હવે શાહરૂખ કરે છે પ્રમોશનનો પણ ‘હૅપ્પી ન્યૂ વ્યાપાર’!
‘મેરે
કરણ-અર્જુન આયેંગે’ એવું હવે ‘કલર્સ’ ચેનલવાળા પણ કહી શકશે કે? કારણ તેમના મેગા શો
‘બીગ બૉસ’ની નવી સિઝનમાં હાજરી આપવા હોસ્ટ સલમાને શાહરૂખ ખાનને ઑફર કરી છે. આમાં કોણ કોને ફેવર કરે છે એ સમજવું અઘરું છે.
શાહરૂખને દિવાળી પર આવનારી પોતાની નવી ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ માટે કોઇપણ પ્રકારની
પબ્લિસિટિની આવશ્યકતા રહેવાની. સામે પક્ષે ‘બીગ બૉસ’ને પણ તેના મોટાભાગના અજાણ્યા અંતેવાસીઓ
(ઇન્મેટ્સ) તેમની પોતાની હરકતોથી લોકપ્રિય થાય ત્યાં સુધી સલમાનની પૉપ્યુલારિટીના જ
સહારે ચાલવાનું થવાનું અને તેથી શાહરૂખ જેવા સુપર સ્ટારની એકાદ એપિસોડ માટેની હાજરી
પણ એ વિમાનને નવી ઊંચાઇ સર કરાવી શકે. વળી, ખુદ સલમાને કહ્યું છે એમ આ વખતે ‘કલર્સ’
ચેનલે નાણાં કોથળીના મોંઢાનો પરિઘ મોટો રાખ્યો છે અને તેને ખુલ્લી પણ મૂકી છે. એટલે
શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો શાહરૂખનો ‘ચાંલ્લો’ પણ પોસાશે!
તેથી
શાહરૂખ ‘હાઉસ’માં રહેલા સૌ માટે, સલમાન સાથે સેટ પર તેની આદત અનુસારની ‘પૈસા વસુલ’
કૉમેન્ટ્સ અને ડાન્સ જેવી મઝા કરાવીને “છાશ લેતી આવું અને ઠપકો દેતી આવું”વાળો ખેલ
કરી શકે. જો કે એ ઑફરનો શાહરૂખે પણ હજી સાવચેતીભર્યો પ્રતિભાવ (ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં
‘ગાર્ડેડ રિસ્પોન્સ’ કહેવાય એવો!) આપ્યો છે. ‘જોઇશું અનુકૂળતા હશે તો ચોક્કસ જઈશું’
એ જવાબમાંની ‘અનુકૂળતા’ સામાન્ય રીતે સમયની હોય છે અને ફિલ્મ ઉદ્યોગમાં ‘ટાઇમ ઇઝ મની’
હોય છે, એ કોણ નથી જાણતું? શાહરૂખ દરેક પ્રસંગને
બિઝનેસની તક બનાવી દે છે તેનો એક ઑર દાખલો એટલે આ અઠવાડિયે તેની શરૂ થતી ‘સ્લૅમ’ ટાઇટલવાળી ઇન્ટરનેશનલ ટુર! (‘સ્લેમ’ એ સાઉન્ડ, લાઇટ્સ,
એક્શન અને મુવીનું ટૂંકાક્ષરી નામ છે.) એક તરફ સલમાન આજકાલ પ્લેનના સેટ પર ‘બીગ બોસ’નું
પ્રમોશન કરે છે, જ્યારે શાહરૂખ પોતાની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ને પ્રમોટ કરવા એ ફિલ્મના
સિતારાઓને એક્ચ્યુઅલ પ્લેનમાં લઈ જશે. આ પ્રવાસમાં ૧૯મીએ હ્યુસ્ટન, ૨૦મીએ ન્યૂ જર્સી,
૨૧મીએ વોશીંગ્ટન, ૨૬મીએ શિકાગો, ૨૭મીએ કેનેડાના વેનકુવરમાં અને ૨૮મીએ સાન્ફ્રાન્સિસ્કોના
સેનહોઝેમાં એ સ્ટેજ શો કરી રહ્યો છે.
શાહરૂખ સાથે દીપિકા, અભિષેક, માધુરી, મલૈકા અરોરા, યો યો હની સિંગ, સોનુ સુદ, ફરાહ ખાન વગેરે ‘હેપ્પી ન્યૂ યર’ના કલાકારો હશે. શાહરૂખે લગભગ દસ વરસથી સ્ટેજ શોની પોતાની કોઇ ટુર ઓર્ગેનાઇઝ કરી નથી. તેથી વિદેશી ઑડિયન્સમાં ઉત્સુકતા પણ રહેવાની અને એ શો સારો વકરો આપશે એ પણ નક્કી મનાય છે. એટલે જે પ્રમોશન પાછળ બીજાં પ્રોડક્શન હાઉસને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, એ જ પ્રમોશન શાહરૂખ લાખો ડોલર કમાઇને કરશે! પેલી કહેવત ‘આમ કે આમ ઔર ગુટલીયોં કે ભી દામ’ એ અહીં કેવી સાચી પડે છે? સૌ જાણે છે એમ, ‘હેપ્પી ન્યૂ યર’ એ શાહરૂખની પોતાની કંપની ‘રેડ ચિલીઝ’ના બેનરની છે. તેથી એક નિર્માતા તરીકે તેણે આ એક નવો ચીલો ચાતર્યો એમ કહી શકાય. બીજા પ્રોડ્યુસર્સ પોતાના સ્ટાર્સને ઇન્ડિયાનાં વિવિધ શહેરોમાં સિનેમાગૃહો કે મૉલમાં ફેરવીને પિક્ચરનો પ્રચાર-પ્રસાર કરાવે છે. જ્યારે આ ‘ખાન’ ઇન્ટર્નેશનલ પ્રમોશન કરે છે અને તે પણ ઉપરથી પૈસા કમાઇને! શાહરૂખ જાણે છે કે ૧૦૦ કરોડના સ્કોરની હવે નવાઇ નથી રહી. જો વધારે મોટો સ્કોર કરવો હશે તો હવે ૫૦-૬૦ કે ૮૦થી ગુણાકાર કરી શકાય એવાં ઇન્ટરનેશનલ નાણાંનું કલેક્શન કરવું એ જ રસ્તો છે. તેથી ‘હેપ્પી ન્યૂ યર’ આ દિવાળીએ વકરાના નવા રેકોર્ડ નહીં કરે તો એ જ મોટા ન્યૂઝ હશે!
અજય દેવગને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સોશ્યલ ફંક્શનમાં કરણ જોહરને આંતરીને પોતાને માટે કોઇ સમક્ષ કરેલી કોમેન્ટ્સનું કારણ પૂછ્યું ત્યારે ‘ગગફફ’ થઈ ગયેલા નિર્દેશકે પોતે ‘એવું નથી કહ્યું’ના ખુલાસા તો કર્યા. પરંતુ, એ ચોખવટ અજયને ગળે ઉતરી લાગતી નથી. અજય સાથેના વણસેલા સંબંધોને લીધે હવે કાજોલ માટે પ્લાન કરાયેલી કરણની એક મહત્વાકાંક્ષી ફિલ્મમાં કામ કરવું અસંભવ થશે. અજય એક સ્ટ્રેઇટ ફોરવર્ડ વ્યક્તિ છે અને તેથી તેનો હિસાબ કશાય પોલિટિક્સ વગરનો ‘એક ઘાને બે કટકા’વાળો હોય છે. તેણે ગઈ સાલ પોતાની સાળી તનિષાએ ‘બીગ બોસ’ના હાઉસમાં અરમાન કોહલી સાથે ખુલ્લેઆમ રંગરેલિયાં મનાવી અને રીતસર પુરુષના પગ-લુછણિયા જેવું વર્તન કર્યું; ત્યારે અજયે સલમાનને કહીને તેને ઘર-બહાર કરવાનો પ્રયત્ન કર્યાના સમાચાર પણ તે દિવસોમાં આવ્યા હતા. (જો કે તનિષા પણ અડગ છે. તે ગયા અઠવાડિયે અરમાનના પિતા રાજકુમાર કોહલીના જન્મદિને તેમના ઘેર ઉજવણીમાં ઉપસ્થિત હતી. તેની સાથે ‘બીગ બોસ’ના તેના સાથીદારો ‘એનડી’ અને એલી એવરામ પણ હતા.)
એ જ રીતે અજયે ‘સન ઓફ સરદાર’ વખતે ‘યશરાજ’ સામે કેસ કરીને બાખડી બાંધવામાં ખચકાટ નહતો કર્યો અને હવે તેણે કરણ જોહરને પણ ધંધાકીય રીતે આડે હાથે લેવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. તેણે પોતાની ફિલ્મ ‘ઍક્સન જૅક્સન’ રિલીઝ કરવાની તારીખ આ અઠવાડિયે પાંચમી ડિસેમ્બર જાહેર કરી અને ટ્રેડના સૌ ચોંકી ગયા છે. બિઝનેસ સાથે સંકળાયેલા સુ જાણે છે કે તે જ દિવસે કરણ જોહરે ઇમરાન હાશ્મીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતું પોતાનું પિક્ચર ‘ઉંગલી’ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરેલું છે. સ્વાભાવિક છે કે અજય દેવગન સામે ઇમરાન હાશ્મીનો સ્ટાર પાવર ઓછો પડવાનો અને તેથી મોટાભાગનાં થિયેટર્સ પોતાના સ્ક્રિન્સ ‘ઍક્સન જૅક્સન’ને આપશે. (આને શું કહીશું? ‘જૅક્સન કા ઍક્સન’ કે પછી ‘ઉંગલી મેં ઉંગલી’!)
તિખારો!
No comments:
Post a Comment