હિન્દી બોક્સ ઓફિસ પર ટૉમ ક્રુઝ
અને શેક્સપિયરની ટક્કર!
પ્રિયંકા
ચોપ્રાએ ભજવેલા પાત્ર ‘મેરી કોમ’ની રિયલ લાઇફમાં ફરી એકવાર સોનું વરસ્યાના આ અઠવાડિયે
સમાચાર હતા. એ બોક્સર મેરીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતતાં ‘મેરી કોમ’ ફિલ્મને પણ
ફાયદો થશે એવી ગણત્રી છે. પણ સવાલ એક જ રહેવાનો કે કેટલાં થિયેટરમાં અત્યારે પ્રિયંકાની
એ બાયોપિક ચાલતી હશે? કદાચ કોઇ રડ્યા-ખડ્યા સિનેમામાં ‘મેરી’ ચાલતી હશે તો પણ ખસેડી
લેવાશે. કારણ કે હિન્દી ફિલ્મો દર્શાવતાં સિનેમા ગૃહોમાં ગાંધી જયંતિ, દશેરા અને શનિ-રવિ
એવા લોંગ વીક એન્ડનો લાભ લેવા ટોમ ક્રુઝ અને શેક્સપિયર એમ બબ્બે વિદેશીઓની ટક્કર ઓલરેડી
થવાની જ છે. એક બાજુ રિતિક રોશન અને કેટરિનાની ‘બેંગ બેંગ’ છે, જે ટોમ ક્રુઝની એક ઓછી
ચાલેલી ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ પરથી બની છે. તો બીજી તરફ વિશાલ ભારદ્વાજ શેક્સપિયરના
પ્લે ‘હેમ્લેટ’ પર આધારિત પિક્ચર ‘હૈદર’ લઈને હાજર છે. વિશાલે અગાઉ ‘મેક્બેથ’ પરથી
પંકજ કપૂરની અદભૂત અદાકારીવાળું ‘મકબુલ’ અને ‘ઓથેલો’ પરથી અજય દેવગ્ન, સૈફ, કરિના વગેરેને
લઈને બનાવેલું ‘ઓમકારા’ યાદ કરીએ તો તેમને ‘શેક્સપિયરવાલા’ કહી શકાય. પણ પ્રેક્ષકોને
ખેંચવામાં વિશાલનો પનો થિયેટરોની સંખ્યાની રીતે ટૂંકો પડવાનો.
સિનેમાગૃહો
સ્વાભાવિક રીતે જ રિતિક અને કેટરિનાની જોડી માટે વધારે આતુર હશે અને તેથી દેશમાં ૪૨૦૦
સહિત દુનિયા આખીમાં લગભગ ૫૦૦૦ સ્ક્રિન્સ પર ‘બેંગ બેંગ’ થતું હશે. જ્યારે વિશાલને ભાગે
હજાર-બારસો પડદા આવ્યા છે. જો કે સામે બજેટની રીતે પણ ઘણો મોટો ફરક છે. જ્યાં ‘હૈદર’ની
પડતર કિંમત ૨૫ કરોડની છે, ત્યાં ‘બેંગ બેંગ’ને ૧૮૦ કરોડના પિક્ચર તરીકે માર્કેટમાં
મૂકાયું છે. એટલે એક અંદાજ એવો છે કે ચાર રજાઓમાં ‘હૈદર’ તો તેના રોકાણના રૂપિયા નિરાંતે
કાઢી લેશે. પરંતુ, રિતિક અને કેટરિનાની ફિલ્મને વિશ્વવ્યાપી ટિકિટબારી પર સાચા અર્થમાં
‘બેંગ બેંગ’ કરવું પડશે. બીજી ઓક્ટોબરે રિલીઝ થયા પછીનો ‘બેંગ બેંગ’નો એક પ્રાથમિક રિવ્યુ એમ કહી જાય છે
કે રિતિક અને કેટરિનાના આશિકોને ગમી શકે એવી ફિલ્મ છે. ‘બેંગ બેંગ’ની હીરોઇન કેટરિના આજકાલ પિક્ચરોનો કોર્સ
પૂરો કરી રહી છે. અત્યારની ફિલ્મોમાં અન્ય અભિનેત્રીઓ શું કરી રહી છે તેના ઉપર નજર
રાખવા તેણે ‘એક વિલન’, ‘કિક’,‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘આશિકી ટુ’ એ ચારેય
ફિલ્મો બાકી લેશન કરતા વિદ્યાર્થીની જેમ જોઇ કાઢી છે. ‘બેંગ બેંગ’ના પ્રચાર-પ્રસારમાંથી
બચેલા સમયનો આનાથી વધારે સારો ઉપયોગ શું હોઇ શકે?
જો
કે ‘બેંગ બેંગ’ની મઝાની વાત એ છે કે હીરો તરીકે રિતિક ત્રીજી પસંદગી હતો. રિતિકની અગાઉ
આ જ પિક્ચર શાહીદ કપૂરને પણ ઓફર થયું હતું. તેના પણ પહેલાં સૌ પ્રથમ આ ભૂમિકા માટે
દિગ્દર્શક સિધ્ધાર્થ આનંદે ‘અન્જાના અન્જાની’ના હીરો રણબીર કપૂરને રિપિટ
કરવાનું નક્કી કર્યું હતું. રણબીરે સ્ક્રિપ્ટ પોતાને અનુકૂળ નથી એ કારણે (પોતાની ગર્લફ્રેન્ડ સાથે કામ કરવાનો વધુ એક મોકો
છોડીને પણ!) ફિલ્મ જવા દીધી હતી. નહીં તો ગયા અઠવાડિયે તેની બર્થડેના સરપ્રાઇઝ ડીનરનો
ખર્ચો કેટરિનાએ કદાચ ના કરવો પડ્યો હોત... એ ‘બેંગ બેંગ’ની રિલિઝ પાર્ટી ભેગો ઉજવાઇ
જાત! રણબીરના જન્મદિને આ સાલ કેટરિનાએ ડાયરેક્ટર
અયાન મુકરજીને ઘેર રાખેલ સરપ્રાઇઝ ડીનર એ બન્નેના સંબંધો વિશે ઉડતી જાત જાતની અફવાઓને
ઠંડી પાડશે. જો કે પાર્ટી ચાલુ હતી અને રણબીર જતો રહ્યો એવા અહેવાલ આવતાં પાછી રૂમર
મિલ ચાલુ થઈ હતી. શું ‘બર્થ ડે બોય’ કોઇ કારણસર નારાજ થયો હતો?
પરંતુ,
“વા વાયાથી નળિયું ખસ્યું, એ જોઇને કૂતરું ભસ્યું....” જેવી એ અફવાનું આયુષ્ય લાંબું
ના રહ્યું. કારણ કે એ ખુલાસો પછી થયો કે બીજા દિવસે સવારે રણબીરે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ
સાચવવાની હોવાથી જતા રહેવું પડ્યું હતું. વળી, એકલા ડોક્ટરનો ટાઇમ હોય, તો થોડો આઘો-પાછો
પણ કરાવી દેવાય. પણ અહીં તો તેમના સ્ટાફ અને
ઓપરેશન થિયેટરનો પણ સમય સાચવવાનો હતો. હા, રણબીરની સર્જરી હતી. ટોન્સિલનું ઓપરેશન થયું
હોઇ હવે ભવિષ્યની ‘બોમ્બે વેલ્વેટ’ જેવી ફિલ્મોમાં રણબીરનો અવાજ કદાચ અલગ લાગે તો કમ
સે કમ આ કોલમના વાચકો તો નવાઇ નહીં પામે! ‘બોમ્બે વેલ્વેટ’માં નેગેટિવ ભૂમિકા કરવા
અનુરાગ કશ્યપે અન્ય દિગ્દર્શક કરણ જોહરને સંમત કર્યા એ જેટલા મોટા સમાચાર એક સમયે હતા,
એવી જ એક ખબર આ અઠવાડિયે એ છે કે કરણની એક સમયની અનિવાર્ય અભિનેત્રી એવી કાજોલ જે એક
ફિલ્મ કરવાની હતી, તે દરખાસ્ત આર્થિક કારણોસર પડી ભાંગી છે! નિર્માતા તરફથી એમ ખુલાસો
થયો છે કે કાજોલે માગેલી ‘ફી’ની રકમ નહીં પોષાવાને કારણે હવે એ ભૂમિકા માટે બીજી અભિનેત્રીઓનો
સંપર્ક કરાશે.
સવાલ
એ છે કે કાજોલને માટે પૈસાની ગણત્રી આટલી બધી શાથી છે? પતિ અજયની કમાણી એટલી સારી છે
કે તે થોડા ઓછા પૈસે આરામથી પોતાની ક્રિએટિવ એનર્જીને નિખારી શકે. કેટલાકને સ્વાભાવિક
જ તેમાં કોઇ બીજું કારણ લાગે છે. નિર્માણ કંપની એન્ડેમોલે હવે ડેન્માર્કની સફળ ટીવી
સિરિયલ ‘પિનોઝા’ પરથી બનનારી એ ફિલ્મ માટે
માધુરી દીક્ષિત જેવી અન્ય હીરોઇનો તરફ નજર દોડાવી છે. ‘એન્ડેમોલ’નો એક ટીવી
શો ‘બીગ બોસ’ અત્યારે તેની ૮મી સિઝન ભારતીય ટેલીવિઝનમાં ચાલે છે, જેનું સંચાલન આજકાલ
સલમાન ખાન કરે છે. ‘બીગ બોસ’ના હોસ્ટ તરીકે સલમાનને મળેલી ફી અત્યાર સુધીના કોઇ પણ
સંચાલકને મળેલી રકમ કરતાં મોટી છે. શું કાજોલે સલમાનમાંથી પ્રેરણા લીધી હશે? સોચો ઠાકુર!
તિખારો!
રિતિક રોશન આઇસ બકેટ ચેલેન્જની
માફક આજકાલ ‘બેંગ બેંગ ચેલેન્જ’ કરી રહ્યો છે. છેલ્લે તેણે ટ્રાન્ઝિસ્ટરની આડશે લગભગ
દિગંબર અવસ્થામાં ઉભેલા ‘મિસ્ટર પી કે’ આમિરખાનને એ રેડિયો છોડી દેવા ચેલેન્જ કરી છે
અને આમિરે તે પડકાર ઝીલી લીધો છે. પણ એ ચોખવટ નથી થતી કે એ ચેલેન્જ સાદી સ્થિતિમાં
સ્વીકારશે કે પછી પીકે?!!
With due respect sir, in Anjana Anjani, Ranbir paired with Priyanka, not with Katrina...
ReplyDeleteThanks for drawing attention, Vishal. It has been corrected accordingly.
Delete