Saturday, March 9, 2013

ફિલમની ચિલમ... ૧૦ માર્ચ, ૨૦૧૩



અમિતાભની મિલકતોના બે સરખા હિસ્સા થશે!

 

‘શું કરિના કપૂર ખરેખર પ્રેગ્નન્ટ થઇ હશે?’ એ ફિલ્મ ઉદ્યોગમાં આ સપ્તાહની સૌથી મોટી ચિંતા જણાય છે. કેમ કે એક અંગત પાર્ટીમાં હાજર રહેનારે રિપોર્ટ કર્યો છે કે કરિનાએ તેમાં બે વખત ગ્લાસ ઊંચો કરીને ટોસ્ટ કર્યો અને બન્ને વખત એ પ્યાલામાં પાણી જ હતું. હવે ટોસ્ટ કરવાની પ્રણાલિકાને જાણનારા સૌ કહી શકશે કે કોઇના નામનો કે કોઇ પ્રસંગની ખુશાલી વ્યક્ત કરતી વખતે ઊંચા કરાતા ગ્લાસમાં પરંપરાગત રીતે ‘શરાબ’ હોવો જોઇએ. (યાદ છેને ‘મેરે હમદમ મેરે દોસ્ત’નું ગાયન? “છલકાયેં જામ આઇયે આપકી આંખોં કે નામ, હોંટોં કે નામ...”) પરંતુ, કરિનાએ તેના હળવા હાથે માત્ર સ્વચ્છ જળનો જામ છલકાવ્યો એની પાછળ તેના ભારે પગ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. એ તો દાકતરથી માંડીને દાયણ સુધીના સૌ એવી હાલતમાં રાખવાની ઘર-બારની કાળજી વિશે કહી શકશે કે જ્યારે ‘ઘર’માં ઘોડિયું બંધાવાનું હોય ત્યારે ‘બાર’ બંધ કરી દેવાના હોય!

આ અફવાને પાણીમાંથી પોરા કાઢવાના નિયમિત ઉદ્યમનો ભાગ સમજવામાં જોખમ છે. કેમ કે કરિનાના પ્રતિનિધિએ ખુલાસામાં સ્પષ્ટ ‘ના’ કહેવાને બદલે એમ કહ્યું કે મૅડમની અંગત બાબતો પર તે કોમેન્ટ ના કરી શકે! એમ તો ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને તેમની દીકરી માટે દુબઇમાં ચોપ્પન કરોડનું ઘર લીધું એવા એક અખબારના ઉડતા અહેવાલને પણ ક્યાં કોઇ સત્તાવાર સમર્થન મળ્યું છે? હા, ઑફિશ્યલી અમિતાભ બચ્ચને આ સપ્તાહે એમ જરૂર કહ્યું છે અને તે પણ સંખ્યાબંધ પત્રકારોના કૅમેરા સામે કે તેમના ગયા પછી તેમની પ્રૉપર્ટી તેમના પુત્ર અભિષેક અને દીકરી શ્વેતા વચ્ચે સરખે ભાગે વહેંચાશે. તે દીકરા અને દીકરીમાં કોઇ ફરક રાખતા નથી એ કહેવા તેમણે આ જાહેરાત કરી હતી.

 અમિતાભને ખરા અર્થમાં ‘સ્ટાર’ બનાવનાર ફિલ્મ ‘જંજીર’ની નવી આવૃત્તિ માટે પ્રકાશ મેહરાના પ્રોડ્યુસર દીકરા અમિત મેહરા અને લેખકો સલીમ-જાવેદ વચ્ચે રૉયલ્ટીના મામલે ઉભી થયેલી મડાગાંઠ લાગે છે કે હવે અદાલત દ્વારા જ ઉકલશે. એમ કહેવાય છે કે સલીમ અને જાવેદે ‘જંજીર’ની સ્ક્રીપ્ટનો ઉપયોગ કરવા માટે ૬ કરોડ રૂપિયા માગ્યા છે! જે રીતે ફિલ્મોનો બિઝનેસ કરોડોમાં થાય છે, એ જોતાં લેખકો પાસે કૉપી રાઇટ હોય તો પોતાના લખાણની કિંમત આવી મૂકે એ સ્વાભાવિક છે. યાદ છેને? સલીમ-જાવેદ તો ઠેઠ સીત્તેરના દાયકામાં પણ પોતાની બાઉન્ડ સ્ક્રીપ્ટના વીસ લાખ રૂપિયા માગતાં પણ નહતા ખચકાતા!


 જ્યારે આજે તો માહોલ જ અલગ છે. હજી બે વીક પહેલાં આવેલી ‘કાઇપો છે’ જેવી ઓછા જાણીતા સ્ટાર્સની ફિલ્મ પણ સ્ક્રીપ્ટના જોરે બીજા અઠવાડિયે ૪૦ કરોડ ક્રૉસ કરી ગઇ છે. હવે જ્યારે ૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોની લાઇન લાગી રહી છે, ત્યારે ધનના એ મોટા ઢગલામાં પાવડો મારીને તગારું ભરવાની નહીં, પણ મોટા જેસીબી મશીનથી પૈસા ઉલેચવાની હોડ છે. એટલે જ સલમાન ખાન અને અજય દેવગન જેવા સ્ટાર્સના સેંકડો કરોડોના કરારના ન્યુઝ વાંચીને ભલભલા ઉદ્યોગપતિઓની આંખો પહોળી થઇ જાય એમ છે. સલમાને એક ચેનલ સાથે ૫૦૦ કરોડ રૂપિયાનો સોદો કર્યાના સમાચારથી હજી પૂરતા બઘવાઇ રહેવાયું નથી, ત્યાં અજય દેવગનની ૪૦૦ બુલેટની સ્ટેનગન ફુટી છે.

અજય દેવગને પણ સલમાનની માફક એક ટીવી ચેનલ સાથે (કદાચ એ જ ચેનલ જોડે) કોન્ટ્રાક્ટ કર્યો ૪૦૦ કરોડ રૂપિયાનો! બન્ને એક્ટરોની શરતો લગભગ સરખી છે. અજયે પણ સલમાનની માફક ૨૦૧૭ના ડીસેમ્બર સુધીમાં આવનારી પોતાની તમામ ફિલ્મોના સૅટેલાઇટ રાઇટ આપવાનો કરાર કર્યો છે. આવા કરોડોના સોદા કરનાર ક્રિએટિવ વ્યક્તિ એક્ટર હોય કે લેખક, તેનો તો આનંદ જ હોય. પણ આમાં ના સમજાય એવી વાત એક જ છે કે પિક્ચરના માર્કેટિંગના અધિકાર તો જે તે નિર્માતાના જ હોયને? એક અભિનેતા તેનો સોદો કેવી રીતે કરી શકે? અને જો પોતે એ પ્રોજેક્ટમાં પૈસા ના લગાવ્યા હોય તો પછી એક એક્ટરનો લાગ-ભાગ હોઇ શકે તો અન્ય કલાકારોનું શું? કે પછી હવેના સ્માર્ટ અભિનેતાઓ પોતાની ફીને બદલે નિર્માતાઓ પાસે સૅટેલાઇટ રાઇટ લખાવી લેતા હશે?

કરોડોના આ સ્ટાર્સ સૌ જાણે જ છે એમ, પોતાના અભિનય ઉપરાંત પણ જાહેરાત કરવાથી માંડીને સમારંભોમાં હાજર રહેવાના છુટાં છવાયાં કામો કરીને અમુક કરોડ તો ઝાપટ-ઝૂપડ કમાઇ લેતા હશે. (આ જાણતલ ‘સૌ’માં નાણાંકીય વ્યવહારોનું ધ્યાન રાખનારા સરકારના વિભાગો પણ આવી જાય, જે પૈકીના એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટની કચેરીએ પ્રિટી ઝિન્ટાની હમણાં સળંગ ચાર કલાક સુધી પૂછપરછ કર્યાના સમાચાર હતાજ ને?) એવી એક છુટક કામગીરીમાં શાહરૂખખાને આ સપ્તાહે એક ઠંડા પીણા (ફ્રુટી)ને એન્ડોર્સ કરવાની ઍડ ફિલ્મનું શુટિંગ કર્યું. જ્યારે ઇરફાનખાન એક ટુથ પેસ્ટ (બબૂલ)નો પ્રચાર કરશે. તો એક સમયે, ’૮૦ના દશકમાં, ટોપ સ્ટાર રહી ચૂકેલી અને અત્યારે ‘ઇંગ્લીશ વિંગ્લિશ’ની સફળતા પછી ફરી ચમકી રહેલી શ્રીદેવીએ પણ એક વોટર પ્યોરિફાયર (ફિયોના)ની જાહેરાતમાં ચમકવાનું મંજૂર રાખ્યું છે અને શુટ પણ પુરું કર્યું છે.

એ જ શ્રીદેવી અને જીતેન્દ્રની ‘૮૦ના દાયકાની એક હીટ ફિલ્મ ‘હિમ્મતવાલા’ની નવી આવૃત્તિ સાજીદખાનના દિગ્દર્શનમાં બની રહી છે અને તેમાં હીરો અજય દેવગન છે. (જીતેન્દ્રની માફક સફેદ પેન્ટ અને સફેદ બુટ પહેરવાના કહેશે તો? અજય કેવો લાગશે?) તેમાં હવે એક આઇટમ સોંગમાં સોનાક્ષી સિન્હા ડાન્સ કરવાની છે. એ જ રીતે ‘શૂટઆઉટ ઍટ વડાલા’માં પ્રિયંકા ચોપ્રા “બબલી બદમાશ” એવા શબ્દોવાળું આઇટમ સોંગ કરી રહી છે. જો કે પ્રિયંકાના (ગાયક) પિતા અશોક ચોપ્રાને કેન્સર થયાની જાણ તાજેતરમાં થઇ છે. એ સંજોગોમાં તે અભિનેત્રીએ ‘બબલી’ દેખાવા ખાસ્સો અભિનય કરવો નહીં પડે? શું લાગે છે?

તિખારો!
કોમી એકતા પર બની રહેલી એક ફિલ્મનું નામ છે, ‘પ્રણામ વાલેકુમ’!!



1 comment: