એવોર્ડની પણ ‘રિટર્ન પૉલીસી’ ના હોવી જોઇએ?
આજકાલ ફિલ્મ ઉદ્યોગના ધંધાર્થીઓ દિવાળી કરતાં ક્રિસ્મસની ચિંતામાં વધારે છે
અને હજી તેનો કોઇ નિકાલ આવ્યો નથી. સૌને ટેન્શન છે કે ૧૮મી ડીસેમ્બરના સપ્તાહમાં
શાહરૂખ અને કાજોલની રોહિત શેટ્ટી નિર્દેશિત ‘દિલવાલે’ અને રણવીર-દીપિકાની સંજય
લીલા ભણશાળીની ‘બાજીરાવ મસ્તાની’ પૈકીની કઈ જો આગળ-પાછળ નહીં થાય તો બે મોટાં
પિક્ચરોની ટક્કરમાં રજાઓના બિઝનેસને ભારે અસર થશે. કેમ કે બન્નેને સિનેમાગૃહો અને
સ્ક્રિન્સ સંખ્યાબંધ જોઇશે. ત્યારે બાજી થિયેટરોના હાથમાં જવાની શક્યતા વધી જશે.
પિક્ચર, પ્રોડ્યુસર અથવા ડિસ્ટ્રીબ્યુટરની નહીં પણ મલ્ટિપ્લેક્સની ચેઇન ધરાવનારી
કંપનીઓની શરતોએ લાગશે! બે મોટી ફિલ્મો રજૂ થાય, ત્યારે સ્ક્રિન્સની ખેંચાતાણી થવી
સ્વાભાવિક હોય છે. યાદ છે ને? ૨૦૧૨ની દિવાળીએ શાહરૂખની ‘જબ તક હૈ જાન’ અને અજય
દેવગનની ‘સન ઓફ સરદાર’ની ટક્કર અને તેને પગલે અજયને ‘યશરાજ ફિલ્મ્સ’ સાથે થયેલો
અણબનાવ?
અજયે તે દિવસોમાં ‘વાય આર એફ’ને ‘લિગલ નોટિસ’ પણ આપી હતી. તે વખતે તો યશરાજે
૧૫૦૦-૧૭૦૦ સ્ક્રિન કબજે કરી લીધાની અજયની ફરિયાદ હતી. હવે આજકાલ તો ત્રણ-ચાર હજાર સ્ક્રિન્સ
બોટી લેવાની પ્રથા ચાલે છે. તેમાં પણ મલ્ટિપ્લેક્સ તો હજી સમજ્યા કે ત્યાં એક
કરતાં વધારે પડદા હોય તેને લીધે એક સાથે બેઉ પિક્ચરોને સમાવી શકે. પરંતુ, સિંગલ
સ્ક્રિન થિયેટરોમાં તો જે મારે તેની તલવાર જ રહેવાનીને? હવેનો ખેલ પણ એક કે બે
અઠવાડિયાંનો જ હોય છે. એ પિરિયડમાં જ ટિકિટબારીની વાળી-ઝુડીને સફાઇ કરી લેવાની હોય
છે.
એક વાર પિક્ચરના રિપોર્ટ કદાચ ખરાબ થાય તો પણ એક સામટા સેંકડો બલ્કે હવે તો
હજારો સ્ક્રિન્સ પર રિલીઝ થતી ફિલ્મો મોટેભાગે તેમની કૉસ્ટ તો કવર કરી લેતી જ હોય
છે. જેમ કે આ કોલમમાં છેલ્લા બે સપ્તાહના ‘જૈન આર્ટિકલ્સ’ દરમિયાન આવેલી ઐશ્વર્યા રાયની ‘જઝ્બા’, શાહીદ કપૂર અને આલિયા
ભટ્ટની ‘શાનદાર’ તથા ઓછા કે નહીવત જાણીતા કલાકારોની ‘પ્યાર કા પંચનામા-૨’ના બોક્સ
ઓફિસ કલેક્શનનું પંચનામું કેવું છે? ‘જઝ્બા’ ને બે વીકમાં ૨૫ કરોડનો જ વકરો મળતાં
સરભર કલેક્શન મળ્યું એમ કહેવાય, (તેમાં ઇરફાનની એક્ટિંગનો ફાળો પણ ગણો તો ઐશ્વર્યાના ખાતામાં કેટલા કરોડ કહેવાય એ સવાલ ખરો!) જ્યારે ‘શાનદાર’ને પણ તેની સ્ટારકાસ્ટને અનુરૂપ
બમ્પર ઓપનિંગ મળ્યા પછી પ્રથમ સપ્તાહમાં ૩૫-૪૦ કરોડ વચ્ચેની આવક થતાં કોઇને મોટો
આંચકો નથી આવ્યો. હા, એ બેઉની સરખામણીએ ૧૮ કરોડની પડતર કિંમતવાળી ‘પ્યાર કા
પંચનામા- ૨’નું ટોટલ ૪૯ કરોડ થતાં સુખદ આંચકો જરૂર આવ્યો છે.
તેની સાથે સાથે હવે સિનેમાના ધંધાર્થીઓમાં બદનામ એવા ‘પ્રિ-દિવાલી પિરિયડ’મા
આ સપ્તાહે એક સાથે રજુ થનારી ‘મૈં ઔર ચાર્લ્સ’, ‘ગુડ્ડુ કી ગન’, ‘વન્સ અપોન એ ટાઇમ
ઇન બિહાર’, ‘લવ એક્સચેન્જ’, ‘પ્રિથિપાલસિંગ’ અને ‘તિતલી’ એ ૬ પૈકીની કોઇ ફિલ્મ
માટે કોઇને મોટી આશાઓ નથી. ‘મૈં ઔર ચાર્લ્સ’ જાણીતા ક્રિમિનલ ચાર્લ્સ શોભરાજની
વાર્તા હોઇ તેને કદાચ છોટા રાજનને ભારત પરત લઈ અવાયાના ન્યુઝનો કોઇ ફાયદો મળવાની
આશા તેના સર્જકો રાખી શકે. એ જ રીતે ‘ગુડ્ડુ કી ગન’ એ એક એડલ્ટ કોમેડી છે, જેને એક
વિશેષ વર્ગ કદાચ મળી શકે. પરંતુ, આ બધામાં ‘તિતલી’ જુદી કક્ષાની ફિલ્મ છે. તેને
‘યશરાજ ફિલ્મ્સ’ અને આદિત્ય ચોપ્રાનો ટેકો છે. આ પિક્ચર ગયા વરસનું તૈયાર છે અને
અત્યાર સુધીમાં ૨૦ કરતાં વધુ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજુ કરાયું છે. તેમજ
આંતરરાષ્ટ્રીય વિવચકોની પ્રશંસા તેમ જ એવોર્ડ્સ પણ મેળવી ચૂકી હોવા છતાં (કે પછી
એટલે જ!) તેને ‘પ્રિ-દિવાલી’ વીકમાં ‘ખાલી જગ્યા ભરો’ની રીતે રિલીઝ કરાઇ રહ્યું
છે.
‘તિતલી’ જો કે ન્યુઝમાં રહેશે તેને મળેલા એવોર્ડ્સ કરતાં પરત કરાયેલા
પુરસ્કાર માટે!‘તિતલી’ના દિગ્દર્શક દિબાકર બેનરજીનું નામ પણ ગયા સપ્તાહે નેશનલ
એવોર્ડ પરત કરનારા ફિલ્મી કસબીઓમાં હતું. તેમને ‘ખોસલા કા ઘોસલા’ જેવી અદભૂત ફિલ્મ
માટે મળેલો રાષ્ટ્રીય પુરસ્કાર બેનરજી બાબુએ પરત કર્યો છે. આમ જુઓ તો જેમણે
‘એવોર્ડ વાપસી’ કરી છે તે સિને-કસબીઓ પૈકીના દિબાકર એક એવા છે જેમને કોમર્શિયલ
સિનેમામાં ‘ખોસલા કા ઘોસલા’ જેવી મનોરંજક ફિલ્મ બનાવવા બદલ સામાન્ય લોકો જાણતા
હોય. તેથી તેમને એવોર્ડ વાપસીની ચર્ચાઓને લીધે મળનારી પબ્લિસિટિનો ફાયદો કદાચ ‘તિતલી’ને
થાય. પરંતુ, જે રીતે સરકારનો વિરોધ કરવા વિવિધ પુરસ્કારો પરત કરવાનો સિલસિલો
ચાલ્યો છે, તે જોતાં એમ થાય છે કે એવોર્ડ આપનારી સંસ્થાઓએ નિયમ બનાવવા પડશે.
વિદેશોમાં જેમ દરેક સ્ટોરની ‘રિટર્ન પોલીસી’ હોય છે, એવું જ કાંઇક!
પરદેશમાં ‘વોલમાર્ટ’ કે ‘ટાર્ગેટ’ જેવા મોટા સ્ટોર્સમાંથી લીધેલી વસ્તુ કોઇ
કારણસર તમારે પરત કરવી હોય તો સાત દિવસ કે ૩૦ દિવસ અથવા કોઇકમાં ત્રણ મહિના સુધીનો
સમય અપાતો હોય છે. એ પિરિયડમાં પરત કરો તો જ તે પાછો લેવાય. પછી નહીં! એવોર્ડ
નકારવાના બનાવો હિન્દી ફિલ્મોમાં અગાઉ બન્યા છે, પણ પાછા આપવાના કદાચ નહીં. યાદ
હોય તો બિમલ રોયના ‘દેવદાસ’માં દિલીપ કુમાર સાથે ‘ચંદ્રમુખી’ બનનાર વૈજયંતિમાલાને
‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો ફિલ્મફેર એવોર્ડ જાહેર થયો; ત્યારે તેમણે એમ કહીને તે
લેવાનો ઇનકાર કર્યો હતો કે પોતે તો પિક્ચરની નાયિકા છે. તેથી ‘બેસ્ટ એક્ટ્રેસ’નો
પુરસ્કાર મળવો જોઇએ. એ જ રીતે પ્રાણ સાહેબે પણ પોતાનો ‘ફિલ્મફેર એવોર્ડ’ એટલા માટે
નહતો લીધો કે તે વર્ષે શ્રેષ્ઠ સંગીતકાર શંકર જયકિશન ઠર્યા હતા, જ્યારે પ્રાણ
માનતા હતા કે એ એવોર્ડ ‘પાકીઝા’ના સદાબહાર મ્યુઝિક માટે ગુલામ મહંમદને મળવો જોઇતો
હતો. મઝા એ હતી કે શંકર-જયકિશન અને પ્રાણ બન્નેને એવોર્ડ એક જ ફિલ્મ માટે મળ્યો
હતો, જેનું નામ હતું ‘બેઇમાન’!
પ્રાણે પોતાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો તે ‘બેઇમાન’ની ટીમના જ સંગીત
સામે વાંધો લઈને પુરસ્કાર ઠુકરાવવાની હિંમત બતાવી હતી, જે આજે પણ નિષ્પક્ષતાની
મિસાલ તરીકે ટાંકવામાં આવે છે. પરંતુ, સાહિર લુધિયાનવી તો તેનાથી પણ એક ડગલું આગળ
ગયા હતા. સાહિરે ૧૯૬૩ના ફિલ્મફેર એવોર્ડ વિજેતાઓની યાદીમાં ‘તાજમહલ’માં પોતે લખેલા
ગીત ‘જો વાદા કિયા વો નિભાના પડેગા..’ માટે પોતાનું નામ જોયું અને શું કહ્યું?
સાહિરે જાહેરમાં કહ્યું કે “આ વર્ષના શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ શૈલેન્દ્રને મળવો
જોઇએ... મને નહીં!” સાહિર ‘બંદિની’ ફિલ્મમાંના મન્નાડેએ ગાયેલા દેશદાઝવાળા ગીત ‘મત
રો માતા લાલ તેરે બહુતેરે...’ને પોતાના પ્રણયગાન ‘જો વાદા કિયા વો નિભાના પડેગા..’
કરતાં બહેતર, બલ્કે શ્રેષ્ઠ, ગણાવીને પુરસ્કાર સમારોહમાં ગયા નહીં અને એવોર્ડ પણ
લીધો નહીં. આને ના કહેવાય ખરી ‘એવોર્ડ વાપસી’?
તિખારો!
‘એવોર્ડ વાપસી’ને વખાણતી અને વખોડતી ઓનલાઇન
કોમેન્ટ્સ પૈકીની એક આવી પણ હતી: “આ અંતરાત્માના અવાજનો કિસ્સો પણ હોઇ શકે. એવોર્ડ
પરત કરનારા મહાનુભાવોએ પોતાની ફિલ્મને ફરી એકવાર જોઇ હોય અને તેમનો અંતરાત્મા
જાગ્યો હોય કે મારું સર્જન આટલા મોટા રાષ્ટ્રીય પુરસ્કારને લાયક નહતું અને તેથી પણ
એ પરત કરતા હોય!!”
Very nice article with very good informations pertaining to refusal of awards by Sahir and Vaijayantimala.
ReplyDelete