આજના પ્રેક્ષકને ભરમાવી નહીં શકાય!
શું ૧૦૦ કરોડના વકરાનો ફુગ્ગો ફુટી રહ્યો
છે? જે રીતે છેલ્લા કેટલાક સમયથી બૉક્સ ઑફિસ ઉપર કલેક્શન આવી રહ્યાં છે, તેનાથી બહુ
મોટી ચિંતા નહીં તો નાનકડી ચિંતી તો થાય એમ જ છે. કેમકે સૈફ અલી ખાન જેવા ટૉપ સ્ટારનું
પિક્ચર હોય અને ‘ગો ગોઆ ગૉન’ને માફકસરનું ઓપનીંગ ના મળે તો મોટા સ્ટાર્સની ફિલ્મો
પર દાવ લગાવનારાઓને ફિકર થવી નેચરલ છે. વળી એકાદું સેન્ચુરી મારતું પિક્ચર આવશે અને
ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ એવું ના થાય તો? એવા બિહામણા સવાલો પણ થવા માંડ્યા છે.
હવે એક સાથે બે ત્રણ હજાર સ્ક્રીન પર રજૂઆત
થઇ શકતી હોઇ બંધ પત્તાંની ‘બ્લાઇન્ડ’ ગેમમાં પૈસા લગાવનારા ખેલીઓ વધ્યા છે. તેથી ઑડિયન્સ
પણ ધીમે ધીમે ખચકાતું થઇ ગયું હોય એવો ડર શરૂ થયો છે. તાજેતરની ફિલ્મોમાં પાંચ કે દસ
ટકાના આવેલા વકરાએ સૌને વિચારતા કરી દીધા છે. તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ઉનાળુ
વેકેશનનો સમય છે. છતાં આ હાલ છે. જૂના સમયમાં કહેવાતું કે હિટ ફિલ્મ એ છે જેમાં કેન્ટીન
અને સાયકલ સ્ટેન્ડવાળા પણ કમાયા હોય એ આજે પણ અમલમાં જ છે. ત્યારે સફળતાનાં ‘શ્યૉર
સજેશન’ જેવી ફોર્મ્યુલા એ છે કે હિટ ગયેલી ફિલ્મની બ્રાન્ડને કાં તો રિમેકથી અથવા તો
સિક્વલથી આગળ વધારો.
તેથી અત્યારે ‘ચિલ્લર પાર્ટી’ની પણ
સિક્વલ ‘ચિલ્લર પાર્ટી-ટુ’ આવી રહી છે. તો ‘શૌકીન’ને નવેસરથી બનાવવામાં
આવી રહી છે. એ જ રીતે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને પરેશ રાવલ જેવા અભિનેતાઓના પિક્ચર
‘આંખેં’ની વાર્તા પણ આગળ વધારવાના પ્લાન ચાલી રહ્યા છે. પણ એ બધાય કરતાં સુભાષ
ઘઇ કદાચ આગળ છે. તેમણે પોતાની એકાદ નહીં ચાર-ચાર જૂની ફિલ્મોની રીમેઇક બનાવવાની જાહેરાત
કરી છે! સુભાષ ઘઇ ‘કાલીચરણ’, ‘હીરો’, ‘કર્મા’ અને ‘ખલનાયક’ને ફરી તાજી
કરવાના છે. તો ‘રામ લખન’, ‘સૌદાગર’ કે ‘પરદેસ’ અથવા ‘તાલ’ શા
માટે નહીં? એવા સવાલ થઇ શકે.
સુભાષજીની એ ફિલ્મોની સફળતામાં સંગીતનો ફાળો
જોતાં મ્યુઝિકની રીતે કોઇ સરસ કમ્પોઝર શોધવા પડશે એ ચોક્કસ. જો ‘કાલીચરણ’માં
કલ્યાણજી આણંદજીએ આપેલી “જા રે જા ઓ હરજાઇ, દેખી તેરી દિલદારી...”ની ડોલાવનારી
ધૂન યાદ કરો કે ‘ખલનાયક’ વખતે “ચોલી કે પીછે ક્યા હૈ?”નો ડાન્સ એ તમામમાં
ઓડિયન્સને વારંવાર થિયેટરમાં લાવવાની તાકાત હતી. જો કે માધુરીના નૃત્ય ગીત “ચોલી
કે પીછે ક્યા હૈ?”નો જે વિવાદ થયો હતો તે આજે થાય કે કેમ એ સવાલ હશે! કારણ
કે આજે એવા કશા ભેદ- ભરમ ખોલવાના રહે જ નહીં એવી બોલ્ડ અભિનેત્રીઓને લોકો જોઇ ચૂક્યા
છે.
એ જ રીતે પાવો વગાડતો ‘હીરો’ આજના સમયમાં ચાલશે કે? બધાં વાજીંત્રોના સૂર એક કીબોર્ડમાંથી નીકળતા હોય ત્યારે ફ્લ્યુટને બદલે સિન્થેસાઇઝર વગાડનાર ‘હીરો’ બનાવવો પડશે અને જેમ ‘દેવદાસ’ને લંડન રિટર્ન બતાવાયો એમ ‘હીરો’નું પણ ૨૧મી સદીકરણ કરી શકાશે. પરંતુ, પ્રિય લક્ષ્મીકાન્ત પ્યારેલાલની જેમ “તુ મેરા હીરો હૈ...” કે “નિન્દીયા સે જાગી બહાર...”ની કર્ણપ્રિયતા અને જેકી શ્રોફ માટે આપણા મનહર ઉધાસના કંઠની મીઠાશ એ બધું નવેસરથી એકત્ર કરવાનું સહેલું તો નહીં જ હોય. એ બધા કરતાં અઘરું હશે રેશમાના બુલંદ સ્વરે ગવાતા ગીત “લંબી જુદાઇ ચાર દિનાંદા પ્યાર ઓ રબ્બા’ જેવા શબ્દો લખનારા આનંદ બક્ષી સરખા શાયરને શોધવાનું!
બક્ષી બાબુએ તો ‘કર્મા’માં પણ “દિલ
દિયા હૈ જાન ભી દેંગે અય વતન તેરે લિયે...” સરખી દેશભક્તિની રચના આપી જ હતીને?
જો કે ‘કર્મા’માં દિલીપકુમારની થપ્પડની ગૂંજનું પણ એવું જ મહત્વ હતું. તે માટે
તેમની કક્ષાનો કોઇ અભિનેતા લેવા માટે અમિતાભ બચ્ચન સિવાય કોની તરફ નજર જાય? પણ બચ્ચન
અને ઘઇને એક જૂના પ્રોજેક્ટ ‘દેવા’ને કારણે વર્ષો પહેલાં કીટ્ટા થયેલી છે. તેથી
રીમેકમાં શું એવું ના થાય કે દિલીપ સા’બનો તમાચો ખાનાર ‘મિસ્ટર ડેંગ’ અનુપમ ખેર જ થપ્પડ
મારનાર પોલીસ ઓફિસરની ભૂમિકા કરે? (આ તો એક વિશીષ્ટ કાસ્ટીંગની રીતે આવેલો વિચાર માત્ર
છે!)
તિખારો!
‘નામમાં શું છે?’ (વૉટ્સ ઇન અ નેઇમ?) અંકલ
શેક્સપિયરે સાચું જ કહ્યું છેને?.... કોઇના એક જ નામમાં ‘શ્રી’ તથા ‘સંત’ બન્ને હોય,
છતાં એ છેતરપિંડીના આરોપસર પોલીસ કસ્ટડીમાં જાય અને સામી બાજુ પિક્ચરનું નામ ‘ઔરંગઝેબ’
હોય તો પણ એ જુલમ ના કરતું હોય!!
No comments:
Post a Comment