“અય મેરે વતન કે લોગોં...” ખરેખર કોનું ગીત કહેવાય?
‘સ્ક્રિન’ના એવોર્ડની ધમાલ પૂરી નથી થઈ ત્યાં ફિલ્મ ઉદ્યોગના સૌથી જૂના ‘ફિલ્મફેર એવોર્ડ’નાં નૉમિનેશન જાહેર થયાં છે. સૌ જાણે છે એમ, ‘ફિલ્મફેર’ના પ્રતિષ્ઠિત પુરસ્કારો લગભગ ૬૦ વરસથી અપાય છે અને તેનું હૉલીવુડના ઑસ્કર એવોર્ડની માફક આગવું મહત્વ છે. એવોર્ડ સમારોહોની મઝા એ હોય છે કે તેમાં વિવાદ અને ગૉસિપના રસિયાઓને પૂરતો મસાલો મળી રહેતો હોય છે. જેમ કે ‘બેસ્ટ ફિલ્મ’નો સ્ક્રિન એવોર્ડ જીતનારી ‘ભાગ મિલ્ખા ભાગ’માં ‘બેસ્ટ એક્ટર’નો જ્યુરી એવોર્ડ મેળવનાર ફરહાન અખ્તરના અભિનય માટે નસીરુદ્દીન શાહ કહે છે કે તેમને એ શ્રેષ્ઠ અભિનય લાગ્યો નહતો. હવે તેનો વિવાદ આગળ વધશે કે ‘મદ્રાસ કાફે’ની જેમ સમય જતાં ઠરી જશે?
‘મદ્રાસ કાફે’ રિલીઝ થતાં અગાઉ તામિલ પ્રશ્નની રજુઆત યોગ્ય રીતે થઈ
હશે કે કેમ એ અંગે વિવાદ ચાલતા હતા. પરંતુ, તામિલનાડુને બાદ કરીને એકવાર પિક્ચર રિલીઝ
કરી શકાયું પછી આજે સ્થિતિ એવી છે કે તે જ ફિલ્મ માટે દિગ્દર્શક શૂજિત સરકારને ‘બેસ્ટ ડાયરેક્ટર’નો એવોર્ડ
મળ્યો. એટલું જ નહીં, ફિલ્મની સફળતાને પગલે તેમના હીરો જહોન અબ્રાહમે ગર્લફ્રેન્ડ પ્રિયા
સાથે કશી ‘હો-હા’ વગર વિદેશમાં લગ્ન પણ કર્યાં.તો અન્ય એક વિવાદ ‘ધૂમ થ્રી’નો પણ છે.
તે મુજબ ‘સ્ક્રિન’ની માફક જ ‘ફિલ્મફેર’માં પણ ‘ધૂમ
થ્રી’ કોઇ કૅટેગરીમાં નથી. ત્યારે આમિરની એવોર્ડ્સ માટેની એલર્જીને લીધે તેને કોઇ
વિભાગમાં નોમીનેટ ન કરાય એ સમજ્યા. પણ ‘આટલી સફળ ફિલ્મનું કોઇ અંગ પુરસ્કારને લાયક
ના હોય, એ કેવું?’ એમ પૂછનારાઓને ખબર નથી હોતી કે ‘ધૂમ થ્રી’ ૨૦૧૩ના છેલ્લા સપ્તાહમાં નાતાલની રજાઓમાં રિલીઝ થવાને કારણે
તેનો સમાવેશ આ વરસ ૨૦૧૪ની હરિફાઇમાં થશે. એ રીતે શાહરૂખનું પ્લાનિંગ પરફૅક્ટ હોય છે.
શાહરૂખનાં પિક્ચર મોટેભાગે દિવાળીની કે શ્રાવણ મહિનાની
રજાઓમાં રજૂ થતાં હોય છે. તેથી ઑગસ્ટથી નવેંબર સુધીમાં આવેલાં એ પિક્ચરો એવોર્ડની ઉમેદવારીના
દિવસોમાં તાજાં હોય છે. તેની પ્રશંસા અને ખાસ તો બૉક્સ ઑફિસ કલેક્શન પણ હજી મીડિયામાં
ચર્ચાતાં હોય. વળી, એ પોતે કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવા કે સંચાલન કરવા પણ ઉપલબ્ધ
હોય. પછી શું જોઇએ? જેમ કે ‘ચેન્નાઇ એક્સપ્રેસ’
ઑગસ્ટ મહિનામાં રિલીઝ થઈ. તેથી રક્ષાબંધન અને સ્વતંત્રતા દિનની રજાઓનો લાભ મળતાં
ગાડી ટિકિટબારી પર સડસડાટ ૨૦૦ની સ્પીડે દોડી ગઈ અને એવોર્ડ માટે પણ લાઇનમાં ઉભી રહી
શકી. સામે ‘ધૂમ થ્રી’ ચાર વીકમાં ૫૦૦ કરોડના
બિઝનેસ છતાં આવતી સાલની કતારમાં હશે! એવુ જ સલમાનની ‘જય હો!’નું કહી શકાય.
‘જય હો!’ આ સપ્તાહે આવી હોઇ તે પુરસ્કારો માટે દસેક મહિના પછી
ઠેઠ નવેમ્બર ૨૦૧૪માં જ ગણત્રીમાં લેવાશે.... તેમાં ‘આમ આદમી’ને હીરો બનાવ્યો હોઇ અત્યારે
ભલેને તે ગમે એટલી ચર્ચામાં હોય. હા, ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની રજાનો લાભ
તેના વકરાને જરૂર મળવાનો. આજે પ્રજાસત્તાક દિન હોઇ ચારે તરફ દેશભક્તિનાં ગાયનો વાગવાનાં
અને ત્યારે ફરી એકવાર અમારો કાયમી સવાલ પૂછવાનું મન થાય.... ‘આ ફિલ્મી ગીતો ના હોત
તો રાષ્ટ્રભક્તિનો જુસ્સો કઈ કવિતાઓથી આપણે કરતા હોત?’ ઠેઠ આઝાદી પહેલાંના ‘કિસ્મત’ ફિલ્મના “દૂર હટો અય દુનિયાવાલોં હિન્દુસ્તાન હમારા હૈ...”થી શરૂ કરીને ‘દસ’માં “સુનો ગૌર સે દુનિયાવાલોં... સબ સે આગે હોંગે હિન્દુસ્તાની...” અને અત્યારની પેઢીને રેહમાનનાં “વંદે માતરમ” અને “જય હો”ના નારા કરાવતાં ગીતો હિન્દી સિનેમાએ આપ્યાં છે. પરંતુ, એ બધાની
ટોચે છે, લતા મંગેશકરે ગાયેલું “અય મેરે વતન
કે લોગોં....”, જે ખરેખર તો તેમનાં બહેન આશા ભોંસલેએ ગાવાનું હતું!
આશાજીએ સંગીતકાર સી.રામચંદ્ર સાથે રિહર્સલો કર્યાં હતાં.
તે ગીતના લખનારા રાષ્ટ્રકવિ પ્રદીપજીએ દરમિયાનગીરી કરી ન હોત તો લતાજીને તેમની જિંદગીનું
આ સૌથી યાદગાર ગીત મળ્યું જ ન હોત. તેમને સી. રામચંદ્ર સાથે કોઇક કારણસર વાંધો હોઇ
બન્નેએ સાથે કામ કરવાનું ત્યારે બંધ કરેલું હતું. તે દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં એ વાતની
ભારે ચર્ચા હતી કે આશા ભોંસલે એક એવા ગીતનું રિહર્સલ કરી રહ્યાં હતાં, જેને સી. રામચંદ્ર
વડાપ્રધાનશ્રી જવાહરલાલ નહેરૂની હાજરીમાં પ્રસ્તુત કરવાના હતા. એ ઘટનાને આલેખતાં ફિલ્મ
સંગીતના ઇતિહાસકાર રાજુ ભારતને લખ્યું છે કે એક સવારે ૬ વાગે લતાજીનો ફોન પ્રદીપજી
પર આવ્યો. તેમાં તેમણે એ ગીત ગાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી!
પ્રદીપજીનો ફાળો ગીતની ધૂન બનાવવામાં પણ હતો. તેમને લતાજીએ એ પણ કહ્યું કે આશાજી સાથે યુગલ સ્વરમાં (ડ્યુએટ તરીકે) ગાવા પણ પોતે તૈયાર છે. પોતે નાની બેનનું ગીત છીનવી લેવા નહતાં માગતાં, એ તેના પરથી સ્પષ્ટ થતું હતું. પરંતુ, આટલું અદભૂત સોલો ગીત પોતાના હાથમાંથી, એટલે કે કંઠમાંથી, છેલ્લી ઘડીએ જતું રહેતું હોઇ આશા ભોંસલેએ ઇનકાર કર્યો કે સી. રામચંદ્રએ માત્ર લતા મંગેશકરને જ લેવાનું નક્કી કર્યું એ ખુલાસો તો નથી થતો.
પ્રદીપજીનો ફાળો ગીતની ધૂન બનાવવામાં પણ હતો. તેમને લતાજીએ એ પણ કહ્યું કે આશાજી સાથે યુગલ સ્વરમાં (ડ્યુએટ તરીકે) ગાવા પણ પોતે તૈયાર છે. પોતે નાની બેનનું ગીત છીનવી લેવા નહતાં માગતાં, એ તેના પરથી સ્પષ્ટ થતું હતું. પરંતુ, આટલું અદભૂત સોલો ગીત પોતાના હાથમાંથી, એટલે કે કંઠમાંથી, છેલ્લી ઘડીએ જતું રહેતું હોઇ આશા ભોંસલેએ ઇનકાર કર્યો કે સી. રામચંદ્રએ માત્ર લતા મંગેશકરને જ લેવાનું નક્કી કર્યું એ ખુલાસો તો નથી થતો.
પરંતુ, એ રાષ્ટ્રીયગાન છેવટે એકલાં દીદીએ જ ગાયું એ તો સૌ કોઇ જાણે છે. રસપ્રદ વાત એ હતી કે જેમની સાથે અબોલા હતા એ સંગીતકાર સાથે બેસીને રિહર્સલ કરવાનો મેળ જ નહતો પડ્યો. સી. રામચંદ્રને ચાર દિવસ અગાઉ તૈયારીઓ કરવા દિલ્હી જવાનું હોઇ તેમણે પોતાના અવાજમાં એ ગીતને ટેપરેકોર્ડ કરીને મોકલ્યું હતું. લતાજીના કહેવા પ્રમાણે તો તેમણે મુંબઈથી દિલ્હી જતાં પ્લેનમાં પણ એ ટેપ સાંભળતાં પ્રેક્ટિસ કરી હતી! સમારંભ પછી તો તેની રેકોર્ડ એચ.એમ.વી. એ બહાર પાડી અને આજે એ લતા મંગેશકરના અમર ગીત તરીકે જાણીતું છે. પરંતુ, ખરેખર એ પ્રદીપજીનું ગીત હતું બધ્ધી જ રીતે. એવા પ્રદીપજીનું છઠ્ઠી ફેબ્રુઆરીએ શતાબ્દિ વર્ષ શરૂ થશે, એ વાતની એ કવિનાં રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતાં ગીતો આજે ગાતા-સાંભળતા કેટલાને ખબર હશે? સોચો ઠાકુર!
તિખારો!
‘‘અય મેરે વતન કે લોગોં.....”
ગવાઇ રહ્યા પછી ગદગદ
થયેલા વડાપ્રધાન નહેરૂએ લતા મંગેશકરને કહ્યું હતું, “બેટી,
આજ તો તુને રુલા દિયા!”
પણ આશા ભોંસલેએ મનોમન શું કહ્યું હશે? “દીદી, આજ તો
આપને મુઝે ભી રુલા દિયા!”
No comments:
Post a Comment