Sunday, November 23, 2014

ફિલમની ચિલમ..... નવેંબર ૨૩,૨૦૧૪


ટ્વેન્ટી-ટ્વેન્ટીના જમાનામાં....


ફિલ્મ સર્જકનો શોક, એક ટ્વીટમાં પતી જાય!

 

ફિલ્મો અને રંગમંચની એક આખી જનરેશન ધીમે ધીમે વિદાય થઈ રહી છે. અલબત્ત એ કુદરતનો ક્રમ છે. પરંતુ, જેમનું નામ સાંભળીને ‘સન્નિવેશ’ જેવો ગુજરાતી શબ્દ ગુજરાતીઓ શીખ્યા હોય એવા નાટકોના સેટના ડિઝાઇનર ‘છેલ-પરેશ’ની જોડીના ‘છેલભાઇ’ એટલે કે છેલશંકર વાયડાની ૭૯ વર્ષની ઉંમરે ચિરવિદાય થઈ. ગુજરાતી નાટકો જોનારા સૌને પ્લે શરૂ થતાં અગાઉ જ્યારે નેપથ્યમાંથી ‘કલા-સન્નિવેશ...... છેલ-પરેશ’ એમ જ સંભળાય; એટલી હદે ધરખમ તેમનું કામ હતું. નાટક ભજવનારા પ્રવીણ જોશી અને કાન્તિ મડિયાથી ઠેઠ આજના સંજય ગોરડીયા સુધીના અલગ અલગ હોઇ શકે, મુંબઈની સર્જન સંસ્થા કોઇપણ હોય; તેમાં સેટ ડિઝાઇનર તો ‘છેલ-પરેશ’ જ હોય. તેમના હાથે લગભગ ૫૦૦ જેટલાં નાટકોના સેટ ડિઝાઇન થયા છે. આ હકીકત પોતે એક વિશ્વ રેકોર્ડ હશે. તેની નોંધ ‘ગિનિસ બુક’ અથવા ‘લીમ્કા બુક’માં ના લેવાઇ હોય એ છેલભાઇનો સતત કામ જ કર્યા કરવાનો સ્વભાવ જોતાં સ્વાભાવિક લાગે છે.  
     
‘છેલ-પરેશ’ની જોડીને શંકર-જયકિશન કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ અથવા તો સલીમ-જાવેદ સાથે ના સરખાવી શકાય. કેમ કે તેમાં સમયાંતરે તિરાડ પડી શકી હતી. ‘છેલ-પરેશ’ના બીજા સભ્ય પરેશ દરૂ હકીકતમાં તો જે જે કોલેજ ઓફ આર્ટ્સમાં છેલભાઇના પ્રોફેસર હતા અને ’સાઇઠના દાયકામાં ‘મને સૂરજ આપો’ નાટકથી પોતાના વિદ્યાર્થી સાથે ‘ગુરૂ’ જોડાયા હતા. પણ કોલેજમાં કળા શીખવા દાખલ થયા તે પહેલાંનો કચ્છના આ આર્ટીસ્ટ છેલભાઇનો મુંબઈમાં સંઘર્ષ ભારે હતો. તેમની કલાપ્રીતિનું ઝનૂન જ  એવા કપરા સંજોગોમાં તેમને ટકાવી ગયું. એકવાર ‘છેલ-પરેશ’નાં કામ અને નામ બન્ને જાણીતાં થયાં પછી તેમણે કરેલાં નાટકોની યાદી કરીએ તો ગુજરાતી રંગભૂમિનો છેલ્લાં પચાસ વર્ષનો ઇતિહાસ મળી રહે! (ગુજરાતી અખબારોમાં ‘અંદાઝે બયાં’ના કોલમિસ્ટ તરીકે લોકપ્રિય અને ‘રંગીલા’ જેવી ફિલ્મના સંવાદ લેખક તથા સંજય દત્ત અને ઉર્મિલાને લઈને બનેલી ‘ખુબસુરત’ના દિગ્દર્શક એવા તેમના દીકરા સંજય છેલ, અભિનેત્રી પુત્રી અલ્પના, જમાઇ અભિનેતા મેહુલ બુચ જેવા સૌએ મળીને આ કરવા/કરાવવા જેવું આ કામ છે..... ઓફ કોર્સ જો ના થયું હોય તો જ.)ગુજરાતી નાટકોના અમારા જેવા રસિકોને તો એક સાથે પ્રવીણ જોશી, કાન્તિ મડિયા, અરવિંદ જોશી, ચંદ્રવદન ભટ્ટ, અરવિંદ ઠક્કર, વિજય દત્ત, હની છાયા અને શૈલેશ દવે જેવાં નામો સાંભળીને કોઇ અલૌકિક રોમાંચ થઈ જાય છે! એ સૌનાં નાટકોની વિગતો છેલભાઇના રેફરન્સ સાથે ઉપલબ્ધ થાય એ કેવો સરસ કર્ટેઇન કૉલ થાય?  


આ જ સપ્તાહે રવિ ચોપ્રાનું પણ અવસાન થયું, જે બી.આર. ફિલ્મ્સ જેવી નિર્માણ સંસ્થાના કર્તા-હર્તા હતા જ્યાંથી ‘વક્ત’, ‘નયા દૌર’, ‘કાનૂન’, ‘ઇત્તેફાક’થી લઈને ‘ટાવરીંગ ઇફર્નો’ જેવી હોલીવુડની ફિલ્મના ટેક્નિશ્યન્સને લઈને બનેલી ‘બર્નીંગ ટ્રેઇન’ જેવી કૃતિઓ મળી હતી. ખુદ રવિ ચોપ્રા પણ ‘મહાભારત’ સરખી ઇતિહાસ સર્જક સિરીયલના નિર્દેશક હતા. યાદ છે ને? ‘મહાભારત’ના પ્રસારણ વખતે રોડ પર રીતસર કરફ્યુ હોય એવી સ્થિતિ થતી હતી. સતત બે વરસ સુધી દર્શકોને જકડી રાખવા એ જે તે સમય ૧૯૮૮ની કેવી મોટી ઉપલબ્ધિ હતી! રવિ ચોપ્રાએ ૯૪ કલાકની એ શ્રેણી બનાવી તે ૩૦ પિક્ચર બનાવ્યા બરાબર થાય અને તે પણ સેંકડો કલાકારો-કસબીઓને મેનેજ કરવા પડે એવી મહા-સિરીયલ. ફિલ્મના દિગ્દર્શક તરીકે પણ અમિતાભ બચ્ચનને યાદગાર રોલમાં રજુ કરનાર પિક્ચર ‘બાગબાન’ના પણ રવિ પડદા પાછળના ખરા બાગબાન હતા. તેમના ‘બી. આર.’ના ડબીંગ અને એડિટીંગ સ્ટુડિયોથી પણ ફિલ્મ જગતમાં કોણ અજાણ્યું હશે? એ સ્ટુડિયો ભાડે રાખીને તેમાં કેટકેટલી અને કેવી કેવી ફિલ્મોને આખરી રૂપ મળ્યું હશે. એવી ધરખમ વ્યક્તિ સદાને માટે જાય અને છતાં ફિલ્મોની પાર્ટીઓ કે જલસા યથાવત ચાલે, એ કેવું?

રવિ ચોપ્રાના કાકા યશ ચોપ્રાની નિર્માણ સંસ્થા ‘યશરાજ’ની ‘કીલ/દિલ’ની રજુઆત તો અગાઉનાં આર્થિક કમિટમેન્ટ હોય એટલે મોકુફ ન રખાય, એ સ્વાભાવિક છે. (અગાઉના સમયમાં તો મોટાભાગના સ્ટુડિયોમાં કામ બંધ કરી દેવાતું.) પરંતુ, પ્રિમિયર જેવી ધામધુમ તો સાદાઇમાં ફેરવી શકાયને? છાપાઓમાં ફિલ્મની સ્ટારકાસ્ટ પરિણિતી ચોપ્રા તથા રણવીરસિંગ સહિતના સૌના ફોટા જોતાં લાગે નહીં કે જે પ્રોડક્શન હાઉસ તરફથી એ શોનું આયોજન થયું હતું, તે યશરાજના વડા આદિત્ય ચોપ્રાના સગ્ગા કાકાના દીકરા ફિલ્મની રજુઆતની તારીખ ૧૪મી નવેંબરના બે જ દિવસ પહેલાં ૧૨મી નવેંબરે ગુજરી ગયા હતા!  (૨૦-ટ્વેન્ટીના જમાનામાં હવે શોક પણ ઝડપથી ઉતરી જાય છે?!) હવે ટ્વીટર પર ‘આર આઇ પી’ સહિતનો ૧૪૦ કેરેક્ટરનો ટૂંકો શોક સંદેશો લખી દેવાથી કામ પતી જાય છે. (એવા પ્રસંગે સાહિર લુધિયાન્વીના શબ્દો યાદ આવે.... ‘કૌન રોતા હૈ કિસી ઔર કી ખાતિર અય દોસ્ત, સબકો અપની હી કિસી બાત પે રોના આયા..”!)

રવિ ચોપ્રાના શોકના દિવસોમાં જ સલમાનની બેન અર્પિતાનાં લગ્નની ધામધુમ પણ મીડિયામાં ચગી અને તેમાં ખાન ત્રિપુટીના સમાચાર સ્વાભાવિક જ મુખ્ય રહ્યા. ખાસ કરીને સલમાન અને શાહરૂખે મળીને  હૈદ્રાબાદ નહીં આવી શકેલા અને દિલ્હીમાં બેઠેલા આમિરને ‘સ્કાઇપ’ જેવા ‘ફેસટાઇમ’ ઉપર વાતો કરીને આખી રાતનો ઉજાગરો કરાવ્યો એનું મહત્વ વધારે છે. તેનું કારણ છે.  એ તો જાણીતી વાત છે કે જ્યારે ‘ચલતે ચલતે’ના સેટ પર જઈને સલમાને તે વખતની ફિલ્મની હીરોઇન ઐશ્વર્યા રાય સાથે બદસલુકી કરી, ત્યારે નિર્માતા તરીકે શાહરૂખે મોટો ઝગડો કર્યો હતો અને છેવટે એવી નવી બબાલ ટાળવા ઐશ્વર્યાને બદલે રાની મુકરજીને લેવી પડી હતી. પછી તો ઐશ્વર્યાની દોસ્તી વિવેક ઓબેરોય સાથે થઈ અને છેવટે અભિષેક સાથે ઘરસંસાર માંડ્યો એ જાણીતો ઇતિહાસ છે. પરંતુ, એ જ ઝગડેલા ‘કરણ અર્જુન’ને ફરાહખાને ૨૦૦૪માં પોતાના લગ્ન પ્રસંગે ‘બોલતા’ કર્યા અને આજે સ્થિતિ એ છે કે એ બેઉ ભેગા થઈને ‘અંદાઝ અપના અપના’ની સ્ટાઇલમાં આમિરને આખી રાત જગાડે છે. 


અત્યારે સેંકડો કરોડોના બિઝનેસ સાથે ત્રણેય ખાનની બધી આંગળીઓ ઘીમાં ઝબોળાયેલી છે. લડવા-ઝગડવાનો કોઇ મતલબ નથી; એટલી સમજણ આવી હોય એમ લાગે છે. (ખાન સ્પર્ધા અને અણબનાવની એ બધી વાતો મીડિયાએ ઉડાવેલી છે એમ પણ હવે એ સૌ કહી શકશે.) તેથી સલમાને પોતાની પાસે થયેલી પૈસાની રેલમછેલને પોતાની દત્તક લેવાયેલી બહેનના લગ્નમાં પણ મોટાપાયે દેખાડી. અર્પિતાને પિતા સલીમ એક વરસાદી રાતમાં ફુટપાથ પરથી રડતી હાલતમાં ઘેર લઈ આવ્યા હતા. એ રીતે કુટુંબની સભ્ય બનેલી બહેનને ૧૬ કરોડ રૂપિયાનો ફ્લેટ તથા ચાર કરોડની રોલ્સરોય્સ ગાડી ભેટમાં આપવી એ દરિયાદિલીનું કામ છે. એ કદાચ અર્પિતાના પહેલા બોયફ્રેન્ડ અને લગ્નની લગભગ દરખાસ્ત સુધી પહોંચેલા એવા એક્ટર અર્જુન કપૂરને ત્યાં મળ્યો હોત એવો વૈભવ આપવાનો પ્રયાસ પણ હોય. અથવા  સલમાન પણ પેલી ઉક્તિમાં ખરેખર માનતો હોય કે આપણે કોના નસીબનું કે કોની દુવાઓનું કમાતા હોઇએ છીએ એ આપણને ક્યાં ખબર હોય છે?!

તિખારો!


‘કીલ/દિલ’માં પોતાની સામે ગન તાકીને ઉભેલા ગુંડાને ગોવિંદા કહે છે, “મારના હૈ તો મારો..... ઘૂર ઘૂર કે મેરા ટાઇમ વેસ્ટ મત કરો!!”   
 


 

3 comments:

  1. Sir, Amir khan did attend Arpita's marriage ceremony in Hyderabad

    ReplyDelete
    Replies
    1. Thanks for your comment.
      Aamir and family did go to Hyderabad. But it is also a fact that all three Khans spoke on Facetime. Keeping him awake all night by Salman and Shahrukh was disclosed by Aamir himself.

      Delete
  2. વાહ! હવે શોક પણ ઝડપથી ઉતરી જાય છે? બહુ જ સંવેદનાસભર સાચી વાત કહી દીધી, તમે!

    ReplyDelete