Saturday, November 29, 2014

ફિલમની ચિલમ.... નવેંબર ૩૦, ૨૦૧૪



-તો ‘થ્રી ઇડિયટ્સ’માં કરિના કપૂર નહીં...
                             કદાચ અનુષ્કા શર્મા હોત!

 
શું ફિલ્મી ગૉસીપ કોલમોને મસાલાનો દુષ્કાળ પડશે? જે રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટૉપ સ્ટાર્સ ‘સમઝૌતા એક્સપ્રેસ’માં સવારી કરી રહ્યા છે, એ જોતાં ચટપટી અને તમતમતી ખબરોના ચાહકોને બીજી-ત્રીજી હરોળના નાના મોટા સ્ટાર્સના લડાઇ-ઝગડા અને વિવાદથી કામ ચલાવવું પડશે. કેમ કે અર્પિતાના લગ્ન પછી સલમાન, શાહરૂખ અને આમિર એ ત્રણ આજની તારીખના સૌથી મોટા સ્ટાર્સનું સમાધાન એ જ મોટા ન્યૂઝ હતા. (હવે “આ અર્પિતા કોણ? કયા પિક્ચરની હીરોઇન? કે દિગ્દર્શક?” એવો સવાલ પૂછનારને સિનેમાની કોલમ વાંચવાનો અધિકાર ખરો કે?!)  ખાન ત્રિપુટીને પગલે આ સપ્તાહે કરણ જોહર અને કાજોલે પણ પોતપોતાની કીટ્ટાને ભૂલીને બુચ્ચા કર્યાના સમાચાર અને ફોટા આવતાં કાજોલને લઈને કરણ નવું કશુંક એટલે કે ‘કુછ કુછ’ કરશે એવી આશા બંધાઇ છે. કરણને પોતાની નવી ફિલ્મમાં ઐશ્વર્યાના ગ્રીન સિગ્નલ પછી કાજોલના કિસ્સામાં મળેલી પીળી લાઇટ એકાદા નવા પ્રોજેક્ટને જન્મ આપી શકે.



ઐશ્વર્યાએ પોતે હજી ગ્રીન કે યલો એક પણ સિગ્નલની પુષ્ટિ નથી કરી. પરંતુ, પોતાની બર્થડે વખતે તેણે એ હીન્ટ આપી હતી કે ‘જઝ્બા’ ઉપરાંત બે અન્ય પ્રોજેક્ટ માટે પોતે સંમતિ આપી છે. પણ તેની જાહેરાત જે તે મુવી મેકર કરશે. જન્મદિન અગાઉના દિવસોમાં ઐશ્વર્યા અને કરણ જોહર મળે એ મુલાકાત ગોવાના ચીફ મિનિસ્ટર દિલ્હી જઈને પ્રધાનમંત્રીને મળે અને પછી એ મુખ્યમંત્રી મટીને દેશના સંરક્ષણ મંત્રી બને એવી શક્યતાવાળી ઘટના ગણાય. તે ઉપરાંત ઐશ્વર્યા અને સાસુમા જયા બચ્ચન ‘આંખેં’ અને ‘વક્ત....’ જેવી અમિતાભ બચ્ચનની ફિલ્મોના ડાયરેક્ટર વિપુલ શાહને  બે કલાક માટે મળ્યાં હતાં, એ મુલાકાતનું મહત્વ પણ ઓછું આંકવા જેવું નથી. કરણ જોહર અને વિપુલ શાહની સાથે સાથે સંજય લીલા ભણશાળી અને રાજકુમાર સંતોષીનાં નામ પણ ઐશ્વર્યાની સંભવિત નવી ફિલ્મોના સંદર્ભે બોલાય છે. ઐશ્વર્યાના પુનરાગમનની કરણની ફિલ્મમાં હીરો આમિર જેવો સિનિયર હશે કે પછી રણબીર સરખો યંગ ટર્ક એ સવાલ પણ છે. આમિરની હાજરી પ્રોજેક્ટને જુદી કક્ષામાં મૂકે એમ હોવા છતાં ‘બે અને બે ચાર નહીં, પણ બાવીસ થાય’ એવો હિસાબ કરનારાઓ કરણ અત્યારે જે ફિલ્મ ‘બૉમ્બે વૅલ્વેટ’માં વિલન તરીકે અભિનય કરી રહ્યો છે, તેની જ જોડી રણબીર અને અનુષ્કાને સાઇન કરે એવી શક્યતા વધારે ગણી રહ્યા છે.

કરણ જેવા વેપારીને આમિર જેટલો સમય લે પોસાય નહીં અને વધારે તો દિગ્દર્શનમાં હીરોનાં ‘સજેશન્સ’નો પણ ડર રહે. એ ઉપરાંત કલાકારોને સાઇન કરતી વખતે ‘ધર્મા’માં ન્યુમરોલોજી  જેવા પૌરાણિક શાસ્ત્રનું પણ મહત્વ પણ ખરું જ. એ જોતાં સૈફ અલી ખાને કરણ જોહર, એકતા કપૂર કે રાકેશ રોશન જેવા કોઇને મળવું જોઇએ. ‘હેપ્પી ઍન્ડિંગ’ના ટિકિટબારી પર જે બુરા હાલ થયા છે તે જોતાં તેની કરિયરને એકાદા તિલસ્મી ટોટકાની જરૂર હોય એવું  લાગે છે. સૈફની ‘બુલેટ રાજા’ અને ‘હમશકલ્સ’ પછીની આ સતત ત્રીજી ફ્લોપ ફિલ્મ થતાં ક્રિકેટની ભાષામાં હેટ્રિક થઈ છે. સિનેમાના બિઝનેસમાં અત્યારે સૈફની કક્ષાના સ્ટાર્સની પ્રોડક્ટ ઉપર જે પ્રકારે ૫૦ થી ૧૦૦ કરોડનાં ઇન્વેસ્ટમેન્ટ લાગે છે, તેની સામે માર્કેટ વળતર પણ એવું તગડું માગે એ સ્વાભાવિક છે. પરંતુ, ગયા નવેંબરમાં રિલીઝ થયેલી ‘બુલેટ રાજા’ના ડિસ્ટ્રીબ્યુટરે ૯૦ કરોડમાં ખરીદેલી ફિલ્મને પહેલા દસ દિવસમાં ૩૦ કરોડની આસપાસનો જ વકરો મળ્યો હતો! (તેના સેટેલાઇટ રાઇટ્સ પણ ૪૦ કરોડમાં વેચાયા હતા. તેમાં કેટલું વળતર અને કેટલો ઘાટો એ વળી જુદી જ વાર્તા થાય.)


તે પછીની મોટી ફિલ્મ ‘હમશકલ્સ’ પણ ૮૦ કરોડમાં બની હતી અને મોટી પ્રાઇસ મળી હોઇ નિર્માતાને કદાચ કોઇ નુકશાન ના ગયું હોય. પણ બોક્સ ઓફિસ પર તે પિક્ચરનાં ચોથા દિવસથી થતાં એવરેજ કલેક્શન્સ તેના ખરીદનારાઓને કોઇ રીતે હૅપ્પી ના કરી શકે. જ્યારે આ વખતે ‘હૅપ્પી ઍન્ડિંગ’માં તો ગ્રાફ ઘટતો ઘટતો એ સ્થિતિએ પહોંચ્યો છે કે ચોથા દિવસ સુધી રાહ પણ જોવાની ના રહી..... પહેલા દિવસે જ એવરેજ કલેક્શન્સ આવ્યાં છે! સૈફ જેવા સ્ટારની ૨૫૦૦ સ્ક્રિન્સ પર રિલીઝ કરાયેલી ફિલ્મને ૧૫ કે ૨૦ ટકા હાઉસ ભરાતું જોવા મળે અને કુલ વકરો ચાર કરોડ થાય એ કેવી મોટી નિષ્ફળતા કહેવાય! મંગળવારે માંડ એક કરોડ રૂપિયા ભેગા થતાં હવે સૈફની ફિલ્મ પર બ્લાઇન્ડ રમનારા ઘટતા જવાના. વળી, ‘હેપ્પી ઍન્ડિંગ’માં સૈફને પોતાને પણ કોરે બરડે નથી નીકળવાનું. કારણ કે તેનું પ્રોડક્શન સૈફની કંપનીએ જ કરેલું છે. તેના ખુદના પૈસા પણ લાગેલા હોઇ નિર્માતા તરીકેનું આર્થિક નુકશાન પણ છોટે નવાબને જ ભોગવવાનું છે.

‘હેપ્પી ઍન્ડિંગ’ રિલીઝ થતાં અગાઉ એમ હતું કે એ તેના પછી આવનારા કયા પિક્ચરને તે નડશે? પણ હવે એવો કોઇ ભય દેખાતો નથી. તેની પાછળ ડિસેમ્બરના રિલીઝની લાઇનમાં ‘ઉંગલી’ અને ‘એક્શન જેક્સન’થી માંડીને ઠેઠ ‘પીકે’ સુધીના સૌ ઉભા જ છે અને તે સૌ તેને નડે એવો ઘાટ છે. ‘પી કે’ની રજૂઆત અગાઉ જે રીતે પોસ્ટર્સને રિલીઝ કરીને વિવાદથી શરૂઆત કરીને ધીમે ધીમે પ્રચારનું મોમેન્ટમ વધારાય છે, તે આમિરની ફિલ્મનો હવે ટ્રેડ માર્ક છે. ‘પીકે’ની હીરોઇન અનુષ્કા શર્મા પણ એ પ્રચાર-પ્રસારમાં પોતાની રીતે ફાળો આપી રહી છે. હમણાં તેણે એક ધડાકો કર્યો કે ‘પી કે’ના ડાયરેક્ટર રાજ્કુમાર હીરાણીની આમિર સાથેની અન્ય એક સુપર-ડુપર હીટ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની હીરોઇન તરીકે ઓડિશન આપનારી લગભગ બસ્સો નવી છોકરીઓમાં અનુષ્કા પોતે પણ હતી! છેવટે કોઇ નવી બાલિકાને ચાન્સ આપવાને બદલે કરિના કપૂરને લઇને પ્રપોઝલને વધારે સેફ કર્યું હતું એ અલગ વાત છે. 


અનુષ્કાનું આગમન છેવટે યશરાજની ‘રબને બનાદી જોડી’થી અન્ય ખાન શાહરૂખ સાથે થયું એ તો જાણીતી વાત છે. તે પછીના ‘બેન્ડ બાજા બારાત’ વખતે રણવીરસિંગ સાથેના તેના સંબંધો પણ રીયલ બેન્ડ બાજા બારાત સુધી પહોંચી શક્યા હોત. તે એટલે સુધી કે કોઇ જાહેર સમારંભમાં રણવીર પણ સલમાન ખાને અર્પિતાના લગ્નની ઉજવણી દરમિયાનના નાચ-ગાના વખતે કટરિનાને જે રીતે નિમંત્રી હતી, તે અદામાં અનુષ્કાને સ્ટેજ પર બોલાવી શકે! (“અનુષ્કા તુમ્હારા ગાના બજ રહા હૈ... પ્લીઝ સ્ટેજ પર આઓ.... અનુષ્કા શર્મા આઓ.... ઓકે નૉટ અનુષ્કા શર્મા, અનુષ્કા કોહલી...” અને પછી જાહેરમાં કહી શકે, “ક્યા કરું? મૈંને તો તુમ્હેં અનુષ્કાસિંગ બનને કા મૌકા દિયા થા....લેકિન તુમને કોહલી બનના પસંદ કિયા!”) 
  
તિખારો!

બૉક્સ ઓફિસ પણ પોતાનું બૅલેન્સ કેવું જાળવે છે?.......  દરેક ‘હૅપ્પી ન્યૂ યર’ની સાથે સાથે એકાદ ‘હૅપ્પી ઍન્ડિંગ’ પણ આપે જ છે!!  




No comments:

Post a Comment