Sunday, August 9, 2015

ફિલમની ચિલમ..... ૯મી ઓગસ્ટ, ૨૦૧૫




 
સલમાન અને અમિતાભ બચ્ચન સાતમા પગથિયે....

બોલીવુડ સાતમા આસમાને!



“સલમાન ખાને તો મને ટીવી સિરિયલમાં એક્ટિંગ કરવાની સલાહ આપી હતી!”  કરણ જોહરના ‘સ્ટુડન્ટ ઑફ ધી યર’થી કરિયર શરૂ કરનાર સિધ્ધાર્થ મલ્હોત્રા આ અઠવાડિયે બોલવામાં બે એવા બફાટ કરી બેઠો છે જેને રિપેર કરવા અનુભવ સિવાય કોઇ પાઠશાળા નથી. સલમાન ભાઇજાનની સલાહ ઉપરવટ જઈને પોતે ટીવી નહીં પણ ફિલ્મોમાં જ અભિનય કર્યો અને આજે ‘હંસી તો ફંસી’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મો સાથે તે સફળ યંગ એક્ટર છે. તેના કહેવાનો અર્થ ‘સલમાનને શું સમજ પડે?’ એમ કદાચ ન પણ હોય. પરંતુ, સ્ટાર રેસમાં હરીફ અભિનેતાઓ આવા કોઇ બફાટની રાહ જ જોતા હોય છે. પછી તેનું અર્થઘટન એવું વહેતું કરે કે તે અમુક કેમ્પની ગુડબુકમાંથી નીકળી જાય. સલમાન વિશેનું એ રહસ્ય ખોલવા ઉપરાંત સિદ્ધાર્થે પોતાની આવનારી એક ફિલ્મની હીરોઇન કટરિના વિશે વાત કરતાં કહ્યું કે જેની ફિલ્મો તે કોલેજમાં ભણતી વખતે જોતો એ હીરોઇન સાથે કામ કરવા મળ્યું હોઇ તે એક્સાઇટેડ છે! હવે આ પણ કેટલું નુકશાનદાયક સ્ટેટમેન્ટ સાબિત થઈ શકે એ સમજવા માત્ર કોમન સેન્સની જ જરૂર હોય. કેમે કે તેનો સાદો અર્થ એવો થાય કે કટરિના સિધ્ધાર્થ કરતાં ઉંમરમાં મોટી છે. તેની ઉંમર વિશેની કોમેન્ટ કઈ હીરોઇન (કે ફોર ધેટ મેટર ઇવન કઇ મહિલા!!) સહન કરી શકે?  


એટલે સલમાન અને કટરિનાને નારાજ કરે  એવાં બબ્બે સ્ટેટમેન્ટ આ અઠવાડિયે કર્યા પછી સિદ્ધાર્થને ચોક્કસ કેમ્પની નવી ફિલ્મો મેળવવામાં તકલીફ પડી શકે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા સિદ્ધાર્થને બોધિવૃક્ષ નીચે બેસવાની નહીં પણ સિનેમા જગતમાં સિનિયર હીરો-હીરોઇનને નારાજ નહીં કરવાની બેઝિક સમજ કેળવવાની જરૂર છે. સિદ્ધાર્થ કોઇ ફિલ્મી પરિવારમાંથી નથી આવ્યો અને તેથી ઇન્ડસ્ટ્રીના પાયાના નિયમોથી કે ઇતિહાસથી કદાચ તે એટલો વાકેફ ન પણ હોય. ભલે એક્ટિંગના ક્ષેત્રમાં તેને ત્રણ વર્ષ થઈ ગયાં હોય; છતાં તેણે જેવાં સ્ટેટમેન્ટ કર્યાં એવાં કરવા માટે તે હજી નવો જ કહેવાય. ખાસ તો જ્યારે કટરિના સાથેની ફિલ્મ ‘કલ જિસને દેખા’નું શૂટિંગ હજી સપ્ટેમ્બરમાં શરૂ થવાનું હોય ત્યારે તો બહુ સાચવીને ચાલવું પડે. ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?’

કાલે સવારે એ પિક્ચર ‘કલ જિસને દેખા’ના હીરો કે હીરોઇન બદલાઇ જાય તો? (કલ કિસને દેખા?!) હા,  એકવાર તમે લાઇનસર સફળતાના ઝંડા ગાડી દો, પછી એ બધું કહેવાની છુટ. પણ કરિયરની શરૂઆતમાં આવી વાતો ટાળવી જોઇએ. આ બધામાં અમિતાભ બચ્ચનનો દાખલો સામે રાખવો જોઇએ (બીજી ઘણી બાબતોમાં નવા કલાકારો બચ્ચન સાહેબને ગુરૂપૂર્ણિમાએ યાદ કરી શકે!) અમિતજીના સ્ટ્રગલના દિવસોમાં તેમનો ચહેરો, ઊંચાઇ કે ઇવન અવાજ માટે કેવી કેવી કોમેન્ટ્સ થઈ હતી? ‘તમારો ચહેરો ફિલ્મોને લાયક નથી’ એવું બી.આર.ચોપ્રા જેવા દિગ્દર્શકે કહ્યું હતું અને છતાં આજ દિન સુધી કદી પણ એ વાતનો ઉલ્લેખ અમિતાભ બચ્ચન દ્વારા ન થયો હોય એ સંસ્કારની કેવી ભદ્રતા! બલ્કે બચ્ચનની સફળતા પછી ખુદ ચોપ્રા સાહેબ પોતાની એ ભૂલ જાહેરમાં કબુલે તેમાં જ અમિતજીની શાલિનતાનો વિજય હોય. તેમની સામે નાયિકા થવા શરૂઆતમાં જયાજી સિવાય કોઇ હીરોઇન તૈયાર નહતી થતી. છતાં ક્યારેય એ હીરોઇનોનાં નામનો એ સંદર્ભમાં અછડતો પણ ઉલ્લેખ બચ્ચન સાહેબ દ્વારા કદી થયો નથી. 

બાકી સફળતા મળે ત્યારે હીરોલોગ શું કરી શકે એ વર્ષો પહેલાં ‘આપકી ખાતિર’ ફિલ્મ વખતે જોવાયું હતું. તેમાંનું એક ગાયન કોમેડીયન અસરાની પર પિક્ચરાઇઝ કરવાનું નક્કી હતું. પરંતુ, ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો, રાત કો ખાઓ પીઓ દિન કો આરામ કરો...” એ ગીતની ધૂન અને શબ્દો સાંભળીને હીરો વિનોદ ખન્નાએ પોતે પડદા પર ગાવાની ઇચ્છા જાહેર કરી (કે હુકમ કર્યો!). પરિણામ? આખા પિક્ચરના શૂટિંગ પછી તે ગીત છેલ્લે મૂકવામાં આવ્યું હતું અને તે પણ વિલનને પકડીને લઈ જવાના સિચ્યુએશનમાં ઉપયોગમાં લેવાયું હતું!  એવું જ સલમાનખાને આ સપ્તાહે કર્યું. તેણે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘હીરો’નું ટાઇટલ ગીત ‘મૈં હું હીરો તેરા....’ તેને એટલું પસંદ પડી ગયું કે તે ગાયન જાતે ગાવાની ‘ઇચ્છા’ જાહેર કરી. બસ. પછી તો જોઇએ જ શું? અડધી રાત્રે રેકોર્ડિંગની વ્યવસ્થા થઈ અને ભાઇજાને જ એ ગીત ગાયું. (મૈં હું પ્રોડ્યુસર તેરા!)



એટલું જ નહીં, એવું પણ નક્કી થયું કે તેના મ્યુઝિક વીડિયોમાં ‘ભાઇ’ ખુદ પણ દેખા દેશે. સૌ જાણે છે એમ, તે ફિલ્મમાં હીરો આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ છે અને હીરોઇન સુનિલ શેટ્ટીની દીકરી, જ્યારે સલમાન તો પ્રોડ્યુસર છે. સલમાને અગાઉ ‘હેંગઓવર તેરી બાતોં કા...’ ગાયું ત્યારે જે સફળતા એ ગાયનને મળી હતી, તેનું પુનરાવર્તન થાય તો ‘હીરો’ને પ્રમોટ કરવામાં મોટો ફાયદો થાય એવી વેપારી ગણત્રી પણ આમાં ખરી જ. એવા બધા નુસ્ખા કરીને પોતાની પ્રોડક્ટને બજારમાં ચર્ચિત રાખીને જ તો ૨૦૦ કરોડ પ્લસનો બિઝનેસ કરી શકાય અને વિશ્વના સૌથી વધુ કમાણી કરતા અભિનેતાઓની યાદીમાં સમાવિષ્ટ થઈ શકાયને? 

સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનનાં નામ દુનિયાના એવા સ્ટાર્સ સાથે મૂકાયાં છે, જેમણે ‘ફોર્બસ’ મેગેઝીનના મતે જૂન ૨૦૧૪થી જૂન ૨૦૧૫ સુધીમાં કરોડો ‘ડોલર’ની કમાણી કરી છે. એ યાદીમાં અક્ષયકુમાર નવમા સ્થાને છે અને સાતમા નંબરે સલમાનખાન સાથે અમિતાભ બચ્ચન બન્ને એક સાથે છે. હિન્દી ફિલ્મો માટે આ કોઇ નાની સિદ્ધી નથી, સાતમા આસમાનમાં ઉડવા જેવી છે કે પૈસા કમાવાની જે યાદીમાં જેકી ચેન બીજો નંબર હોય તેમાં ૧૮મો નંબર શાહરૂખ અને ૩૦મો ક્રમ રણબીર કપૂરનો પણ હોય! હવે સૌથી વધુ કમાણી કરતી હીરોઇનોની યાદી આવશે ત્યારે જોવા જેવું એ હશે કે આપણી કોઇ એક્ટ્રેસનો નંબર તેમાં લાગે છે કે કેમ? કે પછી થોડા વખત પહેલાં કંગનાએ કહ્યું હતું એમ હીરોની સરખામણીએ હીરોઇનને ચણા-મમરા જેવા જ રૂપિયા મળતા હોય છે. તેથી કોઇ ઉલ્લેખ પણ નહીં પામે? સામે પક્ષે જો કે હીરોલોગને ક્રેડિટ આપવા એ પણ કહેવું જ પડે કે તેમના નામનો પ્રભાવ કલેક્શનમાં ખુબ મોટો પડતો હોય છે. બાકી અજય દેવગનનું નામ ન હોય તો તબુ કે શ્રિયા સરનના નામ પર ‘દ્રિશ્યમ’ને પહેલા વીકમાં ૪૦ કરોડ મળ્યા હોત કે? અજય દેવગન માટે એક વાત તો કહેવી જ પડે કે એ બન્નેમાં એટલો જ પાવરફુલ લાગે છે, પછી એ ‘સિંઘમ’નું ‘ઢીશુમ’ હોય કે થ્રિલરનું ‘દ્રિશ્યમ’!

તિખારો! 
રીશી કપૂરે પોતાની મજાકથી ફરી એક હીરોઇનને તેના વજન અંગે કોમેન્ટ કરીને નારાજ કરી અને તે ટ્વીટ પાછી ખેંચવી પડી. આ વખતે હુમા કુરેશીને જન્મદિનની શુભેચ્છા આપતાં એક કાર્ડ ટ્વીટર પર મૂક્યું જેમાં લખ્યું હતું, “કેક ખા અને ફીટ રહે. જેટલું તારું વજન વધશે, એટલું તારું અપહરણ કરવાનું મુશ્કેલ બનશે!”



No comments:

Post a Comment