પ્રાણ: કમિટમૅન્ટ હૈ ઇમાન મેરા...!
આ
સપ્તાહે સિનીયર અભિનેતા પ્રાણને ભારત સરકારે ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ જાહેર કર્યો
અને સિનેમામાં તેમના વરસોના યોગદાનને યોગ્ય સરકારી સન્માન મળશે. આફ્ટર ઑલ, ૧૯૪૦માં
‘યમલા જટ’માં શરૂઆત
કરીને ૨૦૦૨માં સુનિલ શેટ્ટી અને રવિના ટંડનની ‘એક હિન્દુસ્તાની’
સુધીનાં ૬૨ વરસમાંનાં ઓછામાં ઓછાં પચાસ વર્ષ સુધી ‘એ’ ગ્રેડના કલાકાર રહી શકેલા કેટલા
એક્ટર્સ હશે, આપણે ત્યાં? તેથી કેટલાકનો એ મત સાચો લાગે કે કેન્દ્ર સરકાર માટે આ પ્રાયશ્ચિત
કરવાના દિવસો ચાલી રહ્યા છે. જેમને મૃત્યુદંડનો અમલ કરવાનું ટાળ્યા કરાતું હતું, તેમને
ફાંસી અપાઇ છે અને પ્રાણ સાહેબ જેવા ધુરંધરને આ સર્વોચ્ચ પુરસ્કાર આપવાનું છેલ્લાં
દસેક વરસથી ટલ્લે ચઢતું હતું; તેમને પણ તે આપી દેવાશે. (પ્રેસીડેન્ટ વીલ ‘ગીવ અવે’
ધી એવોર્ડ!)
સરકારને
કદાચ એક ફાઇલ નિકાલ થયાની ‘હાશ’ થઇ હશે. કેમ કે ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ની જાહેરાત
થવાના દિવસોમાં ૨૦૦૩થી લગભગ દર વર્ષે પ્રાણનું નામ સૂચવાતું હતું અને દર સાલ તેમના
ચાહકો નિરાશ થતા હતા. અહીં છેલ્લા દાયકામાં એ સન્માન મેળવનાર કોઇ તેને લાયક નહતા એ
દલીલ નથી. પરંતુ, ગઠબંધનની રાજનીતિમાં સાથી પ્રાદેશિક પક્ષોનું દબાણ અને સૌથી વધુ તો
૧૯૭૫ની કટોકટી પછી કોંગ્રેસ વિરુદ્ધ પ્રાણે જયપ્રકાશ નારાયણ અને જનતા પક્ષને કરેલો
ખુલ્લો ટેકો કદાચ તેમની સામે આવતાં હતાં. પરંતુ, પોતાને લાગે એ કહેવા અને કરવાની ફિતરતનું
જ તો નામ પ્રાણ છે!
તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન
એવા કેટલાય પ્રસંગો આવ્યા છે, જેમાં તેમણે જે સ્ટેન્ડ લીધું તેમાં એ ટટ્ટાર ખડા રહ્યા.
તેથી આજે પેલી જાણીતી હકીકતોની વિગતોમાં નથી ઉતરવું કે તેમણે એક ખલનાયક તરીકે વરસો
સુધી દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદની ત્રિપુટી તથા રાજેન્દ્ર કુમાર, શમ્મીકપૂર,
જોય મુકરજી, ધર્મેન્દ્ર એમ સરસ હાઇટ બૉડીવાળા હીરો લોગની સામે આંખમાં આંખ મિલાવીને
કેવી મજબુત એક્ટિંગ કરી હતી? કે સતત વિલનગીરી કરી હોવા છતાં અંગત જીવનમાં તે ‘ખલનાયક’
હોવાની મજાક સુદ્ધાં કોઇ ના કરી શકે એવા જેન્ટલમેનનું વર્તન તેમનું રહેતું. (તેમની
ભલમનસાઇની અને શિસ્તબદ્ધતાના એટલા તો દાખલા છે કે આખી લેખમાળા કરી શકાય! તેમની
ડિસીપ્લીન એવી કે લગભગ દરેક પિક્ચરમાં પોતાનો અલગ ગેટઅપ કરે જેને માટે વીગ તથા દાઢી
વગેરે ચોંટાડવાનાં હોય અને છતાં સવારે ૭ વાગ્યાની શિફ્ટ માટે પણ એ સાતના ટકોરે પોતાના
મેક અપ સાથે સેટ પર હાજર હોય!)
એ વાતની પણ નોંધ લેવાવી જોઇએ
કે અગાઉ પડદા પર ખાસ કોઇ ગાયનો નહીં ગાનાર પ્રાણે તેમની ચરિત્ર અભિનેતાની કરિયરમાં
‘ઉપકાર’ના “કસ્મે વાદે પ્યાર વફા
સબ બાતેં હૈં બાતોં કા ક્યા...” અને ‘જંજીર’ના “યારી હૈ ઇમાન મેરા યાર
મેરી જિંદગી...” જેવાં કેટલાંય ગીતો સંપૂર્ણ નિષ્ઠાથી ગાઇ બતાવ્યાં છે. પરંતુ,
આજે આપણે વાત તેમની નિજી જિંદગીની અને તે પણ અછડતી જ કરવી છે. પ્રાણની ઇમેજ ‘ઉપકાર’ના અપંગ ‘મલંગ ચાચા’ના રોલ
પછી એકદમ પૉઝિટિવ થઇ હતી. તેમાં “કસ્મે વાદે પ્યાર વફા...”
જેવા સરસ શબ્દોવાળું ગાયન અને ચોટદાર સંવાદો (“રામને હર યુગ મેં જન્મ
લિયા... પર લક્ષ્મણ ફિર પૈદા નહીં હુઆ!”) તેમને મનોજ કુમારે આપ્યા હતા.
મનોજ કુમારે જ કહેલો એક કિસ્સો
છે. ‘ઉપકાર’ના ફાઇટ સીનનું ત્રણ દિવસનું શુટિંગ હતું. ત્રીજા દિવસે દરેક શોટ
પછી પ્રાણ એક બાજુ જઇ સુનમુન બેસી જતા. રોજીંદી ખુશમિજાજ પર્સનાલીટિ ગાયબ હતી. મનોજે
ચાલુ શુટિંગે તેમને ડિસ્ટર્બ ના કર્યા. લાગ્યું કે એક પગ બાંધીને મારામારી કરવાનું
સળંગ ત્રણ દિવસથી ચાલતું હોઇ કદાચ પગથી હેરાન થતા હશે. પરંતુ, શુટિંગ પત્યા પછી તેમને
મળ્યા અને ખભે હાથ મૂક્યો તો પ્રાણ સાહેબ ધ્રુજતા હતા. મનોજ કુમારે પૂછ્યું બધું બરાબર
છેને? ત્યારે સજળ નેત્રે પ્રાણ બોલ્યા “કાલે રાત્રે કલકત્તાથી સંદેશો આવ્યો હતો કે
મારી બેન ગૂજરી ગઇ છે!” એક દિવસ માટે શુટિંગનું આખું શિડ્યુઅલ ફરી ગોઠવવાની તકલીફ નિર્માતાને
ના પડે એ વિચારીને અંગત શોકને વિસારે પાડનારા કેટલા એક્ટર્સ ફિલ્મ ઉદ્યોગમાં હશે?
મનોજ કુમારને પ્લેનમાં મુસાફરી કરવાનો ડર લાગતો હોવાથી ‘ઉપકાર’ને ટેક્સ ફ્રી
કરાવવા મુંબઇથી દિલ્હી અને કલકત્તા કે ગુવાહાટી સુધી પ્રાણે દોડાદોડી કરી હતી. છતાં
એ જ મનોજ કુમારને તેમણે પોતાના કમિટમેન્ટને કારણે ‘શોર’ ફિલ્મ માટે ઇનકાર
કરી દીધો હતો.
મનોજ ‘શોર’ની દરખાસ્ત લાવ્યા
તે પહેલાં પ્રાણ સાહેબે પ્રકાશ મેહરાની ‘જંજીર’ સ્વીકારી
લીધી હતી. ‘જંજીર’માં
એમનું પાત્ર ‘શેરખાન પઠાણ’નું હતું. હવે ‘શોર’માં પણ ‘પઠાણ’ની
જ ભૂમિકા મનોજ કુમાર તેમને આપવા માગતા હતા. પ્રાણે એવું સ્ટેન્ડ લીધું કે ‘જંજીર’માં તેમના
રોલની જે નોવેલ્ટી છે, તે સાચવવા એ ફરી ‘પઠાણ’ બનવાનું પસંદ નહીં કરે. મનોજ કુમાર ઇચ્છે
તો એ પાત્રને અન્ય રૂપ આપે અને એ ભૂમિકા કરવા તૈયાર હતા. છેવટે ‘શોર’માં એ રોલ માટે
મનોજ કુમારે પ્રેમનાથને લીધા. પરંતુ, પોતે જેમની સાથે કમિટમેન્ટ કર્યું હતું, એ પ્રમાણમાં
નવા એવા ‘જંજીર’ના
નિર્માતા પ્રકાશ મેહરાને સાચવવા તેમણે મનોજ કુમારને નારાજ કર્યા. આ સિદ્ધાંતનિષ્ઠા
સ્વાર્થ માટે રોજ દોસ્તો બદલતા ફિલ્મ ઉદ્યોગમાં કેટલા રાખી શકતા હશે?
એ જ ‘જંજીર’ના ગાયન “યારી હૈ ઇમાન મેરા...”નું
પિક્ચરાઇઝેશન ક્યારે થયું હતું જાણો છો? પહેલા જ દિવસે! મહુરતના દિવસે પ્રકાશ મેહરાએ
પઠાણ ‘શેરખાન’ના નવતર ગેટઅપમાં પ્રાણને હાઇલાઇટ કરીને પબ્લીસીટી કરવાની હતી. કેમ કે
અમિતાભની છાપ હજી એક ફ્લૉપ હીરો તરીકેની હતી. હકીકતમાં તો એ એક્ટરને ‘જંજીર’માં લાવવામાં
પણ એક રીતે પ્રાણ જવાબદાર હતા. અમિતાભ બચ્ચનને તેમની પ્રથમ હિટ ફિલ્મ ‘જંજીર’માં લાવવાનો
દાવો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક કરતાં વધુ લોકો કરી ચૂક્યા છે. પરંતુ, પ્રાણની મદદનું મૂલ્યાંકન
એટલું થયું લાગતું નથી. પ્રાણે શું કર્યું હતું?
પ્રકાશજી તેમના લેખકો સલીમ-જાવેદને
લઇને ઉપડ્યા મરાઠા મંદિર ‘બોમ્બે ટુ ગોવા’
જોવા. તેમાં શત્રુઘ્નસિન્હા સાથેની ફાઇટમાં અમિતાભ બચ્ચનને જોઇને પ્રકાશ મેહરાએ બૂમ
પાડી, “મિલ ગયા”! અને તે ઘડીથી શરૂ થયેલી બચ્ચન ગાથા આજે પણ લખાતી જ જાય છે. અમારે
મન તો પ્રાણ દાદાને તેમની સંખ્યાબંધ ફિલ્મોમાંનાં વિવિધ પાત્રોના ધરખમ અભિનયની સાથે
સાથે અમારા પ્રિય અમિતાભ બચ્ચનને ‘જંજીર’ અપાવવામાં
મૂળ કારણ બનવાના યોગદાન બદલ પણ ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ વરસો પહેલાં અપાવો જોઇતો
હતો! ખેર... દેર આયે દુરસ્ત આયે!!
તિખારો!
૧૯૭૭ની ચૂંટણી વખતે પ્રાણ જનતા
પક્ષના ટેકામાં ખુલ્લેઆમ બહાર આવ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચન (ગાંધી પરિવાર સાથેની
તે વખતની તેમની નિકટતાને લીધે) કોંગ્રેસ સાથે હતા. ત્યારે જયપ્રકાશ નારાયણ અને બાજપાઇ,
મોરારજીભાઇ વગેરે સાથે ફિલ્મ ઉદ્યોગમાંથી કોણ જોડાશે? એવા સવાલનો જવાબ ત્યારના એક કાર્ટૂનમાં
આવો હતો... પ્રાણ જાયે પર બચ્ચન ન જાયે!!
हाथ कंगन को आरसी क्या? Some scenes from Pran saab's films.... enjoy his immortal style and range of this great artiste!!
हाथ कंगन को आरसी क्या? Some scenes from Pran saab's films.... enjoy his immortal style and range of this great artiste!!
એ હધર્યો ભાઈ રવિવાર હધર્યો ........એ જ ચિલમ નો દમ , પ્રાસંગિકતા અને ઓથેન્ટિક માહિતી ..........મજા આવી ગઈ સલીલ સર
ReplyDeleteસલીલભાઈ, આપે પ્રાણ સાહેબ ની વાતો, 50 વર્ષની, આ પચાસ વાક્યોમાં પતાવી દીધી તે ઠીક ન થયું, ખુબ સરસ વાત,
ReplyDeleteપ્રાણસાહબ ની વાતો એટલે 100 ટચ નું સોનું
ReplyDeleteવેકેશન પડવાનાં સમયે વેકેશન ખુલ્યુ હોય તેવું લાગે છે, રવિવારે ફેસબૂક પર સૌથી પહેલા સલિલભાઇએ કાંઈ મુક્યું છે કે નહી તે ચેક કરવાનું હોય, અને આજે રૂચિરભાઇએ કયું તેમ " એ હધર્યો ભાઈ રવિવાર હધર્યો "
ReplyDeleteએક આડ વાત કરૂં તો જ્યારે જંજીર રીલિઝ થયું ત્યારે તેમના પોષ્ટર પર એક્ટરોના નામ પણ આ પ્રામાણે હતા, - જયાભાદુરી, અજીત, પ્રાણ. પરંતુ રીલિઝ થયા બાદ એક બે દિવસોમાં પ્રકાશ મહેરાને ખબર પડી કે લોકોને એંગ્રીયંગમેન અમિતાભ વધારે પસંદ પડે છે ત્યારે તાત્કાલિક તમામ પોષ્ટરોમાં "જંજીર" નામની નીચે રહેલી જગ્યામાં અમિતાભ બચ્ચન લખાવ્યું. આ પોષ્ટર જોવા માટે ગૂગલ દેવના આશરે આપને જવું પડશે.
એ હધર્યો ભાઈ રવિવાર હધર્યો "
ReplyDeleteશું કેહવું? માત્ર એટલુજ કે હજી - Half Ticket નું Kishor કુમાર વાળું playback વાળું ગીત મેરા દિલ લે ગયી તેરી તીરછી નઝરીયા ઓ ગુજરીયા + BluffMaster ના ગાયન માં (હૂસ્ન ચલા કુછ ઐસી ચાલ...) પ્રાણ સાહેબ ની અદાઓ - આ બધા વિષે પણ લાખો સાહેબ - દાદા સાહેબ એવાર્ડ ત્યારેજ Justify થાય!!!
ReplyDeleteNo comments is the best comment as on to day on 12th July 2013
ReplyDeleteShaanttya... dard chalu aahe....
Wonderful tribute, even if it happened a few months in advance.
ReplyDelete