ક્યા ૧૯૮૦ મેં ‘પ્યારા
દુશ્મન’ કે હાથોં હો રહી થી ‘કુરબાની’? યા ફિર ‘અપને પરાયે’
મિલકર દે રહે થે, ‘ખુબસુરત’ સંગીત કી ‘આશા’?
૧૯૮૦માં
બોક્સ ઓફીસ ઉપર સૌથી હીટ સાબિત થયેલી ‘કુરબાની’નું સંગીત આપતાં
કલ્યાણજી આણંદજીએ એ વાતે કદી અસુરક્ષિતતા ના મહેસુસ કરી કે તેમની ફિલ્મમાં સુપર
હીટ થવાની શક્યતાવાળું એક ગાયન “આપ જૈસા કોઇ મેરી જિન્દગી મેં આયે, તો બાત
બન જાયે…” કોઇ અન્ય મ્યુઝિક ડાયરેક્ટરના નિર્દેશનમાં નિર્માતા ફિરોઝખાન લઇ
રહ્યા છે. પોતાની આવડત ઉપર વિશ્વાસ ધરાવનાર કોઇ પણ આર્ટીસ્ટ એવી અસલામતી ના
અનુભવે. ‘કુરબાની’માં કલ્યાણજી આણંદજીએ વર્ષની ‘નંબર વન
ફિલ્મ’ને શોભે એવાં ગાયનો તો આપ્યાં અને તે પણ ગાયકોની વિવિધતા સાથે!
તેમણે “ક્યા
દેખતે હો? સુરત તુમ્હારી…”માં રફી – આશાના યુગલ સ્વર લીધા, તો “તુઝ પે
કુર્બાં મેરી જાં…”માં કિશોરકુમાર અને અનવરની જોડી પાસે ગવડાવ્યું. અન્ય
એક ગીત “લૈલા ઓ લૈલા, કૈસી તુ લૈલા…” માટે કિશોરદાના પુત્ર
અમિતકુમાર અને કંચનને પસંદ કર્યાં. જ્યારે કંચન જોડે મનહર ઉધાસ અને આનંદકુમારને
લઇને એ કવિતાને કંઠ અપાવ્યો, જેમાં પ્રેમની ઉત્કંઠાને એક નવી જ પરાકાષ્ટા સાથે કવિ
ઇન્દીવરે પ્રસ્તુત કરી હતી. યાદ છે ને એ શબ્દો?... “હમ તુમ્હેં ચાહતે હૈં
ઐસે, મરનેવાલા કોઇ જિંદગી ચાહતા હો જૈસે…”! એટલાં બધાં હીટ ગાયનો વચ્ચે પણ
આ ગાયને પોતાની એક આગવી જગ્યા બનાવી અને તે આજે પણ એટલું લોકપ્રિય છે, કે મનહર
ઉધાસને તેમના સ્ટેજ કાર્યક્રમોમાં પણ તેની ફરમાઇશ નિયમિત મળતી રહે છે.
કલ્યાણજી
આણંદજીની એ વિશેષતા રહી હતી, કે એ પ્રસ્થાપિત ગાયકોના મોહતાજ નહતા રહેતા. જો કે એ
રફી, લતા, આશા, કિશોર અને મુકેશના ‘પંચ તત્વ’નું પુરેપુરું સન્માન જરૂર કરતા હતા. છતાં
જ્યારે પણ તક મળી, તેમણે નવા અથવા તો ઓછા જાણીતા, ઓછા વ્યસ્ત કલાકારોને તક આપી
હતી.
તો તેમના એક સમયના સહાયક એવા લક્ષ્મીકાન્ત પ્યારેલાલે પણ ૧૯૮૦માં ‘આશા’ના
ગીત “શીશા હો યા દિલ હો, આખિર ટૂટ જાતા હૈ…”થી લોકપ્રિયતાની દોડમાં
જબરી છલાંગ લગાવી હતી. એ ગીત ‘એલ.પી.’ માટે જ નહીં પણ હીરોઇન રીનારોયની કરિયર માટે
પણ એક માઇલસ્ટોન સાબિત થયું. ‘આશા’નું જ એક ભક્તિગાન “તુને
મુઝે બુલાયા શેરાવાલીયે….” માતા વૈષ્નોદેવીના દર્શનાર્થીઓ આજે પણ એટલા જ
ભાવથી ગાતા હોય છે. રફી સાહેબે ગાયેલા એ ગીતમાં નરેન્દ્ર ચંચલના અવાજમાં કરાતા
માતાના જયજયકાર “પ્રેમ સે બોલો…જય માતા દી…. સારે બોલો જય માતા દી….” ઊંચા પહાડ ચઢતા ભક્તોને અનેરું જોશ પુરું પાડે છે.
આમ જુઓ તો
લક્ષ્મી-પ્યારેનું ‘જુદાઇ’નું શિર્ષક ગીત “માર ગઇ મુઝે તેરી
જુદાઇ…” પણ લોકપ્રિય થયું હતું અને આશ્ચર્યની વાત એ હતી કે ‘જુદાઇ’
તે સાલનાં ટોપ ટેનમાં પણ નહતું! એ સમય જ એલ.પી. અને આર.ડી.નો હતો. ૧૯૮૦ની સૌથી
વધુ કમાણી કરાવનારી દસ ફિલ્મોમાં પાંચ એટલે કે ‘કર્ઝ’, ‘દોસ્તાના’, ‘રામ
બલરામ’, ‘માંગ ભરો સજના’ અને ‘આશા’માં લક્ષ્મી-પ્યારેનું
સંગીત હતું. (આને જ કહેવાયને ‘અડધામાં રામ અને અડધામાં ગામ’?!) બાકી રહેલાં ટોપ
પાંચ પિક્ચરોમાં પંચમ દાનાં ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ અને ‘આંચલ’ને
પણ ઉમેરો તો એ સ્પષ્ટ થઇ જાય કે ૭૦ ટકા હીટ ફિલ્મોમાં એ બે સંગીતકારોનું સંગીત
હતું.
અન્ય
સંગીતકારોમાં રાજેશ રોશને દેવ આનંદની ‘લૂટમાર’માં ‘આર. ડી.’ની
સ્ટાઇલમાં આપેલું “જબ છાયે મેરા જાદુ, કોઇ બચ ન પાયે…” અને ભપ્પી
લહેરીએ બાસુ ચેટરજીના ‘અપને પરાયે’માં યેસુદાસના મધમીઠા સ્વરમાં
ગવાતું “શ્યામ રંગ રંગા રે…” યાદ આવી જાય. અમોલ પાલેકર ઉપર
ફિલ્માવાયેલા એ ગીતમાં અમોલની સાદગી કરતાં પણ મૃદંગના તાલે ગવાતા એ ભજનમાંની યેસુદાસના સ્વરની મીઠાશ
વધારે સ્પર્શી જાય. કોઇ માને કે તે જ વરસે ‘પ્યારા દુશ્મન’માં “હરિ
ઓમ હરિ…” પાશ્ચાત્ય સંગીતની વન વે ટિકિટ કપાવનારા ડીસ્કો કીંગ ભપ્પી
દા આવી ધૂન પણ બનાવી શકે?
એવું જ
રાહૂલદેવ બર્મને કર્યું હતું. ‘શાન’માં “જીતે હૈં શાન સે...”’ની વેસ્ટર્ન ધૂન વગાડનાર પંચમે
તે સાલની ‘ખુબસુરત’માં એ જ આશાજી પાસે “પિયા બાવરી…” જેવું
સંપૂર્ણ ભારતીય ગાયન કરાવ્યું હતું. (હિન્દીમાં પૂછી શકાય કે,“ક્યા ઉસ બરસ ‘પ્યારા
દુશ્મન’ કે હાથોં ‘કુરબાની’ હુઇ? યા ‘અપને પરાયે’
મિલકર દે રહે થે, ‘ખુબસુરત’ ‘આશા’?”) એટલે ૧૯૮૦ના વરસના સંગીતની
ચર્ચાના સમાપનમાં ફરી એકવાર એ જ વાત કહેવાનું મન થાય કે મોટાભાગના સંગીતકારો બધા
પ્રકારનું સંગીત આપવા સક્ષમ હોય જ છે. પરંતુ, એક યા બીજી મજબુરીને કારણે વેસ્ટર્ન
મ્યુઝિક તરફ વધારે ઝુકાવ રહેતો હશે. ઋષિકેશ મુકરજીની ‘ગુડ્ડી’ના એક
ડાયલોગમાં કહેવાય છે એમ કહીએ તો, “ઐસી કૌન સી તવાયફ હૈ, જો ઐયાશી કે લિયે
બાઝાર મેં આતી હૈ?!’’ સોચો ઠાકુર!
તિખારો!
૧૯૮૦માં જ મળ્યો એક ઓર લોકપ્રિય થયેલો આ તિખારો...
‘આપ તો ઐસે ના થે’ને સ્પેલીંગ પ્રમાણે આમ પણ વંચાય.... “આપ તો ઐસે નાઠે!!”
બહુ સરસ સલીલભાઈ.
ReplyDelete'આપ તો ઐસે ન થે' નું "તું ઇસ તરહ સે મેરી ઝીંદગી મેં શામિલ હૈ" મારા પર્સનલ ફેવરીટ્સ માં શામેલ છે.
બપ્પી'દા એ ખરેખર વન-વે ટ્રાફિક જાળવ્યો નહીં તો એમના ઘણા શાસ્ત્રીય અથવા નોન ડિસ્કો સોન્ગ્સ માણવા લાયક છે જેમ કે 'ઐતબાર' નું, આશા ભોંસલે અને ભુપીન્દર નાં અવાજ માં "આવાઝ દી હૈ આશિક નઝર ને યા હૈ યે દિલ કો ગુમાં" સાંભળો તો કોઈ ને વિશ્વાસ ન થાય કે આ બપ્પી'દા નું સંગીત છે.
હા સિધ્ધાર્થભાઇ.... ભપ્પી દાની એ સુંદર રચના ભુપીન્દર - આશાના એ જ ફિલ્મના અન્ય ગીત “કિસી નઝર કો તેરા ઇન્તજાર આજ ભી હૈ...”ને મળેલી વધારે લોકપ્રિયતામાં કદાચ દબાઇ ગયું હતું.
Deleteસલિલ સર,
ReplyDeleteઆશાનું ગીત શિશા હો યા દિલ હો ની એક લાઈન મને આજ દિવસ સુધી સર્વશ્રેષ્ઠ લાગી છે. કોઈ લુટ જાતા હૈં, કોઈ લૂટ જાતા હૈં....
સેમ
તા.ક. વિદેશ માટેની ’તેરી યાંદે’ની લીંક મારી વોલ પર છે. આપના અભિપ્રાયની રાહ જોઉં છું..
“તેરી યાદેં..”ની ઓન લાઇન છુટક છુટક શરૂઆત જ સાંભળી શકાઇ છે. છતાં એ ખાસ્સું ફન્કી મ્યુઝિક લાગ્યું છે. વળી તેમાં ગાયકો પણ સાધના સરગમ અને પાર્થિવ ગોહીલ જેવા બધા જાણીતા છે એ સોને પે સુહાગા. સાથે રેકોર્ડ કંપની યુનિવર્સલ હોય પછી માર્કેટીંગ પણ વ્યવસ્થિત થશેને?
Delete“હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે, મરનેવાલા કોઇ જિંદગી ચાહતા હો જૈસે…”! અને પિયા બાવરી.....મારા માર્ક્સ આ ૨ ગીતો ને...:)
ReplyDeleteકેટલા માર્ક્સ, શિવા્ની? ૧૦૦/૧૦૦ને?
Delete