Saturday, September 28, 2013

ફિલમની ચિલમ.... ૨૯ સપ્ટેમ્બર., ૨૦૧૩



નોરતામાં સેન્ચ્યુરીના ઓરતા...... રણબીર પૂરા કરાવી શકશે?



 રણબીર કપૂરને આજનો માત્ર લોકપ્રિય જ નહીં સમજદાર અભિનેતા પણ કહેવો પડે, એવું એક સરસ કામ તેણે કર્યું છે. વચમાં એવા રિપોર્ટ હતા કે ‘આર.કે.’ની અમર કૃતિ ‘આવારા’ની રિમેઇક બનવાની છે અને તેમાં રીશી કપૂર તેમના દાદા પૃથ્વીરાજજીની ભૂમિકા કરશે. તેમજ રણબીર તેના ગ્રાન્ડ ફાધર રાજ કપૂરનો રોલ કરશે. નરગીસનું પાત્ર કટરિના ભજવશે કે દીપિકા એની ચર્ચાઓ શરૂ થતાં પહેલાં જ ટાઢી પડી ગઈ છે.... રણબીરને લીધે! કેમ કે સેન્સીબલ રણબીરે પોતાનો સેન્સીબલ વીટો વાપરીને કહ્યું કે એ ક્લાસિક ફિલ્મને અકબંધ રાખો. તેની સાથે કોઇ છેડખાની ના કરાય. રાજ-નરગીસનો ઉત્કટ અભિનય અને શંકર-જયકિશનના સંગીતને લોકોમાં જેમ છે એમ જ રાખીએ. પરિણામે ‘આવારા’ અંગે એક નવો નિર્ણય લેવાયો છે.

તે અનુસાર ‘આર.કે.’માંથી નવું ‘આવારા’ હજી આવશે જરૂર, પણ નવા રંગ સાથે આવશે! અર્થાત બ્લેક એન્ડ વ્હાઇટ ‘આવારા’ને કલરમાં તૈયાર કરાશે અને ૨૨ વરસે ‘આર.કે.’માંથી કોઇ પ્રોડક્ટ બહાર પડશે, જે અમારા સવાલનો જવાબ પણ હશે. અમે ગઈ સાલ ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં યોજાયેલા ‘રાજકપૂર રિટ્રોસ્પેક્ટિવ’ નિમિત્તે આવેલા કપૂરભાઇઓ રણધીર, રીશી અને રાજીવને એક સંયુક્ત સવાલ પૂછ્યો હતો. તે એ કે “પરદેશમાં શુટીંગ હોય કે ફિલ્મનું ખર્ચાળ બજેટ, લોકપ્રિય સંગીત કે પછી રિલીઝ પહેલાં ઉભી કરાતી પ્રેક્ષકોની ઇન્તેજારી એ બધી ‘આર.કે.’એ શરૂ કરેલી સફળ ફોર્મ્યુલાઓ ઉપર આજની ફિલ્મો કરોડોના વેપાર કરે છે. વળી તમારા પરિવારમાં જ રણબીર અને કરિના જેવા આજના સૌથી લોકપ્રિય યંગ એક્ટર્સ છે. તો ખુદ ‘આર.કે.’ બેનરમાંથી કોઇપણ પિક્ચર કેમ નથી પ્રોડ્યુસ કરાતું?” ત્યારે ત્રણેય ભાઇઓ વતી રણધીરે કહ્યું હતું કે અમે કેટલાક કન્સેપ્ટ પર કામ કરી રહ્યા છીએ અને થોડાક જ સમયમાં અમે તે જાહેર કરીશું. 


કપૂર પરિવારે વિચારેલા કન્સેપ્ટ પૈકીનો એક ‘આવારા’નું પુનઃ સર્જન હોય તો એ રિમિક્સ ઉપર રણબીરે વાજબી રીતે જ પાણી ફેરવી દીધું છે. બાકી જે રીતે ‘ડોન’, ‘અગ્નિપથ’ કે છેલ્લે આવેલી ‘જંજીર’ના સંગીતના બેહાલ કરાયા છે, તે જોતાં ‘‘આવારા હું...” કે પછી “ઘર આયા મેરા પરદેસી...” જેવાં ગીતોને માથેથી ઘાત ટાળવા બદલ સંગીત પ્રેમીઓ રણબીર કપૂરને ‘બરફી’ કે ‘રોકસ્ટાર’ તરીકે ઓળખશે... તેને ‘બેશરમ’ નહીં કહે! ‘બેશરમ’ આવતા સપ્તાહે રિલીઝ થશે, ત્યારે ફરી એકવાર ૧૦૦ કરોડની આશા-અપેક્ષાઓ બંધાશે. વળી, જે રીતે અત્યારે ‘ગ્રૅન્ડ મસ્તી’ અને ‘શુદ્ધ દેસી રોમાન્સ’ જેવી ફિલ્મો પણ પહેલા દસ-બાર દહાડામાં ૫૦ કરોડને આંબી જાય છે, એ જોતાં રણબીર જેવા ‘એ’ ગ્રેડના સ્ટાર પાસે સદીની ગણત્રી હોય એ સ્વાભાવિક છે. જો કે ‘બેશરમ’ને બૉક્સ ઑફિસના જૂના સમયના હિસાબો પ્રમાણે કોઇ સારો સમય નથી મળ્યો.

‘બેશરમ’ રજૂ થશે, નવરાત્રીના દિવસોમાં! હવે એ એક એવો ઉત્સવ છે જ્યારે યૌવનધન આખી રાત ગરબા અને રાસમાં નાચતું-કૂદતું હોય છે. એટલે નોરતાંના દિવસોમાં સાંજના અને રાતના ખેલની ઘરાકી ઉપર વરસોથી અસર પડતી આવી છે. મોડી રાતના ઉજાગરા પછી દિવસના શોમાં પણ મોટેભાગે બરકત આવતી નથી. એ સંજોગોમાં જો ‘બેશરમ’ સન્માનજનક વકરો લઈ આવશે, તો એ યશ રણબીર કપૂરની વ્યક્તિગત લોકપ્રિયતાને આપવાનો થાય. જો કે દિગ્દર્શક અભિનવ કશ્યપ (આજે જે ભારે ડિમાન્ડમાં છે એવા) અનુરાગ કશ્યપના ભાઇ હોવા ઉપરાંત તેમના નામ સામે ‘દબંગ’ જેવી સલમાનની સુપર હીટ ફિલ્મ જરૂર છે.

દબંગ’ ટાઇટલ સલમાન ખાનના નામ સાથે ચોંટેલું રહે એવા એક બનાવની નોંધ કમસે કમ ગૉસીપ કોલમોએ તો ગયા સપ્તાહે લીધી. સલમાન ગયા હતા બીમાર દિલીપકુમારની ખબર કાઢવા અને પાછા આવ્યા એક ચાહકને ખબર પાડીને! જો અહેવાલ સાચા હોય તો હોસ્પીટલમાંથી બહાર આવતા સલમાનનો ફોટો પોતાના સેલફોનમાં પાડતા એક પ્રશંસકને ‘બીગ બોસે’ પોતાની કાર પાસે બોલાવ્યો અને તેનો ફોન લઇને રોડ પર ફેંકી દીધો. દિલીપ સા’બની તબિયતથી ચિંતિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન સહિતના ઘણા સ્ટાર્સ ગયા હતા. સલમાન અને અમિતાભ અત્યારે અલગ અલગ ચેનલ પર ટીવી શોમાં આવે છે અને હજી ‘ટ્વેન્ટી ફોર’ સિરીઝ સાથે અનિલ કપૂર પણ એ રેસમાં જોડાવાના છે. ત્યારે અમિતાભ જેટલી અભિષેકની વ્યસ્તતા ક્યારે થશે? એવી ચિંતા કરનારા સૌને રાહત થાય એવા કન્ફર્મ ન્યુઝ આવ્યા છે કે ઐશ્વર્યારાય મેટર્નિટી લીવ પરથી પરત આવે છે, અભિષેક સાથેની ફિલ્મ ‘હેપ્પી એનિવર્સરી’થી! ત્યારે ફિલ્મની વાર્તા ચિંતા કરાવી શકે છે.




ફિકર એ છે કે, જો એક દૈનિકે આપેલી બાતમી સાચી હોય તો, આ પિક્ચર ‘માસુમ’ની રિમેઇક હશે. તે હિમેશ રેશમિયા બનાવવાના છે અને તેનું દિગ્દર્શન ઍડવર્ટાઇઝીંગના જાણીતા ક્રિએટિવ વડા પ્રહ્લાદ કક્કડ કરવાના છે. ચિંતા ‘આવારા’ની જેમ મૂળ ક્લાસિકની જ કરવાની હોય. ‘માસુમ’માં શબાના આઝમી અને નસીરુદીન શાહની સાથે બાળ કલાકાર તરીકે જુગલ હંસરાજનો માસુમ અભિનય અત્યંત હ્રદયસ્પર્શી હતો. એ શેખર કપૂરની સંવેદનશીલ કૃતિ પાછી ઍરિક સેગલની મૂળ વાર્તા ‘મૅન, વુમન ઍન્ડ ચાઇલ્ડ’ પર આધારિત હતી. તેથી કૉપીરાઇટનો તો કદાચ કોઇ સવાલ નહીં થાય. પરંતુ, ચિંતા એ કે ગુલઝાર અને રાહુલદેવ બર્મનની જોડીનો અનોખો સંસ્પર્શ તેમાં હશે? તેમાં “લકડે કી કાઠી...” જેવું બાળગીત અને “દો નૈના ઇક કહાની, થોડા સા બાદલ થોડા સા પાની...” સરખી ઋજુ રચના હશે? કે પછી રિમેઇકમાં મૂળ ક્લાસિકની જે દશા થાય છે તેનો અનુભવ જોતાં ઐશ્વર્યા-અભિષેકની એ ફિલ્મ જોયા પછી સર્જકોને ગુલઝારના ‘માસુમ’ શબ્દોમાં જ કહેવું પડશે કે, “તુઝસે નારાજ નહીં.... હૈરાન હું”!





તિખારો!


કેબીસી’ એટલે? Knowledge Brings Crores!!

2 comments:

  1. પ્રિય સલિલ સર,

    ક્યાંથી ક્યાં વાત જાય અને તો પણ મજ્જા જ આવે. એક ક્ષતિ સુધારુ ’કન્સેપ્ટ’ નહીં પણ ખરુ ઉચ્ચારણ ’કોન્સેપ્ટ’ છે... જયભાઈ વસાવડા પાસે આ શબ્દ માટે ભૂલ સ્વિકારી ચૂક્યો છું એટલે ખબર છે :)
    સેમ

    ReplyDelete
    Replies
    1. પ્રિય સૅમ,
      સિનેમા જેવા ક્રિએટિવ ક્ષેત્રના તમારા જેવા ગુણી વાચક મિત્ર ‘મજ્જા આવે’ એમ કહે તેની મજ્જા જ ઑર હોય છે.
      ઉચ્ચાર દોષ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. ઇંગ્લિશમાં દરેક દેશ-વિસ્તાર પોતપોતાની રીતે શબ્દોને ઉચ્ચારે છે અને તે બધા બધે જ માન્ય છે. ‘કોન્સેપ્ટ’ એમ વેસ્ટૈન્ડીઝના કેરેબિયન કે આપણે ત્યાં બંગાળ-આસામ જેવા પૂર્વના પ્રદેશોમાં બોલાતું આવ્યું છે.
      જયભાઇ કયા ઉચ્ચારણોને અનુસરે છે એ ખબર નથી. આપણા ભગવદગોમંડળમાં આખા ‘ન’ સાથેનો ‘કોનસેપ્ટ’ એમ છે. હું તો અંગ્રેજીમાં ઉચ્ચારોનું ધોરણીકરણ જેનાથી મનાય છે તે આંતરરાષ્ટ્રીય Pronounce How નો સહારો લેતો આવ્યો છું અને તેમાં ‘કન્સેપ્ટ’ જ છે.
      -સલિલ
      આ તો જરા અમસ્તું...... ગુજરાતીમાં ‘સ્વિકાર’ નહીં પણ ‘સ્વીકાર’ એ સાચી જોડણી છે. :) :)

      Delete