Sunday, November 1, 2015

ફિલમની ચિલમ.... નવેમ્બર ૧, ૨૦૧૫




એવોર્ડની પણ ‘રિટર્ન પૉલીસી’ ના હોવી જોઇએ?




આજકાલ ફિલ્મ ઉદ્યોગના ધંધાર્થીઓ દિવાળી કરતાં ક્રિસ્મસની ચિંતામાં વધારે છે અને હજી તેનો કોઇ નિકાલ આવ્યો નથી. સૌને ટેન્શન છે કે ૧૮મી ડીસેમ્બરના સપ્તાહમાં શાહરૂખ અને કાજોલની રોહિત શેટ્ટી નિર્દેશિત ‘દિલવાલે’ અને રણવીર-દીપિકાની સંજય લીલા ભણશાળીની ‘બાજીરાવ મસ્તાની’ પૈકીની કઈ જો આગળ-પાછળ નહીં થાય તો બે મોટાં પિક્ચરોની ટક્કરમાં રજાઓના બિઝનેસને ભારે અસર થશે. કેમ કે બન્નેને સિનેમાગૃહો અને સ્ક્રિન્સ સંખ્યાબંધ જોઇશે. ત્યારે બાજી થિયેટરોના હાથમાં જવાની શક્યતા વધી જશે. પિક્ચર, પ્રોડ્યુસર અથવા ડિસ્ટ્રીબ્યુટરની નહીં પણ મલ્ટિપ્લેક્સની ચેઇન ધરાવનારી કંપનીઓની શરતોએ લાગશે! બે મોટી ફિલ્મો રજૂ થાય, ત્યારે સ્ક્રિન્સની ખેંચાતાણી થવી સ્વાભાવિક હોય છે. યાદ છે ને? ૨૦૧૨ની દિવાળીએ શાહરૂખની ‘જબ તક હૈ જાન’ અને અજય દેવગનની ‘સન ઓફ સરદાર’ની ટક્કર અને તેને પગલે અજયને ‘યશરાજ ફિલ્મ્સ’ સાથે થયેલો અણબનાવ?

અજયે તે દિવસોમાં ‘વાય આર એફ’ને ‘લિગલ નોટિસ’ પણ આપી હતી. તે વખતે તો યશરાજે ૧૫૦૦-૧૭૦૦ સ્ક્રિન કબજે કરી લીધાની અજયની ફરિયાદ હતી. હવે આજકાલ તો ત્રણ-ચાર હજાર સ્ક્રિન્સ બોટી લેવાની પ્રથા ચાલે છે. તેમાં પણ મલ્ટિપ્લેક્સ તો હજી સમજ્યા કે ત્યાં એક કરતાં વધારે પડદા હોય તેને લીધે એક સાથે બેઉ પિક્ચરોને સમાવી શકે. પરંતુ, સિંગલ સ્ક્રિન થિયેટરોમાં તો જે મારે તેની તલવાર જ રહેવાનીને? હવેનો ખેલ પણ એક કે બે અઠવાડિયાંનો જ હોય છે. એ પિરિયડમાં જ ટિકિટબારીની વાળી-ઝુડીને સફાઇ કરી લેવાની હોય છે. 

એક વાર પિક્ચરના રિપોર્ટ કદાચ ખરાબ થાય તો પણ એક સામટા સેંકડો બલ્કે હવે તો હજારો સ્ક્રિન્સ પર રિલીઝ થતી ફિલ્મો મોટેભાગે તેમની કૉસ્ટ તો કવર કરી લેતી જ હોય છે. જેમ કે આ કોલમમાં છેલ્લા બે સપ્તાહના ‘જૈન આર્ટિકલ્સ’ દરમિયાન આવેલી  ઐશ્વર્યા રાયની ‘જઝ્બા’, શાહીદ કપૂર અને આલિયા ભટ્ટની ‘શાનદાર’ તથા ઓછા કે નહીવત જાણીતા કલાકારોની ‘પ્યાર કા પંચનામા-૨’ના બોક્સ ઓફિસ કલેક્શનનું પંચનામું કેવું છે? ‘જઝ્બા’ ને બે વીકમાં ૨૫ કરોડનો જ વકરો મળતાં સરભર કલેક્શન મળ્યું એમ કહેવાય, (તેમાં ઇરફાનની એક્ટિંગનો ફાળો પણ ગણો તો ઐશ્વર્યાના ખાતામાં કેટલા કરોડ કહેવાય એ સવાલ ખરો!) જ્યારે ‘શાનદાર’ને પણ તેની સ્ટારકાસ્ટને અનુરૂપ બમ્પર ઓપનિંગ મળ્યા પછી પ્રથમ સપ્તાહમાં ૩૫-૪૦ કરોડ વચ્ચેની આવક થતાં કોઇને મોટો આંચકો નથી આવ્યો. હા, એ બેઉની સરખામણીએ ૧૮ કરોડની પડતર કિંમતવાળી ‘પ્યાર કા પંચનામા- ૨’નું ટોટલ ૪૯ કરોડ થતાં સુખદ આંચકો જરૂર આવ્યો છે.

તેની સાથે સાથે હવે સિનેમાના ધંધાર્થીઓમાં બદનામ એવા ‘પ્રિ-દિવાલી પિરિયડ’મા આ સપ્તાહે એક સાથે રજુ થનારી ‘મૈં ઔર ચાર્લ્સ’, ‘ગુડ્ડુ કી ગન’, ‘વન્સ અપોન એ ટાઇમ ઇન બિહાર’, ‘લવ એક્સચેન્જ’, ‘પ્રિથિપાલસિંગ’ અને ‘તિતલી’ એ ૬ પૈકીની કોઇ ફિલ્મ માટે કોઇને મોટી આશાઓ નથી. ‘મૈં ઔર ચાર્લ્સ’ જાણીતા ક્રિમિનલ ચાર્લ્સ શોભરાજની વાર્તા હોઇ તેને કદાચ છોટા રાજનને ભારત પરત લઈ અવાયાના ન્યુઝનો કોઇ ફાયદો મળવાની આશા તેના સર્જકો રાખી શકે. એ જ રીતે ‘ગુડ્ડુ કી ગન’ એ એક એડલ્ટ કોમેડી છે, જેને એક વિશેષ વર્ગ કદાચ મળી શકે. પરંતુ, આ બધામાં ‘તિતલી’ જુદી કક્ષાની ફિલ્મ છે. તેને ‘યશરાજ ફિલ્મ્સ’ અને આદિત્ય ચોપ્રાનો ટેકો છે. આ પિક્ચર ગયા વરસનું તૈયાર છે અને અત્યાર સુધીમાં ૨૦ કરતાં વધુ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજુ કરાયું છે. તેમજ આંતરરાષ્ટ્રીય વિવચકોની પ્રશંસા તેમ જ એવોર્ડ્સ પણ મેળવી ચૂકી હોવા છતાં (કે પછી એટલે જ!) તેને ‘પ્રિ-દિવાલી’ વીકમાં ‘ખાલી જગ્યા ભરો’ની રીતે રિલીઝ કરાઇ રહ્યું છે.
‘તિતલી’ જો કે ન્યુઝમાં રહેશે તેને મળેલા એવોર્ડ્સ કરતાં પરત કરાયેલા પુરસ્કાર માટે!‘તિતલી’ના દિગ્દર્શક દિબાકર બેનરજીનું નામ પણ ગયા સપ્તાહે નેશનલ એવોર્ડ પરત કરનારા ફિલ્મી કસબીઓમાં હતું. તેમને ‘ખોસલા કા ઘોસલા’ જેવી અદભૂત ફિલ્મ માટે મળેલો રાષ્ટ્રીય પુરસ્કાર બેનરજી બાબુએ પરત કર્યો છે. આમ જુઓ તો જેમણે ‘એવોર્ડ વાપસી’ કરી છે તે સિને-કસબીઓ પૈકીના દિબાકર એક એવા છે જેમને કોમર્શિયલ સિનેમામાં ‘ખોસલા કા ઘોસલા’ જેવી મનોરંજક ફિલ્મ બનાવવા બદલ સામાન્ય લોકો જાણતા હોય. તેથી તેમને એવોર્ડ વાપસીની ચર્ચાઓને લીધે મળનારી પબ્લિસિટિનો ફાયદો કદાચ ‘તિતલી’ને થાય. પરંતુ, જે રીતે સરકારનો વિરોધ કરવા વિવિધ પુરસ્કારો પરત કરવાનો સિલસિલો ચાલ્યો છે, તે જોતાં એમ થાય છે કે એવોર્ડ આપનારી સંસ્થાઓએ નિયમ બનાવવા પડશે. વિદેશોમાં જેમ દરેક સ્ટોરની ‘રિટર્ન પોલીસી’ હોય છે, એવું જ કાંઇક!

પરદેશમાં ‘વોલમાર્ટ’ કે ‘ટાર્ગેટ’ જેવા મોટા સ્ટોર્સમાંથી લીધેલી વસ્તુ કોઇ કારણસર તમારે પરત કરવી હોય તો સાત દિવસ કે ૩૦ દિવસ અથવા કોઇકમાં ત્રણ મહિના સુધીનો સમય અપાતો હોય છે. એ પિરિયડમાં પરત કરો તો જ તે પાછો લેવાય. પછી નહીં! એવોર્ડ નકારવાના બનાવો હિન્દી ફિલ્મોમાં અગાઉ બન્યા છે, પણ પાછા આપવાના કદાચ નહીં. યાદ હોય તો બિમલ રોયના ‘દેવદાસ’માં દિલીપ કુમાર સાથે ‘ચંદ્રમુખી’ બનનાર વૈજયંતિમાલાને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો ફિલ્મફેર એવોર્ડ જાહેર થયો; ત્યારે તેમણે એમ કહીને તે લેવાનો ઇનકાર કર્યો હતો કે પોતે તો પિક્ચરની નાયિકા છે. તેથી ‘બેસ્ટ એક્ટ્રેસ’નો પુરસ્કાર મળવો જોઇએ. એ જ રીતે પ્રાણ સાહેબે પણ પોતાનો ‘ફિલ્મફેર એવોર્ડ’ એટલા માટે નહતો લીધો કે તે વર્ષે શ્રેષ્ઠ સંગીતકાર શંકર જયકિશન ઠર્યા હતા, જ્યારે પ્રાણ માનતા હતા કે એ એવોર્ડ ‘પાકીઝા’ના સદાબહાર મ્યુઝિક માટે ગુલામ મહંમદને મળવો જોઇતો હતો. મઝા એ હતી કે શંકર-જયકિશન અને પ્રાણ બન્નેને એવોર્ડ એક જ ફિલ્મ માટે મળ્યો હતો, જેનું નામ હતું ‘બેઇમાન’!


પ્રાણે પોતાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો તે ‘બેઇમાન’ની ટીમના જ સંગીત સામે વાંધો લઈને પુરસ્કાર ઠુકરાવવાની હિંમત બતાવી હતી, જે આજે પણ નિષ્પક્ષતાની મિસાલ તરીકે ટાંકવામાં આવે છે. પરંતુ, સાહિર લુધિયાનવી તો તેનાથી પણ એક ડગલું આગળ ગયા હતા. સાહિરે ૧૯૬૩ના ફિલ્મફેર એવોર્ડ વિજેતાઓની યાદીમાં ‘તાજમહલ’માં પોતે લખેલા ગીત ‘જો વાદા કિયા વો નિભાના પડેગા..’ માટે પોતાનું નામ જોયું અને શું કહ્યું? સાહિરે જાહેરમાં કહ્યું કે “આ વર્ષના શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ શૈલેન્દ્રને મળવો જોઇએ... મને નહીં!” સાહિર ‘બંદિની’ ફિલ્મમાંના મન્નાડેએ ગાયેલા દેશદાઝવાળા ગીત ‘મત રો માતા લાલ તેરે બહુતેરે...’ને પોતાના પ્રણયગાન ‘જો વાદા કિયા વો નિભાના પડેગા..’ કરતાં બહેતર, બલ્કે શ્રેષ્ઠ, ગણાવીને પુરસ્કાર સમારોહમાં ગયા નહીં અને એવોર્ડ પણ લીધો નહીં. આને ના કહેવાય ખરી ‘એવોર્ડ વાપસી’?

  

તિખારો!

‘એવોર્ડ વાપસી’ને વખાણતી અને વખોડતી ઓનલાઇન કોમેન્ટ્સ પૈકીની એક આવી પણ હતી: “આ અંતરાત્માના અવાજનો કિસ્સો પણ હોઇ શકે. એવોર્ડ પરત કરનારા મહાનુભાવોએ પોતાની ફિલ્મને ફરી એકવાર જોઇ હોય અને તેમનો અંતરાત્મા જાગ્યો હોય કે મારું સર્જન આટલા મોટા રાષ્ટ્રીય પુરસ્કારને લાયક નહતું અને તેથી પણ એ પરત કરતા હોય!!”  

Sunday, October 25, 2015

ફિલમની ચિલમ... ૨૫ ઓક્ટોબર, ૨૦૧૫




હિન્દી સિને સંગીતના આધુનિક ‘સુરદાસ’ રવીન્દ્ર જૈન!
 

મીઠી મીઠી ભારતીય તર્જોના સંગીતકાર અને સમર્થ કવિ રવીન્દ્ર જૈનની શરૂઆત ભલે ‘કાંચ ઔર હીરા’ જેવી સાવ અજાણ્યા કલાકારોની ફિલ્મથી થઈ હતી, જેમાં હીરો હતા પંકજ અને હીરોઇન શાહિન! છતાં તેમાં પણ રફી સાહેબનું એક અમર ગીત આપ્યું જ હતું. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવતને સાચી પાડે એવું મજબુત એ ગીત તેમણે પોતે જ લખ્યું હતું. તેના શરૂઆતના આ શબ્દો સાંભળો તો થાય કે રવીન્દ્ર જૈન પોતાનું આત્મકથન કહેતા હતા.....

“નજર આતી નહીં મંઝિલ,
તડપને સે ભી ક્યા હાસિલ,
તકદીર મેં અય મેરે દિલ અંધેરે હી અંધેરે હૈં’!  

આગળ ઉપર એ જ ગીતમાંની આ પંક્તિઓ જુઓ, “નૈંનો સે યું છિન ગઈ જ્યોતિ, સીપ સે જૈસે મોતી...”! એવી જ એક આ શાયરી પણ હ્રદય સોંસરી ઉતરી જાય એવી છે. ગૌર ફરમાઇયેગા..

“ગીત ગાતે હૈં ગુનગુનાતે હૈં, દિલ મેં રખતે હૈં દિલ કે દાગોં કો,
હમ તો દાન ભી કર દેં આંખો કો, પર કૌન લેગા બુઝે ચિરાગોં કો”! 

તેમને માટે પ્રથમ ગીત ગાનાર એ અમર ગાયક અને અલ્લાહના આદમી જેવા સાલસ સ્વભાવના મોહમ્મદ રફી સાહેબ ગુજરી ગયા, ત્યારે રવીન્દ્ર જૈને તેમને શ્રદ્ધાંજલિ આપતાં આવી કવિતા કરી હતી...
નગ્મેં તો તેરે ફિર ભી સુને જાયેંગે લેકિન,
કુછ તેરી જરૂરત હમેં ઇસ કે ભી સિવા થી
નાખુશ હૈ ખુદા અપને ફરિશ્તોં સે, નહીં તો
ધરતી કે ફરિશ્તે કી ઉસે જરૂરત ક્યા થી?


રફી સાહેબની  ૩૩મી પૂણ્યતિથિએ તેમણે ફરી એકવાર રફી સાહેબને યાદ કરતાં આવી શાયરી કરી હતી...

અલ્લાહ, વો રોજા થા કિ થા રોજા-એ-કયામત
ઇફ્તારી કા થા વક્ત ઉધર સર પે કઝા થી
હાજી થા, નમાઝી થા, બડા નેક થા બંદા
ક્યા ઇસકે અલાવા ભી કોઇ ઉસકી ખતા થી?


એટલે સંગીતકાર તરીકેની તેમની કરિયરમાં તેમણે રચેલાં એક એકથી ચઢિયાતાં આલ્બમની પ્રશંસાઓ અને ચર્ચાઓ ખુબ થઈ છે અને હજી થયા કરશે. જેમ કે ‘ચોર મચાયે શોર’ના ગીત ‘ઘૂંઘરુ કી તરહ બજતા હી રહા હું મૈં...’ને ઘણા કિશોરકુમારનાં સ-રસ ગંભીર ગાયનોમાં સામેલ કરતા હોય છે. એ ગીતના રેકોર્ડિંગના દિવસે અન્ય એક સંગીતકારને પણ સમય આપ્યો હતો. પરંતુ, રિહર્સલ દરમિયાન જ કિશોરદાને અંદાજ આવી ગયો હતો કે ખરજમાં શરૂ થઈને ઊંચા સ્વરોમાં પ્રવાસ કરતું આ ગીત તેમની કરિયરનું એક ઉત્કૃષ્ટ સર્જન થવાનું હતું. તેથી પેલા અન્ય મ્યુઝિક ડીરેક્ટરને બેઠક રદ કરવા સંદેશો મોકલી દઈ પોતે ‘દાદુ’ સાથે નિરાંતે ગોઠવાઇ ગયા!

પરંતુ, પાશ્ચાત્ય સંગીતને બદલે ભારતીય સંગીતને અને ખાસ તો ઢોલક, તબલાં, નાલ, પખાવજ જેવાં તાલ-વાદ્યોને વળગી રહેનારા ગણત્રીના સંગીતકાર તરીકે તેમનું સ્થાન અવિચળ રહેવાનું છે. પરંતુ, અગાઉ કહ્યું છે એમ, એક કવિની હૈસિયતથી પણ તેમનું અલાયદું મૂલ્યાંકન થવું જોઇએ. (ગીતો રચવાની તેમની કાબેલિયતમાં વધારો થાય એવો એક સંજોગ ૧૯૮૨માં થયો, જ્યારે કવિયત્રી દિવ્યા જૈન સાથે તેમનાં લગ્ન થયાં હતાં!) કવિ અને સંગીતકાર ઉપરાંત એક ગાયક તરીકે પણ તેમનો રુતબો અલગ જ હતો. તેમને ‘રામાયણ’ સિરીયલના દરેક હપ્તામાં પ્રસંગને અનુરૂપ કવિતાઓ લખતા અને અન્ય ગાયકો ઉપરાંત પોતે પણ ગાતા એ કોણ ભૂલી શકે? તેમનો અવાજ તાર સપ્તકમાં આસાનીથી જઈ શકતો અને તેને લીધે તેમની સંગીત રચના ગાવામાં ખુદ લતા મંગેશકરને ખચકાટ થતો. 

જીવનસંગિનિ દિવ્યાજી સાથે એક સમારંભમાં

લતાજીએ ‘સૌદાગર’નું ગીત ‘તેરા મેરા સાથ રહે...’ની અંતરાની બંદીશ સાંભળીને રવીન્દ્ર જૈનને પૂછ્યું હતું, “ખરેખર આ મારાથી ગવાશે?” એ પ્રસંગ યાદ કરતાં લતા મંગેશકરે તાજેતરમાં એક શ્રદ્ધાંજલિ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે “તે વખતે મને ‘આરઝૂ’નું ‘અજી રૂઠકર અબ કહાં જાઇયેગા, જહાં જાઇયેગા હમેં પાઇયેગા...’ યાદ આવી ગયું હતું.” સંગીતના ઇતિહાસને જાણનારા સૌને ખબર છે કે એ ગીતના રિહર્સ્લ-રેકોર્ડિંગ વખતે લતાજીએ શંકર-જયકિશનને પૂછ્યું હતું કે “આપ લોગ કિસ જનમ કા બદલા લે રહે હૈં!” (ક્યારેક સમય મળે તો ‘અજી રૂઠકર..’ સાંભળજો અને સાથે સાથે અંતરો ગાવાનો ખાલી પ્રયત્ન કરી જો જો.)

 એ જ લતાજી પાસે તેમણે ‘રામ તેરી ગંગા મૈલી’માં ટાઇટલ ગીતમાં હોય કે ‘હીના’ના ‘ચિઠ્ઠીયે દર્દ ફિરાક વાલિયે, લે જા લે જા સંદેસા સોણે યાર દા’ જે ઊંચા સ્વરમાં ગવડાવ્યું છે, તેમાં રવીન્દ્ર જૈનનો ટ્રેડમાર્ક દેખાય છે. ‘રામ તેરી...’ તેમને મળ્યું તેનો ઇતિહાસ પણ આમ તો જાણીતો જ છે કે એક લગ્ન સમારંભની ખાનગી બેઠકમાં રાજકપૂરે તેમને સાંભળ્યા અને વાત બની ગઈ હતી. તે મહેફિલમા રવીન્દ્ર જૈને પોતાની રચના શરૂ કરી....
‘ઇક રાધા, ઇક મીરા, દોનોં ને શ્યામ કો ચાહા, 
અંતર ક્યા દોનોં કી ચાહ મેં બોલો, 
ઇક પ્રેમ દીવાની ઇક દરસ દીવાની..’ 

 અને મુખડું પુરું થતાંમાં તો રાજકપૂર બોલી ઉઠ્યા, “આ ગીત કોઇને આપ્યું તો નથીને?”  દાદુ કહે “આપી દીધું છે...” હજી રાજસાહેબ ‘કોને?’ એમ પૂછે તે પહેલાં કવિ કહે, “રાજકપૂરને!!" તત્કાળ રાજકપૂરે બાજુમાં બેઠેલા ઝુનઝુનવાલા પાસેથી સવા રૂપિયો ઉછીનો લઈને એ ગીત અને સંગીતકાર બન્નેને બોટી લીધા! પછીની મઝા એ હતી કે રાજકપૂર પોતાના સંગીતકારને ગંગા નદીના કિનારે લઈ ગયા અને ત્યાં બેસીને ટાઇટલ ગીત વિચારવા કહ્યું. પોતાના આર્ટિસ્ટ પાસે કામ લેવા રાજસા’બ કેવા લાડ લડાવતા તેનો પણ આ એક દાખલો છે. ગંગા કિનારે બેસીને રવીન્દ્ર જૈનને પિક્ચરના શિર્ષકને અનુરૂપ કેવા અર્થપૂર્ણ શબ્દો સૂઝ્યા? 
‘ગંગા હમારી કહે બાત યે રોતે રોતે, 
 રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીયોં કે પાપ ધોતે ધોતે...”! 
 

શ્રદ્ધાળુઓની બેદરકારીને લીધે ગંદી થઈ ગયેલી ગંગાના એ સ્વરૂપને દુષ્કર્મોથી મુક્તિ મેળવવા કરાતા તેના પવિત્ર સ્નાન સાથે જોડી દેવાથી કેવી ચોટદાર કવિતા બની! દેખીતી કચરા-પ્લાસ્ટિક વગેરેની ગંદકીની સાથે સાથે ‘પાપીઓં કે પાપ’ પણ ગંગામાં એક ડૂબકી લગાવવાથી ધોવાઇ જતાં હોય તો પછી એ પાપોનો ગંદવાડ પણ તેમાં જ રહ્યો છે એવો સુક્ષ્મ અર્થ પણ આપીને એ કવિતાને એક નવી જ ઊંચાઇ બક્ષી હતી.
એ આટલાં અર્થસભર ગીતો લખતા અને  એ જ કલમથી ‘પતિ પત્ની ઔર વોહ’માં એક મજેદાર કોમેડી ગીત પણ નીકળ્યું. યાદ છેને? સંજીવકુમાર હાથમાં લોટા સાથે ધ્રુજતા ધ્રુજતા મહેન્દ્ર કપૂરના સ્વરમાં રવીન્દ્ર જૈનની લખેલી આ પંક્યિઓ લલકારે છે...‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે, ગાના આયે યા ન આયે ગાના ચાહિયે’! (લતાજીએ તેમની અંજલિમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દાદુ જ્યારે મળે ત્યારે ‘રિયલી ફની જોક્સ’ પણ સંભળાવતા.)

જો કે લતા મંગેશકરને બદલે રવીન્દ્ર જૈને પોતાનાં ઠેઠ કલકતાનાં સાથી હેમલતા પાસે જ મોટાભાગનાં શરૂઆતી ગીતો ગવડાવ્યાં હતાં. (તેમની પ્રથમ ફિલ્મ ‘કાંચ ઔર હીરા’માં પણ હેમલતાનું એક ગીત હતું!) તેમણે જસપાલસિંગ જેવા હિન્દી સિનેમા માટે સાવ અજાણ્યા ગાયકને લાવીને ‘ગીત ગાતા ચલ’ના દિવસોમાં જે હલચલ મચાવી હતી તે હજીય યાદ છે. એ જ રીતે યેસુદાસને મલયાલમ ફિલ્મોમાંથી ‘જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના’ કે પછી ‘તુ જો મેરે સુર મેં સુર મિલા લે...’ જેવાં ગાયનો સાથે મુંબઈના સિનેસંગીતમાં અધિકારપૂર્વક જગ્યા કરી આપી. તો સુરેશ વાડકરને શાસ્ત્રીય સંગીતની એક સ્પર્ધાના જજ તરીકે તેમણે પારખ્યા અને વિજેતા જાહેર કર્યા હતા. એ સૌ પણ રવીન્દ્ર જૈનના વિવિધ સમારંભોમાં ઉપસ્થિત રહેતા, જે સંબંધો જાળવવાની ‘દાદુ સ્ટાઇલ’ને પણ આભારી કહી શકાય.

 
એટલે તેમના દેહાવસાન પછીની પ્રાર્થનાસભામાં સુરેશ વાડકર, ઉદિત નારાયણ, અનુપ જલોટા, પીનાઝ મસાણી, દુર્ગા જસરાજ, ભપ્પી લહેરી, લલિત પંડિત વગેરે જેવા સંગીતના કલાકારોની સાથે જ ‘હીના’ના ડાયરેક્ટર રણધીર કપૂર અને રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બડજાત્યા સહિતના સૌ હાજર હતા. તેમાં હેમામાલિની પણ ઉપસ્થિત હતાં, જેમની ટેલીસિરીઝ ‘નૂપુર’માં દાદુનું સંગીત હતું. સાથે સાથે એ પણ હકીકત છે કે ’૯૦ના દશક પછી મ્યુઝિકમાં પાશ્ચાત્ય રિધમનું પ્રમાણ વધતાં તેમનું કામ ઘટતું ચાલ્યું. પછી તો તેમની વરસે એકાદ-બે ફિલ્મો આવતી હતી. એ અવકાશના સમયમાં તેમણે એક પુસ્તક ‘દિલ કી નઝર સે’ પણ લખ્યું (લખાવ્યું). એટલું જ નહીં, તેના વિમોચનમાં મુખ્ય મહેમાન તરીકે રેખા અને હેમામાલિની જેવી એક સમયની સુપરસ્ટાર હીરોઇનો ઉપસ્થિત પણ રહી. 


હજી આ વરસે જ ૮મી એપ્રિલ, ૨૦૧૫ના રોજ તેમને ભારતની સમગ્ર પ્રજાના આદર જેવું પદ્મશ્રીનું સન્માન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુકરજીના હસ્તે અર્પણ થયું હતું! આમ, સિનેમા જેવા વિઝ્યુઅલના માધ્યમમાં ચર્મચક્ષુઓના અભાવમાં પણ આટલી સરસ કાવ્ય રચનાઓ અને ભારતીય સંગીતની સરવાણીઓ વહાવનાર રવીન્દ્ર જૈનનું જીવન કોઇ પણ નિરાશ વ્યક્તિને પ્રેરણા આપી શકે એવું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપતાં તેમની જ એક શાયરી યાદ કરીએ. પોતાનાં પ્રજ્ઞાચક્ષુઓ વિશે સ્ટેજ પ્રોગ્રામમાં તે કાયમ પોતાનો આ શેર કહેતા....

“ચાંદ સૂરજ કે જો હો ખુદ મોહતાજ, ભીખ ન માંગો ઉન ઉજાલોં કી,
બંધ આંખોં સે કરો ઐસે કામ, કિ આંખ ખુલ જાય આંખવાલોં કી..”!