Saturday, September 9, 2017

ગુલે ગુલઝાર - આનંદ

ગુલે ગુલઝાર


  
“મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...”

 
 ‘આનંદ’ની પડદા પાછળની કહાની તો જગજાહેર છે. ફિલ્મના સર્જક ઋષિકેશ મુકરજીના મિત્ર અને તેમની ફિલ્મો ‘અનાડી’ તથા ‘આશિક’ના હીરો રાજ કપૂર એક વાર બીમાર થઈ ગયા ત્યારે તેમને બીક લાગી કે તેમને કાયમ પ્રેમથી ‘બાબુ મોશાય’ કહીને બોલાવતા તેમના દોસ્ત ‘રાજ’ મરી તો નહીં જાયને? પછી તો રાજસા’બ સાજા-નરવા થઈ ગયા. પરંતુ, એ સમયની ગમગીનીએ ઋષિદાના મનમાં એક વાર્તા-બીજ રોપી દીધું. એટલે ફિલ્મ શરૂ થતાં તે ‘મુંબઈ શહેરને’ ઉપરાંત ‘રાજકપૂરને’ પણ ‘અર્પણ’ કરાયાની નોંધ આવે જ છે. તેના પરથી ડેવલપ થયેલી એ વાર્તાના સ્ક્રિનપ્લેની ક્રેડિટ ખુદ ઋષિકેશ મુકરજી ઉપરાંત બિમલ દત્તા, ડી. એન. મુકરજી સાથે સાથે ગુલઝારને પણ અપાઇ છે. પરંતુ, ‘આનંદ’માં ગુલઝારનું સૌથી મોટું યોગદાન સંવાદો અને બે ગીતો ઉપરાંત મૃત્યુને હિન્દી સિનેમામાં એક નવતર દ્દષ્ટિએ બતાવતી રચના “મૌત તુ એક કવિતા હૈ, મુઝ સે વાદા હૈ એક કવિતા કા, મિલેગી મુઝકો...”નું છે. કોઇ આશ્ચર્ય નહોતું કે ‘ફિલ્મફેર એવોર્ડ’ની સૌ પ્રથમ ટ્રોફી તેમને ‘આનંદ’ના સંવાદો માટે મળી હતી! (મૃત્યુના દ્વારે ઉભેલો ‘આનંદ’ જ્યારે પોતાની માનેલી બહેન પાસે રાખડી બંધાવ્યા પછી મનમાં એમ કહે છે કે “તુઝે ક્યા આશીર્વાદ દું, બહેન? યે ભી તો નહીં કહ સકતા...  મેરી ઉમર તુમ્હેં લગ જાય?” ત્યારે સિનેમાહોલમાં કોઇ આંખ કોરી રહી શકી હશે ખરી?)
હકીકતમાં તો, ‘આનંદ’ના ડાયલોગમાં ગુલઝાર સાહેબે જીવ રેડી દીધો હતો અને તેમનું એ ગંભીર ઇન્વોલ્વમેન્ટ વિના કારણ પણ નહોતું. તેમને તો એ પિક્ચરનું દિગ્દર્શન કરવા મળવાનું પચાસ ટકા પ્રોમિસ મળેલું હતું અને તે પણ ખુદ ઋષિકેશ મુકરજીએ લંડનમાં આપ્યું હતું! ગુલઝારે લેખિકા નસરીન મુન્ની કબીરને આપેલી એક મુલાકાતમાં એ રહસ્યોદ્ઘાટન કરેલું છે. તેમના કહેવા પ્રમાણે, પોતે ઋષિકેશ મુકરજી સાથે લંડન ગયા હતા ક્રાંતિકારી ઉધમસિંગના જીવન પરથી એક ફિલ્મના શૂટિંગ માટે. તે ફિલ્મ વર્ષો પછી ૧૯૮૭માં ‘જલિયાંવાલા બાગ’ તરીકે રિલીઝ થઈ હતી. જાણવા જેવી વાત એ છે કે તે ફિલ્મમાં ગુલઝારે એક મહારાષ્ટ્રિયન પત્રકારની ભૂમિકા પણ કરી હતી. કેમ કે નાના નાના રોલ માટે લંડનમાં કલાકારો શોધવા સમય અને પૈસા બેઉ રીતે પરવડે એમ ન હોઇ ઋષિદાએ દરેક આસિસ્ટન્ટને કોઇને કોઇ ભૂમિકામાં મેક અપ લગાવડાવીને કેમેરા સામે ઉભા કરી દીધા હતા! ત્યાં ઋષિકેશ મુકરજીએ ‘આનંદ’ અને ગુલઝારની એક વાર્તા ‘ગુડ્ડો’ (જેનું ટાઇટલ પછી ‘ગુડ્ડી’ થયું)  બન્નેના સ્ક્રિનપ્લે તૈયાર કરવાનું કામ સોંપ્યું. એટલું જ નહીં, બે પૈકીની એક ફિલ્મ પોતે ડાયરેક્ટ કરશે અને બીજીનું નિર્દેશન ગુલઝાર કરશે એવું વચન આપ્યું હતું. પરંતુ, મુંબઈ પહોંચ્યા પછી ‘આનંદ’ અને ‘ગુડ્ડી’ બન્નેનું દિગ્દર્શન મુકરજીદાદાએ જ કર્યું! 

 ‘આનંદ’નું ગુલઝારે લખેલું આ ગીત “મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને, સપને સુરીલે સપને...” મુકેશે ગાયું છે તે પણ એક રસપ્રદ કારણસર. તે દિવસો હતા રાજેશ ખન્નાની ધોમ ધખતી લોકપ્રિયતાના અને તેથી તેમના ગાયક તરીકે કિશોર કુમાર લગભગ અનિવાર્ય જેવા થઈ ગયા હતા. ‘આરાધના’, ‘સચ્ચા જુઠા’, ‘સફર’ અને ‘આન મિલો સજના’ જેવાં સુપરહીટ આલ્બમનો એ સમય હતો, જેમાં રફી સાહેબનાં પણ ગીતો હોવા છતાં એ સ્પષ્ટ હતું કે ‘કાકા’નો અવાજ (કિશોર) ‘દાદા’ થઈ ચૂક્યા હતા. પરંતુ, ‘આનંદ’માં રાજેશ ખન્નાનું કોઇ ગાયન કિશોરદાને ના મળ્યું હોય તો તેના કારણમાં એ જ પિક્ચર હતું! શરૂઆતમાં ‘આનંદ’ની ભૂમિકા માટે કિશોર કુમાર અને બાબુ મોશાય તરીકે મેહમૂદને લઈને કોમેડી ફિલ્મ બનાવવાનું આયોજન હતું. તેમાં કિશોર કુમારના બંગલે બીજા બંગાળી નિર્માતાના ભ્રમમાં ઋષિકેશ મુકરજીને એન્ટ્રી ના અપાઇ. તેનાથી નારાજ સર્જકે કિશોર કુમારને પ્લેબેક સિંગર તરીકે લેવાનો તો સવાલ જ નહોતો. હીરો તરીકે રાજેશ ખન્ના સિલેક્ટ થયા એ પણ શશિ કપૂરના ઇનકાર પછી જ. 

પણ દાદ દેવી પડે ખન્ના સાહેબની સ્ક્રિપ્ટની સેન્સની કે ‘આનંદ’ માટે સળંગ તારીખો તો આપી જ, પોતાની ફી પણ તદ્દન ઓછી કરી આપી! હોંશિયાર ખન્નાએ ઋષિકેશ મુકરજીની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને કોઇ ખચકાટ વિના  કિશોર કુમારને બદલે મન્નાડે (જિંદગી કૈસી હૈ પહેલી હાયે...) અને મુકેશના અવાજમાં સલિલ ચૌધરીની સિમ્ફની પર ગીત ગાયાં. (સલિલદાએ ‘આનંદ’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સેક્સોફોન પર વગાડાવેલી એક ધૂન ગુલઝારને એટલી પસંદ પડી ગઈ હતી કે તે પોતે બોટી લીધી અને તેના આધારે તેમણે પોતાના ડાયરેક્શનની પ્રથમ ફિલ્મ ‘મેરે અપને’ માટે  એક ઓર અમર ગીતની રચના કરી.... “કોઇ હોતા જિસ કો અપના હમ અપના કહ લેતે યારો...”)  
  
‘આનંદ’ના મુકેશજીએ ગાયેલા આ ગીત “મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...”માં ગુલઝાર શબ્દોથી બહુ બારીક રીતે સ્થાપિત કરે છે કે નાયકનો ભગ્નપ્રેમનો પણ એક ભૂતકાળ છે. ગાવાનું શરૂ કરતાં પહેલાં એ હળવો મૂડ બનાવવા કહે છે, “ખાને ઔર ગાને મેં,  મૈં કોઇ નખરા નહીં કરતા!” તેથી ગાતી વખતે ‘આનંદ’, દેખીતી રીતે જ, પોતાની મસ્તીભરી શૈલી બરકરાર રાખે છે. પરંતુ, સાથે સાથે ગીતના પ્રારંભમાં જ કવિ અલંકારિક ભાષામાં એક ડિસ્ક્લેમર પણ મૂકી દે છે. તેમાં મેઘધનુષના સાત રંગ અને સંગીતના સાત સ્વરોનો સંદર્ભ આપીને કહી દે છે કે તેનાં ચૂંટેલાં સ્વપ્નાં એ વિવિધ લાગણીઓનું પેકેજ છે. તેમાં માત્ર ખુશાલી નહીં હોય, ઉદાસી પણ હશે. આમ, ‘આનંદ’ના મનના કોઇ ખૂણે પડેલી અંગત પીડાની કશીશ પણ શરૂઆતની પંક્તિઓમાં જ ગુલઝાર વ્યક્ત કરી દે છે, જ્યારે એ લખે છે, “કુછ હંસતે, કુછ ગમ કે, તેરી આંખોં કે સાયે ચુરાયે રસીલી યાદોં ને...” અહાહા! અમે તો આ ‘આંખો કે સાયે’ એ શબ્દ પર ઠેઠ ૧૯૭૧માં કોલેજના ત્રીજા વરસમાં પહેલીવાર ‘આનંદ’ જોયું ત્યારના વારી ગયા છીએ. એ પંક્તિનું લેખન ગુલઝાર સાહેબે કયા અર્થ માટે કર્યું હશે એ ખબર નથી. પરંતુ, આજકાલ કરતાં ૪૦થી વધુ વર્ષોથી, રસિક મિત્રોની અંગત બેઠકમાં, અમે એ અર્થઘટન કરતા આવ્યા છીએ કે સંવનન દરમિયાન પ્રેમિકાની આંખોએ અનેક સ્મૃતિઓના પડછાયા એકત્ર કર્યા હોય, તેમાંની ઇન્ટરેસ્ટિંગ યાદો ચોરી લીધી છે!

અંતરામાં ગુલઝાર પ્રણયની નાની નાની પળોનો મહિમા કરતાં લખે છે, “છોટી બાતેં, છોટી છોટી બાતોં કી હૈ યાદેં બડી, ભૂલે નહીં બીતી હુઇ ઇક છોટી ઘડી...”  પછી એ પોતાને ગમતા સજીવારોપણ અલંકાર (હિન્દીમાં જેને ‘માનવીકરણ અલંકાર’ કહે છે તે)ને ઉપયોગમાં લાવે છે અને મળે છે આ અદભૂત પંક્તિ, “જનમ જનમ સે આંખેં બિછાઈં તેરે લિયે ઇન રાહોં ને...”! જોવાની મઝા એ છે કે કોઇ પ્રિયતમા માટે પ્રેમી રાહમાં આંખો બિછાવીને ઇન્તજાર કરે એવી કવિતાઓ તો ઘણી આવી હતી. પરંતુ, પ્રેમના રસ્તાને જ જન્મોજનમ પ્રેમીજનોની સ્મૃતિઓની રાહ જોતો બતાવવાની કલ્પના તો ગુલઝાર સાહેબ જ કરી શકે. અહીં “જનમ જનમ સે આંખેં બિછાઈં તેરે લિયે ઇન રાહોં મેં...” એમ લખ્યું હોત તો પણ મીટરમાં કે માત્રામેળમાં ફરક નહોતો પડતો. છેલ્લા અંતરામાં એમ કર્યું પણ છે. પરંતુ, અહીં “આંખો કે સાયે’ના રેફરન્સને આગળ વધારવામાં ‘રાહોં ને’ બરાબર બંધ બેસે છે. બીજા અંતરામાં હ્રદયને પણ અલગ વ્યક્તિ, બલ્કે નાનું બાળક ગણીને કહે છે, “ભોલે ભાલે, ભોલે ભાલે દિલ કો બેહલાતે રહે...” (એ જ કલ્પનાને ગુલઝારે ‘ઇશ્કિયા’ ફિલ્મના આખા ગાયનમાં વિકસાવી જ છે ને?... “દિલ તો બચ્ચા હૈ જી, થોડા કચ્ચા હૈ જી...”!)         

નાના બાળક જેવા દિલને રાજી કરવા ગુલઝાર એકાંતમાં પ્રિયતમાના વિચારોની સજાવટ યાદ કરે છે, “તન્હાઇ મેં તેરે ખયાલોં કો સજાતે રહે...”. પછીની પંક્તિમાં એ વળી પાછા સજીવારોપણ અલંકારનો પ્રયોગ લાવે છે અને ભાવકોને મળે છે આ ખૂબસુરત શબ્દો, “કભી કભી તો આવાઝ દે કર, મુઝ કો જગાયા ખ્વાબોં ને...” સપનું ઊંઘમાં આવે અને એ જ તમને જગાડી દે? હા, ક્યારેક માનવામાં ના આવે એવું કોઇ સ્વપ્નું આવી જાય તો ઝબકી જ જવાતું હોય છે ને? ફિલ્મમાં પછી એ રાઝ ખૂલે છે કે ‘આનંદ’ને પોતાની પ્રેમિકાનાં લગ્ન અન્યત્ર થવાથી અલગ થવું પડ્યું હોય છે. એટલે પરિણિતા સાથે તેના પુરાણા પ્રેમીના પુનર્મિલનનું ખ્વાબ એ પણ એવું જ ચોંકાવનારું હોય, જેની સમજ નિંદરમાં ચાલુ સપને પણ પડી જાય! આ પંક્તિઓ પડદા ઉપર આવે છે, ત્યારે રાજેશ ખન્ના થેલામાંથી પોતાની ગમતી એ કવિતા જોવા પુસ્તક કાઢે છે. અહીં ગુલઝારને ગીતકાર ઉપરાંત સ્ક્રિપ્ટ રાઇટર હોવાનો લાભ પણ મળે છે. ફિલ્મમાં તે પછી આવતા કવિ યોગેશજીના એક એવા જ બેમિસાલ ગીત “કહીં દૂર જબ દિન ઢલ જાયે...” વખતે એ જ ડાયરીના એક પાના ઉપર સુકાયેલું પુષ્પ દેખાડાયું છે. એ રીતે જુઓ તો એ સીન, શાયર એહમદ ફરાઝની ગઝલની પંક્તિ “અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે, જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબોં સે મિલે...” નું ફિલ્માંકન લાગે! છેલ્લો અંતરો ફરી એકવાર સજીવારોપણ અલંકારથી ભરપુર છે.

અંતિમ અંતરામાં રાત્રી અને સવાર બન્ને કુદરતી પ્રક્રિયાઓને પણ તે જીવિત વ્યક્તિ હોય એમ કલ્પના કરતાં ગુલઝાર લખે છે, “રૂઠી રાતેં, રૂઠી હુઇ રાતોં કો મનાયા કભી, તેરે લિયે, બીતી સુબહ કો બુલાયા કભી...” પ્રેમીઓનાં રિસામણાં-મનામણાં ક્યારેક આખી રાત ચાલતાં હોય છે અને સવારે સુલેહ થાય એમ પણ બનતું હોય છે. તેનો બીજો અર્થ એ પણ થાય કે રાત્રીનું કામ છે ઊંઘ લાવવાનું. પણ ક્યારેક પ્રેમીજનની યાદમાં જાગરણ થઈ જાય, ત્યારે લાગે કે રાત રિસાઇ ગઈ છે કે શું? એટલે મતલબ દરેકે પોતાની રીતે કાઢવાનો રહે. છેલ્લી પંક્તિમાં પ્રિય પાત્રના ઇન્તજારની પરાકાષ્ટા આ શબ્દોમાં વ્યક્ત થાય છે, “તેરે બિના ભી, તેરે લિયે હી, દિયે જલાયે રાહોં મેં...” સામી વ્યક્તિ કદી મળવાની ન હોય છતાં તેની પ્રતિક્ષા સતત ઝળહળતી રહે, એ પણ સપ્તરંગી સપનાંનો એક આગવો રંગ છે. 

અમારી દ્દષ્ટિએ ગુલઝારે ફિલ્મના ક્લાઇમેક્સમાં ટેપરેકોર્ડરમાંથી અમિતાભના મુખે વંચાતી મૃત્યુ વિશેની કવિતા “મૌત તુ એક કવિતા હૈ...” અને પછી આવતો શેક્સપિયરની ફિલોસોફીના અર્ક જેવો સંવાદ “જિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથ મેં હૈ, જહાંપનાહ ઉસે ન આપ બદલ સકતે હૈં ન મૈં, હમ સબ તો રંગમંચ કી પુતલિયાં હૈં, જિન કી ડોર ઉપરવાલે કી ઉંગલિયોં મેં બંધી હૈ...”  એ બન્ને લખીને પડદા પાછળની પોતાની ક્રિએટિવિટીને ‘આનંદ’માં જેવી ખીલવી હતી, એવી કોઇ એક જ કૃતિમાં ખીલવવાની બાકી છે. બલ્કે મોતનું આ કાવ્ય લખીને તો તેમણે આખી ફિલ્મને ‘કચકડાની કવિતા’ની કક્ષાએ મૂકી આપી હતી અને તે પણ અમિતાભ બચ્ચનના નક્કર અવાજમાં, જે સાંભળવા ઘડીક તો ખુદ યમરાજ પણ અટકી જાય..
મૌત તુ એક કવિતા હૈ.
મુઝસે એક કવિતા કા વાદા હૈ,
મિલેગી મુઝકો
ડૂબતી નબ્જો મેં, જબ દર્દ કો નીંદ આને લગે
જર્દ સા ચેહરા લિયે, જબ ચાંદ ઉફક તક પહુંચે
દિન અભી પાની મેં હો, રાત કિનારે કે કરીબ
ના અંધેરા હો, ના ઉજાલા હો, ના અભી રાત ના દિન
જિસ્મ જબ ખત્મ હો ઔર રૂહ કો જબ સાંસ આયે
મુઝ સે એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝકો!

ખાંખાખોળા!

યુવાનીના દેવ આનંદને વર્ણવવા ગુજરાતીમાં લખાતું : સોહામણો હીરો! 

તેથી દેવસા’બ માટે એન્ડોર્સ કરવા બ્લેડથી વધુ યોગ્ય કઈ પ્રોડક્ટ હોઇ શકે?




Saturday, September 2, 2017

ગુલે ગુલઝાર 3 ‘બંદિની’




મોરા ગોરા અંગ લઇ લે , મોહે શામ રંગ દઇ દે.... 

ગુલઝારનું
પ્રથમ ફિલ્મી ગીત, ખરેખર?

‘બંદિની’નું આ ગીત ગુલઝારના પ્રથમ ફિલ્મી ગાયન તરીકે જાણીતું હોવા છતાં શું ખરેખર એ હકીકત છે, ખરી? કેમ કે રિલીઝના વરસની રીતે જોઇએ તો ‘બંદિની’ તો ઠેઠ ૧૯૬૩માં આવી હતી. જ્યારે તે અગાઉ ’૬૨ના ‘પ્રેમપત્ર’માં  તથા ’૬૧ના ‘કાબુલીવાલા’માં  એમ એ બન્ને ફિલ્મોમાં ગુલઝારનું એક એક ગીત તો હતું જ. તેથી રજુઆતની સાલવારી મુજબ તો આ ગીત તેમની કારકિર્દીનું ત્રીજું હતું. જો કે ગુલઝાર પોતે કહે છે કે  ‘બંદિની’ ભલે ’૬૩માં રજુ થઇ; પણ તેમણે આ ગીત “મોરા ગોરા રંગ લઈ લે...” જ સૌ પ્રથમ લખ્યું હતું. એ વાત માનીએ તો પણ ‘શ્રીમાન સત્યવાદી’ની સચ્ચાઇ ચકાસવા જેવી જરૂર છે.



‘શ્રીમાન સત્યવાદી’ એ રાજકપૂર અને શકીલાની ૧૯૬૦માં રિલીઝ થયેલી ફિલ્મ. એટલે કે તે બિમલરૉયની ‘કાબુલીવાલા’ અને ‘પ્રેમપત્ર’ એ બેઉ કરતાં પણ અગાઉ આવી ચૂકી હતી.  ‘કાબુલીવાલા’માં ગુલઝારના ગીત “ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે...” સિવાયનાં તમામ ગીત પ્રેમધવને અને ‘પ્રેમપત્ર’માં તેમના “સાવનકી રાતોં મેં ઐસા ભી હોતા હૈ...” એ એકમાત્ર ગીતને બાદ કરતાં અન્ય ગાયનો રાજેન્દ્ર કૃષ્ણએ લખ્યાં હતાં. એવું જ  ‘શ્રીમાન સત્યવાદી’માં દેખાય છે. તેમાં ગુલશન બાવરા અને હસરત જયપુરી ઉપરાંત એક ગીતકાર ‘ગુલઝાર દીનાવી’ પણ છે, જેમના નામે ૭ પૈકીનાં ૩ ગાયન છે. ગુલઝારનું મૂળ વતન પાકિસ્તાનમાં આવેલું દીના છે. તેથી ‘ગુલઝાર દીનાવી’ એ ટંકારા ગામના આપણા કવિ અદમ ટંકારવીની માફક અથવા તો લખનૌના કોઇ શાયર પોતાના તખલ્લુસમાં ‘લખનવી’ લખાવે એમ ‘દીના’ નગરના ‘ગુલઝાર દીનાવી’ હોય એ શક્યતા નકારી કેવી રીતે શકાય?  છતાં આજે ગુલઝાર “વો મૈં નહીં” કહે છે અને એ પોતાનું નામ નથી એ વાતને વળગી રહે છે. પરંતુ, કવિતાના શબ્દોમાં તો તેમની તાકાત દેખાય જ છે.
 


દાખલા તરીકે એ ‘ગુલઝાર દીનાવી’એ લખેલા ‘શ્રીમાન સત્યવાદી’ના દત્તારામના સંગીતમાં મુકેશે ગાયેલા ગીત “ઋત અલબેલી મસ્ત હવા, સાથ હસીં હર બાત જવાં....” ના એક અંતરામાં આવતા શબ્દો આવા છે, “ઇન મચલતે પાનીયોં મેં સુન, ગુનગુનાતે સાહિલોં કી ધૂન....” તમને આમાં ગુલઝારની કવિતાની છોળ ઉડતી સંભળાઇ? યાદ કરો ‘ખુશ્બુ’ (૧૯૭૫)માં આર.ડી.બર્મને કિશોર કુમાર પાસે ગવડાવેલા ગીત “ઓ માઝી રે, અપના કિનારા, નદિયા કી ધારા...” માં આવતા આ શબ્દો, “પાનીયોં મેં બહ રહે હૈં, કઈ કિનારે ટૂટે હુએ...”! ‘પાની’નું બહુવચન પણ, સૌ ભાષાપ્રેમીઓ જાણે છે એમ, ‘પાની’ જ થાય. ફિલ્મી ગીતોના ઇતિહાસમાં ૧૯૭૫ સુધીમાં ‘પાની’નું બહુવચન ‘પાનીયોં’ કદાચ આ બે જ ગીતોમાં થયેલું છે. ગુલઝારનો એ ઑફબીટ પ્રયોગ ફરીથી પાછો અમને તો ૨૦૦૫ના ‘બંટી ઔર બબલી’માં પણ દેખાય છે, જ્યારે એ “દેખના મેરે સરસે આસમાં ઉડ ગયા હૈ...” માં એક તબક્કે લખે છે, “દેખના પાનીયોં મેં જમીં ધુલ રહી હૈ કહીંસે...”!

એ ઓછું લાગતું હોય તો ‘શ્રીમાન સત્યવાદી’ ફિલ્મના ટાઇટલમાં એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ  ‘ગુલઝાર દીનાવી’નું નામ જોઇ શકાય છે! એ જ ફિલ્મમાં શશિકપૂર પણ હીરો- મોટાભાઇ - રાજકપૂરના સ્ટાર સ્ટેટસને પગલે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. તેમનું નામ પણ નંબરીયા પડે ત્યારે ‘શશિ રાજ’ તરીકે ‘ગુલઝાર દીનાવી’ની સાથે દેખાય છે જ. પણ શશિબાબાએ ક્યારેય ‘શ્રીમાન સત્યવાદી’થી ઇનકાર કર્યો નથી. ત્યારે ગુલઝાર શા માટે એ ગીતોને પોતાનાં નહીં ગણાવતા હોય? શું ‘શ્રીમાન સત્યવાદી’ના એસ. એમ. અબ્બાસ જેવા દિગ્દર્શક અને શંકર-જયકિશનના આસિસ્ટન્ટ રહેલા દત્તારામજી સરખા સંગીતકાર સાથે કરિયરની શરૂઆત કરી એમ કહેવડાવવા કરતાં બિમલ રૉય અને એસ.ડી. બર્મન જેવા દિગ્ગજો જોડે પ્રારંભ કર્યો એમ કહેવું વધુ સન્માનજનક લાગતું હશે તેથી?

કારણ ગમે તે હોય, પણ ગુલઝાર ‘શ્રીમાન સત્યવાદી’નાં એ ગીતોને પોતાનાં માનતા નથી અને તેથી આપણે પણ આ ગીત “મોરા ગોરા રંગ લઈ લે...”ને જ તેમના પ્રથમ ગીત તરીકેની અપાયેલી ક્રેડિટ માન્ય રાખીએ. ત્યારે આ ગાયન પણ તેમને ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર સચિનદેવ બર્મન વચ્ચે થયેલા મતભેદોને કારણે મળ્યું હતુ; એ કોણ નથી જાણતું? બિમલદાને એક ‘વૈષ્ણવ ભજન’ની જરૂર હતી. ગુલઝાર તે દિવસોમાં હજી એક્સિડન્ટ થયેલી ગાડીઓને તેમના મૂળ રંગમાં લાવવા કલર મિક્સ કરવાનું કામ એક ઓટો ગેરેજમાં કરતા હતા. મોટર ગેરેજમાં નોકરી કરતે કરતે પ્રગતિશીલ કવિઓની બેઠકોમાં જતા. એટલે શૈલેન્દ્રએ જ તેમને કહ્યું કે બિમલદા પાસે પહોંચી જાવ, કામ મળી જશે. એટલે બિમલરોયના એક આસિસ્ટન્ટ દેબુ (દેબબ્રત સેનગુપ્તા) સાથે સ્ટુડિયો પહોંચી ગયા. સિચ્યુએશન સમજાવાઇ અને એસ.ડી. બર્મન સાથે કામ કરવાનું થયું. બર્મનદાદાની ટ્યુન પર એક અઠવાડિયાની મહેનત પછી ગુલઝાર આ કાવ્ય લખી લાવ્યા હતા. આ ગીત પછી બિમલરોયે ગુલઝારને કહ્યું કે તેમણે મોટર ગેરેજમાં કામ નોકરી કરવાની જરૂર નથી. 

એટલું જ નહીં, પોતાના બાકાયદા આસિસ્ટન્ટ તરીકે જોડી દીધા. તે દિવસોમાં એ કેટલી મોટી વાત હતી એ સમજવા બિમલદાની પ્રતિષ્ઠા યાદ કરવા જેવી છે. ત્યાં સુધીમાં તેમણે ‘બેસ્ટ ડાયરેક્ટર’ નો ફિલ્મફેર એવોર્ડ ૬ વખત જીતી લીધો હતો. તેમના એક સહાયક થવું એ યથાર્થવાદ (રિયલિઝમ)ના તે સમયના અલગ પ્રવાહના ચાહક કોઇપણ સંવેદનશીલ વ્યક્તિ માટે લોટરી લાગવાથી કમ નહોતું. 


પરિણામ એ આવ્યું કે ‘બંદિની’ના ટાઇટલ્સમાં સહાયકોનાં નામ આવે છે, તે ૧૦ જણની યાદીમાં મ્યુઝિકમાં પંચમદા અને ડાયરેશનમાં ગુલઝાર એમ બન્ને મિત્રોનાં નામ નીચે ઉપર એક સ્ક્રિનપેજ પર દેખાયાં... પહેલી અને છેલ્લી વાર! કેમ કે પછી તો બેઉ સ્વતંત્ર કલાકાર હતા અને તેથી ‘ઢેન્ટણે..’ જેવા મ્યુઝિક સાથે ‘સંગીતકાર આર. ડી. બર્મન’ અને ગીતકાર કે નિર્માતા/નિર્દેશક ‘ગુલઝાર’ એમ તેમનાં નામો મોટ્ટા અક્ષરે અલગ અલગ સ્ક્રિનપેજ પર આવતાં થયાં. ગુલઝારે પોતે ‘ફિલ્મફેર’નાં અનુરાધા ચૌધરીને ૨૦૦૪માં કહ્યું હતું તેમ, જો બિમલદાએ તેમનામાં એવો સ્પાર્ક ન જોયો હોત તો? પોતે ક્યાં હોત?

આ ગીતમાંની,
“કુછ ખો દિયા હૈ પાઇ કે, કુછ પા લિયા ગંવાઇ કે, કહાં લે ચલા હૈ મનવા, મોહે બાંવરી બનાઇ કે...” જેવી, અમુક પંક્તિઓ આમ જુઓ તો ગુલઝારની અત્યારની કક્ષાને જોતાં, કવિતાની રીતે, સામાન્ય કહી શકાય. આખું કાવ્ય વૈષ્ણવ ભજનોની પરંપરામાં ઉત્તર ભારતની તળપદી હિન્દીમાં છે. તેના અન્ય એક અંતરા  “ઇક લાજ રોકે પૈયાં, ઇક મોહ ખીંચે બૈયાં, જાઊં કિધર ન જાનું, હમ કા કોઈ બતાઈ દે...”માં પણ એક જાણીતી દુવિધાની કશ્મકશ છે. એક બાજુ શરમથી પગ ખચકાય છે અને બીજી તરફ મોહવશ ખેંચાણ છે. એમાં કોઇ વિશેષ ચમત્કૃતિ નથી.

પરંતુ
, વચલા અંતરામાં ગુલઝાર તેમનો ઑફબીટ ઇમેજરીનો અસલી રંગ દેખાડે છે. તેમણે “બદરી હટા કે ચંદા, ચુપ કે સે ઝાંકે ચંદા, તોહે રાહૂ લાગે બૅરી,  મુસ્કાયે જી જલાઇ કે...” લખીને તો કમાલ કરી દીધી હતી. એ કલ્પના જ કેવી હટકે છે! ચંદ્ર વાદળ હટાવીને ચોરી છુપીથી જોઈ જાય અને જીવ બળાવીને ઉપરથી પાછો હસે છે. તો તેને ભાંડે છે પણ કેવો? “તોહે રાહૂ લાગે બૅરી”! આપણે ત્યાં કોઇ જમાનામાં ‘તારું નખ્ખોદ જાય મૂવા’ એમ કહેવાતું એવો આ શ્રાપ અને તે પણ એક કવિ પોતાની પ્રથમ જ રચનામાં લઇ આવ્યા હતા. તેમાંય એ પંક્તિઓમાંનો નૂતનજીનો અભિનય! એ શબ્દોનું અર્થઘટન એક્ટિંગથી એ સાદગીની મૂર્તિ સમાં મહાઅભિનેત્રીએ જે રીતે પોતાના ચહેરાની સુક્ષ્મ અભિવ્યક્તિ દ્વારા કરી બતાવ્યું હતું. એવા અભિનય માટે જ તેમને તે ફિલ્મ માટે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ગુલઝાર માટે તો પહેલી મેચમાં એક ઓવર મળી હોય અને તેમાં એક વિકેટ લઈ જતા બોલર જેવો એ ખેલ થયો હતો. તેને લીધે પોતે શૈલેન્દ્ર સરખા દિગ્ગજના પેંગડામાં પગ ઘાલવાને લાયક રિપ્લેસમેન્ટ હતા, એ પોતાની આ ‘પ્રથમ’ રચનામાં જ ગુલઝારે, અન્ય સૌ કરતાં વધારે તો શૈલેન્દ્રને, સાબિત કરી આપ્યું.

હકીકતમાં તો શૈલેન્દ્રએ જ મૂકેલો વિશ્વાસ ગુલઝારે યથાર્થ કરવાનો હતો.  તેમને જ્યારે આ ભજન લખવાનું કહેવામાં આવ્યું ત્યારે પોતાના સિનીયરની જગ્યા લેતાં ગુલઝાર ખચકાતા હતા. તે વખતે ખુદ શૈલેન્દ્રએ જ આગ્રહ કર્યો હતો કે તેમની જગ્યાએ ગુલઝાર જ યોગ્ય રહેશે. આ ગીતનું હિન્દી ફિલ્મસંગીતના ઇતિહાસમાં એક મહત્વ એ પણ છે કે વર્ષો સુધી ગુલઝારના
અંગત મિત્ર રહેલા આર.ડી. બર્મન સાથે પ્રથમ મુલાકાત આ ગાયનના રેકોર્ડિંગ વખતે જ થઈ હતી.  બીજું મહત્વ એ પણ છે કે સચિનદેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે થયેલા અબોલા પણ બિમલ રોયની મધ્યસ્થીને કારણે આ જ ગાયનના રેકોર્ડિંગથી તૂટ્યા હતા.  એ પછી થોડાક વખતમાં શૈલેન્દ્ર સાથે પણ સચિનદાનું સમાધાન થઇ જતાં ધર્મસંકટ આવ્યું. હવે શૈલેન્દ્ર
ગુંચવાયા કે એક નવા-સવા કવિને મળેલું કામ પોતે કેવી રીતે છીનવી શકે? પણ ગુલઝારે  ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ આપ્યું, તદ્દન પોતાની રીતે. તેમણે શૈલેન્દ્રને  કહ્યું કે “તમે જ જબરજસ્તી મને બેસાડ્યો હતો. એ જગ્યા તમારી જ છે. ખુરશી પર તમારો રૂમાલ હજી છે જ!” 

ખાંખાખોળા!
 
આવી સુરીલી અગરબત્તી પણ એક જમાનામાં આવી હતી.
લતાજી બ્રાન્ડ એમ્બેસેડર નહીં, ખુદ એક બ્રાન્ડ તરીકે!!!