Saturday, June 15, 2013

ફિલમની ચિલમ- જુન ૧૬, ૨૦૧૩



અમિતાભે ‘ટ્વીપ’ પણ શાથી નહીં કર્યું હોય?



 ‘શું દીપિકા પાદુકોણની સેન્ચ્યુરીની હૅટ્રિક થશે?’ આ સવાલ હવે બિઝનેસની દુનિયામાં ‘ટૉક ઑફ ધી ટાઉન’ છે. કેમ કે તેની નવી ફિલ્મ ‘ચેન્નઇ એક્સપ્રેસ’નો હીરો શાહરૂખ છે અને તે ૮મી ઓગસ્ટે એટલે કે ઇદના વીકમાં રિલીઝ થવાની છે. તેથી ૧૦૦ કરોડનું કલેક્શન તો રમતાં રમતાં લાવી દેશે એવી અપેક્ષા છે. ‘ચેન્નઇ એક્સપ્રેસ’ના દિગ્દર્શક રોહિત શેટ્ટી હોઇ મારધાડ પર ભાર વધારે હશે. તેથી દીપિકાને માટે કદાચ શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાયનું ખાસ કામ નહીં હોય. પરંતુ, ફિલ્મનો વકરો તો તેના નામે પણ બોલવાનો જ. ટ્રેડના પંડિતોની નજર એ વાત પર પણ રહેવાની કે ‘યે જવાની હૈ દીવાની’ની માફક જેન્યુઇન સુપર હીટ કલેક્શન હશે કે પછી ડચકાં ખાતે ખાતે સદી સુધી પહોંચે છે.

‘યે જવાની...’ની ટિકિટબારી પરની મસ્તી બીજા અઠવાડિયે પણ ચાલુ રહી છે અને બે વીકમાં દોઢસો કરોડનો આંકડો પાર કરી દીધો છે. સામે પક્ષે તેના પછીના શુક્રવારે રજૂ થયેલી ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલની ‘યમલા પગલા દીવાના-ટુ’નો પહેલા સપ્તાહનો બિઝનેસ પણ ‘યે જવાની...’ના બીજા વીક જેટલો નથી. તેથી સતત બાઉન્ડ્રી મારીને સૈકું પુરું કર્યા પછી પણ ફટકાબાજી ચાલુ રાખતા બેટ્સમેનની અદામાં ‘યે જવાની...’ એક સુપરહીટ ફિલ્મ સાબિત થઇ રહી છે. તેની સફળતામાં નવા પ્રકારની લવ સ્ટોરીની સાથે કરણ જોહરની ટ્રેડમાર્ક તડક-ભડક પ્રોડક્શન વેલ્યુનો ફાળો મોટો છે. એ બધામાં ઉમેરો આજના યંગ્સ્ટરની નાડ પારખીને બનાવાયેલું મ્યુઝિક! પછી તો ‘હોગા યું નશા જો તૈયાર... વો સુપરહીટ હૈ’!!

મ્યુઝિકની રીતે સિને રસિકોની એક પેઢીને રણબીરના મોટાકાકા રણધીર કપૂર અને જયા ભાદુરીને ચમકાવતી ‘જવાની દીવાની’માં આર. ડી. બર્મને ’૭૦ના દાયકાના જનરેશનને અપીલ કરનારાં ગાયનો બનાવીને તે દિવસોમાં જે ધૂમ મચાવેલી તેની યાદ તાજી થયા વિના ના રહે. તેમાં પણ “જાને જાં ઢૂંઢતા ફિર રહા હું મૈં યહાં સે વહાં...”માં આશા ભોંસલે એક તબક્કે સાવ નીચા સૂરમાં જે રીતે “તુમ કહાં..” એમ ગાય છે એ જાણે કે કાનમાં કાયમ નિવાસ કરી ગયેલા સ્વરો છે. એ સિવાય પણ “અગર સાજ છેડા તરાને બનેંગે...” હોય કે પછી “નહીં નહીં અભી નહીં, અભી કરો ઇન્તજાર..” જેવાં યુગલ ગીતોની આનંદ (બક્ષી) -મસ્તી હોય એ બધામાં એક તાઝગી હતી. વળી, તેમાં “સામને યે કૌન આયા દિલ મેં હુઇ હલચલ...”ની ધમાલ ઉમેરો તો “હોગા યું નશા જો તૈયાર વો પંચમદા કા મ્યુઝિક હૈ!”

એટલે સંગીતની રીતે ‘યે જવાની..’ આજના જનરેશનની ફિલ્મ કહેવાતી હોય તો તેમાં મ્યુઝિક ડીરેક્ટર પ્રીતમનો ફાળો પણ ખુબ કહી શકાય. પ્રીતમ જેવા આજના સંગીતકારોને એ રીતે પણ શાબાશી આપવી પડે કે તેમણે અગાઉના સમયની ખેલદિલ પ્રણાલિઓ હજી ટકાવી રાખી છે. પ્રીતમના એક રીતે હરિફ કહી શકાય એવા સંગીતકાર વિશાલના અવાજનો ઉપયોગ ફિલ્મનાં કદાચ બે સૌથી લોકપ્રિય ગાયનોમાં કર્યો છે. એ ખેલદિલીભરી પરંપરાની સૌથી મોટી મિસાલ હતા સંગીતકાર હેમંતકુમાર. હેમંતકુમાર જાતે અગ્રણી મ્યુઝિક ડીરેક્ટર અને છતાં તેમના અવાજમાં અન્ય સંગીતકારોનાં કેટલાં બધાં ગીતો છે?થોડાંક જાણીતાં ગાયનો પર જ નજર નાખીએ તો પણ કેવો ખજાનો મળે છે, એ તો જુઓ?



“ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે...  ( નૌશાદ - ગંગા જમુના) “છુપા લો યું દિલ મેં પ્યાર મેરા, કિ જૈસે મંદિર મેં લૌ દિયે કી” (રોશન - મમતા), “લહરોં પે લહર, ઉલ્ફત હૈ જવાં...” (સ્નેહલ ભાટકર), “તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે...” (કલ્યાણજી આણંદજી - ) “ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે...” (સલિલ ચૌધરી- કાબુલીવાલા), જગત ભર કી રોશની કે લિયે.. સૂરજ રે જલતે રહના...” (લક્ષ્મીકાન્ત પ્યારેલાલ - હરિશ્ચન્દ્ર તારામતિ),  “રાહી તુ મત રૂક જાના...” (કિશોર કુમાર - દૂર ગગન કી છાંવ મેં),  “યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં...” (એસ. ડી. બર્મન - જાલ).... 


 પ્રીતમે “બલમ પિચકારી...”માં અને માધુરીના આઇટમ સોંગ “ઘાઘરા...” એ બન્ને ગીતોમાં પુરુષ અવાજ વિશાલ ડડલાનીનો લીધો છે. એટલું જ નહીં, “ઘાઘરા...” ગીતમાંનો મહિલા સ્વર રેખા ભારદ્વાજનો છે, જે પાછાં અન્ય એક સંગીતકાર વિશાલ ભારદ્વાજનાં પત્ની છે! એટલે આમ ગમે એટલી સ્પર્ધા હોય તો પણ ફિલ્મ ઉદ્યોગ અંતે તો એક પરિવારની જેમ જ છે. ધંધાકીય હરિફાઇ છતાં સારા-માઠા પ્રસંગે સૌ એક બીજાની પડખે ઉભા રહેતા હોય છે. એવો એક પ્રસંગ આ સપ્તાહે પ્રિયંકા ચોપ્રાના જીવનમાં બન્યો, ત્યારે ફરી એકવાર ઇન્ડસ્ટ્રીએ પોતાની એકતા બતાવી.
  
પ્રિયંકાના પિતાજી ડો. અશોક ચોપ્રા ગયા સોમવારે ૯મી જુને બાસઠ જ વર્ષની વયે કેન્સરમાં અવસાન પામ્યા ત્યારે તેમની પ્રાર્થના સભામાં ઇન્ડસ્ટ્રીના સૌ પહોંચી ગયા હતા, જેમાં કરિના કપૂર, દીપિકા પાદુકોણ અને વિદ્યા બાલન જેવી તેની હરીફોનો પણ સમાવેશ થતો હતો. પણ દરેક ઘટના પછી થતી કાનાફુસીથી આ પ્રસંગો પણ બાકાત નહતા. કેમ કે શાહરૂખખાન પોતાના ખભાની સર્જરીને કારણે હાથ મેડીકલ ઝોળીમાં લટકાવીને સ્મશાનયાત્રા તથા બેસણા બન્નેમાં ઉપસ્થિત હતો અને તેને લીધે અન્ય હીરો લોગની ગેરહાજરી બિન સત્તાવાર ચર્ચાનું કારણ બની હતી.


ખાસ કરીને બચ્ચન પરિવારની હાજરી ક્યાંય દેખાઇ નથી. જો કે બચ્ચન ફેમિલીના સદસ્ય જેવા (અને અમિતજીના બ્લોગ પર જેનો એક કરતાં વધુ વખત ઉલ્લેખ થયેલો છે એવા) તેમના શ્વાનનું નિધન પણ તાજેતરમાં થયું હોઇ સમગ્ર કુટુંબ શોક પાળતું હોય એ શક્ય છે. પણ ખાંચો એ નીકળે છે કે નાની વાતે ટ્વીટ કરતા અને પ્રિયંકાના પિતાજીના નિધનના દિવસોમાં પણ એવા નાના સંદેશા મૂકતા રહેલા બચ્ચન બાબુએ એકાદું ‘ટ્વીપ’ (ટ્વીટર પર મૂકાતા શોકસંદેશાને સોશ્યલ મિડીયાની ભાષામાં ‘ટ્વીપ’ કહેવાય છે તે) પણ ડો. ચોપ્રાના આત્માની શાંતિ અર્થે ના મૂક્યું? જોઇએ હવે અમિતાભ ‘ટ્વીટ’ના આ આખા મુદ્દાને કેવી રીતે ‘ટ્ર્રીટ’ કરે છે!
તિખારો!
જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી સામે જે રીતે પોલીસની કાર્યવાહી થઇ રહી છે, તે જોતાં ‘બીગ બોસ’ની નવી સિઝન માટે સૂરજ ક્વોલીફાય થઇ ગયો કહેવાય!!


6 comments:

  1. આપશ્રી લખો છો કે અગર સાજ છેડા તરાને બનેંગે...” હોય કે પછી “નહીં નહીં અભી નહીં, અભી કરો ઇન્તજાર..” જેવાં યુગલ ગીતોની મજરૂહ-મસ્તી હોય એ બધામાં એક તાઝગી હતી.
    "મજરૂહ-મસ્તી" લખીને એમ કહેવા માંગતા હોવ કે ‘જવાની દીવાની’નાં ગીતો મજરૂહે લખ્યા છે તો જણાવવાનું કે ગીતો આનંદ બક્ષીએ લખેલ છે.

    ReplyDelete
    Replies
    1. હા એમ જ કહેવા માગતો હતો કે એ ગીતો મજરૂહ સુલતાનપુરીએ લખ્યાં હતાં અને એ મારી ગેરસમજભરી સ્મૃતિને કારણે બન્યું છે. ઇન્ટરનેટ પર બધી માહિતી ઉપલબ્ધ હોવા છતાં તેનો સહારો શક્ય હોય ત્યાં સુધી નહીં લેવાની બિનજરૂરી જીદને કારણે આમ બની જતું હોય છે. સોરી ફ્રેન્ડ્સ. ‘જવાની દીવાની’નાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં. હવે એ વાક્ય સુધારી દીધું છે. થેંક્સ અમિત!

      Delete
  2. why r u change your track from new to old film? obsession ?

    ReplyDelete
  3. Yes, its an obsession.... it takes me to 30-40 years back and who is not obsessed with his/her youth?
    It will be better if the comments are made with name.
    Usually I do not reply nameless comments.
    Thanks.

    ReplyDelete
  4. ૧૯૮૪ થી (સંદેશ) ફિલમ ની ચિલમ નિયમિત વાંચતો આવ્યો છું . માનનીય સલીલ સાહેબ ની કોઈ પણ શરતચૂક ક્ષતિ ને હાઈલાઇટ કરવાનું ક્યારેય ગમ્યું નથી . સુરજ સામે ટોર્ચ બેટરી રાખવા જેવી વાત છે . . .

    ReplyDelete
    Replies
    1. આભાર મિત્ર. પણ જો આટલા લાંબા સમયથી કોલમ વાંચતા હો તો એ પણ જાણતા હશો જ કે સરતચૂક તરફ ધ્યાન દોરનાર વાચકમિત્રનો જે તે છાપામાં નામજોગ ઉલ્લેખ કરવાની પ્રથા ‘ચિલમ’ની વરસોથી છે.
      ફરીથી એકવાર કહીશ કે નામ વગરની કોમેન્ટ્સ પબ્લીશ કરવામાં કોઇ રસ નહીં હોય.

      Delete