Saturday, March 23, 2013

ફિલમની ચિલમ... ૨૪ માર્ચ, ૨૦૧૩




શાહરૂખ માટે ‘ડર’ કે આગે જીત થી!
“જો ‘ડર’માં શાહરૂખખાનનો રોલ આમીરખાન કરત તો?” આમીર સાથે તે દિવસોમાં નિકટતા રાખનાર એક ડિઝાઇનરે તાજેતરમાં કરેલા રહસ્યોદ્ઘાટન પછી ફિલ્મી દુનિયાના અનેક રસપ્રદ ‘જો’ અને ‘તો’માં આ સપ્તાહે એક આનો ઉમેરો થયો છે. એ તો જાણીતી વાત છે કે યશરાજની ફિલ્મ ‘ડર’માંના ઝનૂની પ્રેમી ‘રાહુલ’ની ભૂમિકાની ઓફર પ્રથમ આમીર પાસે આવી હતી. જો કે યશ ચોપ્રા વિશેના રૅચલ ડ્વાયરના પુસ્તકમાંના ઉલ્લેખ અનુસાર તો એ પાત્ર માટે રીશી કપૂરનો પણ સંપર્ક યશજીએ કર્યો હતો. પરંતુ, ‘ચાંદની’ જેવી ફિલ્મમાં રોમેન્ટિક હીરો બનેલા રીશીએ પોતે ‘કીલર લવર’ તરીકે નહીં શોભે એવો ડર રાખી ઇનકાર કર્યો હતો. આમીરે ના પાડી તેના બીજા જ દિવસે આમીર અને શાહરૂખ સલમાનના કમ્પાઉન્ડમાં વાતો કરતા હતા ત્યારે પરોઢિયે ચાર-સાડા ચારના અરસામાં આમીરે શાહરૂખને આ રોલ માટે ટ્રાય કરવા સલાહ આપી હતી. (આ તે દિવસોની વાત છે, જ્યારે ત્રણેય ખાનની દોસ્તી હતી!)

શાહરૂખે યશ ચોપ્રાનો સંપર્ક કર્યો અને ‘રેસ્ટ ઇઝ હીસ્ટ્રી’! શાહરૂખે એક વાર ‘ડર’માં “ક્ક્કક.... કિરન” બોલીને  યશરાજમાં એન્ટ્રી કરી પછી પોતાની અનિવાર્યતા કેવી ઉભી કરી એ કોણ નથી જાણતું? (કોઇએ કહ્યું છે ને? “ડર કે આગે જીત હૈ!”) તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘મોહબ્બતેં’, ‘વીરઝારા’, ‘રબને બના દી જોડી’ ‘ચક દે ઇન્ડીયા’ અને  ઠેઠ ‘જબ તક હૈ જાન’ સુધીનાં યશજીના નિર્માણગૃહના ચિત્રોમાં રહ્યો. જો ‘ડર’ માટે આમીરે સંમતિ આપી હોત તો? જો કે તે દિવસોમાં બહાર આવેલી એક વાત એવી પણ હતી કે આમીરે સ્ક્રીપ્ટનું વર્ણન (નૅરેશન) ‘સુનિલ’નું પાત્ર ભજવનાર કલાકાર સાથે કરવાનો આગ્રહ રાખ્યો અને વાતચીત પડી ભાંગી હતી. પછી જ્યારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ‘સુનિલ’ બનેલો સની દેઓલ પોતાના પાત્રાલેખન બદલ યશજીથી નારાજ થયો હતો એ જાણીતી ઘટનાઓ છે. (એમ તો ‘ડર’માં નાયિકા તરીકે જુહી નહીં પણ માધુરી દીક્ષિત પ્રથમ પસંદગી હતી. કોઇ સ્ત્રીના સૌંદર્ય પાછળ ખુનામરકી કરવાના ઝનૂનથી પાગલ થવાનું હોય તો એ માધુરી જ હોયને? યાદ કરો ‘અંજામ’!)

શાહરૂખની માફક જ યોગ્ય સમયે મળેલી યોગ્ય ફિલ્મથી કદાચ નવાજુદ્દીન સિદ્દીકી અત્યારે આગળ વધી રહ્યો છે. કેમ કે તાજેતરમાં જાહેર થયેલા રાષ્ટ્રીય પુરસ્કારોમાં તેને સ્પેશ્યલ જ્યુરી એવોર્ડથી નવાજવામાં આવ્યો છે અને તે પણ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (ખાસ કરીને બીજા પાર્ટ) જેવી એકાદ કૃતિ માટે નહીં પણ ‘કહાની’, ‘તલાશ’ અને ‘દેખ ઇન્ડીયન સર્કસ’ સહિતની ૨૦૧૨ની ફિલ્મોમાંના તેના અભિનયને બે લાખ રૂપિયાના ઇનામથી વધાવાયો છે. હવે તેની નવી ફિલ્મ ‘આત્મા’માં એ બિપાસા બાસુ જેવી એ ગ્રેડની અભિનેત્રીના પતિની ભૂમિકામાં છે, જે કોમર્શિયલ સિનેમાની ‘ગેંગ’માં તેનો પ્રવેશ કહી શકાય. તેના સાધારણ લુક્સ સાથે  કરોડોના સેટઅપમાં તે કેટલો આગળ વધી શકશે એ કહી ના શકાય, જો કે!



નેશનલ એવોર્ડ્સમાં ‘બરફી’ને એક પણ એવોર્ડ ના મળ્યો એ આશ્ચર્યજનક કહેવાય. જે પિક્ચરને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ‘ઑસ્કાર’માં મોકલાયું હોય તેને દેશના રાષ્ટ્રીય પુરસ્કારોની એક પણ કેટેગરીમાં સર્ટિફિકેટ સરખું પણ ના મળે એ કેવું? હા, ‘પાનસિંગ તોમર’માં ઇરફાનનો અભિનય વખાણવાલાયક જ હતો. પરંતુ, રણબીર અને પ્રિયંકા ચોપ્રા બન્ને પણ કાંઇ કમ નહતાં. (ઇરફાન માટે એવો ગણગણાટ ઓલરેડી શરૂ થઇ ચૂક્યો છે કે એ ઓવર રેટેડ એક્ટર છે!) જો કે આ વખતના નેશનલ એવોર્ડ્સમાં અમારા ગમતા અનુ કપૂરને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો પુરસ્કાર (‘વિકી ડોનર’ માટે) મળ્યો એ સૌથી સારા સમાચાર હતા. 


અનુને એ રીતે ‘રેઇન કોટ’ જેવી ઓછી જાણીતી પરંતુ, અદભૂત ફિલ્મ માટે કોઇ પુરસ્કાર મળ્યો હશે કે કેમ એ તો કોણ જાણે. પરંતુ, ઐશ્વર્યા રાય અને અજય દેવગન એમ માત્ર બે એક્ટર્સની આસપાસ ઘૂમતી રિતુપર્ણો ઘોષની એ કૃતિમાંનો અનુકપૂરનો અભિનય (ફોર ધેટ મેટર, અજય અને ઐશ્વર્યાની એક્ટીંગ પણ) પ્રત્યેક પુરસ્કારને યોગ્ય હતો. એ જ રીતે આ વખતે જે ગીત માટે શંકર મહાદેવનને બેસ્ટ પ્લેબેક સિંગરનો નેશનલ એવોર્ડ જાહેર થયો છે, એ ફિલ્મ ‘ચિત્તાગોંગ’માં કામ કરવાના મનોજ બાજપાઇએ કોઇ ફી નહતી લીધી. તો ફિલ્મના નિર્માણમાં પ્રોડ્યુસર તરીકે પૈસા લગાવનાર અનુરાગ કશ્યપ કહે છે, કે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના કેટલાક એક્ટર્સને તેમણે ‘ચિત્તાગોંગ’માંનું તેમનું કામ જોયા પછી લીધા હતા.શંકર મહાદેવનને એવોર્ડ અપાવનાર ‘ચિત્તાગોંગ’ના એ ગીતના શબ્દો તો સાંભળો?



કવિ લખે છે, “ઋતુઓં કો ઘર સે નિકલને તો દો, બોયે થે મૌસમ ખિલને તો દો, હોટોં કી મુંડેર પે રુકી, મોતીયોં સી બાત બોલ દો, ફીકી ફીકી સી હૈ ઝિંદગી, ચીની ચીની ખ્વાબ ઘોલ દો...”!  આખા ગીતના શબ્દો બેમિસાલ છે, સમય કાઢીને સાંભળવા જેવા છે. એક જ અંતરો જુઓ... “ ધડકન રૂમ ઝુમ, સાંસેં રૂન ઝુન, મન ઘૂંઘરુ સા બાજે, અખિયાં પાયલ, સપને કંગના, તન મેં થિરકન સાજે, કોહનિયોં સે ખેલ કે કહતી હવા, ઇતર કી શીશી ખોલ દો જરા, રાગ મહકાઓ, ગીત છલકાઓ, મિસરી સી ઘોલો ના... બોલો ના, બોલો ના...”


એટલે કવિતા પ્રેમી તરીકે વધારે આનંદ એ પણ છે કે તે લખવા બદલ પ્રસુન જોશીને પણ ‘શ્રેષ્ઠ ગીતકાર’ જાહેર કરાયા છે. વિચાર કરો કે નેશનલ એવોર્ડ્સમાં જેના ગાયક અને ગીતકાર બન્નેને પુરસ્કૃત કરવા જેટલું સન્માન મળ્યું; એટલી ખુબસુરત અને અર્થપૂર્ણ રચના ‘ફિલ્મફેર’ કે ‘સ્ક્રીન’ અથવા ‘સ્ટારડસ્ટ’ કે ‘ઝી’ના નોમિનેશનમાં કે જ્યુરીના પણ ધ્યાનમાં કેમ નહીં આવી હોય? સોચો ઠાકુર!!
 
તિખારો!
નેશનલ એવોર્ડ માટેની ભારત સરકારની ઓફિશ્યલ વેબસાઇટ પર કાર્યક્રમની માહિતી આ રીતે અપાઇ છે...
''60th National Film Awards presentation ceremony to be held in New Delhi 0n 3rd May, 2013. Hon’ble President of India to give away the awards. ''
આ ભાષામાં એવોર્ડ આપીને દાન કરાતું હોય અથવા તો જાન છોડાવાતી હોય એવું નથી લાગતું? ’Give Away the awards'? શું મહામહીમ રાષ્ટ્રપતિજી, પોતાની કળાથી એવોર્ડ જીતનારા કલાકારોને, પુરસ્કાર ‘Award Present' ના કરી શકે? 



3 comments:

  1. સલિલ સર,

    કદાચ ’અંજામ’માં ઓવર એક્ટીંગની જરૂરિયાત હતી એટલે શાહરૂખભાઇને ચાલેબલ ગણીએ પણ ’ડર’ જોઈને એવું લાગે છે કે આમીર ખાને આ રોલ ન કર્યો એ ખૂબ સારુ કર્યું નહિતર એ શાહરૂખ થાત તો શું થાત???/

    સેમ

    ReplyDelete
  2. ‘પાનસિંગ તોમર’માં ઇરફાનનો અભિનય વખાણવાલાયક જ હતો.પરંતુ, રણબીર અને પ્રિયંકા ચોપ્રા બન્ને પણ કાંઇ કમ નહતાં.(ઇરફાન માટે એવો ગણગણાટ ઓલરેડી શરૂ થઇ ચૂક્યો છે કે એ ઓવર રેટેડ એક્ટર છે!)
    -
    ફિલ્મ લાઈન માં ઘણા બધા સ્તર પુત્રો ઓવરરેટેડ ચાલ્યા છે અને ચાલે ય છે, ઈરફાન ને ફિલ્મ ના ભાવક તરીકે હું તો ઓવરરેટેડ ના ગણું, કદાચ પ્રોફેશનલ લોકો ગણે તો ય - એની આપબળે બનાવેલી જગ્યા માટે 7 મુવી માફ :)

    ReplyDelete