Sunday, December 14, 2014

ફિલમની ચિલમ.... ડીસેમ્બર ૧૪, ૨૦૧૪




‘રીમેક ઇન ઇન્ડિયા’ ફોર્મ્યુલા હવે જોખમમાં?


“જ્યારે એમ લાગતું હતું કે સાજિદ ખાનની ‘હમશકલ્સ’ ૨૦૧૪ના વર્ષની સૌથી ખરાબ ફિલ્મ તરીકે બિનહરીફ રહેશે, ત્યાં જ તેને પછાડી શકે એવી ‘ઍક્શન જૅક્સન’ આવી છે!” અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની તાજી રિલીઝ થયેલી ફિલ્મ ‘ઍક્શન જૅક્સન’ને મળેલા આવા રિવ્યુ જોતાં એમ લાગે છે કે સેન્સર બોર્ડને ફરી એક વાર કડકાઇ કરવાની કડક માગણી થશે! ફિલ્મમાં જે પ્રકારે સ્ત્રીઓનું ચિત્રણ કરાયું છે, તે સામે વધારે પસ્તાળ પડી રહી છે. તેમાં પણ સોનાક્ષીનું પાત્ર એમ સમજે કે વસ્ત્રહીન દશામાં પુરૂષને (એટલે કે ‘નગ્ન દેવગ્ન’ને!) જોવાથી તેનું નસીબ ખુલી જશે, એ આજ સુધીનું સૌથી નિમ્નસ્તરનું પાત્રાલેખન કહેવાયું છે. એક અવલોકનકારે તો ‘એક્શન જેકસન’ને સોનાક્ષી સિન્હા, અજય દેવગન અને દિગ્દર્શક પ્રભુ દેવાએ પ્રેક્ષકો ઉપર સામૂહિક ઉલ્ટી કરી છે, એમ પણ લખી દીધું છે. આ બધાને કારણે સેન્સર તો જ્યારે જાગશે, ત્યારે ખરું; પણ સવાલ સોનાક્ષી જેવી ‘એ’ ગ્રેડની હીરોઇન અને અજય દેવગન સરખા ૧૦૦ કરોડના બિઝનેસ લાવનારા હીરો માટે વિશેષ થાય છે. એ કોઇ “અમે તો દિગ્દર્શકના કહેવા પ્રમાણે કામ કર્યું” જેવા જવાબ આપીને છટકી નહીં શકે, કારણ કે આજકાલ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ તરફ પણ વિશ્વની નજર છે.

શું એ સૌ જાણતા નથી કે આવી ટોપ ગ્રેડની સ્ટારકાસ્ટવાળી ફિલ્મ અત્યારના સમયમાં તો વિદેશોમાં પણ મોટાપાયે રજૂ થતી હોય છે? તેને કારણે પડદા પર થતા એક્શન્સને જોનારા વિદેશી જેક્સન્સ પણ હોય છે. ઑલરેડી ભારતની છબી, સ્ત્રીઓ પર થતા બળાત્કારની રોજીંદી ઘટનાઓને કારણે ખરડાયેલી જ છે અને તેના ઉપર આ ઉલ્ટી? વળી, પરદેશીઓની ચિંતા પછી કરીએ, દેશવાસીઓને સ્ત્રીની કેવી પ્રતિમા રજૂ કરવા માગીએ છીએ, એ આવા દરેક પાત્રાલેખન વખતે થતો મોટો સવાલ છે. ‘ઍક્શન જૅક્સન’ના ડાયરેક્ટર પ્રભુ દેવા હોઇ દક્ષિણની ફિલ્મોની જેમ દરેક વાતમાં અતિશયોક્તિ હોવાનો ભય તો રહે જ. પરંતુ, ગાયનમાં એકાદ બે માટલાંની જગ્યાએ સેંકડો અને તે પણ કલરફુલ મટકીઓ મૂકવી એ આંખ માટે ‘તોહફા’ સમાન લાગી શકે. અથવા હીરો બે ત્રણ ગુંડાને બદલે પચાસ - સાઇઠને મારી હરાવે અને તે પણ એક ફેંટમાં આઠ-દસને હવામાં ફેંકી દે એ અતિશયોક્તિ બાળકોને (દરેક ઉંમરનાં બાળકોને!) મઝા કરાવી શકે. પરંતુ, પાત્રાલેખનમાં અતિ? અને આ માત્ર અજય દેવગનની કે સોનાક્ષીની જ વાત નથી. એ સલમાન, શાહરૂખ જેવા મોટા સ્ટાર્સની ફિલ્મોમાં પણ નાના મોટા પ્રમાણમાં હોય જ છે. તેમાં પણ દક્ષિણની કોઇ ફિલ્મની રીમેક બને ત્યારે  તો ખાસ. પણ આ સાઉથના રીમેકની ફોર્મ્યુલા ક્યાં નવી છે?

‘રીમેક ઇન ઇન્ડિયા ફ્રોમ સાઉથ ઇન્ડિયા’ના સુત્ર આધારિત ફિલ્મો ’૬૦ના દાયકામાં સૌથી વધુ બની હતી.  મદ્રાસનાં જેમિની, પ્રસાદ, એવીએમ જેવાં બેનર્સની કૌટુંબિક કથાનાં ચિત્રો એક વાર તેલુગુ કે તામિલમાં બનીને ત્યાં હીટ થાય એટલે તેની હિન્દી આવૃત્તિ બનાવીને દેશભરમાં રજૂ કરાતી. તે દિવસોમાં ‘સસુરાલ’ હોય કે ‘હમરાહી’, ‘દો કલિયાં’ કે પછી ‘ઝિંદગી’ એ સુપર હીટ થતી. પરંતુ, કાળ ક્રમે એ અતિશયોક્તિથી પણ લોકો થાક્યા હતા. દરેક પિક્ચરનો હીરો કોલેજમાં પહેલા નંબરે જ પાસ થાય એ કોણ માને? (રાજેન્દ્ર કુમાર જેવા હીરો મોટી ઉંમર સુધી હીરો બનતા તેને નિશાન સાધીને અમુક લોકો તે દિવસોમાં એમ કહેતા કે ૪૨-૪૫ વરસના થાય ત્યાં સુધી કોલેજમાં ભણ ભણ કરે તો પછી પહેલો નંબર જ લાવેને?!) કે પછી સાસરીયામાં દુઃખ વેઠતી નારીની વેદનાને નામે આંસુથી લોટ બાંધતી નાયિકાની રોટલી તો ઠીક, એ અતિશયોક્તિ પણ કોના ગળે ઉતરે? ધીમે ધીમે એવાં પિક્ચરો ઓછાં ચાલતાં એ ચાલ અટક્યો હતો. છેવટે તો પ્રેક્ષકો જ અન્નદાતા છેને? એ ડાટા મારે એવા કોઇ ના મારે! હવે પણ એવો સમય આવ્યો હોય એવા બોક્સ ઓફિસના ડાટા એટલે કે ડેટા અર્થાત આંકડા છે.


‘ઍક્શન જૅક્સન’ને શરૂઆતના દિવસોમાં પ્રભુ દેવાની અગાઉની ‘રાઉડી રાઠૌર’ અને ‘આર... રાજકુમાર’ને લીધે ઑડિયન્સ મળ્યુ અને ચાલીસ કરોડના આંકડે પહોંચાયું. પણ તે પછી એ પચાસનો આંકડો પહોંચી શકશે કે કેમ એ સવાલ છે. એ જ હાલ ‘ધર્મા પ્રોડક્શન’ની ‘ઉંગલી’ના છે. એ કોમેડી પિક્ચરમાં ઇમરાન હાશ્મી, કંગના, સંજયદત્ત, રણદીપ હુડા જેવા કલાકારો હોવા છતાં એ પણ પહેલા સપ્તાહે જ ડચકાં ખાતી હતી. ત્યારે ‘એક્શન જેક્સન’ ઉપર તો ૭૫ કરોડ લાગેલા છે. તેના રિવ્યુમાંની ટીપ્પણીઓ વાંચીને ‘એ પિક્ચર એવું તે કેવું ખરાબ છે?’ એમ વિચારીને જોવા જનારાઓ પણ પડતર કિંમતને પરત લાવી શકે એવું હાલ તો દેખાતું નથી. અજય દેવગનને કદાચ પહેલેથી ખ્યાલ આવી ગયો હતો. તેથી પ્રમોશનમાં તેની ઉદાસીનતા હતી એમ કહેનારા પણ છે. (ફિલ્મમાંના તેના ડબલ રોલને ધ્યાનમાં રાખીને કેટલાક કહે છે કે ‘ઍક્શન જૅક્સન’ એ અજય દેવગનની ‘હમશકલ્સ’ છે!) જ્યારે પ્રભુ દેવા સાથે સળંગ ત્રીજી ફિલ્મ કરનાર સોનાક્ષી ‘ઍક્શન જૅક્સન’નો પ્રચાર કરવા નિષ્ઠાપૂર્વક ઉતરી હતી. પણ એટલી ધમાલમાં પણ એ પોતાના પિતા શત્રુઘ્નસિન્હાની બર્થડે માટે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરવાનું ચૂકી નહતી.   

એ પાર્ટી આમ તો ‘સરપ્રાઇઝ’ હતી. પણ તે સરકારી અધિકારીઓ કરે એવી સરપ્રાઇઝ! જાણો છોને? ગવર્મેન્ટ ઓફિસોમાં સાહેબના આવતા પહેલાં સૌને ખબર હોય કે ફલાણી તારીખે સર સરપ્રાઇઝ ચેકીંગમાં આવવાના છે. એ રીતે શત્રુ ભૈયાને ખબર હતી કે દીકરી અને દીકરાઓ લવ અને કુશ આવું આયોજન કરી રહ્યા છે. એટલે ૯મી ડીસેમ્બરે જ્યારે તેમનાં સંતાનોએ ખાનગીમાં નિમંત્રેલા મહેમાનોને અચાનક રજૂ કરીને ‘હેપ્પી બર્થડે’ ગાયું ત્યારે શત્રુએ પણ પોતાના મિત્રોને જોઇને આશ્ચર્યમાં પડી ગયાનો અભિનય કર્યો હતો. પાર્ટીનાં વાસણો અવેર્યા પછી ખુદ બર્થડે બોયે આ ખુલાસો કર્યો હતો. તે પછી જો કોઇએ આમ કરવાનું કારણ પૂછ્યું હોત તો શત્રુ ભૈયા શું જવાબ આપત? “જો એક્ટીંગ પોતાના કુટુંબીજનોને જ ખુશ કરવામાં કામ ના લાગે તો એ એક્ટીંગ શું કામની?...... ખામોશ!”

તિખારો!
એક સમયે ‘માબાપ’, ‘ભાઇ ભાઇ’, ‘છોટી બહન’, ‘બહુરાની’, ‘બડી દીદી’, ‘દેવર’, ‘ભાભી’, ‘મેરે ભૈયા’ વગેરે જેવી પારિવારિક સગાઇઓનાં નામવાળી ફિલ્મોનો અતિરેક થયો ત્યારે ‘મેરા નામ જોકર’ પહેલાં ‘મેરા નામ જોહર’ની જાહેરાત કરીને રાજકપૂરની પણ મજાક કરનાર ઇન્ટેલીજન્ટ કોમેડિયન આઇ.એસ. જોહરે તેમની સ્ટાઇલમાં કોમેન્ટ કરી હતી કે “હવે હું પણ એક ફેમીલી પિક્ચર બનાવીશ અને તેનું નામ રાખીશ.... ‘મેરે સાલે’!!” 



No comments:

Post a Comment