Monday, June 16, 2014

ફિલમની ચિલમ.... જૂન ૧૫, ૨૦૧૪




‘હોલીડે’ પર જાય લૉજિક 
                      અને લઈ આવે ૬૫ કરોડ!



શું શાહરૂખખાનને આમિરખાનની હાજરીનો વાંધો પડ્યો હશે? ૯મી જૂનના રોજ જ્યારે દિલીપકુમારની જીવનકથાનું ‘લોકાર્પણ’ થયું, ત્યારે શાહરૂખની ગેરહાજરીની નોંધ તો સૌએ લીધી જ, સાથે સાથે પોતપોતાના તર્ક પણ કામે લગાડ્યા. તેમાંનો એક તર્ક એ પણ હતો કે અમિતાભ અને આમિર બન્ને ઉપસ્થિત હોય એવા સમારંભમાં ‘ઑલ્સો રેન’ તરીકે હાજર રહેવાનું કદાચ કીંગ ખાનને અનુકૂળ નહીં હોય. બાકી દિલીપ સા’બની એક્ટિંગમાંથી પ્રેરણા લીધેલા કલાકારોની પેઢીઓ હોવા છતાંય તેમના જેવા લુક્સ ધરાવતો સુપરસ્ટાર તો શાહરૂખ જ છે. વળી, છેલ્લે દિલીપ કુમારની બર્થડે વખતે પણ તે હાજર હતો. શું તેની પણ લતા મંગેશકરની માફક છેલ્લી ઘડીએ તબીયત બગડી હશે?


લતાજી તો ખરેખર આ સમારંભનાં મુખ્ય અતિથિ હતાં. પરંતુ, સાવ છેલ્લા દિવસે સ્વાસ્થ્ય બગડતાં તેમણે ના પાડી અને વૈજયંતિમાલાજીને એ સ્થાન અપાયું. દિલીપ કુમાર અને વૈજયંતિમાલા એટલે ‘મધુમતી’, ‘નયા દૌર’, ‘દેવદાસ’, ‘પૈગામ’, ‘ગંગા જમના’, ‘લીડર’, ‘સંઘર્ષ’ જેવી ફિલ્મોની યાદગાર જોડી! દિલીપ કુમારની નાયિકાઓ બાબતની કાર્યપધ્ધતિની ચર્ચા હંમેશા રહી હતી. મધુબાલા સાથે લગ્ન સુધીની વાત આવી હતી અને તેમના ભાવિ સસરા અતાઉલ્લાહ ખાનને પ્રોડ્યુસ કરવા ધારેલી એક ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર દિલીપ કુમારે કર્યો અને એ સંબંધ તૂટ્યો. તેને લીધે ‘નયા દૌર’માંથી મધુબાલાની વિદાય થઈ અને વૈજયંતિમાલાની એન્ટ્રી થઈ. તે પછી તેમની જોડી વૈજયંતિમાલા સાથે બની અને ‘સંઘર્ષ’ દરમિયાન અબોલા થયા, તો એ રોલ વહીદાજીને ગયા જેને માટે વૈજયંતિમાલા નક્કી હતાં! 
વહીદા રેહમાન સાથે દિલીપકુમારની જોડી ‘રામ ઔર શ્યામ’, ‘દિલ દિયા દર્દ લિયા’ અને ‘આદમી’માં હતી. એ બન્નેનાં તો લગ્ન થશે? એવી પણ વાયકા જે તે સમયે ચાલી હતી. છતાંય (કે કદાચ એટલે જ!) વહીદાજી પણ પુસ્તક વિમોચનમા અનુપસ્થિત હતાં. તેમની હીરોઇનો સાથેના સંબંધો અંગે દિલીપ કુમાર ક્યારેય મોકળાશથી બોલ્યા નથી. તેથી આ પુસ્તકને જો તેમની ‘ઑથેન્ટિક બાયોગ્રાફી’ કહેવાતી હોય તો સવાલ એ થાય કે તે તમામ નાયિકાઓ સાથેની તેમની કેમેસ્ટ્રીની વાતો તેમાં હશે કે? અસ્મા સાથેની તેમની દુસરી શાદી વિષે વિગતે કહેવાયું હશે કે? તેમના પરિવારજનો બાબતે યુસુફભાઇએ કહ્યું હશે કે?  

તેમના ભાઇઓએ ગયા વર્ષે દિલીપ કુમારના પાલીહીલ ખાતેના બંગલા બાબતે લીગલ નોટિસ આપતાં ભાઇઓ વચ્ચે આ ઉંમરે સંબંધો તંગ થયા છે, એ તો જગ જાહેર છે. પરંતુ, પુસ્તકમાં તેનો કોઇ હવાલો હશે કે કેમ? પુસ્તક વિમોચનમાં અમિતાભ અને આમિર ઉપરાંત ધર્મેન્દ્ર, ઝિન્નત અમાન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપ્રા વગેરે પણ ઉપસ્થિત હતાં. એ સૌની સાથે સાથે સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલીખાં સાહેબ અને સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માજી પણ ઑડિયન્સમાં હાજર હતા. પરંતુ, તેમને પ્રથમ કે બીજી હરોળમાં નહીં પણ ઠેઠ સાતમી લાઇનમાં બેસાડાયા હતા, તેની પણ નોંધ લેવાઈ હતી. (સાત સૂરોની સાતમી લાઇન?) દિલીપકુમાર વિશેનું અગાઉ વર્ષો પહેલાં લખાયેલું બન્ની રૂબેનનું પુસ્તક પણ ‘દિલીપકુમારની સત્તાવાર જીવનકથા’ તરીકે બહાર પડાયું હતું. તેમાં મધુબાલા સાથેના સંબંધોની વિગતે અને સરસ છણાવટ હતી. જો કે આ વખતની બુકમાં શ્રીમતી દિલીપકુમાર યાનિ કિ સાઇરાબાનુએ જાતે રસ લીધો હોઇ એક અંતરંગ વ્યક્તિની દેખરેખ હેઠળ તૈયાર થયેલી ‘જીવનકથા’માં વિગતોની ચોક્સાઇ જરૂર હશે. પરંતુ, બન્ની રૂબેનના મધુબાલા વિશેના હતા એવા જો કોઇ સનસનીખેજ ખુલાસા નહીં હોય તો? અત્યારના માર્કેટમાં તો  કેવો રિસ્પોન્સ મળશે?

અત્યારના માર્કેટમાં તો એક્શન હીરો અક્ષય કુમારની ‘હોલીડે....’ જેવી લોજીક વગરની ફિલ્મ આવે તો પણ પ્રથમ સપ્તાહને અંતે ૬૫ કરોડનો આંકડો પાર કરી જાય એમ લાગે છે. તેમાંનો બેઝિક મુદ્દો ઘરમાં જ બેઠેલા ગદ્દારો (સ્લીપર સેલ) સારો છે. પરંતુ, ગળે ના ઉતરે એવા એટલા બધા પ્રસંગો છે, કે પેલી ત્રાસવાદની થીમ પણ તેની ગંભીરતા ગુમાવી દે છે. તેમાં ઉમેરો સોનાક્ષી અને અક્ષયનાં બિનજરૂરી અને વાર્તાના પ્રવાહને રૂંધતાં ગાયનો અને લાગે કે તમિલમાં આવેલી ઓરિજિનલ ફિલ્મને જેમની તેમ ઉતારાઇ છે.... દિમાગને હોલીડે પર મોકલીને. છતાંય પહેલા વીકમાં ૬૫ કરોડ આવ્યા છે તો સેન્ચુરી વાગવાની શક્યતા તો ખરી જ! (૧૦૦ કરોડ પાર કરનારી કેટલી ફિલ્મોમાં લૉજિક હોય છે?)  

‘હોલીડે...’ની રજૂઆત અને દિલીપ સા’બના પુસ્તક વિમોચન સાથે જ ગત સપ્તાહનો એક જાહેર કાર્યક્રમ પ્રિયંકા ચોપ્રાના પિતાશ્રી અશોક ચોપ્રાના નામના માર્ગના વિધિવત ઉદઘાટનનો હતો. નેચરલી, પ્રિયંકા અને તેની કઝિન પરિણિતિ ચોપ્રા પણ ત્યાં ઉપસ્થિત હોય. પ્રિયંકાએ પોતાના હાથ પર ‘પપ્પાની નાનકડી છોકરી’ (ડેડી’સ લી’લ ગર્લ!) એવું ટેટુ ચિતરાવેલું છે અને તેના વરદ હસ્તે જ પિતાનું બહુમાન કરતા માર્ગનું ઉદઘાટન હોય એ દીકરી માટે કેવી ગૌરવની ઘડી કહેવાય. એવી પુત્રીના ડેડી બનવાનું પણ સદનસીબ કહેવાય. ડૉટરના ડેડી બનવાનું સદનસીબ આમિર ખાનના ભાણીયા એક્ટર ઇમરાન ખાનને પણ ઉપલબ્ધ થયું છે. તેની પત્ની અવંતિકાએ, ૯મી જૂને, પહેલે ખોળે દીકરીને જન્મ આપ્યો હોઇ ‘લક્ષ્મીજી પધાર્યાં’ એમ કહી શકાય. એ જ રીતે રીતેશ દેશમુખની પત્ની અને અભિનેત્રી જિનેલિયા ડી’સોઝાને પણ સારા દિવસો જાય છે.


રીતેશના સૈફ અલી ખાન સાથેની ‘હમશકલ્સ’માં ત્રણ રોલ છે અને સાજીદખાનની ફિલ્મ હોઇ કોમેડીની  ધમાચકડી અને ધમાલ હશે. કોમેડીની ‘ગોલમાલ’ કરતા અન્ય એક દિગ્દર્શક રોહિત શેટ્ટીએ ગયા વીકમાં એક મોટો ચમત્કાર સર્જ્યો. તેમની ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’ના સેટ પર તે અજય દેવગન સાથે શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમની જ એક સુપર હીટ ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના હીરો શાહરુખખાને એન્ટ્રી કરી. એટલું જ નહીં, બન્નેએ હાથ મિલાવ્યા અને ભેટ્યા પણ! આ મુલાકાતનું મહત્વ ભલે સાર્ક દેશોના વડાઓના દિલ્હી આગમનના સમાચારો વચ્ચે ઓછું અંકાયું હોય. પરંતુ, ફિલ્મ કલાકારોના સંબંધોના સમીક્ષકો માટે એ સૌથી મોટા ન્યુઝ હતા. ખાસ કરીને એટલા માટે કે અજયની પત્ની કાજોલ અને શાહરૂખ સારા સહકલાકારો હોવા છતાં ‘જબ તક હૈ જાન’ તથા  ‘સન ઓફ સરદાર’ના રિલીઝ વખતે થયેલી ટસલ હવે સટલ થતી જશે અને સંબંધો સેટલ થશે. તેથી ભવિષ્યમાં રોહિત શેટ્ટી અજય અને શાહરૂખને લઈને કોઇ ફિલ્મ પ્લાન કરે તો? અને તેમાં કાજોલ પણ હોય તો? સોચો ઠાકુર. (સોચને મેં કહાં પૈસા લગતા હૈ?!) 


તિખારો!
આપણી હિન્દી ફિલ્મો અતિશયોક્તિથી ભરપુર હોય છે અને માનવામાં ના આવે એવું તેમાં ઘણું બધું હોય છે. છતાં ‘હોલિડે...’એ તો હદ કરી જ નાખી છે...... તેમાં તો ગોળમટોળગોવિંદાને આર્મીનો સિનિયર ઓફિસર બનાવાયો છે અને તે પણ સિરીયસ્લી, બોલો!!

No comments:

Post a Comment