Tuesday, August 4, 2015

ફિલમની ચિલમ... ઓગસ્ટ ૨, ૨૦૧૫






૨૦૧૬ની દિવાળીની રિલીઝનો ગુંચવાડો ઉકેલવો......

અય દિલ હૈ મુશ્કિલ!

 
શું એ બે સમાચારો વચ્ચે કોઇ સંબંધ હશે? એક બાજુ ન્યુઝ આવ્યા છે કે યશરાજ ફિલ્મ્સના જે નવા પિક્ચરમાં શાહરૂખ સાથે રણવીર સિંગને લેવાનું ગયા અઠવાડિયે લગભગ ફાઇનલ મનાતું હતું, તેમાં એક મોટો બદલાવ આવ્યો છે: હવે તેમાં સલમાન ખાનની એન્ટ્રી થવાની શક્યતા ઉભી થઈ છે. ના, એ કોઇ એકાદ ગાયન કે સીનનો મહેમાન નથી બનવનો. બલ્કે રણવીરસિંગની જગ્યાએ પેરેલલ મેઇન રોલમાં સલમાન આવશે! અર્થાત ‘કરણ અર્જુન’ની સ્ટારકાસ્ટ રિપીટ થશે. એ જ વખતે બીજા સમાચાર એ પણ આવ્યા કે દિવાળીએ રજુ થનારી બે ખાન-ફિલ્મોની ટક્કર હવે નિવારી શકાઇ છે. હવે શાહરૂખની ‘રઈસ’ અને સલમાનની ‘સુલતાન’ એ બે ૨૦૧૬ની મોટી ફિલ્મો ઇદ પર રિલીઝ થવાની શક્યતા હતી. અત્યારે ફિલ્મોને એક સાથે હજારો સ્ક્રિન્સ પર રજૂ કરીને એકાદ-બે અઠવાડિયામાં જ કરોડો ભેગા કરી લેવાની બિઝનેસ પ્રેક્ટિસ હોવાથી હવે થિયેટરોનું બુકિંગ પણ મહિનાઓ પહેલાં કરી દેવાય છે.


તેથી ૨૦૧૬ના અગત્યના શુક્રવારો પણ અત્યારથી રિઝર્વ કરવામાં આવી રહ્યા છે અને તેમાં શાહરૂખની ‘રઈસ’ અને સલમાનની ‘સુલતાન’ બન્ને ફિલ્મો માટે આવતા વર્ષની ઇદનું બુકિંગ કરવાની કાર્યવાહી ચાલતી હતી. એ ટક્કર મીડિયાને ઇન્ટરેસ્ટિંગ અને સનસનાટીભરી લાગી શકે. પરંતુ, એક્ઝીબીશનમાં પડેલા સૌને ચિંતા થવી સ્વાભાવિક હતી. કારણ કે થિયેટરોની સંખ્યા મર્યાદિત છે અને તેથી એક સપ્તાહમાં હાઉસફુલ કેપેસિટીની આવક પણ નેચરલી લિમિટેડ જ હોય. જો બે મોટા સ્ટાર વચ્ચે ધંધો વહેંચાય તો એ કુલ રકમના જ બે ભાગ પડેને? એ સાવ સાદું વેપારી ગણિત સમજાઇ જાય જો સ્ટાર્સના ઇગો વચ્ચે ના આવે. લાગે છે કે પચાસ વર્ષની ઉંમર નજીક પહોંચેલા બેઉ ખાન પાકટ થયા છે. કારણ, ગયા સપ્તાહે બેઉ સ્ટારે ફોન પર વાતચીત કરીને નક્કી કર્યું છે કે ૨૦૧૬ની ઇદ શાહરૂખની ‘રઈસ’ માટે બુક થાય અને સલમાનની ‘સુલતાન’ ૨૦૧૬ની દિવાળીનો શુક્રવાર લે.

 
અફકોર્સ, પોતાની ફિલ્મ ક્યારે રિલીઝ કરવી એ નિર્ણય તો નિર્માતાએ જ કરવાનો હોય અને ‘સુલતાન’નું પ્રોડક્શન હાઉસ ‘યશરાજ’ એ મુદ્દો પણ ન ભૂલી શકે કે ૨૦૧૬ની દિવાળીએ ઑલરેડી અજય દેવગનની ‘શિવાય’ અને કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’ પણ લાઇન અપ થયેલી છે. કરણ જોહરના દિગ્દર્શનમાં બનનારી ‘અય દિલ.....’માં રણબીર કપૂર સાથે ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા જેવી ધરખમ હીરોઇનોની જબરદસ્ત સ્ટારકાસ્ટ છે અને એ લવ ટ્રાયંગલ ધરાવતી રોમેન્ટિક ફિલ્મ હશે. (ઘણાને શંકા છે કે તે રણબીરના પિતાજી રીશી કપૂરની એક ફિલ્મ ‘દુસરા આદમી’ પર આધારિત હશે.) એ સંજોગોમાં, ‘યશરાજ’ને કરણ જોહર સાથે પણ બિનજરૂરી ટકરામણ થઈ શકે. તો ‘શિવાય’ એ પણ અજય દેવગનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેમાં એ પોતે દિગ્દર્શન કરવાનો છે અને તેનો પણ દાવ મોટો હશે. તેથી ૨૦૧૬ની દિવાળીએ એ બધી ઑલરેડી થઇ ચૂકેલી ભીડમાં ઘુસવાનું (અથવા વધારે સારી રીતે કહીએ તો, પોતાની ફિલ્મ લઈને ‘ઘુસ મારવાનું’!) આદિત્ય ચોપ્રા પસંદ કરશે કે કેમ એ પણ સવાલ રહેવાનો.   
   

જો કે આ બધી શક્યતાઓની વચ્ચે દિવસો કે અઠવાડિયાં નહીં, મહિનાઓ છે. તેથી એ સમયગાળામાં, અનુપમ ખેરના શોના ટાઇટલને ઉપયોગમાં લઈને કહીએ તો, “કુછ ભી હો સકતા હૈ!’ કેમ કે શાહરૂખ સાથે રણવીરસિંગની જગ્યાએ સલમાનને પસંદ કરવાની નવી દરખાસ્ત પણ ‘યશરાજ’ની જ કહેવાય છે. ત્યારે પોતાની બબ્બે ફિલ્મોના હીરોએ કરેલા કમિટમેન્ટને નિર્માતા ન સાચવે તો જરૂરી સહકાર મળે કે? પરંતુ, આ બધા તો અફવાના બજારમાં ચર્ચાતા મુદ્દા છે. સલમાનના કિસ્સામાં પ્રોડ્યુસર માટે મોટી અને વાસ્તવિકતાની ધરતીની ચિંતા એ રહેવાની કે તેને ‘હીટ એન્ડ રન’ કેસમાં થયેલી પાંચ વરસની કેદની સજાનું અંતિમ પરિણામ હજી બાકી છે. જો તે આ સમય દરમિયાન આવે તો બધા પ્લાન નવેસરથી ઘડવાના થાય. વળી, જે રીતે યાકુબ મેમણની ફાંસીના દિવસોમાં સલમાને એક રાતમાં ડઝનેક ટ્વીટ કર્યા હતા, તે જોતાં એમ થાય કે સલીમખાન જેવા પિતાએ દરમિયાનગીરી કરીને દીકરા પાસે એ બધી ટ્વીટ પાછી ન ખેંચાવી હોત તો સલમાન એક નવા જ વિવાદમાં સપડાત.


ટ્વીટર એક એવી જગ્યા છે, જ્યાં તમે ન સાચવો તો ટૂંકા મેસેજને લીધે તમારી ઇમેજને લાંબું નુકશાન થઈ શકે, એ અનુષ્કા શર્માને પણ ગયા સપ્તાહે જ સમજાઇ ગયું. અનુષ્કાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહર્ષિ એપીજે અબ્દુલ કલામને શ્રધ્ધાંજલિ આપતાં તેમનું નામ ‘અબ્દુલ કલામ આઝાદ’ લખ્યું અને ટ્વીટર પર પસ્તાળ પડી. એવી ભૂલ ગુજરાતનાં મુખ્યમંત્રીની શ્રધ્ધાંજલિમાં પણ હતી અને સોશ્યલ મીડિયામાં તેની કોમેન્ટ્સ થઈ હતી. તેથી અનુષ્કા સાવ એકલી નથી, જેનાથી આઝાદીની લડતના કોંગ્રેસી અગ્રણી અબુલ કલામ આઝાદના નામની સાથે ભેળસળ થઈ ગઈ હોય. (શી ઇઝ ઇન એ ફેમસ કંપની!) ટ્વીટર બેધારી તલવાર છે. તેના પર જેટલા ચાહકો વધારે એટલું નુકશાન પણ વધુ થાય. સલમાને પોતે યાકુબ મેમણ વિશે કરેલા ટ્વીટથી ઇમેજની ઇજાનું એવું જ ભારે જોખમ લીધું હતું. છતાં ચાહકો વધે તે કયા સેલિબ્રિટીને ન ગમે? ટ્વીટર પર પોતાના ૭૦ લાખ ફોલોઅર્સ થયાની ઉજવણી સોનમ કપૂરે ગયા વીકે પોતાના પ્રશંસકો સાથે ઓનલાઇન સવાલ-જવાબથી કરી. પણ સોનમના કિસ્સામાં ખરો પ્રશ્ન જરીક જુદો છે.



સવાલ એ છે કે સોનમ અત્યારે સૂરજ બડજાત્યાની ‘પ્રેમ રતન પાયો’ અને એક બાયોપિક ‘નિરજા ભાનોત’ એ બે જ ફિલ્મોમાં કામ કરી રહી છે. છતાંય સાત મિલિયન ફોલોઅર્સ હોય એ સૂચવે છે કે જો તમે માર્કેટીંગ સારું કરી શકતા હોવ તો ‘કુછ ભી હો સકતા હૈ’! યાદ છે ને આ સાલ સોનમે પોતાની સેક્સી તસ્વીરો ટ્વીટર પર અપલોડ કરીને સનસનાટી કરી હતી? સામે પક્ષે નેહા ધુપિયાએ મુંબઈમાં વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલાં પાણી અંગે સરકારની ટીકા કરતી કોમેન્ટ ટ્વીટર પર મૂકી અને લોકો તેના પર તૂટી પડ્યા હતા. ટ્વીટર પર જો કે મઝા બાલ્કીની નવી ફિલ્મના ટાઇટલની થઈ શકે છે. ‘પા’ જેવા એકાક્ષરી ટાઇટલ સાથે ફિલ્મ બનાવનાર નિર્દેશક બાલ્કીએ અર્જુન કપૂર અને કરીના કપૂરની જોડીને લઈને બનાવવાની ફિલ્મનું નામ રાખ્યું છે, ‘કી એન્ડ કા’! (બેઉ સ્ટારની સિનિયોરિટી જોતાં ગુજરાતીમાં શું કહીશું? ‘કીકા અને કાકી’?!)


તિખારો!

‘બજરંગી ભાઇજાન’માં  ‘શોલે’ જેવી એક ભૂલ તરફ ધ્યાન કોઇએ ધ્યાન આપ્યું હશે કે? તેમાં એક અગત્યની ઘટના એ બતાવાઈ છે કે ‘બજરંગી’ અને ‘મુન્ની’ વિશેનો એક વિડિયો પાકિસ્તાની ટીવી જર્નાલિસ્ટ બનેલા નવાજુદ્દીન સિદ્દીકી ‘યુ ટ્યુબ’ પર અપલોડ કરે છે અને તેની પાકિસ્તાનભરમાં સારી અસર થાય છે. પણ વિકિપિડિયાના જણાવ્યા મુજબ તો, પાકિસ્તાનમાં ‘યુ ટ્યુબ’ પર છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રતિબંધ છે અને તે હજી ૨૦૧૫ના જુન સુધી પણ ઉઠાવાયો નથી! ‘શોલે’ના રામપુરમાં લાઇટો હોતી નથી અને છતાં પાણીની ટાંકી હોય છે, એ ફેમસ લોસ્માચાની યાદ આવે છે કે? (બડી બડી ફિલ્મોં મેં ઐસી છોટી છોટી મિસ્ટીક હોતી રહતી હૈ!!)


No comments:

Post a Comment