અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં.....
યે હૈ બોમ્બે મેરી જાં!
ફિલ્મોના
બિઝનેસમાં આજકાલ પૈસા પાવડે પાવડે જ નહીં જેસીબી મશીનથી ઉલેચવાની તક હોય છે. પરંતુ,
તે માટે ફક્ત તમારું પિક્ચર સારું હોય એ પૂરતું નથી હોતું. બલ્કે મુવી કચરો હોય તો
પણ દેખતે ડોળે તેમાં કૂદકા મારે અને કચરામાંથી સોનાના બિસ્કીટ બનાવી આપે એવી આપણી પ્રજા
છે. તેને માટે નિર્દયી પ્લાનિંગ જોઇએ. દિવાળીના બોનસ વખતે એક જમાનામાં ઉઘરાણી કરવા
મીલના ઝાંપે ઉભા રહેતા પઠાણની જેમ ફિલ્મ મેકરે વર્તવાનું. પબ્લિક પાસે પૈસાની છુટ હોય
એવા દિવાળી, ઇદ કે પછી નાતાલ જેવા તહેવારોની રજાઓનો મેળ પડતો હોય એ સમયે ખિસ્સાં હલકાં
કરવા ઠેર ઠેર એટલે કે દરેક સિનેમામાં પોતાના ‘લઠધારી લાલા’ની માફક એક જ પિક્ચર ઉભું
હોય. ફિલમનું પ્રમોશન કરવા ચેનલોને ભારે રકમ ચૂકવીને ટીવીના બહુ જોવાતા ડાન્સ કે કોમેડીના
શોમાં અથવા ‘બીગ બોસ’ સરખા ઇન્ટરેસ્ટીંગ રિયાલીટી શોમાં સ્ટાર્સની ટીમ કે તેના લોકપ્રિય મેમ્બર્સ હાજર રહે અને ઉત્કંઠા વધારે.
એ
બધાની સાથે, પઠાણી લાલાઓ જેવા ઢગલાબંધ સ્ક્રીન્સ તમારી ફિલ્મને મળ્યા હોય તો કેવો ફરક પડે એ ‘હેપ્પી ન્યૂ યર’ કે ‘કીક’
જેવી ફિલ્મોના આંકડાઓ પરથી પણ સમજાય. સલમાનની ‘કીક’ ૫૨૦૦ પડદા પર રિલીઝ થઈ હતી, તો
શાહરૂખની ‘હેપ્પી ન્યૂ યર’ નો આંકડો છ હજાર સ્ક્રીન્સનો હતો! તેની સામે અજય દેવગનની
આ સપ્તાહે રિલીઝ થતી ‘એક્શન જેક્સન’ ૩૬૦૦ પડદા પર મૂકાઇ રહી છે. તેના પ્રચાર માટે હીરોઇન
સોનાક્ષી સિન્હા ‘બીગ બોસ’ના સેટ પર ગઈ. પણ સલમાન જેવા હરીફ હીરો પાસે પ્રચાર માટે
જવું એ અજયના સ્વભાવને અનુકૂળ થાય એમ નહતું.
અજયને પોતાની ફિલ્મનો પ્રચાર કરવાની તક રજત શર્માની ‘આપકી અદાલત’ના ૨૧ વર્ષની ઉજવણી
વખતે પણ હતી. પરંતુ, ત્યાં ત્રણ ખાન એક સાથે ભેગા થયાના દુર્લભ પ્રસંગની પબ્લિસિટીમાં
અજય અને સોનાક્ષીની કે પછી ફોર ધેટ મેટર, શિલ્પા શેટ્ટી, રાની મુકરજી કે અનિલ કપૂર
અથવા હેમા માલિની અને અનુપમ ખેર જેવા સૌ સ્ટાર્સની ઉપસ્થિતિ પણ રેસના રિપોર્ટમાં કહેવાતા
‘ઑલ્સો રૅન’ની જેમ મામુલી ઉલ્લેખ પામીને ઢંકાઇ ગઈ.
ખાન
ત્રિપુટીને અપાતા અસાધારણ મીડિયા કવરેજથી અજય દેવગન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સ્વાભાવિક
જ નારાજ છે. સલમાન, શાહરૂખ અને આમિર કે પછી અન્ય કોઇ સ્ટારનું નામ પાડ્યા વગર એ બન્નેએ
તાજેતરના લગભગ એક સરખા ઇન્ટર્વ્યૂથી એમ કહ્યું કે જે એક્ટરો સ્ટીરોઇડના ઉપયોગથી રાતોરાત
સિક્સ પેક અને હવે તો એઇટ પેક્સ પણ બનાવતા થઈ ગયા છે, તેમને તેના ભયસ્થાનોની કદાચ ખબર
નથી. તેનાથી લાંબા ગાળે સ્નાયુઓ ઢીલા પડી જતા હોય છે. અક્ષય પોતે કરાટે અને માર્શલ
આર્ટનો ખેલાડી છે. તેણે એક માત્ર સની દેઓલને સાચા કસરતી સ્ટાર કહ્યા. હકીકતમાં સમય
તો એવો આવ્યો છે કે કોઇ પિક્ચરમાં હીરો શર્ટ ઉતાર્યા વિના રહી બતાવે તો ઇતિહાસ થઈ જાય.
હવે તો વાત એવી વણસી ચૂકી છે કે ઇવન ગોવિન્દાના પણ સિક્સ પેકવાળા, શર્ટ ઉતારેલા, ફોટા
(ભલે ફોટોશોપ કરેલા!) પણ ‘કીલ/દિલ’ની પબ્લિસિટીમાં
દેખાયા હતા. બાકી એક્શન હીરો કે એંગ્રી મેન
દેખાવા એવા કોઇ મસલ્સ બતાવવાની અમિતાભ બચ્ચન કે સંજીવકુમારને કદી જરૂર પડી નહતી. તેમની
આંખોમાંથી વરસતો ધગધગતા લાવા જેવો ગુસ્સો જ કાફી હોય! અમિતાભને તેથી જ તો હજી આ ઉંમરે
પણ ફિલ્મો મળ્યા કરે છે. આ સપ્તાહે વાત બહાર આવી કે ‘કેબીસી’ની આઠમી સિઝન પતાવીને
‘દાદા’એ ફરહાન અખ્તર જેવા જુવાનિયા દિગ્દર્શકની
ફિલ્મ ‘વઝીર’નું શૂટીંગ કરવાની તારીખો આપી દીધી છે. એ જ રીતે બચ્ચન દાદાનાં કૂળવધુ
ઐશ્વર્યાએ પણ કરણ જોહરને નવા વરસના શેડ્યુઅલમાં ડેટ્સ આપી છે. કરણની રણબીર, ઐશ્વર્યા
અને અનુષ્કા શર્માની એ ફિલ્મનું નામકરણ પણ થઈ ગયું છે... તેને કહેવાશે, ‘અય દિલ હૈ
મુશ્કિલ’, જે દેવ આનંદની એક હીટ ફિલ્મ ‘સી આઇ ડી’ માટે મજરૂહ સુલતાનપુરીએ લખેલા ગાયનના
શબ્દો છે.
એ
ગીતની પ્રથમ પંક્તિઓ ‘અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં, જરા હટકે જરા બચકે યે હૈ બોમ્બે
મેરી જાં...” જેમને હૈયા સોંસરી ગઈ હશે એવા કલાકાર દેવેન વર્માનું બીજી ડીસેમ્બરે પુના
ખાતે અવસાન થયું. પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવા
જનાર કલાકારને ‘અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં...’નો અનુભવ થયો હશે. દેવેન વર્માને મોટાભાગના
સૌ એક કોમેડિયન તરીકે ઓળખે છે અને ત્રણ ત્રણ વખત એ બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ જીત્યા
હોઇ એ સ્વાભાવિક પણ છે. પરંતુ, તેમની પ્રારંભિક ફિલ્મ ‘દેવર’ના પ્રણય ત્રિકોણમાં ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર સાથેનું એ ત્રીજું
પાત્ર હતા. તો એ જ ત્રિપુટી વળી ‘અનુપમા’માં પણ હતી. દેવેન વર્મા સુપર હીટ ફિલ્મ ‘મિલન’માં નૂતનના પતિની ભૂમિકામાં પણ હતા. એક ‘ડિસન્ટ એક્ટર’ તરીકેનો તેમનો
પ્રારંભ હતો. ચહેરાથી અને પર્સનાલિટિના કોઇ એંગલથી એ જેન્ટલમેન લાગે અને કદાચ તેથી
જ તો તેમની કોમેડીમાં ભદ્દાપણું નહતું.
દેવેન
વર્માને પ્રથમ એવોર્ડ અપાવનાર પાત્ર ‘ચોરી મેરા કામ’માં હતું અને તેમાંના ગુજરાતી
‘પરવીણભાઇ’ની તે સાલ સ્પર્ધા કોની સાથે હતી? ‘શોલે’ના ‘અંગ્રેજો કે જમાને કે જેલર’
અસરાની સાથે! ત્રણ જ વરસના અંતરાલ પછી ‘ચોર કે ઘર ચોર’માં તેમને ફરી એકવાર ફિલ્મફેર
ટ્રોફી મળી અને જ્યારે ગુલઝારનું ‘અંગૂર’ આવ્યું, ત્યારે તો એ એક મંજાયેલા હાસ્ય કલાકાર
થઈ ચૂક્યા હતા. એટલે એ વર્ષે ‘શૌકીન’માંના ઉત્પલ દત્ત અને ‘ખુદ્દાર’ના મેહમૂદને પાછળ
રાખીને નોકર ‘બહાદુર’ના ડબલ રોલમાં સંજીવ કુમાર સામે સરખે સરખા ઉતરનાર દેવેન વર્મા
વિજેતા બન્યા ત્યારે બહુ ઓછાને આશ્ચર્ય થયું હતું. તે સાલ ‘બેસ્ટ કોમેડિઅન’ના વિભાગમાં
દેવેન વર્માના સસરા અશોક કુમાર પણ ‘શૌકીન’ માટે ઉમેદવાર હતા. અશોક કુમારનાં પુત્રી
રૂપા સાથે દેવેન પરણ્યા હતા. જે જમાનામાં (’૬૦ના દાયકામાં) મેટ્રીક પાસ અભિનેતા પણ
માંડ મળતા એવા સમયમાં દેવેન વર્મા પોલીટીક્સ અને સોશ્યોલોજી સાથે ગ્રેજ્યુએટ થયેલા
અને છ મહિના લૉ કોલેજમાં પણ ભણી આવેલા એજ્યુકેટેડ એક્ટર હતા. એટલે જ કદાચ તેમની કોમેડીમાં
એક સ્તર રહેતું.
દેવેન
વર્માએ ‘ડબલ મિનિંગ ડાયલોગ’વાળી કોમેડી કદી ના કરી. તેમની શાલિનતાને કારણે જ એ હૃષિકેશ
મુકરજી, ગુલઝાર અને બાસુ ચેટરજી જેવા ભદ્ર સર્જકોની કોમેડીનો હિસ્સો હતા. તેમનો શર્મિલા
ટાગોર જેવી તે સમયની ઇન્ટેલીજન્ટ એક્ટ્રેસ ગણાતી હીરોઇન અને તેમના શાર્પ હ્યુમરવાળા
પતિ પટૌડીના નવાબ સાથે ઘરોબો હતો. શર્મિલાજીને તેમણે પોતે પ્રોડ્યુસ કરેલી ‘બેશરમ’માં
અમિતાભ સામે લીધાં હતાં. તે વખતે સૈફના જન્મ પછી શર્મિલા ફરી પ્રેગ્નન્ટ હતાં. તેમનો
‘બેબી બમ્પ’ દેખાવો શરૂ થાય તે પહેલાં શૂટીંગ પૂર્ણ કરવા હીરોઇનને શેડ્યુઅલની રીતે
જરૂરી તમામ સગવડો આપી હતી; એ વાત શર્મિલાજીએ પોતાની શ્રધ્ધાંજલિમાંણ કહી છે. એવા
સહ્રદયી ઇન્સાનને મુંબઈની ઝડપથી બદલાતી જતી ફિલ્મી દુનિયામાં એડજસ્ટ થવાનું કદાચ સંભવ
નહતું લાગતું. સદા હસતા-હસાવતા દેવેન ગંભીર થઈ ગયા હતા. તે અરસામાં એ મુંબઈ છોડીને
પુના રહેવા જતા રહ્યા અને પોતાના ત્રીસ વરસના સાથી એવા ડાયાબીટિસ સાથે જીવનના અંત સુધી
તે જ શહેરમાં રહ્યા. એવા એક શાલિન અભિનેતાના આત્માને પ્રભુ શાંતિ અર્પો!
No comments:
Post a Comment