“એક્ટિંગ? યહાં એક્ટિંગ આતી કિસે હૈ? બારહ ફ્લોપ દોગે,
તેરહવીં મેં હીટ હો જાઓગે...”
નાના પાટેકર, પરેશ રાવલ, અનિલ કપૂર અને જહોન અબ્રાહમની
કોમેડી ફિલ્મ ‘વેલકમ બેક’ બીજા વીકમાં ૧૫૦ કરોડ પ્લ્સના વિશ્વવ્યાપી કલેક્શનને પાર
કરી ચૂકી હોવાના ગુડ ન્યુઝવાળા (અને તેમ છતાં તેના દિગ્દર્શક અનીસ બાઝમીને પોતાની
‘ફી’ના સાડા ચાર કરોડ પૈકીના બાકી રહેલા બે કરોડ નહીં મળ્યાની જાહેર ફરિયાદવાળા) આ
સપ્તાહે ૧૧મીએ રિલીઝ થયેલી ‘હીરો’ને લીધે દર્શન જરીવાલાનો એક અમર સંવાદ યાદ આવી ગયો!
‘હીરો’માં સુનિલ શેટ્ટીની પુત્રી અતિયા અને ઝરિના વહાબ તથા આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ
ઇન્ટ્રોડ્યુસ કરાયાં તે પિક્ચરના રિવ્યુ વાંચતાં, આપણા સરસ ગુજરાતી એક્ટર દર્શન જરીવાલા,
ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેની એક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ‘સુપરસ્ટાર’માં, બોલે છે એ ડાયલોગ યાદ
આવી ગયો. એ પિક્ચરમાં દર્શન એક પ્રોડ્યુસર બન્યા હોય છે; જે પોતાના દીકરાને હીરો તરીકે
લૉન્ચ કરવા માગતા હોય છે. પણ ‘રઈસ બાપકી બિગડી ઔલાદ’ જેવો દીકરો (મસ્ત એક્ટર કુણાલ
ખેમુ!) અભિનેતા બનવાનો ઇન્કાર કરતાં ઇમાનદારીથી કારણ કહે છે કે પોતાને એક્ટિંગ આવડતી
નથી. ત્યારે પપ્પા, એટલે કે દર્શનભાઇ, કહે છે, “એક્ટિંગ? યહાં એક્ટિંગ આતી કિસે હૈ?
બારહ ફ્લોપ દોગે, તેરહવીં મેં હીટ હો જાઓગે...” આ અમર સંવાદ સ્ટાર-કિડ સંજયદત્ત જેવા
કેટલાક કિસ્સાઓને લીધે કેવો વાસ્તવિક લાગે છે?
સંજુબાબાની પહેલી ફિલ્મ ‘રૉકી’ કે તે દિવસોમાં
આવેલી ‘વિધાતા’ વાચકોને યાદ હશે જ. તેમાં ક્યાંય માતા નરગીસ કે પિતા સુનિલદત્તના અભિનયની
આછી ઝલક પણ ન હતી. પરંતુ, તે પછીનાં વરસોમાં અનુભવે મંજાયેલા સંજયનો ‘વાસ્તવ’ કે ‘મુન્નાભાઇ’
સિરીઝમાંનો અભિનય જુઓ તો કેટલો બધો ફરક લાગે! એટલે તાલીમ એ સૌ મારા-તમારા પૈસે લે.
કેમ કે પબ્લિસિટી પાછળ વાપરેલા અઢળક રૂપિયાને લીધે સિનેમાના શોખીનો બિચારા ઉત્સુકતાથી
થિયેટરો પર પહોંચી જાય. તેને લીધે ટિકિટબારી
પર વકરાનો વરસાદ નહીં તો ઝરમર અમીછાંટણાં થાય તો પણ ‘હીરો’ની જેમ રોકેલાં નાણાં પરત
આવી જાય. (જેમ વકીલ કે ડોક્ટર અથવા નેતાનાં સંતાનો એમ જ ફિલ્મી સિતારાઓનાં બાળકો પણ
‘ક્ન્યાની કેડે ભાર’ મૂકીને જ સફળતાની સીડી ચઢતાં હોય છે. શરૂઆતનો એકાદ કેસ કે ઓપરેશન
અથવા રાજવહીવટ ફેઇલ જાય તો પણ રડશે રૂવાળો... કપાસિયાવાળાને કોઇ ચિંતા નહીં!) ‘હીરો’ના
કિસ્સામાં પહેલા ચાર-પાંચ દહાડામાં ૨૫ કરોડનો સાવરણો વાગી ગયો હોઇ પ્રોડ્યુસર તરીકે
સલમાનને તો ૨૭ કરોડની પડતર કિંમતવાળી એ ફિલ્મ વીલોવીલ થઈ ગઈ. તેનો નફો રોકડમાં નહીં
પણ સંબંધોમાં હશે. ફિલ્મ ઉદ્યોગમાં પરોપકારનાં કામોને લીધે એ ‘ભાઇ’ તરીકે ઓળખાય છે.
તેમાં બે સ્ટાર્સનાં બાળકોને કામધંધે લગાડવાની ક્રેડિટ ઉમેરાશે.
સલમાને સ્પોન્સર કરેલાં સ્ટાર-કિડ્સ અતિયા અને
સૂરજ અંગે મુશ્કેલી એ છે કે સુનિલ શેટ્ટી હોય કે આદિત્ય પંચોલી બેમાંથી કોઇ નરગીસ-સુનિલદત્તની
કક્ષાના કલાકારો નથી. એટલે ‘કૂવામાં હોય તો હવાડામાં આવે’ એવી કહેવતના સંદર્ભે સૂરજને
તો હજી પણ ઝરિના વહાબના ઝરણાનો સહારો હશે; પણ અતિયા (કે અતૈયા?)ને તો મોટેભાગે જાતમહેનત
ઝિંદાબાદ કરવાની રહેશે. (દેખાવમાં તો એ ‘મહેનતુ’ જ લાગે છે!) અતિયાને જો કે સુનિલ શેટ્ટીની
અભિનયની તાકાત કરતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંની તેમની ગુડવીલનો સ્ટૉક વધારે કામ લાગવાનો
છે અને તે આ અઠવાડિયે વહેતી થયેલી (કે કરાવાયેલી?) એક ન્યુઝ આઇટમથી પણ વધારે સમજાય
છે. તે મુજબ તો કરણ જોહર પોતાની એક આગામી ફિલ્મ માટે અતિયાને લેવાનું વિચારી રહ્યા
છે. તે ન્યુઝમાં મઝા એક જ છે: વિચારવામાં શું વાંધો હોય? એમ તો કરણ જોહર ‘રામ લખન’ને
નવેસરથી બનાવવા માટે રિતિક રોશન અને અભિષેક બચ્ચનને લેવાનું ‘વિચારતા’ હોવાના અહેવાલો
પણ આ અઠવાડિયે જ ક્યાં નથી આવ્યા?
એ જ પિક્ચર માટે અગાઉ એવા રિપોર્ટ આવ્યા ત્યારે
વરૂણ ધવન અને અર્જુન કપૂરનાં નામ સંભળાતાં હતાં. પછી અર્જુન કપૂરને ‘રામ’ અને રણવીરસિંગને
‘લખન’ બનાવાશે એવી ‘વિચારણા’ પણ ચાલતી હતી! એક તબક્કે રણબીર કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની
જોડી પણ ગોસીપના મેદાનમાં રમાડાતી હતી. (ચર્ચામાં રહેવા તમે સફળ નિર્માતા હો એટલું
પૂરતું નથી હોતું... સાથે ગાજર લબડતું રાખવાની કળા પણ આવડતી હોય તો સૌ કોઇ તમારી સાથે
કૉફી પીવા તૈયાર હોય અને રેપિડ ફાયર ઝીલવા પણ!) સલમાને પ્રોડ્યુસ કરેલા ‘હીરો’નો હશ્ર
જોયા પછી ચિંતા એ થાય કે ‘રામ લખન’ની હાલત ‘હીરો’ જેવી તો નહીં થાય ને? મૂળ ‘હીરો’ની
સુપરહીટ સફળતા માટે જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રીની નહીં પણ સંગીતકાર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ
અને આનંદ બક્ષીની જોડી જવાબદાર હતી. કર્ણપ્રિય સંગીત અને અર્થપૂર્ણ કવિતાઓ (લંબી જુદાઇ...)
એ હીરો-હીરોઇન હતાં! આ સત્ય પહેલીવાર પ્રોડ્યુસર બનેલા સલમાનખાન જેવા અનુભવી સ્ટારને
કેમ નહીં યાદ રહ્યું હોય? શું સુભાષ ઘઈએ પોતાની એ બ્રાન્ડનું રક્ષણ કરવાની, પ્રકાશ
ઝાની જેમ, જરૂરત નહતી?
પ્રકાશ ઝાની સફળ ફિલ્મ ‘ગંગાજલ’નો બીજો ભાગ બનાવતી
વખતે નેચરલી તેને ‘ગંગાજલ-ટુ’ કહેવાની ગણત્રી રાખી હશે. પરંતુ, આખું પિક્ચર શૂટ થઈને
રજૂ થવાની તૈયારીઓ થવા માંડી છે, ત્યારે મૂળ ફિલ્મના અત્યારના રાઇટ ધરાવનારા મેદાનમાં
આવ્યા અને એ ટાઇટલ વાપરવા સામે લિગલ નોટિસ મોકલી. એટલે પ્રકાશ ઝાએ હવે પિક્ચરનું નામ
બદલીને ‘જય ગંગાજલ’ કર્યું છે. જો પ્રથમ ‘ગંગાજલ’માં અજય દેવગન પોલીસ અધિકારી બન્યા
હતા, તો અહીં પ્રિયંકા ચોપ્રા આઇપીએસ ઓફિસર બની છે. તેથી ચિંતા એ થાય કે પેલી નોટિસમાં
શું વાંધો માત્ર ટાઇટલ અંગેનો હશે કે પછી તેમાંની વાર્તાનો પણ હશે? તેનાથી પણ મોટો
ભય એ વાતનો પણ છે કે પિક્ચરમાં વિલનની ભૂમિકા ખુદ પ્રકાશ ઝાએ નિભાવી છે. શું એ એવી
જમાવટ કરી શકશે? એ રીતે પડદા પાછળથી કેમેરાની સામે આવવાની ભૂલ છેલ્લે મુઝફરઅલીએ ‘જાનિસાર’માં
કરી હતી. તે ફિલ્મ મહિના પહેલાં ૭મી ઓગસ્ટે આવી ’ને ક્યારે તેનો નિકાલ થઈ ગયો એ પણ
કોઇને ખબર ના પડી. એટલે ‘જિસ કા કામ ઉસી કો સાજે, ઔર કરે તો બુધ્ધુ બાજે’ સમજતા ‘યશરાજ’વાળા
આદિત્ય ચોપ્રા કદી સ્ક્રિન પર ક્યાં આવે છે? ઇવન પોતાની પત્ની પ્રેગ્નન્ટ હોય (યસ,
રાની મુકરજીને સારા દિવસો જાય છે!) અને તે ‘બેબી બમ્પ’ બતાવતી જાહેર સમારંભોમાં દેખાય
તો પણ નહીં... ટીવીના પડદે તો નહીં.... છાપાના પાને પણ નહીં!!
તિખારો!
રજત શર્મા પણ સારી કટ મારી શકે છે... અને તે પણ કપિલ શર્મા
જેવા કોમેડીના સુપરસ્ટારને! તેમની ‘આપકી અદાલત’માં પોતાના પિક્ચર ‘કિસ કિસ કો પ્યાર
કરું’ના પ્રમોશન માટે આવેલા કપિલવાળા એપિસોડના ટિઝર ‘ઇન્ડિયા ટીવી’ પર ચાલે છે. (ફાઇનલ
એપિસોડમાં આ રમૂજ રહેશે કે પછી એડિટ થઈ જશે?) તેમાં રજતજી કપિલને પૂછે છે, “આપ ઔર મનમોહનસિંગજી
એક હી કોલેજ મેં પઢે હૈં, ના?” કપિલ કહે, “હા”. એટલે રજત શર્માની સ્ક્વેર કટ, “તો ફિર
ઐસા ક્યા ફર્ક પઢાઇ મેં થા કિ આપ તો ઇતના બોલતે હૈં ઔર વો......”!!
No comments:
Post a Comment