંબા ઇન્તેજાર પછી આવેલા આ પુત્રની બાબરી લેવાની (મુંડનની) રસમ પણ મોડી કરવામાં આવી હતી. તેથી નાનપણમાં રાજેશ ખન્નાને છોકરીઓની માફક બે ચોટલા વાળવામાં આવતા.

બાળક જતીનને બાધા-આખડીને કારણે અમુક સમય સુધી,સીવેલાં કપડાં પણ પહેરાવવામાં આવતાં હતાં. પંજાબના અમૃતસરમાં જન્મેલા બાળક જતીનનું મૂળ નામ જીતેન્દ્ર પાડવામાં અવ્યું હતું. તે પણ કરાંચી પાસેના એક ગામે, જ્યાં ખન્નાપરિવારના કુળદેવતાનું સ્થાનક છે (એ રીતે જુઓ તો અડધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મૂળિયાં પાકિસ્તાનમાં હશે). જીતેન્દ્ર નામ પાડ્યા છતાં ઘરમાં એ સૌથી નાનો લાડકો દીકરો હોઇ બધા તેને પંજાબી પ્રથા પ્રમાણે ‘કાકા’ કહેતા. જ્યારે મોટા ભાગના લોકો જીતેન્દ્રને બદલે પંજાબી છટાથી જતીન્દ કહેતા. ત્યાંથી આવ્યું સ્કૂલનું નામ જતીન ખન્ના.

ખન્નાકુટુંબમાં રીતરિવાજ, ધર્મપાઠ વગેરેનું એટલું બધું મહત્ત્વ કે જતીનના જન્મના વરસે બાર મહિનામાં બાર વખત ચંડીપાઠ કરવામાં આવ્યા હતા. એક રાજકુમારને શોભે એવાં સિલ્કનાં કપડાં તેને કાયમ પહેરાવવામાં આવતાં અને વાર્તાઓમાં આવે છે એમ કુંવર પાણી માગે ત્યાં દૂધ હાજર કરી દેવાતું, જોકે પ્રિન્સને એ ભાવતું નહિ.  ઇન ફેક્ટ, દૂધની ભારે સૂગ હતી. બાળક જતીનને દૂધ બિલકુલ ન ભાવે. માતા લીલાવતી બે હાથ-પગ વચ્ચે દબાવી એક હાથે નાક દબાવીને દૂધ પીવડાવી જ દે. પોતાનો વહાલસોયો દૂધથી આટલો ભડકે છે શાથી? એ જાણવા ચાઈજી (અર્થાત્ માતાજી)એ એક પંડિતને પૂછ્યું અને પંડિતે ઇલાજ બતાવ્યો: જો રોજ કાળા કૂતરાને એક ગ્લાસ દૂધ પિવડાવશો તો બાળક પણ પીશે. તેથી રોજ જતીનભાઈનો દૂધ પીવાનો ટાઇમ થાય એટલે એક નોકરને સ્પેશિયલ ડ્યુટી: કાળિયા કૂતરાને ગમે ત્યાંથી ગોતી લાવવો.

જતીન ઉનાળાના એક વેકેશનમાં દિલ્હી ગયો અને સાઇકલ ચલાવતાં શીખી લીધું. નેચરલી, મુંબઈ પરત આવીને સાઇકલ માટે માગણી મૂકી. શરૂઆતમાં પિતાએ ઇનકાર કર્યો (મુંબઈ જેવા શહેરમાં સાઇકલ? ભ્ભી નહિ!). છેવટે બાળહઠનો વિજય થયો અને સાઇકલ લાવવામાં આવી.  પણ સોંપતાં પહેલાં બે શરતો કબૂલાવવામાં આવી. એક તો સાઇકલ ફેરવવાની કમ્પાઉન્ડમાં. બહાર રોડ પર જવાનું હીં. બીજું એ કે અંધારામાં ચલાવવાનીહીં. પણ એવી શરતોનું પાલન કેટલા દિવસ થાય? એક દિવસ સાહસિક રોડ પર નીકળી પડ્યો.

કલાક બે કલાક થયા. સાંજ પડી.  અંધારું થયું.  પણ સાઇકલસવારનો ક્યાંય પત્તો નહિ.  નોકરો દોડાદોડ કરે. પિતાજી રઘવાયા. માતા રડે. આખું ઘર તળે ઉપર.  પણ ક્યાંય જતીનકુમાર દેખાય જ નહિ. છેવટે રાત્રે આઠ વાગ્યે સાઇકલિસ્ટ આવી પહોંચ્યો. પોતાના જિગરના ટુકડાને સાજોસમો જોતાં જ માતા લીલાવતીએ છુટ્ટા મોંએ રડીને તેને ભેટવા હાથ પહોળા કર્યા. દોડતો બાળક માતાના આંચલમાં આશ્રય લે એ પહેલાં પિતાજીએ ઝડપી લીધો અને પછી જે ધોલાઈ કરી!

રાજેશ ખન્નાના  પિતા ચુનીબાબુ દસ વરસની ઉંમરે માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધા પછી, આપળે આગળ આવેલા માણસ હતા. કુટુંબીજનોના બોલને કારણે પત્નીને લઈને જ્યારે એ ગુસ્સામાં વતન છોડીને મુંબઈ આવ્યા ત્યારે રહેવાનું છાપરું પણ નહતું. પિયરમાં અત્યંત ધનિક પરિવાર હોવાથી લીલાવતીએ પતિના એ સ્વમાનભર્યા પણ આકરા નિર્ણયને કારણે જીવનામાં કદી નહિ વેઠેલી તકલીફો વેઠવી પડી. મુંબઇના ઠાકુરદ્વારમાં શરૂઆતમાં ભાડે રહેતી વખતે સંઘર્ષના એ દિવસોમાં ચુનીલાલ અને લીલાવતીએ પોતે ભૂખ્યા રહીને પણ પોતાના વહાલસોયા દીકરાને કોળિયા ખવડાવ્યા હતા. આવો મોંઘો રતન જેવો લાડકો દીકરો સાઇકલ ચલાવવા જાય અને જડે નહિ તો કયા પિતાને અકળા ના થાય? (ખવડાવવાનો સોનાનો કોળિયો, પણ શિસ્ત તો જોઈએને?)

જ્યારે જતીન ખન્ના કોલેજમાં આવ્યો ત્યારે તો પરિવાર પૈસે ટકે વધારે સુખી થયું હતું. તેથી તેની પોકેટમનીની રકમ પાંચસો રૂપિયાથી વધારીને એક હજાર રૂ‚પિયા કરી દેવામાં આવી, એ રકમ તે દિવસોમાં કેટલી મોટી કહેવાય એનો અંદાજ એક જ વાત પરથી આવી શકશે કે એ દિવસોમાં બાલ્કનીની ટિકિટ ત્રણ રૂપિયામાં મળતી હતી. નો ડાઉટ, જતીન ખન્ના કોલેજના તેના ગ્રુપનો સૌથી ધનાઢ્ય વિદ્યાર્થી હતો. કોલેજ તરફથી થતાં નાટકોનાં રિહર્સલમાં ખૂણામાં ભા રહીને જોયા કરતા આ પૈસાપાત્ર કોલેજિયનને નાનું-મોટુ કામ આપવાથી ગ્રુપનાં ચા-નાસ્તાની ચિંતા મટી જતી. એટલે  એક નાટકમાં જતીનને પોલીસનો રોલ મળ્યો. તેણે એક જ વાક્ય બોલવાનું હતું  ‘ખબરદાર, નંબરદાર ભાગનેકી કોશીશ કી હૈ તો.... છતાં જતીન ભારે નર્વસ હતો. શોના દિવસે તેણે ડાયલોગ કહ્યો, ‘નંબરદાર, ખબરદાર ભાગને કી કોશીશ કી તો’. વાક્યની ઉલટા સુલટી  થઇ ગઇ હતી. ડિરેક્ટર વી. કે. શર્માજીનો પિત્તો ગયો. પણ નાટક પૂરું થતા સુધીમાં તો ભવિષ્યના આ સુપરસ્ટારે ઓડિટોરિયમ છોડી ઘરની વાટ પકડી લીધી હતી.

એ દિવસોમાં નાટકોની દુનિયામાં કાદર ખાન, સાગર સરહદી, અને વી. કે. શર્મા જેવાં મોટાં નામોની બોલબાલા હતી. એવું એક નામ બી.એસ. થાપરનું પણ હતું. એક સાંજે સંઘર્ષ કરતા કળાકારોના અડ્ડા જેવી ગેલોર્ડ હોટેલમાં થાપરસાહેબે જતીન ખન્નાને પોતાના નવા નાટકમાં હીરોની ભૂમિકા આપવાની દરખાસ્ત કરી. એટલું જ નહિ, પણ હિરોઇન સાથે એ જ સાંજે ઓળખાણ પણ કરાવી.

એ હિરોઇન એટલે રાજેશ ખન્નાની જિંદગીનું એક યાદગાર પ્રકરણ અંજુ મહેન્દ્રુ. અંજુએ રાજેશ ખન્નાને
પોલીશ કરીને સાચા અર્થમાં હીરો બનાવ્યો. આઇએનટી અને ઇપ્ટા જેવી નાટ્યસંસ્થાઓમાં કામ કરતા એક્ટરો માટે ફિલ્મોનું આકર્ષણ પણ એટલું જ રહેતું. ત્યારે પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ જેવી તાલીમ આપનાર સંસ્થા જાણીતી નહતી. તે દિવસોમાં યુનાઇટેડ ફિલ્મ પ્રોડ્યુસર્સ નામની સોળ નિર્માતાઓ દ્વારા ભી કરવામાં આવેલી સંસ્થા અને ફિલ્મફેરમેગેઝિન મળીને નવા ચહેરાઓ શોધતા. ધર્મેન્દ્ર એ ટેલન્ટ કોન્ટેસ્ટમાં પસંદગી પામીને આવેલા એક્ટર હતા. તે દાખલો જોઈને એ ટેલન્ટમાં ભાગ લેવાનું અને પસંદગી પામવાનું એક મહત્વ હતું. આ બાજુ પિતાજીએ પણ એક્ટિંગ અથવા પોતાનો ફેમિલી બિઝનેસ બેમાંથી એકની પસંદગી કરી લેવા પાંચ વરસનો સમય બાંધી આપ્યો હતો. (પાંચ વરસમાં તું એક્ટર ન બની શકે તો મારી સાથે ધંધામાં લાગી જવું પડશે)

એટલે જ્યારે ફિલ્મફેરની ટેલન્ટ કોન્ટેસ્ટની જાહેરાત આવી ત્યારે અરજી કરનારા સેંકડો ઉમેદવારોમાં એક જતીન ખન્ના પણ હતો અને સૌના (ખાસ કરીને તેના પપ્પાના) આશ્ચર્ય વચ્ચે એ પસંદ પણ થઈ ગયો. યુનાઇટેડ પ્રોડ્યુસર્સમાંના એક જી. પી. સિપ્પીએ રાઝફિલ્મ માટે માસિક બે હજાર રૂ‚પિયાના પગારથી તેને સાઇન કર્યો. સવાલ આવ્યો નામનો, કેમ કે જતીનનું મૂળ નામ જિતેન્દ્ર હતું અને એ નામનો એક નવો એક્ટર ઓલરેડી આવી ચૂક્યો હતો. વળી તેમને સૌને ‘જતીન’ બહુ વજનદાર નામ લાગતું નહોતું. (મને તો ભારે લાગે છે.... મારા સાળાનું નામ જ જતિન છે અને પેલી કહેવત તો ખબર છેને? “એક તરફ જોરૂ કા ભાઇ, દુસરી તરફ સારી ખુદાઇ”!)

તેથી મામાજીએ નામ સૂચવ્યું ‘રાજેશ ખન્ના’ અને
એક સ્ટારનો જન્મ થયો. અહીં એક બીજી રસપ્રદ વાત પણ  કરી લઇએ. યુનાઇટેડ પ્રોડ્યુસર્સની એ સ્પર્ધામાં રાજેશ ખન્ના સાથે એક અન્ય કલાકાર પણ સિલેક્ટ થયો હતો. એની હાઇટ સરસ હતી. ગોરો ચિટ્ટો અને હીરોની પરંપરાગત ઇમેજમાં ફીટ થાય એવો. સામે પક્ષે આપણા ખન્નાની શારીરિક ઊંચાઇ ઓછી અને આંખો પણ ઝીણી. (શરૂઆતમાં લોકો
રાજેશ ખન્નાને કાંઇ અમસ્તા ‘ગુરખા’ નહતા કહેતા!) મોં પર ખીલની ફોલ્લીઓ. ટૂંકમાં તે દિવસોના સફળ હીરો એવા  રાજેન્દ્ર કુમાર, રાજકુમાર, શમ્મી કપૂર, દિલીપ કુમાર, રાજકપૂર, દેવ આનંદ કે સુનિલદત્ત જેવી પડછંદ કે ગોરી પર્સનાલિટી નહીં. એક સાવ સાદા ‘બોય નેક્સ્ટ ડોર’ જેવા જતિન ખન્ના!

તેથી સિપ્પી કેમ્પમાં પહેલાં એમ નક્કી થયું કે
પેલો ગોરો ઊંચો છોકરો હીરો બનશે અને જતિનભાઇ વિલન. પરંતુ, થોડાં રિહર્સલ પછી ખન્નાની એક્ટીંગ વધારે પાવરફુલ લાગી અને દિગ્દર્શક આપણા ગુજરાતી રવીન્દ્ર દવે તથા નિર્માતા જી.પી.સિપ્પીએ રોલ રિવર્સ કરી દીધા. આ વાત વરસો પહેલાં વાંચેલી છે અને તેની ખાત્રી અધિકૃત રીતે થવાની બાકી છે. પરંતુ, એ હકીકત છે કે છ ફુટીયા પડછંદ વ્યક્તિઓ જ કે ગોરા અને નીલી આંખોવાળા જ હીરો બની શકે એ માન્યતામાંથી ફિલ્મ ઉદ્યોગને બહાર લાવવામાં રાજેશ ખન્નાનું સુપર સ્ટારપણું જ મુખ્યત્વે જવાબદાર છે. જો ‘કાકા’ એ શરૂઆત ના કરી હોત તો પ્રમાણમાં ઓછી હાઇટવાળા આજના ત્રણેય ખાન શાહરૂખ, સલમાન અને આમિર કે શાહીદ
જેવા ‘કપુર’  માટે કદાચ રસ્તો એટલો આસાન ન હોત!

રાજેશ ખન્નાનો ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સ’
 સાથેનો કરાર ભારે હતો. તેમના સિવાયના બહારના નિર્માતાની ફિલ્મમાં જો એક્ટર કામ કરે તો પચાસ ટકા રકમ યુનાઇટેડ પ્રોડ્યુસર્સને આપી દેવાની રહે. મદ્રાસના નિર્માતા વાસન રાજેશને લઈને ઔરતફિલ્મ બનાવવા માગતા હતા. એના માટે યુનાઇટેડ પ્રોડ્યુસર્સની માગણી સાઠ હજાર રૂપિયાની હતી, જ્યારે વાસન ત્રીસ હજાર રૂપિયાથી વધારે ચૂકવવા નહોતા માગતા. છેવટે રાજેશ ખન્નાએ પોતાના ભાગના ત્રીસ હજાર રૂ‚પિયા છોડી દીધા અને ઔરતમાં માત્ર ત્રીસ હજાર રૂપિયામાં કામ કર્યું. એ આખેઆખી રકમ યુનાઇટેડ પ્રોડ્યુસર્સને આપી દેવી પડી. સફળતા મળ્યા પછી રાજેશ ખન્ના અને તેના નિર્માતાઓ વચ્ચેના મતભેદની કે સેટ પર આરામથી પહોંચવાને કારણે પ્રોડ્યુસરોને હેરાનગતિ થયાની વાતો જે તે સમયે વધારે ચગી હોય તો તેની પૃષ્ઠભૂમિમાં શરૂ‚આતના દિવસોમાં રાજેશ ખન્નાનું જે શોષણ થયેલું એ પણ જવાબદાર ના હોઈ શકે? સોચો ઠાકુર! (વધુ આવતી કાલે)

Wednesday, July 18, 2012

રાજેશ ખન્ના, કિશોર કુમાર અને રફી!


રાજેશ ખન્નાની ચિર વિદાય પ્રસંગે લગભગ દરેક ચેનલ પર અને મિડીયામાં (પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશ્યલ બધે) ‘કાકા’ની ફિલ્મોનાં ગીતો યાદ કરતી વખતે કિશોર કુમારનાં ગાયેલાં ગાયનો જ વધારે વાગ્યાં અને એ સ્વાભાવિક પણ હતું. રાજેશખન્ના અને કિશોર કુમાર બન્ને એક બીજાની કરિયર માટે પૂરક હતા. ‘આરાધના’એ મચાવેલી ધૂમથી થયેલી શરૂઆત કદી અટકી જ નહીં. તેમાં એસ.ડી. બર્મનના સહાયક તરીકે આર. ડી. બર્મને  કિશોર કુમાર પાસે રેકોર્ડીંગ કરાવવામાં ભજવેલી સકારાત્મક ભૂમિકા હવે તો બહુ જાણીતી છે. સંગીતકાર (આર.ડી.) અને ગાયક (કિશોર દા)ની દોસ્તીમાં રાજેશ ખન્ના જેવા ઉભરતા સફળ સ્ટારનો ઉમેરો થવાથી એ ત્રિવેણીમાંથી કેવાં કેવાં અફલાતૂન ગીતો વહ્યાં!
 
‘‘મેરે સપનોં કી રાની...’’ કે ‘‘રૂપ તેરા મસ્તાના....” થી આરંભ થયેલી એ યાત્રા વિશે બહુ લખાયું છે અને કદાચ પીએચડી થઇ શકે. કેમ કે તેમાં “ચિનગારી કોઇ ભડકે...” (અમરપ્રેમ), “મૈં શાયર બદનામ...” (નમક હરામ), “દીવાના લેકે આયા હૈ...” (મેરે જીવન સાથી) અને “પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ..." (કટી પતંગ) જેવાં એકલ ગીતોનો ઢગલો છે. એટલું જ નહીં “હમ દોનોં દો પ્રેમી દુનિયા છોડ ચલે...” (અજનબી) “સુન ચંપા સુન તારા, કોઇ જીતા કોઇ હારા...” (અપના દેશ) અને “કરવટેં બદલતે રહે સારી રાત હમ...” (આપ કી કસમ) એમ કેટલાંય યુગલ ગીતો લતા મંગેશકર સાથેનાં છે.

એટલે એ છલોછલ છલકાતા ખજાના ઉપર તો બધાની નજર સ્વાભાવિક જ હોય. આપણે થોડાક હટીએ અને હવે ૩૧મી જુલાઇએ જે મહાન ગાયક મહંમદ રફીની પૂણ્યતિથિ આવે છે, તેમનાં ગાયેલાં રાજેશ ખન્નાનાં ગાયનો યાદ કરીએ. એટલે એક સાથે બે કલાકારોને અંજલિ આપી શકાય. બીજું એક કારણ એ પણ ખરું કે હંમેશાં ખટરાગ શોધવા માગતા લોકો રફી અને કિશોર કુમાર વચ્ચે પણ એવી ખેંચાતાણી કલ્પવા આતૂર હતા. પરંતુ, જ્યારથી લક્ષ્મીકાન્ત - પ્યારેલાલ વાળા પ્યારેજીએ એક પ્રસંગ જાહેરમાં કહ્યો છે, ત્યારથી એવી બધી ગોસીપ ઠરી હવાઈ ગઇ છે.

પ્યારે ભૈયાએ ‘દુશ્મન’ના ગાયન “વાદા તેરા વાદા...”ના સર્જનની વાત કરતાં થોડા વખત પહેલાં એ ખુલાસો કર્યો હતો કે એ કવ્વાલીનુમા રચના માટે કિશોર કુમારે પ્રથમ તબક્કે ઇનકાર કર્યો હતો. તેમણે સંગીતકાર બેલડીને કહ્યું કે એ ગીતને પોતે નહીં પણ મહંમદ રફી વધારે યોગ્ય ન્યાય આપી શકશે! છેવટે રાજેશ ખન્નાએ પ્રેસ્ટીજ ઇશ્યુ બનાવ્યો અને કહ્યું કે જો કિશોરદા ના ગાય તો આ ગાયન જ ડ્રોપ કરીએ. પછી ગવાયું અને એ કિશોર કુમારની આવડત જ કહી શકાય કે આજે એ કવ્વાલી રફી સાહેબના અવાજમાં કલ્પી પણ નથી શકાતી.

પણ રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ ‘આખરી ખત’માં “ઔર કુછ દેર ઠહર, ઔર કુછ દેર ન જા...” કે પહેલી કોમર્શીયલી વધારે સારી ગણાયેલી ‘રાઝ’માંનું “અકેલે હૈં ચલે આઓ, જહાં હો...” બન્નેમાં રફી સાહેબનો અવાજ ખન્નાને એટલો જ બંધ બેસતો લાગતો હતો. દૂર ક્યાં જવાનું છે? આર.ડી. બર્મને પણ રાજેશ ખન્ના માટે ‘ધી ટ્રેઇન’માં “ગુલાબી આંખેં જો તેરી દેખીં...” માટે રફીનો જ અવાજ લીધો હતો. ખુદ ‘આરાધના’માં પણ “ગુન ગુના રહે હૈં ભંવરે ખિલ રહી હૈ કલી કલી...” માં આશા ભોંસલે સાથે અને “બાગોં મેં બહાર હૈ...”માં લતા મંગેશકરના “ના ના ના..” ના મધુર રણકાર સાથે રફીનો અવાજ ‘કાકા’ને એટલો જ શોભતો હતો. 



જો કે મોટા ભાગના સંગીતકારો રફી અને કિશોર કુમારને ગીતની ગાયકીને ધ્યાનમાં લઇને ગીત સોંપતા. જેમ કે  લતાજી સાથે રફી હોય એવાં યુગલ ગીતોમાં ‘સચ્ચા ઝુઠા’ના “યું હી તુમ મુઝ સે બાત કરતી હો...” માં અને ‘છોટી બહુ’ના “યે રાત હૈ પ્યાસી, પ્યાસી ના ગુજર જાયે....” માં રાજેશ ખન્ના માટે કલ્યાણજી આણંદજીએ રફીને જ પસંદ કર્યા હતા. યાદ રહે, આ ફિલ્મો ‘આરાધના’ પછીની છે. એ વાત પણ સાથે સાથે નોંધવા જેવી ખરી કે ‘સચ્ચા ઝુઠા’ના સૌથી પોપ્યુલર ગાયન “મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા...” માં કિશોર કુમારનો અવાજ છે. 

એમ તો ખુદ રાજેશ ખન્નાને જે ફિલ્મ ઉપર ખુબ આશાઓ હતી (અને બહુ ખરાબ રીતે ફ્લોપ ગયાથી તેની તમામ પ્રિન્ટ્સ પોતે કબજે કરી લીધાની તે દિવસોમાં અફવા હતી) એ ‘મેહબૂબ કી મેંહદી’નાં ગીતોમાં પણ રફી સાહેબ છે જ ને? ‘મેહબૂબ કી મેંહદી’માં “યે જો ચિલમન હૈ, દુશ્મન હૈ હમારી...” અને “ઇતના તો યાદ હૈ મુઝે...” બન્નેમાં મહંમદ રફીનો અવાજ રાજેશ ખન્ના માટે હતો. પણ એ જ પિક્ચરનું “મેરે દીવાનેપન કી ભી દવા નહીં...” કિશોરદાને મળ્યું અને બાપુએ શું ગાયું છે...અદભૂત



એ જ સંગીતકારો ‘એલ.પી.’એ ‘આન મિલો સજના’માં “કોઇ નઝરાના લેકર આયા હૂં મૈં દીવાના તેરે લિયે..” રફી પાસે ગવડાવ્યું હતું અને “યહાં વહાં સારે જહાં મેં તેરા રાજ હૈ, જવાની ઓ દીવાની તુ ઝિન્દાબાદ...” કિશોર કુમારના સ્વરમાં. એ ગાયનનું મ્યુઝિક શરૂ થાય અને એક પણ શબ્દ ગવાય તે પહેલાં રાજેશ ખન્ના તેમની ત્રણ આંગળીઓ સ્ટાઇલમાં હલાવતા પડદા ઉપર દેખાય અને જે સીટીઓ અને તાળીઓ થિયેટરમાં પડે એ યાદ કરીએ; તો થાય કે ગાયક કોઇ પણ હોય પડદા ઉપર ખન્ના તેમની મુસ્કાન અને અદાઓ સાથે આવે અને એ ગાયન સુપર હીટ થાય જ. 

લક્ષ્મી-પ્યારે અને રાજેશ ખન્ના બન્ને માટે તેમની કરિયરમાં નિર્ણાયક વળાંક આપનારી ફિલ્મ ‘દો રાસ્તે’માં પણ રફી સાહેબનું “યે રેશ્મી ઝુલ્ફેં યે શરબતી આંખેં...” અને લતા મંગેશકર સાથેનું ડ્યુએટ “છુપ ગયે સારે નઝારે ઓય ક્યા બાત હો ગઇ...” બન્ને તે સમયમાં ફિલ્મ જેટલાં જ પોપ્યુલર હતાં અને આજે પણ ગમે જ. પરંતુ, રફી અને રાજેશ ખન્નાના સુમેળનો એક સૌથી શ્રેષ્ઠ દાખલો એટલે ‘હાથી મેરે સાથી’નું અંતિમ ગીત, જે પણ ‘કાકા’ની શ્રધ્ધાંજલિમાં ઉપયોગમાં લેવાયું છે..“નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં ખુશ રેહના મેરે યાર!”  

Tuesday, July 17, 2012

‘ઔસમ કા મૌસમ’



 ‘ઔસમ કા મૌસમ’માં આ વખતે એવી રૂટિન ટ્રીક જે લગભગ બધા જાદુગરો કરતા હોય છે. છતાં ફ્રેન્ચ ઓડિયન્સ રૂબરૂ થતો જાદુગર ડેની લેરીનો આ કઇંક જુદો જ ખેલ છે. ખાસ કરીને સ્ટેજ પરના તાજમહાલની નીચે પણ કશું નથી, ત્યારે ભેદ વધારે ઘેરો બને છે. જો કોઇ મિત્ર  તેનું રહસ્ય ખોલી શકે તો? તો તો એના જેવું કશુંય નહીં. 
પણ મેજીશ્યન ડેની લેરીના આ જાદુનો એ સસ્પેન્સ ના ખૂલે ત્યાં સુધી તો.... Just ENJOY it!!

Sunday, July 15, 2012

૧૯૯૦ (૨) : જૂના સંગીતકારો માટે અગ્નિપથ!

સૌ પ્રથમ તો ગયા વખતે પૂછેલા સવાલનો જવાબ:  ‘સૈલાબ’ના ગાયન “હમ કો આજકલ હૈ..”નાં ગાયિકા લતા આશા કે અનુરાધા અથવા અલકા નહતાં. પણ અનુપમા દેશપાંડેએ તે ગીત ગાયું હતું. વાચક મિત્રો પૈકીના અમિત ગુડકાએ એવી પણ માહિતી ઉમેરી છે કે આ ગાયન મૂળે તો આશા ભોંસલે માટે નક્કી કરાયું હતું. પરંતુ, કોઇ કારણસર તે ઉપસ્થિત રહી ના શક્યાં અને અનુપમાજી પાસે ગવડાવાયું; પછીથી આશાજી પાસે ડબ કરાવી લેવાની ગણત્રીએ. જો કે ગીત એટલું સરસ ગવાયું અને રેકોર્ડ થયું કે પછી અનુપમા દેશપાંડેના સ્વરમાં જ રખાયું. એવા નવા નવા ગાયકો કલાકારો માટે એ વરસ જ ખાસ્સું શુકનિયાળ હતું અને જૂના જોગીઓ માટે અગ્નિપથ સમાન! 

કેમ કે સંગીતકારોમાં સૌથી વ્યસ્ત એવા જૂના અને જાણીતા તથા મારા તો અંગત રીતે અત્યંત પ્રિય એવા લક્ષ્મીકાન્ત પ્યારેલાલની તે સાલ ૨૦ જેટલી ફિલ્મો આવી હતી અને છતાં એક માત્ર ‘અગ્નિપથ’ને બાદ કરતાં કોઇ ફિલ્મનું સંગીત તો ઠીક નામ પણ યાદ રહે એવું નહતું. જુઓ આ યાદીમાંથી કોઇ પિક્ચરનું નામ તેના મ્યુઝિક માટે તમને યાદ આવે છે ખરું?.... ‘કયામત કી રાત’, ‘આતિશબાજ’, ‘શેષનાગ’, ‘પ્યાર કા કર્ઝ’, ‘વીરુદાદા’, ‘કાનૂન કી જંજીર’, ‘આઝાદ દેશ કે ગુલામ’, ‘પતિ પરમેશ્વર’, ‘ઇજ્જતદાર’, ‘ક્રોધ’, ‘હાતિમતાઇ’, ‘પતિ પત્ની ઔર તવાયફ’, ‘હમસે ના ટકરાના’, ‘જીવન એક સંઘર્ષ’, ‘શેર દિલ’, ‘પ્રતિબંધ’ ‘અંબા’ અને ‘જમાઇ રાજા’!

તો એક સમયે ‘એલ.પી.’ને સખ્ખત સ્પર્ધા આપનાર ‘આર. ડી.’ની તો તે સાલ માત્ર ત્રણ જ ફિલ્મો રજૂ થઇ અને તે પણ ‘ચોર પે મોર’, ‘દુશ્મન’ અને ‘જીને દો’! એકેય ના સંગીત માટે પંચમદાના ચુસ્તમાં ચુસ્ત ફેનને પણ કોઇ ઘંટી ના બજી શકે. રાહૂલબાબાના કેસમાં તો અજય શેઠ સરખા અભ્યાસી મિત્રએ આપેલી વિગત મુજબ પંચમદાને ૧૯૮૬થી હાર્ટ ટ્રબલ હતી અને ૧૯૮૯માં બાય પાસ સર્જરી કરાવી હતી. તેથી કામ પર અસર પડવી સ્વાભાવિક હતી. જ્યારે જૂના જોગી જ કહી શકાય એવા નૌશાદ સાહેબ ‘આવાઝ દે કહાં હૈ’માં મુન્ના અઝીઝ અને અનુરાધા પૌડવાલને લ ઇને હાજર હતા, તે સાલ. પરંતુ, કોઇ પ્રતિસાદ ના મળ્યો! એવા જ અન્ય સિનીયર સંગીતકાર ખય્યામનું સંગીત ‘જાનેવફા’માં હતું, જે પણ કોણ જાણે ક્યારે આવ્યું અને ક્યારે દફા થઇ ગયું. કલ્યાણજી આણંદજીની ‘સીઆઇડી’ પણ ક્યાં છુપાઇ રહી ખબર ના પડી.

એવું જ અગાઉના વરસે સલમાનખાનની પ્રથમ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ના મ્યુઝિકથી ધૂમ મચાવનાર રામ લક્ષ્મણ ‘પુલિસ પબ્લીક’ જેવું આલ્બમ લાવ્યા હતા, જેને સૂરની અદાલતમાં જામીન પણ મળવા મુશ્કેલ હતા. કોનું કોનું દુખડું રડવુ? તે વરસે અનુ મલિક પણ ‘આવારગી’ સાથે ઉપસ્થિત હતા અને તે ચર્ચામાં પણ રહી. પરંતુ,  ગુલામ અલીની ગઝલ “ચમકતે ચાંદ કો…” ની ધૂન અંગેના વિવાદને કારણે અને તેમાંય છેલ્લે તો એ જ સાબિત થયું કે તેની તર્જ ગુલામ અલીની હતી!

જો કે આટલાં બધાં વિસરવા યોગ્ય આલ્બમ્સની વચ્ચે પણ રાજેશ રોશને મહેશ ભટ્ટની ‘જુર્મ’માં એક એવું ગાયન સર્જ્યું, જે આજે પણ એટલા જ ભાવથી ગવાય છે. એ ગીત એટલે? “જબ કોઇ બાત બિગડ જાયે, જબ કોઇ મુશ્કિલ પડ જાયે, તુમ દેના સાથ મેરા ઓ હમનવાં….”!  તે વરસની રાજેશ રોશનની ‘કિશન કન્હૈયા’માં ‘રામ ઔર શ્યામ’ની માફક જ સરખા દેખાતા બે ભાઇઓની -ડબલ રોલની- વાર્તા હતી. મઝાની વાત એ હતી કે જેમ ‘રામ ઔર શ્યામ’માં છેલ્લે “રામ કી લીલા રંગ લાઇ, શ્યામને બંસી બજાઇ…” એવું ગીત હતું તો અહીં ‘કિશન કન્હૈયા’માં પણ અનિલ કપૂર માટે એવું જ ગાયન હતું… “સુટ બુટ મેં આયા કન્હૈયા બેન્ડ બજાને કો…”!

૧૯૯૦માં આવેલી ‘શિવા’નું સંગીત બહુ યાદગાર નહતું. પરંતુ, એ રામ ગોપાલ વર્માની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રીનું પિક્ચર હતું. કોલેજ કેમ્પસની ગુંડા ગર્દીથી શરૂઆત કરીને રામુએ પછીનાં વરસોમાં તો ‘સત્યા’, ‘કંપની’ અને ‘સરકાર રાજ’ જેવી અંડરવર્લ્ડ અને રાજકારણની સાંઠગાંઠની કૃતિઓ આપી. તેમજ ‘રંગીલા’ જેવું એ. આર. રેહમાનનું મ્યુઝિકલ આલ્બમ પણ આપ્યું. તે વરસે ’૯૦માં ઓ.પી.નૈયર માટે “તારીફ કરું ક્યા ઉસ કી જિસને તુમ્હેં બનાયા…” જેવાં કેટલાંય ગીતો લખનારા એસ.એચ. બિહારી અને ‘પારસમણી’માં “હંસતા હુઆ નુરાની ચેહરા…” જેવાં સુપર હીટ સોંગ્સના ગીતકાર અસદ ભોપાલીનું નિધન થયું હતુ.

તે ઉપરાંત મૃત્યુએ એસ. મુકરજી અને વ્હી. શાંતારામ સરખા ધરખમ સર્જકો પણ છીનવી લીધા, જેમની ફિલ્મોમાં સંગીતનું એક આગવું જ મહત્વ રહેતું. શશધર મુકરજી તો આશા પારેખની પ્રથમ ફિલ્મ ‘દિલ દેકે દેખો’થી આવેલાં આપણાં મહિલા મ્યુઝિક ડીરેક્ટર ઉષા ખન્નાને તક આપનારા પ્રોડ્યુસર. જ્યારે શાંતારામજીની ફિલ્મોની આ યાદી જ તેમની સંગીતની સુઝને દર્શાવવા કાફી થશે…‘દો આંખેં બારહ હાથ’ (અય માલિક તેરે બંદે હમ...), ‘નવરંગ’ (આધા હૈ ચન્દ્રમા રાત આધી...), ‘સેહરા’ (તુમ તો પ્યાર હો ઓ સજના...), ‘ઝનક ઝનક પાયલ બાજે’ (નૈન સોં નૈન નાહી મિલા....), ‘ગીત ગાયા પથ્થરોંને’, (તેરે ખયાલોં મેં હમ....), ‘બુંદ જો બન ગઇ મોતી’ (યે કૌન ચિત્રકાર હૈ...), ‘જલ બિન મછલી નૃત્ય બિન બિજલી’ (તારોં મેં સજકે અપને સૂરજ સે દેખો ધરતી ચલી મિલને...) કૌંસમાંનાં સેમ્પલ જોયા પછી નથી લાગતું કે આ એક એક આલ્બમનાં તમામ ગાયનો માટે એક એક સ્વતંત્ર લેખ કરવો પડે? સોચો ઠાકુર!