Saturday, October 5, 2013

ફિલમની ચિલમ..... ઑક્ટોબર ૦૫, ૨૦૧૩






“ખામોશ!.... અબ શત્રુ કા ‘લવ’ આ રહા હૈ!”

‘જય હો’! છેવટે સલમાન ખાનની ફિલ્મ ‘મૅન્ટલ’નું નવું નામ ‘જય હો’ રખાયું. ‘જય હો...’ એ ‘સ્લમ ડૉગ મિલીયોનર’નું એ.આર. રેહમાને સર્જેલું ઇન્ટરનેશનલ ગીત છે અને પંડિત જસરાજજી જેવા તો દાયકાઓથી દરેક પ્રશંસાને ‘જય હો’થી વધાવતા આવ્યા છે. ‘મૅન્ટલ’ એ નામ હીરોને નેગેટિવ છાપ આપે એવું હોવાનો અભિપ્રાય થતાં થોડા સમયથી કેટલાંક નવાં નામ વિચારણામાં હતાં. પરંતુ, ગયા અઠવાડિયે સલમાને જાતે ‘બીગ બૉસ’નું સંચાલન કરતાં “સોહેલ ભાઇ”ની આવી રહેલી ફિલ્મ ‘જય હો’ એમ કહીને નવા નામકરણની જાણ કરી હતી. એવું જ નવું નામ શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હાને ચમકાવતી પ્રભુદેવાની ફિલ્મ ‘રૅમ્બો રાજકુમાર’નું પણ પાડવું પડ્યું. 


‘રૅમ્બો’ એ હોલીવુડની એક સફળ ફ્રેન્ચાઇઝી ધરાવતી ફિલ્મ છે અને જે રીતના મસલ્સ શાહિદે એ ફિલ્મ માટે બનાવ્યા છે અને દેખાડ્યા છે એ જોતાં કોઇને શક ના રહે કે એ ‘રૅમ્બો’ બનતા એક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોનની બોડીની પણ નકલ છે. એટલે કૉપીરાઇટ અંગે કોઇ હરકતમાં આવ્યું હોય કે ગમે એમ, પણ ‘રેમ્બો’ શબ્દ ટાઇટલમાંથી કાઢી નાખવો પડ્યો છે અને હવે એ પિક્ચરનું નામ ‘આર.... રાજકુમાર’ પાડવામાં આવ્યું છે. એ ફિલ્મની નાયિકા સોનાક્ષીનો એક ભાઇ પણ હવે એક્ટીંગના મેદાનમાં ઉતરી રહ્યો છે. સોનાક્ષીના જોડીયા ભાઇઓનાં નામ સૌ જાણે છે એમ પિતા શત્રુઘ્નએ ‘લવ’ અને ‘કુશ’ પાડ્યાં છે. તે પૈકીના લવ સિન્હાને લઈને ફિલ્મ બનાવવાની જાહેરાત એકતા કપૂરે કરી છે.

હવે લવકુમાર તેમના પપ્પાની જેમ આવતાં વેંત ‘ખામોશ...’ કહીને કે સિગરેટના ધુમાડાની રીંગો કાઢીને છાકો પાડે છે કે પછી સંજયદત્ત અને તુષાર કપૂર જેવા અન્ય સ્ટાર સન્સની જેમ પ્રેક્ષકોના ભોગે અને જોખમે દર પિક્ચરે અભિનયમાં સુધારો કરતા કરતા બે-પાંચ વરસે માફકસરની એક્ટીંગ કરતા થાય છે એ તો નીવડે વખાણ!  સંજય દત્તને જેલમાંથી પંદર દહાડાની પરોલ પર છૂટવા મળતાં એમ લાગે છે કે કારાવાસમાં ગયા પછી સંજુ બાબાની તબિયત ઉતરી છે.

તબિયતની રીતે જો કે અત્યારે ‘રામલીલા’ના હીરો રણવીર સિંગને માટે ખાસી ચિંતા ઉભી થઈ છે. તેને ‘ડેન્ગ્યુ’ (કે ‘ડેન્ગી’)ના રિપોર્ટ પછી ‘આઇસીયુ’માં રાખવો પડ્યો હોવાના અને એક તબક્કે તેનાં માતા-પિતાને પણ અંદર જવાની ઇજાજત નહતી; એવા રિપોર્ટ આવતાં કેટલાકને એ તેની આવી રહેલી ફિલ્મ ‘રામલીલા’નો પબ્લિસિટી સ્ટંટ હોવાની ગંધ આવી હતી. પરંતુ, આ બીમારીના પગલે ખુદ ‘રામલીલા’નું જ ડબીંગ વિલંબમાં પડતાં એ શક નિરાધાર સાબિત થયો. બલ્કે મોટેભાગે રિલીઝ ડેટ નવેસરથી નક્કી કરવી પડશે. એવી રિલીઝની તારીખ બદલવાની જરૂર રિતિક રોશનની ફિલ્મ ‘ક્રિશ-થ્રી’ને પણ પડી છે.

‘ક્રિશ-થ્રી’ની રજૂઆત માટે અગાઉ ચોથી નવેમ્બર એટલે કે બેસતા વરસનો દિવસ નક્કી કરાયો હતો. તેની પાછળનું લૉજિક અગાઉથી ચાલી આવતી બિઝનેસ પ્રથાનું હતું. વરસોથી દિવાળીની રજાઓમાં પિક્ચર નૂતન વર્ષના પ્રથમ દિવસે રિલીઝ  કરવાનો એક શિરસ્તો છે. કેમ કે દિવાળીમાં ઘર-દુકાનની સફાઇની સાથે બાકી ખાતાં ચોખ્ખાં કરવાના કારણે મોજ-મઝા માટે બજારમાં લોકો અને પૈસા બન્ને ઓછાં હોય. જ્યારે બેસતા વર્ષે બૉનસ તથા બોણીથી માંડીને આશીર્વાદના પૈસા સાથે માર્કેટમાં લાભ પાંચમ સુધીની રજાઓમાં છન્નમ છન્ના હોય. પરંતુ, હવે સમય બદલાયો છે અને બિઝનેસના નવા નવા સ્ત્રોતની જરૂરિયાતો પણ નવતર છે. અત્યારે દેશના માર્કેટ જેટલો જ વિચાર ઇન્ટરનેશનલ બજારનો કરવાનો થયો છે.

આંતરરાષ્ટ્રીય રીતે ‘વીક ઍન્ડ’ એટલે કે શુક્ર-શનિ અને રવિનો બિઝનેસ સૌથી વધુ હોય છે. એટલે જો ‘ક્રિશ-૩’ બેસતા વરસે રજૂ કરાય તો ડોલર અને પાઉન્ડમાં થનારી આવક પર ભારે અસર થાય. એટલે જાગ્રત વેપારી એવા રાકેશ રોશને હવે ‘ક્રિશ-૩’ને રાબેતા મુજબ શુક્રવારે જ એટલે કે પહેલી નવેમ્બરે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. (આમેય તે દિવસે ‘ધનતેરસ’ હોઇ ધનવર્ષાના યોગ તો છે જ!) ‘ક્રિશ-૩’ની હિરોઇન પ્રિયંકા ચોપ્રાએ સંજય લીલા ભણશાળીની ‘રામલીલા’માં આઈટમ સોંગ કરીને ફિલ્મનું એક આકર્ષણ વધાર્યું છે. યાદ છેને? અગાઉ એ ગીત ઐશ્વર્યાએ કરવાનું સંભળાતું હતું. 




ઐશ્વર્યા અને અભિષેક ગયા સપ્તાહે એક પત્રકાર પરિષદમાં સાથે હતાં, ત્યારે અમિતાભ-જયાના સંબંધોના જમાનામાં જયાજીએ કરેલા અનોખા વિરોધની યાદ તાજી થઈ ગઈ. એ પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે ઐશ્વર્યાને ‘ઍશ’ કહીને સંબોધી અને અભિષેકે તરત કહ્યું કે તેમની પત્નીનું નામ ‘ઐશ્વર્યારાય બચ્ચન’ છે! ટૂંકમાં, ‘ઍશ’ એ ઘરનું લાડનું નામ છે, તેનો ઉપયોગ ગમે તે વ્યક્તિ ના કરી શકે. એવું જ જયા બચ્ચને વર્ષો પહેલાં કર્યું હતું. એ પોતે અમિતાભને ‘લમ્બુજી’ કહેતાં હતાં. પછી તો મેગેઝીનોએ પણ  એ રીતે ઉલ્લેખ કરવા માંડ્યો. ત્યારે એવાં તમામ સામયિકોને જયાજીએ પોતાની ‘ગુડબુક’માંથી બ્લૅક લીસ્ટ કરવાની ધમકી આપ્યા પછી બધા ઠેકાણે આવ્યા હતા!    



તિખારો!

સિડનીથી  અંગત અને પરમ મિત્ર રમેશ ચંડીએ ફેસબુક પર  સમાચાર આપ્યા છે કે, “ગરબા એ ગુજરાતી નૃત્ય જરૂર છે.... પણ તેનો આશય માતાજીની આરાધના છે. ફિલ્મી ગીતો પર નચાવતા ‘ગરબા કિંગ’ અને ‘ગરબા ક્વીન’ને લીધે સિનેમાનાં ગાયનના ઢાળ પર ગરબા બનાવવાની જૂની પ્રથા તો હવે લુપ્ત જ થઈ ગઈ છે. સીધાં ફિલ્મી ગીતો ને જ ગરબા ગણીને તે ગવડાવાય છે. ત્યારે ગીતોની પસંદગીમાં શું થોડો પણ વિવેક જરૂરી નથી હોતો? અહીં સિડનીમાં આ અઠવાડિયે ફાલ્ગુની પાઠકે “લુંગી ડાન્સ, લુંગી ડાન્સ....” ગાઇને સૌને ગરબે ઘુમાવ્યા! (જય માતાજી!!)”






3 comments:

  1. Salilji, let me share one incidence. As per my remembrance so many years ago DHARMENRA has slapped famous film reporter Devayani Choubal.
    Film star and journalist have a love-hate relation.
    They cant survive without each other
    -Gunvant Rajyaguru

    ReplyDelete
  2. Simply good as it was In 80's Salil Bhai....Geevo

    ReplyDelete
  3. Salil Bhai...simply superb style, similarly as 80's.
    G..E..E..V O... bAPA

    ReplyDelete