Sunday, May 11, 2014

ફિલમની ચિલમ...... ૧૧ મે, ૨૦૧૪




સંજયદત્તની ‘જીવનકથા’નો હીરો રણબીર કપૂર બનશે ખરો? 


શું સલમાનના કોર્ટ કેસને કારણે ‘રાજશ્રી પ્રોડક્શન’ની સૂરજ બરજાત્યા નિર્દેશિત ફિલ્મ તાત્કાલિક શરૂ નહીં થાય? આ શંકા વ્યક્ત થઈ રહ્યાનું કારણ એ છે કે છેલ્લે ગઇ તે મુદત વખતે એક સાક્ષીએ સલમાનની ઓળખ કોર્ટમાં કરી છે. એટલું જ નહીં એક જુબાનીમાં ડ્રાયવર સાઇડથી સલમાનને ઉતરતાં જોયા હોવાની ચશ્મદીદ ગવાહી પણ થતાં કેસ વિશેના તર્ક-વિતર્કમાં સારી-ખોટી તમામ સંભાવનાઓ વિચારાઇ રહી છે. વળી, જે પ્રકારની કલમો લગાડાઇ છે તેમાં દસ વર્ષ સુધીની સજા થઈ શકે એમ છે. તેથી માત્ર ‘રાજશ્રી’ની જ નહીં, સલમાનને લઈને પ્લાન થયેલી સાજીદ નડિઆદવાલાની એક અન્ય ફિલ્મ શરૂ થવા પર પણ અસર પડી શકે, એ શક્યતા ઘણા જુએ છે.

જો કે સલમાનના આ કેસનો ચુકાદો કાંઇ રાતોરાત નથી આવી જવાનો અને દરેક ચુકાદા ઉપર ઠેઠ સુપ્રિમ કોર્ટ સુધીના અપીલના રસ્તાઓ હોય જ છે. વળી, હજી ‘રાજશ્રી’ની એ ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ની હીરોઇન સોનાક્ષી સિન્હા પસંદ થશે કે અનુષ્કા શર્મા એ વિશેના વર્તારા પણ થઈ જ રહ્યા છે. છતાંય જેમાં કરોડોનું રોકાણ કરવાનું હોય એવી ફિલ્મો પર પૈસા લગાવનારા હીરો કે હીરોઇનની સગાઇ થાય તો પણ ‘હવેના શિડ્યુઅલમાં મોડું તો નહીં થાયને?’ એમ શેર બજારના ખેલાડીઓની માફક ચિંતા કરતા થઈ જતા હોય છે. તો આ તો અદાલતી મામલો છે અને એવો જ સંજય દત્તનો કિસ્સો હજી તાજો છે. સંજુબાબાની લાઇફનો એ સૌથી અગત્યનો વળાંક હતો, જ્યારે તે ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના આરોપી થયા અને અંતે ગુનેગાર પણ સાબિત થયા. એવા સંખ્યાબંધ પ્રસંગો ધરાવતી તેમની જીવનકથા ઉપરથી એક પિક્ચર બનાવવાનું પ્લાનિંગ તેમની પત્ની માન્યતાએ કર્યું છે અને તેનું દિગ્દર્શન ‘મુન્નાભાઇ’ સિરીઝની બે ફિલ્મો કરનાર રાજુ હીરાણીને સોંપાય એવી શક્યતા વધારે છે.

 
રાજુ હીરાણી સંજુબાબાનું એ બાયોપિક ‘સંજયદત્ત પ્રોડક્શન’ હેઠળ બનાવે એવી દરખાસ્ત છે. રાજુ હીરાણી અત્યારે જો કે આમિરખાનને લઈને બનતી ફિલ્મ ‘પીકે’ના સર્જનમાં લાગેલા છે અને આમિરની ફિલ્મોમાં બને છે એમ, રાબેતા મુજબ જ, વાર્તા કે બીજું કંઇ જાહેર ન થઈ જાય તે માટે ઘણી સાવચેતી લેવાઇ રહી છે. છતાં આમિરના બે અલગ અલગ ગેટ-અપ જોનાર કેટલાક યુનિટ મેમ્બર્સ, (‘વાત બહાર જાય નહીં’ એવી ચેતવણી સાથે!) એમ કહી રહ્યા છે કે ‘પીકે’માં આમિર ડબલ રોલમાં હોઇ શકે છે. રાજુ હીરાણીના નિર્દેશનમાં બનનારી સંજય દત્તની જીવનકથામાં રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવાનું પ્લાનિંગ છે. રણબીરના દાદા રાજકપૂર અને સંજુબાબાનાં મમ્મી નરગીસના જગ જાહેર સંબંધો જોતાં સંજયદત્તના રોલ માટે રણબીર તૈયાર થશે કે કેમ એ મોટો સવાલ છે.

રણબીરને લઈને બનનારા કિશોરકુમારના બાયોપિકને અનુરાગ બાસુએ પડતું મૂકવાનો વારો આવ્યો છે. કિશોરકુમારની જિંદગીમાં જે રસપ્રદ બનાવો અને વળાંકો છે તેમાં ઇન્ટરેસ્ટિંગ સ્ક્રિપ્ટના ચાન્સ ખુબ હતા. પરંતુ, પરિવારજનો એવી પટકથાને મંજૂર કરવા નહતા માગતા. એટલું જ નહીં, તે માટે જરૂરી એવાં ગાયનોના કોપી રાઇટ માટે રેકોર્ડ કંપનીએ ‘છપ્પર ફાડ’ પૈસા માગ્યા હતા. પરિણામ? એ પ્રોજેક્ટ રહ્યો બાજુ પર અને રણબીરને લઈને બાસુએ ‘જગ્ગા જાસુસ’ બનાવવા માંડી! ત્યારે રણબીરને  સંજયદત્ત બનાવવા માગતા બાયોપિકમાં માતા નરગીસને કેવું સ્થાન અપાશે અને તેમાં માતૃવંદનાનું એકાદ નવું ગીત હશે કે કેમ? એ આજે ૧૧મી મેના ‘મધર્સ ડે’ નિમિત્તે પૂછવાનું મન થાય છે. કેમ કે હવે ફિલ્મોમાં માતાનો મહિમા ગાવાનું લગભગ અદ્રશ્ય થઈ ગયું છે.

એટલે માતૃપ્રેમના માહત્મ્યના આ આંતરરાષ્ટ્રીય દિવસે ફિલ્મપ્રેમીઓ જેને સૌથી મોટી ‘મા’ કહે છે તે ‘સિને-મા’ના અમૂલ્ય ખજાનામાં પડેલાં માતૃપ્રેમને કમસે કમ યાદ તો કરતા ચાલીએ? અત્યારે ‘માં’, ‘બેટા’, ‘મધર ઇન્ડિયા’ કે ‘મધર’ જેવાં નામવાળી ફિલ્મો તો બંધ જ થઈ ગઈ છે. (સાથે સાથે આજના લેખકોને એ વાત માટે દાદ પણ આપીએ કે હવે દર ત્રીજી ફિલ્મમાં હીરો “માં મૈં યુનિવર્સિટિમેં ફર્સ્ટ આયા હું...” એમ પણ નથી કહેતો!) જો કે આજે પણ માતાનું પાત્ર ‘તારે જમીન પર’ જેવી એકાદ ફિલ્મમાં વધુ સુરેખ ઉપસ્યું હોય ત્યારે પ્રસુન જોશી જેવા કવિ લખે જ છેને?  “તુઝે સબ હૈ પતા, હૈ ન માં?” એ જ રીતે ‘વંદે માતરમ’નું એ. આર. રેહમાનના અવાજમાં થયેલું હિન્દી રૂપાંતર “ઓ માં તુઝે સલામ” દેશદાઝનો  અદભૂત ભાવ સર્જે છે. તો ‘દાદીમા’નું ગીત “અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી?” હોય કે ‘છોટાભાઇ’નું “માં મુઝે અપને આંચલ મેં છુપા લે, ગલે સે લગા લે કિ ઔર મેરા કોઇ નહીં...” માતૃભક્તિનાં ગાયનોનો એક આગવો મહિમા હતો.

તમે ‘રાજા ઔર રંક’નું આ ગાયન યાદ કરો “તુ કિતની અચ્છી હૈ, તુ કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ, ઓ માં ઓ માં....” અને તેમાંના આ શબ્દો નાનપણમાં પોતાની માતાને ગુમાવી ચૂકેલા કોઇ અભાગિયા જીવને ગાવા કહો અને આંખ છલકાયા વિના ગાઇ શકે કે? “માં બચ્ચોં કી જાં હોતી હૈ, વો હોતે હૈં કિસ્મત વાલે જિનકી માં હોતી હૈ...”! એવાં માતૃપ્રેમનાં કેટલાંય ગીતો તો છે જ. પરંતુ, મઝા એ છે કે ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ કે પછી ‘ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર’ જેવી આપણી કહેવતો સહિતનાં માતૃપ્રેમનાં તમામ સુવાક્યોને ‘દીવાર’ના એક જ ડાયલોગમાં સલીમ-જાવેદે સમેટી આપ્યાં હતાં. તેમણે અમિતાભના બંગલા, ગાડી, બેંક બેલેન્સ એ બધાના સામા ત્રાજવામાં શશિકપૂરના મુખેથી આ ચાર જ શબ્દો બોલાવીને તમામ ભૌતિક સુખો સામે માની ઉપસ્થિતિ માત્રને વધુ વજનદાર બનાવી બતાવી હતી.... “મેરે પાસ માં હૈ”! (હેપી મધર્સ ડે!)


તિખારો!

આજકાલ ટ્વીટર પર નીલ નીતિન મુકેશ કરતાં વધુ જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફના નામની મજાક થાય છે. એકે ટ્વીટ કર્યું છે કે ટાઇગરની પ્રથમ ફિલ્મ ‘હીરોપન્તી’ની શરૂઆતમાં આવતું ડીસ્ક્લેઇમરમાં આમ લખાશે.... “આ ફિલ્મના સર્જન દરમિયાન, ‘ટાઇગર શ્રોફ’ સહિતના, કોઇ પ્રાણીને હાનિ પહોંચાડાઇ નથી.”!     


Sunday, May 4, 2014

ફિલમની ચિલમ..... મે ૪, ૨૦૧૪



બૉક્સ ઑફિસે એક જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી... હૅટ્રીક!


બૉક્સ ઑફિસે હૅટ્રીક લીધી! (‘આઇપીએલ’ની આ ભરપુર સિઝનમાં બીજી કઈ રીતે કહી શકાય?) કેમ કે આ અઠવાડિયે રિલીઝ થયેલી ત્રણે ત્રણ ફિલ્મો ‘રિવોલ્વર રાની’, ‘કાન્ચી’ અને ‘સમ્રાટ એન્ડ કંપની’ની વિકેટ, વકરાની રીતે, લગભગ પડી ગઈ છે. યાદ રહે, આ ત્રણે કોઇને કોઇ રીતે મહત્વનાં પિક્ચર હતાં. ‘રિવોલ્વર રાની’ એ ‘ક્વીન’થી ટિકિટબારીની ક્વીન કહેવાયેલી કંગનાની તેના પ્રશંસકોને અપાયેલી નવી ભેટ હતી. એ જ રીતે ‘કાન્ચી’ એ સુપરહીટ ફિલ્મોના સર્જક સુભાષ ઘઈની તાજી કૃતિ હતી. જ્યારે ‘સમ્રાટ એન્ડ કંપની’ રાજશ્રી પ્રોડક્શન જેવા માતબર બૅનરનું સર્જન હતું.

તેમ છતાં ‘સમ્રાટ...’ પહેલા ત્રણ દિવસમાં માત્ર પૂરા એક કરોડનો પણ બિઝનેસ ન લાવી શકતાં ઉંધે કાંધ પછડાયા છે. તો રિવોલ્વર રાણી પણ મહેલમાં ક્યાં છે? તેમને પણ માત્ર ચાર કરોડના સાલિયાણાથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે ‘કાન્ચી’નો ત્રણ દિવસમાં આવેલો ફક્ત બે કરોડનો વકરો એ સુભાષ ઘઇની હીટ પિક્ચરો સર્જવાની નજર કાચી પડયાની નિશાની કહી શકાય. શું ‘મુક્તા આર્ટ્સ’ અને ‘રાજશ્રી’ જેવાં બૅનર નવા સમયને અનુરૂપ સ્ટાઇલ અપનાવવામાં નિષ્ફળ જઈ રહ્યાં છે? આ સૌ એમ કહીને પણ આશ્વાસન લઈ શકે એમ નથી કે ચૂંટણીના મધ્યાન્હે ફિલ્મ રિલીઝ કરવાની ભૂલનું આ પરિણામ છે. જો એમ જ હોય તો આગલા અઠવાડિયે જ આવેલી ‘ટુ સ્ટેટ્સ’ આ ‘વીક’ (નબળા) કહેવાતા વીકએન્ડમાં ૧૫ કરોડ લાવીને પોતાનો સ્કોર ૭૫ કરોડની આસપાસ કેવી રીતે પહોંચાડી શકી હોય?



‘ટુ સ્ટેટ્સ’માં ‘એક દુજે કે લિયે’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની થીમનું મિશ્રણ કરીને એક નવી ફોર્મ્યુલા બનાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે. તેમાં દક્ષિણ ભારતની  છોકરી (આલિયા ભટ્ટ) અને ઉત્તરનો છોકરો અર્જુન કપૂર પ્રેમી છે. તેથી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ની દીપિકાની માફક આલિયાને પણ સાઉથ સ્ટાઇલનું “અઈયઈયો’ હિન્દી બોલવાની તક મળી છે. પરંતુ, એ બન્નેની સમકાલિન સોનાક્ષી સિન્હાને તો એક્ચુઅલ તમિલ બોલવાનો ચાન્સ મળી રહ્યો છે. તેને રજનીકાંતની તાજી ફિલ્મ ‘કોચાદૈયન’ના લેખક કે.એસ. રવિશંકરના દિગ્દર્શનની તમિલ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. (આમ પણ ‘સોના’ની -શારીરિક- સંપત્તિને લીધે તેની કેટલીક હરીફ એક્ટ્રેસો એવી કૉમેન્ટ કરતી જ હતી કે તે દક્ષિણની હીરોઇન જેવી વધારે લાગે છે!)

સોનાક્ષી સિન્હાએ પોતાના પિતા શત્રુઘનસિન્હાને ટેમ્પામાં એવોર્ડ આપ્યો. (આ ‘ટેમ્પામાં’ એટલે ટ્રક અને મૅટાડોરવાળા ટેમ્પામાં નહીં પણ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના શહેર ટેમ્પામાં!) આ વખતે ‘આઇફા એવોર્ડ’નું આયોજન ટેમ્પામાં હતું અને ત્યાં શૉટગનને ‘લાઇફ ટાઇમ એચીવમૅન્ટ એવોર્ડ’ સોનાક્ષી અને અનિલ કપૂરના હસ્તે અપાયો. એ જ ‘આઇફા’માં દિયા મિર્ઝાએ પોતાના બૉયફ્રેન્ડ સાહિલ સંઘા સાથે સગાઇ કરી લીધી. સાહિલ બિઝનેસમાં તો દિયાનો પાર્ટનર છે જ. હવે એ લાઇફ પાર્ટનર પણ બનશે. બન્નેની કંપની ‘બૉર્ન ફ્રી એન્ટરટેઇનમેન્ટ’ અત્યારે વિદ્યા બાલનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘બૉબી જાસૂસ’ પણ બનાવી રહી છે. ‘આઇફા’ના એ જ સમારંભમાં દીપિકાને પણ ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો અને ‘એન્ટરટેઇનર ઓફ ધી યર’નો એમ બબ્બે પુરસ્કાર મળ્યા.


દીપિકા માટે જો કે એ કરતાં પણ મોટો એવોર્ડ હતો હોલીવુડના જહોન ટ્રાવોલ્ટા જેવા ઇન્ટરનેશનલ સ્ટાર દ્વારા થયેલી પ્રશંસા! જહોને એ ફંક્શનમાં કહ્યું કે “આઇ લવ ધી હીરોઇન ઓફ રામલીલા”. જે પિક્ચરના પહેલા ગાયનમાં દીપિકાને જોઇને જહોનના મુખેથી ‘વાઉ’ નીકળી ગયું હતું એ ‘રામલીલા’ના દિગ્દર્શક સંજય લીલા ભણશાળીને જ ‘આઇફા’નું આમંત્રણ નહતું અપાયું! એવોર્ડ ફંકશન હોય અને આવી કોઇ વિવાદાસ્પદ વાત ના બહાર આવે તો જ નવાઇ. જે ટેમ્પામાં દિયા મિર્ઝાએ સગાઇ કરી અને ટ્વીટર પર ‘એંગેજ્ડ’ની જાહેરાત કરી ત્યાં જ કરિનાએ શાહીદ કપૂરને ‘હાય’ કરીને તથા ‘આઇફા’ના એવોર્ડ સમારંભનું સરસ સંચાલન કરતા શાહીદ કપૂરનાં વખાણ કરીને સૌથી મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. તે પણ તેના પતિ સૈફની સાથે સ્ટેજ પર ઉપસ્થિત થતી વખતે જાહેરમાં! પણ આટલા સહ્રદયી વાતાવરણમાં ભાગ લઈને મુંબઈ પાછા ફરેલા રિતિક રોશનને પોતાના લગ્નજીવનનો સત્તાવાર અંત લાવવાનું પગલું ભરવાનું થયું.                

રિતિક અને સુઝેનના ‘ગોલ્ડન કપલે’ ૩૦મી માર્ચે ડિવોર્સ પેપર ફાઇલ કરી દીધાં  એ તો હવે જગજાહેર છે. પરંતુ, માંહોમાહેની સમજૂતીથી થનારા આ છૂટાછેડાની ખાધાખોરાકીની રકમનો કોઇ ફોડ પડ્યો નથી. જો કે સમય જતાં એ પણ બહાર આવશે. બાકી એક તબક્કે ૧૦૦ કરોડનો આંકડો ફિલ્મી માર્કેટમાં ફરતો હતો. (અત્યારના સેંકડો કરોડના બિઝનેસના દિવસોમાં આ અજુગતું પણ નહીં હોય!) પણ રિતિક આ સંબંધમાંથી મુક્ત થયા પછી હંમેશાં એકલો રહેશે કે પછી એ સ્કાયલૅબ કોઇક રિલેશનશીપમાં પડશે? ઑલરેડી ‘આઇફા’ના અહેવાલોમાં પ્રિયંકા ચોપ્રા અને રિતિકને એક બીજા સાથે ખપ પૂરતા વાત કરતા જોઇને અનુભવીઓને રેખાનો ગોલ્ડન રૂલ યાદ આવ્યો છે. 

રેખા મૅડમનો ફેમસ ફંડા છે કે જ્યારે બે આકર્ષક પાત્રો જાહેરમાં એકબીજાને ટાળતાં કે જરૂર પૂરતી વાતચીત કરતાં દેખાય તો બન્ને વચ્ચે કશુંક રંધાઇ રહ્યાના ચાન્સ વધારે સમજવા. રેખા એવોર્ડ સમારંભમાં જેમની સાથે ખપ પૂરતા નિર્દોષ નમસ્કાર કરે તો પણ જે બ્રેકીંગ ન્યૂઝ કહેવાય છે એ અમિતાભ બચ્ચન અને તેમનાં પત્ની જયાજી ખાનગી વાત જાહેરમાં કેવી રીતે કરે છે, જાણો છો? એ બન્ને બંગાળીમાં શરૂ થઈ જાય છે! એવી કોઇ ભારતીય ભાષાને કોડ લેંગ્વેજ તરીકે જો સૈફ અને કરિનાને વાપરવાની હોય તો હવે ગુજરાતીના ચાન્સીસ વધારે છે. કારણ કે તેની આવનારી ફિલ્મ ‘હમશકલ્સ’માં સૈફ ઘણા ડાયલોગ ગુજરાતીમાં બોલવાનો છે. ‘હમશકલ્સ’ એ સાજીદખાનની કોમેડી હોઇ પાત્રોની મજાક કરવા આપણી ભાષા હાથવગી થશે, જેમ ગરબા અને રાસલીલા થાય છે એમ સ્તો! (ગુજરાત મોડલ આજકાલ ચર્ચામાં અમસ્તું હશે?)


તિખારો!

જીતેન્દ્રને ‘દાદા સાહેબ ફાળકે રતન’ એ નામનો એવોર્ડ એક ખાનગી ‘એકેડેમી’ તરફથી અપાશે એમ કહેવાને બદલે (પછીથી ગુલઝાર સાહેબને જાહેર કરાયો તે) સરકારી પુરસ્કાર અપાશે એવા ભળતા સમાચાર થોડા વખત પહેલાં આવ્યા હતા. તે વખતે સોશ્યલ મીડિયામાં એક કોમેન્ટ આવી થઈ હતી, “જો જીતેન્દ્રને સરકારનો સર્વોચ્ચ એવોર્ડ એવો ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર’ અપાય તો હવે તુષાર કપૂરને પદ્મભૂષણ અને જેકી ભગનાનીને પદ્મશ્રી મળે તો પણ  નવાઇ ના લાગવી જોઇએ!!”




Sunday, April 27, 2014

ફિલમની ચિલમ... ૨૭ એપ્રિલ ૨૦૧૪



રાની મુકરજીના રિસૅપ્શનમાં  
અભિષેક અને કાજોલને નિમંત્રણ હશે કે?


છેવટે રાની મુકરજીનું નામ લગ્ન નોંધણીના ચોપડે ચઢી ગયું. રાની અને આદિત્ય ચોપડા વિશે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણતી હતી. છતાં ‘આદિ’એ અંત સુધી મુકરજીનું નામ (ચોપ્રા) ના પાડ્યું તે ના જ પાડ્યું. આદિત્યએ તો ‘અમે સારા મિત્રો છીએ’ એવું, અફવાના ધુમાડાને હવા મળે એવું, એકાદ વાક્ય પણ કદી ના કહ્યું! હા, રાની બિચારી નામ પાડ્યા વગર પણ ‘આઇ એમ ઇન લવ વીથ સમવન’ એમ બાંધે ભારે કહેતી રહેતી હતી. તેથી ક્યારેક યશ ચોપ્રાની પૂણ્યતિથિની આસપાસની તારીખ ચર્ચામાં આવતી તો કદીક ‘વેલેન્ટાઇન ડે’નું શુભ મહુરત મીડિયા કાઢતું, ત્યારે રાની એમ પણ કહેતી કે “જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે ધામધૂમથી, બેન્ડ બાજા સાથે, કરીશ.”  

તેથી આ વરસની શરૂઆતમાં જ્યારે જોધપુરનો ઉમેદ પેલેસ તેમના મેરેજ માટે સજાવી રહ્યાની ખબરો આવી ત્યારે કોઇને નવાઇ નહતી લાગી. ખેર, હવે લગ્ન પત્યાં તો નવા સવાલ ઉભા થવાના. સૌથી પ્રથમ તો એ કે જો બન્ને પરિવારોની સંમતિથી આ પ્રસંગ ઉકેલાયો હોય તો શા માટે ઠેઠ ઇટાલી જઇને લગ્ન કરવાં પડ્યાં હશે? (સોશ્યલ મીડિયામાં આવેલી ઢગલાબંધ કૉમેન્ટ પૈકીની એક આવી પણ હતી કે “કોઇ ઇટાલીમાં જન્મીને ભારતમાં ‘રાણી’ બને અને કોઇ ભારતમાં જન્મીને પોતાના પ્રિયતમની રાણી બનવા ઇટાલી જાય!”)    શું ‘આદિ’ના પાયલ ખન્ના સાથેના પ્રથમ લગ્નનો અંત કરોડોના સૅટલમૅન્ટ પછી થયા છતાં કોઇ કાનૂની ગૂંચ રહી હોવાથી વિદેશ જવાની જરૂર પડી હશે? શું રાની હવે ‘મુકરજી’ કહેવાશે કે ‘ચોપ્રા’? કે પછી ‘રાની મુકરજી ચોપ્રા’ જેવો સમાસ બનશે?

આ લગ્ન ‘તત્કાલ’ કૅટેગરીમાં બુક થવાનું એક કારણ રાનીના પિતા રામ મુકરજીની કથળેલી તબિયત અને પોતાની આંખ સામે દીકરીના હાથ પીળા થવાની તેમની ઇચ્છા હતી; એવી પણ એક વાજબી થિયરી છે. જો એમ હોય તો બીમાર બાબુલને ઇન્ડિયામાં રહેવા દઇને દીકરીને મેરેજ કરવા ઇટલી શું કામ જવું પડ્યું હશે? શું હવે બેન્ડ-બાજા-બારાતની ધામધૂમ વગેરે ઇન્ડિયામાં રિસેપ્શનમાં થશે? કે પછી પબ્લિસિટિથી સદાય દૂર રહેતા આદિત્ય તેના આયોજન પર પણ વીટો વાપરશે? જો સત્કાર સમારંભ યોજાય તો તેમાં અભિષેક અને ઐશ્વર્યાને નિમંત્રણ હશે કે? રાનીની કઝિન કાજોલને આમંત્રણ અપાશે કે? બચ્ચન પરિવારે ૨૦૦૭ના એપ્રિલમાં યોજેલા ‘અભિ’ના મેરેજમાં રાનીને ક્યાં બોલાવી હતી? તે વખતે તો ‘યુવા’ અને ‘બન્ટી ઔર બબલી’ના શૂટિંગ દરમિયાન અભિષેક અને રાની વચ્ચે આવેલી અત્યંત નિકટતાને પગલે બન્નેનાં સંભવિત લગ્નની વાતો ચાલી હતી. 

 
તે વખતના ગોસીપ રેકોર્ડ કહે છે કે જયા બચ્ચને વીટો વાપરીને એ પ્રપોઝલ ઉડાડી દીધી હતી અને તેથી જ જે લગ્નમાં લગભગ અડધી ઇન્ડસ્ટ્રીને આમંત્રણ હતું તે મહાપ્રસંગમાં રાનીને જ બાકાત રખાઇ હતી! તો કાજોલના પતિ અજય દેવગને ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ વખતે યશરાજ સામે કરેલો કેસ હજી તાજો જ છે. તેથી બેઉની કંપનીઓ વચ્ચેની કડવાશના છાંટા પારિવારિક સંબંધો પર ઓલરેડી પડેલા જ છે. તેમાં કરણ જોહર જેવા કોઇ ‘કુછ કુછ’ મધ્યસ્થી કરીને આ સંભવિત ‘દાવત -એ - ઇશ્ક’ના નિમંત્રણનો કશોક રસ્તો કાઢશે? ‘દાવત -એ - ઇશ્ક’ એ યશરાજની નવી ફિલ્મ છે, જેમાં પરિણિતિ ચોપ્રા અને આદિત્ય રૉય કપૂરની જોડી છે અને નવા રિલીઝ પ્લાન મુજબ એ સપ્ટેમ્બરની પાંચમી તારીખે રજૂ કરાશે. તો રિલીઝના મોરચે એક મોટા સમાચાર સલમાનખાનની નવી ફિલ્મના પણ છે.

સલમાને આવી રહેલી ઇદ પર પોતાની ‘કીક’ લગાવવાની તૈયારી કરી છે. તેની છેલ્લે રજૂ થયેલી ‘જય હો’એ જે રીતે માંડ પોતાની ડીપોઝીટ બચાવી હતી; એ જોતાં ‘કીક’ના ઑડિયન્સને ઇદ પછી પણ થિયેટરમાં લાવી શકાય તો સેંકડો કરોડોના બિઝનેસનો ગોલ સિદ્ધ થાય. બાકી એક સાથે બે હજાર સ્ક્રિન પર રજૂ થતી ફિલ્મો માટે ૫૦ કરોડ સામાન્ય વાત છે. કેમ કે હજી હમણાં રિલીઝ થયેલી વરૂણ ધવન જેવા પ્રમાણમાં નવા હીરોની ‘મૈં તેરા હીરો’ અડધી સદી કરી રહી છે. તો બૉક્સ ઑફિસના સલમાન કે શાહરૂખ જેવા ખરેખરા ‘હીરો’ પાસે તો કેવી મોટી અપેક્ષાઓ હોય છે. શાહરૂખે પણ અત્યારે પોતાની નવી ફિલ્મ ‘હેપી ન્યૂ યર’ને ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ જેવી ફાસ્ટ દોડવા લાયક બની છે એ વાતનું સર્ટિફિકેટ આપવાની રીતે (અને બાય ધી વે માર્કેટને પણ ભરોસો બંધાય તે પ્રકારે?) ફિલ્મની નિર્દેશિકા ફરાહખાનને તાજેતરમાં મોંઘીદાટ મર્સિડીઝ કાર ભેટ આપી છે!

પરંતુ, ફિલ્મોના માર્કેટમાં મે મહિનાના બીજા સપ્તાહ સુધી સૌ આંગળીઓ ભીડાવીને બેઠા છે. કેમ કે અત્યારે ઇલેક્શનનો હજારો કરોડનો રિયાલિટી શો ચાલી રહ્યો છે. સિલ્વર સ્ક્રિનના ઘણાય નાયક અને નાયિકાઓ દેશના નાયક બનવા ગલીએ ગલીએ ઘૂમી રહ્યા છે. ‘ડ્રીમગર્લ’ હોય કે ‘તુલસી’ સૌ ૪૦ ડીગ્રી પ્લસમાં રસ્તા પર ધૂળ ખાતાં રઝળપાટ કરી રહ્યાં છે. મુંબઈની ચૂંટણીમાં સ્ટાર્સની સામેલગીરી અગાઉના પ્રમાણમાં ઘણી ઓછી કહેવાય. એક સમયે આચાર્ય કૃપાલાણી અને ક્રિશ્ન મેનનનો જંગ થયો, ત્યારે દિલીપકુમાર અને રાજકપૂરથી લઈને સૌ સ્ટાર્સે મેનન માટે વોટ માગવા સડકો પર સરઘસ કાઢ્યાં હતાં અને તેમને જીતાડ્યા હતા. ૧૯૭૭ની ચૂંટણી વખતે પણ દેવ આનંદ અને પ્રાણ જેવા સ્ટાર્સે જનતા પાર્ટીને ખુલ્લે આમ ટેકો આપીને શ્રીમતી ગાંધીને (એટલે કે ઇન્દીરા ગાંધીને!) ઐતિહાસિક હાર અપાવી હતી. આ વખતે શું લાગે છે? ૧૬મી મેના રોજ આવનારું પરિણામ ઐતિહાસિક હશે કે ભૌગોલિક?

   
તિખારો!

એક જ ગાયનની શરૂઆતમાં આવતી આ પંક્તિઓ જીવનના વિવિધ તબક્કાઓને વર્ણવવા આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ લોકપ્રિય થઇ છે... ૧થી ૧૫ વરસ:  ''નૈનો મેં સપના...'', ૧૫ થી ૨૫ વરસ: ''સપનો મેં સજના...'', ૨૫થી ૩૫ વરસ: ''સજના પે દિલ આ ગયા..'' અને ૩૫ થી ૭૫ વરસ: ''ક્યું સજના પે દિલ આ ગયા?!''