‘સદીકે મહાનાયક કી યે બાત કુછ હજમ નહીં હુઇ!’
અપેક્ષા
મુજબ જ ‘ગુન્ડે’ ધારી વસુલી કરી લાવ્યા.
લગભગ ૫૦ કરોડની પડતર કિંમતે બનેલી ‘ગુન્ડે’ને પહેલા વીકમાં ૬૦ કરોડ ઉપરાંતનો વકરો થતાં
પિક્ચર ‘પ્લસ’માં આવી ગયું છે અને માંડવાલીનો સવાલ નહીં રહે! હવે તે ૧૦૦ કરોડ સુધી
પહોંચે તો ભલે અને વચ્ચે ડચકાં ખાય તો પણ શું ચિંતા? ‘ગુન્ડે’થી એક વાત તો નક્કી થઈ કે ‘યશરાજ’નો બિઝનેસ આદિત્ય ચોપ્રાના રાજમાં
પણ એવો જ ધમધોકાર (એટલે કે ધૂમધોકાર!) છે, જેટલો યશ ચોપ્રાના સમયમાં હતો. આ ફિલ્મનું
આખું પ્લાનિંગ અને સ્ટાર્સની પસંદગી વગેરે યશજીના અવસાન બાદનું છે. ‘ગુન્ડે’ની હીરોઇન પ્રિયંકા ચોપ્રા આજકાલ
તેના આર્થિક કારણોસર વધારે ચર્ચામાં છે. હવે તો એ વાત જગજાહેર છે કે પ્રિયંકાએ તાજેતરમાં
શાહરૂખના ઇલાકા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં બંગલો ખરીદ્યો છે.
એટલું
જ નહીં, ‘પી સી મેડમે’ બે કરોડની રોલ્સરોય ગાડી પણ લીધી હોવાની વાત ચગી છે. સ્વાભાવિક
જ છે ને? એટલા મોંઘા બંગલાના કમ્પાઉન્ડમાં કાંઇ સસ્તી દેશી ગાડી થોડી શોભે? એ જ રીતે
ત્યાં લ્યુના, સ્કુટી કે કાઇનેટિક જેવાં ટુ વ્હીલર પણ ના ચાલે. એટલે મિસ ચોપ્રાએ પરદેશની
સૌથી મોંઘી બાઇક હર્લી ડેવીડસન પણ ખરીદી છે. આ એ બાઇક છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જહોન
અબ્રાહમ અને સંજય દત્ત કે સલમાન ખાન જેવા ‘માચો’ મરદો ચલાવતા આવ્યા છે. તેને પ્રિયંકાએ
દસ-વીસ લાખ રૂપિયાની તેની પ્રાઇસ જોઇને બંગલાની શોભા તરીકે જ લીધી હશે એમ માનનારાઓને
‘ખતરોં કે ખિલાડી’ ટીવી શોની ત્રીજી સિઝનની
સંચાલક તરીકેની પ્રિયંકાની બાઇક સવારી યાદ નહીં હોય!
એ
ટીવી શો ‘ફિયર ફેક્ટર- ખતરોં કે ખિલાડી’ની
નવી સિઝનની એક હરીફ ગૌહરખાન પોતાના મિત્ર કુશાલ ટંડનના પગલે શો છોડી દેશે? એવી ગયા
સપ્તાહે વ્યક્ત થયેલી બીક સાચી પડી છે. એ બન્નેએ જેના લીધે વિદાય લીધી એ એજાઝ ખાનથી
હોસ્ટ રોહિત શેટ્ટી એટલા ખુશ છે કે તેમણે ઓન
કેમેરા જાહેર કર્યું છે કે તેમની નવી ફિલ્મ ‘સિંઘમ-ટુ’માં
એજાઝ હશે. એ જ રીતે ફિલ્મી ગોસીપમાં કેટલાય વખતથી જે ફિયર હતી તે સાચી પડી છે. છેવટે
દીપિકા અને રણવીર જ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘શુધ્ધિ’
માટે ફાઇનલ થયાં! તેની મૂળ હિરોઇન કરિનાને પડતી મૂકીને કરણ જોહર દીપિકાને લેશે
એવી હિન્ટ લાંબા સમયથી વહેતી જ હતી. કરિનાની છેલ્લી ફિલ્મ (એટલે કે છેલ્લે આવેલી ફિલ્મ!)
‘ગોરી તેરે પ્યાર મેં’ એવી સફળ ના થઈ ત્યારથી
એ ખતરો હતો જ અને સંભવિત હીરો રિતિકને પણ બીમારી તથા સુઝેન સાથેના પ્રશ્નને લીધે ‘શુધ્ધિ’માં આવતાં સમય જ લાગત.
રિતિક અને સુઝેનના અલગાવને એક રીતે ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ કહી શકાય કે? ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ એ વિદ્યા બાલન અને ફરહાન અખ્તરની ફિલ્મ આ સપ્તાહે રિલીઝ થવાની છે. પરંતુ, કોઇપણ પિક્ચર કરતાં આજે રવિવારે બીજી માર્ચે આમિરખાનના શો ‘સત્યમેવ જયતે’ની બીજી સિઝન ટીવી પર શરૂ થવાની છે, તેના પર સૌની નજર વિશેષ રહેશે. કારણ કે આમિરની ધૂમ લોકપ્રિયતા જોતાં રવિવારની રજાના અગત્યના સવારના શોમાં પિક્ચરના કલેક્શન પર પણ અસર પડી શકે. અત્યારે ચૂંટણીનો માહૌલ છે અને એવામાં સમાજને જાગૃત કરતા મુદ્દાઓની છણાવટ કરતી કોઇપણ સિરીઝ કેટલાય રાજકર્તાઓની કે દેશના વહીવટ માટેની સારી છાપ ઉભી નહીં કરે. તેને ‘ટીવી શો કે સાઇડ ઇફેક્ટ્સ’ કહી શકાય!
ટીવી પર એક સમયે જેના નામની પસ્તાળ પડી હતી એ રાહુલ ભટ્ટને પણ પિતા મહેશ ભટ્ટ લોંચ કરી રહ્યા છે. રાહુલ અને મુંબઈ હુમલા માટે અમેરિકાની કોર્ટે જેને ૩૫ વરસની કેદની સજા ફરમાવી છે એ ડેવીડ હેડલીના સંબંધોની ચર્ચા મીડિયામાં કેટલા વખત સુધી થતી રહી હતી? રાહુલ ભટ્ટે પછી તો ‘હેડલી એન્ડ આઇ’ પુસ્તક લખાવીને પોતાની સાઇડ પ્રજા સમક્ષ મૂકી હતી. એટલે લાગે છે કે મહેશ ભટ્ટની દીકરી આલિયાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઇવે’ની પ્રશંસાના આ દિવસોમાં રાહુલનો પણ રોડ ક્લિયર થઈ ગયો છે. આલિયાને જોતાં એમ થાય કે સમય કેટલો ઝડપથી પસાર થાય છે? હજી જાણે હમણાં સુધી એટલે કે ૨૦૦૫માં પરવીન બાબીના અવસાન સુધી મહેશ ભટ્ટ અને સોની રાઝદાન પરણ્યાની વાતો મીડિયામાં ચર્ચાતી હતી. તેમની દીકરી આલિયાનો જન્મ થયાના ન્યુઝ પણ ૧૯૯૩માં આવ્યા હતા અને આજે એ હીરોઇન છે! શું એવું જ અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યાનું થશે? કેમ કે તેનો જન્મ ૨૦૧૧માં થયો હોઇ ત્રીજા વરસમાં તો એ પ્રવેશી ચૂકી છે. (હવે રહ્યાં કેટલાં ૧૫ જ વરસને?)
આરાધ્યાને
હવે ‘પ્લે-સ્કૂલ’માં દાખલ પણ કરી દેવાઇ છે. તેને લઈને રોજ ઐશ્વર્યા, એક સજાગ માતાની
માફક, સ્કૂલે જાય છે. દીકરી ત્રણ કલાક રમે ત્યાં સુધી ઐશ્વર્યા પ્રિન્સીપાલની ચેમ્બરમાં
બેસીને પોતાનું કામ કરે અને ‘દહીનો ઘોડો છુટપુટ’ થાય એટલે તે બચ્ચન બચ્ચીને લઈને ઘેર
જાય છે. એવી જ રીતે વરસો પહેલાં રીશી કપૂર અને નીતુસિંગના દીકરા રણબીરને મોટો થતો અમિતાભ
બચ્ચને જોયો હશે. તેમણે તો અમારી જેમ રણબીરનાં મમ્મી નીતુજીને પણ બાળ કલાકાર ‘બેબી
સોનિયા’ તરીકે ‘દો કલિયાં’ કે જીતેન્દ્ર
અને હેમા માલિનીની ‘વારીસ’ ફિલ્મમાં પણ
જોયાં હશે. (‘દો કલિયાં’માં ડબલ રોલ કરીને આખું પિક્ચર પોતાના અગિયાર વરસના ખભા ઉપર સફળતાપૂર્વક ઉંચક્યું હતું.) ‘બેબી સોનિયા’નું હીરોઇન ‘નીતુસિંગ’ તરીકેનું પહેલું પિક્ચર ‘રીક્ષાવાલા’ ૧૯૭૩માં આવ્યું, ત્યારે ’૫૮માં
જન્મેલાં નીતુ માત્ર ૧૫ વરસનાં હતાં!
ત્યારથી
રણબીરનાં મમ્મી નીતુસિંગને પણ જે ઓળખતા હોય એ ‘બચ્ચન દાદા’એ આ સપ્તાહે પોતાની ફિલ્મ
‘ભૂતનાથ રિટર્ન્સ’ના ટ્રેઇલરના લોંચ દરમિયાન
કહ્યું કે “મારે રણબીર કપૂર સાથે કામ કરવું છે. તેની સાથે નાનો પણ રોલ મળે તો હું કરવા
તૈયાર છું...” વળી સિનિયર બચ્ચને એમ પણ કહ્યું કે “રણબીર ખુબ લોકપ્રિય છે. તેની સાથે
મારી સરખામણી ના થઈ શકે” ખરેખર? ‘સદીના મહાનાયક’ની એ મહાનમ્રતા હોય તો પણ... યે બાત
કુછ હજમ નહીં હુઇ!!
તિખારો!
‘સત્યમેવ જયતે’માં દુખિયારા
અને ગરીબ લોકોની વ્યથા દર રવિવારે આમિરખાન કહેશે અને તે માટે દરેક એપિસોડના તે ચાર
કરોડ રૂપિયા લેશે!!
ઘણો જ સરસ માહિતીસભર લેખ છે.
ReplyDeleteસત્યમેવ જયતેથી દેશમાં એટલું પરિવર્તન આવશે જેટલું તારે ઝમી પરને કારણે ઍજ્યુકેશન સિસ્ટમમાં આવ્યું હતું !! ;)
ReplyDeletesuperb...
ReplyDeleteExcellent.....bahu majja aavi ek j swashe vanchai gayo..
ReplyDelete