Sunday, February 9, 2014

ફિલમની ચિલમ ફેબ્રુઆરી ૦૯, ૨૦૧૪



‘ફ્રૅક્ચર ગૅંગ’: સ્ટાર્સના પાટા કે ફૅશન સ્ટેટમેન્ટ?




શું ધર્મેન્દ્ર અને દેઓલ પરિવાર રહે છે તે વિસ્તારમાં પાણી ખરેખર ત્રણ-ચાર દિવસ માટે દુષિત થઈ જતું હશે? આ સવાલ એટલા માટે મહત્વનો છે કે હેમામાલિનીની બીજી દીકરી આહનાનાં લગ્ન આ અઠવાડિયે થયાં, ત્યારે તેના બન્ને ભાઇઓ સની અને બૉબી શોભામાં અભિવૃદ્ધિ કરવા ઉપસ્થિત રહ્યા નહતા. જે સમારંભમાં શાહરૂખખાનથી માંડીને ભાજપના પ્રધાનમંત્રીપદના ઉમેદવાર સહિતના સૌ હાજર રહ્યા હોય, ત્યાં આ બંધુબેલડીની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી. બન્નેની તબિયત નાદુરસ્ત હોવાની વાત વહેતી હતી અને તે પણ દુષિત પાણીને કારણે! (ઘણા તેનું કારણ હેમાજી અને તેમની બન્ને દીકરીઓ વૉટર પ્યોરીફાયરની જાહેરાત કરે છે તેને સમજે છે. એ લોકો જે વસ્તુનો પ્રચાર કરે, તે નહીં જ વાપરવાની.... ભલેને બીમાર પડાય!)

સની અને બોબીની સરખામણીએ તેમનો પિતરાઇ અભય દેઓલ ફિલ્મોની પસંદગીની જેમ જ વહેવારની વાતમાં પણ અલગ સાબિત થયો. એ હાજર હતો. લગ્નની કંકોત્રીઓ વહેંચાતી હતી ત્યારથી કેટલાક જાણભેદુઓ છાતી ઠોકીને (અલબત્ત પોતાની જ!) ખાનગીમાં કહેતા હતા કે ભલે એશાના મેરેજ વખતે પિતૃપક્ષનું કોઇ ના આવ્યું; પણ આહના તો ભાઇનો ફેરો ઢાઇ કિલો વજનના હાથે ફરશે. જો એમ થયું હોત તો એ આ વીકના સૌથી મોટા સરપ્રાઇઝ ન્યૂઝ હોત. મગર યે હો ન સકા... ઔર અબ યે આલમ હૈ કિ આ અઠવાડિયે ઐશ્વર્યાની સરપ્રાઇઝ પાર્ટી મોટા સમાચાર બની.


ઐશ્વર્યાએ પાંચમી ફેબ્રુઆરીએ અભિષેકના જન્મદિનની સરપ્રાઇઝ પાર્ટી આપી એ તો હવે જગજાહેર છે. પરંતુ, શું એ ખરેખર આશ્ચર્યજનક હતી? (એટલે કે પાર્ટી!) કેમ કે જે જલસાની જાણ અડધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને આખા મીડિયા જગતને હોય તેની ખબર ‘જલસા’ બંગલામાં ના હોય અને અભિને પાર્ટીમાં પહોંચ્યા પછી અભી અભી થઈ હોય એવું કોણ માને? પણ એટલું આશ્ચર્ય પણ ચહેરા પર કે વર્તાવમાં ના લાવી શકે તો તો સદીના મહાનાયકની છત્રછાયામા વિતાવેલાં ૩૮ વરસ લાજે! એ પાર્ટીમાં શાહરૂખ અને પ્રીટી ઝિંટા પોતપોતાના ડિઝાઇનર  પાટા સાથે હાજર હતાં. 



તમે પ્રિટી ઝિંટાનો હાથના પાટાની ઝોળી કે શાહરૂખનું પગના પ્લાસ્ટરનું ક્રિકેટરના પૅડ જેવું કવર જુઓ તો એ મેચીંગ કલરનું તો હોય વળી મોંઘું પણ એવું જ હોય. એ કાંઇ આપણી જેમ હાડવૈદ પાસે જઇ ખંભાતી ખૈડનો લેપ લગાવડાવીને હાડકાના ટેકા માટે જૂની નોટબુકનાં પુઠાં મૂકીને પાટો થોડો બંધાવે? એ રીતે આહનાના લગ્નની અલગ અલગ રસમો માટે એશાએ જે રીતે જુદા જુદા રંગના હાથ લટકાવવાના શણગારવાળા ઝોલા પહેર્યા હતા એ જોવા જેવા હતા. તેની કે પ્રિટી ઝિંટાની દેખાદેખી છોકરીઓમાં  સાજા હાડકે  ઝોળીમાં હાથ લટકાવવાની ફેશન ના આવી જાય તો સારૂ! સ્ટારની શારીરિક તકલીફ ફેશનમાં બદલાવાના કદાચ રાજેશ ખન્નાથી વધારે કોઇનાં ઉદાહરણો નહીં હોય. 

 જેમ કે રાજેશખન્ના નવા નવા આવ્યા ત્યારે શૂટિંગ દરમિયાન અચાનક ચહેરા પર ખીલનો પાક સોળ આની લહેરાવા લાગ્યો. (આ ‘સોળ આની’ મહેસૂલ ખાતાનો -તલાટીનો- શબ્દ છે. ખેતરમાં ૧૦૦ ટકા પાક ઉતરે તો ૧૬ આની કહેવાય... આ બધા શબ્દો હવે સિનિયર કલાકારોની જેમ ‘જૂની મુડી’ જ ને?) તે સમયે યુનાઇટેડ પ્રોડ્યુસર્સના તમામ નિર્માતાઓ તેમની સાથે અમુક સમય સુધી માસિક પગારથી કામ કરવા બંધાયેલા ખન્નાની ફિલ્મો ફટાફટ શૂટ કરવા માગતા હતા. એટલે ચહેરા પરનો એ પાક ઢાંકવા ‘કાકા’એ દાઢીની ખેતી વધારી દીધી. (‘દુશ્મન’માં તો એક સમયે તે મુમતાઝને કહે છે પણ ખરા કે “યે તો મર્દ કી ખેતી હૈ, જબ ચાહી બઢા લી... જબ ચાહી કાટ લી!”)  તેથી ‘ઇત્તેફાક’, ‘દો રાસ્તે’, ‘બહારોં કે સપને’ એ દરેક ફિલ્મમાં રાજેશ ખન્નાનો દાઢીવાળો ફેસ હતો અને તે સમયના જુવાનિયાઓમાં દાઢીની ફેશન કન્જક્ટિવાઇટીસની માફક ફેલાઇ ગઈ હતી!

આ કન્જક્ટિવાઇટીસ એટલે કે આંખ આવવાની તકલીફ એક સમયે મુંબઈમાં ‘આપ’ની જેમ, સોરી આગની જેમ, ફેલાઇ ચૂકી હતી. ત્યારે રાજેશ ખન્ના પણ બાકાત નહતા રહ્યા. તે જ સમયે એ ‘સુપરસ્ટાર’ની અકલ્પનીય લોકપ્રિયતાનો લાભ લેવા રમેશ સિપ્પીની ‘અંદાઝ’માં ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે તે લેવાયા હતા અને આ બાજુ આંખો લાલઘૂમ! પ્રોડ્યુસરો સસ્તામાં કસ કાઢતા હોય એ કારણે કદાચ ગુસ્સામાં આંખો રાતીચોળ થઈ હોય! (કોને ખબર?!) પણ સસ્તાનો રસ્તો કાઢી રાજેશ ખન્નાએ ગૉગલ્સ ચઢાવીને શૂટિંગ કર્યું. અને ચમત્કાર તો જુઓ? ‘અંદાઝ’ના હીરો શમ્મીકપૂર હતા. છતાં ગામ આખામાં પોસ્ટરો લાગ્યાં ત્યારે તેમાં આ ‘મહેમાન’ કાકાનો કાળાં ચશ્માંવાળો ફોટો જ મોટો છપાયેલો હતો. 

પરિણામ એ આવ્યું કે ફિલ્મમાં આવતું રાજેશ ખન્ના અને હેમામાલિનીનું ગાયન “જિંદગી ઇક સફર હૈ સુહાના...” અને પેલાં પિયાગ્રસ્ત ગૉગલ્સ બેહદ પોપ્યુલર થયાં. એટલે કાળાં ચશ્માં માત્ર મોતિયા ઉતરાવેલા  ‘દાદા’ઓ જ નહીં, ‘કાકા’ની દેખાદેખી તે દિવસોના જવાનિયાઓ પણ  સાજી આંખે પહેરતા થઈ ગયા હતા. (તેમાં કોઇની આંખના ‘પિયા’નો રંગ પોતાનાં નયનોમાં ના લાગી જાય તેની સાવચેતી પણ રહેતી હતી!) એ જ રીતે, રાજેશ ખન્નાનું શરીર આજના હીરો જેવું ચોસલાબંધ જિમ-પૅક સ્નાયુબધ્ધ નહતું. એવી ‘બૉડી’ તો દારાસિંગ અને રંધાવા સિવાય વળી કયા હીરો તે દિવસોમાં રાખતા હતા?

તેમાંય ખન્ના સાહેબની તો રજવાડી લાઇફ સ્ટાઇલ! તેમાં તો શારીરિક સમૃધ્ધિ શર્ટને ઇન્સર્ટ કરવા ના દે અને મધ્યમવર્ગના યુવાનની ભૂમિકામાં સતત સુટ પહેરવાનું શક્ય નહતું. એટલે પેન્ટ ઉપર સ્ટૅન્ડ પટ્ટીનો ઝભ્ભો પહેર્યો. કમાલ એ થઈ કે તે ‘રાજેશખન્ના ઝભ્ભો’ એ ‘ગુરૂ શર્ટ’ તરીકે તે દિવસોના યંગિસ્તાનનું ફૅશન સ્ટેટમેન્ટ બન્યો, જે પેન્ટ ઉપર જ પહેરાતો! આજે સોહા અલી ખાન પોતાની ઓછી હાઇટને વધારે દેખાડવા તેની મમ્મીની માફક હેરસ્ટાઇલ ઊંચા કદની રખાવે કે વિદ્યા બાલન અને હવે સોનાક્ષી સિન્હા પોતાની ચરબી (એટલે કે ઇંગ્લીશ ‘ફૅટ’ જ, હોં કે!) ઓછી ના કરી શકે ત્યારે સાડીને ફૅશન સ્ટેટમેન્ટ બનાવે જ છે ને? શું કહો છો?



તિખારો!


ફેબ્રુઆરીની પહેલી તારીખે ફેસબુક ઉપર એક મિત્રની વૉલ પર આવું ઇન્ટેલીજન્ટ સ્ટેટસ હતું... અપને મેહબૂબ કો ‘‘જબ તક હૈ ‘જાન’ ચાહુંગા તુમ્હેં’’ કહને કે દિન પૂરે હો ગયે... અભી તો ‘ફૅબ’ શુરૂ હો ગયા હૈ!!

1 comment:

  1. Salil Sir,

    Generally your Tikharo is always enjoyable but in today's article there were lots of tikharas like ;aap; :)

    Sam

    ReplyDelete