Sunday, April 6, 2014

ફિલમની ચિલમ.... 30 માર્ચ, ૨૦૧૪

નંદા.... ‘યે કહાની હૈ દીયે કી ઔર તુફાન કી!’


વાચકોને ‘એપ્રિલફુલ’ બનાવવા દર સાલ પહેલી એપ્રિલની આસપાસના લેખમાં ચોંકાવનારા અને માની ન શકાય એવા ઉપજાવી કાઢેલા સમાચાર આપવાની પ્રથા છોડીને આજે અભિનેત્રી નંદાને અંજલિ આપતી વખતે હિન્દી પડદાનાં કરુણામૂર્તિ મીનાકુમારીનું નિધન યાદ આવી જાય છે. મીનાજીનું અવસાન ૩૧મી માર્ચે થયું હતું અને તે સાલ પહેલી એપ્રિલની સવારે છાપામાં એ અમંગળ સમાચારને ઘણાએ ‘એપ્રિલફુલ’ના બનાવટી ન્યુઝ ગણ્યા હતા. મીનાજી તો બીમાર હતાં અને માંડ માંડ ‘પાકીઝા’નું શૂટિંગ પૂર્ણ કરી રહ્યાના સમાચાર ત્યારે આવતા જ હતા. પરંતુ, નંદાજીના અવસાનના સમાચાર એ ઓચિંતી ત્રાટકેલી વિજળી સમાન હતા. જો કે આમ પણ મીના કુમારીની હયાતિમાં જ નંદાને ‘છોટી મીનાકુમારી’ કહેનારા લોકો હતા જ ને?

નંદાને ઓમપ્રકાશ સાથેના ‘બડી દીદી’ ફિલ્મના એક કરુણ સીનમાં જુઓ અને મીનાકુમારી જ યાદ આવે. તે દ્રશ્યમાં એક તરફ પોતાના પ્રેમી (જીતેન્દ્ર)ના મત્યુના સમાચાર આવ્યા હોય છે અને બીજી બાજુ પોતાનો ભાઇ દુલ્હન લઈને ઘેર આવતો હોય છે. ત્યારે ઓમપ્રકાશ નંદાને પોતાની અંગત શોકની લાગણી દબાવીને ખુશી ખુશી ભાઇ-ભાભીની જોડીનું સ્વાગત કરવા કહે છે. ખુશાલીની એ બનાવટ કર્યા પછી રડતે રડતે નંદા બે-ત્રણ વાર પૂછે છે, “મૈંને અચ્છા નાટક કિયા ના, ચાચાજી?” ત્યારે  સિનેમાહૉલમાં પ્રત્યેક આંખ ભીની થઈ હોય અને સૌને મીનાકુમારી જ યાદ આવે. શું એ દ્રશ્યમાં નંદાની અંગત જિંદગીનો પડઘો નહતો? કેમ કે નંદાએ વર્ષો પછી (૨૦૦૬માં) એક હિન્દી સામયિકને આપેલા ઇન્ટર્વ્યુમાં પોતે કહ્યું હતું કે પરિવાર માટે પોતાની ખુશીઓ અને લાગણીઓનું બલિદાન દેવું પડ્યું હતું. બાકી નાનાં હતાં ત્યારે તો એ ક્યાં અભિનેત્રી બનવા માગતાં હતા? 

નંદા નાનાં હતાં ત્યારે તેમના એક્ટર-નિર્માતા-દિગ્દર્શક પિતા માસ્ટર વિનાયકે એક દિવસ પોતાની એક નિર્માણાધિન ફિલ્મમાં તેમની પાસે નાના છોકરાનો રોલ કરાવવાનું નક્કી કર્યું. પરંતુ, તે વખતે તો નંદાને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાનાં કેપ્ટન લક્ષ્મી સેહગલ જેવા બનવું હતું. તેમણે પિતાજીને સૂચવ્યું (અલબત્ત માતા મારફત!) કે ‘ભાઇને એ રોલમાં લો ને?’ પણ કશું ચાલ્યું નહીં. એ બાળકીના સુંદર મઝાના કેશને ‘બૉય કટ’ કપાવીને કેમેરા સામે ઉભી કરાઇ અને સખીઓ સાથે સંતાકૂકડી રમવાની માસુમ ઉંમરે ‘બેબી નંદા’ના નામથી અભિનય યાત્રાનો આરંભ કર્યો. પણ, વિધિનો ખેલ જુઓ. એ જ ફિલ્મના નિર્માણ દરમિયાન એક દિવસ અચાનક નંદાના પિતાજીનું અવસાન થઈ ગયું!

રાતોરાત પરિસ્થિતિ બદલાઇ ગઇ. લેણદારોની ઉઘરાણી વધી ગઈ અને દેણદારોની ઉંઘ-રાણી! પરિણામે શિવાજી પાર્કનો બંગલો વેચવો પડ્યો અને ગાડી પણ કાઢી નાખવી પડી. એ મુશ્કેલ દિવસોમાં, કેમેરા સામે ઉભા રહેવાની જે હિંમત અને આવડત પિતાજીએ આપી હતી એ જ કામ લાગી. ‘બેબી નંદા’ને સિનેમાના બાળ કલાકાર તરીકે કામ મળવા લાગ્યું અને તેનાથી વિધવા માતાને કુટુંબ ચલાવવામાં ટેકો થવા લાગ્યો. નંદા કહેતાં કે “મને દાદાએ (એ પિતાજીને ‘દાદા’ કહેતાં) એક પિક્ચર માટે બનાવટી ‘છોકરો’ બનાવી અને હું ખરેખર જ મારા પરિવારનો ‘દીકરો’ બની ગઈ!” તેમની ‘ચાઇલ્ડ આર્ટિસ્ટ’ તરીકેની એ સફર દરમિયાન એક ફિલ્મમાં તેમણે અન્ય એક બાળ કલાકાર લતા મંગેશકરના નાના ભાઇની ભૂમિકા પણ કરી હતી.

લતાજી પણ તે દિવસોમાં પોતાના પિતાજીના અવસાનના પગલે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય જ કરતાં હતાં. એ પણ તેમના પરિવારનો ‘દીકરો’ સાબિત થતાં હતાં. આમ જુઓ તો તેમણે અને નંદાએ આપણા સમાજની કેટલીય દીકરીઓની માફક કુટુંબના સંજોગોને થાળે પાડવા ‘સમયસર  લગ્ન-જીવન’ જેવા અંગત સુખનું બલિદાન આપ્યું હતું. નંદાએ બાળ કલાકાર તરીકે જે ફિલ્મોમાં કામ કર્યું તેમાંની એક ‘અંગારે’માં તેમણે નરગીસના બચપણની ભૂમિકા કરી હતી. સિનેમામાં અભિનયની સાથે સાથે રેડિયો અને સ્ટેજ પર પણ ‘બેબી નંદા’ એક લોકપ્રિય નામ થયું હતું. તે દિવસોમાં નંદાના પરિવારને સૌથી મોટો ટેકો ‘અંકલ’ નિર્માતા-નિર્દેશક વ્હી. શાંતારામનો હતો. શાંતારામે એક કૌટુંબિક સમારોહમાં ‘બેબી નંદા’(!)ને જોઇ અને ‘બેબી’નાં મમ્મીને કહ્યું કે આને સાડી પહેરાવીને કાલે સ્ટુડિયો લઈ આવો.


બીજા દિવસે નંદા શાંતારામજીની ફિલ્મ ‘તુફાન ઔર દીયા’ માટે પસંદ થયાં અને ‘બેબી નંદા’ હવે અભિનેત્રી નંદા બન્યાં. પરંતુ, ‘બેબી ફેસ’નું શું કરવું? પરિણામ એ કે પ્રસાદ પ્રોડક્શનની ‘છોટી બહન’ના ટાઇટલ રોલમાં એ સિલેક્ટ થયાં અને એ ફિલ્મ સુપર હિટ થઈ. તે પિક્ચરનું એક ગીત “ભૈયા મેરે રાખી કે બંધન કો ન ભુલાના,  ભૈયા મેરે છોટી બહન કો ન ભુલાના....” આજે પણ રક્ષાબંધનના દિવસે અચૂક સાંભળવા મળે છે. એટલી લોકપ્રિય ‘બહેન’ને પછી પ્રેમિકા કોણ બનાવે? એ ક્રેડિટ દેવ આનંદને આપવાની થાય. નંદા ‘કાલાબાઝાર’માં દેવ આનંદની બહેનના રોલમાં હતાં. પણ દેવ સાહેબે આ અભિનેત્રીમાં રૂપ અને અભિનયનું શાલિન મિશ્રણ જોઇ લીધું હતું. તેમણે પોતાના નવકેતન ફિલ્મ્સની  ‘હમદોનોં’માં સાધના સાથે સેકન્ડ હીરોઇનની ભૂમિકા આપી. તેમાં “અલ્લાહ તેરો નામ. ઇશ્વર તેરો નામ...” જેવી પ્રાર્થના પણ નંદાએ ગાઇ. પરંતુ, ફરી એકવાર ‘સેકન્ડ હિરોઇન’નું લેબલ લાગી ગયું.


તેમને ‘ધૂલ કા ફુલ’માં રાજેન્દ્ર કુમાર અને માલાસિન્હા સાથે તો ‘આશિક’માં રાજકપૂર અને પદ્મિની સાથે એમ રાજ, રાજેન્દ્ર અને દેવ ત્રણે ટોપ સ્ટાર્સ સાથે સેકન્ડ લીડમાં કામ કરવા મળ્યું. હીરોઇન તરીકે એ આવતાં  પરંતુ, નવા નવા એક્ટરો સાથે. તેમાંના એક હતા, શશિકપૂર જેમની સાથે એ પહેલી વાર ‘ચાર દીવારી’માં આવ્યાં. નંદાના અવસાન પછી તેમને શ્રધ્ધાંજલિ આપતાં શશિબાબાએ એ સાભાર યાદ કરીને કહ્યું હતું કે ૧૯૬૧માં એ મોટી વાત હતી. 



શશિકપૂર સાથે નંદાએ ‘જબ જબ ફુલ ખિલે’ કરી અને એ અત્યંત સફળ  મ્યુઝિકલે સાચા અર્થમાં તેમને કમર્શિયલ હીરોઇન બનાવ્યાં. તે ફિલ્મનાં “પરદેસીયોં સે ના અખિયાં મિલાના...” અને “ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે...” જેવાં સુપરહિટ ગાયનોની સાથે નંદાને ફાળે આવ્યું “યે સમા, સમા હૈ યે પ્યાર કા...”. આ ગાયને નંદાને એક એવી હીરોઇનની ઇમેજ આપી જે ગ્લેમરસ પણ બની શકતી હતી. તે પછી શશિકપૂર સાથે જોડી જામી અને ઇન્ડસ્ટ્રીમાં તે દિવસોમાં આવતા નવા નવા અભિનેતાઓ સાથે નંદાએ ઉમંગભેર કામ કર્યું. પરંતુ, નંદાને એક ફરિયાદ કાયમ રહી.
 (ક્રમશઃ)
 
નંદાની અંતિમયાત્રા અને તેને પગલે ઉઠતા સવાલ!
 



નંદાની ફરિયાદ શું હતી? તેમણે પોતાના ઝળહળતા સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં આવતા નવા નવા અભિનેતાઓ સાથે કોઇ જાતનાં નખરાં બતાવ્યા વિના કામ કરવાનું સ્વીકાર્યું હતું અને છતાં એ જ નવોદિતો ‘સ્ટાર’ બન્યા પછી પોતાની સાથે કામ કરતાં ખચકાતા હોવાની ફરિયાદ નંદાએ એક ઇન્ટર્વ્યુમાં કરી હતી. એ જ શિકાયત આજે તેમની અંતિમ યાત્રાના સંદર્ભે પણ થઈ શકે એમ છે. તેમની સ્મશાનયાત્રામાં આજના કોઇ ‘ખાન’ કે ‘કુમાર’ ઉપસ્થિત નહતા એ તો હજીય સમજાય એવું છે. પરંતુ, તેમના સમયના સ્ટાર્સને પણ ક્યાં ફુરસદ મળી? વળી, એમાંના મોટાભાગના આજે પણ આરોગ્યની રીતે કડે-ધડે છે. શશિકપૂર જેવા તેમના સાથીદાર તો સ્ટ્રોક આવ્યા પછી ક્યાંય જાય એવા નથી રહ્યા. પરંતુ, જીતેન્દ્ર કે સંજયખાન?  
જીતેન્દ્ર સાથેની ‘ધરતી કહે પુકાર કે’ અને ‘પરિવાર’ કે સંજયખાન સાથેની ‘અભિલાષા’ એ ‘હીરો લોગ’ કેવી રીતે ભૂલી શક્યા હોય? ‘ધરતી કહે પુકાર કે’માં નંદા સાથે ‘‘જે હમ તુમ ચોરી સે, બંધે ઇક ડોરી સે, જઈયો કહાં એ હજુર...”  કે ‘પરિવાર’માં “હમને જો દેખે સપને સચ હો ગયે વો અપને...” ગાતા જીતુભાઇની લોકપ્રિયતામાં તેમની હીરોઇન (નંદા)નો પણ એટલો જ અગત્યનો ફાળો હતો. ‘પરિવાર’માં તો કુટુંબ નિયોજનનો મુદ્દો હતો અને તેથી સરકારના માહિતી ખાતા તરફથી તેના ફ્રી શો ગામે ગામ થતા. તેથી માત્ર શહેરી ઑડિયન્સ જ નહીં પણ ગ્રામજનોની ‘વોટબેંક’ પણ જીતેન્દ્રને કવર કરવાની તક નંદા સાથેના એ ‘પરિવાર’ને લીધે મળી હતી. ત્યારે એવી હીરોઇનના જનાજાને ખભે દેવા નહીં તો કમસે કમ તેના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા પણ ના જઈ શકાય?

શું સંજયખાનની કરિયરમાં ‘અભિલાષા’નું મહત્વ ઓછું હતું? આર.ડી. બર્મનના સંગીતમાં “વાદીયાં મેરા દામન રાસ્તે મેરી બાહેં, જાઓ મેરે સિવા, તુમ કહાં જાઓગે?” આજે પણ એટલું જ કર્ણપ્રિય લાગતું હોય તો તેના સમયમાં કેટલું જામ્યું હતું, તેની તો શું વાત કરવી? શું અમિતાભ બચ્ચને મનમોહન દેસાઇના સંદર્ભે પણ જવા જેવું નહતું? બચ્ચન સાહેબ ઇન્ટર્નેટ અને ટ્વીટર કે ફેસબુકના વર્ચ્યુઅલ વર્લ્ડમાં જેટલા એક્ટિવ છે, એટલા જ અસલી જિંદગીના સમારોહોમાં પણ પ્રવૃત્ત હોય છે. એક યુવાનને શરમાવે એવી સ્ફુર્તિ આજે પણ તેમનામાં છે. તેમને ‘સ્ટાર’માંથી ‘સુપસ્ટાર’ બનાવવા જમાવવામાં ’૭૦ના દાયકામાં લાઇનસર હીટ ફિલ્મો આપનાર ‘મનજી’એ જે મહિલા સાથે સગાઇ કરી હતી તેના અવસાનનો ખરખરો કરવા ના જઈ શકાય?

અહીં જેમનાં નામ લીધાં એ સૌની હાજરી તેમના સમયની હમસફર આ ‘સ્ટાર’ અભિનેત્રીને શોભે એવી વિદાય થાત. સ્ટાર્સની આવી પાંખી હાજરી ઉપરાંત કઠે એવી વાત એ  પણ હતી કે ફિલ્મ ઉદ્યોગમાં બધા સમારંભો રંગેચંગે યથાવત રહ્યા! શું એક બાળ કલાકાર તરીકે શરૂઆત કરીને અભિનેત્રી અને ચરિત્ર અભિનેત્રી સુધીનાં પાત્રો ભજવવા પોતાની જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષો ઇન્ડસ્ટ્રીને આપી દેનાર આ એક્ટ્રેસનો શોક કોઇ રીતે નહીં પાળવાનો? આટલા નિષ્ઠુર વાતાવરણમાં મીઠી વીરડી જેવાં એકમાત્ર વહીદા રહેમાન નીકળ્યાં! વહીદાજીએ પોતાની અધિકૃત જીવનકથાનું પુસ્તક, લંડનનાં પત્રકાર નસરીન મુન્ની કબીર  સાથે કલાકોના વાર્તાલાપ પછી, તૈયાર કરાવ્યું છે. તેનું વિમોચન ૨૬મી માર્ચે હતું અને ૨૫મીએ નંદાજીનું અવસાન થયું. તેમણે આખો કાર્યક્રમ રદ કરાવી દીધો. લંડનથી ખાસ આવેલાં લેખિકા નસરીનને પરત જવું પડ્યું. કેમ કે વહીદાજીએ પોતે નજીકના ભવિષ્યમાં આવો કોઇ સમારંભ નહીં કરી શકે એમ કહ્યું. 


વહીદા-નંદાના ચાહકો જાણે છે એમ, એ બન્ને હીરોઇનોની મિત્રતાના ફિલ્મ ઉદ્યોગમાં દાખલા અપાતા રહ્યા છે. બન્ને એક જ સમયે સિનેમાના માર્કેટની ટોપ સ્ટાર અને છતાં એવી જ દોસ્તાર. આ રિટાયર થયા પછીની ‘કીટી પાર્ટી’ની દોસ્તીની વાત નથી. ઠેઠ દેવ આનંદના ‘કાલા બાઝાર’માં બન્નેએ એક સાથે કામ કરીને બાંધેલાં સખીપણાંને પગલે પચાસ વરસ સુધી ચાલેલા સંબંધની દાસ્તાન છે. તેમના સ્ટાર દિવસોમાં ફિલ્મી સામયિકોમાં નંદા-વહીદાના પિકનિક કરતા કે બેડમિન્ટન રમતા ફોટા આવતા. ઇન્ડસ્ટ્રીમાં બે હીરોઇનો વચ્ચે જ્યારે બહુ મૈત્રી દેખાય ત્યારે તેને ‘વહીદા-નંદા’ની ઉપમા અપાય એવી એ જોડી હતી.

  
વહીદાની સમજાવટ પછી જ નંદાએ વિધુર મનમોહન દેસાઇ સાથે સંબંધ બાંધ્યો અને સગાઇ કરી હતી, એ તો લગભગ દરેક છાપામાં આવ્યું. પરંતુ, ‘મનજી’નું અપમૃત્યુ એક અકસ્માત હતો કે તેમના અંગત જીવનની હતાશાને કારણે કરેલી આત્મહત્યા હતી એવા વિવાદો જે તે સમયે થયા હોવા છતાં, ૧૯૯૪ના એ કમનસીબ બનાવ પછીનાં, છેલ્લાં વીસ વરસ દરમિયાન એ વિષય ઉપર કદી નંદાજીના મુખેથી કોઇ નાની સરખી કોમેન્ટ પણ નહતી આવી; એ શાલિનતાનો ક્યાંય ઉલ્લેખ પણ ના આવ્યો! મનમોહન દેસાઇના મોતની વાત તો છોડો, દાયકાઓ ચાલેલી તેમની સમગ્ર કરિયરમાં આ સાદગીભરી મહિલાના નામે કદી કોઇ પણ પ્રકારનો વિવાદ નહતો આવ્યો. (‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ તેમનાથી જુનિયર અભિનેત્રીઓને મળ્યા પછી પણ તેમને નહતો મળ્યો અને છતાંય કદી કોઇ ગીલા-શિકવાની વાત નહીં!)

નંદા અને વહીદાની સાથે સાથે છેલ્લાં વરસોમાં સાધના, આશાપારેખ, હેલન વગેરે મળીને એક ગૃપ બન્યું હતું. સિનિયર્સની ક્લબમાં બને છે એમ સૌ સાથે મળે અને વિતેલી વસંતને એન્જોય કરે. એ સૌએ હજી ૨૨મી માર્ચે તો સાથે ડીનર લીધું હતું. એ સૌ માટે એ કેવો આંચકો હશે? તેમાંય આશા પારેખે તો મૃત્યુની આગલી રાત્રે ૨૪મીએ એકાદ કલાક સુધી નંદાજી સાથે ફોન પર વાતો કરી હતી. તે વખતે બીમાર હોવાનો કોઇ આછો પણ અણસાર નહતો. થોડાક જ કલાક પછી, બીજે દિવસે સવારે સાત વાગે, બાથરૂમમાં એટેક અને અવસાન! જીવનભર કોઇ કોલાહલ વગર જીવનાર એ અભિનેત્રી, એવી જ શાંતિથી ચિરવિદાય પામ્યાં.... જાણે કહેતાં હોય, “દો પલ કે જીવન સે ઇક ઉમ્ર ચુરાની હૈ...”! 

 
“દો પલ કે જીવન સે ઇક ઉમ્ર ચુરાની હૈ...”!

 



Sunday, March 23, 2014

ફિલમની ચિલમ.... ૨૩ માર્ચ, ૨૦૧૪



કંગના ‘ક્વીન’નો દરબાર હવે જામી રહ્યો છે!



‘રાણી’ ઇતિહાસ સર્જી રહી છે.... ના,૨૧મી માર્ચે જેનો જન્મદિન હતો (અને આદિત્ય ચોપ્રા સાથે એ દિવસે લગ્ન થવાની હવા હતી એ) રાની મુકરજીની વાત નથી. આ તો આજે ૨૩મી માર્ચે જેની ‘હૅપી બર્થ ડે’ છે એ કંગનાની ફિલ્મ ‘ક્વીન’ની હિસ્ટરીનો કિસ્સો છે. ‘ક્વીન’ની સવારી આવી ત્યારે જે ભીડ થઈ હતી, તેના કરતાં દિવસે દિવસે થિયેટરોમાં દરબાર જામી રહ્યો છે. પરંતુ, તેની પણ આ ચર્ચા નથી. વાત તો છે કંગનાની કલાકાર બિરાદરી સર્જી રહી છે એ ઇતિહાસની! જે રીતે સ્ટાર્સ અને ફિલ્મકારો ‘ક્વીન’નાં વખાણ કરી રહ્યા છે એ ‘કથરોટ’ (કટ થ્રોટ - ગળાકાપ!) સ્પર્ધાવાળી ફિલ્મી દુનિયામાં કદીક બનતી ઘટના છે.

‘ક્વીન’ અને કંગના પર પ્રશંસાનાં પુષ્પો વરસાવનારાઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે આમિરખાને! આમિરે એક નહીં ત્રણ ત્રણ ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે ‘ક્વીન’ ફિલ્મ ના જોઇ હોય તો ઇસી મિનિટે જોઇ આવો. આમિર એકલો જ નહીં ટ્વીટ કરનારાઓમાં કંગનાની હરીફ અભિનેત્રીઓ દીપિકા (ક્વીન મસ્ટ વૉચ!) અને “કંગના ઇઝ ફિનોમિનલ” કહેતી સોનાક્ષી સિન્હા પણ  છે. ( આજે યાદ આવે છે, દિલિપ કુમાર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘શક્તિ’ જોયા પછી રાજકપૂરે પોતાના એક સમયના કટ્ટર હરિફ દિલિપ સા’બને અભિનંદન આપવા મોકલેલા ફુલોના ગુલદસ્તા સાથેના કાર્ડ પર લખેલા આ શબ્દો, “શહેનશાહ હંમેશાં શહેનશાહ જ રહે છે!”)   

માત્ર કલાકારો જ નહીં, કરણ જોહર અને શેખર કપૂર જેવા નિર્દેશકોએ પણ ટ્વીટ કરીને ‘ક્વીન’ અને કંગનાને એટલે કે ‘ક્વીન કંગના’ને મોતીડે (કે પછી ટ્વીટડે!) વધાવી છે. આ બધું ઓછું હોય એમ, કંગનાને એક નવા પ્રકારની ‘રાની’ બનાવવાની સંભાવનાઓ પણ પેલેસ ગોસીપની જેમ શરૂ થઈ છે. તે અનુસાર વિદ્યા બાલનને અભિનયની રીતે વધુ માન્યતા અપાવનાર ‘કહાની’ ફિલ્મના દિગ્દર્શક સુજોય ઘોષના નવી થ્રિલર ‘દુર્ગા રાની સિંગ’માં વિદ્યા ઉપલબ્ધ નહીં હોવાથી કંગનાની પસંદગી કરાઇ રહી છે. ‘કહાની’ વખતે વિદ્યાની એક્ટિંગથી પ્રભાવિત સુજોયે જાહેર કર્યું હતું કે તેમની નવી ફિલ્મમાં તે વિદ્યાને જ લેશે. પરંતુ, વિદ્યાએ હવે વધારે પડતાં ખુલતાં કપડાં પહેરવાનાં શરૂ કર્યાં હોઇ (જેની લેટેસ્ટ નિશાની ‘આઇફા’ના પ્રચાર માટેની ન્યૂયૉર્કની તેની પ્રેસ કૉન્ફરન્સમાંનું વેશ પરિધાન જોતાં) તેનું સીમંત દૂર નહીં હોય એવી અટકળો પણ જોર પકડવી શરૂ થઈ છે. જો કે એમાં કશું ખોટું પણ ક્યાં છે? પરિણિત અભિનેત્રી માતા બને એની વાત નથી.... પણ તેમની પ્રેગ્નન્સીની સંભાવનાઓના અંદાજ મૂકાય એમાં કશું ખોટું ક્યાં છે? 



વળી, વિદ્યાએ હાથ પરનાં પિક્ચર્સને એક સામટી તારીખો ફાળવવાની શરૂ કરી છે, ત્યારે તો સિનેમા ઉદ્યોગનું એક અનુભવસિદ્ધ ભડળી વાક્ય કામે લગાડાય. તે મુજબ, તો પરિણિત હિરોઇનનાં ખુલતાં કપડાં પ્રોફેશનલી તેની તંગ સ્થિતિ (ટાઇટ સિચ્યુએશન) દેખાડતાં હોઇ નિર્માતાઓએ ચેતવાની ઘડી આવી ગઈ કહેવાય! એક્ટ્રેસની એવી વાતો લખનારા ગૉસિપ કોલમિસ્ટ્સને રણબીર કપૂરની માતાએ વર્ષો પહેલાં બહુ સરસ કહ્યું હતું. તેમના રીશી કપૂર સાથેનાં લગ્નની પોતે કરેલી આગાહી સાચી પડી એનો ઉલ્લેખ કરતી એક જાણીતી પત્રકાર વિશે નીતુસિંગે કહ્યું હતું કે “કોઇ કૉલમિસ્ટને ખોટી પાડવા હું ગૃહસ્થી જીવન અને માતૃત્વના અદભૂત અનુભવને ના ચૂકી શકું!”

મઝા જુઓ કે એ જ નીતુજી અને રીશીકપૂરના ‘ખુલ્લંખુલ્લા પ્યાર કરેંગે’ના અભિગમના નતીજા સમાન રણબીરને ‘બીગ બૉસ’ની આઠમી સિઝનને હોસ્ટ કરવાની ઑફર આવી હતી. ‘બીગ બૉસ’ સૌ જાણે છે એમ, એ ગૉસિપ અને ઇધર કી ઉધર તથા ચાડી-ચુગલીને સરસ રીતે પ્રસ્તુત કરતો મસાલેદાર રિયાલિટી શો છે. તેની યજમાની કરવાની દરખાસ્ત રણબીરે સ્વીકારી નથી. પરંતુ, ‘બીગ બૉસ’ની છેલ્લી સિઝનમાં હોસ્ટ સલમાનખાને શોના હરિફો સાથે ખાસી નિકટતા કેળવી હતી. તેમાં પેલી સદા હસતી વિદેશી રૂપસુંદરી ઍલી એવ્રામ એકલીની વાત નથી. જેના કાજોલની બહેન તનિષા સાથેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા એ અરમાન કોહલીનો પણ ઉલ્લેખ જરૂરી છે.


 અરમાનની ભલામણ સલમાને સૂરજ બડજાત્યાને કરી હોઇ એક નેગેટિવ પ્રકારની ભૂમિકા માટે અરમાનને લેવાની વાત હતી. પરંતુ, લાગે છે કે હવે નીલ નીતિન મુકેશ પર પસંદગી ફાયનલ થઈ ગઈ છે. એ પિક્ચરનું નામ અગાઉ ‘બડે ભૈયા’ સંભળાતું હતું. પરંતુ, હવે એ બદલીને ‘પ્રેમ રતન ધન પાયો’ એવું કરાઇ રહ્યું છે. (‘ઓમ જય જગદીશ’ની કૌટુંબિક પરંપરાની રીતે વિચારીએ તો સવાલ થાય કે ‘પ્રેમ’ તો જાણે સલમાનનું નામ હશે. પણ આ ‘રતન’, ‘ધન’ અને ‘પાયો’ કોણ બન્યા હશે?!) ‘રાજશ્રી’ના એ પિક્ચરના રાઇટ્સ વિશેનો એક મુદ્દો પિછલે દિનોં માર્કેટમાં આવ્યો હતો. કેમ કે સલમાન ખાન સાથે એક ટીવી ચેનલે ૫૦૦ કરોડનો સોદો કરીને તેની ભવિષ્યની ફિલ્મોના રાઇટ્સ લીધેલા છે. તેથી દરેક નિર્માતા પાસે તેનો અમલ કરાવવાની શરત અને સલમાનની પોતાની ફી વચ્ચે સમતુલા કરીને ટર્મ્સ કરવાની રહે. તેથી આજકાલ સ્ટાર્સના કરાર, નિર્માતા સંજય ગુપ્તા કહે છે એમ, પચાસ-સાઇઠ પાનાંના હોય છે. ખરેખર તો સેંકડો કરોડ કમાતી ફિલ્મોમાં કામ કરવાના કોન્ટ્રાક્ટ ૧૦૦ પાનાંના હોય તો પણ શું કામ આશ્ચર્ય લાગવું જોઇએ? શું કહો છો?      

તિખારો!
અમિતાભ બચ્ચન છેલ્લે અમદાવાદ આવ્યા, ત્યારે એક સંસ્થાના કાર્યક્રમમાં સવાલ-જવાબ દરમિયાન પ્રશ્ન આવ્યો કે “આ ઉંમરે આટલી સ્ફુર્તિથી કામ કરતા રહો છો, તેનું રહસ્ય શું છે?” બચ્ચન સાહેબ કહે, “ચ્યવનપ્રાશ” અને પછી હસતા હસતા બોલ્યા, “પણ  એ કંપનીને એવું નથી લાગતું. કારણ કે હવે તેમણે મને બ્રાન્ડ એમ્બેસેડર નથી રાખ્યો!!” 


Sunday, March 16, 2014

ફિલમની ચિલમ..... ૧૬ માર્ચ, ૨૦૧૪





“આયા હોલી કા ત્યોહાર ઉડે રંગ કી બૌછાર...”


 આ સપ્તાહે હોળી છે અને તેથી વાજબી રીતે જ રેડીયો-ટીવી ઉપરથી “આયા હોલી કા ત્યોહાર ઉડે રંગ કી બૌછાર...” (નવરંગ)થી લઇને “હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં રંગોં સે રંગ મિલ જાતે હૈં...(શોલે) જેવાં સદાબહાર ‘હોલી ગીતો’ દિવસભર સંભળાતાં રહેવાનાં. હોળીનું મહત્વ  નિમિત્તે ફિલ્મોની વાર્તામાં વળાંક પણ કેવા કેવા આવતા હોય છે? ‘દામિની’માં બળાત્કારની ઘટના બને કે ‘ડર’માં શાહરૂખ રંગોથી ચિતરાયેલા પોતાના ચહેરે જુહીને રંગે અને પછી સની દેવલ તેની પાછળ પડે એ હોળીના યાદગાર સીન્સ ગણાય. 

જ્યારે ‘શોલે’માં  ‘હોલી કબ હૈ? કબ હૈ હોલી...” એમ પૂછતો ‘ગબ્બર’ તેનો હુમલો હોલીની ઉજવણી દરમિયાન જ કરે છે ને? પરંતુ, આપણે આ હોળીએ એક નવો જ એંગલ લઈને ફિલ્મી કવિતામાં ‘રંગ’ શબ્દને વણી લઇને કરાયેલી રચનાઓ યાદ કરીએ. તેની મઝા એ હશે કે તેમાં માત્ર ગુલાલ જેવા ભૌતિક રંગની જ વાત નહીં હોય, એમાં વિવિધ લાગણીઓની રંગછટા પણ માણવા મળશે. 

ટૂંકમાં, અહીં માત્ર ‘રંગ’ શબ્દથી શરૂ થતાં  “રંગ ભરે બાદલસે...ઓ મેરી ચાંદની”, “રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું...” (ગઝલ) કે પછી “રંગ રંગ કે ફૂલ ખિલે મોહે ભાયે કોઇ રંગ ના... અબ આન મિલો સજના..” (આન મિલો સજના) જેવાં જ ગાયનો નહીં, પણ ગીતના કમસેકમ મુખડામાં, અર્થાત શરૂઆતની પંક્તિઓમાં, ક્યાંય પણ ‘રંગ’ શબ્દનો ઉપયોગ થયેલો હોય એવી કેટલીક રચનાઓ જોઇશું. એવા લીસ્ટમાં ‘જહોની મેરા નામ’નું “હુસ્ન કે લાખો રંગ, કૌન સા રંગ દેખોગે...” કે પછી ‘રોટી’ના “ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર,...”થી પણ ‘રંગ’ જામી શકે.  

‘રંગ’ને કેન્દ્રમાં રાખીને લખાયેલાં ગીતોમાં હોળીના દિવસોમાં પીવાતી ભાંગને ગ્લેમરાઇઝ કરતા ગીત “ખાઇકે પાન બનારસવાલા...”ની શરૂઆતમાં લખાયેલા અન્જાનના શબ્દો “ભંગ કા રંગ જમા હો ચકાચક, ફિર લ્યો પાન ચબાય...” હોય કે પછી ‘પ્રેમનગર’માં રાજેશ ખન્નાના મુખે ગવાતા શબ્દો, “યે લાલ રંગ કબ મુઝે છોડેગા?....” હોય કવિઓએ ‘રંગ’ની કેટકેટલી છટાઓ બતાવી છે? એવી એક સરસ ડિઝાઇન આનંદ બક્ષીએ ‘કટી પતંગ’ના ગીત “આજ ન છોડેંગે અબ હમજોલી, ખેલેંગે હમ હોલી...”માં શબ્દોથી દોરી હતી. બક્ષીબાબુ લખે છે, “અપની અપની કિસ્મત હૈ કોઇ હંસે કોઇ રોએ, રંગ સે કોઇ અંગ ભીગોએ, રે કોઇ અસુવન સે નૈન ભીગોએ..!” વિધવા નાયિકા (આશા પારેખ)ને એ પંક્તિઓ કેવી ફિટ થાય અને કવિતા પણ કેવી ઉમદા થઈ. 

 

કે પછી  ‘દુલ્હન એક રાત કી’ના એક ગીત “મૈને રંગ લી આજ ચુનરિયા સજના તેરે રંગ મેં...”માં એક જ પંક્તિમાં શાયર  રાજા મેહંદી અલી ખાન ‘રંગ’ શબ્દને ક્રિયાપદ અને નામ બન્ને સ્વરૂપમાં વાપરી બતાવે. તો શૈલેન્દ્ર વળી ‘એક ગાંવ કી કહાની’માં લખશે “રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે, રંગ ભરે સો જાલ બિછાયે,...”  અને એ જ રંગને ‘આનંદ’ જેવા સદા આશાવાદી નાયક માટે મેઘધનુષી કલ્પીને ગુલઝારની કલમમાંથી ટપકે મુકેશનું ગીત “મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...”. 

તો સામી બાજુ શહીદે આઝમ ભગતસિંગની ઓળખ જેવા બની ચૂકેલા ગીત “મેરા રંગ દે બસંતી ચોલા...”નો પણ દાખલો છે જ. અહીં એ જ પંક્તિ ત્રણ અલગ અલગ મ્યુઝિક ડીરેક્ટરોના હાથે કેવી માવજત પામે છે તે જોવા મળે છે.  એ. આર. રેહમાન ‘ધી લીજેન્ડ ઓફ ભગતસિંગ’માં સોનુ નિગમ તથા મહંમદ વારીસ પાસે અને આનંદ રાજ આનંદ ‘૨૩ માર્ચ, ૧૯૩૧...”માં ઉદિત નારાયણ, હંસરાજ હંસ પાસે એ પંક્તિ ગવડાવે છે. એ બધી આવૃત્તિઓના મૂળમાં હતી ‘શહીદ’ માટે પ્રેમધવને સર્જેલી ધૂનમાં રફી સાહેબે ગાયેલું દેશભક્તિનું અમર ગીત.
 
રાષ્ટ્રભક્તિના રંગને મનોજ કુમારની જ ‘પૂરબ ઔર પશ્ચિમ’ના એક ગીતમાં ભારત દેશને દુલ્હન કહીને ઇન્દીવરે રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ પૂરી બતાવ્યા.... “દુલ્હન ચલી, હો પહન ચલી, તીન રંગ કી ચોલી...”  તો નવપરિણીતાને સાહિર ‘મુઝે જીને દો’ના આશા ભોંસલેએ ગાયેલા ગીતમાં શણગારની સલાહ આપતાં કહે છે, “માંગમેં ભર લે રંગ સખી રી...” અને એ જ શાયર ‘કભી કભી’માં નાયિકાનાં વખાણ કરવા રંગને ઉપયોગમાં લઇને કહેશે, “તેરા ફૂલોં જૈસા રંગ...”   

નારી સૌન્દર્યને ઇન્દીવર શુધ્ધ હિન્દીમાં આમ વર્ણવે,“મોતી જૈસા રંગ, અંગમેં રસ કા સાગર લેહરાયે....” (આંસુ ઔર મુસ્કાન) એ જ રીતે પોતાના ગૌર વર્ણની અદલા-બદલી કરી લેવા માગતી ‘બંદિની’ની નાયિકાના મુખે ગુલઝારની પ્રથમ ફિલ્મી કવિતા “મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે....”  માં પણ ‘રંગ’ જ કેન્દ્રમાં હતોને? જ્યારે લક્ષ્મીકાન્ત પ્યારેલાલની પહેલી ફિલ્મ ‘પારસમણી’નું  સૌથી જાણીતું બનેલું ગીત “હંસતા હુઆ નુરાની ચેહરા, કાલી ઝુલ્ફેં રંગ સુનેહરા...” પણ રંગથી જ સજેલું હતું.

તો વળી ‘તક્ષક’ માં હીરોઇન કહેશે “મુઝે રંગ દે.... હાં રંગ દે... અપની પ્રીત વિચ  રંગ દે..”  એ જ પ્રમાણે ‘પ્રેમ પૂજારી’માં નીરજની કવિતા ગાતી નાયિકા (વહીદા રહેમાન) તો છેલછબીલા હીરો (દેવ આનંદ)ને ‘‘રંગીલા રે...” એમ સંબોધીને ગાઇ ઉઠશે “તેરે રંગમેં યું રંગા હૈ મેરા મન...”  દેવ - વહીદાની એ જ જોડી માટે ‘ગાઇડ’માં શૈલેન્દ્ર કેવો રંગ ભરે છે? “તેરે મેરે સપને અબ એક રંગ હૈ...”!  પણ રંગ-કવિતા જીવન સાથે જોડાય ત્યારે મળતી તત્વદર્શી રચનાઓ? “યે જીવન હૈ, ઇસ જીવન કા યહી હૈ રંગ રૂપ...” (પિયા કા ઘર), “દો રંગ જીવન કે ઔર દો રાસ્તે...” (દો રાસ્તે), “યે દુનિયા પતંગ, નીત બદલે યે રંગ, કોઇ જાને ના ઉડાનેવાલા કૌન હૈ...” (ફિલ્મ-‘પતંગ’)

આમ, ફિલ્મ સંગીતમાં તો ‘રંગ’ના એટલા બધા રંગ છે  કે તેને જે રીતે છાંટવા હોય એ રીતે છાંટી શકાય પરંતુ, હોળી-ગીતોની વાત જ નિરાળી હોય છે. એટલે આજે ચારે તરફ વાગતાં “રંગ બરસે ભીગે ચુનરવારી રંગ બરસે...” (સિલસિલા)  અને “હોરી ખેલે રઘુબીરા...” (બાગબાન) જેવાં ભારતીય ઢબે અમિતાભ બચ્ચનના કંઠે ગવાતાં ગીત, અમિતાભની ‘વક્ત...’માં “ડુ મી એ ફેવર, લેટ્સ પ્લે હોલી...” એમ વેસ્ટર્ન સ્ટાઇલમાં ગાતાં અક્ષય-પ્રિયંકા અને રણબીર-દીપિકાનું નશો ચઢાવી દે એવું ‘યે જવાની હૈ દીવાની’નું મસ્તીભર્યું  “બલમ પિચકારી, જો તુને મુઝે મારી...” સાંભળતાં સાંભળતાં સૌને ‘હોલી મુબારક’!