પહેલો શો થતા અગાઉ ‘ઓવરફ્લો’નો ચેક અપાયોનો વિરલ કિસ્સો!
ફિલ્મ
ઉદ્યોગમાં ત્રીજી ઓક્ટોબર સુધીમાં સમાધાન નહીં થાય તો શું તે પછી ખરેખર હડતાળ
પડશે? સિનેમાના સ્ક્રિન પર પિક્ચરમાં દેખાતી ગ્લેમરની ઝાકઝમાળ માટે પ્રોડક્શન
સેક્ટરમાં પડદા પાછળ કામ કરતા સેંકડો કર્મચારીઓ જવાબદાર હોય છે. તેમનાં યુનિયનોની
એક સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને વર્કર્સ અને નિર્માતાઓના સંગઠનો વચ્ચે
ચાલતી વાટાઘાટો નિષ્ફળ જતાં FWICEએ ત્રીજી ઓક્ટોબરથી સ્ટ્રાઇક પર જવાનું અલ્ટિમેટમ આપ્યું છે. બન્ને
સંસ્થાઓ વચ્ચે અગાઉ થયેલી સમજુતી આ વરસના ફેબ્રુઆરીમાં પૂરી થઈ ગઈ છે અને તેથી
આદર્શ પરિસ્થિતિ તો એ હોય કે તે પહેલાં નવા ‘એમઓયુ’ એટલે કે ‘મેમોરેન્ડમ ઓફ
અન્ડરસ્ટેન્ડિંગ’ પર સાઇન થઈ ગઇ હોય. ‘મગર યે હો ન સકા... ઔર અબ યે આલમ હૈ કિ...’
નવું ૨૦૧૫નું આખું વરસ પણ પૂરું થવા આવ્યું અને છતાં કશી પ્રગતિ થતી નથી.
ત્યારે બેઉ
પક્ષને મંજૂર હોય એવી ટર્મ્સ સાથે સમયસર બધું ગોઠવાઇ જાય તો સારું, નહીંતર સામે
દિવાળીના તહેવાર બગડવાનો ભય ઉભો છે. યાદ છે ને? અગાઉ ૨૦૦૮માં પણ આ જ ફેડરેશને
ઓક્ટોબર મહિનામાં પાડેલી હડતાળને કારણે બધું કામકાજ અટકી ગયું હતું. તે વખતે
અમિતાભ બચ્ચન અને શાહરૂખખાન સહિતના ઘણા સ્ટાર્સે પડદા પાછળના એ બધા ટેક્નિશ્યનો
અને કામદારોને પોતાનો ટેકો કર્યો હતો. તે વખતે એ ફેડરેશનની સભ્યસંખ્યા દોઢેક લાખ
વર્કરની હતી, જે આજે સાત વરસ પછી વધી જ હશે. એ સૌને પણ છેલ્લાં સાત વર્ષમાં મુંબઈ
જેવા મેટ્રો શહેરમાં જીવવા જે મોંઘવારીનો સામનો કરવો પડે છે તેનો અનુભવ થતો જ હશે
અને સામે પક્ષે ફિલ્મોના બિઝનેસમાં આવેલો આર્થિક ઉછાળો પણ દેખાતો જ હશે. ‘૧૦૦ કરોડ’ની
ક્લબ પણ આ જ ગાળામાં થઈ. તેને પગલે સ્ટાર્સના ભાવ કરોડોમાં થયા. જ્યારે તેમને
સ્ક્રિન પર ગ્લેમરસ દેખાડવા કામ કરતા પડદા પાછળના સૌને પોતાનો દર વધારવા હડતાળનો
સહારો લેવા સુધી વાત પહોંચે એ કેવું?
અગાઉની
અચોક્કસ મુદતની હડતાળ વખતે તમામ સ્ટુડિયો-શૂટીંગ બંધ રહ્યાં હતાં અને તેની નોંધ
ભારત જ નહીં, વર્લ્ડ મીડિયાએ લેવી પડી હતી. તે પણ ઓક્ટોબર હતો અને આ પણ ઓક્ટોબર
છે. શનિવાર ત્રીજી ઓક્ટોબર સુધીમાં કોઇ સમાધાન નહીં થાય તો સિનેમા ઉદ્યોગમાં
કામકાજ ઠપ્પ થઈ જશે. આપણે આશા રાખીએ કે આ લખાણ પ્રસિદ્ધ થતા સુધીમાં કશોક રસ્તો
નીકળ્યો હશે. કેમકે આવા સંજોગો થાય ત્યારે સ્ટાર્સની તેમજ ફેડરેશનમાં સામેલ એવા
કેમેરામેન અને જુનિયર આર્ટિસ્ટ્સથી માંડીને સાઉન્ડ એન્જિયર્સ અન્ય ટેક્નિશ્યનોની
મહિનાઓ અગાઉ લીધેલી તારીખો રદ થાય અને બધાની ડાયરીઓ નવેસરથી સેટ કરવાની થાય. વળી,
આ જ યુનિયનો ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરતાં હોઇ વધારે મુશ્કેલી રોજ આવતી
સિરીયલોના શૂટીંગની પણ થાય. તેમાં પણ સમયસર એપિસોડ ના અપાય તો ચેનલો પેનલ્ટીની
જોગવાઇ રાખતી હોય છે. સામે પક્ષે ટીવી કલાકારો સેટ પર આવી જાય એટલે તેમને પેમેન્ટ
કરવું પડે. આમ ડબલ માર પડે. એટલે દિવાળીના દિવસો ના બગડે એ માટે સૌ પ્રાર્થના કરે
છે. દિવાળીએ, સૌ જાણે છે એમ, સલમાનખાનની
‘પ્રેમ રતન ધન પાયો’ જેવી મોટી ફિલ્મની રજૂઆત પ્લાન થયેલી છે.
‘પ્રેમ રતન ધન
પાયો’માં સલમાનના એક પાત્રનું નામ ‘પ્રેમ’ છે અને ડબલ રોલના બીજાનું નામ ‘વિજય’
છે; એ તો ફિલ્મની નિર્માણ સંસ્થા ‘રાજશ્રી’એ તેમની પદ્ધતિ પ્રમાણે પબ્લિસિટી માટે
એડવાન્સમાં લીક કરેલી વિગતો પરથી બધા જાણે છે. પરંતુ, એક રસપ્રદ વાત એ છે કે
સલમાનના પાત્રનું નામ ‘પ્રેમ’ હોય એવી આ ૧૫મી ફિલ્મ હશે. (જો તમે સલમાનના સાચા
ચાહક હોવ તો ગૂગલ કર્યા વગર એ તમામનાં નામ યાદ કરી શકો છો? તમને કેટલી ફિલ્મોનાં
નામ ખબર છે એ ચકાસી શકો તે માટે લેખના
અંતે ‘તિખારા’માં એ તમામ નામો લખ્યાં છે!) સલમાનની એ ફિલ્મ આવતા પહેલાં ‘બીગ
બોસ’ની નવી સિઝન શરૂ થવાની છે અને સ્વાભાવિક રીતે જ એ શોની જે પ્રકારની લોકપ્રિયતા
છે તેનો લાભ પણ ફિલ્મને મળવાનો, જે રીતે કપિલના કોમેડી શોની પોપ્યુલારિટીનો ફાયદો
તેના પ્રથમ પિક્ચર ‘કિસ કિસ કો પ્યાર કરું’ને મળ્યો. ‘કિસ કિસ કો પ્યાર કરું’ને જે
સરસ આવકાર મળ્યો તેનાથી ટ્રેડના પંડિતો આશ્ચર્યમાં પડી ગયા છે. (તેમના સરપ્રાઇઝ
બદલ આપણા જેવા સામાન્ય પ્રેક્ષકો આશ્ચર્યમાં હશે!!)
કપિલની
કોમેડીએ તેનો એક વિશાળ ચાહકવર્ગ દુનિયા આખીમાં ઉભો કર્યો છે એ અને અબ્બાસ-મસ્તાન
સરખા દિગ્દર્શકો છે એ ધ્યાનમાં રાખીને એ પ્રોડક્ટને મૂલવનારા સૌએ ‘વિનસ’વાળા રતન
જૈન જેવી ધારણા કરી જ હોય. રતન જૈને ‘કિસ
કિસ કો પ્યાર કરું’નું ડિસ્ટ્રીબ્યુશન ખરીદેલું છે. પોતાના એ જજમેન્ટમાં એ કેટલા
આશ્વસ્ત હશે કે પિક્ચરનો ટ્રાયલ જોયા પછી તરત તેમણે એક સીલબંધ કવરમાં ‘ઓવરફ્લો’નો
એડવાન્સ ચેક નિર્માતાને આપી દીધો! ફિલ્મના બિઝનેસમાં મીનીમમ ગેરંટીની ઉપર કલેક્શન
જાય ત્યારે પ્રોડ્યુસરને ‘ઓવરફ્લો’ મળી શકે. જ્યારે અહીં તો ફિલ્મનો એકપણ શો
પબ્લિકે જોયા પહેલાં ચેક અપાયો અને રતન જૈન કેવા સાચા પડ્યા, જાણો છો? પહેલા ત્રણ
દિવસમાં જ કપિલે લગભગ ૩૦ (૨૮.૮૧) કરોડનો બિઝનેસ આપતાં ભલભલા નિષ્ણાતો માથું
ખંજવાળતા રહી ગયા છે. તેની સાથે રિલીઝ થયેલી ત્રણેય ફિલ્મો ‘ભાગ જહોની’, ‘ટાઇમ
આઉટ’ અને ખાસ તો મધુર ભંડારકરની ‘કેલેન્ડર ગર્લ્સ’ રોજના એક-દોઢ કરોડ લાવી શકી અને
કપિલની દૈનિક એવરેજ ૮-૯ કરોડની હતી!
‘કિસ કિસ કો
પ્યાર કરું’નો આ વકરો એ જાણવાથી વધારે સમજાશે કે રણબીર કપૂર અને અનુષ્કા શર્માને
ચમકાવતી આ વરસની જ ‘બોમ્બે વેલ્વેટ’નો લાઇફ ટાઇમ બિઝનેસ પણ ૩૦ કરોડનો નથી. ‘કિસ
કિસ કો પ્યાર કરું’ના લેખિત રિવ્યુ સારા નહતા. પણ બધુંય ઓડિયન્સ ક્યાં એ વાંચવા
રહે છે? તેમને તો થિયેટરમાંથી બહાર આવતા લોકો કહે કે ‘મઝા પડી ગઈ’ (કે ‘પૈસા પડી
ગયા’!) એ જ સાચો રિવ્યુ! ટૂંકમાં, કપિલ તેની પહેલી ફિલ્મમાં ૫૦ કરોડનો ધંધો અપાવશે
એવું તો કહી જ શકાય.
કપિલની આ સફળતામાં
માત્ર કોમેડી જ નથી. તેણે એ શો મારફત ઉભી કરેલી ગુડવીલની પણ એ કમાલ છે. આટલી
ગળાકાપ સ્પર્ધાના બિઝનેસમાં જ્યાં એક એક સ્ટારનો ઇગો તેમની ફી કરતાં અનેક ગણો
વધારે હોય ત્યાં બધાની સાથે પોલીટીકલી કરેક્ટ રહેવાનું અને છતાં તેમની મજાક કરતા
રહેવાનું એ બહુ અઘરું બેલેન્સિંગ એક્ટ છે. હવે ઐશ્વર્યા તેના ‘જઝ્બા’ના પ્રચાર
માટે આવવાની છે, ત્યારે તેની ગમ્મત કરવાનું અને ‘દાદી’ને કન્ટ્રોલ કરવાની એ બે
અઘરાં કામ કપિલે કરવાનાં છે. બાકી તો તેના શોમાં અમિતાભ બચ્ચનથી શાહરૂખ અને સલમાન
જેવા જે પણ હીરો-હીરોઇન આવ્યા એ બધા પોતાનું સ્ટારપણું છોડીને સામાન્ય માણસની જેમ
પેટ પકડીને હસ્યા છે. કેટલાક તો સોફા પરથી ગબડી પડ્યા હોય એવું પણ બન્યું છે.
કપિલે જ એક શોમાં ઓડિયન્સમાંથી સવાલ પૂછતાં ગંભીર થયેલા કોઇને કહ્યું હતું,
“હંસીએ.... યહાં સે તો વિનોદ ખન્ના ભી હંસ કે ગયે થે!”
તિખારો!
જો ઉપર લેખમાં કહ્યા પ્રમાણેનો પ્રયત્ન કર્યો
હોય તો સરખાવો આપની યાદી.... સલમાનના
પાત્રનું નામ ‘પ્રેમ’ હોય એવી ફિલ્મોનાં નામ: ‘મૈંને પ્યાર કિયા’, ‘અંદાઝ અપના અપના’, ‘હમ આપકે હૈં કૌન’,
‘જુડવા’, ‘દીવાના મસ્તાના’, ‘બીવી નંબર વન’, ‘સિર્ફ તુમ (ગેસ્ટ રોલ)’, ‘હમ સાથ સાથ
હૈં’, ‘ચલ મેરે ભાઇ’, ‘કહીં પ્યાર ન હો જાયે’, ‘નો એન્ટ્રી’, ‘પાર્ટનર’, ‘મૅરી
ગોલ્ડ’, ‘રેડી’ અને ‘પ્રેમ રતન ધન પાયો’!
No comments:
Post a Comment