Monday, May 11, 2015

ફિલમની ચિલમ.... ૧0 મે ૨૦૧૫




સલમાનખાનને સજા

અને સામે આવ્યો ફિલ્મ ઉદ્યોગનો વરવો ચહેરો!


એક બાજુ અક્ષયકુમારની નવી ફિલ્મ ‘ગબ્બર ઇઝ બૅક’ને પહેલા  દિવસે સાડા તેર કરોડ રૂપિયાનો વકરો થતાં એ ૨૦૧૫નું સૌથી સારો ઓપનિંગ દિવસ સાબિત થયો. એટલું જ નહીં, પ્રથમ સપ્તાહમાં ૫૫ કરોડનો બિઝનેસ આપ્યાના સારા સમાચાર આવ્યા. પણ દુષ્કાળમાં અમીવર્ષા જેવી લાંબા સમયે આવેલી આ મોટી સફળતાનો આનંદ ફિલ્મો સાથે સંકળાયેલા સૌ થઈ શકે તે પહેલાં, બીજી તરફ  છઠ્ઠી મેએ સલમાનખાનને પાંચ વરસની જેલની સજા થઈ અને માહૌલ બદલાઇ ગયો. પરંતુ,  ‘ભાઇ’ને સારું લગાડવા મેદાને પડેલા હિન્દી સિનેમાના કેટલાક કલાકારોના વાહિયાત પ્રત્યાઘાતોને કારણે ફિલ્મ કલાકારોનો વરવો ચહેરો સામે આવતો હોય એવી સાર્વત્રિક લાગણી થઈ. બીજું બધું તો ઠીક, પણ અભિજીતના એક જ બિનસંવેદનશીલ ટ્વીટને લીધે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શરમાવું પડ્યું. 

અભિજીતે ફિલ્મી સ્ટાઇલમા લખી દીધું કે “કુત્તા રોડ પે સોયેગા તો કુત્તે કી મૌત મરેગા...” સલમાનની ગાડી નીચે કચડાઇ જનાર એક વ્યક્તિના મોત પર દુઃખ વ્યક્ત કરવાનું તો દૂર રહ્યું; પણ ઉપરથી લખ્યું કે “રોડ ગરીબ કે બાપ કા નહીં હૈ”! મીડિયામાં લોકોનો આક્રોશ જોતાં પોતાનાથી થઈ ગયેલી એ કોમેન્ટ બદલ દિલગીરી વ્યક્ત કરીને મામલો ઠંડો પાડવાને બદલે અભિજીતે ચેનલો પર ખુલાસા કરવા આવવાની મુર્ખામી કરી; ત્યારે તો ફિલ્મના કલાકારો માટેની રહી-સહી ઇજ્જત પણ દાવ પર લાગી ગઈ.

અભિજીત જેવા એકાદા કલાકારને કારણે આખી ઇન્ડસ્ટ્રીનું નામ બદનામ ના થાય એ સાચું. વળી, એ પણ ખરું કે અભિજીત અગાઉ એક કરતાં વધુ વિવાદોમાં ચમકી ચૂક્યા છે.  પરંતુ, બીજા કલાકારોએ પણ સલમાનને અદાલતે કરેલી સજા બદલ દુઃખ જ વ્યકત કર્યું, એ કેવું? જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો હોય, બન્ને પક્ષના સાક્ષી-પુરાવા રજૂ થયા હોય અને ન્યાયાધીશે ચુકાદો આપ્યો હોય ત્યારે પણ ‘‘ભાઇ બહોત અચ્છે ઇન્સાન હૈં...” એમ કહીને થયેલી સજા બદલ માતમ મનાવનારાઓ પણ અભિજીતની સોફિસ્ટિકેટેડ આવૃત્તિ જ કહેવાય. આ કેસ તેર વરસ સુધી ખેંચાયો તેને લીધે સલમાનને નુકશાન થયું એમ કહેતાં સોની રાઝદાન(મિસિસ મહેશ ભટ્ટ) જેવાંએ જાણકારી મેળવવી જોઇએ કે આ વિલંબ સરકારી વકીલને કારણે થયો હતો કે પછી સલમાનની લિગલ ટીમ દ્વારા? જે સિસ્ટમનો લાભ લઈને કેસ થાય એટલો મોડો ચલાવાય અને પછી એ જ ન્યાય પ્રથાને ભાંડવાની?
તો અર્જુન કપૂરે પણ પોતાના ટ્વીટમાં લખ્યું કે “કોઇને કે કોઇપણ અદાલતને જે કહેવું હોય એ કહે તે (સલમાન) આવી સજા ડિઝર્વ કરતા નથી”! કોર્ટને કે તેના ચુકાદાને વચ્ચે લાવ્યા વગર પોતાની લાગણી વ્યક્ત કરી શકાય એ નહીં જાણતા અર્જુન કપૂરનું નસીબ સારું હતું કે અભિજીત જાતે આગળ આવ્યા હતા અને બધે તેમની માફકસરની ધુલાઇ થતી હતી; તેથી કોઇ ચેનલે અર્જુનનો ખુલાસો ના પૂછ્યો. નહીંતર, અભિજીતની જેમ કદાચ માફી માગવાનો વારો આવત.

ચુકાદાને કારણે ‘ભાઇ’ અને તેમના પરિવાર પર આવી પડેલી આપત્તિના સમયમાં પોતે તેમની પડખે ઉભા હોવાનું તાત્કાલિક ચુકાદાના દિવસે જ જાહેર કરનારાઓમાં અર્જુન ઉપરાંત સોનાક્ષી સિન્હા, પરિણિતિ ચોપ્રા, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સિધ્ધાર્થ મલ્હોત્રા, રીતેશ દેશમુખ, આયુષ્યમાન ખુરાના, સોફી ચૌધરી, સાજીદ ખાન, સોહા અલી ખાન જેવા નવી પેઢીના કલાકારો વધારે પ્રમાણમાં હતા. એ સૌને આશા કે આજે નહીંને કાલે એક કોર્ટ નહીંને બીજી અદાલતમાંથી સલમાન જામીન પર બહાર આવી જશે. ત્યારે તેની ‘ગુડબુક’માં રહેલું કામ લાગી શકશે.

પણ એ બધામાંથી કોઇની ટ્વીટમાં પેલા મૃત્યુ પામેલા એક કે ઘવાયેલા ચાર ગરીબ મજૂરો માટે સહાનુભૂતિનો એક શબ્દ પણ જોવા ના મળ્યો! ઉપરથી ‘એ લોકો રોડ પર સૂતા કેમ?’, ‘સરકારે તેમને રહેવા માટે ઘર આપી ના શકી એ પણ જવાબદાર છે’ જેવી વાહિયાત દલીલો કરીને ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું. તો વળી, કેટલાક અતિ ઉત્સાહીઓએ અભિજીતની ટ્વીટનો વિચાર વિસ્તાર કરતા હોય એવા પ્રત્યાઘાતો આપ્યા. કોઇ કહે રાજકારણીઓને સજા નથી થતી અને દાઉદ જેવાને કાયદો પકડી નથી શકતો; જ્યારે કોર્ટના શરણે આવેલા બચાડા સલમાનને જેલવાસ? એ વાંચીએ કે સાંભળીએ ત્યારે સલમાનના પિતા સલીમખાન અને જાવેદ અખ્તરે મળીને લખેલી બેમિસાલ ફિલ્મ ‘દીવાર’માં અમિતાભ બચ્ચનના મુખે બોલાયેલો પેલો યાદગાર ડાયલોગ યાદ આવે.... ‘જાઓ પેહલે ઉસ આદમી કા સાઇન લેકર આઓ, જિસને મેરે બાપ સે સાઇન લિયા થા, જાઓ પહલે ઉસ આદમી કા સાઇન લેકર આઓ જિસને મેરી માં કો...’ એ યાદી પૂરી થતાં જ થિયેટર તાળીઓથી ગુંજી ઉઠતું. 



પરંતુ, તેનો પ્રત્યુત્તર કેટલાને યાદ હશે? ભ્રષ્ટ રાજકારણીઓ કે અન્ય લોકો કાયદાથી છટકી જાય છે એવી દલીલ કરાનારાઓના જવાબમાં શશિકપૂર જે ચોટદાર સંવાદ કહેતા એ જ કહેવાનું મન થાય છે, ‘દુસરોં કે ગુનાહ ગિનાને સે તુમ ખુદ બેગુનાહ નહીં હો જાતે’! ફિલ્મો સાથે સંકળાયેલા સૌને ‘બિચારા સલમાન’ની ઇમેજ રજૂ કરવી જ ગમે. કારણ કે તેની ફિલ્મો પાછળ રોકાયેલા અને ખાસ તો એ પિક્ચરો ૧૦૦ કરોડની કમાણી કરવાની ગેરંટી વાળી હોઇ કરોડો રૂપિયા સલવાવાનો ભય હોય. અત્યારે સલમાનની ‘બજરંગી ભાઇજાન’ અને ‘પ્રેમ રતન પાયો’ એ બે ફિલ્મો નિર્માણાધિન છે.અગાઉ સંજયદત્તના કારાવાસના કિસ્સામાં સિનેમા ઉદ્યોગ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો છે. હકીકતમાં તો સલમાનને વધારે નુકશાન તેમની લીગલ ટીમે જે એક પછી એક નવી થિયરીઓ કોર્ટ સમક્ષ મૂકી તેનાથી થયું. ઠેઠ બાર વરસે પોતાનો ફેમિલી ડ્ર્રાયવર અશોક સિંગ ગાડી ચલાવતો હતો એમ કહીને કદાચ મુશ્કેલી ઓર વધારી હતી. જો ડ્રાયવર જ કાર ચલાવતો હતો અને તેનાથી જ અકસ્માત થયો હતો, તો પહેલા જ દિવસે પોલિસને કેમ ના કહી દીધું?

આટલાં વરસ સુધી અદાલતોના સમય તથા નાણાંનો વ્યય શા માટે કરાવ્યો? એક વ્યક્તિ આરોપી હોય ત્યાં સુધી બધા શકનો લાભ મળે. પરંતુ, કોર્ટે દોષિત માનીને ગુનેગાર (કન્વીક્ટ) ઠરાવ્યા પછી પણ  ચુકાદાના પ્રત્યાઘાતમાં ફિલ્મ ઉદ્યોગમાંથી કોઇની એ કહેવાની હિંમત નહતી કે કોર્ટે માન્યું છે કે ‘ભાઇ’એ વગર લાયસન્સે ગાડી ચલાવી હતી. તેમણે શરાબના નશામાં ગાડી ચલાવી હતી. મરનાર તેની ઉપર ક્રેઇન પડવાથી નહીં પણ સ્પીડમાં આવીને પગથિયાં તોડીને ચઢી ગયેલી ગાડી નીચે કચડાઇને મરી ગયો હતો અને ગાડી સલમાન પોતે જ ચલાવતા હતા ડ્રાયવર નહીં; તેથી ‘ભાઇ’નો કેસ આપણા સૌ માટે આંખ ઉઘાડનારો છે. તેને બદલે લોકોને ફુટપાથ કે રોડ પર સુવું પડે એવી સ્થિતિ બદલ સરકાર ઉપર છાણાં થાપવાનાં? એવી દલીલ કરનારાઓને જવાબ આપતાં કોઇએ સોશ્યલ મીડિયા પર સરસ લખ્યું છે. એ કહે છે કે દાખલા તરીકે તમારા ઘરમાં પંખો ફીટ કરાવવા ઇલેક્ટ્રિશ્યનને બોલાવો, જેની પાસે લાયસન્સ ન હોય અને તે શરાબના નશામાં ગમે તેમ પંખો બેસાડીને જાય. થોડા વખત પછી એ પંખો તૂટી પડે અને તમને ઇજા થાય તો તમે કોને દોષ દેશો? પેલા દારૂડીયા અણઘડ ઇલેક્ટ્રિશ્યનને કે પછી તમારા પિતાજીને; જેમણે તમને એ.સી. નહતું નખાવી આપ્યું? સોચો ઠાકુર!
(લખ્યા તારીખ મે ૦૭, ૨૦૧૫)

તિખારો!
 
‘ભૈયાજી, ભેલ બનને મેં અભી ઔર કિતની દેર લગેગી?’
 
‘ટાઇમ તો લગેગા સાહબ.... યે ભેલ હૈ.... અદાલત સે મિલનેવાલી બેલ નહીં હૈ!” 

1 comment:

  1. Mr Ajit Sinh Parmar from Gandhinagar rightly writes-
    Indian Laws are different for "Human-Being" and "Being-Human”......!!

    ReplyDelete