Sunday, January 5, 2014

ફિલમની ચિલમ.... ૫ જાન્યુઆરી, ૨૦૧૪




          તુમ જૈસે ગયે, ઐસે ભી જાતા નહીં હૈ કોઇ!’


હિન્દી સિનેમા પ્રેમીઓને ૨૦૧૩નું વર્ષ જતાં જતાં એક એવો આંચકો આપી ગયું, જેનો કોઇ અણસારો પણ નહતો... ૨૭મી ડિસેમ્બરે અભિનેતા ફારૂક શેખ હમેશા માટે આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા! એ થોડા પણ બીમાર હોત તો વાત અલગ હતી. પરંતુ, શબાના આઝમી સાથે હજી ૧૪મી ડિસેમ્બરે ૨૧ વરસથી ભજવાતું તે બન્નેનું નાટક ‘તુમ્હારી અમૃતા’ આગ્રામાં તાજમહાલની રોમેન્ટિક પૃષ્ઠભૂમિમાં તેમણે ભજવ્યું હતું. એટલું જ નહીં, ડ્રામા પહેલાંની ચર્ચામાં જ્યારે શબાનાએ કહ્યું કે એકવીસ વરસ થયાં હવે આજે તેનો પડદો પાડી દઈએ. (લૅટ અસ કૉલ કર્ટેઇન્સ), ત્યારે ફારૂકનો જવાબ હતો, “હોય કાંઈ? આપણે હજી બીજાં ૨૧ વરસ આ પ્લે ભજવવાનો છે!”


રંગમંચની સાથે જ એ સિનેમામાં પણ આજેય પોતાની રીતે અને હંમેશની રફતારે પ્રવૃત્ત હતા જ. જેમ કે આ સાલની ૧૦૦ કરોડનો વકરો કરાવનારી ‘યે જવાની હૈ દીવાની’માં એ રણબીર કપૂરના પિતાની ભૂમિકામાં હતા. બે વરસ પહેલાં તો ‘લાહોર’ નામની તેમની કૃતિમાંના તેમના અભિનય બદલ તેમને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની આવનારી ફિલ્મ ‘યંગીસ્તાન’નું આઉટડોર શૂટિંગ ઇન્દોરમાં તાજેતરમાં કર્યું હતું. વળી, જ્યાં તેમનું નિધન થયું એ દુબઈ તો એ પરિવાર સાથે વેકેશન ગાળવા ગયા હતા. એટલે આ સમાચાર દરેકને માટે ચોંકાવનારા હતા. પરંતુ, અચાનક મોત એ તેમના કુટુંબમાં પહેલી વારનું નહતું. તેમની ફિલ્મ ‘એક પલ’નાં દિગ્દર્શિકા કલ્પના લાઝમી કહે છે એમ, આવું ઓચિંતું મૃત્યુ તેમને વારસામાં મળ્યું હશે. કેમ કે ફારૂકના પિતાજી મુસ્તુફા શેખ પણ અચાનક હાર્ટ ઍટેક આવવાથી મુંબઈ એરપોર્ટ પર અવસાન પામ્યા હતા. 

 ફારૂક શેખના અબ્બાજાન તેમને પોતાની જેમ એક વકીલ બનાવવાના ઇચ્છુક હતા. તેથી ગ્રેજ્યુએશન પછી ફારૂકે મુંબઈની લૉ કૉલેજમાં ઍડમિશન પણ લીધું હતું. મુંબઈ નાનપણથી આવી ગયેલા ફારૂકનું મૂળ વતન તો, સૌ જાણે છે એમ, ગુજરાતમાં ડભોઇ પાસેનું આમરોલી હતું અને તેમનો જન્મ ૧૯૪૮ની ૨૫મી માર્ચના દિવસે થયો હતો. ૧૯૯૨ના ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ’ મૅગેઝીનને આપેલી એક લાંબી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે નાનપણમાં એ ખુબ રડતા હતા. તેથી ગામડાના તે સમયના પ્રચલિત ઇલાજ મુજબ તેમને સ્થાનિક હર્બલ દવા આપીને સુવાડી દેવામાં આવતા. આ વાતની ખબર મુંબઈમાં પ્રૅક્ટિસ કરતા તેમના પિતાજીએ જાણતાં ફારૂકને પણ બૉમ્બે શિફ્ટ કરી દેવાયા. 

 
મુંબઈ આવતાં સ્વાભાવિક જ જિંદગી બદલાઇ ગઈ. ક્યાં એક ગામડું અને ક્યાં આ મૅટ્રો શહેર! સાવ બચપણમાં ફારૂક પોલીસ ઑફિસર અથવા પાયલોટ જેવી કોઇક યુનિફૉર્મ પહેરીને વટ પાડવા જેવી નોકરી કરવાનું સપનું જોતા હતા પરંતુ, સ્કૂલે જતાં જ સમજ પડી ગઈ હતી કે તેમનો સ્વભાવ ‘નાઇન ટુ ફાઇવ’ની જૉબને લાયક નહતો. સ્કૂલ પછી જ્યારે સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પહોંચ્યા અને નાટકનો શોખ લાગ્યો. એ જ કૉલેજમાં અગાઉ વિજય આનંદ જેવા ધુરંધરે ડ્રામા એક્ટિવિટી ખુબ ચલાવેલી. 

એટલે ફારૂક અને મિત્રોએ એ પરંપરા આગળ ચલાવવાની હતી. તે વખતે તેમની કોલેજમાં સાથીદારો પણ કેવા કેવા હતા? વિનોદ મેહરા, મઝહર ખાન, અઝીઝ મિર્ઝા, સત્યદેવ દુબે વગેરે! એ બધાએ મળીને હિન્દી રંગમંડળને પુનર્જીવિત કર્યું. શબાનાજીએ ટીવી ઇન્ટર્વ્યુમાં કહ્યું એમ, કૉલેજનું બજેટ સતત પ્રવૃત્ત એવી ઇંગ્લીશ ડ્રામા એક્ટિવિટીમાં ખર્ચાઈ જતું અને તેથી ફારૂક પોતાના પૉકેટમનીમાંથી પૈસા ખર્ચીને પણ નાટકો કરવાનું ચાલુ રખાવતા. શબાના કોલેજમાં ફારૂક કરતાં બે વરસ જુનિયર હતાં. પરંતુ, ડ્રામામાં સાથે હોય અને ઠેઠ જીવનના અંતિમ મહિનામાં પણ સાથે ‘તુમ્હારી અમૃતા’ જેવું અદભૂત નાટક કર્યું. 




કોલેજકાળમાં ફારૂકની એક ખાસિયત એ હતી કે મિત્રો માટે એ સારા સલાહકાર હતા. દોસ્તો પોતાની સમ્સ્યાઓ તેમને કહેતા (અને વધુ તો ‘કહેતી’!). ફારૂક એ સૌને સલાહ જરૂર આપે; પણ પોતાના મનની વાત એક સિવાય કોઇને કહે નહીં. એ ‘એક’ એટલે રૂપાજી જેમની સાથે ૧૯૭૯માં લગ્ન કર્યાં અને ઘર વસાવ્યું. ફારૂક એ રીતે જબરદસ્ત કમિટમેન્ટના માણસ. ફિલ્મોની આટલી લાંબી કરિયર દરમિયાન એક્ટરો સામાન્ય રીતે સંકળાયા (કે સંડોવાયા!) હોય એવું કદી કોઇ સ્કૅન્ડલ નહીં. વાંચનના ખુબ શોખીન અને અત્યંત પ્રાઇવેટ વ્યક્તિ. કદી કોઇ ગૃપબાજીમાં ના હોય. એવા નિષ્પક્ષ એક્ટરે કોલેજકાળમાં નાટકોમાં કરેલું સમયનું ઇન્વેસ્ટમેન્ટ ત્યારે રંગ લાવ્યું, જ્યારે એમ.એસ. સથ્યુએ ફારૂકને પોતાની ફિલ્મ ‘ગર્મ હવા’માં લીધા. 


જો કે તે માઇલસ્ટોનની વાત કરતાં પણ એ કદી બડાશ ના મારે. બલ્કે પોતાની હળવી શૈલીમાં કહેતા, “સથ્યુ સાહેબે મને પસંદ કર્યો, કારણ કે હું થોડી ઘણી એક્ટિંગ કરી લેતો હતો, મારી પાસે ટાઇમ જ ટાઇમ હતો અને સૌથી મોટી વાત એ હતી કે પૈસાની રીતે હું પરવડું એવો હતો!” તેમને ‘ગર્મ હવા’ માટે રૂ. ૭૫૦ મળ્યા (મહિને કે કુલ રકમ એ ચોખવટ તેમના ઇન્ટર્વ્યુમાં નથી.). પરંતુ, પૈસાની એ કુરબાની રંગ લાવી જ્યારે સત્યજીત રે અને મુઝફર અલીએ તેમની ‘શતરંજ કે ખિલાડી’ અને ‘ગમન’ માટે તેમને પસંદ કર્યા.

 

એ દૌર હતો મુખ્યધારાથી હટીને બનતી ફિલ્મોની સમાતર ધારાનો પણ! તેમાં માસુમ ચહેરાવાળા આ હેન્ડસમ યુવાનને માટે જગ્યા થઈ શકી. તેમના ‘ઇપ્ટા’ જેવી નાટ્ય સંસ્થા સાથેના જોડાણને લીધે જ્યારે મનમોહન ક્રિશ્નાના નિર્દેશનમાં યશ ચોપ્રાએ ‘નૂરી’ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે કોમર્શિયલ ‘હીરો’ તરીકે પણ ફારૂક પસંદ થયા. ‘નૂરી’ની સફળતાએ હીરોઇન પૂનમ ધિલ્લોનને ‘એ’ ગ્રેડની સ્ટાર બનાવી. જ્યારે ફારૂક સાહેબે પસંદ કર્યો મધ્યમમાર્ગી ફિલ્મોનો રસ્તો. ત્યાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા અભિનેતાઓ સાથે એ પ્રકારની કૃતિઓના એ પણ માફકસરના ‘સ્ટાર’ થયા. અર્થાત ફારૂકભાઇના નામે પિક્ચર જોવા જનારો પણ એક વર્ગ થયો હતો.  

એ મધ્યમમાર્ગી સિનેમાનો સ્ટાર કરિશ્મા(?) ‘ચશ્મે બદ્દુર’, ‘સાથ સાથ’, ‘કથા’, ‘કિસી સે ન કહના’, ‘રંગબિરંગી’ થી જોવાયો જ હતો. સાથે સાથે એ ‘ઉમરાવ જાન’માં રેખા સાથે અને ‘તુફાન’માં અમિતાભ બચ્ચન જોડે હતા. દીપ્તિ નવલ અને ફારૂક શેખની જોડીની ૯ ફિલ્મો આવી અને તેમાં ૨૦૧૩માં જ આવેલી અદભૂત ફિલ્મ ‘લિસન અમાયા’ પણ હતી. ‘૧૩ના ડિસેમ્બરમાં જ તેમની સારિકા સાથેની ‘ક્લબ સિક્સ્ટી’ આવી હતી. તેમના ટીવી કાર્યક્રમ ‘જીના ઇસી કા નામ હૈ’માં આજના પણ કેટકેટલા ‘સ્ટાર્સ’ સાથે તેમણે મંચ પર વાત કરી હતી. છતાંય અફસોસ કે ફારૂક શેખની અંતિમ યાત્રામાં કમર્શિયલ કહેવાતા સિનેમાના અત્યારના કોઇ મોટા સ્ટારની ઉપસ્થિતિ નહતી. 
 
  ફારૂકભાઈના મૃતદેહને મુંબઈના મુસ્લિમ કબ્રસ્તાનમાં જ્યારે  તેમનાં અમ્મીજાનની કબરની બાજુમાં દફનાવાયા ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં અફકોર્સ, શબાના આઝમી, સોનાલી બેન્દ્રે, તબુ,, દિવ્યા દત્તા, અનિતા રાજ, દીપા સાહી, સતીશ શાહ, અનુપમ ખેર, રઝા મુરાદ, સુપ્રિયા પાઠક, કબીર બેદી, નીલિમા અઝીમ, રાકેશ બેદી, રાહૂલ બોસ, જહોની લીવર, રઘુવીર યાદવ, મીતા વશિષ્ટ, પવન મલ્હોત્રા, સુધીર મિશ્રા, હની ઇરાની, જાવેદ અખ્તર, ફરહાન અખ્તર, શેખર સુમન, અનંત મહાદેવન, વરૂણ બદોલા, રાજેશ્વરી, ગજેન્દ્ર ચૌહાણ, ગોવિંદ નિહલાની, અલકા યાજ્ઞિક વગેરે સૌએ હાજરી આપીને એક સક્રીય સદગૃહસ્થ અભિનેતાને શોભે એવી શ્રદ્ધાંજલિ આપી. પરંતુ, કોઇ ખાન, કુમાર, બચ્ચન કે કપૂર જેવા આજની કમર્શિયલ સિનેમાના ૧૦૦-૨૦૦ કે હવે ૩૦૦ કરોડના ટૉપ સ્ટાર્સની ગેરહાજરીને લીધે એમ થાય કે શું હજી પણ ‘મુખ્ય સિનેમા’ અને ‘અન્ય સિનેમા’નો ભેદ યથાવત છે?



ખેર, આટલા અચાનક વિદાય થઈ ગયેલા ફારૂક શેખને શ્રધ્ધાંજલિ આપતાં આપણે પણ શબાના આઝમીની માફક કૈફી આઝમીનો એ જ શેર કહીશું જે તેમણે વર્ષો પહેલાં બેમિસાલ સર્જક ગુરૂદત્તના ઓચિંતા નિધન પર કહ્યો હતો, “રહને કો સદા દહર મેં, આતા નહીં હૈ કોઇ, તુમ જૈસે ગયે, ઐસે ભી જાતા નહીં હૈ કોઇ...!”
















































8 comments:

  1. Salil Sir,

    Ek diwas khavanu nahotu bhavyu...

    Sam

    ReplyDelete
  2. ઘણા ઓછા ફિલ્મી કલાકારો હોય છે જેમના જવાથી પોતીકું દુઃખ અનુભવાય, પ્રાણસાહેબ કે ફારુક શેખ જેવા માટે આમ થવું કુદરતી છે, અલ્લાહ એમને સુકુન આપે, આમેન.

    ReplyDelete
  3. RIP...Farookhbhai...!!

    ReplyDelete
  4. Waqt badi beraham cheez hai...RIP Shekh Saab

    ReplyDelete
  5. સુંદર શ્રધાંજલી એક સાચા કલાકારને !

    ReplyDelete
  6. શબાના જી એ આપેલી શ્રદ્ધાંજલી સાથે હું સમ્મત થાઉં છું ભગવાન આવા મહાન કલાકાર ની આત્મા ને શાંતિ આપે

    ReplyDelete
  7. મહાન કલાકાર ને દિલોજાન થી સલામ ભગવાન એમની આત્મા ને શાંતિ આપે

    ReplyDelete