અમિતાભ બચ્ચન કરી આપે
પ્રમોશનનું પણ પૈસા-વસૂલ પ્રમોશન!
પ્રમોશનનું પણ પૈસા-વસૂલ પ્રમોશન!
અક્ષય કુમાર અને અભિષેક બચ્ચનથી લઈને સોનાક્ષી સિન્હા
હોય કે સેક્સી સની લિયોની આખું ફિલ્મ જગત ‘પતિ પત્ની ઔર વોહ’ના સંજીવકુમારની અદામાં
આજકાલ ગાય છે, “ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે....”! ઇન્ટરનેશનલ લેવલે ‘એ એસ એલ’ નામના
અજાણ્યા રોગ માટે દાન મેળવવા શરૂ કરાયેલી ‘આઇસ બકેટ ચેલેન્જ’નો ઠંડો વાયરો ભારતમાં
ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આરંભ કર્યા પછી બિપાશા બાસુ, દલેર મેહંદી, રીતેશ દેશમખ અને વરૂણ ધવન સહિતના કેટલાય
સ્ટાર્સે પોતાના માથે બરફ ભરેલી ડોલ ઠાલવી છે. પરંતુ, પ્રિયંકા ચોપ્રા અલગ પડી છે.
તેણે આ વાઇરલ ફીવરમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો છે. તો સોનમ કપૂરે પણ ટ્વીટ કર્યું
છે કે પોતે ડોનેશન કરી દીધું છે... તેને માટે ભારતમાં દુર્લભ એવા પાણીનો બગાડ કરવા
લોકોને પ્રેરણા આપવી જરૂરી નથી. ‘સફાઇ અભિયાન’ જેવા અનેક હેતુ માટે આવો કોઇ ફીવર કેમ
શરૂ નથી થતો? બાકી એક બાલદીમાં તો પ્રિયંકાની ‘મેરી કોમ’ ફિલ્મનું પ્રમોશન પણ થઈ જાત.
ફિલ્મના પ્રમોશનના મામલે જો કે અનુપમ ખેરનો શો અલગ કહી શકાય. અનુપમે પોતાના ટૉક શોમાં કોઇ પણ પિક્ચરનું પ્રમોશન કરવાનો ઇનકાર કરી દીધો છે. બલ્કે ચેનલ સાથે તેમણે પહેલેથી જ ચોખવટ કરેલી છે કે પોતાના સેટ પર કલાકારો સાથે માત્ર વાર્તાલાપ થશે.... કોઇ ફિલ્મનો પ્રચાર નહીં. આ અભિગમ એવા સમયમાં જ્યારે અમિતાભ બચ્ચનને પણ ‘કેબીસી’ના સેટ પર દીપિકા અને અર્જુન કપૂર સાથે ‘બુટીયા ડાન્સ’ કરીને નવી ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફૅની’નું પ્રમોશન કરવું પડે છે. સારી વાત એ છે કે બચ્ચન પોતે એ નર્તન વધારે એન્જોય કરે છે. બાય ધી વે, આ ‘બુટીયા’ એટલે શું? એ જ જેને કરિના કપૂરે ‘ગોરી તેરે ગાંવ મેં’ ફિલ્મમાં “ગોરે ગોરે રાઉન્ડ રાઉન્ડ ટુઉઉં...” કહીને હલાવ્યા હતા. ‘બુટીયા ડાન્સ’ની એડવાન્સ પબ્લિસિટી પોતાના બ્લૉગ પર ફોટા મૂકીને બચ્ચન સરે કરી હોઇ તેમને ચૂકવાતા કરોડો રૂપિયાનું સંપૂર્ણ વળતર પણ એ આપે છે. (પિક્ચરના પ્રમોશનનું પણ પ્રમોશન!)
એવા પ્રમોશન માટે હવે ભવિષ્યમાં ‘બચ્ચન બહુ’ ઐશ્વર્યાને
પણ કોઇ ટીવી શોમાં જવું પડશે અને તે પણ આ જનરેશનના સૌથી નેચરલ એક્ટર ઇરફાન ખાન સાથે.
કારણ કે ઐશ્વર્યા પોતાની પુનરાગમનની ફિલ્મ ‘જઝબા’માં પહેલી જ વાર વકીલની ભૂમિકામાં
હશે અને ઇરફાન સસ્પેન્ડ થયેલા પોલીસ ઓફિસર બનશે. જો કે પોલીસ અધિકારીની ભૂમિકા ‘મર્દાની’માં
કરનારી રાની મુકર્જી ‘કેબીસી’ના સેટ પર જે રીતે અસલી જિંદગીમાં ખરેખર ‘મર્દાની’ સાબિત
થયેલી ફાતિમાનો હાથ સતત પકડીને બેઠી હતી, તે ‘સૅક્સ ટ્રેડ’ અને ‘હ્યુમન ટ્રાફિકીંગ’
અંગેની રાનીની પોતાની સંવેદના દર્શાવતી હતી. ‘મર્દાની’ જોતાં હિન્દી કવિયત્રી સુભદ્રાકુમારી
ચૌહાણની માફી સાથે કહેવાનું મન થાય કે “ખુબ
લડી મર્દાની વો તો ચોપ્રાવાલી રાની થી...”! એ પંક્તિ રાનીએ ફિલ્મમાં કરેલી ફાઇટીંગને
જ નહીં, બોક્સ ઓફિસના વકરાને પણ એટલી જ લાગુ પડે છે. ‘મર્દાની’એ ૧૨૫૦ સ્ક્રિન્સ પર
પહેલા દિવસે સાડાત્રણ કરોડના કલેક્શનથી શરૂઆત કરી, ત્યારે થોડીક નિરાશા હતી. પરંતુ,
ઓડિયન્સના પ્રતિભાવ પર બીજા દિવસે આંકડો પોણા-પાંચ થયો અને રવિવારે તો એ સવા છ કરોડે
પહોંચતાં લગભગ ૧૫ ખોખાનો બિઝનેસ થયો. એટલે ‘ભૂતનાથ રિટર્ન્સ’ના એક ગાયનમાં અમિતાભ ગાય
છે એમ કહીએ તો, ‘પાર્ટી તો બનતી હૈ’! પણ તેની ઉજવણી પતી ના પતી ત્યાં તો બે વિવાદ ઉઠ્યા.
પહેલો વિવાદ અન્ય એક ફિલ્મ ‘ચિલ્ડ્રન ઓફ વૉર’ના દિગ્દર્શક
મૃત્યુંજય દેવવ્રતે ઉભો કર્યો છે. તેમણે મીડિયાને કહ્યું કે ‘મર્દાની’નું વાર્તા તત્વ
અને અમુક સીન્સ પણ તેમની ફિલ્મ ‘ચિલ્ડ્રન ઓફ વૉર’માંથી ઉઠાંતરી કરાયા છે. જો કે રાનીને
અને ખાસ તો ‘મર્દાની’ના દિગ્દર્શક પ્રદીપ સરકારને ન્યાય કરવા એટલું કહેવું પડે કે
‘ચિલ્ડ્રન ઓફ વૉર’ એ બાંગ્લાદેશની મુક્તિના સંગ્રામ વખતે પાકિસ્તાની સેનાના હાથે બાંગ્લાદેશી
મહિલાઓ પર થયેલા અત્યાચાર અને દેહવ્યાપાર બન્નેને આવરી લેતી ફિલ્મ હતી. જ્યારે ‘મર્દાની’
સંપૂર્ણપણે ‘હ્યુમન ટ્રાફિકીંગ’ને લગતું પિક્ચર છે. તેમાં જાંબાજ મહિલા પોલીસ અધિકારી
તરીકે રાનીના પાત્ર ‘શિવાની’ને કેન્દ્રમાં રાખી હોઇ વિલન તરીકે કે પછી નેગેટીવ ભૂમિકામાં
હિન્દી ફિલ્મોના કોઇ જાણીતા કલાકારો દેખાવાના તો ચાન્સ હતા જ નહીં. કોણ તૈયાર થાય રાનીના
હાથે ફક્ત માર જ ખાવા?....પડદા ઉપર ‘ઢીશુમ ઢીશુમ’ અને સ્ક્રીપ્ટના લેવલે ‘નો જિશુમ
જિશુમ’!!
હકીકતમાં તો ‘મર્દાની’ની સ્ક્રીપ્ટમાં રાનીના પતિનો
રોલ કરતા જિશુ સેનગુપ્તાને જે અન્યાય થયો છે, તેનાથી એ બંગાળી એકટર કરતાં પણ નિર્માતા
આદિત્ય ચોપ્રા વધારે વ્યથિત થયા છે. એક પતિ જ બીજા પતિનું દર્દ સમજી શકે પછી એ હસબંડ
પડદા ઉપર જિશુ હોય કે અસલી જિંદગીમાં આદિ હોય. (આમ પણ કેટલીક બંગાળી પત્નીઓ પોતાના
‘હબી’-હસબન્ડ-ની ઓળખાણ “યે હમાળા ‘હૉબી’ હૈ” એમ કહીને જ આપતી હોય છેને?) એટલે આદિત્ય
ચોપ્રાએ ફોન કરીને રાનીના એ ‘પતિ’ જિશુની માફી
પણ માગી.
એ વિવાદ ઓછા હોય એમ, આમિરખાને પણ અજાણતાં વિવાદ ઉભો
કરતા હોય એમ ‘સત્યમેવ જયતે’ના એન્કરની અદામાં એક કોમેન્ટ કરી અને ‘મર્દાની’નું નામ
પાડ્યા વગર રાની-ચોપ્રાના એક પ્લાનમાં અવરોધ ઉભો કર્યો. ‘મર્દાની’ને સેન્સરે આપેલા
‘એ’ સર્ટિફિકેટની ફેરવિચારણા માટે અરજી કરવાની રાનીએ જાહેરાત કરી. રાની અને આદિત્ય
જાણે છે કે ધંધાની અત્યારની સિસ્ટમ પ્રમાણે બે વીક પછી નવાં પિક્ચરો લાગતાં થિયેટરના
કલેક્શન્સમાં તેમને માટે કોઇ રસકસ રહેવાના નહીં..... સિવાય કે ઉત્તરપ્રદેશની જેમ અન્ય
રાજ્ય સરાકારો પિક્ચરને ટેક્ષ ફ્રી કરે. એ સંજોગોમાં, ‘એડલ્ટ ઓન્લી’નો ધબ્બો કઢાવવાની
જરૂરિયાત પડી શકે. પરંતુ, એ સમાચારના દિવસોમાં જ આમિરે પત્રકારોને કહ્યું કે કોઇપણ પિક્ચરમાં ગાળો અને હિંસા હોય તો સેન્સરે
તેને બાળકોને જોવાની છૂટ આપવી જોઇએ નહીં. (હા, ડોલની આડશે હીરો સંપૂર્ણ દિગંબર અવસ્થામાં
ઉભો હોય તો એ ‘બકેટ ચેલેન્જ’ જેવું પોસ્ટર વાંધાજનક ના ગણાય!)
તિખારો!
અનુપમ ખેરના શોમાં કપિલ શર્માએ ફરી એકવાર પોતાના હાજર-જવાબીપણાનો પરચો આપ્યો. પોતે
ચાર્લી ચેપ્લિનની ‘ધી ડીક્ટેટર’ હજી ગયા અઠાવાડિયે જ જોઇ, એમ કપિલે કહ્યું; ત્યારે
અનુપમ ખેરે પોતાનો ચાર્લી પ્રેમ દર્શાવવા ટહુકો પૂર્યો કે “મેં તો એ ફિલમ ૨૧ વખત જોઇ
હતી...” ફુલટૉસ પર સિક્સર મારવાનું કપિલ ચૂકે કે? તરત બોલી ઉઠ્યો, “મુઝે તો વો પિક્ચર
એક હી બાર મેં સમઝ આ ગઈ થી!!!”
No comments:
Post a Comment