Sunday, March 9, 2014

ફિલમની ચિલમ .... ૯ માર્ચ, ૨૦૧૪




ચૂંટણી... “ઇસ ઇસ્ટોરી મેં ઇમોશન હૈ, ડ્રામા હૈ, ટ્રેજેડી હૈ...”!




જેને ‘ગ્રેટેસ્ટ રિયાલિટી શો ઓન અર્થ’ કહેવાય છે, એ પાર્લામેન્ટની ચૂંટણી જાહેર થતાં હવેના બે-અઢી મહિના એ રંગારંગ જલસો જ ભરપુર મનોરંજન કરાવશે. વળી, ઇલેક્શન જાહેર થયાના ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોએ ઝાડુ તથા લાઠીઓથી જે મારામારી અને ધમાચકડી બતાવી છે, એ જોતાં ‘શોલે’માં ધર્મેન્દ્ર મૌસીને મનાવવા ‘સુસાઆઆઇડ’ એમ બોલીને ‘ગાંવવાલોં’ને કહે છે; એમ કહીએ તો, “ઇસ ઇસ્ટોરી મેં ઇમોશન હૈ, ડ્રામા હૈ, ટ્રેજેડી હૈ...”! કોણ કોની સાથે જોડાશે અને ક્યાં તિરાડ પડીના સસ્પેન્સ હશે. તો કો’ક રિસાશે, (અને કોઠી પાછળ ભીંસાશે?) કોઇ રંગ જમાવશે અને કોઇ રંગલા જેવા વેશ કાઢશે. તેમાં ફિલ્મી કલાકારોથી લઈને ક્રિકેટરો ઉતર્યા હશે પછી ‘આઇપીએલ’ હોય કે ફિલ્મો બધાં ઇતર મનોરંજનો પાછલી સીટ પર જશે.


ચૂંટણીની આડઅસર (સૉરી, સીધી અસર!)ની શક્યતા ધ્યાનમાં રાખીને જ મોટાભાગની મોટી ફિલ્મો એપ્રિલ - મેને બદલે જૂનમાં રિલીઝ કરવાના પ્લાન પહેલેથી જ થયેલા છે. બાકી દર સાલ તો ઉનાળુ વેકેશનને કારણે એ મહિનાઓનું ‘માત્યમ’ કેવું રહેતું! તેને બદલે આ વરસે માર્ચ-એપ્રિલ-મેની સંભવિત ફિલ્મોની યાદી જુઓ... ‘ટોટલ સિયપ્પા’, ‘મૈં તેરા હીરો’ ‘ઓ તેરી’ ‘મસ્તરામ’ ‘સુપરનાની’ ‘સિટિ લાઇટ’ ‘હીરોપંતી’ ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’  ઇત્યાદિ ઇત્યાદિ (એટલે કે ‘વગેરે વગેરે’.... એ કોઇ ફિલ્મનું નામ નથી!) 

તેની સામે જૂનમાં થનારી મોટા સ્ટાર્સની પડાપડી કેવી છે? સંજયદત્તની ‘ઉંગલી’, અક્ષયકુમારની ‘હોલીડે’, સૈફઅલી ખાનની ‘હમશકલ્સ’ અજય દેવગનની ‘એક્શન જેક્સન’, એ બધા જેક્સન ઇલેક્શન પત્યા પછી એક્શનમાં આવશે. ‘હમશકલ્સ’માં તો સૈફ ટ્રિપલ રોલમાં હશે. આમ, ચૂંટણીના રિયાલિટી શો સામે બધા બડા સ્ટારની ફિલ્મો અને ‘કેબીસી’ કે ‘બીગ બોસ’ જેવા મેગા રિયાલિટી ટીવી શો પણ ફીક્કા લાગે. ‘બીગ બોસ’ની સાતમી સિઝન ‘હાઉસ’માં અંતેવાસી (એટલે કે અંત સુધી વાસ કરી ગયેલા!) લગભગ બધા સેલીબ્રીટીને ફળી છે. એજાઝ ‘ફિયર ફેક્ટર’માં અને તેના પગલે ‘સિંઘમ-ટુ’માં હશે. તો એન્ડી ‘ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’ના સહ-સંચાલનમાં છે. ગૌહરખાન અને કુશાલ સજોડે જ હરી-ફરી રહ્યાં છે. જ્યારે ગયા સપ્તાહે તનીષા અને અરમાન કોહલી હાથમાં હાથ ભરાવીને જાહેર કાર્યક્ર્મમાં દેખાવા માંડ્યાં છે.... અને તે પણ સ્ક્રિપ્ટના આદેશ મુજબનો શો કરવાનો નહીં હોવા છતાં!

તેથી એ બન્ને કલાકારોના હિતેચ્છુઓ રાજી થતા હશે. કારણ કે તનીષાની ઉંમર ૩૬ વરસની છે અને અરમાન પણ બેંતાલીસનો છે. તેથી એ ‘જુગતે જોડી’ હોવા છતાંય જૂના જમાનામાં ઓટલે બેસીને બજર ઘસતી માજીઓની જેમ કેટલાક એમ પણ કહી રહ્યા છે કે ‘ભઇને કોઇ દેતું નહતું અને બેનને કોઇ લેતું નહતું’ જેવો ઘાટ હતો! અરમાન માટે શાહરૂખે કહેલી પેલી વાત તો યાદ છેને? શાહરૂખના કહેવા પ્રમાણે તો તેની પ્રથમ હીટ ફિલ્મ ‘દીવાના’નો એ રોલ પહેલાં અરમાનને ઓફર થયો હતો! તેથી કરિયરની રીતે એ ગાડી ચૂકીને પસ્તાયેલો મુસાફર છે. એવી ભૂલ અંગત જિંદગીમાં ના કરતો હોય તો એ સ્વાભાવિક જ હશે. જ્યારે તનિષા એક સિદ્ધ પરિવારની પ્રસિદ્ધ બેટી છે. 


તનિષા અને દીદી કાજોલ તેમની માસી નુતન અને મમ્મી તનુજાની માફક બન્ને ટોચની અભિનેત્રીઓ થવાને બદલે શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીની માફક બે જુદા જુદા બ્રેકેટમાં મૂકાતી એક્ટ્રેસ છે. એવા તો કેટલા બધા દાખલા છે! ડીમ્પલ અને સિમ્પલ કાપડિયાને યાદ કરો કે ફરાહ અને તબુને સંભારો તો એવાં જ સમીકરણ જોવા મળે. નુતન-તનુજાની માફક બેઉ સફળ થનારી ભગિનિઓમાં તાત્કાલિક કરિશ્મા અને કરિના જેવી સ્ટાર પુત્રીઓ યાદ આવે છે.

અન્ય એક સ્ટાર દીકરી સોનમ કપૂર જેવું ફિલ્મનું ‘પ્રમોશન’ કેટલા કલાકારો કરી શકતા હશે? તેની આવી રહેલી ફિલ્મ ‘બેવકુફિયાં’માં તેણે સેક્સી ટુ પીસ બિકીની પહેરીને સ્વીમીંગ પુલમાં તેને હાઇલાઇટ કરતા ફોટા પબ્લિસિટિ માટે પ્રચારમાં મૂકાયા છે. નેચરલી, “એ ડ્રેસમાં બીજું શું શું થતું હશે?” એવી પ્રેક્ષકોની ઉત્સુકતા વધારવાનો એ કિમિયો હતો. પરંતુ, પિક્ચરની પ્રેસ કોન્ફરન્સમાં સોનમે જ પેપર ફોડી નાખ્યું કે ટ્રેલરમાં જેટલા દેખાય છે એ જ સીન બિકીનીમાં છે, વધારેની આશા રાખશો નહીં. (નિર્માતાને થતું હશે કે સોનમે ફિલ્મના ટાઇટલને અનુરૂપ વર્તવાનું જરુરી ક્યાં હતું?!)

પ્રેસ કોન્ફરન્સની માફક જ ફિલ્મોના પ્રમોશન માટે અનિવાર્ય ગણાતા કપિલના કોમેડી શોમાં પણ મોટા સ્ટાર હમણાં બે મહિના કદાચ નહીં દેખાય. આમ પણ કપિલને ‘યશરાજ’ની ફિલ્મ મળી છે, તેથી તેણે સપ્તાહમાં બે વખતને બદલે એક જ વાર પોતાનો શો કરવાનું નક્કી કર્યું છે. તેને યશરાજે ત્રણ ફિલ્મ માટે સાઇન કર્યાની વાત એ પોતે જાહેર કરતો રહ્યો છે. પોતાના શોને એ ગાયકીની ટેલેન્ટ બતાવવાથી માંડીને છુટા છવાયા સંકેતો (હિન્ટ્સ) લટકાવીને મોટા પડદા પર એક્ટિંગ માટે પોતે લાયક હોવાનું બતાવવાનું પ્લેટફોર્મ બનાવી ચૂક્યો છે. તો પોતાને ફિલ્મ ‘બેંક ચોર’ કરવાની મળેલી એક તકનું પ્રમોશન કરવાનું એ શું કામ ચૂકે? આટલા સફળ અને લોકપ્રિય શો પર બીજાની જ પબ્લિસિટિ કર્યા કરવાથી શું મળે? બાબાજી કા...?!


તિખારો!
એક્ટ્રેસ પાયલ રોહતગીએ દેશ માટે સંખ્યાબંધ મેડલ જીતી લાવનાર અને ‘બીગ બોસ’ના એક સ્પર્ધક સંગ્રામસિંગ સાથે  ગયા સપ્તાહે સગાઇ કરી લીધી. તેથી ઘણા કહે છે કે પહેલવાન સંગ્રામે છેવટે પાયલ(ને) બાંધી લીધી!



No comments:

Post a Comment