અજય દેવગનનું નવું નામ
હવે ‘અજય દેવજ્ઞ’ લખવું પડશે?
શું ૧૮મી ઑક્ટોબર પછી
દિયા મિર્ઝાનું નામ પણ, તેના સ્માઇલની માફક, સૌથી વિશાળ હશે? તેણે ૨૦૦૦ની સાલમાં બ્યુટી
કૉન્ટેસ્ટ જીતી ત્યારથી તે દિયા મિર્ઝા તરીકે જાણીતી હતી. પરંતુ, તાજેતરમાં તેણે પોતાનું
નામ ‘દિયા હૅન્ડરિચ મિર્ઝા’ કર્યું છે અને ૧૮મી ઓક્ટોબરે તેનાં લગ્ન સાહિલ સંઘા સાથે
થશે એટલે એ શું ‘દિયા હૅન્ડરિચ મિર્ઝા સંઘા’ કહેવાશે? તેના નામમાં નવા ઉમેરાયેલા નામ
‘હૅન્ડરિચ’નું કારણ એ છે કે તેનાં બંગાળી હિન્દુ મમ્મી દીપાએ પોતાના જર્મન મિત્ર ફ્રૅન્ક
હૅન્ડરિચ સાથે લગ્ન કર્યા પછી ૧૯૮૧માં દિયાનો જન્મ થયો હતો. પરંતુ, દિયાની ઉંમર ૪ જ
વરસની હતી ત્યારે તેનાં માતા-પિતા અલગ થઈ ગયાં. પછી દીપાજીએ એહમદ મિર્ઝા સાથે લગ્ન
કર્યાં. તેથી જ્યારે પોતાની કરિયર શરૂ કરી ત્યારે દિયાએ અટક ‘મિર્ઝા’ રાખી હતી.
આજે તો દિયાના જન્મદાતા
પિતા ફ્રૅન્ક હૅન્ડરિચ અને પાલક પિતા એહમદ મિર્ઝા બન્ને હયાત નથી, પરંતુ, લગ્નનો સમય
નજીક આવ્યો અને તેણે પોતાના બાયોલોજિકલ ફાધરનું નામ પોતાના નામમાં જોડ્યું છે. એ કેવો
સુભગ ત્રિવેણી સંગમ કહેવાય? માતા હિન્દુ, જન્મદાતા પિતા ક્રિશ્ચિયન અને પાલક પિતા મુસ્લિમ!
એમ લાગે છે કે દિયાને પોતાના પિતાની સ્મૃતિને કાયમી કરવી હશે. પણ અજય દેવગને પોતાના
સુપ્રસિદ્ધ પિતાજીની અટકમાં શાથી ફેરફાર કર્યો હશે? તેણે ‘દેવગન’ના સ્પેલિંગમાં અંગ્રેજી
મૂળાક્ષર ‘જી’ પછી સીધો ‘એન’ કરી દીધો છે. તેથી વીરૂ દેવગનના પુત્રનું નામ હવે ‘અજય
દેવગ્ન’ વંચાય છે. (ત્યારે હિન્દી કે ગુજરાતી મેગેઝિન્સમાં હવે ‘દેવગણ’ને બદલે કે
‘દેવજ્ઞ’ લખાશે કે?) શું અજય પણ એકતા કપૂરની માફક ન્યુમરોલોજીમાં માનતો થઈ ગયો હશે?
એકતા પોતાની સિરિયલો
અને ફિલ્મોના નામમાં અંકશાસ્ત્રની રીતે જે ફેરફાર કરે છે (ખાસ કરીને ઇંગ્લિશ અક્ષર
‘કે’નો), તે તો જાણીતો છે અને તેને લગભગ દરેક પ્રોજેક્ટમાં સફળતા પણ સતત મળતી રહે છે.
તેથી એક રીતે કહીએ તો તેના હાથે બાંધેલા જથ્થાબંધ દોરા-નાડાછડી અને લગભગ બધી આંગળીઓ
પરની વીંટીઓ એ બધું જ તેની આસ્થાના પ્રતિક છે, જેને અન્ય રીતે જોનારા અંધશ્રધ્ધા કહી
શકે. પરંતુ, તેની સાથે એ પણ હકીકત છે કે તેના પ્રોડક્શન હાઉસમાં ‘બાલાજી’માંથી આવેલી
લેટેસ્ટ ફિલ્મ ‘એક વિલન’નો બિઝનેસ ૧૦૦ કરોડ થઈ ગયો છે! તેની ખુશાલીમાં એકતાએ ફિલ્મના
દિગ્દર્શક મોહિત સુરીને આ અઠવાડિયે મોંઘીદાટ લૅન્ડ રોવર ગાડી ભેટ આપી. એકતા કપૂરની
માફક અંગ્રેજી અક્ષર ‘કે’ને માનનારા કરણ જોહરે આ સપ્તાહે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
એવા સુપર હીટ પિક્ચર ‘રામ લખન’ની રીમેક માટે અર્જુન કપૂર અને વરૂણ ધવન પર પોતાની પસંદગીનો
કળશ ઢોળ્યો હોવાના રિપોર્ટ છે.
અર્જુન કપૂર, સૌ જાણે
એમ, મૂળ ‘રામ લખન’ના ‘લખન’ એવા અનિલ કપૂરનો ભત્રીજો છે. આજકાલ એક યા બીજા કારણોસર ફૉર્મમાં
પણ છે. હમણાં તેનું નામ સોનાક્ષી સિન્હા સાથે જોડાયું છે. એ બન્નેની આવી રહેલી ફિલ્મ
‘તેવર’ની પબ્લિસિટિ માટે આ ન્યૂઝ-આઇટમ વેતરવામાં આવી હોઇ શકે. પરંતુ, ‘રામ લખન’ની વાર્તામાં
‘લખન’નું એક અત્યંત પાવરફુલ પાત્ર હોઇ તેની સામે કાયદા-કાનૂનના પાબંદ મોટા ભાઇની ભૂમિકા
સ્વીકારનાર કોઇપણ એક્ટર માટે એ મોટી ચેલેન્જ હશે. અનિલ કપૂરે વર્ષો પછી ખુલાસો કર્યો
હતો કે પોતે એ સતત ધ્યાન રાખતા કે તેમના સાથી કલાકારોનું પાત્ર પોતાના કરતાં વધારે
પાવરફુલ હોય એવી ફિલ્મ સ્વીકારવાથી એ દૂર રહેતા. તેમણે કદાચ પોતાની દીકરી સોનમને પણ
હવે એ જ સલાહ આપી લાગે છે. કેમ કે તેણે શરૂઆત ભલે અભિષેક બચ્ચન સાથે કરી હોય, પણ તેની
તાજી આવેલી ફિલ્મ ‘ખુબસુરત’નો તેનો પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન નામનો જ ‘હીરો’ છે!
‘ખુબસુરત’ ઋષિકેશ મુકરજીના
પિક્ચરની રીમેક હોઇ સૌ જાણતા હતા કે તેમાં હીરોઇન જ કેન્દ્રમાં હોવાની. ઋષિદાની એ ફિલ્મમાં
રિતિક રોશનના પપ્પા રાકેશ રોશન જે રોલ કરવા તૈયાર થયા હતા એ ભૂમિકા કરવા અત્યારના આપણા
હીરો પૈકીના કોઇ તો આમ પણ સંમત ના થયા હોત. ‘ખુબસુરત’ની સાથે એ જ શુક્રવારે આવેલી યશરાજ
ફિલ્મ્સની ‘દાવત-એ-ઇશ્ક’ બેઉને શ્રાધ્ધના દિવસોમાં પિક્ચર રિલીઝ નહીં કરવાના અનુભવીઓના
ગોલ્ડન રૂલનું, હિન્દી ન્યૂઝ ચેનલોની ભાષામાં કહીએ તો, ‘પાલન નહીં કરને કા ખામિયાજા
ભુગત રહે હૈં!’ બેઉનાં કલેક્શન એવાં ઓછાં છે કે એક બીજામાંથી આશ્વાસન લેવાનું છે. એક
બાજુ ‘દાવત-એ-ઇશ્ક’નો આંકડો ૨૦ કરોડે માંડ પહોંચી રહ્યો છે, જ્યારે ‘ખુબસુરત’ પંદર
કરોડની આસપાસ રમી રહ્યું છે. એટલે ‘યશરાજ’વાળા એમ કહી શકે કે એક સાથે રજૂ થયેલી બે
ફિલ્મો પૈકી તેમની ‘દાવત...’નું કલેક્શન આગળ છે. જ્યારે સોનમ અને ‘ખુબસુરત’ કેમ્પ એવું
આશ્વાસન લઈ શકે કે જો ‘યશરાજ’ના પિક્ચરનો વકરો આવો હોય તો સરખામણીએ આપણે ડીસન્ટ બિઝનેસ
કર્યો છે.
દવાખાનાની જ વાત ચાલે
છે તો છેલ્લે પાકિસ્તાની એક્ટ્રેસ અને ‘બીગ બોસ’ની સિઝન-૪માં આવીને પાકિસ્તાનમાં સનસનાટી
ફેલાવનાર વીણા મલિકનો પણ ઉલ્લેખ જરૂરી છે. વીણાએ ૨૩મીએ પુત્રને જન્મ આપ્યો છે અને તેનું
નામ પણ શાહરૂખના દીકરાના નામની જેમ ‘અબરામ’ જ રાખ્યું છે. પણ એ કરતાં પણ મોટા ન્યૂઝ
એ છે કે જન્મતાંની સાથે જ ‘અબરામ ખાન’ના નામનું ટ્વીટર એકાઉન્ટ પણ વીણા અને તેના પતિ
અસદ ખાને ખોલી દીધું છે. રેકોર્ડ સર્જનારી હકીકત એ છે કે આ તાજા જન્મેલા બાળકના પહેલા
જ દિવસે સત્તર ફોલોઅર્સ પણ થઈ ગયા છે! (નવા જમાનાનું હાલરડું કેવું હોઇ શકે?.... “ટ્વીટ ટ્વીટ કરતે તારે, યે કહતે હૈં સારે, સોજા
તોહે નિંદીયામેં ફોલોઅર્સ પુકારે”!)
તિખારો!
કપિલ શર્મા ક્યાં ક્યાંથી હ્યુમર
શોધી કાઢે છે અને તે પણ કેટલી સહજ.... કેટલી તત્કાળ! તાજેતરના એક એપિસોડમાં ઉપસ્થિત
સ્ટારને (મોટેભાગે દીપિકાને) પ્રશ્નો પૂછનારાઓ પૈકીના એક જણે પોતાની ઓળખ આપીને શરૂઆત
કરી, “મેરા નામ અબ્બાસ હૈ...” એ વાક્ય પૂરું કરે તે પહેલાં તો કપિલે કહ્યું, “મસ્તાન
કહાં હૈ?!!"
No comments:
Post a Comment