‘અપના
સિનેમા’ એટલે?... ‘સિર્ફ એક્ટર્સ કા સિનેમા’?
ભારતીય
ફિલ્મ ઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે રજૂ થયેલી ફિલ્મ ‘બૉમ્બે ટૉકિઝ’ની ખુબ વાહ-વાહી થઇ અને થવી પણ જોઇએ જ. કેમ કે કરણ જોહર,
ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને અનુરાગ કશ્યપ સરખા દિગ્દર્શકો એક જ ફિલ્મમાં એક સાથે
પોતપોતાની ટૂંકી વાર્તાને પ્રસ્તુત કરે એવું કેટલી વાર બને? એવી જ મોટી વાત એ પણ ખરી
કે તેના ટાઇટલ ગીતમાં શાહરૂખ, આમિર, અક્ષય, સૈફ, રણબીર કપૂર, અનિલ કપૂર, શાહીદ કપૂર,
ઇમરાન ખાન રણવીરસિંગ જેવા અભિનેતાઓ અને માધુરી, જુહી, શ્રીદેવી, રાની, પ્રિયંકા, કરિના,
વિદ્યા, દીપિકા, સોનમ જેવી અભિનેત્રીઓ એક સાથે દેખાયાં! એ બધાં ‘મિલે સૂર મેરા તુમ્હારા’ની અદામાં “અપના સિનેમા...” એમ ગાય એ ફિલ્મનું ગ્લેમર
વધારનારી વર્ષો પુરાણી ફોર્મ્યુલાનું આવકારદાયક પુનરાવર્તન હતું. છતાં...
હા,
છતાંય એક સવાલ ઉભો રહે કે શું માત્ર એક્ટર જ સિનેમા છે? એ સાચું છે કે ‘બૉમ્બે ટૉકિઝ’ એ ૧૦૦ વરસ નિમિત્તેની કોઇ
ડોક્યુમેન્ટરી નહતી. આ એક ઓછા બજેટમાં બનેલી કોમર્શિયલ ફિલ્મ હતી અને તેને હિટ બનાવવા
માટે આવશ્યક તમામ મસાલા તેમાં નાખવા જોઇએ. પરંતુ, દરેક સ્ટારની સાથે દિગ્દર્શનના, સંગીતના,
ગાયકીના, ગીતલેખનના કલાકારોને પણ કોઇક રીતે હાઇલાઇટ કર્યા હોત (બૅક ગ્રાઉન્ડમાં એ સૌના
ફોટા જ લગાવાયા હોત) તો માત્ર સ્ક્રિન પર દેખાતા
એક્ટર્સ જ નહીં પણ તેમને ચમકાવનારા કસબીઓને પણ યોગ્ય ક્રેડિટ એટલીસ્ટ ૧૦૦મા વર્ષે તો
મળી હોત!
અને
ભલે એ ડોક્યુમેન્ટ્રી નહતી. પણ શતાબ્દિ વરસના નામે જ પબ્લિસિટી કરાઇ હતીને? ઑડિયન્સને
તો ઇન્ડસ્ટ્રીને સો વરસ થયાની ઇમોશનલ અપીલ પર જ થિયેટરમાં બોલાવ્યું હતુંને? તો પછી
દરેક સ્ટાર પાસે જે “ઓલે ઓલે” કે “દેશી ગર્લ” કરાવવું હોય તે કરાવ્યા છતાં,
બેકગ્રાઉન્ડમાં અજાણ્યા ડાન્સર્સની જગ્યાએ
મેહબૂબખાન, રાજકપૂર, વ્હી. શાંતારામ, બી.આર. ચોપ્રા, ઋષિકેશ મુકરજી જેવા દિગ્દર્શકોના
ફોટાઓ મૂકી શકાયા હોત. એ જ રીતે શંકર-જયકિશન, આર.ડી. બર્મન, લક્ષ્મી-પ્યારે થી ઠેઠ
એ. આર. રેહમાન સુધીના સંગીતકારોની કે લતા-રફી-કિશોર-મુકેશની તસ્વીરો મૂકાય, એમ ગીતકારો, કેમેરામેન, એડીટર્સ, કોરિયોગ્રાફર્સ, સાઉન્ડ રેકોર્ડિસ્ટ્સ એમ દરેક
વિભાગના મહારથીઓને ફક્ત છબીઓના એક કોલાજથી આવરી લેવાયા હોત તો એ ‘અપના સિનેમા’ને સાચી અંજલિ ના થઇ હોત? (આ તો એક વાત થાય છે.)
‘અપના સિનેમા’ની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ ત્રીજી મે ૧૯૧૩ના દિવસે રજૂ થઇ, તેના બરાબર ૧૦૦ વરસે
૨૦૧૩ની એ જ તારીખે એક ડોક્યુમેન્ટ્રી ‘સેલ્યુલોઇડ
મૅન’ (કચકડાના માનવી?) પણ આવી એ કેટલાના
ધ્યાનમાં આવ્યું હશે? એવું પણ નહતું કે તેમાં કોઇ સ્ટાર નહતા. તેમાં નસીરુદ્દીન શાહથી
જયા ભાદુરી (બચ્ચન) અને ગુલઝાર સરખા ઘણા ગુણી કલાકારોના ઇન્ટર્વ્યૂ છે. એ બધાય વાત
કરે છે પી.કે.નાયર નામના આપણા એક કર્મઠ ‘સંઘરાખોર’ની! “નાયર સાહેબ”ના હુલામણા નામે
ઓળખાતા એ પડદા પાછળના મહેનતકશ ઇન્સાનનું યોગદાન એટલું તો જબરદસ્ત છે કે અમારું ચાલે
તો ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ તેમને પણ
આપીએ!
આ
નાયર સાહેબ પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યુટમાં આવેલા ‘નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા’ના વરસો સુધી ડાયરેક્ટર હતા. એ સંગ્રહાલય
સિનેમાપ્રેમીઓ માટે તીર્થસ્થાન સમાન છે અને તેમાં બાર હજાર જેટલી ફિલ્મો તેમના સમય
દરમિયાન ભેગી કરાઇ. તેમાંની ૮૦૦૦ ભારતીય અને
૪૦૦૦ વિદેશી હતી. ‘પરિન્દા’ અને ‘૧૯૪૨ અ લવસ્ટોરી’ જેવાં ચિત્રોના સર્જક વિધુ
વિનોદ ચોપ્રા તો કહે છે કે નાયર સાહેબને લીધે જ એ એવા નિર્દેશક બની શક્યા જેવા એ બન્યા છે. જે ફિલ્મની રજુઆતનાં ૧૦૦ વરસ મનાવાય
છે તે ‘રાજા હરિશ્ચન્દ્ર’ની પ્રિન્ટ પણ
આર્કાઇવ માટે નાયર સાહેબના પ્રયત્નોથી મેળવી શકાઇ હતી! નાયર સાહેબની કેવી કપરી કસોટી
થઇ હશે એ કલ્પી શકાય એમ છે. કારણ કે ઇતિહાસને સાચવવા મથતા આપણા હરીશ રઘુવંશી જેવાની
તકલીફો અમે નજરે નિહાળી છે. હરીશભાઇએ ગુજરાતી ફિલ્મોના સંગીતના ઇતિહાસને એકત્ર કરતી
વખતે એક એક બુકલેટ માટે કરેલા પ્રયત્નો કાચાપોચાને કામ પડતું મૂકાવી દે. એવું જ કાનપુરના
હરમિન્દરસિંગ ‘હમરાઝ’નું યોગદાન કહી શકાય. ૧૯૩૧થી શરૂ કરીને દર દસ વરસની રિલીઝ થયેલી
તમામ ફિલ્મોનાં તમામ ગાયનોની યાદી, બુકલેટોના આધારે એકત્ર કરવી એ કેવું ભગીરથ કાર્ય
કહેવાય? તે પણ ઇન્ટર્નેટ તો દૂરની વાત છે, કોમ્પ્યુટર પણ ના હોય એવા જમાનામાં? હૅટ્સ
ઓફ્ફ!
આજે
તો બધી ફિલ્મો ડિજીટલ સ્વરૂપે સંગ્રાહાઇ હશે. પરંતુ, ‘અછૂત કન્યા’ હોય કે ‘લાઇટ ઓફ
એશિયા’, બરૂઆની ‘દેવદાસ’ કે પછી ‘ન્યૂ
થિયેટર્સ’ અને ‘બોમ્બે ટોકિઝ’ જેવાં નિર્માણ ગૃહોની અત્યંત જૂની ક્લાસિક દુર્લભ ફિલ્મોની
પ્રિન્ટો હોય; એ તમામને ‘નાયર સર’ અભ્યાસીઓ માટે લઇ આવ્યા. વિદેશી સર્જકો પછી એ કુરોસવા
હોય કે ફેલિની કે બર્ગમેન હોય અને ફિલ્મ પોલેન્ડની હોય કે રશિયાની હોય પૂનાના આર્કાઇવ
માટે નાયર સાહેબે આકાશ પાતાળ એક કરીને પણ એ મેળવી જ હોય.
’૭૦ના
દાયકામાં જ્યારે સમાંતર સિનેમાની ચળવળ ચાલી, ત્યારે દેશભરમાં ફિલ્મ સોસાયટીઓ બની હતી.
(આ લખનાર પણ એવી એક સોસાયટીના કાયમી સભ્ય હતા.) એ સોસાયટીઓમાં રસિકજનો સત્યજીત રે,
મૃણાલ સેન, રિત્વીક ઘટક જેવાની બંગાળી ફિલ્મો, અદૂર ગોપાલ ક્રિશ્નનનની મલયાલમ કૃતિ
કે બી.વી કારંથ અને ગિરીશ કસરવલ્લીનાં કન્નડ ચિત્ર તે દિવસોમાં જોઇ શક્યા હોય (અને લગભગ દરેક ફિલ્મ પત્યા પછી દર્શકો ફિલ્મનાં વિવિધ પાસાં પર અર્થસભર ચર્ચાઓ કરી શક્યા હોય) તો આભાર
નાયર સાહેબે ઉભા કરેલા સંગ્રહમાંથી પૂરી પડાયેલી ફિલ્મોનો! એ સચવાયેલી ધરોહરમાંથી શીખેલા
સૌએ ફોર્મ્યુલાથી હટીને પિક્ચર્સ બનાવવાની જ્યોત જલતી રાખી, તો આજે અનુરાગ કશ્યપ સુધીના
હટકે નિર્દેશકો મળતા રહે છે. હવે ૨૦૧૩માં મલ્ટિપ્લેક્સ અને તેમાંનાં નાનાં પ્રેક્ષકગૃહોએ
જે ક્રાંતિ ભારતીય સિનેમામાં આણી છે, તેનાં મૂળ ત્રીસ વરસ સુધીના પી.કે.નાયરના અવિરત
પ્રયાસોમાં છે. સિનેમાની ઝળહળ ઇમારતની શતાબ્દિ નિમિત્તે તેના ઇતિહાસના નાયર સાહેબ જેવા
પાયાના પથ્થરોને પણ અત્યંત ભાવપૂર્વક યાદ કરીએ તો લાગે સાચ્ચે જ ‘અપના
સિનેમા’!
તિખારો!
કેટલાક પત્રકાર મિત્રો અતિઉત્સાહમાં ૨૦૧૩ને ‘હિન્દી સિનેમા’ (બોલીવુડ)નું
૧૦૦મું વરસ લખતા હોય છે. હકીકતમાં ૧૯૧૩ની ત્રીજી મેએ રજૂ થયેલી ‘રાજા હરિશ્ચન્દ્ર’ (કોઇપણ ભાષા વગરની) એક
મૂંગી ફિલ્મ હતી... બોલો!!
Jo saaz se nikli hai,
ReplyDeleteWoh sada sab ne suni hai
Jo saaz pe gujri hai
woh kis dil ko khabar hai
Read more: http://www.funonthenet.in/forums/index.php?topic=125486.0#ixzz2ThXUsdah
શ્રી સલિલભાઈ,
ReplyDeleteતમે તમારા લેખમાં શ્રી હરીશ રઘુવંશી અને શ્રી હરમિન્દરસિંઘ ‘હમરાઝ’નો ઉલ્લેખ કર્યો તે વાત મને ખૂબ ગમી. આ બન્ને સંશોધકોને તેમની નિસ્વાર્થ સેવા, અદ્ભુત નિષ્ઠા અને અથાગ જહેમત માટે જેટલા અભિનંદન આપીએ તે ઓછાં ગણાય. બન્નેએ જે પાયાનું કામ કર્યું છે તે ભવિષ્યના લેખકો, વિવેચકો અને વિવરણકારોને ખૂબ કામ આવશે. મને પોતાને પણ તેમના સાથ-સહકાર-સહાયનો ઘણો લાભ મળ્યો છે. તેઓની પાસે જે સાહિત્ય-સામગ્રી છે તેમાંથી તો સરસ મોટું સંગ્રહાલય ઊભું કરી શકાય તેમ છે. માત્ર જરૂર છે એવું આયોજન અને વ્યવસ્થા કરી શકે તેવા સંગીત-ચિત્રપટ પ્રેમીઓની.
માવજીભાઈ મુંબઈવાળાના પ્રણામ
(www.mavjibhai.com)