રિમેક ફિલ્મોની નહીં,
ફિલ્મ મેકર્સની
સ્ટાઇલની થવી જોઇએ!
‘હૅપ્પી
ન્યૂ યર!’ ઇસુના નવા વરસના સ્વાગત માટે ફિલ્મ ઉદ્યોગમાં એક જમાનામાં થતી પાર્ટીઓને
બદલે હવે પરદેશમાં જઈને એ મનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો હોઇ સંજયદત્ત જેવા ‘સર્વમિત્ર સ્ટાર’ની
પાર્ટીમાં પણ તેના લેવલના સ્ટાર મિત્રોની હાજરી ન હતી. તેમણે યોજેલા ડીનરમાં અમીષા
પટેલ, મનીષા કોઇરાલા, ગુલશન ગ્રોવર, અરમાન કોહલી જેવા કલાકારો તથા બનેવી કુમાર ગૌરવ
સરખા ગણ્યા ગાંઠ્યાઓની હાજરીએ કદાચ સંજુબાબાને પોતાના સ્ટાર સ્ટેટસની માન્યતા વિશે
વિચારતા કરી દીધા હશે! સંજયદત્તની કક્ષાના ઘણા બધા કલાકારો આ સાલ દુબઈ ગયા છે. શાહરૂખ
ખાનનો બંગલો ત્યાં છે અને એ સપરિવાર ગયા છે. રિતિક રોશન તેના દીકરાઓ સાથે દુબઈમાં છે.
બચ્ચન પરિવાર હોય કે કરણ જોહર આ સાલનું એક જ ગંતવ્ય સ્થાન છે.
દુબઈમાં
જ નવા વર્ષના આ દિવસોમાં સલમાન ખાન અને તેમનો આખો પરિવાર એટલે કે અરબાઝ, સાહિલ સહિત
સૌ પણ છે. સોનાક્ષી સિન્હા અને અર્જુન કપૂર પણ તેમની આવી રહેલી ફિલ્મ ‘તેવર’ના પ્રચાર
અર્થે દુબઈમાં છે. સ્ટાર્સની એવી જ એક પ્રિય જગ્યા ગોવા પણ કહી શકાય, જ્યાં આ સાલ પ્રિયંકા
ચોપ્રા, બિપાસા બાસુ અને સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારો નવા વરસના સ્વાગત માટે ગયા
હતા. તો રણબીર અને કટરિના લંડન ગયા હતા. જ્યારે રણવીર તથા દીપિકા ન્યૂયોર્કમાં સમય
વિતાવવાના છે અને અક્ષય કુમાર પત્ની ટ્વીન્કલ તેમજ બાળકો સાથે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં!
અનુષ્કા શર્મા તો વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં લાંબા વેકેશનમાં છે જ. (બન્ને એટલાં
એકબીજાની સાથે એવાં ખુલ્લેઆમ ફરે છે કે મેલબોર્ન ટેસ્ટ દરમિયાન કેમેરો અનુષ્કા ઉપર
હતો, ત્યારે એક વિદેશી કોમેન્ટેટરે તેની ઓળખાણ
‘વિરાટ કોહલીની વાઇફ’ તરીકે આપી હતી!)
અનુષ્કા
અને આમિરને ચમકાવતી ‘પીકે’ વરસના છેલ્લા મહિનામાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસની ઇજ્જત
રહી ગઈ. કેમ કે ૨૦૧૩માં થયેલા ૨૮૦૦ કરોડના કુલ કલેક્શન્સની સામે (‘પીકે’ના અઢીસો કરોડ
ઉમેર્યા છતાં) સરખામણીએ ૨૦૧૪માં ૨૦૦ કરોડનો ઓછો ધંધો થયો છે. એટલું જ નહીં, છેલ્લાં
ત્રણેક વરસથી સતત ઊંચા ચઢતા ગ્રાફમાં બ્રેક વાગી છે. ૨૦૧૧માં કુલ બિઝનેસ ૧૭૨૫ કરોડનો
હતો અને ૨૦૧૨માં તેણે જમ્પ મારીને ૨૩૭૫ કરોડની ફિગર જોઇ હતી. તે પછીના વરસ ૨૦૧૩માં,
શેરબજારની ભાષામાં કહીએ તો, ૨૮૦૦ કરોડની સપાટી પાર કરી હતી. પરંતુ, આ સાલ તેમાં ઉમેરો
થવાને બદલે એ લેવલ પણ સચાવાયું નથી. ગયા વરસના સરવૈયાની આ સૌથી મોટી હાઇલાઇટ છે!
તેથી
‘હેપ્પી ન્યૂ યર’ એ એક રાબેતા મુજબની શુભેચ્છા હોવા ઉપરાંત ૨૦૧૪માં હિન્દી સિનેમાના
બિઝનેસની સપાટી સાચવવામાં મદદગાર ફિલ્મનું નામ પણ છે! નવા વર્ષે ફિલ્મ ઉદ્યોગને અને
વાચકોને રાબેતા મુજબની શુભેચ્છા આપતી વખતે વિતેલા વરસમાં બિઝનેસના ઘટતા આંકડાઓ કેટલા
સમીક્ષકો યાદ કરતા હશે? પિક્ચરની ક્રિયેટિવ ક્વોલિટીની ચર્ચાઓ જેટલી જરૂરી હોય છે,
એટલી જ આવશ્યક હોય છે તેની વ્યાવસાયિક સમીક્ષા. અગાઉના સમયમાં ફિલ્મ કેટલાં સપ્તાહ
ચાલી તેના ઉપરથી તેની સફળતા કે નિષ્ફળતાનું આકલન થતું હતું. હવે મલ્ટિપ્લેક્સના જમાનામાં કોઇ પ્રોડક્ટ કેટલાં અઠવાડિયાં થિયેટરમાં રહી એ
ફોકસ રહ્યું નથી. કેમ કે એક શહેરમાં ૨૫ સ્ક્રિન્સ પર દેખાડાતી ફિલ્મની ‘રજત જયંતિ’
તો પહેલા જ વીકમાં થઈ જાયને? મૂળ મુદ્દો લગાવેલા ઇન્વેસ્ટમેન્ટ પર થતા પ્રોફિટનો જ
રહેવાનો. તેથી ૧૦૦ કે ૨૦૦ કરોડની ફિલ્મોની વાતો કોઇને ગમે કે ના ગમે, છેવટે તો કોઇપણ
ધંધામાં રોકાણ સામે વળતરનો જ હિસાબ થવાનો અને એ જ તો બિઝનેસમાં પૈસા લાવે. એવા સાવ
સાદા નિયમથી જોઇએ તો આંકડા દર્શાવે છે કે ૨૦૧૪ એક નિરાશાજનક વર્ષ હતું અને વરસના છેલ્લા
દિવસોમાં આવનાર ‘પીકે’નો બમ્પર બિઝનેસ ના હોત તો હાલત ઑર કફોડી હોત.
વિચાર
તો કરો? ‘હેપ્પી ન્યૂ યર’, ‘કીક’ અને ‘પીકે’ એ શાહરૂખ, સલમાન અને આમિર ત્રણ ‘ખાન’ની
ફિલ્મો ના હોત તો વરસના અંતે ગઈ સાલ કરતાં હિન્દી સિનેમાના અર્થતંત્રમાં કેવો મોટો
ખાડો હોત? (હવે મહેરબાની કરીને અહીં સ્ટાર્સના મજહબને વચ્ચે લાવીને કોઇ હિન્દુ-મુસ્લિમના
વાંધા ના કાઢે!) તેને લીધે બિઝનેસ સર્કલમાં એક ચર્ચા એવી પણ છે કે સ્ટાર્સને અપાતી
ઉચ્ચક, કરોડ-તોડ, ફીને બદલે કોઇ નવી ફોર્મ્યુલા અપનાવાય. એક દરખાસ્ત જીતેન્દ્રના સાળા
એવા ડિસ્ટ્રીબ્યુટર રમેશ સિપ્પીએ આપી છે, તે મુજબ એક્ટર્સને પ્રથમ ત્રણ દિવસ દરમિયાન
આવતા વકરાના પ્રમાણમાં ફી નક્કી કરાય. શું એવો કોઇ ફેરફાર ફી સ્ટ્રક્ચરમાં થશે? એવું
થાય તો પણ આમિરને શું વાંધો આવે? ‘પીકે’એ પહેલા દસ દિવસમાં જ ૨૩૬ કરોડ સ્થાનિક બજારમાંથી
અને ૮૯ કરોડ વિદેશી માર્કેટમાંથી મળતાં સવા ત્રણસો કરોડ એકત્ર કરી લીધા છે!
પણ
આમિરની માફક સ્ક્રિપ્ટથી માંડીને દરેક ફ્રેમ અને શૉટમાં પરફેક્શનનો આગ્રહ રાખનારા કલાકારો કેટલા? તેમાંય રાજુ હીરાણી સરખા નિર્દેશક
હોય જેમના ઉપર અમારા ઓલ ટાઇમ ફેવરીટ ડાયરેક્ટર ઋષિકેશ મુકરજીની અસર સ્પષ્ટ રૂપે દેખાતી
હોય પછી એ પિક્ચર લોકોના દિલ-દિમાગને ના સ્પર્શે તો જ આશ્ચર્ય થાય. ઋષિદાના ‘અનાડી’માં
દુનિયાદારી ના સમજતો યુવાન બનતા રાજકપૂર હોય કે કેન્સર જેવા મહાભયાનક રોગથી પીડાતા
હોવા છતાં મસ્તીથી જીવતા પાત્ર ‘આનંદ’ને પડદા ઉપર સજીવન કરતા રાજેશ ખન્ના હોય એ બધાં
પરાણે વહાલાં લાગે એવાં નિર્દોષ પાત્રો અને એ જ હીરાણીના ‘મુન્નાભાઇ’, ‘રેન્ચો’ અને
‘પીકે’ જેવાં પાત્રોની ખાસિયત! ‘આનંદ’માં અમિતાભ બચ્ચનના એ જ નામનું પુસ્તક લખે છે
તો અનુષ્કા શર્મા પણ ‘પીકે’ ટાઇટલવાળી બુક લખે છે. આ નામ ‘પીકે’ પણ ઋષિદાની જ ‘ચુપકે
ચુપકે’ના એક દ્રશ્યમાં ભારે રમૂજ કરે છે. યાદ છે ને? ઓમપ્રકાશને મળવા ‘પી. કે. શ્રીવાસ્તવ’
આવ્યા હોય છે અને ધર્મેન્દ્ર ખબર આપતાં કહે છે, “સાહબજી, આપસે મિલને શ્રીવાસ્તવજી પીકે
આયે હૈં!” ઋષિદાની ફિલ્મોની માફક હીરાણીની
ફિલ્મમાં પણ કોઇ પરંપરાગત વિલન ના હોય. સંજોગો જ ‘ગોલમાલ’ કરતા હોય. જો કે રાજુ હીરાણી
અને અભિજાત જોશીની સ્ક્રિપ્ટમાં સામાન્ય પ્રેક્ષકને ઝટ જીભે ચઢી જાય એવી એકાદી ટેગલાઇન
હોય એ વિશેષતા તેમની પોતાની આગવી જ હોય છે. ‘મુન્નાભાઇ’માં ‘જાદુ કી ઝપ્પી’ અને ‘થ્રી
ઇડિયટ્સ’માં ‘આલ ઇઝ વેલ’ હતા. તો ‘પીકે’માં એ ‘રોંગ નંબર’ લઈ આવ્યા છે.
એટલે
રાજુ હીરાણી આજના દિગ્દર્શકો માટે એક નવી ફોર્મ્યુલા લઈ આવ્યા છે..... કોઇ જૂના પિક્ચરની
રીમેક બનાવવાના મોહમાં પડ્યા વગર અગાઉના સર્જકોની સ્ટાઇલને રીમેક કરો! જે રીતે રાજકુમાર
હીરાણીએ ઋષિકેશ મુકરજીની સ્ટાઇલને આત્મસાત કરી છે, એ જ રીતે અન્ય ડીરેક્ટર્સ બિમલરોય,
શાંતારામ કે રાજકપૂર અને બી.આર. ચોપ્રાની સ્ટોરી ટેલીંગની કળાને પોતાની આગવી પુન: જીવિત
કરી શકે. જૂનાં ગીતોનો ઉપયોગ કેટલો સરસ થઈ શકે એ પણ ‘પીકે’માંથી શીખી શકાય. તેમાં સ્ટેશન
પર થતા ધાર્મિક અંતિમવાદીઓ દ્વારા થતા બોમ્બ બ્લાસ્ટ પછીના લોહી-લુહાણ લોકો ઉપર ફરતો
કેમેરો અને બેકગ્રાઉન્ડમાંથી ‘ફિર સુબહા હોગી’નું ગાયન વાગે. બે પંક્તિઓ જ બધું કહી
જાય. સાહિર લુધિયાનવીના શબ્દો મુકેશજીના કંઠે વાગતા હોય “આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં
પે હમ, આજકલ વો ઇસ તરફ દેખતા હૈ કમ....’! કોઇએ કાંઇ કહેવાની જરૂર જ ના પડે. પ્રિય સાહિરની
શાયરીનો એ કેવો અદભૂત ઉપયોગ!!
તિખારો!
‘બીગ
બૉસ’ના ઘરમાં ગયેલા કપિલે રાબેતા મુજબ સરસ મઝા કરાવી દીધી. ‘બીગ બોસ’ના અવાજને તેણે
પૂછ્યું “આપ કી શાદી હો ગઈ હૈ?’ સામો જવાબ આવ્યો, “બીગ બૉસ ઇસ વક્ત ઇસ સવાલ કા જવાબ
દેના ઉચિત નહીં સમઝતે....” કપિલનો અપેક્ષિત શૉટ, “મૈં સમઝ ગયા, સર..... આપ
સિર્ફ ઇધર હી બીગ બૉસ હૈં!!”
No comments:
Post a Comment