Saturday, January 12, 2013

ફિલમની ચિલમ... ૧૩ જાન્યુઆરી, ૨૦૧૩







 હવેનાં ઍવોર્ડ ફંકશન એટલે..... ‘આયેગા વો પાયેગા’!
 

કોઇ મૅચમાં પહેલા બોલે સરસ શૉટ વાગે અને જે તાળીઓ સ્ટેડીયમમાં ગૂંજે એવો માહૌલ ૨૦૧૩ના પ્રથમ શુક્રવારે ચોથી જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘ટેબલ નં. ૨૧’ના બૉક્સ ઑફિસ રિપોર્ટથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. કેટલાકના મતે એ ૨૦૧૩ના વર્ષની પહેલી હીટ સાબિત થશે. કેમ કે એકમાત્ર પરેશ રાવલ સિવાય કોઇ ખાસ જાણીતા ફિલ્મ‘સ્ટાર’ ફિલ્મમાં નથી. તેથી પ્રમાણમાં નાના બજેટની આ પ્રૉડક્ટ છે અને તેની સામે પહેલા ચાર જ દિવસમાં લગભગ ૭ કરોડનો વકરો કરી લીધો છે! તેથી કોઇ સાવ અજાણ્યો ખેલાડી સન્માનજનક સ્કોર કરે એવી આ ઘટના છે. ખાસ કરીને જ્યારે તેનો સામનો ‘દબંગ-ટુ’ જેવી તોતીંગ બજેટની મોટા સ્ટારની ફિલ્મ સાથે હોય. ( બજેટની રીતે કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ ૯૫ કરોડની લાગતથી બની હોવાનું જાહેર થયું છે, આ તો અમસ્તું!)

‘દબંગ -ટુ’ ત્રીજા સપ્તાહે આઠ કરોડ એકત્ર કરે અને સામે ‘ટેબલ નં.૨૧’ સત્તો મારે ત્યારે શરૂઆતમાં કેટલાક ટ્રેડ નિષ્ણાતોએ ભાખેલા ‘મિક્સ્ડ રિપોર્ટ’ને હવે ટેબલ નીચે સંતાડવાનો વારો આવે તો નવાઇ નહીં. આ ફિલ્મે ફરી એક વાર સાબિત કર્યું કે પરેશ રાવલ એકલ પંડે થિયેટરમાં ગુણી પ્રેક્ષકોને લાવવા શક્તિમાન છે. કેમ કે મુખ્ય કલાકાર તો ટીના દેસાઇ અને  ‘ડીલ યા નો ડીલ’ જેવા ટીવી ગેમ શોનું સંચાલન કરનાર રાજીવ ખંડેલવાલ છે. તેણે એક જમાનામાં ‘કહીં તો હોગા’ સિરીયલમાં સોહામણા ‘સુજલ ગરેવાલ’ તરીકે ‘કશીશ’ બનતી ખુબસુરત આમના શરીફ સાથે લોકપ્રિય જોડી બનાવી જરૂર હતી. પરંતુ, હિન્દી ફિલ્મના ‘હીરો’ તરીકેનો સ્ટાર પાવર ક્યાં?

 એવું પણ નથી કે નાની સ્ટાર કાસ્ટ સાથે એકાદા જાણીતા નામને લઇને બનાવેલી બધી ફિલ્મો સફળ થાય જ એવી પણ કોઇ ફોર્મ્યુલા છે. નહીં તો ચોથી જાન્યુઆરીના શુક્રવારે જ રજૂ થયેલી ‘રાજધાની એક્સપ્રેસ’, ‘મેરી શાદી કરાઓ’ કે ‘દેહરાદૂન ડાયરી’ પણ સરખો બિઝનેસ કરી શકી હોત. પરંતુ, દર અઠવાડિયે રજૂ થતી સરેરાશ ત્રણ ચાર ફિલ્મો પૈકીની કેટલીકને પ્રેક્ષકો તો ઠીક ઘણીવાર રિવ્યુ કરનારા પણ નથી મળતા! એટલે ‘ટેબલ નં ૨૧’ માટે આવતા વરસે આવા સમયે યોજાનારાં સંખ્યાબંધ ઍવોર્ડ ફંક્શન્સમાં પરેશભાઇ એકાદા વિભાગમાં નોમીનેટ થવાની શક્યતા ખરી. હવેના સમયમાં ઍવોર્ડની કૅટેગરી પણ કેવી કેવી હોય છે? ક્યારેક તો સામાજિક સેવા કરવાનો દાવો કરતી સંસ્થાઓની મિટીંગની માફક થતું હોય છે. “ફલાણા બેને આ કાર્યક્રમ માટે કલગી અને હારની કરેલી વ્યવસ્થાને કેમ ભૂલી શકીએ? હવે મુખ્ય મહેમાનશ્રી તેમનું ‘ફ્લાવર ઍરેન્જમેન્ટ’ માટે સન્માન કરશે...”ની તરહ પર હાજર ‘સ્ટાર’ પૈકીના મોટાભાગનાને ટ્રૉફી અપાય એવી કૅટેગરી રખાતી હોય છે. તેની સામે પહેલાંનો સમય યાદ કરીએ તો?

અગાઉ કોને ઍવૉર્ડ મળશે એની ઇન્તેજારી રહેતી અને પુરસ્કાર ચૂક્યાનો અફસોસ પણ પછીના વિવાદોમાં લાંબા સમય સુધી છવાયેલો રહેતો. હવે લગભગ દરેક ઍવૉર્ડ ફંક્શનમાં “આયેગા તો પાયેગા”ની વણલખી ગેરન્ટી હોય એવું લાગ્યા વિના ના રહે. ‘ઝી’ સિને ઍવૉર્ડમાં આ સાલ પૉપ્યુલર કૅટેગરીમાં સલમાનખાન (દબંગ-ટુ) અને પ્રિયન્કા ચોપ્રા (બરફી) તો જ્યુરીની પસંદગી તરીકે રણબીર કપૂર (બરફી) અને વિદ્યા બાલન (કહાની), જ્યારે ‘શ્રેષ્ઠ નવોદિત’ અભિનેતા તરીકે અર્જુન કપૂર (ઇશકજાદે) તથા આયુષ્યમાન ખુરાના (વિકી ડોનર) બન્નેને અને નવી અભિનેત્રી તરીકે પણ યેલેના ડી’ક્રુઝ (બરફી) તથા યામી ગૌતમ (વિકી ડોનર)ને સન્માનિત કર્યાં. તે સિવાય અનુષ્કા શર્માને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (જબ તક હૈ જાન) અને નવાજુદ્દીન સિદ્દીકી (ગેંગ્સ ઑફ વાસેપુર) તો રિશી કપૂર ખલનાયક તરીકે (અગ્નિપથ) અને અભિષેક બચ્ચન (બોલ બચ્ચન) કોમેડી ભૂમિકા બદલ સન્માનાયા 


એ બધું હજી પણ તો સમજાય એવું હતું. પરંતુ, શાહરૂખખાન અને કટરિનાને ‘ઇન્ટરનેશનલ આઇકન’ના ઍવોર્ડથી પુરસ્કૃત કરાયા યે બાત કુછ હજમ નહીં હુઇ! (શાહરૂખે યશ ચોપ્રાને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કરિશ્મા કપૂર, કટરિના અને અનુષ્કા શર્મા સાથે જરૂર પ્રસ્તુત કર્યો હતો.) યાદ હોય તો અગાઉ ૨૦૦૮માં ‘ઝી’ ઍવૉર્ડમાં શાહરૂખને  આવો જ એક ‘આઇકન’ ઍવૉર્ડ અપાયો હતો અને તે સાલ કટરિનાને ‘બ્રિટીશ ઇન્ડીયન એક્ટર’ ઍવૉર્ડ અર્પણ કરાયો હતો. તેનું કોઇ લોજીક નહતું. છતાં એ બન્ને એક્ટીંગમાં હોઇ હજીય સમજ્યા. પણ એ જ ફંક્શનમાં શાહરૂખની પત્ની ગૌરીને ‘ક્વીન ઑફ બૉલીવુડ’નો પુરસ્કાર અપાયો હતો! (એવો ખિતાબ ફરી કોઇને મળ્યો?) 

તેના આગલા વરસે ૨૦૦૭માં શાહરૂખ ‘એન્ટરટેઇનર ઓફ ધી યર’ના ઍવૉર્ડથી પુરસ્કૃત કરાયો હતો. આવી કોઇ કૅટેગરી હોય તો વાંધો જ ના હોય. પણ તો પછી દર સાલ તે વિભાગમાં નોમીનેશન થાય અને કોઇને કોઇ જીતે એવું થવું ના હોવું જોઇએ?
આ સાલ એવી એક પ્રથા પાડીને ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનાર ૮ દિગ્દર્શકોનું સન્માન કરાયું. અર્થાત કબીર ખાન (એક થા ટાઇગર), અરબાઝ ખાન (દબંગ-ટુ), રોહિત શેટ્ટી (બોલ બચ્ચન), અશ્વિની ધીર (સન ઑફ સરદાર), સાજીદ ખાન (હાઉસફુલ -ટુ), કરન મલ્હોત્રા (અગ્નિપથ), પ્રભુ દેવા (રાઉડી રાઠોર) અને અનુરાગ બાસુ (બરફી) એ તમામ સેન્ચ્યુરી બેટ્સમેનને ‘ઝી’નું એ આવકારદાયક  સન્માન મળ્યું. (અમુક વરસ પછી જ્યારે એક એક ફિલ્મ હજાર કરોડનો વકરો લાવતી થશે ત્યારે આ આંકડા કેવા લાગશે?!)

વળી હવે તો આવાં કેટલાંય ઍવૉર્ડ ફંક્શન થાય છે એ જોતાં કોઇ કલાકારના શો કેઇસમાં જો વધારે ટ્રોફી ના હોય  તો બેમાંથી એક જ શક્યતા હોય.... કાં તો તેને સ્ટેજ પર નાચવાનું અથવા કાર્યક્રમનું સંચાલન કરવાનું ફાવતું ના હોય અથવા તેના પીઆરઓ નબળા હોય! (ત્રીજી શક્યતા એ પણ ખરી કે એ આમિરખાન હોય!!) બાકી એક જમાનામાં ‘ફિલ્મફેર’ના એકલા ઍવૉર્ડ હતા, ત્યારે શરૂઆતનાં અમુક વરસો તો ગણત્રીની જ કૅટેગરી હતી. જેમ કે સંગીતને સન્માનવા માત્ર મ્યુઝિક ડીરેક્ટરનો જ પુરસ્કાર હતો. જ્યારે ‘બેસ્ટ સિંગર’નો ઍવૉર્ડ પ્રારંભ કરાયો ત્યારે તે વિભાગમાં પુરૂષ અને મહિલા બન્નેને સાથે હરિફાઇ કરવી પડતી અને એક જ વિજેતા થતા. ઠેઠ ૧૯૬૮માં પુરસ્કારની અલગ કૅટેગરી થઇ હતી. તે રીતે જોઇએ તો તે સમયની ઓપન સ્પર્ધામાં જીતેલા લતા કે રફીના ઍવૉર્ડ ક્વોલીટીની કેવી જોરદાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયા કહેવાય!

એમ તો ‘શ્રેષ્ઠ ખલનાયક’નો ઍવૉર્ડ પણ  અઠંગ વિલન પ્રાણ સાહેબ એ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધી ક્યાં હતો? ઠેઠ ૧૯૯૨માં શરૂ થયો અને ૧૫ વરસ પછી ૨૦૦૭માં તે બંધ કરી દેવાયો. કદાચ એક કારણ એ હશે કે મોટેભાગે એ ઍવૉર્ડ પણ નેગેટીવ ભૂમિકા કરનારા ‘હીરો લોગ’ને જ મળવા લાગ્યો હતો અને ખરેખરા વિલન બાપડા રહી જ જતા હતા. કડવી હકીકત તો એ હતી કે પ્રાણ અને તેમની હરિફાઇ જેમની સાથે હોત એવા અમજદખાન, પ્રેમ ચોપ્રા, અજીત, રણજીત તો ઠીક પણ ‘શ્રેષ્ઠ ખલનાયક’ તરીકેનો ઍવૉર્ડ ’૯૦ના દાયકાના અમરીશ પુરી જેવા ખુંખાર વિલન પણ એકેય વાર જીતી નહતા શક્યા! સોચો ઠાકુર!!
તિખારો!
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહીટ થવા નામ પાછળ કાં તો ‘ખાન’  અથવા ‘કપૂર’ હોવું જરૂરી મનાય છે. ત્યારે લગ્ન પછી કરિનાની કરિયર હજી કેવી સુપર થશે એ કલ્પી શકાય છેને? હવે તે લખાવે છે.... કરિના કપૂર ખાન!! 


Saturday, January 5, 2013

ફિલમની ચિલમ.... જાન્યુઆરી ૦૬, ૨૦૧૩





૨૦૧૨: ફિલ્મ ઉદ્યોગના ૧૦૦મા વરસે.... 
                            ‘સેન્ચુરી કી સવારી’!

નૂતન વર્ષ ૨૦૧૩ની શુભકામનાઓ આપતી વખતે રિવાજ મુજબ ૨૦૧૨ ઉપર ઉડતી નજર નાખીએ તો સમજાય કે વિતેલું વરસ એક ભરપુર ‘ગુજરાતી થાળી’ જેવું હતું. ચાર મિષ્ટાન્ન, ત્રણ ફરસાણ, બે લીલોતરી શાક, કઠોળ સાથે ચટણી, રાયતું, પાપડ-અથાણાં ઍન્ડ વૉટ નૉટ! વરસના અંતે સ્કોરકાર્ડ જુઓ તો કાજુ-પિસ્તા-બદામ ભરેલી મિઠાઇ જેવી ૧૦૦ કરોડની કમાણી કરાવનારી એક-બે નહીં આઠ ફિલ્મો હતી... ‘એક થા ટાઇગર’, ‘રાઉડી રાઠોર’, ‘દબંગ-૨’, ‘અગ્નિપથ’, ‘હાઉસફુલ-૨’, ‘બરફી’, ‘જબ તક હૈ જાન’ અને ‘બોલ બચ્ચન’! ક્રિકેટની ભાષામાં કહીએ તો એ બધા સેન્ચુરી સ્કોર કરનારા ખેલાડી હતા.



હજી જરાક જ ઉદાર થાવ અને તે શતક ટીમમાં ‘નર્વસ નાઇન્ટી’માં પહોંચી ચૂકેલા ‘સન ઑફ સરદાર’ (૮૮ કરોડ) અને ‘તલાશ’ (૯૦ કરોડ)ને પણ ઉમેરો તો ભારતીય ફિલ્મ ઉદ્યોગને પોતાના અસ્તિત્વના ૧૦૦મા વરસને રંગે ચંગે ઉજવવાનો ઉમંગ થાય એવો આર્થિક સ્કોર ચમકે છે. (સેન્ચુરી કી સવારી!) મઝાની વાત એ છે કે ગયા વરસની ‘ટૉપ ટૅન’માં સલમાન, શાહરૂખ, અજય, અક્ષય, રિતિક, અભિષેક, આમીર એમ ‘એ’ ગ્રેડના લગભગ તમામ એક્ટર્સની ફિલ્મો સમાવિષ્ટ છે. તેથી આનંદ એ વાતનો પણ થાય છે કે અભિનેતાઓ પોતાની ફિલ્મોની પસંદગી બાબતે આજકાલ ખાસ્સા એવા જાગૃત છે. હવે એક સાથે દસ ફિલ્મો કરીને દર મહિને એકની સરેરાશથી રિલીઝ થવા છતાં એકેય શુક્રવારે શક્કરવાર ના વળે એવું થવા દેવાને બદલે; એકાદ-બે જ ફિલ્મો આવે અને એ સો કરોડનો બિઝનેસ કરે એટલા માત્રથી સંતોષ માનતા થઇ ગયા છે!

વળી, ’૧૨ના વરસમાં વેરાયટી પણ કેટલી બધી હતી? એ ભારતીય પ્રેક્ષકની ટકોરાબંધ કદરદાની જ છે કે જો વાર્તા કહેવામાં દમ હોય, તો એ પિક્ચરને આઠે અંગે વધાવે છે.... પછી ભલેને તેમાં હીટ ફિલ્મોની કોઇ ફોર્મ્યુલા કે તેના જાણીતા સ્ટાર ના હોય! ગઇ સાલના સફળ પિક્ચર્સની જ વાત કરીએ તો તેમાં ‘પાનસિંગ તોમર’ જેવી કૃતિ પણ હતી, જેમાં ઇરફાનખાન હીરો હતા અને સ્ટોરી પણ એક રમતવીર ડાકુ બન્યાની હતી. તો ‘ગૅંગ્સ ઑફ વાસેપુર’માં બિહારનાં ગામડાંમાં ચાલતી આંતરિક લડાઇનો લોહીયાળ ચિતાર હતો. તેમાં તિગ્માંશુ ધૂલિયા જેવા દિગ્દર્શક ઍક્ટર તરીકે એવા જબરદસ્ત સાબિત થયા કે તેમને એકાદા એવોર્ડ ફંક્શનમાં ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ કે પછી ‘શ્રેષ્ઠ ખલનાયક’ જેવા પુરસ્કારથી નવાજાશે તો નવાઇ નહીં લાગે. ‘ગેંગ્સ...’ના બીજા ભાગમાં નવાજુદ્દીન સિદ્દીકી જેવા એક સાવ ઓછા જાણીતા એક્ટરની પ્રતિભા પણ નસીરુદ્દીન શાહ અને ઓમપુરીની શરૂઆતની ફિલ્મોની યાદ તાજી કરાવી દે એવી દેખાઇ છે.



૨૦૧૨ની સફળતાના ભરચક થાળમાં ‘ઓ માય ગૉડ’ પણ છે, જે એક ગુજરાતી નાટક પર આધારિત હતી અને પરેશ રાવલ જેવા મજબુત અભિનેતા તેના કેન્દ્રમાં હતા. તો ‘કહાની’માં આખી કહાણી વિદ્યા બાલનના ખરેખરા વિશાળ ખભા ઉપર જ ખેંચવાની હતી. છતાં એ સસ્પેન્સ થ્રિલરની સફળતાએ એ ફરી એકવાર સાબિત કર્યું કે શાથી ‘વિદ્યા બી’ને ટ્રેડના પંડિતો ‘ફિમેલ બીગ બી’ કહે છે! એ જ રીતે ‘ઇંગ્લીશ વિંગ્લીશ’માં પણ શ્રીદેવીની ઍક્ટીંવ વૅક્ટીંગની જ પરીક્ષા હતી અને તેને પણ ઑડિયન્સે ફુલ્લી પાસ કરી. ‘શાંઘાઇ’માં અભય દેઓલ હોવાને કારણે એક ખાત્રી તો હતી જ. જે રીતે તેનો એક અલગ પ્રકારના દર્શકોનો ક્લાસ ઉભો થયેલો છે, તેને લીધે તેની ફિલ્મને માફકસરનો વકરો મળવાની શક્યતા હવે તેનાં ચિત્રોના કથાનક જેટલી અનયુઝવલ નથી રહી. પણ વરસનું સૌથી મોટું સરપ્રાઇઝ કહેવાય ‘વિકી ડૉનર’. કેમકે સાવ અજાણ્યા આયુષ્યમાન ખુરાના નામના ઍક્ટરને લઇને વીર્યદાન જેવા તદ્દન પ્રાઇવેટ સબ્જૅક્ટ પર બનેલી ફિલ્મને પણ પ્રેક્ષકોએ રસપૂર્વક ઝીલી બતાવી. 



તે ઉપરાંત ‘જન્નત-ટુ’ અને ‘રાઝ-થ્રી’ પણ ઇમરાન હાશ્મીને લઇને બનાવેલાં મહેશ ભટ્ટનાં પિકચર હોઇ રાબેતા મુજબ ‘કીસ-મિસ’નાં દ્રશ્યોના પૂરતા પ્રમાણને કારણે બૉક્સ ઑફિસ છલકાવી હતી. સાવ નવા પણ ફિલ્મો સાથે સંકળાયેલાં પરિવારોનાં સંતાનોની ‘સ્ટુડન્ટ ઑફ ધી યર’ અને ‘ઇશકઝાદે’ જેવી અત્યંત યંગ સ્ટારકાસ્ટની ફિલ્મો પણ સારો આવકાર પામી. આજના સમયનાં જુવાનિયાંના પ્રણય ત્રિકોણની વાત કરતી ‘કૉકટેઇલ’માં હીરો સૈફ પોતાના જીવનમાં આવેલી બન્ને છોકરીઓને એક સાથે બેસાડીને આખું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે. આવું નવતર મિક્સ પણ મલ્ટિપ્લેક્સ ઑડિયન્સે પ્રેમ પૂર્વક ગટગટાવ્યું; એ પણ ફિલ્મોની સ્વીકૃતિની દ્રષ્ટિએ ૨૦૧૨ની ખુબ મોટી ઘટના હતી. વળી, આ તો માત્ર પૈસા કમાવી આપનારી ફિલ્મોનું જ ઉપલક સરવૈયું છે. તે સિવાય પણ અલગ વિષય ધરાવતી એવી ફિલ્મોનાં લેખાંજોખાં તો જુદાં કરવાનાં થાય, જે ફ્લૉપ ગઇ હોય અને તેના ઉપર રૂપિયા લગાવનારાઓ માટે તે ખોટનો વેપાર સાબિત થઇ હોય.

ખોટના ખાતામાં જો કે, દર સાલની માફક, ૨૦૧૨ના વર્ષમાં પણ કલાકારોની કાયમી એક્ઝીટની ખાસી એન્ટ્રીઓ પડી. તેમાં યશ ચોપ્રા જેવા સૌથી સફળ નિર્દેશક, રાજેશ ખન્ના સરખા સુપર સ્ટાર, એ. કે. હંગલની કક્ષાના ચરિત્ર અભિનેતા, માતૃમૂર્તિ અચલા સચદેવ, આધુનિક હનુમાન સ્વરૂપ દારાસિંગ, સિતારને પશ્ચિમમાં ગિટાર જેટલી જ લોકપ્રિય કરનાર રવિશંકરજી એમ યાદીમાં ૮૦-૯૦ વરસનાં ખર્યાં પાનથી માંડીને કૅમેરામેન બૉબી સિંગ અને હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટી સમા હજી ખુબ યોગદાન કરી શકવાની ઉંમરવાળા કલાકારોનો સમાવેશ થાય છે.

૨૦૧૨ના વરસ દરમિયાન કેટલીક હીરોઇનોની પણ વિદાય થઇ પોતપોતાના મનના માણીગરને ત્યાં ઘરસંસાર માંડવા! લગ્ન કરીને જનાર અભિનેત્રીઓમાં  કરિનાએ બીજવર સૈફ અલીખાન તો વિદ્યાએ ત્રીજવર સિદ્ધાર્થ રૉય કપૂરને પસંદ કર્યા. જ્યારે જેનીલિયાએ સાથી કલાકાર રીતિશ દેશમુખ સાથે અને એશાએ બિઝનેસમેન ભરત તખ્તાણી જોડે લગ્નજીવનનો આરંભ કર્યો. વરસ આખું સલમાન ખાન, રાની મુકરજી, જહોન અબ્રાહમ, સોહા અલી અને દિયા મિરઝાના લગ્નની અટકળો થતી રહી, જે હવે ‘શ્રી પુરાંત જણસે’ તરીકે નવા વરસમાં આગળ ખેંચવાની રહેશે.

વિતેલા વરસના સંગીતથી અમારા જેવા કવિતા અને મીઠી મધુરી ધૂનોના ચાહકોને નિરાશા થઇ હશે. કોઇ એકલ અવાજમાં શાંતિથી કર્ણપ્રિય અને ખાસ તો અર્થપૂર્ણ રચના ગાતું હોય એવાં ગાયન કેટલાં? મોટાભાગનાં ગીતોમાં થતા વિવિધ વાદ્યો અને એક કરતાં વધુ ગાયકોના અવાજને લીધે એ ‘હોલસમ’ને બદલે ‘હોલસેલ’ મ્યુઝિક વધારે લાગે. ક્યાંક ‘પોં પોં પોંપોંપોં’ તો અન્યત્ર ‘ચિટ ચિટા ચિટ’ અને ‘ટી ટી ટેં ટેં’ જેવા વિચિત્ર બોલ હોય. કોઇ ‘ફૅવીકોલ’ની જાહેરાત કરતું હોય તો વળી ક્યાંક ‘ચિકની ચમેલી’ તેના ચઢાવેલા ‘પૌવા’ની વાત શરીરના દક્ષિણાવર્તી હિસ્સાને ધ્રુજાવીને જણાવતી હોય! પણ એક મહિલાના નાચતા શરીરને ઘૂરતા ડઝનબંધ પુરૂષ ડાન્સર્સ એ કશુંય કોઇને અજુગતું નથી લાગતું, જ્યાં સુધી પિક્ચર હીટ થાય અને તેને પગલે તેનું મ્યુઝિક પણ કરોડોની કમાણી કરાવે.

ફિલ્મોને આજકાલ થતા એવા કરોડોના ધોધમાર આર્થિક પ્રવાહના પવિત્ર છાંટા મનોરંજનના ઘણાં અંગ પર પણ ઉડ્યા છે. હવે ‘પેટી’ (લાખ રૂપિયા)ની વાત ‘પેટી’ (મામૂલી) કહેવાય છે. હવે તો ‘ખોખા’ કહેતાં કરોડ જ ધંધાના વ્યવહારોની કરોડરજ્જુ  છે. દૂરની ક્યાં વાત છે? હજી ૨૦૦૦ની સાલમાં જ ‘કેબીસી’ની પહેલી સિઝન વખતે અમિતાભ બચ્ચનને દર એપિસોડના દસ-વીસ લાખ રૂપિયાની ફી અપાયાના (અને એના રૂડા પ્રતાપે બચ્ચન દાદાનો ‘દેવામુક્તિ યોગ’ આરંભ થયાના) સમાચાર ગૉસીપ કોલમોમાં આવ્યા ત્યારે અચરજ કરનારા સૌ, આજે કટરિના ચાર ઍવોર્ડ ફંકશનમાં ડાન્સ કરીને દસ કરોડ કમાવાની છે, એ ગૉસીપ જરાય અચકાટ વગર એક જ સીપે ગટગટાવી જાય છે. સોચો ઠાકુર!

તિખારો!


૨૦૧૨નું ફિલ્મી સરવૈયું અમદાવાદના વાચક અમિત શાહના ઇમેઇલમાં આમ હતું...
બોલ બચ્ચન, જબ તક હૈ જાન... ‘ઓ માય ગૉડ’!   ક્યું કિ ૨૦૧૨ કે સ્ટુડન્ટ ઓફ ધી યર ને બરફી ખિલાકર એજન્ટ વિનોદ કો સુનાઇ યે કહાની...  “હીરોઇન ઐયા કી તલાશ મેં વિકી ડૉનરને શાંઘાઇ સે ફેરારી કી સવારી કરકે ગેંગ્સ ઓફ વાસેપુર કે પ્લેયર્સ કો સન ઓફ સરદાર સે મિલકર ઇંગ્લીશ વિંગ્લીશ  કી કોકટેઇલ કે ચક્રવ્યુહ મેં ફસાયા...!”

Sunday, December 30, 2012

ફિલમની ચિલમ - ૩૦ ડીસેમ્બર, ૨૦૧૨


 એવોર્ડની મૌસમ આવી અને લાવી એક ‘પાકીઝા’ યાદ!

આવતી કાલે ૨૦૧૨નું વર્ષ વિદાય થઇ જશે અને પછી સિઝન શરૂ થશે વાર્ષિક સરવૈયાંની. દરેક ચેનલ કે અખબાર/સામયિક પોતાની રીતે ફિલ્મી દુનિયાના ‘ટૉપ ટૅન’ સમાચાર આપશે. કોઇના મતે ‘એક થા ટાઇગર’નો બસ્સો કરોડનો બિઝનેસ મોટા સમાચાર હશે તો અન્ય માટે વિદ્યાબાલનનાં લગ્ન! ક્યાંક સૈફ અલી ખાન સામે તાજમહાલ હોટલની રેસ્ટોરન્ટમાં સાઉથ આફ્રિકાના એક એનઆરઆઇ સાથે થયેલી મારામારીની પોલીસ ફરિયાદમાં તપાસને અંતે ચાર્જશીટ મૂકાયાના ન્યુઝ મોટા હશે તો વળી ક્યાંક ‘દબંગ-ટુ’નો પાકિસ્તાનની ટિકિટબારી પરનો પ્રથમ વીકનો બે કરોડનો વિક્રમ વકરો એ વરસની સૌથી નોંધપાત્ર ઘટના હશે.

વળી, કોઇ અન્ય માટે કમલ હસન પોતાની નવી ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને ૨૮મી ડીસેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવાના આગલા જ દિવસે ડીટીએચ દ્વારા ટેલીકાસ્ટ કરશે એ વર્ષની સૌથી ચોંકાવનારી ઘટના હશે. કેમ કે કમલહસન જેવા સુપર સ્ટારની એક તદ્દન નવી ફિલ્મ ટોકીઝમાં રિલીઝ થવાના આગલા દિવસે ઘેર બેઠા ટીવીના પડદે જોવા મળતી હશે તો થિયેટર્સની ધક્કા મૂક્કી કે ભીડમાં કોણ જશે? આ ક્રાંતિકારી પગલા સામે સિનેમાગૃહોના એસોસીએશનનો પ્રત્યાઘાત  જોવા જેવો હશે.

વરસ પૂર્ણ થતાં જ બીજી એક સિઝન આરંભ થશે, એવોર્ડ સમારંભોની. એટલે કે શાહરૂખખાનના સ્ટેજ પર્ફોર્મન્સની! છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મ ઉદ્યોગમાં એવી મજાક ચાલતી આવી છે કે શાહરૂખને એવોર્ડ મળવાનો હોય તો એ ફંકશનનું સંચાલન તો કરી આપે; સાથે સાથે વાજબી દરે એકાદ ડાન્સ પર્ફોર્મન્સ પણ કરે. જો કે ગંભીર હકીકત એ છે કે હવે પહેલાંની જેમ એક માત્ર ‘ફિલ્મફેર’ જ પુરસ્કાર આપે એ સ્થિતિ ક્યાં રહી છે?

આજકાલ તો એવોર્ડ લગભગ દરેક મેગેઝીન આપે છે. એટલે એક જો શાહરૂખને ‘જબ તક હૈ જાન’ માટે એવોર્ડ આપે તો બીજા સમારંભમાં ‘દબંગ-ટુ’ માટે સલમાન કે ‘બરફી’ના અભિનય બદલ રણબીર કપૂરને સન્માનાય. અન્ય કોઇ મિડીયા જુથ વળી અજય દેવગનનો ‘બોલ બચ્ચન’નો કે પરેશ રાવલનો ‘ઓ માય ગૉડ’માંનો અભિનય એવોર્ડ લાયક પ્રમાણિત કરે. વળી, બધાને ફંકશન વરસના પ્રારંભે જ કરી નાખવું હોય છે. તેથી આ સાલ જાન્યુઆરીમાં તો ગમ્મત એવી છે કે ‘ઝી’ના એવોર્ડ્સ છઠ્ઠી જાન્યુઆરીએ છે અને તેનું પ્રસારણ ૨૦મી જાન્યુઆરીએ હશે. આમ આ નિર્દોષ સમાચાર લાગે. પરંતુ, અન્ય બે મુખ્ય હરિફો એટલે કે ‘ફિલ્મફેર’ અને ‘સ્ક્રીન’ના એવોર્ડ સમારંભો પણ જાન્યુઆરીમાં યોજાવાની શક્યતા હોય છે. જો એમ થશે તો ‘ઝી’ના પ્રસારણનો સમય અન્ય એકાદા એવોર્ડ સમારંભના સમય સાથે ટકરાવાનો! એક જમાનામાં ચૂંટણી દરમિયાન સમાંતર સભા થતી એવો એ ઘાટ થવાનો.

જો કે અત્યારના એવોર્ડ સમારંભોમાં કલાકારોની કળાને  સન્માનવાની પરંપરાગત પ્રથા ક્યાં મુખ્ય રહી છે? હવે તો એવા પ્રોગ્રામ દરેક મિડીયા ગૃપ માટે  પોતાના  વાર્ષિક મિલન સમારંભ જેવા બની જતા હોય છે. તેથી આયોજકો માટે વધુમાં વધુ કલાકારોની હાજરી ઇજ્જત કા સવાલ હોય છે. ફંકશન દરમિયાન સૌ સ્ટાર્સનો મેળ-મેળાપ થાય અને તે પ્રોગ્રામ ટેલીકાસ્ટ થાય ત્યારે સ્ટાર પાવરને પગલે એ કાર્યક્રમને દર્શકો ભરપૂર મળી રહે, એવો ‘એક પંથ દો કાજ’નો એ ખેલ હોય છે.

તેથી એક ફંકશનમાં કટરિનાને ‘જબ તક હૈ જાન’ માટે ટ્રૉફી અપાય તો અન્ય હરિફ સમારંભમાં કરિનાને ‘હીરોઇન’ની તેની ઍક્ટિંગ માટે નવાઝાય. કોઇ વિદ્યા બાલનને ‘કહાની’ માટે યોગ્ય સમજે તો અન્ય વળી શ્રીદેવીને ‘ઇંગ્લીશ વિંગ્લીશ’ના તેના અભિનય માટે પુરસ્કૃત કરે! હીરો- હીરોઇન ઉપરાંતની  સપોર્ટીંગ એક્ટર્સથી લઇને બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર અને શ્રેષ્ઠ ગાયક સુધીની કેટકેટલી કેટેગરી હોય છે. ફિલ્મ ઉદ્યોગના દરેક વિભાગના સૌ ભેગા થવાના હોય છે અને મોટેભાગે ‘અહો રૂપમ અહો ધ્વનિ’ના ન્યાયે બધા એક બીજાના ગુણગાન જ ગાવાના હોય છે. ત્યારે એકાદા સુપર સ્ટારને તગડી રકમ આપવી પડે તો પણ તેના પૈસા ટેલીકાસ્ટના રાઇટ્સમાંથી વસુલ થઇ જાય.

એ રીતે જોઇએ તો સંખ્યાબંધ સમારંભોને લીધે એવોર્ડ હવે લપટા પડી ગયા કહેવાય! તેથી જ આમીરખાન જેવા અભિનેતા તો એવોર્ડ સમારંભમાં જતા જ નથીને? આ સાલ ‘તલાશ’ માટે તેમને કેટલા આયોજકો અથવા તેમના મતદારો અને/અથવા જયુરી નોમિનેટ કરે છે એ જોવા જેવું હશે. બાકી એક સમય હતો જ્યારે એક માત્ર ફિલ્મફેર એવોર્ડ મહત્વના હતા અને તે વખતે તો તેના નોમિનેશન્સ જાહેર થાય તેની જ કેટલી બધી ઇન્તેજારી રહેતી? કેમ કે એ અંગ્રેજી ‘ફિલ્મફેર’ અને હિન્દી ‘માધુરી’ એમ ‘ટાઇમ્સ’નાં બે માતબર ફિલ્મી સામયિકોના દેશભરના વાચકોના મતદાનના આધારે નક્કી થતા. પછી પુરસ્કાર જાહેર થતા અને ત્યાર બાદ સમારંભ થતો. ક્યારેક કોઇ કલાકારને ખાંચો પડતો ત્યારે પુરસ્કાર નહીં સ્વીકારવાનું જાહેર કરીને જે સનસનાટી કરતા તે એવોર્ડ લેવા કરતાં પણ વધારે યાદ રહે.

જેમકે વૈજયન્તિમાલાએ કરેલો ‘દેવદાસ’ માટેના એવોર્ડનો ઇન્કાર! બિમલ રોયની એ અમર કૃતિ માટે તેમને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ જાહેર થયો હતો. પરંતુ, વૈજયન્તિમાલાએ એમ કહીને તેનો અસ્વીકાર કર્યો હતો કે ફિલ્મમાંનું ‘ચંદ્રમુખી’નું પોતાનું પાત્ર નાયિકાનું હતું. એટલે પોતે ‘સહાયક’ નહીં ‘મુખ્ય અભિનેત્રી’ હતાં! એ જ રીતે અત્યારે તબિયત નાદુરસ્ત હોવાના કારણે જે સમાચારોમાં રહે છે, તે બુઝુર્ગ અભિનેતા પ્રાણ દ્વારા ‘ફિલ્મફેર’નો ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’નો પુરસ્કાર ઠુકરાયાની કહાની પણ રસપ્રદ છે.

એ આખો બનાવ પ્રાણ સાહેબને છપ્પનની છાતીવાળા વ્યક્તિ સાબિત કરે છે. ‘૭૦ દાયકાના શરૂઆતના તે દિવસોમાં એવોર્ડ માટે કલાકારોને નોમિનેટ કરવા ભરવાનાં ફોર્મ માટે નિર્માતાઓ બજારમાંથી એ સામયિકોના જે તે અંક જથ્થાબંધ ખરીદી લાવતા. પછી તેમની ઓફિસમાં જ ઢગલાબંધ  ફોર્મમાં પોતાની જ ફિલ્મના કલાકારોને બધી અગત્યની કેટેગરીમાં નોમિનેટ કરાવતા. (આ વાત એક ગુજરાતી પીઆરઓએ વરસો પહેલાં જાહેર કરેલી.) 



પ્રાણને તે વરસ ૧૯૭૨માં ‘બેઇમાન’ના તેમના અબિનય માટે ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ જાહેર થયો હતો. એ જ ફિલ્મ ‘બેઇમાન’ને અન્ય પુરસ્કારો ઉપરાંત ‘બેસ્ટ મ્યુઝિક’નો એવોર્ડ પણ ઘોષિત થયો હતો. ત્યાં જ પ્રાણ સાહેબને વાંધો પડ્યો!  પ્રાણે પોતાનો ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ એમ કહીને સ્વીકારવાનો ઇનકાર કર્યો કે ‘શ્રેષ્ઠ સંગીતકાર’ની ટ્રૉફી ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદને મળવી જોઇએ અને ‘બેઇમાન’ના મ્યુઝિક ડીરેક્ટર્સ શંકર જયકિશનને નહીં! કેટલા કલાકારો આટલી હિંમત ધરાવતા હશે? કે પોતાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હોય એ જ પિક્ચરના સંગીતને મળેલો પુરસ્કાર યોગ્ય નથી એમ કહેવા પોતાની ટોફી નકારે? ફિલ્મી દુનિયા સંબંધોની દુનિયા કહેવાય છે. અહીં કોઇ સાથી કલાકાર-કસબી નારાજ થાય એવું પોલીટિકલી ઇનકરેક્ટ પગલું કોઇ ના ભરે. જ્યારે પ્રાણ સાહેબે એક એવા સંગીતકારનો પક્ષ લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો જે દુનિયામાં હયાત પણ નહતા! ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદનો તો ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જ દેહાંત થઇ ચૂક્યો હતો.

પ્રાણનો એ વિરોધ કેટલો વાજબી હતો કે ‘પાકીઝા’નાં તમામે તમામ ગીતો આજે ૪૦ વરસ પછી પણ સ્મૃતિમાં એવાં જ તાજાં છે. યાદ છેને આ બધાં ગાયનો?... “ઇન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરા...”, “ઠાડે રહીયો અય બાંકે યાર રે...”, “ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો...” “આજ હમ અપની દુવાઓં કા અસર દેખેંગે...”, મૌસમ હૈ આશિકાના અય દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના...” અને “ચલતે ચલતે યું હી કોઇ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે...” તમે જ કહો આ પૈકીનું કોઇ પણ ગાયન તમે ભૂલ્યા છો? સોચો ઠાકુર!

તિખારો!
પ્રાણ સાહેબને ‘બેઇમાન’નું જે મ્યુઝિક ‘પાકીઝા’ના સંગીત સામે ઉતરતું લાગ્યું હતું,  તેનું જ એક ગીત શ્રેષ્ઠ ગાયક (મુકેશ) અને ગીતકાર (વર્મા મલિક)ના પણ ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું હતું. તેના શબ્દો આવા હતા... “ના ઇજ્જત કી ચિંતા, ના ફિકર કોઇ અપમાન કી, જય બોલો બેઇમાન કી, જય બોલો”!!