Saturday, August 17, 2013

ફિલમની ચિલમ.... ૧૮ ઓગસ્ટ, ૨૦૧૩




શાહરૂખે કરેલી પહેલને હવે આગળ કોણ વધારશે?


‘ચેન્નઈ એક્સ્પ્રેસ’ અપેક્ષા મુજબ જ પહેલા ત્રણ જ દિવસમાં ૧૦૦ કરોડનું સ્ટેશન વટાવી જતાં સલમાનના ‘એક થા ટાઇગર’ને હંફાવી દે એ શક્યતા વધી ગઇ છે એમ કહી શકાય. કેમ કે ‘ટાઇગરે’ પહેલા સપ્તાહે ૧૪૩ કરોડની છલાંગ લગાવીને ઑલ ટાઇમ રેકોર્ડ કર્યો હતો. પણ ‘ચેન્નઈ એક્સપ્રેસ’નું  આ લખાય છે ત્યાર સુધીનું, પ્રથમ પાંચ દિવસનું,  કલેક્શન સવાસો કરોડ નજીક હોઇ  અને વીક પુરું થતાં અગાઉ ૧૫ ઓગસ્ટની રજાનો બમ્પર બિઝનેસ ઉમેરાશે એટલે દોઢસોની પાર જવાની શક્યતા મનાય છે ખરી. 

લેકિન, કિન્તુ, પરંતુ.... એક ટ્રૅન્ડ ચિંતાજનક છે. શરૂઆત સારી હોવા છતાં સોમવારથી ટિકિટબારી પર મોટો ડ્રૉપ દેખાયો છે. પ્રારંભમાં રોજના ૩૦ કરોડની આજુબાજુની  સરેરાશની સામે સોમવારે ૧૨ કરોડ અને મંગળવારે આંકડો સાડા અગિયારે અટકયો હોઇ શાહરૂખનો જ ડાયલોગ યાદ કરીએ તો કહી શકાય કે, “પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત!”

‘ચેન્નઈ એક્સપ્રેસ’ જો કે એક સાથે રેકોર્ડ સાડા ત્રણ હજ્જાર સ્ક્રીન પર રજુ થયેલી ફિલ્મ છે. તેનો ધંધો અઠવાડિયાના સાતેય દિવસ, ટ્રેડની ભાષામાં, ‘રૉક સ્ટેડી’ હોત તો નજારો અલગ જ હોત. ફિલ્મમાં જો કે કેમેરામેને કુદરતને બહુ લાડથી બહેલાવી છે. દીપિકા અને શાહરૂખના ચાહકો નિરાશ થાય એવું નથી. ‘ચેન્નઈ એક્સપ્રેસ’ માટે રોહિત શેટ્ટી અને શાહરૂખની પ્રોડક્શન કંપનીએ પેલી ઉક્તિ “લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય”નો ઉત્તરાર્ધ જ અમલમાં મૂક્યો લાગે. સૅટ હોય કે વસ્ત્રો અથવા અન્ય સજાવટ તથા ઍક્ટીંગ બધું જ ‘લાઉડ’ અને કલરફુલ છે. એટલે બારીકી (સટલિટી) પસંદ કરનારું મલ્ટિપ્લેક્સ ઑડિયન્સ તેને કેટલું પસંદ કરશે એ ફિકર રહે. વધારે ચિંતા એ પણ હશે કે બીજા સપ્તાહે  અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની ‘વન્સ અપૉન એ ટાઇમ ઇન મુંબઈ દોબારા’નું ઑપોઝિશન હશે.


‘વન્સ અપૉન...’ એ એકતા કપૂરની કંપનીનું પ્રૉડક્ટ હોઇ તેનું પણ માર્કેટીંગ કરવામાં કોઇ કસર નથી રખાઇ એ તો જાણીતું છે. પરંતુ, ‘ચેન્નઈ’ની ગાડીમાં શાહરૂખ અને દીપિકા બે જ સ્ટાર છે અને બાકીના સાઉથના કલાકારો અને સાઉથની ભાષા બોલાય છે, જ્યારે એકતાએ અક્ષય અને સોનાક્ષી ઉપરાંત ઇમરાનખાન, સોનાલી બેન્દ્રે, ટીકુ તલસાણિયા જેવા જાણીતા અન્ય કલાકારો પણ લીધા છે. અક્ષયે ગૅંગસ્ટરની વાર્તાવાળી ફિલ્મોમાં શુટીંગના મુખ્ય મથક જેવા ગણાતા શહેર  દુબઇમાં એક બંગલો લીધાના સમાચાર આવ્યા, ત્યારે સાથે સાથે એ પણ જાણકારી ચર્ચામાં આવી કે દુબઈમાં મિલકત ખરીદનારા ખેલાડી કુમાર કાંઇ પ્રથમ નથી. એ દેશમાં શાહરૂખ, શિલ્પા શેટ્ટી અને ઐશ્વર્યા રાયના પણ બંગલા છે.



ઐશ્વર્યાને પડદા પર લાંબા સમયથી નહીં જોનારા સૌને માટે આનંદના સમાચાર એ છે કે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘રામલીલા’માં માત્ર એક ગીત ગાવા તે આવશે. આમ તો આઇટમ સોંગથી તે કમબૅક ના  કરત. પરંતુ, અભિષેક બચ્ચનની સમજાવટથી એ શક્ય બન્યું હોવાનું બહાર આવ્યું છે. એવું જ કરિનાએ પણ કર્યું હોય એમ લાગે છે. કરિના જ્યારે અમેરિકાના મિશીગનમાં શુટીંગ કરતા સૈફ અલી ખાનને મળવા ગઈ, ત્યારે મોટાભાગનાને એમ લાગ્યુ હતું કે ૧૬મી ઓગસ્ટે પતિદેવની બર્થડે નિમિત્તે તેણી વિદેશ પહોંચી હશે. પરંતુ, એમ લાગે છે કે તેમના હોમ પ્રોડક્શનમાં છોટે નવાબ પોતાની બેગમને પણ મેદાનમાં ઉતારશે. સૈફની એ ફિલ્મમાં ગોવિન્દા અને પ્રીટિ ઝિન્ટા પણ બહુ વખતે દેખાવાનાં છે. એ પિક્ચરનું નામ હજીય રખાયું નથી. વચમાં ‘હૅપ્પી ઍન્ડીંગ’ એવું કંઈક સંભળાયું હતું ખરૂં. પણ જો ખરેખર કરિના એ પિક્ચરમાં કામ કરશે તો ટાઇટલમાં તેનું નામ કયા ક્રમમાં લખાશે?



ટાઇટલમાં હીરોઇન દીપિકાનું નામ પ્રથમ ક્રમે લખવાની પ્રથા ‘ચેન્નઈ એક્સપ્રેસ’થી શાહરૂખે આરંભ કરી છે. પોતાનું નામ પહેલું જ આવે એવો હીરોલોગનો આગ્રહ જાણીતો છે. એવામાં મહિલા શક્તિનો સ્વીકાર કરવાનો નવો ચીલો ચાતરવાનો યશ શાહરૂખને આપવો જ પડે. બાકી જૂના જમાનામાં મલ્ટી સ્ટાર ફિલ્મોના ટાઇટલમાં તો કોનું નામ પહેલું અને કોનું બીજું એ અંગે હીરો લોકોમાં જ કેટલા વિવાદ થતા? ક્યારેક એ પ્રકરણ યાદ કરવા જેવું છે, જેનાથી અત્યારના કલાકારો કેટલા ઍડજ્સ્ટ થાય એવા પ્રોફેશ્નલ છે એ સમજાય. શું કરિનાનું નામ પહેલું મૂકવા સૈફ તૈયાર થશે? કારણ કે કરિનાએ એવી ઇચ્છા વ્યકત કરી હોવાનું કહેવાય છે કે શાહરૂખની આ શુભ શરૂઆત પછી કરણ જોહર તેમની ફિલ્મ ‘ગોરી તેરે પ્યાર મેં’ના નંબરિયામાં હીરો ઇમરાનખાન કરતાં કરિનાનું નામ પહેલું મૂકે. શું મહિલાઓને પહેલી ક્રેડીટ આપવાની શાહરૂખની આ પહેલને અન્ય ઍક્ટર્સ આગળ વધારશે કે પછી...?  


તિખારો! 

ફિલ્મોના પ્રમોશન માટે ટીવી એટલું અગત્યનું માધ્યમ થઈ ચૂક્યું છે કે લાગે છે કે  ટીવી કલાકારો કરતાં ફિલ્મ સ્ટાર્સ ટેલીવિઝન સ્ટુડિયોમાં  વધારે  રહેતા હશે!!



4 comments:

  1. મને આજે જ ફેસબુક દ્વારા આ બ્લોગની ખબર પડી... હવે ફિલમની ચિલમ વાંચવાની મજા પાછી ચાલુ થશે....

    ReplyDelete
    Replies
    1. પ્રિય કારીયા સાહેબ,
      આ બ્લૉગ પણ હજી વરસ દહાડાથી જ શરૂ કર્યો છે. ‘ફિલ્મની ચિલમ’ સિન્ડીકેટ કોલમ તરીકે અહીં કેનેડાના એક અખબાર ‘ગુજરાત એબ્રોડ’ અને ભારતમાં ‘મુંબઈ સમાચાર’માં ત્રણેક વરસથી ચાલે છે.
      તમે જાણતા જ હશો કે જુના લેખો જોવા માટે લેખના અંતે આવતી સવલત Older post પર ક્લિક કરવાથી જઈ શકાશે.
      ફરીથી મળતા રહીશું.... હર્ષા યાદ પાઠવે છે.
      -સલિલ

      Delete
  2. Sir if possible plz write in Hindi or English, bcoz not display Gujarati front in mobile, (any app ?)

    ReplyDelete
    Replies
    1. Cann't help it Riyaz, I am a writer in Gujarati. If you try to read it on computer it will be displayed. No there is no App for my blog, unfortunately. Check if there is any App for gujarati fonts.

      Delete