Sunday, May 3, 2015

ફિલમની ચિલમ..... મે ૦૩, ૨૦૧૫




 
ટીવીના રિયાલિટી શો જેવી

હવે  સ્ટીંગ ઓપરેશન આધારિત ‘રિયાલિટી ફિલ્મ’?



સેન્સર બોર્ડનો એક નવો જ રેકોર્ડ થઈ રહ્યો છે..... આ સપ્તાહે પહેલી મેના દિવસે રિલીઝ થનારી ફિલ્મ ‘સબ કી બજેગી બૅન્ડ’ને તો સેન્સરે પાસ કરી છે, પરંતુ, તેના ટ્રેઇલરને મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો છે. મતલબ એ કે પ્રેક્ષકોને અઢી-ત્રણ કલાકની આખી ફિલ્મ જોવા દેવામાં વાંધો નહીં; પણ બે-પાંચ મિનિટના તેના ટૂકડા જોવા હાનિકારક છે! આ કોયડાનો ઉકેલ કરતાં સેન્સર બોર્ડના ચીફ પહલાજ નિહલાનીએ ચોખવટ કરી છે કે પિક્ચર સેન્સર બોર્ડની અગાઉની ટીમે મંજૂર કરેલી છે; જ્યારે ટ્રેઇલર અમારી પાસે આવ્યું જેને પ્રમાણપત્ર આપવા જેવું નથી. જાણકારોની માહિતી પ્રમાણે આ ફિલ્મ વલ્ગર અને ડબલ મિનિંગ ડાયલોગવાળી છે. એટલે કોઇ તેના વિરુદ્ધ અદાલતમાં જઈને સ્ટે ઓર્ડર ન લાવે ત્યાં સુધી તે રિલીઝ થઈ જ શકશે. પરંતુ, ફિલ્મના સર્જકોનો દાવો જુદો છે.
 


‘સબ કી બજેગી બૅન્ડ’નું ડાયરેક્શન કરનાર અનિરુધ્ધ ચાવલા એક આર.જે. છે અને ગયા વર્ષે તેમણે પોતાના ફાર્મહાઉસ પર એક પાર્ટી યોજી હતી. તેમાં છુપા કેમેરા રાખીને એ પાર્ટીમાં હાજર સેલીબ્રીટીઝના વાણી અને વર્તનને તેમને કેદ કરાવી લીધાં હતાં. એ સ્ટિંગ ફુટેજની જાણ જ્યારે  પાર્ટીમાં હાજર રહેલા એક્ટરો અને એક્ટ્રેસો સહિતના સૌને થઈ ત્યારે તે સામે કેસ કરવાની તૈયારી થઈ હતી. એટલું જ નહીં, ફિલ્મ રિલીઝ કરવાના આ દિવસોમાં અનિરુધ્ધે લખેલા એક જાહેર પત્ર અનુસાર તેમણે પોતે એ ફુટેજ રિલીઝ નહીં કરવા એક લીગલ ડોક્યુમેન્ટ સાઇન કર્યું હતું. પરંતુ, હવે એ જ ફુટેજ પરથી ફિલ્મ બનાવીને રજૂ કરાઇ રહી છે, જેમાં સેલીબ્રીટીઝનાં નામો બદલવામાં આવ્યાં છે. ત્યારે પેલા કાનૂની દસ્તાવેજના આધારે કોઇ પગલું લઈ શકાય એમ હોય તો પણ કોણ જાહેરમાં આવીને કહે કે પિક્ચરમાંની આ મારી વાત છે?
 
ટૂંકમાં, અત્યારે તો ફિલ્મને એક વિવાદાસ્પદ મટિરિયલને કારણે એડવાન્સ પબ્લિસિટી મળી ગઈ છે. સામાન્ય રીતે આવી ફિલ્મો ક્યારે આવી અને ક્યારે જતી રહી એ પણ કોઇ ધ્યાનમાં લેતું હોતું નથી. તેથી આ સુરસુરીયા જેવો વિવાદ હવે બોક્સ ઓફિસ પર કેવો ફરક લાવે છે એ જોવા જેવું હશે. કેમ કે આ ‘રિયાલિટી ફિલ્મ’ તરીકે પ્રચારિત થયેલી ફિલ્મમાં કોઇ ખાસ સ્ટાર્સ નથી.... સિવાય કે અમન વર્મા અને સ્વરા ભાસ્કરને તમે સ્ટારની કેટેગરીમાં મૂકતા હો. (સ્વરા ભાસ્કરની ટેલેન્ટ જો તમે ‘લિસન અમાયા’ કે ‘રાંઝણા’માં જોઇ હોય તો આવું પિક્ચર કેમ કર્યું હશે એવો સવાલ થાય!) ફિલ્મનું ટ્રેઇલર યુ ટ્યુબ પર જુઓ તો એ મધુર ભંડારકરની બહુ ચર્ચિત ‘પેજ થ્રી’ની નવી ‘રોસ્ટ એડિશન’ (આવૃત્તિ) હોવાનો શક જાય. યાદ છે ને ‘ એઆઇબી નૉકાઆઉટ રોસ્ટ’? તે પબ્લિક શોમાં કરણ જોહર, રણવીર સિંગ અને અર્જુન કપૂરે કરેલી ડબલ મિનિંગ કોમેડીને કારણે હજી થોડાક મહિના પહેલાં જ હાહાકાર હતો. હવે એ ચકચાર શાંત પડ્યો છે અને કરણ જોહર પોતાના અભિનયવાળી ‘બૉમ્બે વેલ્વેટ’ના પ્રચારમાં લાગ્યા છે.

કરણ જોહર પોતે જે રિયાલિટી શો ‘ઇન્ડિયાસ ગૉટ ટૅલેન્ટ’માં જજ છે, તેમાં ‘બૉમ્બે વેલ્વેટ’ના હીરો-હીરોઇન રણબીર કપૂર અને અનુષ્કા શર્માને પ્રચાર માટે લાવ્યા, ત્યારે ઘરના ભૂવા અને ઘરના જાગરીયા જેવો ઘાટ હતો. મઝાની વાત એ હતી કે કરણ સાથે એ કોમ્પિટિશનને જજ કરનાર સાથી ન્યાયાધીશો(!) મલઈકા અરોરા અને કિરણ ખેર પણ રણબીર સાથે સેલ્ફી લેતાં હતા. રણબીરની અત્યારે ચર્ચાતી પ્રેમ કહાનીની એ અસર હશે કે શું? દરમિયાન રણબીર અને પિતા રીશી કપૂર વચ્ચેના મતભેદોને મિટાવવા ‘મહારાણી જોધાબાઇ’એ ખુલ્લા મીડિયા મેદાનમાં ઝંપલાવ્યું છે. આ સપ્તાહે રણબીરનાં મમ્મી નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો રીશી કપૂર સાથેનો એક જૂનો ફોટો મૂકીને તેના ઉપર આ સુવાક્ય લખ્યું છે, “એક સુખી લગ્ન એ સારા માફી આપનારા બે જણનું મિલન હોય છે!!!” અને પછી કૌંસમાં લખ્યું છે “આ આપણી લગ્નતિથિ નથી”)



નીતુજીના આ જાહેર સંદેશાનું અર્થઘટન શું હોઇ શકે? મોટાભાગનાઓએ અંદાજ મૂક્યો છે કે રણબીર અને કટરિના નવેમ્બરમાં લગ્ન કરવાના છે એવા વહેતા થયેલા સમાચારના સંદર્ભે માતાએ દીકરા અને સંભવિત પુત્રવધુને સફળ લગ્નની રેસીપી આપી છે. પરંતુ, અમને શક જુદો છે. રણબીર અને કટરિનાએ આપેલા જમણવારમાં હાજરી આપવા બદલ નીતુથી જહાંપનાહ નારાજ થયા લાગે છે. તો જ એ પોતાના રોમાન્સના જૂના દિવસોની યાદ જેવો ફોટો જાહેરમાં મૂકે અને “આ આપણી લગ્નતિથિ નથી” જેવા શબ્દો લખે. સોશ્યલ મીડિયાના આવ્યા પછી આ સગવડ સરસ થઈ છે. અગાઉ આવા પ્રસંગે પોતાના વિશ્વાસુ પત્રકારને આખી સ્ટોરી કહેવાની અને એ ‘કપૂર પરિવારનાં અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે રીશી અને નીતુના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે’ જેવું કશુંક ગોળ ગોળ લખાય. વળી, એ મેગેઝીન છપાઇને બહાર પંદર દહાડે કે મહિને. ત્યાં સુધીમાં ભલું હોય તો આખો મામલો થાળે પડી ગયો હોય કે પૂરો વણસી ચૂક્યો હોય!

જ્યારે આજે તો નીતુમા પોતાના સ્માર્ટ ફોનમાંથી કે કોમ્પ્યુટર દ્વારા ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમ મારફત પોતાની લાગણી (કે માફી) ઇસી મિનિટે જાહેરમાં વ્યક્ત કરી શકે છે. આ મામલે રીશી ફરિયાદ કરી શકે એમ પણ નથી. કારણ કે પોતાનો દીકરો કહ્યામાં નથી એવી જાહેરાત તેમણે જ પહેલી કરી હતી. (વારા પછી વારો, તારા પછી મારો!) રીશીને અસલી જિંદગીમાં હજી પિતાની ભૂમિકા કરતાં તકલીફ પડી રહી છે, ત્યારે આવનારા એક પિક્ચરમાં તે ‘દાદાજી’ બની રહ્યા છે. એ પિક્ચરનું નામ પણ કેવું સિમ્બોલિક છે? ‘કપૂર એન્ડ સન્સ’! એ ફિલ્મ કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન’ના બેનર નીચે બની રહી છે અને તેમાં રીશીદાદાની ઉંમર હશે, ૯૦ વર્ષના વૃદ્ધની. એટલે જેમ આર. બાલ્કીના દિગ્દર્શનમાં બનેલી ‘પા’ માટે અમિતાભને કલાકો સુધી મેક અપ કરવા બેસવું પડતું હતું એ રીતે કદાચ રીશી કપૂરને પણ સમય ફાળવવો પડશે.

અમિતાભ સાથેની આર. બાલ્કીની છેલ્લી આવેલી ફિલ્મ ‘શમિતાભ’ને બોક્સ ઓફિસ પર ‘ચીની કમ’ જેવો પણ આવકાર નથી મળ્યો. છતાં એક સર્જક તરીકેની તેમની પ્રતિષ્ઠા હજી પણ એવી જ અકબંધ છે. તેમની નવી રોમેન્ટિક-કોમેડી માટે અર્જૂન કપૂરને સાઇન કરીને બાલ્કીએ સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે. એ જ રીતે તેમની ‘ચીની કમ’ની હીરોઇન તબુને સાઇન કરવા આતૂર રોહિત શેટ્ટી પણ આજકાલ ચર્ચામાં છે. સૌ જાણે છે એમ, રોહિત આજકાલ ‘કરણ અર્જુન’ની રિમેક બનાવવાના પ્લાન કરી રહ્યા છે. તેમણે રાખીએ કરેલા યાદગાર રોલ માટે તબુ ઉપર પસંદગી ઉતારી છે. જો તબુ સંમત થશે તો, મિમિક્રી કરનારી મહિલા કલાકારોથી બચવા, કમ સે કમ આ એક ડાયલોગ તો તેમણે રાખી કરતાં અલગ રીતે બોલવો જ પડશે.... “મેરે કરન-અર્જુન આયેંગે...”!

તિખારો!
કટરિના કૈફ ગમ્મતો માટે બહુ જાણીતી નથી. પરંતુ, હમણાં તેણે કહ્યું કે “હું ડિનર કે લંચ માટે રેસ્ટોરાં જેવી જાહેર જગ્યાએ જવાનું હોય તો પણ ઉંઘમાંથી ઉઠીને આવતી હોઉં એમ જીન્સ- ટીશર્ટ પહેરીને પહોંચી જાઉં છું. જ્યારે સોનમ કપૂર ગમે ત્યાં મળે એ કાયમ કોઇ એવોર્ડ ફંક્શનની રેડ કાર્પેટ પર ચાલવા આવી હોય એવી તૈયાર થઈને આવતી હોય છે!” 


No comments:

Post a Comment