Saturday, December 27, 2014

ફિલમની ચિલમ..... ડીસેમ્બર ૨૮, ૨૦૧૪


‘પીકે’ સામેની બિનજરુરી ઝુંબેશ એટલે

   
ધડાધડીવાળી ફિલ્મોના સમયમાં

ધડો લેવાની ફિલ્મનો ઘડો લાડવો કરવાનો કારસો?




‘પીકે’ જોયા પછી અમારા જેવા સામાન્ય પ્રેક્ષકને પહેલી લાગણી એ થાય કે  “હાશ, લાંબા વખતે ટોપ સ્ટાર્સ પૈકીના એકની એવી ફિલ્મ આવી જેમાં કોઇ મારામારી નહીં, કોઇ આઇટમ સોંગ નહીં અને હળવી શૈલીમાં સામાજિક સંદેશો અપાયો હોય!” એ રીતે મૂલવતાં ‘પીકે’ રાજુ હીરાણી, વિધુ વિનોદ ચોપ્રા તથા આમિરખાન કરતાં પણ વધુ તેમના લેખક અભિજાત જોશીની કલમનો સરસ કમાલ છે. ફિલ્મો બનાવતા સૌને લેખક અને લેખનનું, એટલે કે કથા, પટકથા, સંવાદ વગેરેનું, મહત્વ સમજાવવા માટે અભિજાત જોશીની ત્રણ જ કૃતિઓ ‘થ્રી ઇડિયટ્સ’, ‘લગે રહો મુન્નાભાઇ’ અને હવે ‘પીકે’ બતાવવી જોઇએ. આજના સમયમાં ગાંધીજીના આદર્શોને સિનેમાના પડદે ઉજાગર કરવાના એ કેવી મોટી ચેલેન્જ કહેવાય? છતાં ‘લગે રહો મુન્નાભાઇ’ જોઇને નવી પેઢીના પ્રેક્ષકો પણ હસતે હસતે ‘ગાંધીગીરી’થી વાકેફ થયા જ હતાને? 

અભિજાત જોશી


એવી જ રીતે ‘થ્રી ઇડિયટ્સ’માં આપણી શિક્ષણ પ્રથા જેવા ગંભીર વિષય અંગે કેવી ચોટદાર રજૂઆત કરાઇ હતી. અભિજાત જોશી અમદાવાદના કે ગુજરાતી હોવા કરતાં વધારે એ શિક્ષક છે, તેનું ગૌરવ કરવા જેવું છે. અભિજાત અત્યારે વિદેશમાં વસેલા કોલેજના પ્રાધ્યાપક છે. તેથી ‘પીકે’ જેવા ચેલેન્જીંગ વિષયને પણ તેમણે રસપ્રદ રીતે આલેખ્યો છે.  તેનું પરિણામ એ કે ‘પીકે’એ ધારણા મુજબ જ પ્રથમ સપ્તાહમાં જ ૧૫૦ કરોડ ઉપરાંતનો વકરો ભારતમાં અને રેકોર્ડ પચાસેક કરોડ દરિયાપારના દેશો (સાદી ભાષામાં કહીએ તો, ‘ઓવરસીઝ કન્ટ્રીઝ’!)માંથી એકત્ર કરી લીધા છે. પણ આજે બોક્સઓફિસ પર મળેલા અદભૂત આવકાર કરતાં વાત કરવી છે, તેની થીમ અને તેના પ્રસ્તુતિકરણ અંગેના વિવાદો ઉભા થયા છે તેની.  

 
હકીકત તો એ છે કે ફિલ્મની વાર્તા-વસ્તુને ધર્મના ચશ્માથી જોવાથી (અથવા વધારે ભયજનક તો એ કે, તે રીતે ‘બતાવવાથી’!) કોઇપણ ફિલ્મમાં વાંધા નીકળી શકે. ‘દીવાર’માં અમિતાભ બચ્ચન મંદિરમાં જઈને ભગવાન સાથે ઝગડો કરે (ખુશ તો બહોત હોગે આજ તુમ..) ત્યારે મહાદેવજીના ભક્તો ‘બૉયકૉટ દીવાર’ કેમ્પેઇન એવા કારણસર ચલાવે કે શા માટે શંકર ભગવાન બતાવાયા અને અન્ય દેવી-દેવતા કેમ નહીં? કે પછી અન્ય કોઇ ધર્મ શાથી નહી? અથવા હિન્દુ ધર્મના ભગવાન શાથી બતાવ્યા? તો? હકીકતમાં, તો ‘પીકે’ને સમજીને જોનારાઓ જાણે છે એમ આ પિક્ચર કોઇ ધર્મની વિરુધ્ધ નહીં પણ વધારે તો તમામ પ્રકારની ધાર્મિકતા સામે જાગૃતિનો સંન્નિષ્ઠ અને જેન્ટલ પ્રયાસ છે. તેથી ‘પીકે’ નાસ્તિકો અને રેશ્નાલિસ્ટોની દલીલોની ફિલ્મ છે. (‘પીકે’ જોઇ ન હોય તેમણે આગળ  ના વાંચવું...... સ્પોઇલર્સ હોઇ શકે છે... ફિલ્મ જોવાની મઝા બગડી શકે છે.)

‘પીકે’માંની આ દલીલોમાં કેટલી બધી સચ્ચાઇ છે, એ તો વિચારો? જો ભગવાન એક જ હોય તો તેમના ધર્મના પાલનમાં આટલા બધા પરસ્પર વિરોધી ફરક શાથી? જો મંદિરમાં ચંપલ-બુટ કાઢીને જવું પડે તો ચર્ચમાં બુટ પહેરીને જવાનું. હિન્દુઓ માટે ગાય પવિત્ર તો મુસ્લિમ-ક્રિશ્ચયન તેનું માંસ (બીફ) ખાય શાથી? એકમાં દારૂનો નિષેધ તો બીજામાં મેરેજ હોય કે મૃત્યુ શરાબ પીવાની પ્રથા હોય. આવી દલીલોથી પુરવાર તો એ જ થાય છે કે ભગવાન અને ભક્તની વચ્ચેના ધર્મના સંચાલકોએ ઘડેલા નિયમોને લીધે પરગ્રહથી આવેલા ઍલિયનને એ બધું ગુંચવાડાભર્યું લાગે છે. ‘ઍલિયન’ એટલે અગાઉ ‘જાદુ’ના નામે રિતિક રોશને ‘કોઇ મિલ ગયા’માં ઝલક દેખાડી હતી એવો પરગ્રહવાસી. પરંતુ, એ એક મનોરંજક ફિલ્મ હતી. જ્યારે ‘પીકે’માં આમિર એક એવો પરગ્રહવાસી છે જે પૃથ્વી પરના ધાર્મિક ભેદભાવથી અજાણ વ્યક્તિ હોય અને તે પ્રવર્તમાન ધાર્મિકતાઓને કઈ નજરે જુએ એવો ગંભીર કન્સેપ્ટ છે.

આટલો ગંભીર મુદ્દો લોકોને ના હચમચાવે તો જ આશ્ચર્ય થાય! ફિલ્મ હિન્દુ ધર્મને ખરાબ ચિતરનારી છે એમ કહીને ‘બૉયકૉટ પીકે’ની ઝુંબેશ ચલાવનારાઓને શું જાણ નહીં હોય કે ‘પીકે’ના સર્જન સાથે સંકળાયેલા નિર્માતા વિધુ વિનોદ ચોપ્રા, દિગ્દર્શક રાજુ હીરાણી અને લેખક અભિજાત જોશી એ ત્રણેય મુખ્ય સ્તંભો હિન્દુ છે? છતાં આખો કેમ્પેઇન સોશ્યલ મિડિયામાં વાંચો તો સવાલો પિક્ચરના હીરો આમિરખાનને જ પૂછાય છે! જાણે કે એ નિર્માતા, દિગ્દર્શક કે લેખક હોય! આખી વાતમાં આમિરને કેન્દ્રમાં રખાય અને ચર્ચાને એવો ટોન અપાય કે આમિર મુસ્લિમ છે માટે હિન્દુ ધર્મને બદનામ કરવા માટે આમ કરે છે, તેમાં બીજી વાસ આવે છે. ચર્ચાના મુદ્દા કેવા હોય છે?  આમિરે ઇસ્લામ વિશે કે ક્રિશ્ચિયાનિટી અંગે આમ કેમ ના કહ્યું? શા માટે આમિરે અમુક દેવતાને આ રીતે પ્રસ્તુત કર્યા? પ્રેક્ષક તરીકે આપણી કોમેન્ટ્સ આમિરની એક્ટીંગ માટે જ ના હોવી જોઇએ? કેટલા દર્શકોએ ધ્યાન આપ્યું હશે કે મોટાભાગની ફિલ્મમાં ઍલિયન તરીકે આમિરે આંખનું મટકું પણ માર્યું નથી! છતાં ફિલ્મ વિરુધ્ધની ઝુંબેશમાં ટાર્ગેટ આમિર જ છે એ પાછળ સ્ટાર્સની સ્પર્ધા જેવું બીજું કાંઈ તો જવાબદાર નહીં હોયને? 



શું કોઇ હરીફ એક્ટરનો સ્પોન્સર કરેલો આ કેમ્પેઇન હશે? બાકી જેના ઉપરથી આ પિક્ચર બન્યાનું કહેવાય છે એ ‘ઓએમજી- ઓહ માય ગોડ’માં તો માત્ર હિન્દુ ધર્મની જ વાત હતી. ‘પીકે’ના નિર્માણ દરમિયાન ‘ઓહ માય ગોડ’ના દિગ્દર્શક ઉમેશ શુક્લાને પિક્ચર બનાવવાનું બંધ રાખવા ૮ કરોડની ઓફર ચોપ્રા લોકોએ કરી હોવાની વાત પણ ત્યારે બજારમાં ફરતી  હતી. પરંતુ, એવું કશું બન્યું નહીં અને ૨૦૧૨માં એ રિલીઝ પણ થઈ હતી. તેમાં તો પરેશ રાવલ ભગવાન વિરુધ્ધ કેસ કરે છે.  તે વખતે પણ તેનો કોઇ ઉહાપોહ ક્યાં થયો હતો? તે ફિલ્મનું મૂળ ગુજરાતી નાટક ‘કાનજી વિરુધ્ધ કાનજી’ પણ આવા વિવાદોમાં ક્યાં સપડાયું હતું? અન્ય ધર્મના રીત-રિવાજોને પણ સાંકળીને બતાવવાને કારણે લોકોની લાગણી દુભાતી હશે? નહીંતર, ‘પીકે’માંના સૌરભ શુકલાના ‘તપસ્વી મહારાજ’ જેવાં તો અસંખ્ય પાત્રો આપણી ફિલ્મોમાં આવી જ ગયાં છેને? મનોજ કુમારના ‘સન્યાસી’થી માંડીને છેલ્લે ‘સિંઘમ રિટર્ન્સ’માં ‘બાબાજી’ વિલન ચિતરાયા હોય એવું હોવા છતાં ક્યાં કોઇ ઉહાપોહ હતો? કે પછી સેન્સલેસ વાયોલન્સથી ભરપુર ૧૦૦-૨૦૦ કરોડની ફિલ્મોની ધડાધડીમાં ધડો લેવા જેવું કશું ન હોય એ સ્વીકારાયેલું છે? 


ખરેખર તો હિન્દુ ધર્મ પરના આક્રમણની બધી ચર્ચાઓ છતાં કોઇએ એવું નથી કહ્યું કે ફિલ્મમાં દર્શાવાયેલી કઈ બાબત સમાજમાં નથી બનતી? શું ગુજરાતના જ સચિવાલયમાં દાદરા ઉપરથી ચઢતા-ઉતરતા લોકો દિવાલ પર પાનની પિચકારીઓ મારતા અટકે તે માટે  એક સમયે દેવી-દેવતાના ફોટા ચોંટાડાયા નહતા? અને છતાં જ્યાં-ત્યાં થૂંકવાનું અટક્યું હતુ? ‘પીકે’માં પેશાબની વાત કરીને વધારાનો ઝાટકો આપ્યો છે (તાકિ લોગ મૂતે નહીં). તેનાથી લોકો જાહેરમાં થૂંકતા અને મૂત્રવિસર્જન કરતા અટકશે તો પણ બધા ધર્મોની મોટી સેવા થશે!  અને છેલ્લે, ‘પીકે’ને હિન્દુ વિરોધી કહેનારા સૌ શું જાણતા નહીં હોય કે આ જ નિર્માતાએ ‘મિશન કશ્મીર’ પણ બનાવી હતી, જેમાં ત્રાસવાદની થીમ હતી? તેનો હીરો રિતિક રોશન ‘અલતાફ’ હતો, હીરોઇન પ્રીટિ ઝિન્ટા ‘સુફિયા પરવેઝ’ બની હતી, જેકી શ્રોફ પઠાણ લીડર ‘હીલાલ’ હતા અને સંજય દત્ત ‘ઇનાયતખાન’ બન્યા હતા. તેમાં હિન્દુ ધર્મનો કોઇ અછડતો પણ ઉલ્લેખ નહતો. બલ્કે ‘ફતવા’ને કારણે બબાલ થાય છે. (સોચો ઠાકુર!)


તિખારો!
 
‘પીકે’ એ હિન્દુ ધર્મ વિરુધ્ધનું છે એવી બિનજરૂરી ઝુંબેશને મિડિયામાં કઈ હદ સુધી ખેંચવામાં આવી છે, તેનો વધુ એક દાખલો: ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં એક વાચકે લખ્યું છે કે ઇન્ટરનેટમાં ‘ડોમેઇન’થી ખબર પડે કે આ કયા દેશની વેબસાઇટ છે અથવા કયા દેશનું ઇમેઇલ એડ્રેસ છે. એટલે કે જો ઇન્ડિયા હોય તો છેલ્લે ‘ડૉટ આઇએન’ આવે, કેનેડા હોય તો ‘ડૉટ સીએ’, ઑસ્ટ્રેલિયા હોય તો ‘ડૉટ એયુ’ વગેરે વગેરે.  એ રીતે ‘ડૉટ પીકે’ કયા દેશનું છે? પાકિસ્તાન! (ઇતિ સિધ્ધમ?!!) 


3 comments:

  1. Very very apt and balanced review by you. I agree with each and every word you have written. The good thing is that more and more people are developing liking for such movies.

    ReplyDelete
  2. તદ્દન સાચું, સલીલ જી ,

    લોકોની માનસિકતા ઉઘાડી પડી રહી છે ... સાવ સાચું અને આપણી માન્યતાથી જુદું એટલે ખોટું એ વહેમ ભાંગી નાખવા જેવો છે, ખરું ને?

    જેવી જેની સોચ ...તે મુજબ તેનું અનુંઘટન કરે ... બાકી સાંપ્રત સમયમાં લોકોને સાંપ્રદાયિકતાની કુમ્ભકર્ણ નિદ્રા માંથી જગાડવા માટે આના થી સચોટ કોઈ માધ્યમ હોઈ સકે ખરું ?

    એક સંનિષ્ઠ પ્રયાસ.. PK ટીમને અભિનંદન આપવા ઘટે...!

    ReplyDelete
  3. Sachu to kahyu, Baba log Asharam, Bukhari, badha babao karodo ma every month kamay che ane public ne ramade che. Maati mathi koi pan shape ni murti banavi loko ne aapi ek murti na lakho rupiye lye, are Bhagwan ek che ene koi murti ni jarur nathi, aakhu Universe ena ekla haathe chale che, God ma koi ni partnership naa hoy, Only One God, Sabka Malik Ek.

    ReplyDelete