હવેનાં ઍવોર્ડ ફંકશન એટલે..... ‘આયેગા વો
પાયેગા’!
કોઇ મૅચમાં પહેલા બોલે સરસ શૉટ વાગે અને જે
તાળીઓ સ્ટેડીયમમાં ગૂંજે એવો માહૌલ ૨૦૧૩ના પ્રથમ શુક્રવારે ચોથી જાન્યુઆરીએ રિલીઝ થયેલી
‘ટેબલ નં. ૨૧’ના બૉક્સ ઑફિસ રિપોર્ટથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. કેટલાકના મતે એ
૨૦૧૩ના વર્ષની પહેલી હીટ સાબિત થશે. કેમ કે એકમાત્ર પરેશ રાવલ સિવાય કોઇ ખાસ જાણીતા
ફિલ્મ‘સ્ટાર’ ફિલ્મમાં નથી. તેથી પ્રમાણમાં નાના બજેટની આ પ્રૉડક્ટ છે અને તેની સામે
પહેલા ચાર જ દિવસમાં લગભગ ૭ કરોડનો વકરો કરી લીધો છે! તેથી કોઇ સાવ અજાણ્યો ખેલાડી
સન્માનજનક સ્કોર કરે એવી આ ઘટના છે. ખાસ કરીને જ્યારે તેનો સામનો ‘દબંગ-ટુ’
જેવી તોતીંગ બજેટની મોટા સ્ટારની ફિલ્મ સાથે હોય. ( બજેટની રીતે કમલ હાસનની ‘વિશ્વરૂપમ’
૯૫ કરોડની લાગતથી બની હોવાનું જાહેર થયું છે, આ તો અમસ્તું!)
‘દબંગ
-ટુ’ ત્રીજા
સપ્તાહે આઠ કરોડ એકત્ર કરે અને સામે ‘ટેબલ નં.૨૧’ સત્તો મારે ત્યારે શરૂઆતમાં
કેટલાક ટ્રેડ નિષ્ણાતોએ ભાખેલા ‘મિક્સ્ડ રિપોર્ટ’ને હવે ટેબલ નીચે સંતાડવાનો વારો આવે
તો નવાઇ નહીં. આ ફિલ્મે ફરી એક વાર સાબિત કર્યું કે પરેશ રાવલ એકલ પંડે થિયેટરમાં ગુણી
પ્રેક્ષકોને લાવવા શક્તિમાન છે. કેમ કે મુખ્ય કલાકાર તો ટીના દેસાઇ અને ‘ડીલ
યા નો ડીલ’ જેવા ટીવી ગેમ શોનું સંચાલન કરનાર રાજીવ ખંડેલવાલ છે. તેણે એક જમાનામાં
‘કહીં તો હોગા’ સિરીયલમાં સોહામણા ‘સુજલ ગરેવાલ’ તરીકે ‘કશીશ’ બનતી ખુબસુરત
આમના શરીફ સાથે લોકપ્રિય જોડી બનાવી જરૂર હતી. પરંતુ, હિન્દી ફિલ્મના ‘હીરો’ તરીકેનો
સ્ટાર પાવર ક્યાં?
એવું
પણ નથી કે નાની સ્ટાર કાસ્ટ સાથે એકાદા જાણીતા નામને લઇને બનાવેલી બધી ફિલ્મો સફળ થાય
જ એવી પણ કોઇ ફોર્મ્યુલા છે. નહીં તો ચોથી જાન્યુઆરીના શુક્રવારે જ રજૂ થયેલી ‘રાજધાની
એક્સપ્રેસ’, ‘મેરી શાદી કરાઓ’ કે ‘દેહરાદૂન ડાયરી’ પણ સરખો બિઝનેસ કરી શકી
હોત. પરંતુ, દર અઠવાડિયે રજૂ થતી સરેરાશ ત્રણ ચાર ફિલ્મો પૈકીની કેટલીકને પ્રેક્ષકો
તો ઠીક ઘણીવાર રિવ્યુ કરનારા પણ નથી મળતા! એટલે ‘ટેબલ નં ૨૧’ માટે આવતા વરસે
આવા સમયે યોજાનારાં સંખ્યાબંધ ઍવોર્ડ ફંક્શન્સમાં પરેશભાઇ એકાદા વિભાગમાં નોમીનેટ થવાની
શક્યતા ખરી. હવેના સમયમાં ઍવોર્ડની કૅટેગરી પણ કેવી કેવી હોય છે? ક્યારેક તો સામાજિક
સેવા કરવાનો દાવો કરતી સંસ્થાઓની મિટીંગની માફક થતું હોય છે. “ફલાણા બેને આ કાર્યક્રમ
માટે કલગી અને હારની કરેલી વ્યવસ્થાને કેમ ભૂલી શકીએ? હવે મુખ્ય મહેમાનશ્રી તેમનું
‘ફ્લાવર ઍરેન્જમેન્ટ’ માટે સન્માન કરશે...”ની તરહ પર હાજર ‘સ્ટાર’ પૈકીના મોટાભાગનાને
ટ્રૉફી અપાય એવી કૅટેગરી રખાતી હોય છે. તેની સામે પહેલાંનો સમય યાદ કરીએ તો?
અગાઉ કોને ઍવૉર્ડ મળશે એની ઇન્તેજારી રહેતી અને પુરસ્કાર ચૂક્યાનો અફસોસ પણ
પછીના વિવાદોમાં લાંબા સમય સુધી છવાયેલો રહેતો. હવે લગભગ દરેક ઍવૉર્ડ ફંક્શનમાં “આયેગા
તો પાયેગા”ની વણલખી ગેરન્ટી હોય એવું લાગ્યા વિના ના રહે. ‘ઝી’ સિને ઍવૉર્ડમાં આ સાલ
પૉપ્યુલર કૅટેગરીમાં સલમાનખાન (દબંગ-ટુ) અને પ્રિયન્કા ચોપ્રા (બરફી)
તો જ્યુરીની પસંદગી તરીકે રણબીર કપૂર (બરફી) અને વિદ્યા બાલન (કહાની),
જ્યારે ‘શ્રેષ્ઠ નવોદિત’ અભિનેતા તરીકે અર્જુન કપૂર (ઇશકજાદે) તથા આયુષ્યમાન
ખુરાના (વિકી ડોનર) બન્નેને અને નવી અભિનેત્રી તરીકે પણ યેલેના ડી’ક્રુઝ
(બરફી) તથા યામી ગૌતમ (વિકી ડોનર)ને સન્માનિત કર્યાં. તે સિવાય
અનુષ્કા શર્માને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (જબ તક હૈ જાન)
અને નવાજુદ્દીન સિદ્દીકી (ગેંગ્સ ઑફ વાસેપુર) તો રિશી કપૂર ખલનાયક
તરીકે (અગ્નિપથ) અને અભિષેક બચ્ચન (બોલ બચ્ચન) કોમેડી ભૂમિકા
બદલ સન્માનાયા
એ બધું હજી
પણ તો સમજાય એવું હતું. પરંતુ, શાહરૂખખાન અને કટરિનાને ‘ઇન્ટરનેશનલ આઇકન’ના ઍવોર્ડથી
પુરસ્કૃત કરાયા યે બાત કુછ હજમ નહીં હુઇ! (શાહરૂખે યશ ચોપ્રાને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ
કરિશ્મા કપૂર, કટરિના અને અનુષ્કા શર્મા સાથે જરૂર પ્રસ્તુત કર્યો હતો.) યાદ હોય તો
અગાઉ ૨૦૦૮માં ‘ઝી’ ઍવૉર્ડમાં શાહરૂખને આવો જ એક ‘આઇકન’ ઍવૉર્ડ અપાયો હતો અને
તે સાલ કટરિનાને ‘બ્રિટીશ ઇન્ડીયન એક્ટર’ ઍવૉર્ડ અર્પણ કરાયો હતો. તેનું કોઇ લોજીક
નહતું. છતાં એ બન્ને એક્ટીંગમાં હોઇ હજીય સમજ્યા. પણ એ જ ફંક્શનમાં શાહરૂખની પત્ની
ગૌરીને ‘ક્વીન ઑફ બૉલીવુડ’નો પુરસ્કાર અપાયો હતો! (એવો ખિતાબ ફરી કોઇને મળ્યો?)
તેના આગલા
વરસે ૨૦૦૭માં શાહરૂખ ‘એન્ટરટેઇનર ઓફ ધી યર’ના ઍવૉર્ડથી પુરસ્કૃત કરાયો હતો. આવી કોઇ
કૅટેગરી હોય તો વાંધો જ ના હોય. પણ તો પછી દર સાલ તે વિભાગમાં નોમીનેશન થાય અને કોઇને
કોઇ જીતે એવું થવું ના હોવું જોઇએ?
આ સાલ એવી
એક પ્રથા પાડીને ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનાર ૮ દિગ્દર્શકોનું સન્માન કરાયું. અર્થાત
કબીર ખાન (એક થા ટાઇગર), અરબાઝ ખાન (દબંગ-ટુ),
રોહિત શેટ્ટી (બોલ બચ્ચન), અશ્વિની ધીર (સન ઑફ સરદાર),
સાજીદ ખાન (હાઉસફુલ -ટુ), કરન મલ્હોત્રા (અગ્નિપથ), પ્રભુ દેવા
(રાઉડી રાઠોર) અને અનુરાગ બાસુ (બરફી) એ તમામ સેન્ચ્યુરી બેટ્સમેનને
‘ઝી’નું એ આવકારદાયક સન્માન મળ્યું. (અમુક વરસ પછી જ્યારે એક એક ફિલ્મ હજાર કરોડનો
વકરો લાવતી થશે ત્યારે આ આંકડા કેવા લાગશે?!)
વળી હવે
તો આવાં કેટલાંય ઍવૉર્ડ ફંક્શન થાય છે એ જોતાં કોઇ કલાકારના શો કેઇસમાં જો વધારે ટ્રોફી
ના હોય તો બેમાંથી એક જ શક્યતા હોય.... કાં તો તેને સ્ટેજ પર નાચવાનું અથવા કાર્યક્રમનું
સંચાલન કરવાનું ફાવતું ના હોય અથવા તેના પીઆરઓ નબળા હોય! (ત્રીજી શક્યતા એ પણ ખરી કે
એ આમિરખાન હોય!!) બાકી એક જમાનામાં ‘ફિલ્મફેર’ના એકલા ઍવૉર્ડ હતા, ત્યારે શરૂઆતનાં
અમુક વરસો તો ગણત્રીની જ કૅટેગરી હતી. જેમ કે સંગીતને સન્માનવા માત્ર મ્યુઝિક ડીરેક્ટરનો
જ પુરસ્કાર હતો. જ્યારે ‘બેસ્ટ સિંગર’નો ઍવૉર્ડ પ્રારંભ કરાયો ત્યારે તે વિભાગમાં પુરૂષ
અને મહિલા બન્નેને સાથે હરિફાઇ કરવી પડતી અને એક જ વિજેતા થતા. ઠેઠ ૧૯૬૮માં પુરસ્કારની
અલગ કૅટેગરી થઇ હતી. તે રીતે જોઇએ તો તે સમયની ઓપન સ્પર્ધામાં જીતેલા લતા કે રફીના
ઍવૉર્ડ ક્વોલીટીની કેવી જોરદાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયા કહેવાય!
એમ તો ‘શ્રેષ્ઠ ખલનાયક’નો ઍવૉર્ડ પણ
અઠંગ વિલન પ્રાણ સાહેબ એ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી ક્યાં હતો? ઠેઠ ૧૯૯૨માં
શરૂ થયો અને ૧૫ વરસ પછી ૨૦૦૭માં તે બંધ કરી દેવાયો. કદાચ એક કારણ એ હશે કે મોટેભાગે
એ ઍવૉર્ડ પણ નેગેટીવ ભૂમિકા કરનારા ‘હીરો લોગ’ને જ મળવા લાગ્યો હતો અને ખરેખરા વિલન
બાપડા રહી જ જતા હતા. કડવી હકીકત તો એ હતી કે પ્રાણ અને તેમની હરિફાઇ જેમની સાથે હોત
એવા અમજદખાન, પ્રેમ ચોપ્રા, અજીત, રણજીત તો ઠીક પણ ‘શ્રેષ્ઠ ખલનાયક’ તરીકેનો ઍવૉર્ડ
’૯૦ના દાયકાના અમરીશ પુરી જેવા ખુંખાર વિલન પણ એકેય વાર જીતી નહતા શક્યા! સોચો ઠાકુર!!
તિખારો!
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહીટ થવા નામ પાછળ કાં તો ‘ખાન’ અથવા ‘કપૂર’ હોવું
જરૂરી મનાય છે. ત્યારે લગ્ન પછી કરિનાની કરિયર હજી કેવી સુપર થશે એ કલ્પી શકાય છેને?
હવે તે લખાવે છે.... કરિના કપૂર ખાન!!
કડવી હકીકત તો એ હતી કે પ્રાણ અને તેમની હરિફાઇ જેમની સાથે હોત એવા અમજદખાન, પ્રેમ ચોપ્રા, અજીત, રણજીત તો ઠીક પણ ‘શ્રેષ્ઠ ખલનાયક’ તરીકેનો ઍવૉર્ડ ’૯૦ના દાયકાના અમરીશ પુરી જેવા ખુંખાર વિલન પણ એકેય વાર જીતી નહતા શક્યા! સોચો ઠાકુર!!
ReplyDeletevery bad and sad....they should be given awards now.....in short maja avi...:)
સલિલ સર,
ReplyDeleteમને એક ગોવિંદાની વાત યાદ આવી... એક પત્રકારે ગોવિંદાને પૂછ્યુ કે ’તમને કેમ હજુ સુધી કોઈ એવોર્ડ મળ્યો નથી?’ ગોવિંદા એ જવાબ આપ્યો ’મેં ખરીદ્યો નથી ને એટલે!’
સેમ
vaah...
ReplyDelete