Sunday, September 14, 2014

ફિલમની ચિલમ.... સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૪



શ્રાધ્ધ પક્ષ આવે અને....
નાની ફિલ્મોનો પણ મોક્ષ થાય!


રાની મુકરજીને ‘મર્દાની’માં જાંબાઝ મહિલા પોલીસ અધિકારી ‘શિવાની’ તરીકે આ સાલના ‘બેસ્ટ એક્ટ્રેસ’ના એવોર્ડ માટે વિચારનારા સૌને માટે ‘મૅરી કૉમ’ બનતી પ્રિયંકા ચોપ્રાનો પણ વિચાર કરવો આવશ્યક બનશે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી એ ફિલ્મને જે રીતે આવકાર મળ્યો છે એ પણ ‘મર્દાની’ સ્ટાઇલથી  એમ કહી શકાય. કેમકે ‘મર્દાની’ની માફક જ પહેલા દિવસે ધીમી શરૂઆત કર્યા પછી શનિ અને રવિવારના વકરામાં ઉછાળો જોવાયો હતો. શુક્રવારના ૮ કરોડ સામે શનિવારના ૯ અને રવિવારે લગભગ બાર કરોડ લાવતાં ૨૮ કરોડનો આંકડો ત્રણ દિવસમાં પાર કરવો એ કોઇપણ નાયિકા પ્રધાન પિક્ચર માટે સંતોષકારક બિઝનેસ કહેવાય. સરવાળે એ ચાલીસેક કરોડ લઈ આવે તો પણ ફાયદાનો ધંધો સાબિત થશે. પ્રિયંકા કહે છે એમ, “૧૦૦ કરોડની અપેક્ષા રાખીને ફિલ્મને ઓછી ના આંકશો!”

પરંતુ, ફિલ્મને ઓછી આંકવાની શરૂઆત તો થઈ ચૂકી છે અને તે પણ સાવ ‘ઘરના’ લોકો તરફથી.... એ ય પાછી  પ્રિયંકા માટે! એક બાજુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને આસામ જેવાં રાજ્યોએ તેને કરમુક્ત જાહેર કરી હોઇ ઘટેલા ટિકિટ દરમાં ઑડિયન્સની ભીડ અને કલેક્શનનો ખણખણાટ વધવાની આશા વધી છે, ત્યાં જ ખુદ મણીપુરના લોકોને પોતાને ગૌરવ અપાવનારી દીકરીનું પાત્ર ભજવવા કોઇ મણીપુરી અભિનેત્રી ના મળી તે એક પંજાબી છોકરી (પ્રિયંકા ચોપ્રા)ને એ રોલ અપાયો? એવો ગણગણાટ કમ સે કમ સોશ્યલ મીડિયા પર તો વધી જ રહ્યો છે. એટલું જ નહીં, તેના પતિની ભૂમિકા માટે પણ શરદકુમાર નામના પંજાબી એક્ટરને લેવો પડ્યો? પછી નોર્થ ઇસ્ટનું સાચું પિક્ચર કે પાત્રાલેખન ક્યાંથી થાય? જો કે આ બધી કોમેન્ટ્સ કરનારાઓમાં મણીપુરી ફિલ્મોના એવા કલાકારો પણ છે, જેમને ઓડિશન આપ્યા છતાં ‘મેરી કોમ’માં નાના રોલ માટે  પણ નથી લેવાયા.‘બાયોપિક’ ફિલ્મો માટે આ ક્યાં નવું છે? યાદ છેને ‘ગાંધી’?
‘ગાંધી’ના કાસ્ટિંગ વખતે ‘ગાંધીજી’નું પાત્ર બેન કિંગ્સ્લે જેવા એક ગોરા અભિનેતા કરવાના છે એ જાણ્યા પછી ભારતમાં કેવા પ્રત્યાઘાત પડ્યા હતા? એ રોલ માટે નસીરુદ્દીન શાહ પણ ઓડિશન માટે ગયા હતા. પરંતુ, પસંદ નહતા થયા. પણ જ્યારે ફિલ્મ આવી ત્યારે ખુદ નસીરે પણ કહ્યું હતું કે એ પોતે પણ બેન કિંગ્સ્લેની પર્ફેક્ટ એક્ટીંગ જોઇને દંગ રહી ગયા હતા! (નસીરની મહાત્મા બનવાની ઇચ્છાનો મોક્ષ વર્ષો પછી કમલ હસનની ફિલ્મ ‘હે રામ!’માં થયો હતો.)

એ રીતે જુઓ તો ‘ભાગ મિલ્ખા ભાગ’માં પણ મુખ્ય ભૂમિકા ભજવનાર ફરહાન અખ્તર પણ ક્યાં સરદારજી હતા? ફરહાનની માફક જ પ્રિયંકાએ પણ ‘મેરી કોમ’ બનવા જે મહેનત કરી છે, એ પડદા ઉપર સ્પષ્ટ દેખાય છે. વળી, મણીપુરની આ ગૌરવશાળી એથ્લિટની જીવનકથા દેશ-વિદેશોમાં ત્રણ હજાર સ્ક્રિન પર જોવાઇ રહી છે એ શું નાની-સુની ઘટના છે? પ્રિયંકાને બદલે, ધારો કે, કોઇ મણીપુરી એક્ટ્રેસ હોત તો? આવો ઇન્ટરનેશનલ આવકાર મળત કે અને ફિલ્મના પ્રમોશન માટે પ્રિયંકાની જેમ આંતરરાષ્ટ્રીય દોડાદોડ કરી શકત કે?

પ્રિયંકાએ તો ‘મેરી કોમ’ માટે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીફ)માં હાજરી આપવા કરેલી વિમાની હડીયા-દોટીનો ફિલ્મી ઇતિહાસમાં કોઇ જવાબ નહીં હોય! તેણે કેનેડા આવવાની ૧૮ કલાકની મુસાફરી કરીને ટોરન્ટો ફેસ્ટિવલમાં ઓડિયન્સ સાથે પિક્ચર જોયું અને ૭ જ કલાક રહીને ફરી મુંબઈની ફ્લાઇટ પકડી લીધી હતી! તેનાથી ટોરન્ટોનું મીડિયા ખુશ નહતું એ અલગ વાત છે. પરંતુ, ટૂંકા સમયમાં શક્ય એટલાં વધુ સ્થળે ઉપસ્થિત રહીને ફિલ્મનું પ્રમોશન કરતી આ હીરોઇન માટે નિર્માતા કહે છે કે  ‘પીસી  જેસી કોઇ નહીં!’ આવા પ્રોફેશ્નાલિઝમને લીધે જ કદાચ પ્રિયંકાને મોડેલિંગનો સૌથી વધુ ભાવ ૧૧ કરોડ તાજેતરમાં ઓફર થયો છે. તેની સામે દીપિકાના ૬ કરોડ કે કરીના અને કટરિનાના ૪-૫ કરોડની સરખામણી સ્વાભાવિક જ થવાની. પ્રિયંકા અને રાનીની ફિલ્મોના મુક્કાનો અવાજ હજી બંધ નથી થયો, ત્યાં દીપિકા અને બિપાશા બાસુની ટક્કર આ શ્રાધ્ધના સમયમાં આવી છે.


દીપિકાની આ શુક્રવારે ૧૨મીએ આવેલી ફિલ્મ ‘ફાઇન્ડિંગ ફેની’ અને બિપાસાની હોરર મુવી ‘ક્રિએચર થ્રી ડી’ વચ્ચે સ્પર્ધા હશે. અગાઉની ‘મર્દાની’ અને ‘મેરી કોમ’ પણ થિયેટર્સમાં હોઇ એમ પૂછવાનું મન થાય કે “કહાં ગયે સારે હીરો?” જો કે ‘હીરો લોગ’ પોતપોતાના દાવની ફિરાકમાં છે. એક્ટરોના અનુભવી ડીસ્ટ્રીબ્યુટર્સ દર સાલ ભાદરવા-આસોમાં પિક્ચરો રિલીઝ કરતાં ગભરાતા આવ્યા છે. ભાદરવા સુદના ૧૫ દિવસ ગણેશોત્સવના અને પછી વદમાં શુભ કાર્ય કરવા યોગ્ય નહીં ગણાતાં ‘સરાદીયાં’ (શ્રાધ્ધ પક્ષ) આવે. પછી નવરાત્રીના ગરબા ચાલે ઠેઠ શરદ પૂનમ સુધી અને તેમાં એટલો આનંદ આવતો હોય છે  કે દશેરા સુધી કોઇ જુવાનિયાં સિનેમા સુધી ડોકાય પણ નહીં.
 
પછી દિવાળીના કામમાં ગૃહિણીઓ અને પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓ હોય. ધંધાવાળાઓ હિસાબ-કિતાબ અને ઉઘરાણીમાં પડ્યા હોય. પિક્ચર જોવા આવે કોણ? આ ડ્રાય પિરીયડમાં નાની ફિલ્મો અથવા તો જેમને આડે દિવસે થિયેટર્સ મળતાં ન હોય એવા મોટા પ્રોજેક્ટ્સ સહિતના સૌનો મોક્ષ થઈ જાય! એટલે હજી ‘ખુબસુરત’ કે ‘દાવત-એ-ઇશ્ક’ જેવા લક્ષ્મી છાપ ટેટાની લૂમ ફુટી શકશે. ફિલ્મો માટે સિનેમાગૃહો ઉપલબ્ધ હશે. પણ પછી દશેરાએ રિતિક રોશન અને કટરિનાની ‘બેંગ બેંગ’ના ધડાકા અને દિવાળી ઉપર શાહરૂખની ‘હેપ્પી ન્યૂ યર’નો સુતળી બોંબ! રિતિક અને શાહરૂખની બોડીના ‘એઇટ પૅક્સ’ની પબ્લિસિટી એટલી બધી થઈ રહી છે આજકાલ, જાણે કે એ પૅક જ થિયેટરોને પૅક કરી દેશે.  આ સાલ શું થશે એ તો કોણ જાણે..... પણ એક કરતાં વધુ વખત અનુભવાયું છે કે ઘણીવાર ઓડિયન્સ ‘પૅક’ સાબિત થતું હોય છે! શું કહો છો?  




તિખારો!


‘મેરી કોમ’ના કારણે નોર્થ-ઇસ્ટના લોકોની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ડેની ડેંગ્ઝોપ્પાએ વરસો પહેલાં કહેલી પોતાના અનુભવની વાત યાદ આવે છે. ત્યારે ડેની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાંથી બીજા નંબરે પાસ થઈને મુંબઈ આવેલા. (પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ તે સાલ જયા ભાદુરીએ મેળવેલો.) પરંતુ, જે નિર્માતા પાસે કામ માગવા જાય ત્યારે તેમના ફેસ-ફિચર જોઇને ઇનકાર કરી દેતા. તે દિવસોમાં લોકો તેમને ‘વો ગુરખા એક્ટર’ તરીકે ખાનગીમાં ઓળખતા. પછી તેમનો સિતારો તેજ થયો ત્યારે એક દિવસ સ્ટુડિયોના નેપાલી ચોકીદારે ડેનીની કાર રોકીને સલામ કરતાં કહ્યું, “શા’બ હમ કો સભી ડેની કહતે હૈં; તો હમ કો બડા અચ્છા લગતા હૈ” ડેની કહે “મારી આંખમાં ઝળઝળિયાં હતાં....!”


       





1 comment: