Sunday, November 29, 2015

ફિલમની ચિલમ.... ૨૯ નવેમ્બર, ૨૦૧૫



સંજયદત્ત, ધોની, અઝહરની બાયોપિક:
                       
                                હયાતિમાં શ્રદ્ધાંજલિનું ‘દંગલ’?


ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ‘અસહિષ્ણુતા’ના મુદ્દે રાજકારણના રંગે રંગાઇ રહી છે. રાજકારણીઓ પોતાના સ્વાર્થને કારણે ગણ્યા ગાંઠ્યા બનાવોને આગળ ધરીને દેશ આખો અસહિષ્ણુ થઈ ગયાની બુમરાણ મચાવે એ સમજી શકાય એવું છે. પરંતુ, આમિર ખાન જેવા સ્ટારને કે તેમનાં પત્નીને દેશ છોડી દેવાની ઇચ્છા થઈ જાય, એટલી હદે પરિસ્થિતિ વણસી રહી છે? યે બાત કુછ હજમ નહીં હુઇ! આમિરની એ કમેન્ટ પછી આવેલી પ્રતિક્રિયાઓમાં ગાયક અભિજીતે એક મુદ્દો બહુ સરસ કહ્યો છે. અભિજીતે ‘ન્યૂ ઇન્ડિયા... ટોલરન્ટ ઇન્ડિયા’નો પોતાનો પોઇન્ટ પ્રસ્થાપિત કરવા જે દાખલા ટાંક્યા છે તેનું મહત્વ સમજવા જેવું છે. અભિજીતે પોતાના ઓપન લેટરમાં ‘જનાબ આમિર ખાન’ને લખ્યું છે કે “ભૂતકાળમાં હિન્દુ બહુમતીવાળા ભારત દેશમાં સ્વીકૃત થવા ‘યુસુફખાન’ને ‘દિલીપ કુમાર’ અને ‘મેહજબીન’ને ‘મીનાકુમારી’ એવાં નામ રાખવાં પડતાં હતાં. આજે સહિષ્ણુ નવા ભારતમાં માત્ર તમારું નામ ‘આમિર’ છે એ કાફી છે, પાછળ ‘ખાન’ હોય કે બીજું કાંઇ પણ કોઇ ફરક પડતો નથી.”


અભિજીતના આ મુદ્દાની મહત્તા આજની જનરેશનને કદાચ એટલી નહીં હોય. પરંતુ, આઝાદી મળતા અગાઉનાં થોડાંક વર્ષોથી દેશમાં કોમી ભેદભાવ અને વેરઝેર તેની ચરમસીમાએ હતાં. તેના પરિણામે થયેલા સિવિલ વોરમાં બન્ને ધર્મના થઈને દસ લાખથી વધુ લોકોની કતલ થઈ હતી અને કરોડો લોકોને પોતાનાં સગાં-વહાલાં, માલ-મિલકત ગુમાવીને નિરાધાર પરિસ્થિતિમાં પોતાની જન્મભૂમિ કે કર્મભૂમિમાંથી જીવ બચાવીને હિજરત કરવી પડી હતી. પ્રજાની માનસિકતા (સાઇકી) પર એ ઘા એટલો કારમો હતો કે જો જે તે સમયના રાજકારણીઓએ કોમી એકતાનો નારો ન પકડી રાખ્યો હોત તો તે દિવસોનું ઝનૂન એ કક્ષાએ પહોંચેલું હતું કે ‘બદલા’નો વળ ચઢાવવો આસાન હતો. પરંતુ, તાજા આઝાદ થયેલા રાષ્ટ્રના એ ખદબદતા ઘા રુઝવવા માટે ભાઇચારાના સંદેશાનો મલમ લગાવવાનો  નિર્ણય થયો. એક રીતે જોઇએ તો એ પ્રયોગ જ હતો. તે સફળ થયો, તેમાં નેતાઓની નિષ્ઠાપૂર્વકની નીતિઓ અને તે પર વિશ્વાસ મૂકીને અનુસરેલી પ્રજાને જેટલી ક્રેડિટ આપીએ, એટલી જ ફિલ્મો-નાટકો, કવિતાઓ, લેખો અને વાર્તાઓ જેવાં વિવિધ ક્રિએટિવ માધ્યમોના સર્જકોને પણ આપવી જ પડે.

ફિલ્મોએ કોમી એકતાના સામાજિક સંદેશાવાળી ફિલ્મોથી આપેલું યોગદાન અત્યારની પેઢીના સૌએ (ખાસ કરીને અસહિષ્ણુતાની બૂમો પાડનારા સૌએ) ચકાસવા જેવું છે.  તેમાં માત્ર ‘તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા...’ જેવાં ગાયનોની જ નહીં પણ મોટાભાગનાં પિક્ચરોની થીમ પણ એ જ સંદેશાની રહેતી. આજે સો-બસો- કે હવે ત્રણસો કરોડનો બિઝનેસ કરતી થયેલી ફિલ્મોમાં ‘બજરંગી ભાઇજાન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’  જેવા થોડાક અપવાદોને બાદ કરો તો ગુનાખોરીને ગ્લેમરાઇઝ કરવા સિવાય કદાચ કશુંય થતું નથી. ( બાય ધી વે, PRDPએ વિશ્વવ્યાપી ૩૩૦ કરોડ ક્રોસ કરી દીધા છે!) ત્યારે પડદા ઉપર કશું વિશિષ્ટ આપી ન શકાતું હોય એવા સમયમાં સૌએ પોતાનાં જાહેર નિવેદનોમાં તો સંયમ રાખવો જોઇએને? ‘અસહિષ્ણુતા’ની છાપ અત્યારે તો એ રીતે ઉભી કરાય છે જાણે કે ભારતમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હોય! એ હિસાબે તો, અમેરિકાની એકાદ-બે સ્કૂલોમાં કોઇ માથાફરેલ વ્યક્તિ કદીક આડેધડ ફાયરિંગ કરી આવે એટલે આખા દેશની બધી શાળાઓમાં રોજેરોજ ગોળીબાર થાય છે એવી ઇમેજ બનાવી શકાય ખરી? કે પછી માબાપો પોતાનાં બાળકોને બહારના દેશમાં ભણવા મોકલવાનો વિચાર કરે છે એમ કહી શકાય? 

આમિરે પોતાનાં વિવાદાસ્પદ નિવેદનો બદલ અગાઉ ‘ફના’ રિલીઝ કરતી વખતે ગુજરાતમાં જેવા વિરોધનો સામનો કરવો પડ્યો હતો, એવું તેની આવનારી ફિલ્મ ‘દંગલ’ના કિસ્સામાં દેશભરમાં થઈ શકે એવા કમ સે ક્મ વેપારી જોખમનો પણ વિચાર કરવા જેવો હતો. ‘દંગલ’ એક બાયોપિક છે અને તેમાં આમિર ‘મહાવીર સિંગ ફોગટ’ની ભૂમિકા કરે છે, જે હરિયાણાના એક સમયના કુસ્તીબાજ હતા. તે ‘દંગલ’ના મહુરત વખતે હાજર હતા. તેમના જેવી ભારેખમ બોડી બનાવવા માટે આમિરે પોતાનું ૩૫ કિલો વજન વધાર્યું છે અને હરિયાણવી લહેજામાં હિન્દી બોલવાની તાલીમ પણ લીધી છે.  ‘દંગલ’ એ જો એક કુસ્તીબાજની સત્ય જીવનકથા છે, તો ૧૮મી ડીસેમ્બરે આવનારી ‘બાજીરાવ મસ્તાની’ પણ એક રીતે કહીએ તો બાયોપિક જ છે, જેમાં સંજય લીલા ભણશાળીની કાયમી ભવ્યતા ફરીથી એકવાર જોવા મળવાની છે. તેમાં સૌ જાણે છે એમ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપ્રા અને રણવીર સિંગ એ કથાનાં મુખ્યપાત્રો ‘મસ્તાની’, ‘બાજીરાવ’ અને ‘કાશીબાઇ’ બનવાનાં છે. તો તેના લગભગ એક માસ પછી, ૨૨મી જાન્યુઆરીએ, આવી રહેલી અક્ષય કુમારની ‘એરલિફ્ટ’ પણ એક જાંબાજ હવાઇ અધિકારીની બાયોપિક છે.


‘એરલિફ્ટ’માં ઇરાકી હુમલા વખતે જોર્ડનમાં ફસાયેલા એક લાખ સીત્તેર હજાર ભારતીયોને બહાર કાઢવાનું એક મહા ભગીરથ ઓપરેશન કેન્દ્રમાં છે. અક્ષય તેમાં ‘રણજીત કટિયાર’ નામના ઓફિસરની ભૂમિકામાં છે. આવી જીવનકથાઓ સફળ થવાનો અત્યારે બોક્સ ઓફિસ પર ટ્રેન્ડ ચાલે છે, જે ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મેરી કોમ’ અને ‘ચક દે ઇન્ડિયા’ જેવાં પિક્ચર હીટ થવાથી સાબિત થયેલું જ છે. હવે ‘ગાંધી’ કે ‘સરદાર’ જેવા ભૂતકાળના નેતાઓની બાયોપિક નહીં પણ અત્યારે હયાત હોય એવા સ્પોર્ટ સ્ટાર કે ઇવન ફિલ્મી હીરોની લાઇફ સ્ટોરીને અંજલિ (કે જીવતેજીવ શ્રદ્ધાંજલિ?) આપવામાં આવે છે. એવી જ એક બાયોપિક ‘મુન્નાભાઇ’ સંજયદત્ત પર બની રહી છે અને તે પણ મુન્નાભાઇ સિરીઝના ડાયરેક્ટર રાજ્કુમાર હીરાણીના દિગ્દર્શનમાં! સંજયદત્તની ભૂમિકા રણબીર કપૂર કરશે, જેના માટે તેણે વજન વધારવું પડશે. પણ સવાલ એક જ છે: જો સંજુબાબા ૨૦૧૬ના નવા વરસમાં પોતાની સજા પૂરી કરીને જેલમાંથી મુક્ત થઈ પરત આવી જવાના હોય તો એ ભૂમિકા તે પોતે જ કેમ ના કરે? બીજા કોઇ વ્યવસાયનું પાત્ર હોય તો કોઇ એક્ટર કરે એ જ યોગ્ય ગણાય. પરંતુ, એક અભિનેતાના જીવનને પડદા ઉપર લાવવા બીજા અભિનેતાને લેવો?


બાકી સંજય દત્ત જાતે એ ભૂમિકા કરે તો  વજન વધારવાની કે સ્ક્રિપ્ટમાં કશુંય વાંધાજનક રહી જવાની ઝંઝટ તો નહીં! કેમ કે કોઇપણ બાયોપિકમાં એવા વિવાદ થવાની શક્યતા અવશ્ય રહે અને તેમાંય સંજયદત્ત જેવા ઇન્ટરેસ્ટિંગ લાઇફ સ્ટોરીવાળા એક્ટરના કિસ્સામાં તો ખાસ જ. એ કાંઇ સોનમ કપૂર જે મુખ્ય ભૂમિકા કરવાની છે એ ફ્લાઇટ એટેન્ડન્ટ નીરજા ભાનોટના જીવન જેવી  બિનવિવાદાસ્પદ વ્યક્તિની બહાદુરીની કથા તો હોવાની નહીં. નીરજાએ, જો યાદ હોય તો, પાંચમી સપ્ટેમ્બર ૧૯૮૬ના દિવસે હાઇજેક થયેલી ‘પેન એમ’ની ‘ફ્લાઇટ ૭૩’ના પ્રવાસીઓના જીવ બચાવવા જતાં ત્રાસવાદીઓની ગોળીઓ ઝીલીને મોત વહાલું કર્યું હતું. 


પરંતુ, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મેરી કોમ’ અને ‘ચક દે ઇન્ડિયા’ની માફક રમતવીરોની જીવનકથાઓની પરંપરામાં બે ક્રિકેટરોની બાયોપિકનો પણ ઉલ્લેખ જરૂરી છે. એક છે અઝહરુદ્દીનના જીવન પરથી બની રહેલી ‘અઝહર’ જેની મુખ્યભૂમિકામાં હશે ઇમરાન હાશ્મી. એકતા કપૂરની ‘બાલાજી’ જેવી કંપની તેની પાછળ હોઇ અઝહરની બન્ને પત્નીઓ અને તેના મેચ ફિક્સિંગના આરોપો વગેરે વિવાદાસ્પદ મુદ્દાઓને ૨૦૧૬ના મે મહિનામાં ફિલ્મ રિલીઝ કરતાં અગાઉ ચગાવશે એમ અંદાજ મૂકી શકાય. જ્યારે ભારતીય ક્રિકેટના સૌથી સફળ કપ્તાન મહેન્દ્રસિંગ ધોનીની લાઇફ પરથી બની રહેલી ફિલ્મ ‘એમ. એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંત સિંગ કેવાં વણકહ્યાં રહસ્યો ખોલશે એ જોવા જેવું હશે, નહીં?


તિખારો!

આલિયા ભટ્ટ મહેશ ભટ્ટ્ને પૂછે છે, “ડેડી, ઇસ વીક ક્યા શેડ્યુઅલ હૈ?”  ભટ્ટ સાહેબ કહે, “ઇન્કમટેક્સ રિટર્ન્સ.” આલિયાનો નિર્દોષ સવાલ, “પપ્પા, ઉસકા પહલા ભાગ કબ રિલીઝ હુઆ થા?!”




1 comment:

  1. આમિરે પોતાનાં વિવાદાસ્પદ નિવેદનો બદલ અગાઉ ‘ફના’ રિલીઝ કરતી વખતે ગુજરાતમાં જેવા વિરોધનો સામનો કરવો પડ્યો હતો, એવું તેની આવનારી ફિલ્મ ‘દંગલ’ના કિસ્સામાં દેશભરમાં થઈ શકે

    ReplyDelete