Sunday, February 2, 2014

ફિલમની ચિલમ..... ફેબ્રુઆરી ૦૨, ૨૦૧૪

સલમાન તથા શાહરૂખની જાહેર સ્ટાઇલ 

                          અને સુચિત્રાસેનની અંગત શૈલી!


“આમ આદમી સોતા હુઆ શેર હૈ...” એમ જેના ટ્રેઇલરમાં કહેવાયું હતું, એ ફિલ્મ જય હો’ પ્રેક્ષકોને પૂરતા કદાચ પ્રમાણમાં જગાડી શકી નથી. જે રીતે એ ૪૪૦૦ સ્ક્રિન પર રિલીઝ કરાઈ હતી અને તેના પ્રમોશન માટે જેટલો પ્રચાર કરાયો હતો, તે જોતાં તેને ધૂમ-થ્રી’ની સમાંતર મૂકી શકાય. છતાં વકરાની રીતે ૧૦૦ કરોડ સુધી પહોંચતાં પાંચ દિવસ લાગ્યા અને તે પણ વિશ્વભરનો વકરો એકત્ર કરીને ગણાયો ત્યારે! સામી બાજુ ધૂમ-૩’નું કલેક્શન ૪ દિવસમાં ૧૨૨ કરોડે પહોંચી ગયું હતું. જો કે સલમાનને ન્યાય કરવા એ પણ કહેવું જોઇએ કે ‘જય હો’માં ટિકિટના ભાવ વધારાયા નહતા. ‘આમ આદમી’નો ખ્યાલ રખાયો હતો. વળી, યશરાજની ફિલ્મમાં આમિર, અભિષેક અને કટરિના એમ સ્ટાર ત્રિપુટી હતી. જ્યારે અહીં સલમાનને એકલે હાથે ફાઇટ આપવાની હતી. કેમ કે અમુક સમીક્ષકોના મત મુજબ તો હિરોઇન ડેઝી શાહનું ગ્લૅમર ઓછું પડ્યું છે (અને હાઇટ વધારે?)

‘જય હો’ની આવકની સરખામણી માત્ર ધૂમ-૩’ કરતાં ઓછી (લગભગ અડધી જ!) હોવા કરતાં પણ ચિંતાજનક બાબત એ છે કે ખુદ સલમાનની જ એક થા ટાઇગર’ (૭૫ કરોડ) અને દબંગ-ટુ’ (૭૦ કરોડ) કરતાં પણ પ્રથમ ચાર દિવસની ઇન્ડિયાના થિયેટર્સમાં ૬૭ કરોડની આવક થઈ છે. મોટો પ્રોબ્લેમ એ છે કે સોમવારે આવેલો ડ્રૉપ (રવિવારના ૨૫ કરોડ સામે સોમવારના ૯ કરોડ!) પિક્ચરને લાંબું ટકાવી રાખવાના અણસાર આપતો નથી. એટલે ખુદ સલમાને આટલું જોર ન લગાવ્યું હોત તો? ઑડિયન્સ માટે હવે કદાચ પ્રમોશન કરતા સ્ટાર્સની નવાઇ નથી રહી. 

આપણે ત્યાં ગામઠી કહેવત છે... ‘રોજ મરે એને કોણ રડે?’ તેને જરીક મઠારીને એમ કહી શકાય કે ‘રોજ (ટીવીના પડદે) જોવા મળે તેને થિયેટરમાં જોવા જનારા ક્યાંથી મળે?’ પબ્લિક સ્માર્ટ છે. એ ચૂંટણીની પ્રચાર-સભાઓમાં ભીડ અવશ્ય કરે, પણ વોટ આપતી વખતે પોતાની રીતે બટન દબાવે. એ જ રીતે ફિલ્મના પ્રમોશનમાં ‘મૉલ’ કે થિયેટર પર સ્ટાર્સને જોવા જમાવડો મોટો કરે. ટીવી પર કપિલના કોમેડી શોમાં કે ડાન્સના પ્રોગ્રામમાં પણ જુએ. ન્યુઝ ચેનલો પરના કહેવાતા ઇન્ટર્વ્યુ પણ જુએ. દરેક વખતે ‘ઇસ ફિલ્મમેં મેરા અલગ કિરદાર હૈ..’ કે પછી ‘યે ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ હૈ’ જેવાં ચવાઇને કુચ્ચો થઈ ગયેલાં વાક્યોને પણ કોમેડીનો એક ભાગ ગણીને એન્જોય કરે!
 
એટલે આમિરની જેમ પોતાના માટેની ઉત્સુકતા બરકરાર રાખવાની નીતિ રાખી શકાય? કે ત્યાં પણ ‘આંખોં સે દૂર તો દિલ સે ભી દૂર’ (આઉટ ઑફ સાઇટ, આઉટ ઑફ માઇન્ડ)નો નિયમ લાગુ પડતો હશે? કેમ કે આમિર સામે શાહરૂખ પણ છે જ ને? એ પોતાની નાનામાં નાની વાતને પણ શૅર કરીને લોકોની ચર્ચામાં રહેતો આવ્યો છે.

શાહરૂખને તાજેતરમાં ‘હેપ્પી ન્યુ યર’ના સેટ પર ઇજા થયા પછી તેણે ટ્વીટર પર રેગ્યુલર અપડેટ કર્યું છે. જ્યારે આમિર અમુક કરોડની ‘ધૂમ’ મચાવીને ૧૦ દિવસ માટે યુરોપ ફરવા ઉપડી ગયાના સમાચાર પણ ‘સ્કૂપ’ની જેમ ખોળી લાવવા પડે છે! દરેકની પોતાની જીવનશૈલી હોઇ શકે. પણ એ રીતે પોતાની ઇમેજ માટે સુચિત્રાસેનથી વધારે સભાન અન્ય કલાકાર સિનેમાના ઇતિહાસમાંથી શોધવા મુશ્કેલ પડે. સુચિત્રાજીનું નિધન ગયા સપ્તાહે થયું અને સૌને તેમની આંધી’ અને મમતા’ જેવી ફિલ્મોની ખુબસુરત અભિનેત્રીની જ છબી તાજી થઈ. પાછલી ઉંમરે એ કેવાં દેખાતાં હતાં એ કોઇ જાણી ના શક્યું!

‘આંધી’માં “ઇસ મોડ સે જાતે હૈં, કુછ સુસ્ત કદમ રસ્તે...” ગાતાં બ્યુટીફુલ સુચિત્રાજી હોય કે પ્રૌઢાવસ્થામાં “તેરે બિના જિંદગી સે કોઇ શિક્વા તો નહીં....” પર એ શાલિન અભિનય કરતાં હોય એક રૂઆબદાર મહિલાની ઇમેજ હિન્દી સિનેમાના ચાહકોના મનમાં રહી છે. તેમની એક્ટિંગ ‘મમતા’માં પણ માતા (દેવયાનિ-પન્નાબાઇ) અને દીકરી (સુપર્ણા)ના ડબલ રોલમાં સોળે કળાએ ખીલી હતી. ‘આંધી’ અને ‘મમતા’ બન્ને માટે ‘બેસ્ટ એક્ટ્રેસ’ના ફિલ્મફેર એવોર્ડ માટે એ નોમિનેટ થયાં હતાં. તેમનો ઠસ્સો માત્ર પડદા પૂરતો મર્યાદિત નહતો. તે પોતાની શરતોએ અને પોતાની રીતે જીવન જીવનારાં મહિલા હતાં. (આંધી’ના કોન્ટ્રાક્ટમાં તેમણે લખાવ્યું હતું કે પોતાના સંવાદો એ જાતે જ ડબ કરશે.)
 



વિચાર તો કરો? જેમના સસરા ડેપ્યુટી કમિશ્નર કક્ષાના સરકારી અધિકારી હોય અને સાસરિયાં ‘બહુ’ને અભિનેત્રી બનવા પરવાનગી નહીં આપીને ખાનદાનની ઇજ્જત સાચવવા માંગતાં હોય, ત્યારે આ ‘રોમા સેન’ પોતાના પતિને લઈને સ્ટુડિયોમાં પહોંચી જાય અને તે પણ આજથી ૬૦ વરસ પહેલાં? એ કેવી મોટી ક્રાંતિ કહેવાય! ‘રોમા સેન’ એ મૂળે તો ‘રોમા દાસગુપ્તા’ હતાં, જે ત્રણ ભાઇઓ અને પાંચ બહેનોના વિશાળ પરિવારમાંથી પરણીને સેન ખાનદાનમાં આવ્યાં હતાં. મંચની પ્રવૃત્તિઓની તેમના માટે નવાઇ નહતી, કારણ કે પાંચ વરસ તેમણે રવીન્દ્રનાથ ટાગોરની ‘શાંતિનિકેતન’માં અભ્યાસ કર્યો હતો. તેમની અંગત જિંદગીની રસપ્રદ વાતો ફરી ક્યારેક કરીશું. પરંતુ, સુચિત્રાજીનો આત્મવિશ્વાસ કેવો હતો એ દર્શાવવા આ એક જ કિસ્સો પૂરતો થશે. 


તેમના પ્રથમ ડાયરેક્ટરને મળવા ગયાં, ત્યારે તે દિગ્દર્શક કશું પૂછે તે પહેલાં આ નવોદિતે જ તેમને પૂછ્યું,  ‘તમે જ ડાયરેક્ટર છો? તો વાત કરીએ!’ એ મુલાકાતને અંતે એ નિર્દેશક સુકુમાર ગુપ્તાએ તેમને પસંદ તો કર્યાં જ; સાથે સાથે નવું નામ ‘સુચિત્રા’ પણ આપ્યું. સુચિત્રાજીએ બંગાળની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉત્તમકુમાર સાથેની તેમની જોડીનાં બે-પાંચ કે દસ-પંદર નહીં પણ ૩૦ હિટ પિક્ચર આપીને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં જબરદસ્ત યોગદાન આપ્યું હતું.



પરંતુ, એક્વાર પોતાની ઇનીંગ્સ પતી અને નિવૃત્ત જીવન ગાળવાનું શરૂ કર્યું એ પછી જાહેરમાં કદી દેખાયાં નહીં. તે એટલે સુધી કે સિનેમા માટેનો ભારત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ પણ તેમણે એટલા કારણસર નહતો સ્વીકાર્યો કે તેને માટે દિલ્હી રૂબરૂ જઇ જાહેરમાં એ બહુમાન સ્વીકારવું ફરજિયાત હતું. આ જ એવોર્ડ લેવા રાજકપૂરને પણ નાદુરસ્ત તબિયત છતાં દિલ્હી રૂબરૂ હાજર રહેવું પડ્યું હતું. તેમને જબ્બર (મૅસિવ) હાર્ટઍટેક છતાં વગર સારવારે બેસી રહેવું પડ્યું હતું. જો એવો રૂબરૂ હાજરીનો આગ્રહ ના રખાતો હોત તો? રાજકપૂરને કદાચ આપણે બચાવી ના શક્યા હોત? સોચો ઠાકુર!

 
તિખારો!
 
સિંહે સિંહણને પૂછ્યું, “તારો કોઇ બૉયફ્રેન્ડ છે?” 
 

સિંહણ કહે, “ઇસી બાત પે એક શેર યાદ આયા!” 

(ફેસબુક પરથી)  




1 comment:

  1. Salil Sir,

    The way thing transferring one to another thing is miracle for me! I really wish I could write like you...

    Sam

    ReplyDelete