Sunday, December 30, 2012

ફિલમની ચિલમ - ૩૦ ડીસેમ્બર, ૨૦૧૨


 એવોર્ડની મૌસમ આવી અને લાવી એક ‘પાકીઝા’ યાદ!

આવતી કાલે ૨૦૧૨નું વર્ષ વિદાય થઇ જશે અને પછી સિઝન શરૂ થશે વાર્ષિક સરવૈયાંની. દરેક ચેનલ કે અખબાર/સામયિક પોતાની રીતે ફિલ્મી દુનિયાના ‘ટૉપ ટૅન’ સમાચાર આપશે. કોઇના મતે ‘એક થા ટાઇગર’નો બસ્સો કરોડનો બિઝનેસ મોટા સમાચાર હશે તો અન્ય માટે વિદ્યાબાલનનાં લગ્ન! ક્યાંક સૈફ અલી ખાન સામે તાજમહાલ હોટલની રેસ્ટોરન્ટમાં સાઉથ આફ્રિકાના એક એનઆરઆઇ સાથે થયેલી મારામારીની પોલીસ ફરિયાદમાં તપાસને અંતે ચાર્જશીટ મૂકાયાના ન્યુઝ મોટા હશે તો વળી ક્યાંક ‘દબંગ-ટુ’નો પાકિસ્તાનની ટિકિટબારી પરનો પ્રથમ વીકનો બે કરોડનો વિક્રમ વકરો એ વરસની સૌથી નોંધપાત્ર ઘટના હશે.

વળી, કોઇ અન્ય માટે કમલ હસન પોતાની નવી ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને ૨૮મી ડીસેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવાના આગલા જ દિવસે ડીટીએચ દ્વારા ટેલીકાસ્ટ કરશે એ વર્ષની સૌથી ચોંકાવનારી ઘટના હશે. કેમ કે કમલહસન જેવા સુપર સ્ટારની એક તદ્દન નવી ફિલ્મ ટોકીઝમાં રિલીઝ થવાના આગલા દિવસે ઘેર બેઠા ટીવીના પડદે જોવા મળતી હશે તો થિયેટર્સની ધક્કા મૂક્કી કે ભીડમાં કોણ જશે? આ ક્રાંતિકારી પગલા સામે સિનેમાગૃહોના એસોસીએશનનો પ્રત્યાઘાત  જોવા જેવો હશે.

વરસ પૂર્ણ થતાં જ બીજી એક સિઝન આરંભ થશે, એવોર્ડ સમારંભોની. એટલે કે શાહરૂખખાનના સ્ટેજ પર્ફોર્મન્સની! છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મ ઉદ્યોગમાં એવી મજાક ચાલતી આવી છે કે શાહરૂખને એવોર્ડ મળવાનો હોય તો એ ફંકશનનું સંચાલન તો કરી આપે; સાથે સાથે વાજબી દરે એકાદ ડાન્સ પર્ફોર્મન્સ પણ કરે. જો કે ગંભીર હકીકત એ છે કે હવે પહેલાંની જેમ એક માત્ર ‘ફિલ્મફેર’ જ પુરસ્કાર આપે એ સ્થિતિ ક્યાં રહી છે?

આજકાલ તો એવોર્ડ લગભગ દરેક મેગેઝીન આપે છે. એટલે એક જો શાહરૂખને ‘જબ તક હૈ જાન’ માટે એવોર્ડ આપે તો બીજા સમારંભમાં ‘દબંગ-ટુ’ માટે સલમાન કે ‘બરફી’ના અભિનય બદલ રણબીર કપૂરને સન્માનાય. અન્ય કોઇ મિડીયા જુથ વળી અજય દેવગનનો ‘બોલ બચ્ચન’નો કે પરેશ રાવલનો ‘ઓ માય ગૉડ’માંનો અભિનય એવોર્ડ લાયક પ્રમાણિત કરે. વળી, બધાને ફંકશન વરસના પ્રારંભે જ કરી નાખવું હોય છે. તેથી આ સાલ જાન્યુઆરીમાં તો ગમ્મત એવી છે કે ‘ઝી’ના એવોર્ડ્સ છઠ્ઠી જાન્યુઆરીએ છે અને તેનું પ્રસારણ ૨૦મી જાન્યુઆરીએ હશે. આમ આ નિર્દોષ સમાચાર લાગે. પરંતુ, અન્ય બે મુખ્ય હરિફો એટલે કે ‘ફિલ્મફેર’ અને ‘સ્ક્રીન’ના એવોર્ડ સમારંભો પણ જાન્યુઆરીમાં યોજાવાની શક્યતા હોય છે. જો એમ થશે તો ‘ઝી’ના પ્રસારણનો સમય અન્ય એકાદા એવોર્ડ સમારંભના સમય સાથે ટકરાવાનો! એક જમાનામાં ચૂંટણી દરમિયાન સમાંતર સભા થતી એવો એ ઘાટ થવાનો.

જો કે અત્યારના એવોર્ડ સમારંભોમાં કલાકારોની કળાને  સન્માનવાની પરંપરાગત પ્રથા ક્યાં મુખ્ય રહી છે? હવે તો એવા પ્રોગ્રામ દરેક મિડીયા ગૃપ માટે  પોતાના  વાર્ષિક મિલન સમારંભ જેવા બની જતા હોય છે. તેથી આયોજકો માટે વધુમાં વધુ કલાકારોની હાજરી ઇજ્જત કા સવાલ હોય છે. ફંકશન દરમિયાન સૌ સ્ટાર્સનો મેળ-મેળાપ થાય અને તે પ્રોગ્રામ ટેલીકાસ્ટ થાય ત્યારે સ્ટાર પાવરને પગલે એ કાર્યક્રમને દર્શકો ભરપૂર મળી રહે, એવો ‘એક પંથ દો કાજ’નો એ ખેલ હોય છે.

તેથી એક ફંકશનમાં કટરિનાને ‘જબ તક હૈ જાન’ માટે ટ્રૉફી અપાય તો અન્ય હરિફ સમારંભમાં કરિનાને ‘હીરોઇન’ની તેની ઍક્ટિંગ માટે નવાઝાય. કોઇ વિદ્યા બાલનને ‘કહાની’ માટે યોગ્ય સમજે તો અન્ય વળી શ્રીદેવીને ‘ઇંગ્લીશ વિંગ્લીશ’ના તેના અભિનય માટે પુરસ્કૃત કરે! હીરો- હીરોઇન ઉપરાંતની  સપોર્ટીંગ એક્ટર્સથી લઇને બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર અને શ્રેષ્ઠ ગાયક સુધીની કેટકેટલી કેટેગરી હોય છે. ફિલ્મ ઉદ્યોગના દરેક વિભાગના સૌ ભેગા થવાના હોય છે અને મોટેભાગે ‘અહો રૂપમ અહો ધ્વનિ’ના ન્યાયે બધા એક બીજાના ગુણગાન જ ગાવાના હોય છે. ત્યારે એકાદા સુપર સ્ટારને તગડી રકમ આપવી પડે તો પણ તેના પૈસા ટેલીકાસ્ટના રાઇટ્સમાંથી વસુલ થઇ જાય.

એ રીતે જોઇએ તો સંખ્યાબંધ સમારંભોને લીધે એવોર્ડ હવે લપટા પડી ગયા કહેવાય! તેથી જ આમીરખાન જેવા અભિનેતા તો એવોર્ડ સમારંભમાં જતા જ નથીને? આ સાલ ‘તલાશ’ માટે તેમને કેટલા આયોજકો અથવા તેમના મતદારો અને/અથવા જયુરી નોમિનેટ કરે છે એ જોવા જેવું હશે. બાકી એક સમય હતો જ્યારે એક માત્ર ફિલ્મફેર એવોર્ડ મહત્વના હતા અને તે વખતે તો તેના નોમિનેશન્સ જાહેર થાય તેની જ કેટલી બધી ઇન્તેજારી રહેતી? કેમ કે એ અંગ્રેજી ‘ફિલ્મફેર’ અને હિન્દી ‘માધુરી’ એમ ‘ટાઇમ્સ’નાં બે માતબર ફિલ્મી સામયિકોના દેશભરના વાચકોના મતદાનના આધારે નક્કી થતા. પછી પુરસ્કાર જાહેર થતા અને ત્યાર બાદ સમારંભ થતો. ક્યારેક કોઇ કલાકારને ખાંચો પડતો ત્યારે પુરસ્કાર નહીં સ્વીકારવાનું જાહેર કરીને જે સનસનાટી કરતા તે એવોર્ડ લેવા કરતાં પણ વધારે યાદ રહે.

જેમકે વૈજયન્તિમાલાએ કરેલો ‘દેવદાસ’ માટેના એવોર્ડનો ઇન્કાર! બિમલ રોયની એ અમર કૃતિ માટે તેમને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ જાહેર થયો હતો. પરંતુ, વૈજયન્તિમાલાએ એમ કહીને તેનો અસ્વીકાર કર્યો હતો કે ફિલ્મમાંનું ‘ચંદ્રમુખી’નું પોતાનું પાત્ર નાયિકાનું હતું. એટલે પોતે ‘સહાયક’ નહીં ‘મુખ્ય અભિનેત્રી’ હતાં! એ જ રીતે અત્યારે તબિયત નાદુરસ્ત હોવાના કારણે જે સમાચારોમાં રહે છે, તે બુઝુર્ગ અભિનેતા પ્રાણ દ્વારા ‘ફિલ્મફેર’નો ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’નો પુરસ્કાર ઠુકરાયાની કહાની પણ રસપ્રદ છે.

એ આખો બનાવ પ્રાણ સાહેબને છપ્પનની છાતીવાળા વ્યક્તિ સાબિત કરે છે. ‘૭૦ દાયકાના શરૂઆતના તે દિવસોમાં એવોર્ડ માટે કલાકારોને નોમિનેટ કરવા ભરવાનાં ફોર્મ માટે નિર્માતાઓ બજારમાંથી એ સામયિકોના જે તે અંક જથ્થાબંધ ખરીદી લાવતા. પછી તેમની ઓફિસમાં જ ઢગલાબંધ  ફોર્મમાં પોતાની જ ફિલ્મના કલાકારોને બધી અગત્યની કેટેગરીમાં નોમિનેટ કરાવતા. (આ વાત એક ગુજરાતી પીઆરઓએ વરસો પહેલાં જાહેર કરેલી.) 



પ્રાણને તે વરસ ૧૯૭૨માં ‘બેઇમાન’ના તેમના અબિનય માટે ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ જાહેર થયો હતો. એ જ ફિલ્મ ‘બેઇમાન’ને અન્ય પુરસ્કારો ઉપરાંત ‘બેસ્ટ મ્યુઝિક’નો એવોર્ડ પણ ઘોષિત થયો હતો. ત્યાં જ પ્રાણ સાહેબને વાંધો પડ્યો!  પ્રાણે પોતાનો ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ એમ કહીને સ્વીકારવાનો ઇનકાર કર્યો કે ‘શ્રેષ્ઠ સંગીતકાર’ની ટ્રૉફી ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદને મળવી જોઇએ અને ‘બેઇમાન’ના મ્યુઝિક ડીરેક્ટર્સ શંકર જયકિશનને નહીં! કેટલા કલાકારો આટલી હિંમત ધરાવતા હશે? કે પોતાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હોય એ જ પિક્ચરના સંગીતને મળેલો પુરસ્કાર યોગ્ય નથી એમ કહેવા પોતાની ટોફી નકારે? ફિલ્મી દુનિયા સંબંધોની દુનિયા કહેવાય છે. અહીં કોઇ સાથી કલાકાર-કસબી નારાજ થાય એવું પોલીટિકલી ઇનકરેક્ટ પગલું કોઇ ના ભરે. જ્યારે પ્રાણ સાહેબે એક એવા સંગીતકારનો પક્ષ લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો જે દુનિયામાં હયાત પણ નહતા! ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદનો તો ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જ દેહાંત થઇ ચૂક્યો હતો.

પ્રાણનો એ વિરોધ કેટલો વાજબી હતો કે ‘પાકીઝા’નાં તમામે તમામ ગીતો આજે ૪૦ વરસ પછી પણ સ્મૃતિમાં એવાં જ તાજાં છે. યાદ છેને આ બધાં ગાયનો?... “ઇન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરા...”, “ઠાડે રહીયો અય બાંકે યાર રે...”, “ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો...” “આજ હમ અપની દુવાઓં કા અસર દેખેંગે...”, મૌસમ હૈ આશિકાના અય દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના...” અને “ચલતે ચલતે યું હી કોઇ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે...” તમે જ કહો આ પૈકીનું કોઇ પણ ગાયન તમે ભૂલ્યા છો? સોચો ઠાકુર!

તિખારો!
પ્રાણ સાહેબને ‘બેઇમાન’નું જે મ્યુઝિક ‘પાકીઝા’ના સંગીત સામે ઉતરતું લાગ્યું હતું,  તેનું જ એક ગીત શ્રેષ્ઠ ગાયક (મુકેશ) અને ગીતકાર (વર્મા મલિક)ના પણ ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું હતું. તેના શબ્દો આવા હતા... “ના ઇજ્જત કી ચિંતા, ના ફિકર કોઇ અપમાન કી, જય બોલો બેઇમાન કી, જય બોલો”!!

3 comments:

  1. શરુઆત લેખના છેલ્લા પરિગ્રાફના સમાચારથી...તો એસ.જે.(શં-જ.કી. જ ભૈ)'પાકિઝા' સામે 'બેઇમાન' થવા કરતાં; એ પોતે જ સામે ચાલીને (બેઇમાન માટે)ના પાડે;તો ઈમાનદાર(!!!)દેખાય-એમ બને...પણ; કાશ;એના જેવા દિગ્ગજ(અને મારા સૌથી પ્રિય)એવા એસ.જે.-મુઠ્ઠી ઉંચેરા દેખાત...ખેર; 'બાઘા'ના ટ્રેડમાર્ક વાક્યને યાદ કરીએ તો-જૈસી જીસકી(ઠાકુરોવાલી!!!) સોચ...

    હા; એવોર્ડ્સ માટે અત્યારે 'વિન-વિન' સ્થીતી ગણાય...કોઈ હાર્યું નહી;કોઈ બાકી નહીં...માટે જ-ફિલ્મ જગત માટે કહેવાય છેને- કે-'ગંદા હૈ;પર ધંધા હૈ'...હા; એક સુચન છે સલિલ'દા- કે તમે પોતે આવું કંઈક અમારા જેવા વાચકો માટે કરોને?કે જેમા આપ આપને યોગ્ય લાગે-તેવી જ કૅટેગરી બહાર પાડો-અને કોઈ નૉમિનેશન્સ જ નહીં...બધી જ ફિલ્મો/ટીવી શૉને આવરી લેવાના;અને વાચકો જ મતદાન(!!!આ શબ્દ ગુજ.ચૂંટણી પછી કંઈક વધુ સંભળાય છેને?)કરે!!! આપ રિઝલ્ટ સાથે આપની પસંદગીના નામો પણ સાથે/સમાંતર જ જાહેર કરો તો?...ઘેર બેઠા નર્મદા!!! અને આમાં વધુ વિચારીને વધુ 'મસાલાઓ(આકર્ષણ') ઉમેરી શકાય...અહી તો થોડામાં ઘન્નું સમજજો...સાહેબજી...

    ReplyDelete
  2. Salil Da, mane ek vat atyare yaad aave chhe. Pran sahebe award thukravyo tethi preraine Chitralok Cine Circle na sbhyoe nakki karyu ke aapne ek jodo award Pran sahebne aapvo. te mate ek karykram Kankariyana Open air hall ma gothvelo jema Pran saheble bolavela ane teone Victoria No.203 ni vishisht bhumika mate khas award aapelo. Safed suit ma teo bhau j saras lagta hata.Te vakhate teoe potani aavi raheli je filmona naam aapela tema ZANZIR ane EK KUVARI EK KUVARA no ullekh karelo.sathe pro.bhimani na hipnotism na prayog pan hata.

    ReplyDelete
  3. ભરતકુમાર ઝાલાJanuary 11, 2013 at 8:38 AM

    સરસ લેખ. પ્રાણની ઈમાનદારી પર પ્રકાશ ફેંક્યો, તે ખૂબ ગમ્યું. પ્રાણ ગમતો કલાકાર છે, આ વાંચ્યા બાદ હવે એ વધુ ગમશે. મુંબઈ સમાચારની કટારે જૂના દિવસોની યાદ તાજી કરાવી આપી. અભિનંદન અને શુભેચ્છાઓ.

    ReplyDelete