ફિલ્મોમાં હવે કોઇ
લોંગપ્લે ‘રેકોર્ડ’ છે જ નહીં!
અજય દેવગનની ‘સિંઘમ રિટર્ન્સ’ જે રીતે પહેલા પાંચ
જ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ, તે જોતાં હવે એ દિવસો દૂર નથી લાગતા જ્યારે
પહેલા જ દહાડે સેન્ચુરી થઈ જાય! જો કે અજયનો આ નવો રેકોર્ડ છે. પરંતુ, સચિન તેન્દુલકરે
એક કરતાં વધુ વખત સાબિત કર્યું છે એમ, વિક્રમો તૂટવા માટે જ સર્જાતા હોય છે. ફિલ્મોમાં
એ રીતે જુઓ તો હવે કોઇ રેકોર્ડ લાંબા ટકતા નથી.... કોઇ લોંગપ્લે રેકોર્ડ નહીં! તેથી
આવનારા દિવસોમાં મોટા સ્ટાર્સની જે બધી ફિલ્મો આવવાની છે તે જોતાં દિવાળી અને ક્રિસ્મસ
સુધીમાં ‘સિંઘમ રિટર્ન્સ’ને પાછળ રાખી દે એવું કાંઇક થાય તો આશ્ચર્ય નહીં હોય. કેમ
કે હમણાં જ શાહરૂખની નવી ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’નું ટ્રેઇલર બજારમાં મુકાયું, ત્યારે
પણ સંખ્યાની રીતે સોશ્યલ મીડિયામાં સનસનાટી થઈ ગઈ. એ ટ્રેઇલરને સિનેમાગૃહોમાં નહીં
પણ ફેસબુક અને ટ્વીટર જેવા આધુનિક જમાનાના પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું હતું, જ્યાં
કોમ્પ્યુટર દર્શકોના આંકડા પણ આપે. એ ટ્રેઇલરને માત્ર ૨૪ જ કલાકમાં ચાર મિલિયન (૪૦
લાખ!) લોકોએ જોયું!
જો કે એ આંકડાઓ સામે પણ એવી ઘુસપુસ ચર્ચાઓ ચાલે જ
છે કે એ કેટલા જેન્યુઇન હોય એ હજી સાબિત થવાનું બાકી જ છે. કારણ, બજારમાં એવી પ્રોફેશ્નલ
કંપનીઓ હોય છે, જે તમારા વીડિયોને સંખ્યાબંધ હીટ્સ અપાવી શકે. તેમના પગારદાર માણસોનું
કામ જ એ કે પેલો વીડિયો વારંવાર જુએ. તેને એ ચાલુ કરીને તરત પાંચ સેકન્ડમાં બંધ કરી
દે તો પણ એક હીટ ગણાતી હોય છે. એકવાર થોડા જ કલાકોમાં અમુક સંખ્યા ક્રોસ કરવા માંડે
એટલે એ વીડિયો જંગલની આગની જેમ ફેલાય અને ‘વાઇરલ’ થઈ જાય! પછી પિક્ચર રિલીઝ થાય ત્યારે
‘અમે જોઇ આવ્યા, તમે રહી ગયા’ એમ ૧૦૦ કરોડની ભેડચાલ થવાની જ. તેથી એવા રમતાં રમતાં
૧૦૦ કરોડનો વકરો લાવી શકતા સ્ટાર્સની પસંદગીને કોઇ નિર્માતા કે દિગ્દર્શક અવગણી શકે
કે? પછી ભલેને એ ‘રાજશ્રી પ્રોડક્શન’ જેવું માતબર બેનર હોય અને સૂરજ બડજાત્યા જેવા
સફળ નિર્દેશક જ કેમ ન હોય!
સૂરજે પોતાની આવનારી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં
સલમાન સામે ‘દબંગ’ની હીરોઇન સોનાક્ષી સિન્હાને લગભગ ફાઇનલ કરી દીધી હતી. પરંતુ, હવે
એમ લાગે છે કે હીરોની ઇચ્છા સોનમ કપૂર માટેની છે અને તેથી સોનાક્ષીની જગ્યાએ સોનમ આવશે.
(ટૂંકમાં, ‘શત્રુઘ્ન સિન્હાની ‘સોનુ બેટા’ને બદલે હવે અનિલ કપૂરની ‘સોનુ બેટા’ હશે!)
છતાં સોનાક્ષી પોતાનો બળાપો જાહેરમાં કદાચ વ્યક્ત ના પણ કરે. આફ્ટર ઓલ, સલમાન હોય,
અજય દેવગન કે ફોર ધેટ મેટર રણબીર કપૂર હોય તેમની ફિલ્મની ઝલક માત્રથી ૨૪ કલાકમાં લાખો
લોકોને આકર્ષી શકતા હીરો લોગને ગણત્રીવાળી કોઇ વ્યક્તિ નારાજ ના કરે. ‘એક દિવસમાં ૪૦
લાખ દર્શકો’ એ આંકડો જુઓ અને સામે અત્યારના ટિકિટના દર જુઓ તો દિવાળીના તહેવારની રજાઓના
દિવસોમાં‘હેપ્પી ન્યૂ યર’નો કેવો રેકોર્ડ થઇ શક્શે એ અંદાજ મૂકવા ગણિતમાં ગ્રેજ્યુએટ
થવાનું જરૂરી નથી હોતું!
ટ્રેઇલર જોવાની ઉત્સુકતાને અગાઉના સમયમાં ટોકીઝોમાં આવનારી
ફિલ્મોના મૂકાતા ફોટાઓની સાથે સરખાવી શકાય. તે દિવસોમાં નવું ‘પિચ્ચર’ આવવાનું હોય
તેના ફોટા મૂકાય એ પણ સ્કૂલ-કોલેજોમાં ન્યુઝ થતા. પછી એ ફોટાઓ પરથી વાર્તાનો અંદાજ
મૂકાય અને પોતપોતાના ગમતા સ્ટાર્સના ‘લુક્સ’ કે પહેરવેશ વિશે ચર્ચાઓ થાય. જ્યારે ‘જ્વેલથીફ’ના
ફોટા મૂકાયા ત્યારે પહેલીવાર દેવ આનંદ પોતાના વાળના ફેમસ ઊંચા ગુચ્છાને તિલાંજલિ આપીને
આડું માથું ઓળેલા દેખાયા હતા. ત્યારે મહિનાઓ સુધી એ ચર્ચાઓ ચાલી હતી કે આ બદલાવ કામચલાઉ
એક ફિલ્મ પૂરતો હશે કે કાયમી?
દેવ સાહેબે છેવટે પબ્લિકલી જાહેર કર્યું કે તેમનો
આ ચેન્જ કાયમ માટેનો છે, ત્યારે અનેક ચાહકોએ પણ પોતાના વાળની સ્ટાઇલ બદલી કાઢી હતી.
પોતાના ગમતા સ્ટાર્સ માટે વાળની સ્ટાઇલ બદલવાનું તો બહુ નાનું કામ કહેવાય. તે દિવસોમાં,
ખાસ કરીને રાજકપૂર અને દિલિપકુમારના આશિકો વચ્ચે, કોલેજ કેન્ટિનોમાં ઝગડાઓ અને મારામારીઓ
પણ થતી. જ્યારે એ બન્ને સ્ટાર્સ પોતે તો એકબીજાના દોસ્તાર જ હોય! એ સ્થિતિમાં આજે પણ
ક્યાં ફરક પડ્યો છે? માત્ર કેન્ટીન બદલાઇ છે! હવે ટ્વીટર કે ફેસબુક પર વૉર ફાટી નીકળે
છે. આજકાલ ટ્વીટર પર સલમાન, આમિર અને શાહરૂખ એ ત્રણ ખાનના ચાહકોએ એવું જ દંગલ કરી મૂક્યું
છે. સલમાન અને શાહરૂખના આશિકોએ શાહરૂખની ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ સામે ‘કિક’ અને ‘થ્રી
ઇડિયટ્સ’ની કમાણી મૂકીને તેની ફિરકી લીધી; તો સામે ‘એસ આર કે’ના પ્રશંસકોએ પોતાના
‘બાદશાહ’ને હંફાવવા બબ્બે સ્ટાર્સને સામે પડવું પડે છે વગેરે દલીલો કરી છે!
આ રીતે આજકાલ ચાહકોની સેનાઓ વચ્ચે જંગ જારી છે, ત્યારે
જેમના માટે આ યુદ્ધ ખેલાય છે એ સ્ટાર્સ વચ્ચે તો દોસ્તી કેવી અકબંધ છે? આમિરે હમણાં
જ જાહેર કર્યું કે પોતાની ફિલ્મ ‘પીકે’નું બીજું પોસ્ટર રિલીઝ કરવાની તારીખ એટલા માટે
થોડીક મોડી કરી કે તે જ દિવસે શાહરૂખની ‘હેપ્પી ન્યૂ યર’નું ટ્રેઇલર સોશ્યલ મીડિયામાં
રિલીઝ થઈ રહ્યું હતું. ‘પીકે’ના પ્રથમ દિગંબર પોસ્ટર પછી આ વખતે આમિરને પગથી માથા સુધી
ઢાંકેલો દેખાડાયો છે. તેના પહેલા પોસ્ટરને જોતાં અને આજકાલ સેન્સરનો બદલાયેલો મુડ જોતાં
એ ચિંતા રહે કે દિગંબરાવસ્થાને લગતાં દ્રશ્યોને સેન્સર પાસ કરશે કે પછી ‘મુમ્ભાઇ કનેક્શન’ની
માફક સમઝૌતા કરાવશે? ‘મુમ્ભાઇ કનેક્શન’ એ મુંબઈના અંડરવર્લ્ડને દર્શાવતી અમેરીકાથી
આવેલી હિન્દી ફિલ્મ છે. (‘મુમ્ભાઇ’ એ શબ્દ કચ્છી મિત્રોને અપરિચિત નહીં લાગે... એ સૌ
તો વર્ષોથી ‘મુંબઈ’ને ‘મોભૈ’ કહે જ છે ને?)
પરંતુ, ‘મુમ્ભાઇ કનેક્શન’માં ગાળોનો કેવો
વરસાદ હશે કે સેન્સરે તેને પાસ કરતાં પહેલાં ૩૨ જગ્યાએ ડાયલોગનો વાંધો લીધો. હવે તેને
બદલે ‘બીપ’ સાઉન્ડ હશે. એવું જ પેશાબનું પણ કહી શકાય. તાજેતરમાં આવેલી ફિલ્મોમાં લગભગ તમામ હીરોને જાહેરમાં રેલો કરતા દેખાડાયા
છે... અલબત્ત ઉંધા ફરીને જ. પણ શું એ ઉત્સર્ગ ક્રિયા સફળતાની નવી ફોર્મ્યુલાનો ભાગ
હશે? (સોચો ઠાકુર!)
તિખારો!
ગુલઝાર આ અઠવાડિયે ૮૦ વરસના થયા. ત્યારે તેમને
જન્મદિનની શુભેચ્છાઓ આપનારા અસંખ્ય ચાહકોનો આભાર ગુલઝારે ફેસબુક પર આ શબ્દોમાં માન્યો....
મૈં કુછ ન કરતા તો ભી યહી હોતા- અસ્સી કા હો જાતા!
મગર યે ન હોતા
જો બેશુમાર દોસ્તોં સે ચાહને વાલોં સે
બેશુમાર દુઆએં ઔર મુબારકબાદેં મિલી હૈં!
હાલાંકિ બહુત મુમકિન હૈ,
કિ હર બરસ અગર દુઆએં ન મિલતીં તો....
મૈં અસ્સી કા હો હી ન પાતા-
તુસ્સી હો તો મૈં અસ્સી કા હું!
મૈં કુછ ન કરતા તો ભી યહી હોતા- અસ્સી કા હો જાતા!
મગર યે ન હોતા
જો બેશુમાર દોસ્તોં સે ચાહને વાલોં સે
બેશુમાર દુઆએં ઔર મુબારકબાદેં મિલી હૈં!
હાલાંકિ બહુત મુમકિન હૈ,
કિ હર બરસ અગર દુઆએં ન મિલતીં તો....
મૈં અસ્સી કા હો હી ન પાતા-
તુસ્સી હો તો મૈં અસ્સી કા હું!
Gulzar is a great lyricist. I like his many songs a lot. One of them is from an old movie : " hawaoN pe likh do hawaoN ke naam..... ". The music and picturisation are marvelous . Do please see in the YouTube to enjoy and appreciate it.
ReplyDeleteGulzar is a great lyricist. I like his many songs a lot. One of them is from an old movie : " hawaoN pe likh do hawaoN ke naam..... ". The music and picturisation are marvelous . Do please see in the YouTube to enjoy and appreciate it.
ReplyDelete