સદાશિવ
અમરાપુરકર....
હિન્દી પડદાને ‘તેન્દુલકર’ની ભેટ!
આમ
તો કેટરિના અને રણબીર કપૂર પોતાના નવા નિવાસસ્થાનને બજારમાંથી સજાવટની અવનવી વસ્તુઓ
સજોડે ખરીદી લાવી સજાવી રહ્યાથી માંડીને ‘હેપ્પી ન્યૂ યર’ને ભારતમાં ૨૦૦ કરોડનો આંકડો
કદાચ પાર નહીં કરી શકે એવાં ડચકાં ખાતાં કલેક્શન્સ અને ‘શૌકીન્સ’માં અભિષેક બચ્ચન અને
કરિના કપૂર બેઉ પણ મહેમાન કલાકાર તરીકે દેખાશે જેવા સમાચારો દર સપ્તાહની માફક આ વખતે
પણ છે. પરંતુ, આજે એ સૌને બાજુ પર રાખીને સદાશિવ
અમરાપુરકરને યાદ કરીશું, જેમનો ત્રીજી નવેંબરે દેહાંત થયો. સદાશિવજીનું સ્મરણ થતાં
સૌથી પ્રથમ ‘અર્ધસત્ય’નું તેમણે ભજવેલું ‘રામા શેટ્ટી’નું પાત્ર યાદ આવે. ખલનાયકીનો
એ એક નવો જ અંદાજ હતો. તેમાં એ ‘જંજીર’ના અજીતની માફક સુટબુટ પહેરેલા સોફિસ્ટીકેટેડ
વિલન ન હતા કે ના તેમાં ‘શોલે’ના ‘ગબ્બરસિંગ’ જેવી રફટફ પર્સનાલિટી અને સનકી માનસિકતા
સાથેની ક્રુરતા હતી.
‘મોગેમ્બો ખુશ હુઆ’ જેવો કોઇ તકિયાકલામ પણ નહીં. દારૂ-જુગારનો અડ્ડો ચલાવતો હોવા છતાં ‘રામા શેટ્ટી’ ઠંડકથી ઇન્સ્પેક્ટર બનતા ઓમ પુરીને સમજાવે છે (“તુમ હમારે તીન આદમીઓં કો પકડા.... ઠીક કિયા... કાનૂન કા હિફાજત તો હોના હી ચ મંગતા”) અલબત્ત એ વિલનગીરીમાં સ્ક્રિપ્ટ રાઇટર વિજય તેંદુલકરની કલમનો પણ કમાલ હતો. પરંતુ, તેને પડદા ઉપર જીવંત કરવાનું કામ સદાશિવ અમરાપુરકરનું હતું , જેમની એ પ્રથમ જ હિન્દી ફિલ્મ હતી! પહેલી મેચમાં સેન્ચુરી મારતા બેટ્સમેનની માફક તે વર્ષે એ છવાઇ ગયા હતા. ‘અર્ધસત્ય’ના એ રોલ માટે દિગ્દર્શક ગોવિંદ નિહલાનીએ તેમને એક નાટકમાં જોઇને પસંદ કર્યાનું મોટાભાગના શ્રધ્ધાંજલિ લેખોમાં કહેવાયું છે. પરંતુ એ અર્ધસત્ય છે! હકીકતમાં તો નાટ્ય-લેખક વિજય તેન્દુલકરે આ નાટ્યકર્મીને વાત વાતમાં કહ્યું કે તેઓ એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે અને તેમાંના ખલનાયકના પાત્ર માટે જો તેમને રસ હોય તો એ નિહલાનીજીને વાત કરે. સદાશિવની સંમતિ પછી તેન્દુલકરજીએ ગોવિંદ નિહલાનીને સજેશન કર્યું અને પછી તે મરાઠી નાટક ‘હેન્ડ્સ અપ’ જોવા ગયા.
એટલે
‘અર્ધ સત્ય’ અને તેને પગલે સદાશિવ અમરાપુરકરને મળેલી સફળતા જોઇએ તો હિન્દી ફિલ્મોમાં
પ્રવેશ કરવાનો કોઇ સંઘર્ષ તેમને કરવો પડ્યો નહતો. પરંતુ, અભિનયના ક્ષેત્રમાં પ્રવેશ
કરવા માટે તેમને ઘર-પરિવાર સાથે ખાસી જદ્દોજહદ કરવી પડી હતી. તેમના મધ્યમવર્ગી કુટુંબમાં
કોઇ એક્ટિંગ કે નાટકમાં પણ નહતું. તેથી તેમના વતન એહમદનગરની કોલેજના વિદ્યાર્થીઓ મળીને
દર સાલ જે ડ્રામા ભજવતા તેમાં પહેલા જ વર્ષે આ ગણેશકુમાર નરૌડેને ઇનામ મળ્યા છતાં પિતાજી
એ ક્ષેત્રમાં દીકરાને જવા દેવા રાજી નહતા. કેમ કે તેમાં આવક કોઇ નહતી.
પરંતુ, ‘આવક યા નો આવક’ ગણેશજીએ નિર્ણય પાક્કો કરી લીધો હતો અને તેથી જ કદાચ પોતાના એક નાટકના પાત્ર ‘સદાશિવ’ને પોતાનું નામ બનાવી લીધું. તેમના પિતાજીની નારાજગી છતાં તે પોતાની પસંદગીનું કામ કરી શક્યા, તેની પાછળ અન્ય નામ સાથેના છદ્મ વેશ ઉપરાંત તેમનાં પત્ની સુનંદાનો ટેકો પણ જવાબદાર હતો. સુનંદાજી એ દિવસોમાં ‘એલ આઇ સી’માં નોકરી કરતાં હતાં અને તેથી ઘરના બજેટમાં એ દંપતિ તરફથી પણ ફાળો રહેતો. જો કે શાદી-શુદા અને પિતા બની ચૂકેલા સદાશિવને, ‘નાટક-ચેટક’માંથી સમય મળે ત્યારે, નાના ભાઇની દુકાને બેસવા જવા સિવાયની કોઇ ઢંગની નોકરી કરવાની તાકીદ તો પિતાજી તરફથી મળ્યા જ કરતી.
એવું જ ‘ફિલ્મફેર’ના ‘શ્રેષ્ઠ ખલનાયક’ના એવોર્ડ વખતે થયું. એ પુરસ્કારનો પ્રારંભ ઠેઠ ૧૯૯૨માં થયો અને પહેલા જ વર્ષે સદાશિવ અમરાપુરકરે ‘સડક’ ફિલ્મમાંના તેમના પાત્ર ‘મહારાની’ માટે તે જીતી લીધો હતો. તેમાં રેડ લાઇટ એરિયામાં વેશ્યાગૃહ ચલાવતા હીજડાના રોલમાં તેમનો અભિનય કેવો અસરકારક હશે કે અમરીશ પુરી (સૌદાગર), ડેની (હમ) અને રઝા મુરાદ (હીના) જેવા ધુરંધરોને બાજુ પર રાખીને આપણા ‘ગણેશકુમાર’થી એ એવોર્ડના શ્રીગણેશ કરાયા. (કદાચ એ પર્ફોર્મન્સ જ એવો ધ્યાન આકર્ષક હતો કે એ કેટેગરી શરૂ કરવી પડી હશે..... નહીંતર ૧૫ જ વરસમાં ૨૦૦૭માં ‘શ્રેષ્ઠ ખલનાયકી’નો એવોર્ડ જ બંધ કરી દેવાત?) તેમને મુખ્ય વિલન તરીકે ચમકાવતી ‘હુકુમત’ તેની રજૂઆતના વર્ષ ૧૯૮૭ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. તેમાં હાઇલાઇટ વાત એ હતી કે તે સાલ બીજા નંબરે ‘મિસ્ટર ઇન્ડિયા’ રહી હતી, જેમાં અમરીશ પુરીના ‘મોગેમ્બો’નો દબદબો હતો.
પરંતુ, કોમર્શિયલ ફિલ્મોની બીબાઢાળ દુનિયામાં ભલભલા ટેલેન્ટેડ એક્ટર્સને એક ચોક્કસ
ચોકઠામાં ગોઠવાવું પડતું હોય છે અને સદાશિવ અમરાપુરકર પણ એ ચક્રવ્યુહમાંથી બહાર ન આવી
શક્યા અને તેથી તેમની અભિનય પ્રતિભાનો લાભ મરાઠી રંગમંચ અને મરાઠી ફિલ્મો જેવો હિન્દી
પડદાને કદાચ નહતો મળી શક્યો. તેમના નામે ‘ઇશ્ક’, ‘આંખેં’, ‘હમ સાથ સાથ હૈં’, ‘સબસે
બડા ખિલાડી’, ‘આખરી રાસ્તા’, ‘એલાન-એ-જંગ’, ‘નાકાબંદી’, ‘દૂધ કા કર્ઝ’, ‘કસમ સુહાગ
કી’, ‘કુલી નંબર વન’ વગેરે જેવી સંખ્યાબંધ ફિલ્મો હોવા છતાં તેમાં ‘રામા શેટ્ટી’ કે
‘મહારાની’ જેવી યાદગાર એક્ટિંગના છુટાછવાયા તણખા જ જોવા મળતા. જો કે તેમની છેલ્લે આવેલી
ફિલ્મ ‘બોમ્બે ટોકીઝ’માં એક સાવ નાના પાત્રમાં એ પાછા પોતાના અભિનયની તાકાત દેખાડી
ગયા હતા. (અમે હમેશાં કહીએ છીએ તે ફરી એક વાર સાબિત થયું કે રોલ કોઇ નાનો નથી હોતો....
એક્ટર જ નાના કે મોટા હોય છે!)
‘બોમ્બે
ટોકીઝ’માં સદાશિવજી પાછલી જિંદગીમા ચિંથેરેહાલ થયેલા એક અભિનેતા તરીકે એ પડદા ઉપર આવે
છે અને તેમાં એ પોતાના અમર નાટક ‘નટસમ્રાટ’નો એક ડાયલોગ પણ બોલે છે. ‘કોણી દેતાત કા
ઘર હા નટસમ્રાટાલા?’ (આ નટસમ્રાટને કોઇ ઘર આપશો કે?) અને રંગમંચની દુનિયાથી તમે જરા
પણ સંકળાયેલા હો તો સંવેદનાથી તમારાં રૂંવાડાં ખડાં થઈ જાય. (હજી યાદ છે વરસો પહેલાં
ગુજરાતી ‘નટસમ્રાટ’માં જોયેલો આપણા જસવંત ઠાકર દાદાનો એવો જ રોમ રોમ ઝણઝણાવી નાખતો
અભિનય.... વોટ અ પર્ફોર્મન્સ!) ત્યારે લાગે કે, સદાશિવ અમરાપુરકર બેઝીકલી કેવા ખમતીધર
એક્ટર હતા. એક એક્ટર હોવા છતાં સાવ સાદગીવાળા હતા. સેટ પર એ ચંપલ પહેરીને પણ આવે.
‘હકુમત’માં ઊંચાઇવાળા બુટ પહેરવાના હતા, તો તેનાથી ટેવાવા ડાયરેક્ટર અનિલ શર્મા પાસે
એક દિવસની મુદત માગી હતી.
સાથે સાથે એ એટલા જ સામાજિક નિસબતવાળા પણ હતા. તેમણે
સામાજિક કાર્યકરો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે એક ફંડ ઉભું કરવાની ડો. શ્રીરામ લાગુ
અને નીલુ ફુલે જેવા કલાકારોએ શરૂ કરેલી મુહીમ માટે સૌ સાથે મળીને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં
નાટકના શો કર્યા અને ૩૧ લાખ રૂપિયાનું એક ‘સામાજિક કૃતજ્ઞતા ફંડ’ ઉભું કર્યું. તેમાંથી
મેધા પાટકર જેવા ૪૦ સોશ્યલ વર્કર્સને માસિક પેન્શન અપાય છે. ૬૪ જ વર્ષે થયેલા તેમના
મોત પાછળ પણ એવી જ નિસબત જવાબદાર હશે શું? કેમ કે ગયા વર્ષે મહારાષ્ટ્ર જેવા દુષ્કાળ
પીડિત રાજ્યમાં હોળી નિમિત્તે પાણીનો બેફામ બગાડ કરતા લોકો સામે વિરોધ કરતાં ટોળાએ
તેમને બેરહમીથી પીટ્યા.એ પછી તેમની શારીરિક સ્થિતિ પાછી યથાવત ના જ થઈ અને ત્રીજી
નવેમ્બરે એમનો દેહાંત થઈ ગયો. પ્રભુ એ પ્રતિભાવંત અભિનેતાના આત્માને શાંતિ અર્પે!
No comments:
Post a Comment